safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -3)

હપ્તા 1 ની લીંક….   હપ્તા 2 ની લીંક…..   (જેને આગળના હપ્તા બાકી હોય એ લોકો આ બંને લીંક પર જઈ વાંચી શકે છે…..)

 

વહેલી સવારે મેડીટેશન બાદ કવિતા રસોડામાં ચા બનાવી રહી હતી, તેની રોજની આદત હતી, તે હમેશા મમ્મી પપ્પા અને સંદીપ માટે ચા બનાવ્યા બાદ જ તેમને જગાડતી. તે સવારે મેડીટેશન માટે વહેલી ઉઠતી અને મેડીટેશન બાદ ચા બનાવી બધાને ઉઠાડતી, જોકે સંદીપને મોડે સુધી ઊંઘવા દેવામાં આવતો કેમકે ડોકટરોનું  કહેવું હતું કે એને જેટલું બને તેટલું વધુ ઊંઘવું જોઈએ જેથી એની માનસિક સ્થિતિમાં જલદી સુધાર આવે.

સંગીતાબેન અને રાકેશ ભાઈ ફોયરમાં સોફા પર ગોઠવાઈ ગયેલ હતા. સંગીતાબેન સીડીઓને કોઈ પણ લાગણીના ભાવ ચહેરા પર ન દેખાય એ રીતે તાકી રહ્યા હતા. જ્યારે રાકેશ ગાલા, કવિતાના પપ્પા છાપાની હેડલાઈન વાંચવામાં વ્યસ્ત હતા. વહેલી સવારે છાપાની દરેક લાઈન વાંચી લેવી એ તેમનો રોજનો ક્રમ હતો. તેઓ શક્ય તેટલી સાદાઈથી જીવન વિતાવનાર સામાન્ય માણસ હતા. મોટે ભાગે તેઓ સફેદ લીનન શર્ટ અને એશ ગ્રે રંગના પાતલુનમાં કે પછી ભૂખરા કે રાખોડી રંગની સફારીમાં જોવા મળતા. આજે તેઓ ક્રીમી કોટન પેન્ટમાં હતા.

કવિતા એ તેમના હાથમાં ચા નો કપ આપ્યો, સંગીતાબેન કે રાકેશભાઈ બેમાંથી એકેયને સવારે ચા સાથે નાસ્તો કરવાની આદત ન હતી. ચા નો કપ પતાવી સંગીતાબેન ઉપરને માળે સાફ સફાઈ કરવા ગયા અને રાકેશ ગાલા પોતાની એજ પોઝીશનમાં ટીપોય પર ખાલી કપ મૂકી પોતાના છાપામાં ડૂબેલ રહ્યા.

કવિતા પણ આજે આર્ટ ગેલેરી વહેલી જવા માંગતી હોય તેમ જલ્દી જલ્દી તૈયાર થઇ ગઈ. આજે કવિતા તેના પપ્પા કરતા પણ વહેલી નીકળી ગઈ, એણીએ એકટીવા સીધુજ ઓલ્ડ આર્ટ ગેલેરી બિલ્ડીંગ તરફ વાળ્યું એને નવા મિત્ર તુષારથી મળવાની ઉતાવળ હોય એમ લાગી રહ્યા હતું. કેમ ન હોય?? વરસોથી એ જે પુસ્તકને શોધી રહી હતી એ પુસ્તક વિશે એ કેટલું બધું જાણતો હતો? માત્ર એ પુસ્તક જ નહી બધા પુસ્તકો વિશે એને ઘણું જ્ઞાન હતું. એ યુવક રસપ્રદ અને વખાણવા લાયક તો હતો જ!!!

કવિતાએ લોખંડના તોતિંગ દરવાજા આગળ પોતાની એકટીવા પાર્ક કરી, તેણીએ છેલ્લા બે વરસથી ચાંદખેડા આર્ટ ગેલેરીમાં સ્વયંસેવક  તરીકે એક પણ રૂપિયો લીધા વિના સેવા બજાવી હતી જે બદલ એને વરસો જુના પુસ્તકાલયમાંથી હટાવી લીધેલ પુસ્તકો પર એક નજર મારવાની છૂટ મળી હતી નહિતર રોશન લાલના પૂર્વજોએ અંગ્રેજોના સમય પહેલાના સાચવી રાખેલ અમુલ્ય પુસ્તકોને હાથ લગાવવાની પણ પરવાનગી મેળવવી ખુબજ મુશ્કેલ હતી.

કવિતા દરવાજા પાસે એકટીવા પાર્ક કરી ઝડપથી દરવાજામાં પ્રવેશી. તે વિચારોમાં વ્યસ્ત કમ્ફર્ટેબલ લીવીંગ રૂમ જેવા હોલમાં પ્રવેશી ચુકેલી હતી જ્યાં અનેક વોર્ડરોબ પુસ્તકોથી ભરાયેલા જોવા મળી રહ્યા હતા.

તે સીધી જ પહેલા દિવસે જ્યાં તુષારને મળી હતી તે લાયબ્રેરી હોલમાં ગઈ. તેણીએ હોલની દીવાલો તરફ એક નજર કરી, દરેક દીવાલો બૂક સેલ્ફથી સજાવેલ હતી. બૂક કેસો છેક છત સુધી પહોચી રહી હતી, એવું લાગી રહ્યું હતું જાણે ત્યાં એક પુસ્તકોનું જંગલ ન હોય!

કવિતાએ એ પુસ્તકો તરફ જોયું, તે કલ્પના પણ ન હતી કરી શકતી કે એ લાખો પાનાઓમાં શું છુપાયેલ હશે???

શું પોતે જે માહિતી શોધી રહી હતી એ તેમાં હશે??

“કોને શોધી રહી છે?” એક ગંભીર અને ભારે અવાજ સંભળાયો.

કવિતાએ એ તરફ જોયું, તેની સામે એક વ્યક્તિ ખડતલ શરીર અને ખાખી રંગના મીલીટરીના ગરમ કોટમાં ઉભેલ હતો.

“હું… હું તુષારને શોધી રહી હતી??? મારું નામ કવિતા છે.”

“જાણું છું તું કોઈ ખાસ પુસ્તકની શોધમાં છે.”

કવિતાને નવાઈ લાગી એમને કઈ રીતે ખબર હોઈ શકે, છતાં અજાણ્યી વ્યક્તિ આગળ એ નવાઈ છતી ન થાય એનું ધ્યાન રાખતા એ અબોલ રહી.

“મને રોશનલાલે કહ્યું હતું કે તું આ લાયબ્રેરી તપાસવા માંગે છે તારે જુના પુસ્તકોના નામનું એક લીસ્ટ બનાવવું છે ત્યારે જ હું સમજી ગયો હતો કે તારે કોઈ ખાસ પુસ્તકની જરૂર છે.” એ વ્યક્તિએ તેનું મન વાંચી લીધું હોય એમ કહ્યું.

“તમે… તમે કોણ છો?”

“હું રિશી કુમાર.. તુષાર મારી દીકરો છે.”

“ઓહ! આઈ સી, ગૂડ મોર્નિંગ અંકલ, તે ક્યા છે?”

“તું કોને શોધી રહી છે તુષારને કે ધાતુશાસ્ત્રના પુસ્તકને?”

“સર આઈ અપોલોજાઈઝ ફોર માય લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ…”

તેણીએ રાહ જોઈ પણ સામે રિશી કુમારે કોઈ જવાબ ન આપ્યો.

“મને કાઈ સમજાયું નહિ તમે શું કહેવા માંગો છો?” કવિતાએ જરાક નવાઈ પામતા કહ્યું.

“મને લાગે તું જે પુસ્તક શોધી રહી છે એના વિશે હું જાણું છું….”

“શું તમને તુષારે કહ્યું કે મારે કયુ પુસ્તક જોઈએ છે?” કવિતાએ કહ્યું, પણ પછી તેને યાદ આવ્યું કે તેણીએ તુષારને પણ કહ્યું જ ન હતું કે તેને કયું પુસ્તક જોઈએ છે.

“ના, હું આપમેળે જ સમજી ગયો કે તું શું શોધી રહી છે બસ તું એ ચીજ કેમ શોધી રહી છે એ મને સમજાઈ નથી રહ્યું.” રિશી કુમાર રહસ્યમય લાગતા હતા.

“તમે કોણ છો?”

“રિશી કુમાર, મને લાગે મેં તને હમણા જ કહ્યું હતું.” રિશી કુમારે હસતા હસતા કહ્યું.

“એમ નહિ, એ તમારું નામ છે પણ ખરેખર તમે કોણ છો?”

“હું એક બુક બાઈન્ડર છું.”

“તો તમે કઈ રીતે જાણી શકો કે હું કોઈ બુકની તલાશમાં છું?”

“કેમકે વર્ષો પહેલા જયારે તારી ઉમરનો હતો હું પણ તારી જેમજ આવી એક લાયબ્રેરીમાં ઉભો હતો ઘણા લાંબા સમય પહેલા… યુ કેન સી ધેટ, કાન્ટ યુ?”

કવિતાએ માત્ર માથું ધુણાવ્યું શું બોલવું એ તેને સમજાયુ નહી. કાલે દીકરા સાથેની મુલાકાતમાં એ પરમ જ્ઞાની લાગ્યો આજે એના પિતા તો ભ્રહ્મ જ્ઞાની લાગતા હતા. કવિતા મૂંઝવણ અનુભવવા લાગી.

“શું હું જાણી શકું કે તમે એ પુસ્તક કેમ મેળવવા માંગતા હતા?”

“તે મારા એક સવાલનો જવાબ નથી આપ્યો હું કઈ રીતે જવાબ આપી શકું?”

“તમે પહેલેથી એ પુસ્તકની શોધમાં હતા એટલે તમારે પહેલા જવાબ આપવો જોઈએ.” કવિતા પણ હવે ચાલાકીથી જવાબ આપવા લાગી.

રિશી કુમારે પોતાની આંખો જીણી કરતા કહ્યું, “બહુ ચાલક છે છોકરી તું. પ્લીઝ સીટ ડાઉન.” બાજુમાં રહેલ એક લાકડાની ખુરશી તરફ ઈશારો કરતા કહ્યું.

કવિતાએ પોતાની જાતને ખુરશી પર ગોઠવી, રિશી કુમારે પણ ખૂણામાં પડેલ એક ખુરશી એ તરફ ખેચી લાવી અને એનાથી ખાસું એવું બે ત્રણ ફૂટ જેટલું અંતર રાખી ખુરસી પર ગોઠવાયા.

“હું કોઈ એવી ચીજની તલાશમાં છું જે મેં વરસો પહેલા ગુમાવી હતી.” રિશી કુમારે ખુરશીના પાયા પર હાથ મૂકી કહ્યું.

“એ કોઈ ચીજ હતી કે કોઈ વ્યક્તિ?” ફરી પોતાની ચાલાકીથી કવિતાએ ખુલ્લો પ્રશ્ન ફેંક્યો.

“તું ખરેખર ચાલક છો છોકરી, એકને બદલે બે સવાલ પૂછી રહી છે પણ પોતાની તરફનો જવાબ આપવાનું ટાળી રહી છે.”

“અને શું હું એ જણાવી દઉં તો તમે મને જોઈતી બધી માહિતી પૂરી પાડશો?” કવિતા ધીમે ધીમે રિશી કુમારને બાંધી લેવા પ્રયાસ કરવા લાગી. એ જાણતી હતી કે આ જેન્ટલમેન વચન આપ્યા બાદ તોડશે નહી.

“હા, મારા પોતાના ભૂતકાળ સિવાય, કોઈ પણ ચીજ તું પૂછી શકે છે.” ટૂંકા વાક્યમાં એક મોટી શરત મુકીને રિશી કુમારે વચન આપ્યું અને પોતાનું ધાર્યું પણ કરી લીધું.

“હું પણ કોઈક એવા વ્યક્તિને ખોઈ બેઠી છું, જેને હું મેળવવા માંગું છું.” એ વાક્ય સાથે કવિતા ગંભીર થઇ ગઈ.

“અને એ પુસ્તક તને કઈ રીતે મદદ કરી શકશે? શું તને લાગે છે કે એમાં કોઈ જાદુઈ મંત્રો છે?” રિશી કુમારે એ વાક્ય વ્યંગમાં નહોતું કહ્યું એ ખાતરી કરવા માંગતા હતા કે છોકરી ખરેખર કઈ જાણે છે કે કેમ?

“હું જાણું છું એમાં કોઈ જાદુ કે ચમત્કાર નથી બસ ધાતુશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનના કેટલાક એવા રહસ્યો છે જે હજુ પશ્ચિમના વૈજ્ઞાનિકો માટે પણ વણ ઉકેલ્યા છે. કદાચ આજનું વિજ્ઞાન હજુ એ પુસ્તકના વિજ્ઞાન સામે બેઝીક નોલેજ જેટલું જ કહી શકાય તેમ છે.”

“તો તું એમાની કઈ માહિતી શોધી રહી છે?”

“તમે જે સવાલો પૂછી રહ્યા છો એ જોતા એમ લાગી રહ્યું છે કે એ પુસ્તક તમે વાંચેલ છે?”

“પૂરું તો નહિ પણ થોડું ઘણું જરૂર.”

“તો તમે એમાંથી માહિતી કેમ ન મેળવી શક્યા જે તમારે જોઈતી હતી?”

“કેમકે મારા હાથમાં જે પુસ્તક આવ્યું હતું તેમાંથી ઘણા પાના ગાયબ હતા અને એ પાનાંમાં મારે જે જરૂરી હતી તે બધી માહિતી હતી.”

“અને ત્યારબાદ એ પુસ્તકની બીજી કોપી મેળવવા માટે તમે જુના પુસ્તકોને રીપેર કરવાનું કામ અને બૂક બાઈડીગનું કામ શરુ કર્યું.”

“વેરી એપ્ટ એઝમપશન.”

“હા, તો તમને એમાં લેવીટેશન અને બાયો લોકેશનની થીયરી જોવા મળી હતી?”

“એ માહિતી ત્રીજા પકરણમાં છે, જે પાના એ પુસ્તકમાંથી ગાયબ હતા.”

“તમે કોને ગુમાવ્યું છે?”

“મતલબ?”

“તમે એજ પાના શોધી રહ્યા છો જેની મારે જરૂર છે મતલબ તમે પણ કોઈ એવી વ્યક્તિને ખોઈ છે જેને તમે ખુબ ચાહતા હતા.”

“મારી પત્ની.”

“તો શું તમને લાગે છે કે આ સ્થળે આપણને એ પુસ્તક મળી રહેશે?”

“આપણને મતલબ? આપણે હજુ ભેગા મળી કામ કરશું એવું નક્કી કર્યું હોય એવી કોઈ વાતચીત તો નથી થઈ?” રિશી કુમારે કવિતાની ચાલને પકડી લેતા કહ્યું.

“કેમ એમાં કોઈ વાંધો છે? આપણે એક જ રસ્તા પર છીએ.”

“હા, પણ તારા પહેલા પણ મેં એક વ્યક્તિ સાથે આવી જ ડીલ કરી હતી પણ એ વ્યક્તિના મનમાં પૂરી માહિતી દાખલ કરી શકું એ પહેલા જ એ મ્રત્યુ પામી, મને હજુ સુધી એનો અફસોસ છે….. એ યુવક મારા પુત્ર જેવો હતો, મારા માટે એના અને તુષાર વચ્ચે કોઈ જ ફરક ન હતો. મેં એને એક વરસ સુધી માહિતી આપી હતી અને એ ટ્રેનીંગમાં સારો દેખાવ કરી રહ્યો હતો પણ એકાએક ખબર નહિ શું થઇ ગયું એને આત્મા હત્યા કરી નાખી.” રિશી કુમારે નિસાસો નાખ્યો.

“એવું કયુ જ્ઞાન તમે એને આપ્યું કે એ જ્ઞાને એનો જીવ લઈ લીધો.?”

“મેં એને પર ચીત અભીજાનાતા જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો હતો, એ મહદ અંશે સફળ થયો હતો પણ એના સારા સ્વભાવને લીધે અન્યના અંદરના દર્દ જોયા બાદ, લોકોના અંદરના દુખો જોયા બાદ એ પોતાની જાતને રોકી ન શક્યો. એણે પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું.”

“શું તમે એ જ્ઞાન મને શીખવી શકો?”

“હા, એ જ્ઞાન શીખી લેવું ખાસ મુશ્કેલ નથી, એ શક્તિ માનવની એક સામાન્ય શક્તિનો વિકાસ કરીને જ વિકાસાવી શકાય છે.”

“કઈ સામાન્ય શક્તિ?”

“કોઈને દુખી જોઈ તને દુખ લાગે છે? રસ્તા પર બેઠેલ કોઈ ગરીબની ઉદાશીને તું અનુભવી શકે છે? શું કોઈને દુખી દેખી એ દુખી છે એમ તને સમજાઈ જાય છે?”

“હા, ઘણીવાર.”

“બસ, એજ શક્તિનો વિકાસ કરવાનો હોય છે જેમ આપણે એના મનના દર્દ અને દુઃખને સમજી શકીએ છીએ એજ મુજબ સો ટકા ધ્યાન આપવાથી એના મનની દરેક ચીજ જાણી શકાય છે..”

“મેં પતંજલિ યોગ સૂત્રનો અભ્યાસ કર્યો છે, શું એમાં જણાવ્યા મુજબ યોગને આઠ અંગો સિવાય રસાયણ, પૂર્વ જનમની સુક્ષ્મ યાદો એટલે કે માઈક્રો મેમરી જેવા તત્વોથી પામી શકાય છે?”

“કેમ તને પતંજલિ પર વિશ્વાસ નથી? કે તારા હાથમાં જે કોપી આવી હતી એ પુસ્તક પર વિશ્વાસ નથી?”

“ના, હું માત્ર તમારા પાસેથી જાણવા માંગું છુ?”

“મને નથી લાગતું યોગની બાબતમાં મારો મત યોગસુત્રના રચયિતા કરતા વધુ મહત્વનો હોઈ શકે?”

“શું પૂર્વ જનમના સંસ્કારોને લીધે એ શક્ય છે?”

“મારો જવાબ ખાસ મહત્વનો હોય તો મારો જવાબ હા માં છે કેમકે મનમાં સુક્ષ્મ યાદો સચવાયેલ હોય છે ક્યારેક ક્યારેક ગયા જનમની એ સુક્ષ્મ યાદો સુસુપ્ત મનમાંથી બહાર આવી જાય છે અને વ્યક્તિ તેને ગયા જનમમાં મેળવેલ વિધાનું જ્ઞાન મેળવી લે છે. જેને જુના પુસ્તકોમાં પૂર્વ જન્મના સંસ્કારો કહે છે અને પશ્ચિમના વૈજ્ઞાનિકો એને રીટ્રીવેશન ઓફ માઈક્રો મેમરી જેવા શબ્દ વડે સમજાવે છે. શું તું ટેલેપથી જેવી બાબતોમાં વિશ્વાસ કરે છે?”

“ટેલેપથી જરાક ઉંચી બાબત છે પણ હું માઈન્ડ પાવરમાં માનું છું. સ્વામી વિવેકાનંદનું જે વાક્ય છે માઈન્ડ ઈઝ એ ફંક્શન વેણ યુ યુઝ, ધેન ઈટ ઓપનસ, એમાં મને પૂરો વિશ્વાસ છે.” કવિતાએ મક્કમતાથી કહ્યું.

“તો તારે માનવું જોઈએ.”

“કેમ તમે મારું મન વાંચી શકો છો?”

“હા, પણ હું મારી એ શક્તિનો ઉપયોગ ક્યારેય નથી કરતો.”

“કેમ?”

“દરેક મોટી શક્તિ મોટી જવાબદારીઓ લઈને આવે છે જયારે તને એ પુસ્તક મળી જશે તું સમજી જઈશ.”

“કદાચ, મને ભરોષો છે.”

“મને પણ.” રીશી કુમાર હસ્યા.

“વાતો વાતોમાં મેઈન વાત તો રહી ગઈ. તુષાર ક્યા છે?”

“એ બાઈન્ડીંગ માટેનું મટીરીયલ લેવા શહેર ગયો છે.”

“તો શું એ પુસ્તક માટે સર્ચ કરી શકું?”

“કેમ નહિ?”

“હા, તો હું આ વોર્ડરોબ તપાસું છું, શું મને ચાવી મળી શકશે?”

“ચાવીઓ પહેલા નંબરના ડેસ્ક પર છે અને તારે આ રૂમમાં નહી પણ ત્રીજા નંબરના રૂમના છેલ્લા કબાટમાં તપાસ કરવી જોઈએ.”

“શું પુસ્તક ત્યાં છે?”

“હોઈ પણ શકે?”

“તો તમે એ પુસ્તક લીધું કેમ નહિ?”

“મેં કહ્યું ને કે દરેક મોટી શક્તિ મોટી જવાબદારી લઈને આવે છે, એ બાબત તને બહુ જલદી સમજાઈ જશે.”

“થેન્ક્સ.” કહી કવિતા ચાવીઓના જુડા વાળા ટેબલ તરફ જવા લાગી. એને રિશી કુમારની વાતોમાં ખાસ તો કાઈ સમજાઈ નહોતું રહ્યું પણ એ જેટલું સમજી શકી એના પરથી એને સમજાઈ ગયું કે તેઓ એની મદદ કરી રહ્યા હતા.

કવિતાને ત્રણ નંબરના રૂમમાં એ પુસ્તક શોધતા વાર ન લાગી કેમકે એ જાણતી હતી કે તે કયા ખાનામાં છે. તે દસેક મીનીટમાં હાથમાં પુસ્તક સાથે ફરી હોલ ઓફ લાયબ્રેરીમાં દાખલ થઇ.

“મિસ્ટર રિશી કુમાર, પુસ્તકના એ પાના ગાયબ છે?” તેણીએ આવતા જ સવાલ કર્યો.

“એ જ તો હું પણ વિચારું છું. મારા હાથમાં એ પુસ્તકની આઠ દસ કોપીઓ આવી ચુકી છે પણ દરેક કોપીમાંથી એ પાનાઓ ગાયબ હોય છે.”

“મતલબ એ પુસ્તકની તલાશમાં પહેલા પણ કોઈ આવેલ હતું અને તેના પાના ચોરી ગયેલ છે?”

“ના, કોઈ એ પુસ્તકની તલાશમાં કે ચોરી કરવા ન હતું આવ્યું.’’

“મતલબ? મને કાઈ સમજાઈ નથી રહ્યું?”

“મેં આજ સુધી સો થી બસો જૂની લાયબ્રેરીઓ ફેદી નાખી છે અને એમાંથી આઠથી દસ જગ્યાઓ પર હું એ પુસ્તકની કોપી મેળવવામાં સફળ રહ્યો છું પણ દરેક સ્થળે એ પુસ્તકના કેટલાક પાનાઓ ગાયબ હોય છે, ખાસ કરીને મુખપૃષ્ઠ અને ત્રીજું પ્રકરણ.”

“એનો શો અર્થ નીકળે?”

“એજ કે કોઈએ એ માહિતીનો નાશ કરવા એ પુસ્તકની દરેક કોપીમાંથી એ પ્રકરણ ગાયબ કરી નાખ્યું છે અને મુખપૃષ્ઠ પણ. કોઈ એ પુસ્તકની તલાશમાં અહી નથી આવ્યું પણ એ જાણતું હતું કે કયા કયા સ્થળે એ પુસ્તકની કોપીઓ હયાત છે એ સ્થળોએ જઈ તેણે એક જ દિવસે દરેક પુસ્તકમાંથી એ પ્રકરણ ગાયબ કરી નાખ્યું હશે.”

“તો એને એ પુસ્તક આખે આખું ગાયબ કેમ ન કર્યું જેથી એ પુસ્તકની તલાશમાં આવનાર કોઈને એની ભાળ પણ ન મળે કે કોઈએ તેમાંથી માહિતી નાશ કરી છે.”

“એના બે કારણો હ્યોઈ શકે એક તો એ કે એ વ્યક્તિ ઈચ્છતો હોય કે તેના પછી ત્યાં પહોચનાર કોઈ વ્યક્તિ જાણે કે તેના પહેલા પહોચી તેના પ્રતિધ્વન્ધીએ એ પાના મેળવી લીધા છે.”

“અને બીજું કારણ?”

“કદાચ એ વ્યક્તિ આખું પુસ્તક ગાયબ કરીને એમાં રહેલ માહિતીથી આમ લોકોને થતા ફાયદાને નકામો બનાવવા નહિ માંગતો હોય, એ નહિ ઈચ્છતો હોય કે કોઈએ મહામહેનતે તૈયાર કરેલ એ પુસ્તક લોકોની સુખાકારીમાં ફાળો ન આપી શકે.”

“મતલબ લોકોની સુખાકારી વિશે વિચારનાર એ માણસ કોઈ ખરાબ માણસથી એ પુસ્તકમાની કેટલીક માહિતી છુપાવવા માંગતો હતો જે માહિતીનો દુર ઉપયોગ કરવા માંગતો હશે એવા વ્યક્તિને એ માહિતી મેળવતા આટકાવવા માંગતો હોય.”

“શક્ય છે પણ જો બીજું કારણ એ માટે જવાબદાર હોય તો?”

“અને એ વ્યક્તિ કોણ હશે કે એણે એ પાના ક્યા છુપાવ્યા હશે એ જાણવાનો કોઈ રસ્તો?”

“પહેલી વાત તો એ કે એણે એ પાના છુપાવ્યા છે કે એનો નાશ કરી નાખ્યો છે એ પણ આપણને ખબર નથી.”

“એણે પાના છુપાવ્યા જ હશે એનો નાશ નહિ કર્યો હોય.”

“એવું તું દાવા સાથે કઈ રીતે કહી શકે?”

“કેમકે જે વ્યક્તિ લોકોની સુખાકારી માટે બાકીની માહિતી અહી છોડી ગયો હોય તે આવી અમુલ્ય માહિતીનો નાશ તો ન જ કરે બસ એને કોઈકના હાથોની પહોચથી દુર ક્યાંક સલામત એ પાના છુપાવી નાખ્યા હશે.”

“અને એવું સ્થળ કયુ હોઈ શકે?”

“એ તો એ વ્યક્તિ કોણ હતો એ જાણ્યા પછી જ અંદાજ લગાવી શકાય.”

“મતલબ આપણી પાસે એની ભાળ મેળવવાનો કોઈ જ માર્ગ નથી.”

“હાલ પુરતું તો એમ જ કહી શકાય.”

“તો આગળ હવે શું વિચાર્યું છે?”

“હું એ પુસ્તકની તપાસ છોડી શકું તેમ નથી કેમકે મેં કોઈકને વચન આપેલ છે, મારું જીવન કોઈનું કરજદાર છે અને એ કરજ ઉતારવા માટે એ પુસ્તક મેળવવું જરૂરી છે.”

“એટલે કે તે જેમને ગુમાવ્યા એ તારા પોતાના નથી બસ એમનો તારા પર કોઈ મોટો ઉપકાર છે.”

“હા, પણ મારા પોતાના કરતા પણ હું વધુ એમને ચાહતીં હતી. અને તેઓ મને. કદાચ આજે હું જીવનમાં જે છું એ એમના લીધે છું.”

“એમની સાથે શું થયું હતું?”

“એમણે આત્મ હત્યા કરી હતી એવું બધાનું માનવું છે પણ મને નથી લાગતું…” એટલું કહેતા ફરી કવિતા ગંભીર થઇ.

“કેમ?”

“કેમકે મારા જેવી આત્મહત્યા કરવાની કગાર પર પહોચેલ વ્યક્તિને જેમણે જીવન જીવતા શીખવ્યું હોય તેવા લોકો આત્મ હત્યા કઈ રીતે કરી શકે? મેં એમનાથી એજ દિવસે વાત કરી હતી.”

“તો તને એમના વર્તન કે ચહેરા પરથી કાઈ સમજાયું ન હતું, શું તેઓ જરાય અલગ ન હતા લાગી રહ્યા?”

“હું ત્યારે માત્ર પંદર વરસની હતી હું એટલું બધું જાણી શકતી ન હતી. મને એ દિવસે જરાય અંદાજ ન હતો આવ્યો કે તેઓ એવું પગલું લઇ શકે પણ સાચું કહું તો મને યાદ નથી કે એ દિવસે તેમનું વર્તન કાઈ અલગ હતું કે નહિ. બસ હું કેમ ન સમજી શકી એનો જ મને પસ્તાવો છે..”

“તારા ઈરાદાઓ સારા છે માટે તું જરૂર સફળ થઈશ. એવું એ પુસ્તકમાં જ લખેલ છે, પેજ નંબર અડતાલીશ પર.”

“તમને એ પુસ્તક મોઢે છે?”

“હા, મેં એ પુસ્તકના પ્રકરણ ત્રણ સિવાયના બધાજ પ્રકરણ પચાસથી એ વધુ વાર વાંચ્યા છે.”

“અને એ દરેક વખતે તમને શું જાણવા મળ્યું?”

“મને જોઈતી માહિતી સિવાય બીજું બધુ જ.” રિશી કુમાર હસ્યા.

“શું હું પૂછી શકું કે તમારી પત્ની સાથે શું થયું હતું?”

“રોડ અકસ્માત, લોકોના માનવા મુજબ.” હવે ગંભીર થવાનો વારો રિશી કુમારનો હતો.

“તમે શું માનો છો?”

“વચન આપ કે તું ક્યારેય તુષારને નહી કહે?”

“આઈ પ્રોમિસ, હું ક્યારેય એને નહિ કહું જેથી એ દુખી થાય હું જાણું છું કે એ દુખ કેવું હોય છે.”

“કોઈએ તેના શરીરમાં પ્રવેશ કરી તેને મરવા માટે મજબુર કરી હતી.’’

“યુ મીન માઈન્ડ હેકિંગ?” કવિતા ખુરશીમાંથી ઉભી થઇ ગઈ, એનાથી થઇ જવાયું.!

“ના, પરકાયા પ્રવેશ અને માઈન્ડ હેકિંગ વચ્ચે બહુ તફાવત હોય છે, માઈન્ડ હેકીન્ગમાં તમારા મન પર કાબુ મેળવી લેવામાં આવે છે જયારે પરકાયા પરવેશમાં(પ્રવેશ) તેના સંપૂર્ણ તન મન પર કાબુ કરી લેવામાં આવે છે.”

“એવું કોણે કર્યું હતું?”

“એજ જે કોઈ એને આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ કરતા જોઈ શકે તેમ ન હતું.”

“તમે એને જાણો છો તો એની સાથે બદલો કેમ નથી લઈ રહ્યા?”

“કેમકે જ્યાં સુધી મને એ પુસ્તકનું પ્રકરણ ત્રણ વાંચવા ન મળે હું એમની સામે લડવા અસમર્થ છું. અને મહેરબાની કરી ભૂલે ચુકે પણ આ બધું તુષારને ન કહીશ કેમકે એનું ગરમ ખૂન છે એ ક્યાંક એની મા ના કાતિલની તપાસમાં નીકળી પડ્યો તો હું દીકરાને પણ…” આગળ રિશી કુમાર બોલી શક્યા નહી પણ કવિતા એ અધૂરા વાક્યને સમજી ગઈ હતી.

“એવું કશું જ નહિ થાય.” કવિતાએ કહ્યું.

“મને વિશ્વાસ છે તારા શબ્દો પર એટલે જ હું તને બધું કહી રહ્યો છું.”

“અને હું ખાતરી આપું છું કે હું એ વિશ્વાસ જાળવી રાખીશ.” કહી કવિતાએ રજા લીધી.

રિશી કુમારે કહ્યું હતું કે તુષાર મોડો આવવાનો છે માટે તે બીજી સવારે આવી તેને મળશે એવું વિચાર્યું હતું અને આમ પણ હવે તે મોટું પુસ્તકાલય ફંફોસવાનો કોઈ ફાયદો ન હતો એ કવિતા જાણી ચુકી હતી.

લેખક : મહેન્દ્ર ત્રિવેદી (દેવ) તથા વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ક્રમશ: વધુ આવતી કાલે સવારે 9 વાગ્યે…..

Comment here