sat-fera-gujarati-story

સાત ફેરા…!!

“વહી હોતા હે જો મંજૂરે ખુદા હોતા હે” આ સત્ય દરેક વ્યક્તિના જીવનને લાગુ પડે છે. પણ મેં ક્યારેય આ કહેવત પર વિશ્વાસ નહોતો કર્યો. મને ક્યારેય આવી કહેવતો પર ભરોસો ન હોતો. કહેવાય છે ને કે આ બધા સત્યો ક્યારેકને ક્યારેક લોકોની જીભ પર આવી જ જાય છે ગમે તે સમયે ગમે તેને સમજાવવા માટે, ગમે ત્યાં દ્રષ્ટાંત દ્વારા સમજાવવા માટે, ગમે  ત્યાં પોતાની વાતને ચોટદાર રીતે રજુ કરવા લોકોની જીભ પર ગમે ત્યારે આવી કહેવતો આવી જતી હોય છે એ તો હું જાણતો હતો પણ ગમે ત્યારે ગમે તે વ્યક્તિના જીવનમાં પણ આ કહેવતો લાગુ પડી જતી હોય છે એ બાબતથી હું છેક જ અજાણ હતો.

આજે હું એ ઘટના રજુ કરવા જાઈ રહ્યો છું જે ઘટના બાદ હું સંજોગમાં માનવા લાગ્યો. હું એ પહેલા ક્યારેય સંયોગ કે નિયતિ નામના શબ્દોમાં વિશ્વાસ નહોતો કરતો. તમારામાંથી ઘણા એવા હશે જે વાર્તાઓ અને ઘટનાઓ પર વિશ્વાસ નહી કરતા હોય. પહેલા મારો પણ એજ સુજાવ હતો કે કોઈ પણ મોરલ વાતને વાંચો કે સાંભળો બસ આઈસ્ક્રીમના સ્ટીકની જેમ એને ફેકીદો, ગમે ત્યાં નહિ પણ સીધુ જ ડસ્ટબીનમાં…!!

સમાજમાં પરિવર્તન લાવવા રોજ કેટલીયે કથાઓ અને ઘટનાઓ લખાતી હોય છે પણ એક વાત કલીયર કરી લઉં કે આ ઘટના જરાક અલગ છે આ ઘટના દરેક વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવનાર છે કેટલાય સંસારને સળગતા બચાવવા માટે છે. કોઈ સમાજ સુધારા માટે નથી.

હું બસ જીવનમાં એટલુ જ માનતો બાળપણ, જવાની, ઘડપણ – રોગ અને અંતમાં મૃત્યુ – આજ જીવનચક્ર છે જેમાંથી કોઈ બચી નથી શકતું.- બસ આજ એક સાસ્વત નિયમ.

એ દિવસે હું વકીલની ચેમ્બરમાં હતો. જતીન જયેશ્વાલ અમારો ફેમીલી લોયર હતો એમ કહું તો પણ ચાલે. મેં એની સાથે એકાદ કલાક જેટલો સમય વિતાવ્યો.

જયેશ્વાલની ઓફીસમાંથી બહાર આવી હું રોડ પર ચાલવા લાગ્યો. મને એ પણ યાદ નહોતું આવ્યું કે હું પોતાની કાર લઈને વકીલને મળવા આવ્યો હતો જે હજુ ત્યાજ પાર્ક કરેલી હતી! હું કોઈ સામાન્ય માણસની જેમ એ રોડ પર સામાન્ય લોકોની જેમ ચાલવા લાગ્યો.

હું રોડ પર અહી અને ત્યાં રખડવા લાગ્યો. કદાચ આ પહેલા હું રોડ પર આમ ક્યારેય નહોતો ભટક્યો. મારે ક્યારેય એમ ભટકવાની જરૂર ઉભી થઇ જ ન હતી. હું કેમ ભટકી રહ્યો હતો એજ મને ખબર ન હતી? કદાચ મારું મન ઉદ્ર્વીગ્ન હતું એટલે??

અડધાએક કલાક સુધી આમતેમ રખડ્યા બાદ એકાએક મેં મારા ગાલ પર પાણીનું એક બુંદ અનુભવ્યું. શું એ પરસેવો હતો? હું અમીર ઘરે જન્મ્યો હતો કે મેં પરસેવાનું એક બુંદ પણ ક્યારેય નહોતું અનુભવ્યું. કદાચ હું અમીર ઘરે જન્મ્યો એટલે જ મોરાલીટીમાં પણ ખાસ નહોતો માનતો.

મેં ઉપર જોયું. ઉનાળાના દિવસો હતા, છતાં આકાશમાં વાદળોનું મંડાણ હતું મારા ગાલ પર અનુભવાયેલ પાણીનું બુંદ મારી મહેનત કે પરસેવાનું નહિ પણ વરસાદનું હતું. એકાએક વરસાદના અનેક બુંદ મારા પર વરસવા લાગ્યા. મેં જોયું માત્ર મારા પર જ નહી રોડ પર ચાલનાર દરેક પર એની અસર થઇ. કેટલાક લોકો દુકાનોની પોર્ચ નીચે આશરો શોધવા લાગ્યા.

મેં મારી આસપાસ નજર દોડાવી પણ હવે કોઈ દુકાનની પોર્ચ વધુ લોકોને વરસાદથી બચવા છત્ર આપી શકે તેમ ન હતી. મેં થોડેક દુર ઉભેલ એક ભીડ તરફ જોયું કદાચ એમના પર એ વરસાદની કોઈ ખાસ અસર નહોતી થયેલ. મને નવાઈ લાગી કેમકે આમ એકાએક વરસાદ ચલુ થઈ જાય તો લોકો પોતાના ફેવરીટ નેતાનું ભાષણ પણ અધૂરું છોડીને ચાલ્યા જાય છે તો એવું શું હશે કે જે જોવા એ લોકો એવા વરસાદમાં પણ ઉભા હતા?

હું એ તરફ ચાલવા લાગ્યો. મારા મનમાં રોશનીના વિચારો આવ્યે જતા હતા. હું આઠ વર્ષનો હતો ત્યારથી એને ઓળખતો હતો. મને યાદ નથી કે અમે પહેલીવાર ક્યારે મળ્યા હતા પણ મને યાદ છે કે અમે પહેલીવાર કઈ પરિસ્થિતિમાં મળ્યા હતા. અમે શાળાની બહાર રીસેસમાં મળ્યા હતા જ્યારે હું એ શાળામાં નવો હતો અને મારું કોઈ મિત્ર ન હતું ત્યારે રોશની મારી પહેલી મિત્ર બની હતી અને ત્યાંથી આગળ જીવન ચાલ્યું ગયું અને અંતે એ મારા જીવનની હમસફર બની હતી.

હું એ ભીડ સુધી પહોચ્યો. ભીડ એક તાડપત્રીનો તંબુ બનાવી ચલાવી રહેલ ભવાયાઓને જોવામાં વ્યસ્ત હતી. એ પહેલા મેં ક્યારેય એવા ભવાયાના ખેલ જોયા નહોતા. મને એ બધામાં કોઈ રસ ન હતો. એ લોકો પોતાનું પેટ ભરવા જાત જાતના ખેલ કરતા હોય છે એમાં શું જોવાનું હોય??? એમ મારું માનવું હતું. પણ એ દિવસે વરસાદમાં પલળતા પણ લોકો એ તંબુમાં ચાલી રહેલ ભવાઈને જોઈ રહ્યા હતા એ જોઈ મને નવાઈ લાગી. મેં પણ ત્યાં ઉભા રહી એ ખેલ જોવાનું વિચાર્યું.

“એવી શું ભવાઈ ચાલે છે કે ચાલુ વરસાદે પણ એ બંધ નથી કરી અને લોકો એને જોઈ રહ્યા છે?” મેં મારા બાજુમાં એક વ્યક્તિ તરફ જોઈ કહ્યું.

“રામ અને સીતાના લગનના પ્રસંગ બતાવી રહ્યો છે એટલે ગમે તેવો વરસાદ આવે તો પણ એ રોકી શકાય નહિ.” એવો ટૂંકો જવાબ આપી એ વ્યક્તિ ફરી એ જોવામાં વ્યસ્ત થઇ ગયો.

હું એની પાસેથી વધુ માહિતી મેળવવા માંગતો હતો પણ એને વધુ ડીસ્ટર્બ કરવું મને યોગ્ય ન લાગ્યું. હું એ તમાશો જોવા લાગ્યો. મને એમ કે કદાચ એ તમાસો જોયા બાદ મને મારા સવાલોના જવાબ મળી જશે??

તંબુમાં બનાવેલ લગ્ન મંડપમાં રામ અને સીતા બનેલા કલાકારોના સાતફેરા લેવાઈ રહ્યા હતા. હું એ જોવા લાગ્યો. એક એક ફેરા પર બોલતા મંત્રોનું ઉચ્ચારણ થઇ રહ્યું હતું અને હું મારા અને રોશનીના લગન મંડપમાં પહોચી ગયો હોઉં એમ મને લાગ્યું. મને અમારા એક એક ફેરા યાદ આવવા લાગ્યા. દરેક ફેરા બાદ લીધેલ વચનો યાદ આવવા લાગ્યા દરેક ફેરા બાદ આપેલ વચનો યાદ આવવા લાગ્યા.

અમે ભગવાનની સામે સાત ફેરા અને સાત વચનો લીધા હતા અને એકબીજાને પતિ પત્ની તરીકે સ્વીકાર્યા હતા. મેં એનો હાથ પકડેલ હતો…

પહેલું વચન: હું હમેશા તારી સાથે રહીશ…..

(એ વચન હતું કે અમે હમેશા એકબીજાની સાથે રહીશું પછી ભલેને ગમે તે પરિસ્થિતિ હોય અમે એકબીજાનો હાથ નહિ છોડીએ)

બીજું વચન: અમે ક્યારેય નહી ઝઘડીએ….

(અમે એકબીજાને વચન આપ્યું હતું કે અમારામાંથી એક કદાચ કોઈ પરિસ્થિતમાં ખોટું હશે તો પણ અમે એક બીજા સાથે વાદ-વિવાદમાં નહી ઉતરીએ કે એક બીજા સાથે ઝઘડીશું નહિ.)

જોકે મેં અને રોશનીએ આ વચન પાળ્યું ન હતું.

ત્રીજું વચન: અમે અમારા પ્રેમને ઓછો નહિ થવા દઈએ…..

(અમે એકબીજાને વચન આપ્યું હતું કે વરસો સુધી ભેગા રહેવા પછી પણ એકબીજાને એટલુ જ ચાહતા રહીશું જેટલું અમે એક બીજાને ત્યારે ચાહતા હતા.)

ચોથું વચન: અમે હમેશા એકબીજાનો ભરોસો કરીશું.

પાંચમું વચન: અમે એકબીજાની કદર કરીશું અને એકબીજાને માન આપીશું.( ખરેખર એ વચન નિભાવવામાં માત્ર હુજ નિષ્ફળ રહ્યો હતો.)

છઠ્ઠું વચન: એક બીજાને ક્યારેય નહિ છોડીએ કે ક્યારેય એકબીજાનો અનાદર નહિ કરીએ..

મને ત્યાં ચાલતા એક એક ફેરા સાથે અમારા એક એક ફેરા અને તે સમયે લીધેલ વચનો યાદ આવવા લાગ્યા… પણ શું થયું હજુ તો છ ફેરા જ થયા હતા… સાતમો ફેરો કેમ ન થયો??? મને યાદ હતું અમે સાત ફેરા લીધા હતા… અમે એક બીજાને સાત વચનો આપ્યા હતા.

ભવાઈ પૂરી થઇ ગઈ લોકોની એ ભીડ વિખેરાઈ ગઈ. પણ હું ત્યાજ ઉભો રહી ગયો… વરસાદ પણ હવે બંધ થઇ ગયો હતો… હું ભીંજાયેલ કપડા સાથે એ તંબુમાં ગયો અને એ કલાકારો પાસે જાઈ ઉભો રહ્યો.

“તમે સાત ફેરાને બદલે છ ફેરા જ કેમ બતાવ્યા?” મેં એ કલાકારની સામે જોઈ કહ્યું.

“કેમકે અમે ભવાઈ કરી રહ્યા હતા અને એમાં લગન થતા બતાવવા માટે અમે છ જ ફેરા લઈએ છીએ કેમકે સાત ફેરા લીધા બાદ હિંદુ ધર્મ પ્રમાણે અમે એકબીજાને ક્યારેય છોડી ન શકીએ. માટે અમે છ ફેરા જ લઈએ છીએ.” એણે સહજતા પૂર્વક જવાબ આપ્યો.

હું કાંઈજ બોલ્યા વિના તંબુમાંથી બહાર નીકળી ગયો.

હું શું કરવા જઈ રહ્યો હતો, હું જયેશ્વાલ વકીલને રોશનીને ડાયવોર્સ પેપેર મોકલવાનું કહીને આવ્યો હતો.

આ ભવાઈ કરનાર લોકો જેમને હું હમેસા સામાન્ય કે ઉતરતી કક્ષાના સમજતો હતો એ લોકો માટે પણ જો સાત ફેરાનું મહત્વ હોય તો હું એમનાથી પણ કેટલી નીચી કક્ષાનો કહેવાઉ???

મારી પાસે જવાબ ન હતો. ખુદના સવાલનો જવાબ આપવામાં પણ હું અસમર્થ રહ્યો…..!!

બસ મને એક જવાબ મળી ગયો હતો. મારે ડાયવોર્સ લેવા જોઈએ કે નહી એ બાબત વિશે વિચારતો રોડ પર ભટકી રહ્યો હતો. બસ મને એનો જવાબ મળી ગયો.  મેં ફોન બહાર નીકાળ્યો અને જયેશ્વાલ વકીલને લગાવ્યો.

“જયેશ્વાલ, અમિત બૂલું છું ડાયવોર્સ પેપર ન મોકલતો.”

“કેમ શું થયું? મેં સમજાવ્યો ત્યારે તો નહોતો માન્યો?” જયશ્વાલે કહ્યું. એ અમારો ફેમીલી લોયર હતો એટલે એણે પણ મને સમજાવ્યો હતો.

“એ હું તને પછી સમજાવીશ. બસ તું ડાયવોર્સ પેપર ન મોકલતો.” કહી મેં ફોન મૂકી દીધો અને ઘર તરફ જવા લાગ્યો.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here