safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -24)

હપ્તો 23

 

હાલના વર્તમાન સ્થાને:

અચાનક આનંદે કવિતાના મનને વાંચવાનું બંધ કરી દીધું અને તુષાર તરફ જોઈ કહ્યું, “તું અને કવિતા પહેલા પણ ભૂતકાળમાં જવાની યોજના બનાવી રહ્યા હતા? જયારે સંદીપ ગુમ થયો એ સમયે?”

“હા… અમે ભૂતકાળમાં જઈ ભૂતકાળ બદલવા માંગતા હતા…” તુષારે કહ્યું.

“પણ કેમ??”

“કેમકે હું મારી મમ્મી સાથે થયેલ દુર્ઘટના અને કવિતા સંદીપના પરિવાર સાથે થયેલ દુસ્વપ્નને બદલવા ઇચ્છતી હતી.” તુષારે કહ્યું.

“તમે પહેલા પણ ભૂતકાળમાં જવાનો પ્રયત્ન કર્યો છે?” રીશુકુમારે આઘાત પામતા કહ્યું,  “તું જાણે છે તારે એન. પી. એફ. નો ઉપયોગ ક્યારેય ભૂતકાળમાં જવા માટે ન કરવો જોઈએ છતાં તે પ્રયત્ન કર્યો?? મેં તને ચેતવણી આપી હતી કે મારી ગેરહાજરીમાં એન.પી.એફ. (નોન-ફિઝિકલ ફોર્સ) નો ઉપયોગ ન કરવો.”  રિશી કુમાર જરા ગુસ્સામાં બોલ્યા.

“શા માટે પપ્પા…? કેમ નહિ? મને એક કારણ આપો કે મારે તેનો ઉપયોગ કેમ ન કરવો જોઇએ? ” તુષારે સામે એમના જેટલા જ ગુસ્સા ભર્યા અવાજે કહ્યું.

“નોન્સેસ…! તમારા જેવા છોકરાઓ નોનસેન્સ હોય છે. શું તને લાગે છે કે તારું ભૌતિકશાસ્ત્ર નિરપેક્ષ છે? આ ફિઝિક્સનો કોઈ સરળ વિજ્ઞાન પ્રયોગ નથી. એન.પી.એફ. સાર્વત્રિક બળ છે. તેની કુલ હાજરી ભૌતિક બળ કરતાં હજાર ગણી વધારે છે.” રીશીકુમારે ગુસ્સે થઇ કહ્યું.

કવિતા મુંજવણમાં હતી  તેની પાસે પૂછવા માટે ઘણા પ્રશ્નો હતા પણ તે શાંત રહી. તે ચુપ હતી. તેને ખબર ન હતી કે શું બોલવું કે તેણીએ બોલવું જોઈએ કે નહીં કારણ કે રીશીકુમાર ગુસ્સામાં હતા અને તેમને એ સમજાવવું મુશ્કેલ હતું કે તુષારે અને પોતે માત્ર ભૂતકાળમાં જવાની ચર્ચા જ કરી હતી. એટલે તેણીએ બાપ બેટા વચ્ચેની એ દલીલોમાં ભાગ ન લેવાનું યોગ્ય સમજ્યું.

“તે કેવી રીતે શક્ય છે? કંઈ વિજ્ઞાન બહાર નથી.. મારા માટે ભૂતકાળમાં જવું એ માત્ર એક ઈચ્છા છે અને એ ભલે વિજ્ઞાનની મર્યાદામાં હોય કે તેની મર્યાદા બહાર હું મમ્મીને ત્યાં જઇ બચાવવા માંગતો હતો અને હજુ પણ એવું જ કરીશ..”તુષારે પોતે કેમ ભૂતકાળમાં જવાનો પ્રયાસ કર્યો હતો એનું ફરી કારણ જણાવ્યું.

“વિજ્ઞાન જ્ઞાનનો સૌથી નાનો ભાગ છે અને સમગ્ર નથી. જ્ઞાન અમર્યાદિત છે તે વિજ્ઞાન, તારા વિચારો અને તારી કલ્પનાથી પણ બહાર છે. આ બ્રહ્માંડ છે, જે શરું થાય છે પણ તેનો કોઈ જ અંત નથી. કેવી રીતે વિજ્ઞાન જ્ઞાનનો અંત હોઈ શકે? ઘણી શક્તિઓ, ઘણું જ્ઞાન અને હજારો ચમત્કારો તે વિજ્ઞાનની મર્યાદા બહાર છે.” રીશીકુમારે એ જ ગુસ્સા સાથે કહ્યું.

“ગમે તે હોઈ શકે પણ  હું ત્યાં જઈશ. હું મારી મમ્મીને બચાવવા જઇશ. તે મારો દોષ હતો… પપ્પા તમને ખબર છે કે તે મારા કારણે થયું હતું… મમ્મીનો અકસ્માત મારા લીધે થયો હતો..” તુષારે કહ્યું, તેનો અવાજ મજબૂત હતો અને તેના પરથી દેખાતું હતું  કે તુષાર એક હઠીલા છોકરો હતો.

“તારી મમ્મીનો અકસ્માત તારા કારણે નહિ રીવીલર્સને કારણે થયો હતો.” રીશીકુમારે આખરે છુપાવી રાખેલું સત્ય કહ્યું.

“શું?” તુષારે આશ્ચર્યથી કહ્યું, “કોણ રીવીલર…?”

કવિતા પણ રીવીલર શબ્દ સાંભળી આશ્ચર્યમાં હતી કારણ કે તે તેના માટે પણ અજાણ્યો શબ્દ હતો.. આનંદ શાંત હતા….

“તેઓ આપણા માટે અને શુદ્ધિકરણના દરેક અનુયાયી માટે દુશ્મન છે. રીવીલર એ શાપિત ગુલામો છે.”  રીશી કુમારે કહ્યું, “તેઓ એવા લોકો છે જેમની પાસે યોગની શક્તિઓ છે પણ તેઓ તેનો ઉપયોદ સદકાર્યો માટે નહિ પણ ખરાબ કામો માટે કરે છે… એ જ લોકો જે સ્વામીના અનુયાયીઓ છે અને જેમણે સંદીપના મમ્મી પપ્પાની હત્યા કરી છે.”

“શુદ્ધિકરણનો માર્ગ…??? પણ મમ્મી એ માર્ગ પર ન હતી. તે તમારું લક્ષ્ય હતું પપ્પા.. તમે શુદ્ધિકરણના માર્ગ પર હતા તો રીવીલર્સ શા માટે મમ્મીની હત્યા કરે…? ”

“હા, તે શુદ્ધિકરણના માર્ગ પર હતી.. તેના શાણપણના એટલે કે જ્ઞાનના વિકાસ દ્વારા તે શુદ્ધીકરણના માર્ગ પર હતી. શિસ્ત અને સ્વયંશિસ્તના નિયમોને અનુસરવાને લીધે તેનું હૃદય પવિત્રતાના મંદિર સમું બની ગયું હતું. ગુરુ તરીકે તેના આત્માએ તેને શુદ્ધિકરણના તબક્કા તરફ દોરી હતી.. તે આજ્ઞા, શુદ્ધિ અને નિરંતર રાગ દ્રેષ વિનાના વિચારો દ્રારા શુદ્ધિકરણ એ માર્ગ પર પહોચી હતી…  તેને કુદરતી રીતે જ એ જ્ઞાન અને દ્રષ્ટિ મળી હતી…. આમ, તેને અસામાન્ય કૌશલ્ય મળ્યું પણ તે પોતે જ પોતાના શુદ્ધિ કરણના માર્ગથી અજાણ હતી.” રીશીકુમારે કહ્યું.

“અંકલ…” કવિતાએ તેમની વાતમાં  વિક્ષેપ કરવાની  હિંમત કરતા કહ્યું, “રિવીલર કોણ છે? શા માટે તેઓ શુદ્ધિકરણના અનુયાયીઓને મારી નાખે છે? ”

“તેઓ ખરેખર ગુલામો છે… ડાર્કનર્સના ગુલામો… તેઓ વિનાશની શક્તિ સાથે અમૂર્ત માણસો છે… તેઓ એ લોકો છે જેમણે ધર્મના માર્ગને ત્યજી દીધેલ છે. તેઓ  રાક્ષસ અથવા દુષ્ટ આત્મા સમાન છે. ડાર્કનર્સ એ એવા યોગીઓ છે જે આ દુનિયામાં પ્રકાશના રાજને બદલે અંધારપટ જોવા માંગે છે…!! તેઓ યોગની એ શક્તિઓનો ઉપયોગ શીખે છે જે અરાજકતા ફેલાવવા માટે ઉપયોગી છે…!! તેઓ તેનો ઉપયોગ એવા જ અરાજકતા ફેલાવનાર કામો માટે કરે છે. રીવીલર તેમના નોકર અને ગુલામ છે  અને અંધકારથી બનેલા બાર્બેરીઅન્સ છે. સ્વામી વિશે ખાસ મને માહિતી નથી પણ કદાચ એ પણ જો યોગની સિદ્ધિઓનો દુરુપયોગ કરનાર વ્યક્તિઓમાંનો એક છે તો તે જરૂર રીવિલર હશે અને ડાર્કનર સાથે જોડાયેલ હશે જ.” રીશીકુમારે કહ્યું.

કવિતા અને તુષાર બંને એ સાંભળ્યા બાદ દંગ રહી ગયા.. તેઓ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.

“સારા માણસો અને દુષ્ટ માણસો વચ્ચે જ્યારથી આ બ્રહ્માંડ બન્યું છે ત્યારથી યુદ્ધ ચાલ્યું આવે છે… રિવિલર્સે દુષ્ટ લોકોનો સાથ આપનાર યોગીઓ હતા જેમને અંધકાર સાથે લગાવ હતો… તેમને પ્રકાશની શક્તિઓને નકારી દીધી અને અંધકારને સ્વીકારી લીધો. ડાર્કનર્સ એટલે કે એક દુષ્ટ યોગિક શક્તિના ગુલામ તરીકે તેઓ પાસે તેમના માસ્ટર્સની અલૌકિક શક્તિનો ઉપયોગ કરવાની સત્તા છે. સ્વિચર હોવાથી તેઓ વિવિધ ભૌતિક સ્વરૂપો ઘડી શકે છે. તેઓ કોઈ પણ રૂપ લઇ શકે છે.. કોઈ તેમના વાસ્તવિક દેખાવને જાણતું નથી કારણ કે તેઓ ભ્રમણવાદક છે. તેઓ માયાજાળ રચી શકે છે.. તેઓ  ભયંકર યોદ્ધા છે. તેઓ એક નાઇટમેર સમાન છે.. અને નિશાચર તરીકે તેમની શક્તિ રાત વખતે સૌથી અસરકારક છે.” આનંદે રીવીલર અને ડાર્કનાર વિશે વિસ્તારપૂર્વક સમજાવતા કહ્યું.

“પરંતુ શા માટે તેઓએ મારી મમ્મીને મારી? મતલબ કે શા માટે તેઓ શુદ્ધિકરણના માર્ગના અનુયાયીઓને મારી નાખે છે? ” તુષારે પૂછ્યું.

“ભગવદ ગીતા અનુસાર, બ્રહ્માંડના બધા માણસો દૈવી ગુણો અને શૈતાની બેમાંથી એક ધરાવે છે. ભગવદ ગીતાના દૈવી અસુર સંપદા અધ્યાયમાં એને વિગત સાથે સમજાવવામાં આવેલ છે. કેટલાક લોકો શુદ્ધ ઈશ્વરીય છે, કેટલાક શુદ્ધ રાક્ષસ જેવા છે અને બાકીના બંનેનું મિશ્રણ છે.” રીશીકુમાર એક ક્ષણ માટે થોભ્યા અને આગળ બોલવાનું ચાલુ રાખ્યું, “ડાર્કનેર્સ સુદ્ધ રાક્ષશ છે તેમને જે લોકો દૈવી અને આસુરી એમ બંને સપાદાથી બનેલ હોય તેવા મિશ્રણ વાળા લોકોથી કોઈ ભય નથી પણ તેમને શુદ્ધ દૈવી સંપદાથી બનેલ લોકોથી હમેશા ખતરો મહેસુસ થાય છે કેમકે દુનિયામાં અજવાળું એવા લોકોને લીધે જ છે અને જો તેવા શુદ્ધ માણસો ન હોય તો દુનિયામાં આસાનીથી અંધકાર પટ છવાઈ શકે છે અને ડાર્કનર્સ એ જ ઈચ્છે છે કે દુનિયામાં અંધકાર છવાયેલ રહે એ માટે તેઓ શુદ્ધ દૈવી લોકોને મારી નાખવા માંગે છે.. રીવીલર્સ ડાર્કનર્સની બાજુ સ્વીકારીને  દુષ્ટ બાજુ પર રહ્યા છે અને ઈશ્વરીય લોકોના દુશ્મનો બની ગયા છે. તેઓ ડાર્કનર્સના કહેવાથી ઈશ્વરીય અને શુદ્ધ લોકો કે જેઓ શુદ્ધિકરણના માર્ગ પર ચાલતા હોય તેમને મારી નાખે છે.” આનંદે ફરી વિગત આપી.

“શા માટે ડાર્કનેસ સેઇન્ટને… સારા માણસોને એટલે કે શુદ્ધિકરણના માર્ગ પર ચાલનારને મારી નાખવા માગે છે?”  કવિતાએ કહ્યું

“આ યુદ્ધ બ્રહ્માંડના અસ્તિત્વ સાથે અસ્તિત્વ ધરાવે છે અથવા તે પહેલાં પણ હોઈ શકે છે. જ્યારે ડાર્કનર્સને એમ લાગે છે કે શુદ્ધ ઈશ્વરીય બાજુ મજબૂત થઇ રહી છે ત્યારે તેઓ દુષ્ટ બાજુને સુરક્ષિત કરવા માટે અને ઈશ્વરીય શુદ્ધ બાજુને નબળી બનાવવા માટે શુદ્ધ ઈશ્વરીય લોકોને મારી નાખે છે.”

“પરંતુ  મારી મમ્મી જ શામાટે?” તુષારે પૂછ્યું.

“કારણ કે તારી મમ્મી સારા અને ખરાબ બંને ગુણો ધરાવતા ભેળસેળ લોકો માની એક ન હતી. તે શુદ્ધ ઈશ્વરીય માર્ગ પર ચાલનાર લોકોમાંથી એક હતી જે આ દુનિયામાં બહુ ઓછા છે અને એમને મારી નાખીને ડાર્કનર એટલે કે રાક્ષસી ગુણો ધરાવતા લોકો આ દુનિયામાં હમેશા માટે અંધકારનું સામ્રાજ્ય ફેલાવવા માંગે છે. તું તારી મમ્મીના મૃત્યુ માટે જવાબદાર નથી. રીવીલર ભ્રાંતિની શક્તિ દ્વારા તને ખોટા માર્ગે લઇ જઈ રહ્યા છે તેમણે ભ્રામક અકસ્માતમાં તારી મમ્મીને મારી નાખી અને તું પોતાની જાતને જવાબદાર માનવા લાગ્યો.” રીશીકુમારે કહ્યું.

“શા માટે આપણે આજ સુધી બચી શક્યા છીએ, પપ્પા? તેમણે હજુ સુધી આપણને કેમ મારી નથી નાખ્યા?” તુષારે પૂછ્યું.

“મૂર્ખ ન બન… મેં સમય-સમય પર સ્થાનો બદલીને તેમનાથી આપણી જાતને.. આપણા બન્નેને છુપાવ્યા અને બચાવી રાખ્યા છે… નહિતર એમનો ઈરાદો તો હંમેશાથી આપણને મારી નાખવાનો હતો.” રીશીકુમારે કહ્યું.

“તમે  દુરદર્શન (દૂરની વસ્તુઓ જોવાની શક્તિ, યોગની ગૌણ સિધ્ધિ.) ની મદદથી હમેશા તેમના આગમનને જાણી શકતા હતા અને તેમનાથી આપણે બચીને નીકળી જતા હતા.” તુષારે તેના ચહેરા પર ગુસ્સા સાથે કહ્યું, , “હું ત્યાં જઈશ અને મારી મમ્મીને બચાવીશ. હું તેમની સાથે લડીશ. ભૂતકાળમાં હું તેને બચાવવા જઇશ.”

“તેમની સાથે લડવા! તેઓ તને એક પળના બીજા ભાગમાં મારી નાખશે.”

“તમારા એન.પી.એફ. દ્રારા હું તેમની સામે લડીશ પપ્પા….. આપણે તેમની સામે તેનો ઉપયોગ કરી શકીએ છીએ.”

“ના, આપણે એવું નથી કરી શકતા…”

“પરંતુ શા માટે, પપ્પા…?”

“આપણે ભૂતકાળમાં જવા એન.પી. એફ.નો ઉપયોગ કરી શકીએ છીએ પણ ભૂતકાળમાં જવામાં જ તારી એન.પી.એફ. ખત્મ થઇ જશે અને એન.પી.એફ. વગર આપણે તેમને ભૂતકાળમાં ગયા બાદ પણ કેવી રીતે શોધી શકીએ? ” રીશીકુમારે કહ્યું.

“ઓહ, ગોડ..!” તુષાર નિરાશા સાથે જમીન પર બેસી ગયો..

“બદલો અગત્યની વસ્તુ નથી. તારી મમ્મીને મેં તને સાચવવાનું વચન આપ્યું હતું એ મારા માટે મહત્વનું છે.” રીશીકુમારે કહ્યું.

કવિતાએમની વાતચીત સાંભળી રહી હતી પણ તેને ખાસ કાઈ સમજ પડી રહી ન હતી અંતે તેણીએ મૂંઝવણમાં કહ્યું, “મારા માટે શું આદેશ છે?”

“સંદીપની હત્યાના દિવસે જા… તું તે દિવસે ક્યાં હતી? “ રીશીકુમારે પૂછ્યું.

“અમદાવાદ એ દિવસે હું અને તુષાર સાથે હતા..”

“હવે ભૂતકાળ બદલવાનો સમય આવી ગયો છે. તુષારની કારમાં તેની સાથે સંદીપના ઘરે જા… તુષારને તને ત્યાં જવા માટે મદદ કરવા કહે…. એને સાથે લઈને તું રાયગઢ જા.”

“ઠીક છે, સર.” કવિતાએ જવાબ આપ્યો અને તે સંદીપની હત્યાના દિવસે સ્વિચ થઇ..

*

(24 ઓગસ્ટ… તુષાર અને કવિતા અમદાવાદમાં કવિતાના ઘરે હતા, તેઓ એ પુસ્તકના ત્રીજા પ્રકરણ  વિશે ચર્ચા કરી રહ્યા હતા.)

“તારા પપ્પા એ પુસ્તક વિશે બહુ જાણતા હોય એમ લાગે છે?” કવિતાએ કહ્યું.

“હા, મારા પપ્પા જીવનભર એજ પુસ્તકની શોધમાં રહ્યા છે માટે તેઓ એના વિશે બધુજ જાણે છે..”’ તુષારે કહ્યું.

*

“કવિતા…  હવે તારે જે કરવાનું છે તે સમય આવી ગયો છે.” રીશીકુમારે વર્તમાન સમયના બિંદુ પર કહ્યું.

“ઠીક છે, સર.” કવિતાએ વર્તમાન સમયે જવાબ આપ્યો.

*

“શું તું  મારી એક મદદ કરીશ?” કવિતાએ પુસ્તક વિશેની ચર્ચા કરતા એકાએક કહ્યું.

“મદદ..? કેમ નહિ? અલબત્ત મને ખુશી થશે.” તુષારે કહ્યું.

“હું ક્યાંક જવા માંગું છું તુ મને ત્યાં લઇ જઈશ…??”

“ક્યાં …?”

“મારા મૂળ વતન… રાયગઢ… સંદીપના ઘરે…” કવિતાએ કહ્યું.

“હા, પણ આમ આકસ્મિક..?”

“હા, કામ જ કાઈ ક એવું છે..” કવિતાએ કહ્યું.

“ફિકર નહિ… મને આકસ્મિક કોઈ સ્થળ છોડી બીજા સ્થળે જવાનો બહોળો અનુભવ છે.” તુષારે હસીને કહ્યું.

બન્ને રૂમમાંથી બહાર આવ્યા.

“મમ્મી અમે અમારા પ્રોજેક્ટ માટે આર્ટ ગેલેરીના કામે બરોડા જઈ રહ્યા છીએ.” કવિતા પહેલી વાર મમ્મી સામે જુઠ્ઠું બોલી.

“ઠીક છે બેટા.” તેની મમ્મીએ કહ્યું.

બહાર જતાં પહેલાં કવિતાએ ગણેશ મૂર્તિને  નમન કર્યું. કદાચ એ તેમના કુટુંબનો નિયમ અથવા પરંપરા હતી.

“મમ્મી, અમે રાત્રે પાછા આવવા સમર્થ નહીં હોઈએ.. અમે આવતીકાલે બપોરે પાછા આવી શકીશું..” કવિતાએ કહ્યું.

“ઠીક છે…. બેટા.” તેની મમ્મીએ કહ્યું.

“તુષાર, બેટા…  મુસાફરી દરમિયાન કવિતાની કાળજી રાખજે.” કવિતાની સલામતી વિશે સંગીતાબેનને સંતોષ હતો કારણ કે તુષાર તેની સાથે હતો.. આમ પણ લગભગ કવિતા આર્ટ ગેલેરીના કામે ઘણીવાર બહાર રહેતી હતી.

તેઓ ઘરમાંથી બહાર આવ્યા અને તુષારની હોન્ડા અમેઝમાં ગોઠવાયા. બન્ને કારની અંદર ઊતર્યા, તુષારે  એન્જિન શરૂ કર્યું, ગિયર બદલ્યું, અને ધીમે ધીમે ક્લચને છોડી.. હળવા એક્સિલેટર સાથે કાર રસ્તા પર દોડવા લાગી.. તે સવારનો સમય હતો એટલે રોડ પર ખાસ ટ્રાફિક ન હતી, એમને  શહેર છોડી બહાર નીકળતા ખાસ વાર ન લાગી.

*

બે કલાક બાદ તુષારની અમેઝ રાયગઢના રસ્તા પર દોડી રહી હતી.

કવિતાએ તુષારને  હેપ્પી હોમ્સ રેસીડેન્સીના પ્રવેશદ્વાર તરફ જવા માર્ગદર્શન આપ્યું. તુષાર એ શહેરથી અપરિચિત હતો માટે તેને કવિતાના કહ્યા મુજબ જ કાર ચલાવવી પડતી હતી.

“કાર અહીં રોક.” કવિતાએ હેપીહોમ્સ પહોચતા જ આતુરતાપૂર્વક કહ્યુ, “તે અહીં છે… સવારથી… તે સવારથી અહીં છે.”

“અહીં… કોણ.. છે..?” તુષારે નવાઈ પામી પૂછ્યું.

“અહ…. કંઈ નહીં.” કવિતાએ સત્ય છુપાવવા માટે પ્રયત્ન કર્યો.

તુષારે હેપીહોમ્સના પ્રવેશદ્વારની ડાબી બાજુએ રહેલ ખાલી જમીન પર કાર પાર્ક કરી. કવિતા દુખી હૃદય સાથે કારથી બહાર નીકળી, માતૃછાયા તરફ જોઈ રહી..  “આ ઘર એક સમયે કેટલુ ખુશ હતું …! કવિતાના મોમાંથી એક ઉદગાર વાક્ય સરી પડ્યું. તેની આંખો ભીની થઇ ગઈ હતી અને તે માતૃછાયા તરફ જવાના માર્ગ પર ચાલવા લાગી.

તુષાર પણ કારમાંથી બહાર આવ્યો. શું કરવું તે અંગે તે મૂંઝવણ અનુભવી રહ્યો હતો.

*

“તું ભાનમાં તો છે ને..?” કવિતા… તું શું કરી રહી છો..? ” વર્તમાન સમયના બિંદુ પર રિશીકુમારે કવિતા તરફ જોઈ કહ્યું,  “કવિતા, તારી એક નાની ભૂલ આપણી યોજનાનો નાશ કરી શકે છે.. હત્યારા અને તેના હેતુને શોધવા માટેની આ છેલ્લી અને માત્ર છેલ્લી તક છે.”

“તે ક્યાં જઈ રહી છે?” તુષારે વર્તમાન બિંદુએ પૂછ્યું.

“તે તેના ભાઈ સંદીપને મળવા માટે તેના ઘરે જઇ રહી છે.” આનંદે કહ્યું.

“તારી જાતને સંભાળ કવિતા… તારી લાગણીઓ પર કાબુ કરતા શીખ..” સમયના વર્તમાન બિંદુએ તુષારે કવિતાનો ખભો પકડી જોરથી કહ્યું.

“માફ કરશો અંકલ… ઇચ્છાઓ, ખૂબ બેકાબૂ હોય છે… હું ખુદને સંદીપને મળવા જતા રોકી નથી શકતી…” તેણીએ કહ્યું

“હું તને સમજી શકું છું. તને જરૂરી દરેક વિગતો મેળવવા અને ભૂતકાળમાં ફેરફાર કરવા માટે ત્યાં મુકવામાં આવી છે. એ માટે તારે તારા ભાઈની હત્યા થતી જોવી પડશે અને એ માટે તારે પૂરતી શક્તિ અને હિંમતની જરૂર છે.” રીશીકુમારે કહ્યું.

“હા, હું કરીશ.. હું હિંમત અને શક્તિ રાખીશ..” કવિતાએ કહ્યું.

*

કવિતા કારમાં પાછી ફરી. તુષારને ત્યાં શું ચાલી રહ્યું છે એ સમજાઈ ન હતું રહ્યું કેમકે તે ભૂતકાળમાં હતો અને જાણતો ન હતો કે તેઓ ભવિષ્યમાં કોઈ એક સ્થળ પર અત્યારે ભેગા બેઠા  છે અને ભૂતકાળને બદલવા આવ્યા છે કેમકે ભૂતકાળમાં પણ ભવિષ્યને યાદ કરવાની અને ભવિષ્ય સાથે જોડીને રહેવાની બાયો લોકેશન પાવર માત્ર કવિતા પાસે જ હતી.

તુષાર અને કવિતા કારને હેપી હોમ્સના દરવાજા નજીક પાર્ક કરીને એકાદ કલાક સુધી ત્યાજ બેસી રહ્યા.

અગિયાર વાગ્યે સંદીપ ઘરમાંથી બહાર આવ્યો અને બજાર તરફ ચાલ્યો ગયો. તેણે અમેઝ કાર તરફ એક નજર કરી. તે ચાલતો જ માર્કેટ તરફ ગયો હતો. અમેઝ્માં બેઠેલ કવિતા અને તુષારને જોયા હતા પણ તે કવિતાને ઓળખી શક્યો નહિ.. કેમકે તે કવિતાને ભૂલી ગયો હતો.. તેને હવે તે કોમામાં ગયો હતો અને ફરીથી દવાખાનામાં તેને હોશ આવ્યો એ વચ્ચેનું કાંઈજ યાદ ન હતું.

“પર ચિત્ત આદિ અભિજનાતા. (ટેલિપથીનો ઉપયોગ કર)” રીશીકુમારે સમયના વર્તમાન બિંદુએ કહ્યું, “મને એના મનમાં રહેલ દરેક વિગત આપ.”

કવિતાએ સંદીપના મનને વાંચવાની શરૂઆત કરી અને રિશીકુમારને જાણ કરી, “સંદીપ તેના મમ્મી પપ્પાના હત્યાના દિવસને યાદ કરી શકે છે તે તેના માતાપિતાના ખૂનીને શોધવા માટે ત્યાં આવ્યો છે. તે  પોતાના મમ્મી પપ્પાના મૃત્યુ વિશે જાણે છે. તેને જુનો ભૂતકાળ યાદ આવી ગયો છે.”

“શું…? તેના મૃત્યુનો સમય શું છે? ” રીશીકુમારે પૂછ્યું.

“સંદીપને તેના પોતાના મૃત્યુનો ચોક્કસ સમય ખબર નથી.” કવિતાએ કહ્યું.

“વધુ વિગતો મેળવવાનો પ્રયત્ન કર.” રીશીકુમારે કહ્યું.

“આ કેવી રીતે શક્ય છે સર?” આશ્ચર્ય સાથે કવિતાએ કહ્યું, “તે તેની હત્યા થવાની છે એ જાણે છે પણ એને ખબર ન હતી કે કયા દિવસે અને કયા સમયે તેની હત્યા થવાની છે…”

“શું તેના મનમાં એના મમ્મી પપ્પાની હત્યાના દિવશે શું થયું હતું એ યાદો છે?” રીશીકુમારે પૂછ્યું.

“હા, તેના મનમાં એ દિવસની યાદો છે.”

“એને ભોયરામાં કોણે બંધ કર્યો હતો.?”

“એની મમ્મીએ જ.”

“મને વિગત પૂર્વક કહે.” આનંદે કહ્યું.

*

કવિતાએ સંદીપના મમ્મી પપ્પાની હત્યાના દિવશે શુ થયું હતું એ યાદો સંદીપના મનમાંથી વાંચી અને આનંદે એ જ યાદો કવિતાના મનમાંથી મેળવવા માંડી.

સંદીપના ઘર માતૃછાયાનો મુખ્ય ખંડ:

“મને મારા કેટલાક જૂના સંશોધનોની જરૂર છે ચાલો બેઝમેન્ટમાં જઇએ.” મીનાબેને સંદીપને કહ્યું.

“શું તને તેની જરૂર છે મમ્મી?.. અત્યારે…?” સંદીપે પૂછ્યું.

સંદીપે દિવાલ પર લટકતી ઘડિયાળ પર નજર કરી તે પાંચમાં પંદર મિનીટ ઓછી  દર્શાવતી હતી. તેઓ બંને ભોંયરામાં ગયા. મીનાબેને બેઝમેન્ટનો એક રૂમ ખોલ્યો.

“બેટા, પેલા લાકડાના મોટા ટેબલના દ્રોવરમાં કેટલીક ફાઈલો છે એ લઇ આવ ત્યાં સુધી હું બહાર થોડીક સફાઈ કરી નાખું.” મીનાબેને સંદીપને અંદર મોકલવાનું બહાનું બનાવતા કહ્યું.

સંદીપ તે ફાઈલ લાવવા માટે અંદર ગયો. સંદીપ ખંડની અંદર ગયો ત્યારે જ તેની મમ્મીએ બહારના ભાગેથી બારણું બંધ કર્યું અને તેને અંદર પૂરી નાખ્યો.

“મમ્મી, બારણું ખોલ. આ તું શું કરે છે? શા માટે તું આમ કરો છો? ” સંદીપને કાઈ સમજાયું નહી કે તેની મમ્મી તેને કેમ ભોયારાના એક રૂમમાં બંધ કરી રહી હતી.

તેના પ્રશ્નો અનુત્તરિત રહી ગયા. મીનાબેને તેને કઈ જ જવાબ ન આપ્યો.

સંદીપને સીડી ઉપર ફક્ત પગલાંનો અવાજ સંભળાયો. તે સમજી ગયો કે મમ્મી સીડીઓ ચડી બેઝમેન્ટમાંથી ઉપર ચાલી ગઈ હતી. ત્યારબાદ તેને  ટી.વી.નો મોટો અવાજ સંભળાવો શરૂ થયો. તેને ખયાલ આવી ગયો કે કદાચ હવે જ મમ્મી પપ્પાના કાતીલો આવવાનો સમય થઇ ગયો હશે એટલે મમ્મીએ તેને ભોયરામાં બંધ કરી નાખ્યો અને બહારના ભાગે ટી.વી. નો ઉતાવળો અવાજ શરુ કરી નાખ્યો જેથી બહાર ફોયરમાં જે અવાજો થાય તે મને ન સંભળાય. તેણે અંદરથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિરર્થક હતો. તેણે ઘણી વખત દરવાજાને લાત મારી અને અંતે થાકી તેણે પોતાની જાતને જમીન પર મૂકી દીધી. તે જમીન પર ફસડાઈ પડ્યો. તે હજુ પણ આશ્ચર્યમાં હતો કે તેની મમ્મીએ આવું કર્યું કેમ? મમ્મીને કઈ રીતે ખબર પડી કે કાતીલો કયા સમયે આવવાના છે? સંદીપ અને એના મમ્મી બંને જાણતા હતા કે એ હત્યાનો દિવસ આ જ હતો પણ એમને સમય ખબર ન હતી તો મમ્મીને સમયનો ખયાલ કઈ રીતે આવ્યો? સંદીપને કઈ સમજાઈ ન હતું રહ્યું…તેના મનમાં ગુસ્સો હતો… તે મમ્મી પપ્પાની સુરક્ષા કરવા અથવા તેમની સાથે જ મારવા માટે તો બે દિવસથી શાળાએ જતો જ ન હતો.. અચાનક તેણે ટીવીના ભારે અવાજ વચ્ચે પણ એક અવાજ સંભાળ્યો… એ અવાજ તેના મમ્મી અને પપ્પાની દુઃખદાયક મરણ ચીસોનો હતો.

*

કવિતાએ કહ્યું, “સંદીપ આટલું જ જાણે છે. તેના મનમાં તેના કરતા વધારે કંઇ જ નથી.”

“શું તું ચોક્કસ છો?” આનંદે ખાતરી કરતા પૂછ્યું.

“હા… સર તેના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા પણ આનાથી વધુ એ કઈ જાણતો ન હતો.”

“તેના મનમાં શું પ્રશ્નો હતા?” રીશીકુમારે પૂછ્યું.

“શા માટે મમ્મી મને ભોંયરામાં લઇ ગઈ અને બારણું બંધ કરી દીધું?” કવિતાએ કહ્યું, “સંદીપને એ ખબર ન હતી કે એની મમ્મીને હત્યાના સમયની કઈ રીતે જાણ હતી.”

“શું તે સમય જાણતો હતો?  જો હા તો… કેવી રીતે? જો ના… તો શા માટે? ” રીશીકુમારે કહ્યું.

“ના, તે સમય જાણતો ન હતો કેમકે એણે જે ચિત્રો બનાવ્યા હતા એ ચિત્રોમાં તેણે તેના ઘરના ફોયરમાં તેના મમ્મી પપ્પાની હત્યાનું આલેખન કર્યું હતું એ ચિત્રમાં ફોયરમાં દેખાતા કેલેન્ડરમાં તેણે તારીખ અને દિવસ જોયો હતો અને આથી તેને દિવસની ખબર હતી પણ તે તેના મમ્મી પપ્પાની હત્યાનો સમય નહોતો જાણતો…” કવિતાએ કહ્યું.

“તો હવે મમ્મી પપ્પાની હત્યા થયા બાદ વર્ષો પછી સંદીપ હોસ્પીટલથી ભાગીને સીધો જ ઘરે કેમ આવ્યો હતો? શું તેના વિશે કઈ માહિતી તેના મનમાં છે?” આનંદે પૂછ્યું.

“હા, એના માતા-પિતાને કોણે મારી નાખ્યા..? એ ભોયરામાં બંધ હતો ત્યારે કોણ ઘરમાં આવ્યું હતું??? એ જાણવા તે તેની યાદદાસ્ત પાછી આવતા જ ઘરે આવ્યો છે.” કવિતાએ કહ્યું, “તે ઘણા બધા પ્રશ્નોના જવાબો મેળવવા માટે તે ત્યાં આવ્યો છે.”

“સંદીપ પર ધ્યાન રાખ… તેના માટે જયારે કાતિલ આવે ત્યારે તારે ખાતરી કરવાની છે કે આ વખતે કાતિલ કોણ છે?” રીશીકુમારે કહ્યું.

“ઠીક છે.” કવિતાએ કહ્યું.

*

તુષાર અને કવિતા હેપ્પી હોમ્સના બહારના ભાગમાં કાર પાર્ક કરી બેઠા હતા. સંદીપ તેમના બાજુમાંથી પસાર થયો. તે ચાલતો જ માર્કેટ તરફ જઇ રહ્યો હતો. તે કવિતાને ઓળખતો ન હતો. તેણે બજાર તરફ ચાલવાનું ચાલુ રાખ્યું. કવિતા અને તુષારે તેનો પીછો કર્યો… તેઓ તેની પાછળ પાછળ જવા લાગ્યા જેથી ખબર પડે કે તે ક્યાં જઇ રહ્યો છે.

સંદીપ એક નાની ચાની દુકાનમાં ગયો. કવિતા અને તુષાર પણ તેની પાછળ જ હતા. પણ તેઓ તેની અને પોતાની વચ્ચે થોડુક અંતર રાખીને પાછળ હતા જેથી સંદીપને કોઈ શક ન પડે..

સંદીપ એક ટી-સ્ટોલની એક લાકડાની ખુરશી પર ગોઠવાયો.. તેણે ચા માટે ઓર્ડર આપ્યો અને તે પોતાના વિચારોમાં ડૂબી ગયો.  અમુક સમય પછી વેઈટર ટેબલ પર ચા નો કપ મૂકી ગયો  તેનાથી સંદીપના વિચારોમાં ખલેલ પડી અને તે ફરી એકવાર વિચારોની દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં હતો. તેણે કપ સ્પર્શ કર્યો પરંતુ તે ખૂબ ગરમ હતો. તેને ગરમ ચા પીવાની ટેવ ન હતી. તેથી તે  વોસબેસિન પાસે હાથ મો ધોવા ગયો.. તેના ચહેરા પર એકદમ થાક દેખાઈ રહ્યો હતો એમ લાગતું જ હતું કે તેણે ઠંડા પાણીથી પોતાનો ચહેરો ધોવો જોઈએ… કદાચ એનાથી તેને જરાક રાહત મળી જાય. તેના હાથ અને ચહેરાને પાણીથી ધોયા બાદ તેને પોતાના હાથ રૂમાલથી તેના ચહેરા પરથી પાણીને સાફ કરીને પોતાની જાતને ટી-સ્ટોલમાં લાગેલા અરીસામાં જોઈ. તેણે તેની આંગળીઓને તેના વાળ ઉપરની બાજુએ ફેરવી અને વાળને વ્યવસ્થિત કર્યા.

મિરર એટલી મોટી સાઈઝનો હતો કે ગ્રાહક પોતાને માથા થી જૂતા સુધી એ મિરરમાં જોઈ શકતા હતા. તે ફૂલ સાઈઝનો મિરર હતો. અચાનક સંદીપ પોતાની જાતને અરીસામાં જોવા લાગ્યો.. તે નવાઈથી પોતાની જાતને જોઈ રહ્યો.. તે તેની સામે પાંચ મિનિટથી વધુ સમય સુધી ઊભો હતો. એક વેઈટરે જ્યારે કહ્યું કે, “સર… તમારી ચા ઠંડી થઇ રહી છે.” માત્ર ત્યારે તેને ખયાલ આવ્યો કે તે ક્યારનોય આયનાને જોઈ રહ્યો હતો.

“ઓહ.. માફ કરશો… હું આભાર માનું છું.”  સંદીપે એ વેઈટર તરફ જોઈ કહ્યું. તે તેના ચાના કપને ખતમ કરવા માટે તેના ટેબલ પર પાછો ફર્યો. તેણે તરત તે કપ પૂરો કર્યો . તેણે કાઉન્ટર પર તે કપ માટેના  બીલની  ચૂકવણી કરી  અને ચા સ્ટોર છોડી દીધી. અરીસામાં જોયા પછી એ કોઈ ગજબ ઉતાવળમાં હતો એ સ્પસ્ટ દેખાતું હતું.

ચાની દુકાન શહેરના કેન્દ્રમાં ચાર ચોકના એક ખૂણામાં હતી. ઓટો ડ્રાઇવર્સને સરળતાથી મુસાફરો ત્યાંથી મળી શકે છે તેથી દુકાનની બહાર કેટલાક ઑટો હંમેશા મળી રહેતા. સંદીપ ટી- સ્ટોલમાંથી બહાર આવી સરળતાથી ઓટો મેળવી શક્યો અને તેના ઘરે ગયો..

કવિતા અને તુષાર પણ અન્ય એક ઓટોમાં ગોઠવાયા અને તેનો પીછો કર્યો… જ્યારે તેઓ બીજી ઓટોમાં તેને ફોલો કરતા હેપ્પી હોમ્સના પ્રવેશદ્વાર પર પહોચ્યા ત્યારે સંદીપ તેના ઘરમાં પ્રવેશી રહ્યો હતો. કવિતા અને તુષાર ઓટોમાંથી ઉતરી તેમની કારની નજીક ગયા, જે પહેલેથી જ ત્યાં પાર્ક હતી અને ત્રણ કલાક સુધી બહાર રાહ જોતા હતા. તેઓ સંદીપના ઘર પર નજર રાખી ત્યાજ કારમાં બેસી રહ્યા.

લેખક : વિકી ત્રિવેદી અને મહેન્દ્ર ત્રિવેદી

ક્રમશ : વધુ આવતી કાલે…..

Comment here