safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -20)

હપ્તો 16     હપ્તો 17     હપ્તો 18     હપ્તો 19

એ આહલાદક સવાર હતી અને સુરજના કિરણો રોજની મુજબ આનંદ અને પ્રશન્નતા આપનારા હતા. કેટલાક દિવસો બાદની એક સવારે જયારે કવિતા યોગની તાલીમ માટે પહોચી ત્યારે દરેક ચીજ રાબેતા મુજબની હતી સિવાય કે તેના ચહેરા પર રોજના જેવી ખુશી ન હતી. તેનો ચહેરો ઉદાસીના વાદળોમાં ઘેરાયેલ હતો. એમ લાગી રહ્યું હતું જાણે કોઈ વાતની ચિંતા તેને અંદરથી કોરી ખાઈ રહી હતી. બાળકના મનની અસર તેના ચહેરા પર તરત વર્તાઈ આવે છે એ વાત કદાચ સાચી જ છે.

“કવિતા, શું થયું બેટા?” મીનાબેને તેનો ઉદાસ ચહેરો જોતા જ પૂછ્યું. તેઓ તેમનો ચહેરો જોતા જ તેની ગ્લુમી કળી ગયા.

કવિતાએ કાંઈજ જવાબ આપ્યો નહિ. તેણીએ સાયલંટ રહેવાનું પસંદ કર્યું પણ ચૂપકીદીય ધણીવાર સો સવાલો પૂછી જતી હોય છે તો ક્યારેક અનેક જવાબો આપી જતી હોય છે. શબ્દો કરતા પણ ચુપકીદી તેઝ ચીજ છે. શબ્દોને ક્યારેક મિસ અન્ડરસ્ટેન્ડ કરવામાં આવે છે પણ ખામોશી ક્યારેય મિસઅન્ડરસ્ટેન્ડ કે મિસઇન્ટરપ્રીટ થતી નથી.

“અહી આવ બેટા, મને કહે શું થયું?” મીનાબેન પ્રેમપૂર્વક બોલ્યા. એમનો અવાજ માના પ્રેમાળ સ્વર સાથે સરખાવી શકાય તેમ હતો, એમના વ્યવહાર અને વર્તન પરથી એમ લાગતુ હતું કે ક્યાંક ક્યાંક મા તે મા એ અનન્વય અલંકાર ખોટો સાબિત થતો હોય છે.

કવિતા તેમની નજીક ગઈ, તેમના પાસે બેડ પર બેઠી અને મીનાબેને તેના માથા પર હાથ મુક્યો એ સાથે જ તે ડુસકા ભરતી રડવા લાગી. માનવ લાગણીને વહેવા માટે પ્રેમ નામના વહેણની જરૂર હોય છે જે કવિતાને મીનાબેનના હાથના સ્પર્શમાં મળી રહ્યો હતો.

“શું થયું?” મીનાબેન સમજી ગયા કે કવિતાને કોઈ સમસ્યા છે જે તે કહી શકતી નથી.

“મમ્મી પપ્પા વચ્ચે ફરી ઝઘડો…. તેઓ હમેશા લડતા રહે છે.” કવિતાનો અવાજ તેનો માનસિક કોન્ફ્લીક્ટ બતાવી રહ્યો હતો.

“શા માટે તેઓ હમેશા લડતા રહે છે?” મીનાબેને તેને વિગત પૂછી.

“ગમે તે બાબતે, તેમને લડવા માટે માત્ર નાના નાના બહાનાઓની જરૂર હોય છે.”

મીનાબેન તેને માનસિક સ્થિતિ સમજી શકતા હતા.

“બધું ઠીક થઇ જશે બેટા. મારો વિશ્વાસ કર.” તેમણે કવિતાને આશ્વાશન આપતા કહ્યું. સાંત્વના બાદ કવિતા શાંત થઇ ગઈ અને તેઓ યોગની પ્રેકટીશ કરવા લાગ્યા.

કવિતા એ દિવસે શીખીકે માઈન્ડ ઈઝ ફંકશન વેન યુ યુઝ ધેન ઈટ ઓપેન્સ. સ્વામી વિવેકાનંદે આ સૂત્ર કહેલ છે જે મીનાબેન કવિતાના મનમાં ઉતારી ચુક્યા હતા.

“ક્યારેય ગેરહાજર ન રહીશ. આ પ્રેક્ટીસ તારા માટે ખુબ જ મહત્વની છે.”

“હા, હું એ વાત યાદ રાખીશ.” કવિતા યોગની પ્રેકટીશ પતાવી ઘરે ગઈ.

ઘરે પહોચી કવિતા મમ્મીને ઘરનાં કામ કામમાં મદદ કરવા લાગી અને અગિયાર વાગતા પહેલા તો  સ્કૂલ બેગ સાથે તૈયાર થઇ સમય પત્રક મુજબ પુસ્તકો સાથે તે શાળામાં જવા તૈયાર થઇ ગઈ. તે તેના મમ્મી માટે આશ્ચર્યજનક વાત  હતી કારણ કે તેમણે ક્યારેય કવિતાને ખુશ ચહેરા સાથે શાળામાં જતી જોઈ ન હતી.

 

“તું જતા પહેલાં કંઈક ખાવા નથી માંગતી… તારું ભોજન…. મને લાગે છે કે તું તેને ભૂલી ગઈ છો.” સંગીતાબેને જ્યારે કવિતા શાળા માટે જવા તૈયાર થઇ ત્યારે કહ્યું.  માત્ર ત્યારે જ કવિતાને સમજાયું કે તે ખૂબ ઉતાવળમાં હતી કે તે ભોજનને ભૂલી ગઈ હતી. કદાચ આજે શાળાએ જવા માટે તેનું મન થનગની રહ્યું હતું.

“હા, મમ્મી ખાવું છે ને… ભૂલી ગઈ હતી.” કવિતાએ કહ્યું.

“કેમ આજે શાળામાં જવા માટે આટલી ઉતાવળ?” સંગીતા બેનના શબ્દોમાં તેમનું આશ્ચર્ય દેખાઈ રહ્યું હતું.

“કેમકે હવે મને શાળા કંટાળા જનક નથી લગતી.” કવિતાએ હસીને કહ્યું, “હવે ખાવાનું આપીશ કે પ્રશ્નો જ પૂછતી જ રહીશ, મમ્મી?”

કવિતાને પહેલીવાર ખુશી ખુશી શાળાએ જતા જોઈ સંગીતાબેનનું હ્રદય પણ લાગણીથી ભરાઈ આવ્યું. તેઓ પણ હમેશા એમ જ ઈચ્છતા હતા કે કવિતાને શાળાથી કોઈ નારાજગી ન રહે. તેમની કાયમની પ્રાર્થનામાં કવિતા સારી રીતે ભણવા લાગે એ સામેલ હોતું જ અને કદાચ તેમના રસોઈ ઘરમાં રહેલ નાનકડી ગણેશ ભગવાનની મૂર્તિએ એ મોટો ચમત્કાર કરી બતાવ્યો હતો. ઘણા દિવસો બાદ સંગીતાબેને કવિતાને પોતાના હાથથી ખવડાવ્યું અને તૈયાર કરી શાળાએ મોકલી. કવિતા બાય કહીને શાળાએ નીકળી ત્યારબાદ પણ સંગીતાબેન કેટલીય વાર સુધી ખુશ હ્રદયે ઘરના દરવાજે ઉભા રહ્યા અને કવિતાની પીઠને જોતા રહ્યા. કદાચ એ ખુશીની લાગણી એક મા જ સમજી શકે જે મા પોતાના બાળકને ઉદાસ આંખે શાળાથી નફરત સાથે શાળાએ જતી જોતી હોય અને અચાનક એક દિવસ એવો આવે કે તેને પોતાના બાળકને આંખોમાં ઉમંગ સાથે શાળાએ જતું નિહાળવા મળે!

*

ત્યારબાદ કવિતા માટે રોજ ઉમંગમાં શાળા તરફ ડગલા ભરવા સામાન્ય બની ગયું. કેટલાક દિવસો બાદ સંદીપના મમ્મી પપ્પાની મેરેજ એનીવર્સરી હતી. મીનાબેને કવિતાના મમ્મી પપ્પાને પણ મેરેજ એનીવાર્સરીની પાર્ટીમાં આમંત્રણ આપ્યું.

*

ત્રણેક લાખ જેટલી વસ્તી ધરાવતા રાયગઢમાં ત્રણથી ચાર પાર્ટી પ્લોટ હતા. દસેક વરસ પહેલા આવેલ ભયંકર પુર બાદ ફરીથી ઉભું થયેલ એ શહેર દરેક આધુનિક ચીજ ધરાવતું થઇ ગયું હતું. કોઈ કહી પણ શકે તેમ ન હતું કે કેટલાક વરસો પહેલા આ શહેર તારાજ થયું હશે. મોટી હોટલ, બહુમાળી ઈમારતો અને પાર્ટી પ્લોટ્સ દરેક ચીજ સામાન્ય કરતા અલગ હતી. એ ચારેય પાર્ટી પ્લોટમાં ડીમ્પલ પાર્ટીપ્લોટ નામના ધરાવતો હતો. જોકે બાકીના પાર્ટી પ્લોટ પણ એવા જ ભવ્ય ને પુરતી સગવડ ધરાવતા હતા પણ ડીમ્પલ પાર્ટી પ્લોટ એ બધાની જેમ હાઈવેને બદલે શહેરની મધ્યમાં હતો. જે એના માટે પ્લસ પોઈન્ટ હતો. કદાચ એટલે જ મીનાબેને મેરેજ એનીવર્સરી પાર્ટી માટે એ સ્થળ પસંદ કર્યું જેથી આવનાર મહેમાનોને કોઈ સમસ્યા ન થાય.

ડીમ્પલ પાર્ટીપ્લોટ ગ્રીન પાર્ક સોસાયટી અને શહીદ ગાર્ડનની વચ્ચે આવેલ અને લગભગ શહેરમાં દરેક વ્યક્તિ જેનાથી પરિચિત હોય એમાનું એક સ્થળ હતું એટલે કોઈ મહેમાનને એ શોધવામાં સમસ્યા ન થઇ.

એ સાંજે ડીમ્પલ પાર્ટી પ્લોટ લાઈટોથી એ રીતે સજાવેલ હતો કે જોનારને એમ જ લાગે કે એ કોઈ મેરેજ પાર્ટી માટે બુકિંગ કરાયેલ હશે. પણ ના, ત્યાં ન્યુ મેરેજ પાર્ટી નહિ મીનાબેન અને સુરેશ ભાઈની મેરેજ એનીવાર્સરીનું ફંકશન રાખેલ હતું જે કોઈ મેરેજ પાર્ટી કરતા ઓછુ મહત્વનું ન હતું.

સુરજ ઢળતાની સાથે જ મહેમાનો આવવાના શરુ થઇ ગયા. વેલકમીંગ વર્ડ્સ, ખુશીપૂર્વક થયેલ કોમેન્ટ્સ અને હાસ્યની છોળોથી આખો પાર્ટી પ્લોટ ઉભરવા લાગ્યો.

મીનાબેન અને સુરેશભાઈ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. મીનાબેને રેડ કલરની જીણી ભાત વાળી સાડી પહેરી હતી અને સુરેશભાઈએ પણ આજે એક દિવસ સાદગીને અલવિદા કહી દીધી હોય એમ નેવી બ્લુ જીન્સ પર રેડ બ્લેજર પહેરેલ હતું.

મહેમાનો તેમની તરફ જતા હતા. તેઓ મહેમાનો તરફથી અભિનંદન અને કોન્ગ્રેચ્યુલેશન જેવા વેલ-વિશીસ સાંભળવામાં અને તેમનો આભાર માનવામાં વ્યસ્ત બની ગયા. જોકે તેમને એક જ મહેમાન સાથે બહુ સમય વિતાવવો પડતો ન હતો કેમકે મોટાભાગના તેમની સાથે વાત કરવા કરતા બેન્કિટ હોલ તરફ જવામાં વધુ રસ ધરાવતા હતા. મોટાભાગની પાર્ટીઓમાં એ જ જોવા મળે છે. પચાસ ટકાથી વધુ લોકોએ તો માત્ર ભોજન માટે જ ત્યાં જવાનો સમય નીકાળ્યો હોય છે..!!

“આ તેમની સોળમી મેરેજ એનીવર્સરી છે છતાં બંને એટલા ખુશ દેખાઈ રહ્યા છે. જાણે આજે જ પરણીને ન આવ્યા હોય.” એક પાંત્રીસી વટાવી ચુકેલા મહેમાને પોતાની બાજુમાં ઉભેલ એ જ ઉમરની મહિલા તરફ જોઈ કહ્યું. તેઓ બેન્કિટ હોલમાં બુફે લઇ રહ્યા હતા.

“હા, કેમ ન હોય? જે સ્ત્રીને એનો પતિ સોળ વરસ બાદ પણ આવી ભવ્ય પાર્ટી આપતો હોય, એનીવર્સરી પર પણ લગન જેટલી મોઘી પાર્ટી આપતો હોય એ કપલ ખુશ જ હોય ને. એમાં નવાઈ જેવું શું છે?” એ મહિલાએ જવાબ આપ્યો. એના જવાબમાં રહેલા શબ્દો પરથી દેખાઈ રહ્યું હતું કે તે એ સજ્જનની પત્ની હતી, જયારે તેના પતિએ કોઈ અન્ય કપલ કેટલા ખુશીથી જીવે છે એના વખાણ કર્યા ત્યારે તે ચુપ ન રહી શકી હોય તેમ ટોણો સંભળાવવા અધીરી બની ગઈ હતી.

સંદીપ કવિતા અને તેના મમ્મી પપ્પાના આવવાની રાહ જોઈ રહ્યો હતો. આઠેક વાગ્યે સંગીતાબેન અને રાકેશભાઈ સાથે કવિતા દરવાજાથી દાખલ થતી દેખાઈ. તેમને અનુસરતા જ તેમની સાથે સંગીતાબેનના પાડોશી સવિતાબેન અને તેમની દીકરી પણ આવી રહ્યા હતા. સવિતાબેન પણ હેપ્પી હોન્સમાં જ રહેતા હતા. તેઓ પુરા વિસ્તારમાં એક દયાળુ અને બધાની મદદ કરનાર સ્ત્રી તરીકે ઓળખાતા હતા. તેમનો પતિ રણજીત ભારતીય સેનામાં લેફટનન્ટ હતો અને વરસમાં એકાદ મહિના જેટલો જ સવિતાબેનને પતિ સાથે રહેવાનો અવસર મળતો. તે પોતાના મોટા ઘરમાં પોતાની દીકરી પ્રિયંકા સાથે એકલા જ રહેતા હતા. જોકે તેમને ક્યારેક એકલું ન લાગતું કેમકે આસપાસના ઘરની સ્ત્રીઓથી એમનું ઘર હમેશા ઉભરાયેલ રહેતું. પ્રિયંકામાં પણ મમ્મીના ઉમદા સંસ્કારો આવેલ હતા. કદાચ એટલે જ પુરા વિસ્તારમાં જયારે કવિતાને કોઈ મિત્ર તરીકે પસંદ ન હતું કરતુ એ સમયે પણ એક પ્રિયંકા જ તેની મિત્ર હતી. કવિતા અને પ્રિયંકા એક બીજાને ખુબ જ પસંદ કરતા અને છેલ્લા કેટલાક સમયથી કવિતા સંદીપના એટલા વખાણ પ્રિયંકા આગળ કરી ચુકી હતી કે પ્રિયંકા પણ સંદીપને એક મિત્ર તરીકે ઇચ્છવા લાગી હતી.

“વેલકમ સંગીતાબેન, વેલકમ સવિતાબેન. તમારા આવવા બદલ ખુબ ખુબ આભાર.” મીનાબેને તેમનું સ્વાગત કરતા કહ્યું.

“આભાર તો અમારે માનવો જોઈએ કે…” સંગીતાબેન કઈક બોલવા જતા હતા પણ મીનાબેન જાણે સમજી ગયા હતા કે તેઓ શું બોલવા માંગે છે. તેઓ જાણી ગયા હતા કે તેઓ કહેવા જઇ રહ્યા હતા કે અમારા જેવા સામાન્ય માણસોને તમારી ભવ્ય પાર્ટીમાં આમંત્રણ આપવા બદલ આભાર પણ મીનાબેન નહોતા ઇચ્છતા કે તેઓ એવું કહે એટલે તેમણે તેમને વચ્ચે જ રોકાતા કહ્યું, “હા, આભાર માનવાની પ્રક્રિયા મોડે સુધી થઇ શકશે પહેલા ભોજન માટે બેંકીટ હોલ તરફ જઈએ પછી ભોજન માટેની આભારવિધિ પણ એક સાથે પતાવીશું.”

“હા, જે તમને યોગ્ય લાગે.” સવિતાબેને ઉમેર્યું અને ત્રણેય બેંકીટ હોલ તરફ જવા લાગ્યા.

સુરેશભાઈ પોતે પણ રાકેશ ગાલા અને તેના પરિવારનું સ્વાગત કરવા આગળ ગયા. તેઓ રાકેશભાઈ ને ખાસ મહત્વ આપતા હોય તેમ તેમને બેંકીટ હોલ તરફ દોરી ગયા. પાર્ટીમાં બધા હાઈ સ્ટેટસ ધરાવતા મહેમાનોમાં સુરેશભાઈ રાકેશ ગાલાને અને મીનાબેન જાણે સંગીતાબેન અને કવિતાને જ સૌથી વધારે મહત્વ આપી રહ્યા હતા. માત્ર ગાલા પરિવાર માટે જ નહિ પણ પાર્ટીમાં આવનાર દરેક મહેમાન માટે એ નવાઈ પમાડે તેવી વાત હતી.

સમય કોઈને અટકાવ દીધા વિના અને પોતે પણ અટક્યા વિના સતત આગળ વધતો રહ્યો અને એ સાથે જ બંને કવિતા અને સંદીપના પરિવારો એકબીજા સાથે વધુને વધુ હળીમળી ગયા. એવું લાગવા લાગ્યું જાણે તેઓ નજીકના સગા વહાલા હોય! થોડાક સમય બાદ એક સવારે સંગીતા બેન મીનાબેન પાસે આર્થિક મદદ મેળવવા માટે આવ્યા.

“મારે થોડીક મદદની જરૂર છે…” ચા નો કપ પતાવ્યા બાદ સંગીતાબેન સીધા જ મુદ્દા પર આવ્યા.

“કેવી મદદ? હું કઈ રીતે મદદરૂપ થઇ શકું?” મીનાબેને પૂછ્યું.

“મને કહેતા જરાક ભોઠપ અનુભવાઈ રહી છે…”

“મને તમારી મદદ કરવાનો મોકો મળશે તો એ મારા માટે ખુશીની વાત હશે. મેહેરબાની કરી મને જણાવો કે હું તમને કઈ રીતે મદદરૂપ થઇ શકું તેમ છું?” મીનાબેન તેમના મનને સમજી ગયા હોય તેમ બોલ્યા.

“અમે છેલ્લા બે મહિનાથી ઘરનું ભાડું નથી ચુકવ્યું. અમે નાણાની સતત તંગીમાં છીએ. મકાન માલીકે બે દિવસમાં ભાડું ચુકવવા ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો તેમ નહિ થાય તો એ અમારો સામાન મકાન બહાર ફેકાવી દેશે. મને ખાતરી છે એ માણસ જરાય દયા બતાવે તેવો નથી. સવિતાબેન મને અવાર નવાર મદદ કરે છે પણ વરસની શરૂઆતમાં જ કવિતાની શાળાની ફી ભરવા માટે એમની પાસેથી જે રકમ લીધી હતી એ જ પાછી નથી આપી શકાઈ માટે હું ફરીથી એમની પાસે માંગવા જઇ શકું તેમ પણ નથી.” સંગીતાબેને ખચકાતા કહ્યું, તેમના બોલવા પરથી લાગતું હતું કે તેઓ એક સ્વમાની સ્ત્રી હતા અને કોઈની પાસેથી મદદ માગતા ખચકાટ અનુભવી રહ્યા હતા.

“અરે! સંગીતાબેન ચિંતા ન કરો… એકબીજાને કામમાં આવવાનું નામ જ તો સંબંધ છે.” મીનાબેને કહ્યું, “તમારે કેટલા રૂપિયાની જરૂર છે?”

“ચાર હજાર રૂપિયા, બે મહિનાનું ભાડું ચૂકવવાનું છે.”

“એક મિનીટ…” કહેતા મીનાબેન પોતાના રૂમમાં ગયા, જયારે તેઓ પાછા આવ્યા તેમના હાથમાં કેટલીક નોટો દેખાઈ રહી હતી.

“તમારું ઘર ભાડું ચૂકવી નાખો, સવિતાબેનને પણ એમની રકમ ચૂકવી દો. ઘણા દિવસ થઇ ગયા છે એમની પાસેથી લીધાને અને અને વધે એ ઘર ખર્ચમાં વાપરજો.” મીનાબેને તેમના હાથમાં દસ હજારની થપ્પી પકડાવતા કહ્યું, “અને મારી શરત યાદ રાખજો તમારે આ રકમ મને પાછી નથી આપવાની અને બીજી વાર જરૂર પડે ત્યારે જરાય ખચકાટ અનુભવ્યા વિના બેજીજક કહેજો, મને તમારી પોતાની બહેન જ માનજો.”

સંગીતાબેન સ્તબ્ધ બની એમને જોઈ રહ્યા. કદાચ તેમની સાથે એ પહેલા કોઈએ એટલો ઉમદા વ્યવહાર કર્યો નહિ હોય.

“આભાર બહેન… હું અને મારો પરિવાર હમેશા માટે તમારા આભારી રહીશું. તમે મારી કવિતાને કોઈજ ફી લીધા વિના ભણાવી રહ્યા છો અને આ બીજો ઉપકાર. અમે તમારો આ ઉપકાર ક્યારેય નહિ ભૂલીએ.” સંગીતાબેન ગળગળા થઇ ગયા.

“મને શરમિદા ન કરો સંગીતાબેન, એક તરફ તમે મને બહેન કહો છો અને બીજી તરફ ઉપકાર ન ભૂલવાની વાત કરો છો? બહેનો એકબીજાની મદદ કરે છે, એક બીજા પર ઉપકાર નથી કરતી. અને કવિતાને શીખવાવની વાત તો એ મારા માટે મારી પોતાની દીકરી બરાબર છે. મારા માટે મારો સંદીપ અને કવિતા બંને એક જ સ્થાન પર છે. મને એને શીખવવામાં ખુશી મળે છે.” મીનાબેન સંગીતાબેનને ખરેખર સગા બહેન જેવા લાગી રહ્યા હતા.

“કવિતાએ મને કહ્યું કે તમે એને ગાઈડો અને રેફરન્સ બુકો પણ પૂરી પાડી રહ્યા છો.” સંગીતાબેન ભાવવિભોર દેખાઈ રહ્યા હતા.

“હા, સંગીતાબેન. આજથી કવિતા મારી દીકરી છે. આમ પણ મને ભગવાને દીકરી નથી આપી, હવેથી એની બધી જવાબદારી હું લઉં છું. એની શાળાની ફી અને ભણવાનો બધો ખર્ચ હું ઉપાડીશ.”

“તમારો ખુબ આભાર.” કહેતા સંગીતાબેનની આંખોમાં પાણી આવી ગયું.

“શું થયું? આંસુઓ? શા માટે?”

“કાઈ નહિ.” સંગીતાબેને તેમની લાગણી છુપાવતા કહ્યું.

“હું પણ મા છું હું એક મા ના ઈમોશન ન સમજી શકું એ કઈ રીતે શક્ય છે? મને કહો તમને કઈ બાબત અંદરથી ઉદાસ કરી રહી છે?” મીનાબેન તેમના આંસુઓ જોઈ સમજી ગયા કે કોઈ જુનો ઘા જે પથ્થર બનીને છાતીમાં બેઠેલ હતો એ પીગળી રહ્યું હતું.

“તમે મને ભૂતકાળના એ દિવસો યાદ અપાવી દીધા જે હું કેટલાય સમય પહેલા ભૂલી ચુકી છું.” સંગીતાબેને સજળ આંખે કહ્યું.

“શું થયું હતું?” મીનાબેને તેમને સાત્વના આપતા તેમના ભૂતકાળ વિશે જાણવાનો પ્રયાસ કર્યો.

“એ દિવસ અમારા માટે એક ખરાબ સ્વપ્નની જેમ આવ્યો હતો. મારા પતિ રેલ્વે સ્ટેશનમાં કુલી તરીકે કામ કરતા હતા અને એ સવારે પણ તેઓ રોજની માફક આનંદ પૂર્વક પોતાના કામ પર નીકળ્યા હતા. રસ્તામાં એક ઝડપથી આવી રહેલ કારે તેમને અડફેટે લઇ લીધા. તેમને ચારેક મહિના કરતા પણ વધુ સમય હોસ્પીટલમાં બેડરેસ્ટ પર રહેવાની જરૂર પડી. એ સમય દરમિયાન એમની દવાના ખર્ચ અને ઘર ખર્ચને પહોચી વળવા માટે એમણે મહા મહેનતે ખરીદેલ મકાન બે લાખ જેટલી સામાન્ય રકમમાં વેચવું પડ્યું. તેઓ પોતાની શારીરિક ઇજામાંથી તો બહાર આવી ગયા પણ એ મકાન વેચવાનો માનસિક આઘાત સહન ન કરી શક્યા. એ દિવસથી એમનું જીવન બદલાઈ ગયું. એ અક્શ્માત એમના જીવનમાંથી બે ચીજ લઇ ગયો એક તો એમનો જમણો પગ અને બીજું એમનું સપનાનું ઘર. અને એ સાથે લઈને ગયો તેમના હંમેશના સુખ ચેન. તેઓ ફરીથી કુલીનું કામ કરી શકે તેમ ન હતા અને મારે ખાનગી શાળાઓમાં શીક્ષીકા તરીકે નોકરી કરવી પડી. હું સામાન્ય પગારની મદદથી ઘર તો ચલાવવા લાગી પણ પત્નીની કમાણી પર જીવવું એમને પસંદ નથી. પોતાના પરિવારને ગરીબીમાં સપડાયેલ જોવો તેમને પસંદ નથી. હવે તેઓ કામ કરી શકે તેમ નથી અને મારી કમાણી પર ઘર ચાલી શકે છે પણ સારી રીતે નહિ અને અમારા વચ્ચે અવાર નવાર આ બાબતે સંઘર્ષ થયા કરે છે કેમકે તેઓ થોડાક જુના વિચારોમાં માનનારા છે અને પોતાની પત્નીના ઉપકાર હેઠળ પણ જીવવું તેમને પસંદ નથી.” સગીતાબેને આંસુઓના પ્રવાહ સાથે પોતાની વાત પૂરી કરી.

“આઈ એમ સોરી.” મીનાબેને કહ્યું.

“ઇટ્સ ઓકે.” સંગીતાબેને કહ્યું, “સતત ચાલતી રહેતી નાણાની ભીડ અને કોઈ મદદ કરે તેવી વ્યક્તિના અભાવે અમારું સુખી જીવન દુખની આગમાં ધકેલાઈ ગયું. કોણ જાણે એ ગોજારો અક્શ્માત એમને કેમ નડ્યો? મારી પાસે જીવનમાં કોઈ આશા નથી રહી, કમ-સે-કમ તેઓ મને સમજતા હોત તો પણ મને કઈક આશા હોત પણ… ક્યારેક ક્યારેક તો એમ થાય છે કે હું શું કામ જીવી રહી છું? કઈ આશા પર? મને ખુદને નથી સમજાતું.”

“આવું ન વિચારો. આમ હિમ્મત હારી જવાથી કશું વળવાનું નથી. કવિતા અને તેના પપ્પા માટે અત્યારે તમે જ બધું છો. જો તમેજ હિમ્મત હારી જશો તો એ બંનેનું કોણ થશે?”

“હું બીજું કરી પણ શું શકું? મને મારા પરિવાર માટે કોઈ જ આશાનું કિરણ નથી દેખાઈ રહ્યું.”

“તમે ચિંતા ન કરો. બધું ઠીક થઈ જશે. માત્ર થોડાક દિવસ રાહ જુવો.. હું કઈક કરીશ.” સંગીતાબેને તેમને હૈયા ધારણ આપી.

થોડીક અન્ય વાતચીત બાદ જયારે સંગીતાબેન શાંત થયા એ બાદ જ મીનાબેને તેમને રજા આપી. સંગીતાબેન ઘર તરફ રવાના થયા અને મીનાબેન તેમને કઈ રીતે મદદ રૂપ થવું? તેમની સ્થિતિ ફરીથી કઈ રીતે થાળે પાડવી તેના વિચારોમાં વ્યસ્ત થઇ ગયા.

*

સાંજે ડાઈનીંગ ટેબલ પર એક જ દિવસે સંગીતાબેન તેમના પતિ સાથે ચર્ચામાં વ્યસ્ત હતા. “શું આપણી કંપનીમાં કોઇ ખાલી જગ્યા છે?” મિનાબેને તેમના પતિને કહ્યું.

“હા. આપણા સ્ટોરમાં એક જગ્યા ખાલી છે. જે જુનો સ્ટોર કીપર હતો તે ફ્રોડમાં પકડાયો છે. તે કેટલીક ઘડિયાળો વેચી દે છે તેથી મેં તેને તેની પોસ્ટમાંથી કાઢી મૂક્યો છે. પરંતુ શા માટે તું આવા પ્રશ્ન પૂછો છો? ”

“કવિતાના માતાપિતા, તેઓ નાણાની અછતને કારણે સતત પીડાય છે થોડીક સહાય તેમના જીવનમાં સુધારો કરી શકે છે.” “હું સમજી ગયો.” અહીં તેમના ચહેરા પર સ્મિત હતું.

“શું તમે રાકેશ ગાલાને સ્ટોર ડિરેક્ટર તરીકે સેટ કરી શકો છો?” “જો તે સ્ટોર કીપર બનવા માટે તૈયાર છે તો હું કરી શકું છું.”

“પગાર શું હશે?”

“સ્ટોર કીપર માટે દર મહિને દસ હજાર અથવા રાજેશ વિશ્વાસપાત્ર વ્યક્તિ છે તેથી  15 હજાર પરવડી શકે છે.” સુરેશભાઈએ કહ્યું

“હમમ, આભાર હની.”

“કાલે તેમને આપણા કાર્યાલયમાં મોકલજે.”

સંદીપ ડાઇનિંગ ટેબલ પર સુરેશભાઈની બાજુની ખુરશીમાં બેઠેલ હતો. તે વાતચીત તેના ચેહરાને સ્મિતથી સજાવી ગઈ.

*

બીજી સવારે નવ વાગે, મીનાબેન અને સંદીપ કવિતાના ઘરે હતા. કવિતાનો પરિવાર તેમના આગમનને લીધે એકદમ ખુશ દેખાઈ રહ્યો છે. કવિતાના ઘરમાં માત્ર બે લાકડાની જૂની ચેર હતી જે તેમના ઘરનું જે કહી તે સ્થાનાંતર ફર્નિચર હતું. રાજેશભાઈ ખુરશીમાંથી ઉભા થઈને મીનાબેન અને સંદીપને ચેર પ્રદાન કરે છે.

“આ મારું પોતાનું ઘર છે મને ઘર જેવું લાગે છે.” મીનાબેને ફ્લોર પર બેસીને કહ્યું. સંદીપ પણ ખુરશી પર બેસવાને બદલે તેમની પાસે જમીન પર જ બેસી જાય છે.. કવિતા રૂમની અંદર એક મેટ (એક નાની હાથ બનાવટની સાદડી જેમાં ભરતકામના કામ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ હતું.) એ લઇ આવે છે અને સંગીતાબેન તેમને એ સાદડી પર બેસવા માટે દબાણ કરે છે. તેમને એમ લાગતું હતું કે મીનાબેન જેવા માણસોને નીચે બેસાડવા યોગ્ય ન હતું.

“કવિત, હું ચા તૈયાર કરીશ.” પોતાની મમ્મીના શબ્દોને સાંભળતા જ કવિતાને સરળતાથી સમજાયું કે રસોડામાં દૂધ નથી એટલે જ મમ્મીએ એ શબ્દો વાપર્યા હતા જેનો અર્થ હતો કે જા બેટા બજાર જઇ દૂધ લઇ આવ. કવિતાએ તેની જૂની સાયકલ પર દૂધ ખરીદવા માટે બજારમાં જવું પડ્યું હતું. જ્યારે તે પ્રાથમિક શાળામાં હતી ત્યારે સરકાર દ્વારા ભેટ આપવામાં આવી હતી. થોડીક વારમાં કવિતા  500 ગ્રામ દૂધનું પાઉચ લઇ આવી. દુકાન સોસાયટીના નાકા પર જ હતી એટલે તેને ખાસ વાર ન લાગી.  તેણીએ રસોડામાં જઈ તેની મમ્મીને પાઉચ આપ્યુ. સંગીતાબેન બે અથવા ત્રણ મિનિટ પછી તેમના હાથમાં બે અલગ અલગ કદની વાટકીઓમાં ચા સાથે રસોડામાંથી બહાર આવ્યા. મીનાબેન એ જોતા જ સમજી ગયા કે તેમના ઘરમાં એક જ કદની બે વાટકીઓ પણ ન હતી, તેમને સમજતા વાર ન લાગી કે તેમનું જીવન કેટલી નાણાભીડમાં પીસાઈ રહ્યું હતું…

“અમારી કંપનીમાં સ્ટોર કીપરની જગ્યા ખાલી છે અને પગાર દર મહિને પંદર હજાર રૂપિયા છે.” મીનાબેને ચાની વાટકી હાથમાં લેતા કહ્યું. તેમણે હકારાત્મક જવાબ મેળવવા પ્રથમ પગાર વિશે કહ્યું અને દરખાસ્ત કરી.

“શું તમે અમારી કંપનીમાં સ્ટોર કીપર તરીકે જોડાવા માંગો છો?  હું તમને પૂછું છું કારણ કે તમે તેનામાં અનુભવી છો.” ફરી મીનાબેને જ કહ્યું, આ વખતે તેમણે રાકેશભાઈ તરફ જોઈ પૂછ્યું હતું.

“હા, પણ અકસ્માત પછી હું કોઈ મજૂરી કામ કરી શકતો નથી, હવે હું ખાસ કામ કરી શકું તેમ નથી. હું બેકાર છું.” રાકેશભાઈ કોઈ વાત છુપાવી નોકરી મેળવવા જુઠ્ઠું બોલે તેમાના વ્યક્તિ ન હતા.

“તમારે કામ કરવાની જરૂર નથી, પણ તમારે ફક્ત સ્ટોરનું અવલોકન અને ધ્યાન રાખવાનું છે, ખાસ તો સ્ટોરમાં રહેલ માલ પર નજર રાખવાની છે.” કામ કરવા માટે પોતાને સક્ષમ ન માનતા હોવાને લીધે અને પોતાના શરમાળ સ્વભાવને કારણે રાકેશ થોડા સમય માટે ખચકાયા હતા. પણ તેમની પત્ની સંગીતાબેને તેમને વિનંતી કરી, “તમારે કરવું જોઈએ.”

છેલ્લે રાકેશભાઈએ પણ જોડાવા માટે તેમની તૈયારી દર્શાવી. મીનાબેન ફરી એક વાર તેમને એમની કંપની ઓફિસનું સરનામું આપી તેની મુલાકાતે જવાનું કહેતા ઘરે પાછા ફર્યા.

 

***

Comment here