safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -25)

હપ્તો 24

બે ત્રણ કલાકના સમય બાદ સંદીપ  ફરી ઘરની બહાર આવ્યો. કોકીલાબેન તેમના ઘરની ખુલ્લી જગ્યામાં ઊભા હતા. તેમણે સંદીપને વર્ષો બાદ ઘરે આવેલ જોયો. સંદીપ અને તેમની વચ્ચે નાની વાતચીત થઈ હતી. કોલીલાબેને સંદીપને પોતાના ઘરે આવવા માટે નિમંત્રિત કર્યો અને બંને કોકીલાબેનના ઘરે ગયા.

કવિતા અને તુષાર શાંતિથી ચુપકીદી પૂર્વક  કોકિલાબેનના ઘરની નજીક પહોચી ગયા અને તેમણે પોતાની જાતને એક ખુલ્લી દેખાતી બારીની પાસે દીવાલને ચીપકીને છુપાવી દીધી. તેઓએ જોયું કે કોકીલાબેને સંદીપને બેસવાનું કહ્યું. સંદીપે તેમના મુખ્ય ખંડના સોફા પર બેઠક લીધી . કોકિલાબેને  તેના માટે ચા બનાવી. ચા સમાપ્ત કર્યા પછી સંદીપ ઊભો થયો અને કહ્યું, “બાય અન્ટી ચા માટે આભાર, પરંતુ મારે હવે જવું પડશે. મારી પાસે ઘણાં કામ છે.”

“થોડા સમય માટે રોકાઈ જા. બેટા… તારા અંકલ આવતા જ હશે.. તેઓ હમણાં જ આવશે. તેમને મળીને જજે.” કોકિલાબેને કહ્યું અને દીવાલ પરની ઘડિયાળ તરફ જોયું પરંતુ તે કામ કરતી ન હતી. ઘડિયાળ બંધ હતી.. તેથી તેમણે સંદીપને પૂછ્યું, “તારી ઘડિયાળમાં શું સમય થયો છે?”

“માફ કરશો આન્ટી મને ઘડિયાળ પહેરવાની આદત નથી.” સંદીપે કહ્યું અને અચાનક તેનું મન કંઈક વિચારવા લાગ્યું… તેને એકાએક કઈક મળ્યું હોય તેમ તે બાય કહી ઘરની બહાર નીકળી ગયો. કવિતા અને તુષાર તેને અનુસર્યા. તેમણે સંદીપના ઘરની  કિચન વિંડો નજીક પોતાની જાતને છુપાવી દીધી. સંદીપ પોતાના પિતાના રૂમમાં ગયો અને પાંચ મિનિટ પછી એક કાગળ, એક પેંસિલ અને તેના પિતાની કાંડા ઘડિયાળ સાથે બહાર ફોયરમાં આવ્યો. તેણે તેના ડાબા હાથના કાંડા પર  ઘડિયાળ બાંધી. તેણે પોતાની આંખો બંધ કરી અને પાંચ મિનિટ પછી તેના હાથ પેંસિલ સાથે તે ખાલી કાગળ પર ચિત્ર બનાવતા હતા.

તેણે કોઈ ચોક્કસ સમયની તારીખ સાથે ચિત્ર સમાપ્ત કર્યું. તેણે એ જ દિવસની તારીખ સાથે બીજુ એક ચિત્ર બનાવ્યું અને ત્યારબાદ થોડોક આરામ કર્યો.

બે કલાક પસાર થઈ ગયા હતા. કવિતા અને તુષાર હજુ પણ ત્યાં જ કિચન વિન્ડો નજીક હતા. કોકિલાબેન તેના ઘરમાંથી બહાર આવી અને તેણીએ સંદીપના ઘર તરફ જવાનું શરૂ કર્યું. કવિતા હજુ માતૃછાયાના ફોયર તરફ જોઈ વિચારોમાં ડૂબેલ હતી.. તે કોકિલાબેન સંદીપના ઘરના દરવાજે પહોચી ગઈ હતી તેના વિશે અજાણ હતી.

તુષારે એકદમ ધીમા આવજે કહ્યું,  “કવિતા, ત્યાં જો..” તે પોતાનું વાક્ય પૂરું બોલી શકે તે પહેલાં તેને એક આંચકો લાગ્યો. તેને એટલો પ્રકાશ દેખાયો કે તે તેની આંખ ખોલી શકયો નહી કારણ કે તેના નજીકના વિસ્તારમાં એક ફ્લેશ થયો હતો જેનાથી તેની આંખો અંજાઈ ગઈ.. તેણે વિચાર્યું કે તે વીજળી હશે, પરંતુ બીજી જ પળે તે સમજી ગયો કે તે વીજળી ન હતી કારણ કે કવિતા તેની પાસે ન હતી. તે ત્યાંથી અદ્રશ્ય થઇ ગઇ. એક ફલેશ સાથે કવિતા ત્યાંથી અદશ્ય થઇ ગઈ હતી.

તુષારને ભારે આઘાત લાગ્યો. કવિતા ક્યાં ગઈ??? તેને કઈ સમજાઈ ન હતું રહ્યું. તેણે ઉભા થઈ ઘરના આગળના મુખ્ય દરવાજા પર નજર કરી પણ ત્યાં હવે કોકિલાબેન ન હતી.. તેણે ફરી એક વાર ધ્યાનથી જોયું પરંતુ હવે તે ત્યાં ન હતી. તેણે ઘરના લાકડાના દરવાજા તરફ  જોયું… કવિતા ત્યાં ઊભી હતી. કવિતા એ રીતે અભિનય કરી રહી હતી જેમ કે તે કોઈની સાથે લડી રહી હોય અને  કોઈને અંદર પ્રવેશતા અટકાવી રહી હોય!!! એમ લાગતું હતું કે કોઈ તેની મરજી વિરુદ્ધ એ ઘરમાં અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.. અચાનક તે ત્યાંથી અદ્રશ્ય થઇ ગઇ અને તે પછીની ક્ષણે તે ફોયરની વિંડોની પાસે હતી.

તુષારે જોયું કે ત્યાં કોઈક વ્યક્તિ કવિતા સાથે લડી રહ્યો હતો… કવિતા કોઈકને ઘરમાં એ બારીના માર્ગે પ્રવેશતા અટકાવી રહી હતી. તુષારે ઘરના લાકડાના દરવાજા તરફ નજર કરી જ્યાં થોડીકવાર પહેલા કવિતા હતી ત્યાં કવિતા અત્યારે પણ હતી.. ઘરનો લાકડાનો દરવાજો તેની જગ્યાએથી ખસ્યો, એમ લાગતું હતું જાણે દરવાજો આપો આપ ઉંચે ઉઠયો અને કવિતા તરફ ખૂબ વેગ સાથે જવા લાગ્યો.. તુષારના ગળામાંથી એક રાડ નીકળી ગઈ… પરંતુ અડધા માર્ગમાં તે દરવાજો ટુકડાઓમાં ફેરવાઈ ગયો.. તે દરવાજો તૂટી ગયો….

ફરીથી કવિતા ત્યાંથી અદ્રશ્ય થઇ ગઇ અને બીજી પળે તે દરવાજાથી થોડેક દુર દેખાઈ… તુષારે બારી તરફ નજર કરી તો તેને ત્યાં પણ કવિતા દેખાઇ રહી હતી. તુષારને સમજાઈ ગયું કે ત્યાં એક નહિ એક કરતા વધુ કવિતાઓ હતી… કવિતાએ દુશ્મન સામે લડવા માટે પોતાની મલ્ટી લોકેશન શક્તિનો ઉપયોગ કર્યો હતો… જયારે આવનાર દુશ્મનો તેની સામે લાગવા દુરસ્પર્શમ (ટેલેકાઈનેસીસ) નો ઉપયોગ કરી રહ્યા હતા… તુષારનું સંપૂર્ણ ધ્યાન કવિતા તરફ હતું પરંતુ તે વિચારી રહ્યો હતો કે કોકીલાબેન ક્યા ગઈ??? શું તે ત્યાંથી અદ્રશ્ય થઇ ગઇ હતી??? અથવા તે તેના ઘરે પાછી ફરી હતી??. તુષાર હજુ પણ આશ્ચર્યજનક રીતે આમ તેમ  જોઈ રહ્યો હતો..

સંદીપના ઘરના બગીચામાંના છોડ તૂટવા લાગ્યા અને પછી ઘરના આગળના ભાગમાં રહેલ એક વિશાળ વૃક્ષ ઉખડ્યુ અને ઘર તરફ ખસેડાયુ પરંતુ તે પણ અડધા માર્ગમાં લાખો ટુકડાઓમાં વહેચાઈ ગયું… એમ લાગતું હતું જાણે ત્યાં પ્રલય આવ્યો હોય…

ઘરની અંદરના અને બહારનાં બધા વૃક્ષો ઉખડયા અને ઘર તરફ આગળ વધ્યાં… વ્રુક્ષો કોઈ તેઝ વાહનની ગતી સાથે એ ઘરને કચડી નાંખવા માંગતા હોય એમ આગળ વધી રહ્યા હતા પરંતુ અડધા રસ્તે જ તે બધા નાના નાના ટુકડા થઈ ગયા. જાણે તેઓ કોઈ અદશ્ય દીવાલ સાથે અથડાયા હોય અને ચુર ચુર થઇ ગયા હોય!!!

તુષાર સમજી ગયો કે કવિતા જ એ વ્યક્તિ હતી જેના વિશે ભવિષ્યવાણીમાં કહેવાયેલ હતું કે કળીયુગમાં પણ કોઈ એક વ્યક્તિ યોગની ઈશીત્વમ (જેનામાં ઈશ્વર સમાન શક્તિ હોય તે ) સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે. કવિતા રીવીલર્સ સામે લડી રહી હતી કદાચ તેનામાં ડાર્કનર્સ સામે લડી શકે તેટલી શક્તિઓ આવી ગઈ હશે તો પણ નવાઈ ન કહી શકાય કેમકે યોગની અંતિમ સિધ્ધિઓ માત્ર બે જ છે ઈશીત્વમ અને વસીત્વમ. જેમાંથી એક સિદ્ધિ તો કવિતા મેળવી ચુકી હતી અને બીજી સિદ્ધિ પણ તે આસાનીથી મેળવી શકે તેમ હતી – અલબત તે અંતિમ સિદ્ધિની બહુ નજીક પહોચી ગઈ હતી.

એકાએક ઘર પોતે જ નાના ટુકડાઓમાં વહેચવા લાગ્યું… ઘરની દીવાલો અને દરવાજા ફ્રેગમેન્ટ થવા લાગ્યા.. તુષારની આંખો સતત કવિતા માટે શોધ કરી રહી હતી ત્યાજ કવિતા તેની પાસે આવીને ઉભી રહી… તે તેનાથી આગળના ભાગમાં ઉભી હતી. કવિતાએ બંને હાથની મદદ વડે સંદીપને પોતાના હાથમાં રાખેલ હતો. સંદીપ બેભાન અવસ્થામાં હતો. કોઈ હોલીવુડના ફિલ્મ જેવું એ દ્રશ્ય લાગી રહ્યું હતું.

તુષારે કંઈક બોલવાની કોશિશ કરી, પરંતુ તે કંઇપણ બોલી કે સમજી શકે તે પહેલાં, કવિતા સંદીપ અને પોતે ત્રણેય સંદીપના ઘરેથી દૂર સ્થળે ટેલિપોર્ટેડ થયા..

તુષાર કાઈ સમજી શકે તે પહેલા તેઓ ત્રણેય સંદીપના ઘરથી દુરના એક સ્થળે પહોચી ગયા હતા… સેફ એન્ડ સાઉન્ડ… તેઓ એક વિશાળ મેદાનમાં હતા.. કોઈ ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલા વિશાળ મેદાનમાં..!!

“શું થઇ રહ્યું છે??? તું મને સમજાવીસ?”  તુષારે કવિતા તરફ જોઈ કહ્યું પણ તે તેનું વાક્ય પૂરું કરી શકે  તે પહેલાં કવિતાએ તેને ત્યાંથી દુર ખેચી લીધો… અને બીજી જ પળે તુષાર જ્યાં ઉભો હતો એ સ્થળે તુષારની કાર આકાશમાંથી પડી.. કવિતાએ તેને દુર ખેચી ન લીધો હોત તો તે પોતે પોતાની જ કાર નીચે કચડાઈ ગયો હોત.. કારણ કે તેની કાર પણ તેમની સાથે ટેલિપોર્ટેડ થઇ હતી.

“શું થઇ રહ્યું છે?? તું મને સમજાવી શકે છે?” તુષારે ફરી પૂછ્યું. અને તે પોતાની જાતને જ કહી રહ્યો હોય તેમ તેણે ગણગણાટ કર્યો, “મને ખબર છે કે તું નહિ સમજાવી શકે… આજે મેં જોયું છે એ શું હતું એ મને કોઈ નહિ સમજાવી શકે.”

કવિતાએ હળવે રહીને સંદીપને નીચે જમીન પર લોન પર સુવાડ્યો. તેના માથા પર તેના હાથ મૂકયા.. બીજી જ  ક્ષણે સંદીપે તેના અંગો મરડયા આંખો ખોલી અને તે ઊભો થયો. તેણે કવિતા અને તુષાર તરફ  જોયું. તે તેમને ઓળખી ન શક્યો તેથી તેણે પૂછ્યું, “તમે કોણ છો? અને હું ક્યાં છું? ”

“હું તુષાર છું… તે કવિતા છે અને તમે સંદીપ છો.” તુષારે કહ્યું.

“કવિતા…? આ નામ મારા માટે પરિચિત છે.” સંદીપે તેના હાથમાં પહેરેલ ઘડિયાળમાં જોયું અને કહ્યું, “હું કેવી રીતે જીવી શકું છું? દસ મિનિટ પહેલાં હું મૃત્યુ પામ્યો હોત. હું જીવિત ન હોઈ શકું..”

“તું  મૃત્યુ પામીશ નહીં, તું વર્ષો સુધી જીવીશ.” કવિતાએ કહ્યું

સંદીપે પૂછ્યું, “2036 સુધી…?”

“હા, એનાથી પણ વધુ..” તુષારે કહ્યું.

“તે મારા ચિત્રમાં તમે હતા. તમે મને બચાવ્યો.” સંદીપને યાદ આવ્યું કે તેણે બનાવેલ ૨૦36ના ચિત્રમાં તેની નજીક ઉભેલ છોકરી એ સમયે તેની સામે ઉભી હતી.

“હા મારા ભાઈ…. તે હું હતી…” કવિતાએ તેને ભેટવા માટે પ્રયાસ કર્યો. પણ સંદીપ બે ડગલા પાછો હટી ગયો અને કહ્યું, “શા માટે..? શા માટે તમે મને બચાવ્યો? હું મારા હૃદયમાં મારા મમ્મી પપ્પાને ખોયાની પીડા સાથે 2036 સુધી જીવવા નથી માંગતો..”

કવિતાએ સંદીપને સમજાવવા પ્રયાસ કર્યો પણ  તે કંઇ સાંભળવા તૈયાર ન હતો. તે રાડારાડ કરી રહ્યો હતો, “મને મારી નાખો, કૃપા કરીને મને મારી નાખ…. હું મારા મમ્મી પપ્પા વિના જીવવા નથી માંગતો… મને ખબર હતી કે કોઈ મને મારી નાખવાનું છે છતાં હું મારા ઘરે આવ્યો હતો કેમકે મને આ દુઃખમય જીવનથી મુક્તિ જોઈતી હતી… તમે મને શા માટે બચાવ્યો??? મહેરબાની કરી મને મારી નાખો.”

કવિતાએ તેના માથા પર હાથ મૂક્યો અને એ સાથે જ સંદીપ શાંત થઇ ગયો.. તે ફરી બેભાન થઇ જમીન પર પડવા લાગ્યો પણ તે જમીન પર પડે તે પહેલા જ કવિતાએ તેને જીલી લીધો અને હળવેથી તેને જમીન પર સુવડાવી દીધો.

“તુષાર, હું આવું ત્યાં સુધી તેની કાળજી રાખજે’.” કવિતાએ ભાવનાત્મક અવાજે  કહ્યું

“તું ક્યાં જાય છે?” તુષારે નવાઈ પામી પૂછ્યું.

“ભૂતકાળમાં… સંદીપના માતાપિતાને બચાવવા… તેને તેમની સાથે ફરી જોડવા… જો હું સફળ થઈશ તો હું તમારી પાસે પાછી આવીશ. જો હું પાછી નહી ફરું તો, મને વચન આપ કે તું સંદીપનું ધ્યાન રાખીશ…” કવિતાએ હાથ આગળ કરી કહ્યું.

“આપણે બંને સંદીપની કાળજી લઈશું… બંને ભેગા મળી તેની સંભાળ લઈશું. તારે પાછા આવવું પડશે…. મને વચન આપ કે તું પછી આવીશ જ..” તુષાર પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં એક ફ્લેશ સાથે કવિતા ત્યાંથી અદ્રશ્ય થઇ ગઇ.

*

વર્તમાન સમય:

“પપ્પા, કવિતાએ તેના ભાઈને બચાવી લીધો છે. મારા મનની યાદો બદલાઈ રહી છે… મને એમ લાગી રહ્યું છે જાણે ભૂતકાળ બદલાઈ રહ્યો છે… કેટલીક યાદો અસ્પષ્ટ બની છે અને મારા મનમાં કેટલીક નવી યાદો શામેલ થઈ રહી છે.” તુષારે કહ્યું.

“મને ખબર છે… હું તે વાંચી શકું છું.” રીશીકુમારે હસતા હસતા જવાબ આપ્યો.

અચાનક કવિતા વર્તમાન સમય પરથી અદ્રશ્ય થઇ ગઇ. કવિતા તેમની વચ્ચે ન રહી.

તુષારે ચિંતાજનક અવાજે પૂછ્યું, “તે ક્યાં છે? કવિતા ક્યાં છે?”

“ઈશીત્વમ…..” રીશીકુમારે સિગારેટ નીકાળી મોઢામાં મુકીને કહ્યું.

“ઈશીત્વમ…?”  તુષારે પણ તે શબ્દનું  પુનરાવર્તન કર્યું.

“તે ભવિષ્યવાણીમાં જેનું વર્ણ થયેલ છે એ છોકરી છે… ઘણા વર્ષો પહેલા એવું કહેવામાં આવતું હતું કે એક દિવસ કોઈ વ્યક્તિ ઈશીત્વમ અને વશિત્વમની શક્તિ સાથે રિવીલર અને ડાર્કનર્સને નષ્ટ કરવા માટે આવશે.” વર્ષોથી જે દિવસની રાહ જોતા હતા એ દિવસ આવી ગયો હોય એમ સીગારેટનો ઊંડો કસ લઈ રીશીકુમારે કહ્યું.

“પપ્પા…” તુષારે બેબાકળા થઇ કહ્યું, “હવે તે ક્યાં છે? કવિતા ક્યાં છે?”

“તે ભૂતકાળના સમય બિંદુ પર છે. તે 24 મી ઓગસ્ટના 4:00 કલાકના સમય ગાળા પર છે.”  રિશી કુમાર બોલે એ પહેલા આનંદે જ કહ્યું.

“મને કહો કે તે શા માટે ત્યાં છે?” તુષારે જાણવાની તાલાવેલી દર્શાવી.

“તું જાતે જ જોઇલે..” રીશીકુમારે કહ્યું અને તેના મગજમાં એક ટેલિપથી દ્રશ્ય સંદેશ મોકલ્યો.

ટેલીપાથિક દ્રશ્ય સંદેશ :

ભૂતકાળનું સમયબિંદુ(સંદીપના મમ્મી પપ્પાની હત્યા થઇ હતી એ દિવસ)

કવિતાએ સંદીપના ઘરની સામે તેનું એવિએટર પાર્ક કર્યું. તે શાળાએથી રોજ કરતા વહેલી આવી હતી. તે તેની બેગ સાથે શાળાના ગણવેશમાં હતી મતલબ તે શાળાએથી સીધી જ સંદીપના ઘરે ગઈ હતી.

કવિતા પોતાનું એવિએટર પાર્ક કરી મીનાબેનના ઘર માતૃછાયામાં પ્રવેશી. મીનાબેન અને સંદીપ ઘરના ફોયરમાં જ બેઠા હતા. તેમના ચહેરા પર અંધકારમય ઉદાસીના વાદળો છવાયેલ હતા. એકાએક કવિતાને ત્યાં આવેલ જોઈ મીનાબેનને આઘાત લાગ્યો. કવિતાને ત્યાં જોઈ સંદીપને પણ એટલો જ આઘાત લાગ્યો. સંદીપ અને મીનાબેન બંને જાણતા હતા કે તેમના મૃત્યુનો દિવસ હતો અને જો કવિતા ત્યાં હોય તો તેની સાથે પણ દુર્ઘટના થઇ શકે.. તેમના અંદાજ મુજબ કવિતા એ સમયે શાળામાં હોવી જોઈએ..અને ખરેખર ભૂતકાળ ન બદલાયો હોત તો કવિતા એ સમયે શાળામાં જ હોત!!!

“કવિતા… તું શા માટે તમે અહીં છે? તારે શાળામાં હોવું જોઈએ.” મીનાબેને કવિતા ફોયરમાં પ્રવેશી એ સાથે જ કહ્યું.

“મને માથામાં દુઃખાવો થાય છે તેથી સ્કૂલથી વહેલી રજા લઇ ઘરે આવી છું…..” કવિતાએ બેગ સોફા ઉપર મુકીને કહ્યું.

“બરાબર… બેટા.” મીનાબેને કહ્યું તેઓ ઊભા થયા, ટીવી શોકેસના ડ્રોઅરમાંથી એક ટેબ્લેટ લઈ અને કવિતાને આપી. કવિતાએ રસોડામાં જઇ પાણી સાથે ગોળી લીધી.. કવિતા રસોડામાંથી બહાર આવી અને કોચ પર પોતાની જાતને ગોઠવી.

“તું શા માટે  અહીં બેસી ગઈ..? ઘરે જા અને રાહત મેળવવા માટે આરામ કર. તારો માથાનો દુખાવો આ ટેબલેટથી ઠીક થઇ જશે.” કવિતા સમજતી હતી કે કેમ મીનાબેન તેને ત્યાંથી મોકલી દેવા માટે ઉતાવળ કરી રહ્યા હતા.

“આંટી.” કવિતાએ કહ્યું, “મને ચાની જરૂર  છે, પ્લીઝ એક કપ ચા મળી શકે?” એવું લાગી રહ્યું હતું કવિતા ત્યાંથી જવા નહોતી માંગતી.

“કેમ નહિ?” મીનાબેને કવિતા માટે ફટાફટ ચા બનાવી અને કવિતાને આપી. તેઓ વાર વાર ઘડિયાળ સામે જોઈ રહ્યા હતા. કવિતા સમજતી હતી કે તેઓ કેમ વાર વાર ઘડિયાળ સામે જોઈ રહ્યા હતા??? તેઓ કાતિલ ત્યાં આવે એ પહેલા કવિતાને તેના ઘરે મોકલી દેવા માંગતા હતા જેથી તેને કાઈ નુકશાન ન થાય.

“જા, બેટા હવે ઘરે જઈને આરામ કર.” મીનાબેને કહ્યું.

“કેમ તમે ક્યાય બહાર જાઓ છો???” કવિતાએ પૂછ્યું.

“ના..”

“તો તમે વાર વાર ઘડિયાળ સામે કેમ જોઈ રહ્યા છો?” કવિતાએ પૂછ્યું.

“નાના.. એવું કાઈ જ નથી.” મીનાબેને અચકાતા કહ્યું.,

“ઓકે, આંટી.”

“બેટા, આજે મને આંટી નહીં મમ્મી કહીને બોલાવ… આજે મને એક વાર મા કહીને બોલાવ…” મીનાબેન લાગણીઓમાં તણાઈ રહ્યા હતા.

“શા માટે? કેમ..?” કવિતાએ નવાઈના ભાવ ચહેરા પર લાવતા પૂછ્યું, “આજે શું ખાસ છે?”

“કંઈ નથી…” મીનાબેને કહ્યું અને રસોડામાં ગયા.

કવિતા સંદીપ તરફ ગઈ અને કહ્યું, “શા માટે તું બે દિવસથી સ્કૂલમાં નથી આવતો?”  કવિતા બધું જ જાણતી હતી કેમકે તે ભવિષ્યમાંથી આવી હતી છતાં પૂછી રહી હતી.

“મને થોડો તાવ આવ્યો છે.” સંદીપે બહાનું બનાવતા કહ્યું.

“તાવ આવે છે અને મને કહ્યું પણ નહિ?”

“ઓહ, યાર્…. તે મામુલી તાવ છે.અને આમ પણ હવે ઉતરી ગયો છે.. હું કાલથી શાળાએ તારા સાથે આવીશ બસ.” તેણે સત્યને છુપાવવાનો પ્રયાસ કર્યો.

“બેટા, સંદીપ ઠીક છે.. તું ચિંતા ન કર… ઘરે જઇ આરામ કર એટલે તારું માથું ઉતરી જાય.” મીનાબેને રસોઈઘરમાથી બહાર આવી કહ્યું.

“શું થયું?” કવિતાએ તેમના ચહેરા તરફ જોઈ પૂછ્યું, “તમે શા માટે ઉદાસ છો? કેમ તમે દુખી દેખાઈ રહ્યા છો?”

“હું.. દુઃખી છું…?? ના… ના… એવું કાઈ નથી… હું ઉદાસ નથી.” મીનાબેને જવાબ આપ્યો. તેમણે સ્મિત કરવાનો પ્રયાસ કર્યો પણ હસી શકયા નહિ. મૃત્યુ નજીક છે એ જાણ્યા બાદ હસવું મુશ્કેલ હોય છે.

“મારા તાવને કારણે મમ્મી તણાવમાં છે. બિજુ કશુ નહિ…” સંદીપે એની મમ્મીને જવાબ આપવામાં અટવાયેલ જોઈ કહ્યું.

“જા.. કવિતા બેટા ઘરે જા અને ઊંઘ કર.. આજે ફરીથી અહીં આવિશ નહી…” મીનાબેન વાર વાર તેને ઘરે જવાનું કહી રહ્યા હતા.

“બાય..આંટી… બાય સંદીપ…” કહી કવિતા દરવાજા સુધી ગઈ અને અચાનક તે ત્યાં ઉભી રહી ગઈ. કવિતાએ પાછળ જોયું અને ઉમેર્યું,. “હું ઘરે નથી જઇ રહી સંદીપ… હું તમારી સાથે મૃત્યુ પામીશ. મને ખબર છે કે તમે એક કલાકમાં જ મૃત્યુ પામશો.”

સંદીપ અને તેની મમ્મી કવિતાને નવાઈથી જોઈ રહ્યા. મીનાબેન અને સંદીપ બેમાંથી એકેયને સમજાયું નહી કે એ વાત કવિતાને કઈ રીતે ખબર હોઈ શકે.

“કેવી રીતે…?” આ બધુ તને કોણે કહ્યું?” મીનાબેને કવિતા તરફ જોઈ પૂછ્યું. તેમનો ચહેરો ફિક્કો બની ગયો.”

“તમારા સિદ્ધાંત… હું ભવિષ્યથી પાછી આવી છું. મેં તમારા નિષ્ફળ પ્રયોગોના લેખો ભવિષ્યમાં વાંચ્યા છે અને તેથી હવે હું તમને બચાવી લેવા માટે અહીં છું. મેં ભવિષ્યમાં સંદીપને બચાવી લીધો છે અને હવે હું અહીં ભૂતકાળમાં છું. મારી પાસે ઈશીત્વામની શક્તિ છે.” કવિતાએ પાછા તેમના નજીક જતા કહ્યું.

“પરંતુ કેવી રીતે…?” મીનાબેન આશ્ચર્ય પામ્યા, “તે પ્રયોગ ખરેખર નિષ્ફળ ગયો હતો.”

“શું તું મારાં મમ્મી પપ્પાને બચાવી શકે છે?” સંદીપે તેના અવાજમાં ખુશી સાથે પૂછ્યું.

“હા.” તેણીએ જવાબ આપ્યો, “હું કરી શકુ છું.”

“હત્યા ક્યારે થશે? કવિતાએ પૂછ્યું.

“એક કલાક પછી..” મીનાબેને કહ્યું.

“પણ આપણે સમયને જાણતા નથી.. મમ્મી ના…. આપણે માત્ર તારીખ જ જાણીએ છીએ.” સંદીપે તેની મમ્મી તરફ જોઈ કહ્યું.

“તું નથી જાણતો પણ હું જાણું છું.” મીનાબેને કહ્યું.

“કેવી રીતે?” સંદીપે નવાઈ પામી કહ્યું.

“તે ચિત્ર બનાવ્યું એમાં તારા પપ્પાના હાથ પર જે ઘડિયાળ બાંધેલી હતી એ ઘડિયાળમાં મેં સમય જોઈ લીધો હતો. એ તારા ધ્યાનમાં આવ્યું નથી અને મેં પણ તેં કહ્યું નથી કેમકે હત્યાના સમય પહેલા હું તને આપણા બેઝમેન્ટમાં બંધ કરી બચાવી લેવા માંગતી હતી. મને ખબર હતી કે જો તને સમયની ખબર હોય તો તું ક્યારેય ફોયર છોડીને જવા તૈયાર ન થાય.” મીનાબેને કહ્યું.

“મમ્મી તું મને છેતરવા માંગતી હતી…? તે મને વચન આપ્યું હતું કે જો આપણે મરીશું તો બધા ભેગા મરીશું?” સંદીપે તેની મમ્મી તરફ જોઈ ફરિયાદ ભર્યા સ્વરે કહ્યું.

“હવે કોઈએ મરવાનું નથી.. જેને મરવાનું છે એ છે માત્ર દુશ્મનો.” કવિતાએ સંદીપ તરફ જોઈ તેના માથા પર હાથ મૂકી કહ્યું,” બસ… સંદીપ યાદ રાખજે કે તું ફરી ધ્યાનમાં ન જઈશ… ધ્યાન તને કોમા તરફ દોરી જશે. કઈ પણ બાબત થાય  પૂર્વગામી શક્તિ(પ્રીકોગનીજેશન) નો ઉપયોગ કરીશ નહી. તે તારા મનને નુકસાન કરી શકે છે અને તું યાદદાસ્ત ગુમાવી બેસીસ.”

“બરાબર. હું ધ્યાનમાં જવાનો પ્રયાસ નહિ કરું પણ શું તું મારા મમ્મી પપ્પાને બચાવી લઈશ???” સંદીપે પૂછ્યું.

“હા, ચોક્કસ.”

“પણ તું અહી આવી કઈ રીતે કવિતા… મેં લખેલ પ્રયોગો તો ખરેખર નિષ્ફળ હતા.” મીનાબેને નવાઈ પામતા કહ્યું.

“ના, તે પ્રયોગો નિષ્ફળ ન હતા બસ તમને એવું લાગતું હતું કે તે નિષ્ફળ હતા.” કવિતાએ કહ્યું.

“મેં લખેલા પ્રયોગો સફળ હતા અને મને જ ખબર ન હતી એવું કઈ રીતે શક્ય છે?”

“કેમકે તમે એ થીયરી લખી ત્યારે તમે એમ સમજતા હતા કે તે નિષ્ફળ પ્રયોગ છે પણ ખરેખર જયારે તમારા ભાઈ વર્ધમાન તમને મળ્યા હતા ત્યારે તેમણે ત્રીજા પ્રકરણની બધી જ માહિતી તમારા મનમાં ટ્રાન્સફોર્મ કરી નાખી હતી અને તેમણે જ તમારા મનને એ બધું કરવા પ્રેર્યા હતા કે તમે મને ફોટો ક્રોમિક મેમેરી શીખવવાનો પ્રયાસ કર્યો… ખરેખર તમે મને જયારે ફોટો ક્રોમિક મેમેરી શીખવી રહ્યા હતા ત્યારે એની સાથે સાથે ત્રીજા પ્રકરણમાં દર્શાવેલ સમયમાં મુસાફરી કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ પણ આપી રહ્યા હતા અને તમને એ વાતની ખબર પણ ન હતી.” કવિતાએ કહ્યું.

“પણ વર્ધમાને એવું કેમ કર્યું??? તેણે મારા મનમાં કોઈ ચીજ ટ્રાન્સફોર્મ કરી અને મને કહ્યું પણ કેમ નહિ??” મીનાબેને પૂછ્યું.

“કેમકે વર્ધમાન જાણતા હતા કે દુશ્મન પાસે માઈન્ડ હેક કરી શકવાની અને ડેટા જેક કરી શકવાની શક્તિ છે. જો તમારા મનને ખબર હોય કે ત્રીજા પ્રકરણમાં કઈ માહિતી છે તો એ માહિતી મેળવી લેતા દુશ્મનને વાર લાગે તેમ ન હતી આથી વર્ધમાને તમારા મનમાં સાચી માહિતીને ભરી દીધી અને તમે એને ખોટી માહિતી સમજી નિષ્ફળ પ્રયોગ રૂપે ઉતરી નાખી. તમે જયારે એ નિષ્ફળ પ્રયોગ વિશે આર્ટીકલ લખ્યો હતો એમાં મારો ઉલ્લેખ કરેલ હતો જયારે આપણે એ સમયે એકબીજાથી પરિચિત હતા જ નહિ પરંતુ વર્ધમાન પાસે દુરદર્શનમ શક્તિ હતી. તેમને ખબર હતી કે આપણે મળીશું… તમારી હત્યા થશે.. સંદીપની હત્યા થશે અને હું ભૂતકાળમાં આ બધું રોકવા આવીશ. વર્ધમાન બધુ જ જાણતા હતા કેમકે તેમની પાસે એ ત્રીજું પ્રકરણ હતું.” કવિતાએ સમજાવતા કહ્યું.

“વર્ધમાન અત્યારે ક્યાં છે?” મીનાબેને કહ્યું.

“તેઓ હવે નથી… જયારે તેઓ તમને મળવા આવ્યા ત્યારે તેમને ખબર હતી કે તેમની પાસે હવે સમય નથી, તેઓ જાણતા હતા કે દુશ્મનો તેમને શોધી લેશે એટલે તેમણે ત્રીજું પ્રકરણ તમારા મનમાં સલામત કરી નાખ્યું અને તેમણે એક એવી છોકરી શોધી કાઢી જે એકદમ સામાન્ય અને મામૂલી હતી પણ તેના મનમાં ઈશીત્વમ – વશીત્વમની શક્તિઓ મેળવી શકવાની ક્ષમતા હતી બસ સમસ્યા હતી તો એક જ કે એ મામુલી છોકરી એટલે કે મને તાલીમની જરૂર હતી અને એ કામ પણ વર્ધમાને તમારા મનમાં બધું પૂર્વનિર્ધારિત કરી રાખ્યું હતું. આમ વર્ધમાનને મરતા પહેલા ખબર હતી કે પોતે મારવાના છે, પોતાને પોતાની બહેન અને બહેનનો આખો પરિવાર મારવાનો છે પણ એમણે એ ત્રીજા પ્રકરણની મદદથી બધું એવી રીતે ગોઠવી નાખ્યું હતું કે તેમના મૃત્યુ બાદ પણ તમારા મૃત્યુ બાદ પણ કોઈ ભવિષ્યમાંથી ભૂતકાળમાં આવે અને એ બધી જ હત્યાઓ થતી અટકાવે. અને હું એ હત્યાઓ અટકાવવા માટે આવી છું.” કવિતાએ ફરી સમજુતી આપી.

“પણ તું કઈ રીતે વર્ધમાનને જાણી શકે??? જયારે એ મૃત્યુ પામ્યા એટલે કે જો મને મળવા આવ્યા હતા એના પછીના થોડાક સમય સુધીમાં મૃત્યુ પામ્યા હોય તો પણ એ વખતે તું નાની છોકરી હતી.” મીનાબેને કહ્યું.

“હા, પણ હવે મારી પાસે ઈશીત્વમ – વશીત્વમ સિદ્ધિ છે જે મને ત્રિકાળ જ્ઞાન પ્રદાન કરે છે. હું વર્તમાન ભૂતકાળ અને ભવિષ્ય એમ ત્રણેય કાળને જાણી શકું છું. હું જાણી શકું છું કે કયા સમયે શું થયું હતું… મારા માટે સમયનું બંધન નથી રહ્યું. હું સમયના બંધનને તોડીને ગઇકાલમાં નજર કરી શકું છું તો બીજી પળે આવતી કાલે થનાર ચીજને જોઈ શકું છું.. આ બધું તમારી દેન છે તમે જ મને આ બધું કરી શકવાને યોગ્ય બનાવી છે.” કવિતાએ કહ્યું.

“તો વર્ધમાનનું શું? શું તું એમને બચાવી લઈશ?” મીનાબેને કહ્યું.

“હા, પણ અત્યારે તમને બચાવવા જરૂરી છે.” કવિતાએ કહ્યું.

(પછીનો હપ્તો 26 હમણાં 10 મીનીટમાં જ આવશે કારણકે આ હપ્તો અધુરો છે…..)

Comment here