safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -2)

હપ્તા 1 ની લીંક…. જેને હપ્તો 1 બાકી હોય એ લોકો અહી ક્લિક કરે…..

 

તુષાર કારની પાછળની સીટમાં બેઠો હતો. એકદમ શાંત, અવાજ વગરનું વાતાવરણ હતું. માત્ર કારના અવાજ સિવાય કોઈ બીજો અવાજ નહોતો સંભળાઈ રહ્યો. રીશીકુમાર ડ્રાયવર સીટ પર બેસી કારને હંકારી રહ્યા હતા. પાછળની સીટમાં બેઠેલ તુષાર હજુ ગુસ્સામાં હોય તેમ લાગતું હતું તુષાર હજુ માત્ર સત્તર વર્ષનો હતો. એની ઉમર કરતા એ વધુ વિચારશીલ યુવક હોય તેમ લાગતું હતું.

“હજુ ગુસ્સામાં છે બેટા?” રિશી કુમારે પાછળ જોયા વિનાજ કહ્યું, એમણે કદાચ અંદર લગાવેલ મિરરમાં એના ચહેરા પરના ગુસ્સાના ભાવ જોયા હતા.

તુષારે પોતાના લાંબા વાળમાં ગુસ્સાથી હાથ ફેરવી કહ્યું, “ મને સમજાતું નથી પપ્પા આપણે ગમે ત્યારે એકાએક કેમ શહેર છોડી દઈએ છીએ?” વાળમાં હાથ ફેરવતી વખતે તુષારના હાથ ટ્વિસ્ટ થતા એના સત્તર ઇંચના બાયસેપસના મસલ્સ ફુલાતા હતા.

“કેમકે એ જ આપણા માટે ફાયદા કારક હોય છે.”

“પણ મને તો એમાં કોઈ ફાયદા જેવું લાગતું નથી.”

“મતલબ કે તને હવે મારા નિર્ણયો પર વિશ્વાસ નથી રહ્યો, તને લાગી રહ્યું છે કે હવે હું નિર્ણયો લેવા માટે કાબિલ નથી રહ્યો.”

“હું એવું નથી કહી રહ્યો, તમે આપણા હિત માટે જ નિર્ણય લેતા હશો પણ મને એ નિર્ણય કેમ લેવાયો એ વિશે જાણવાનો હક્ક તો હોવો જ જોઈએ. મને ગયા વરસે તમે એક્સ સ્ટુડેન્ટ તરીકે એચ એસ સી ની પરિક્ષા અપાવી ત્યારબાદ તમે કોલેજમાં મોકલવા માટે પણ તૈયાર નથી તમે ઈચ્છો છો કે હું ઇગ્નુંમાં એક્સ વિધાર્થી તરીકે કોલેજ કરું. મને વાંધો નથી પણ બસ હું જાણવા માંગું છું કે કેમ?” તુષાર આજે સવાલોના જવાબ મેળવી લેવાના મુડમાં દેખાતો હતો.

“એ બધું હું તને અત્યારે સમજાવી શકું તેમ નથી બસ યોગ્ય સમય આવશે ત્યારે તને સમજાઈ જશે.”

“અને એ યોગ્ય સમય ક્યારે આવશે?”

“એ હું નથી જાણતો.”

“પણ હું જાણું છું એ સમય ક્યારે આવશે.”

“ક્યારે?” રિશી કુમારે નવાઈથી પાછળ જોઈ કહ્યું.

“ક્યારેય નહિ……” તુષારે પોતાના ખોળામાં રાખેલ લેધર જેકેટ સીટ પર ફંગોળતા કહ્યું.

રિશી કુમારે કારને એક મોટા લોખંડના ગેટ આગળ પુલ ઓફ કરતા કહ્યું, “હવે તારા ગુસ્સાને કાબુમાં કરી લે આપણે અહી કામ પર આવ્યા છીએ.” રિશી કુમારે કારનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યા.

“તુષાર, કારમાંથી બહાર આવ્યો.”

“અને એ કામ શું છે, હજારો જુના પુસ્તકોને બાઈન્ડીંગ કરવાનું?” કહેતા તેણે કારનો દરવાજો ધક્કા સાથે બંધ કર્યો, દરવાજો સ્લેમ સાથે બંધ થયો પણ સારું હતું કે ત્યાં બીજું કોઈ ન હતું એટલે જાણી શકે કે એ યુવક કેટલો ગુસ્સામાં હતો.

રિશી કુમાર એ લોખંડના તોતિંગ દરવાજા તરફ ચાલવા લાગ્યા. તુષાર પણ તેમના પાછળ જવા લાગ્યો.

“પપ્પા તમને એ બોર્ડ નથી દેખાતું, તમે અનઓથોરાઈઝ એન્ટ્રી કરી રહ્યા છો.” તુષારે એમને દરવાજો ખોલતા અટકાવી કહ્યું.

“ઉપર અંગ્રેજીમાં લખેલ બોર્ડ- પ્રાઈવેટ પ્રોપર્ટી- નો અનઓથોરાઇઝ એન્ટ્રી.”

“એ માત્ર અંગ્રેજી જાણતો હોય એના માટે છે અને તું જાણે છે કે મને માત્ર સંસ્કૃતમાં જ રસ છે.”

“હા પણ એનો અર્થ એ નથી થતો કે બધે સંસ્કૃતમાં જ બોર્ડ લગાવવામાં આવે?”

“એટલે જ હું કહું છું કે હજુ બધા નિર્ણયો મારે લેવા જોઈએ.”

“એ વાત પર આપણે પછી ચર્ચા કરીશું, અત્યારે પહેલા કોઈને મળી લેવું જોઈએ કે આપણે યોગ્ય જગ્યાએ જ આવ્યા છીએ ને?”

“એ આપણા અંદર ગયા બાદ થોડીક વારમાં જ સમજાઈ જશે.”

“એ કઈ રીતે?”

“જો માલીક આપણને બહાર નીકાળી દેવા માટે પોલીશ ન બોલાવે તો સમજી જઈશું કે આપણે યોગ્ય જગ્યાએ જ છીએ.” રિશી કુમારે એને હસાવી લેવા એક જોક કહ્યો પણ નિષ્ફળ રહ્યા.

“પપ્પા તમે જીવનમાં ક્યારેય સીરીયાશ થાવ છો?” બે હાથ હલાવી તુષાર બોલ્યો.

“કેમ તને શું લાગે છે?”

“કેમકે મને એમ લાગે છે કે તમે ક્યારેય ગંભીર નથી હોતા, તમે એકાએક આપણા બધા આઈ ડી પ્રૂફ ને એક ખોખામાં ભરી કારની ડીકીમાં નાખી દો છો ત્યારબાદ એક બેગમાં માત્ર કેટલાક કપડા અને જરૂરી સામાન અને એક બે બેગ ચોપડા પોતાની સાથે લઇ શહેર છોડી દેવા કહો છો અને શહેરથી બહાર નીકળ્યા બાદ કોઈ સારી જગ્યાએ કાર રોકી, સારી મતલબ કોઈ સુમશાન જગ્યાએ કાર રોકી તમે એ આઈડી અને પ્રૂફ ભરેલ ખોખાને કારની ડીકીમાંથી બહાર કાઢી એને સળગાવી નાખો. મને નથી લાગતું તમે દરેક વખતે સીરીયસ હો છો?”

“કેમ ગઈ રાત્રે તને એ શહેર છોડવા યોગ્ય કારણ નહોતું દેખાયું?” રિશી કુમારે એ દરવાજાનો કાટ ચડેલ મોટો આંગળો ખોલવામાં સફળતા મેળવતા કહ્યું.

રિશી કુમારની પાછળ એ પણ એ તોતિંગ દરવાજાની અંદર દાખલ થયો.

“હા, પણ તમે તો કહ્યું હતું કે એ કોઈ જંગલી જાનવર હતું, મને એ માનવ જેવું દેખાયું હશે કેમકે હું એને જોઈ ડરી ગયો હતો અને મેં બાળપણમાં વાંચેલી ઘણી બધી ચોપડીઓની અસર છે વગેરે વગેરે વગેરે કારણો આપ્યા હતા.”

“તો શું મારે તને એ સમયે કહેવું જોઈતું હતું કે કોઈ આપણા પર નજર રાખી રહ્યું હતું અને એ ગમે ત્યારે આપણા ઉપર હુમલો કરી શકે તેમ હતું? શું મારે તને વધુ ડરાવવો જોઈતો હતો?”

“કેમ નહિ? કમસેકમ તમારે એ સ્વીકારવું તો જોઈએ કે હું દર વખતની જેમ સાચો હતો અને શું હું જાણી શકું કે જે ધોધમાર વરસાદમાં કોઈ જાનવર પણ રાત્રે બહાર ન નીકળે ત્યારે એ માણસ આપણા પર નજર કેમ રાખી રહ્યો હતો? શિયાળુ વરસાદમાં કોઈ માણસ કમસેકમ પાગલ ન હોય એવો માણસ બહાર નીકળે ખરા?”

“એ મને ક્યાંથી ખબર હોય એનો જવાબ તો માત્ર એ વ્યક્તિ જ આપી શકે અને એ હવે આપણાથી દોઢસો કિલોમીટર દુર છે. મને નથી લાગતું કે તું ફરી જ્યાં સુધી ફેસબુક લાઈવમાં વિડીયો અપલોડ ન કરે ત્યાં સુધી એ આપણને ફરી શોધી શકે.”

“પણ કોઈ કેમ મને મારા વિડીયો જોઈ શોધવાની કોશિશ કરી રહ્યું છે?” તુષાર વધારે ને વધારે મુંજાઈ રહ્યો હતો.

“હવે આપણે આગળની ચર્ચા પછી કરવી જોઈએ. ચાંદખેડા આર્ટ ગેલેરીના માલીક રોશનલાલની લાયબ્રેરીમાં વરસોથી ફાટેલ ચોળાયેલ અને બાઈન્ડીંગની જરૂર હોય તેવા પુસ્તકોની બહુ નજીક પહોચી ગયા છીએ. અહી પાંત્રીસ હજાર પુસ્તકોને બાઈન્ડીંગ કરવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે એ પણ એક પુસ્તકના દસ રૂપિયાના ભાવે અને જે પુસ્તકની હાલત જરાક વધુ ગંભીર હોય અને બાઈન્ડીંગ પહેલા સીલાઈની જરૂર પડે તેમ હોય તેના વીસ રૂપિયા વળી અતિ દુર્લભ અને મુલ્યવાન મોટા ગ્રંથ જેવા પુસ્તકના એક બાઈન્ડીંગ દીઠ પચાસ રૂપિયા. તને નથી લાગતું આપણને મળેલ સૌથી મોટો ઓર્ડર ગણી શકાય?”

“હા, પણ તમને આ બધા કોન્ટેક્ટ મળે છે ક્યાંથી? એ લોકોને તમારી જાણ કેમ કરીને થાય છે? આપણે તો દર છ મહીને પોતાની ઓળખ બદલી ફરતા રહીએ છીએ?”

“હા, એ મને મારા જુના નામથી જ ઓળખે છે મોટા ભાગની લાયબ્રેરીઓ મને અલગ અલગ નામથી ઓળખે છે.” રિશી કુમારે ફરી હસીને કહ્યું.

“એટલે જ હું કહું છું કે તમે ક્યારેય સીરીયસ નથી થતા. આપણે પહેલા આ પુસ્તકાલયના માલીકને મળ્યા હોત તો?”

“એ પોતે જ આપણને મળવા આવશે, એ સાંજ સુધીમાં આવી જશે.”

“એને શું ખબર કે આપણે આવ્યા છીએ?”

“એ લોકો મને બસો કિલોમીટર દુરથી પણ શોધી લે છે તો અહી તો આપણે એમનાથી માંડ દસેક કિલોમીટર દુર છીએ એને કેમ જાણ ન થાય?” પોતાના ખિસ્સામાંથી એક ચાવીઓનો જુડો કાઢી એની મદદથી દરવાજો ખોલતા કહ્યું.

“અને આ ચાવી તમારી પાસે કઈ રીતે આવી?”

“એક મિત્રે વરસો પહેલા આપી હતી મને ખબર હતી કે એણે હજુ તાળું નહિ બદલ્યું હોય.”

“અને એ મિત્ર એટલે કોણ?”

“આ સ્થળનો માલીક રોશનલાલ. તારો દુરનો મામો થાય છે.”

“તમારી કોઈ વાત મને સમજાતી નથી, હું કોઈ સારી જગ્યા શોધી સુઈ જાઉં છું તમે બધા રૂમોમાં એક નજર મારી લો, બધા કબાટો ફરી વળો, બધી બુકો જોઇલો અને હિશાબ લગાવી દો કે કેટલું કાપડ અને કેટલો દોરો જોઇશે. કેટલા પ્રેશરનું બાઈન્ડીંગ પંચ જોઇશે જેવા મુદ્દાઓ નોધી લો.”

“તારે લાયબ્રેરી રૂમ તરફ જવું જોઈએ, ડાબી તરફ ત્યાં તને સુવા માટે સોફા મળી જશે અને જો ઊંઘ ન આવે તો કેટલાક ડેસ્ક પર વાંચી શકવા લાયક હોય તેવી બુક્સ અને કેટલાક કબાટ જેમના દરવાજા જામ નહી થયેલ જે તું આશાનીથી ખોલી શકીશ ત્યાં તને કઈક તારા લાયક મળશે.” રિશી કુમારે હસીને કહ્યું.

“થેન્ક્સ પપ્પા. પહેલા તમે આ સ્થળે આવેલ છો?”

“આપણે બંને…. તું નાનો હતો ત્યારે આવ્યા હતા તારી મમ્મી પણ સાથે હતી ત્યારે આ સ્થળ સારી હાલતમાં હતું અત્યારની જેમ કોઈ ભૂતિયા પુસ્તકના ખંડેર મહેલ જેવું ન હતું…” તુષાર સામે જોઈ રિશી કુમારે કહ્યું, “ચાંદ ખેડા આર્ટસ ગેલેરી પહેલા અહિયાં ચાલતી હતી.”

“ઓકે. હું ત્યાજ મળીશ. તમે પુસ્તકો પર એક નજર કરી આવો.” કહી તુષાર ડાબી તરફના કોરીડોરમાં વળી ગયો. એ તેના પપ્પાના કામથી પરિચિત હતો, તેના પપ્પા જૂની પુરાણી મરવાની હાલતમાં આવેલ હોય તેવી પુસ્તકોને રીપેરીંગ કરવાનું કામ કરતા હતા, રિશી કુમાર પુસ્તકોના ડોક્ટર હતા એમ કહો તો પણ ચાલે. તુષાર નાનો હતો ત્યારે જયારે એ આઠ વરસનો હતો ત્યારે જ પોતાની મા ને ગુમાવી નાખી હતી અને એના પપ્પા જ એના મા બાપ બંને હતા. એના પપ્પાએ એને બાળપણથી હજુ સુધી કોઈ ફરિયાદ કરવાનો મોકો ન હતો આપ્યો સિવાય કે એને પપ્પ્પાની મરજી મુજબ એકાએક શહેર છોડવું પડતું એને હજુ ન હતું સમજાઈ રહ્યું કે તેઓ કેમ વારવાર ઓળખ બદલાતા રહેતા હતા.

બસ કદાચ ચાંદખેડા આવ્યા બાદ એ ખુશ હતો કેમકે વરસો બાદ એ એવા કોઈ સ્થળે આવ્યો હતો જે સ્થળ સાથે મમ્મીની યાદો જોડાયેલી હતી.

ગઈ સાજે તેઓ સુઈગામમાં હતા, છેક પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ એક નાનકડા શહેરમાં. ત્યાની એક શાળાના પુસ્તકાલયને સંભાળવાનું કામ રિશી કુમાર કરી રહ્યા હતા.

તુષાર હમેશની અન્ય બાળકોની જેમ સામાન્ય જીવન જીવવા માંગતો હતો, એને લાગતું હતું કે રિશી કુમાર કોઈ કારણ વિના તેને એક શહેરથી બીજા શહેર લઈને ફર્યા કરતા હતા પણ ગઈ રાત્રે એ પણ જાણી ગયો હતો કે પપ્પા ખોટા તો ન જ હતા, તેઓ જરૂર કઈક છુપાવી રહ્યા હતા અને કદાચ એ પણ તેંના ફાયદા માટે જ હતું. તેને સત્તર વર્ષ થયા હતા અને હવે એ પણ સમજી ગયો હતો કે એના માટે એક સામાન્ય ટીનેજરનું જીવન શક્ય ન હતું, શાળામાં જવું, મિત્રો બનાવવા, કોલેજ જવું અને મિત્રો સાથે ફરવું, ગીર્લફ્રેન્ડ સાથે મુવી જોવા જવું એ બધી બાબતો તેના માટે ન હતી. અને એકાએક તેઓ ચાંદખેડા શિફ્ટ થયા હતા, બસ એને એક જ વાત સમજાઈ ન હતી રહી કે રિશી કુમાર કયા સ્થળે જવું એનો નિર્ણય કઈ રીતે કરતા હતા અને જે સ્થળે જાય ત્યાં એમના સ્વાગત માટે કોઈને કોઈ કેમ હાજર જ હોતું? ક્યારેય એમને મકાન શોધવામાં તકલીફ કેમ ન પડતી? કે એમના પર કોઈ શક કેમ ન કરતુ કે તેઓ ખોટી ઓળખ સાથે ફરી રહ્યા છે.??!!!

તુષારને યાદ હતું જ્યારે તે આઠ વર્ષનો હતો અને તેની મમ્મી એક રોડ અક્સમાતમાં મૃત્યુ પામી તે જ દિવસથી તે બંને પિતા પુત્ર એક ફૂગેટીવની જેમ આમ તેમ ફરી રહ્યા હતા. ફ્યુંનરલની સાંજે જે બસ એક બેગમાં કપડા અને બે બેગમાં ચોપડા લઇ પોતાની કાર સાથે એ શહેર છોડી દીધું હતું અને આજ સુધી એજ રીતે અનેક શહેર છોડીને ચાલ્યા ગયા હતા. બસ તેને યાદ હતું ત્યાં સુધી એક ચીજ ન હતી બદલાઈ તેના પિતાની એ પુસ્તકોને સાથે લઈને નીક્વાની આદત. કોણ જાણે કેમ ઘરનો કીમતી સામાન એમ છોડીને કે પછી સળગાવીને ચાલ્યા જતા જે વ્યક્તિ એકવાર પણ ન હતો ખચકાતો એ વ્યક્તિ કેમ જે પુસ્તકો અનેક વાર વાંચી લીધા હતા એમને નવ નવ વર્ષથી પોતાની સાથે લઇ ફરી રહ્યો હતો.??

ગઈ સાંજે તુષાર સુઈગામમાં તેમના મકાનથી થોડેક દુર રસ્તા પર તેના પપ્પા સાથે ઉભો હતો. તે પોતાના ઘરને જોઈ રહ્યો હતો..

એ ઘરમાં એ છેલ્લા છ મહિના સુધી રહ્યો હતો. ઘરના આગળના ભાગમાં રહેલ લીમડાના ઝાડ નીચે બેસી પપ્પાએ લાવેલ કેટલાય પુસ્તકો વાંચ્યા હતા, તેને સમય વિતાવવા માટે મિત્રો બનાવવાની છૂટ ન હતી આપવામાં આવતી એટલે તે પપ્પાની લાયબ્રેરીમાંથી રોજ એકાદ પુસ્તક ઉઠાવી લાવતો અને એને પૂરું કરવામાં સાંજ પાડી દેતો. કદાચ એને જેટલા સૂર્યોદય અને સુર્યાસ્ત જોયા હતા તેનાથી પણ વધુ પુસ્તકો વાંચ્યા હતા, પુસ્તકો એને માટે એની મમ્મીની ગરજ સારતા હતા એમ કહીએ તો પણ ચાલે.

રિશી કુમારના હાથમાં બે બેગ હતા અને તુષારના હાથમાં એક… તુષારને સમજાઈ રહ્યું નહોતું કે તેના હાથમાં રહેલા કપડાની બેગ તો એમણે ખોલી હતી પણ રિશી કુમારના હાથમાં રહેલ બેગ તો તેમણે એ છેલ્લા છ મહિનામાં ખોલી પણ ન હતી.!! તો એને એક સ્થળેથી બીજા સ્થળે લઈને ફરતા રહેવાનો શું ફાયદો હતો?

રિશી કુમારે દરવાજાને લોક કર્યો હતો અને ચાવીઓ બાજુના ગોખલામાં મૂકી દીધી હતી, કદાચ લાયબ્રેરી માલીક કે જેને આ ઘર એમને રહેવા માટે આપ્યું હતું તેને એ સ્થળેથી ચાવીઓ શોધી લેવામાં સરળતા રહે.

તુષાર ખુશ હતો કેમકે ઘણી વાર જે મુજબ ઘરને ગેસની બોટલ લીક કરીને કે કેરોસીન છાંટી સળગાવી દેવામાં આવતું એમ એ વખતે નથી કરવું પડ્યું, એ ખુશ હતો કેમકે છેલ્લા છ મહિનામાં એને એ ઘરથી મમતા બંધાઈ ગઈ હતી. કેમ ન બંધાય?? એને છ મહિનાની એક એક પળ એ ઘરમાં જ વિતાવી હતી.

રિશી કુમારે સફેદ શર્ટ અને દરજી પાસે શીવડાવેલ ખુલ્લું કાળા રંગનું પેન્ટ પહેરેલ હતું, એમને શર્ટ પર એ કોટ પહેરેલ હતો જે લગભગ સુઈગામ બાજુ રહેતા મોટાભાગના લોકો પહેરતા હતા, એ થોડોક પછાત વિસ્તાર હતો એટલે શિયાળાની ઠંડીથી બચવા ત્યાના લોકો મીલીટરીના જુના કોટ હરાજીમાં વેચાવા આવે તે ખરીદી પહેરતા. એના પપ્પા એ કોટ કેમ પહેરતા હતા એ એને સમજાઈ ન હતું રહ્યું.

જોકે એને ખુશી હતી કે પપ્પા એ કોટમાં બહુ સારા લાગતા હતા એમની પૂરી છ ફૂટ જેટલી ઊંચાઈ હતી અને ચહેરા પર ભરાવદાર દાઢી અને મૂછો પણ હતી, તેમના વાળ પણ ખાસ્સા એવા વધેલા હતા, માટે એ કોટ એમના વ્યક્તિત્વને વધુ નીખારી રહ્યો હોય એવું દેખાતું.

ઘર છોડતી વખતે તુષારે પોતાની આંખોમાં જે ઉદાસી હતી એજ ઉદાસી તેના પપ્પાની આંખમાં પણ જોઈ હતી.

“હું આ સ્થળને યાદ કરીશ!” રિશી કુમારના મુખે એક ઉદગાર વાક્ય નીકળ્યું હતું.

“હું પણ.” તુષારના અવાજમાં પણ એજ ઉદાસી હતી.

“હવે આગ લગાવવાનો વારો છે?” તુષાર રિશી કુમારના આગળના વાક્ય પરથી સમજી ગયો હતો કે કેમ એમણે એવું કહ્યું હતું કે હું આ સ્થળને યાદ કરીશ કેમકે તુષારે છેલ્લા કેટલાક વરસોમાં એ વાક્ય ઘણીવાર સાંભળ્યું હતું અને ત્યારબાદ કોઈને કોઈ ઘર સળગતા જોયું હતું, દર વખતે એજ ઘર જેમાં તેઓ છ મહિના સુધી રહ્યા હોય.

“કોણ કરશે?” તુષારે એમની તરફ જોઈ કહ્યું હતું.

“યાદ છે તારો વારો છે ગઈ વખતે મેં આગ લગાવી હતી?”

તુષારે ઘરને આગ લગાવી.

“વી ગોટા ગો.” તેને પપ્પાના હંમેશના શબ્દો સાંભળ્યા હતા.

“ખબર છે.” તુષારે ટૂંકો જવાબ આપ્યો હતો.

“સુઈગામ ક્યારેય આપણા માટે સેફ સ્થળ હતું જ નહિ. અહી આવવું જ નહોતું જોઈતું, હું તને અહી લઇ આવ્યો એ મારી મૂર્ખાઈ હતી, મેં કઈ રીતે વિચારી લીધું કે એ રણપ્રદેશ નજીક હતું એટલે ત્યાં એ લોકો આપણેને નહી શોધે?” કારમાં બેઠા બાદ રિશી કુમાર જાણે પોતાની જાતને જ સવાલ પૂછી રહ્યા હોય એમ બોલ્યા.

તુષારે માત્ર ટૂંકમાં માથું જ હલાવ્યું હતું. તે જાણતો હતો કે એ સ્થળ તેમના માટે કેમ સેફ ન હતું તેમ એ પૂછશે તો પણ એને જવાબ ન હતો મળવાનો એટલે નકામો સવાલ ન કર્યો. આમેય એ રાત્રે એ પણ જાણી ગયો હતો કે એ સ્થળ એમના માટે સલામત ન હતું. છતાં કોણ જાણે કેમ એ સ્થળથી દુર જવાનો મોહ એનાથી છોડી શકાય તેમ ન હતો.

કારે શહેર છોડ્યા બાદ થોડેક આગળ જઈ રિશી કુમાંરે કાર રસ્તાની બાજુમાં પુલ ઓફ કરી હતી અને તેમના વોલેટ, અન્ય ઓળખની ચીજો, તેમના જુના નામના આઈડેન્ટીટી કાર્ડ રોડની બાજુમાં ઢગલો કર્યા અને તેના પર પેટ્રોલ છાંટી તેની સળગાવી નાખ્યા.

જ્યારે તેઓ ફરીથી કારમાં બેઠા, તેમના જુના નામ ભુલાઈ ગયા હતા અને એમના નવા નામ નવી ઓળખ તેમના હાથમાં હતી, રિશી કુમારે તેના હાથમાં ઓળખ કાર્ડ આપ્યું જેના પર તુષાર નામ લખેલ હતું.

“અને તમે શું નવું નામ રાખ્યું છે? ગઈ વખત જેમ બોલવવામાં અઘરું પડે તેવું નામ તો નથી ને?” તુષારે ઓળખ પત્રમાં જોઈ પોતાનું નામ જોતા કહ્યું.

“કેમ તે આઈડીમાં તુષારના પપ્પાનું નામ ન જોયું?”

“રિશી કુમાર..”

“કેમ બોલવામાં સરળ છે ને?”

“હા, કમસેકમ જુના નામ….”

“તુષાર એમનું જુનું નામ બોલે એ પહેલા જ તેમણે એને અટકાવી કહ્યું, “જુનું નામ સુઈગામમાં જ સળગી ગયું છે એ હવે ફરી ક્યારેય જીભ પર ન લવાય, આજથી તારું નામ તુષાર અને મારું રિશી કુમાર….”

તુષાર જાણતો હતો એમના જુના નામ હવે તેમના માટે કોઈ કામના ન હતા, તેમના સિવાય કોઈ તેમને હવે એ નામથી ઓળખવાનું ન હતું અને તેઓ કોઈને તે નામથી પોતાની ઓળખ આપવાના ન હતા માટે નવું નામ જ યાદ રાખવું ફાયદાકારક હતું. અને આમેય તે ખુશ હતો કે તેના જુના નામ કરતા એ નવું નામ તુષાર સારું હતું.

ત્યારબાદ તેઓ ફરી કારમાં ગોઠવાયા અને હાઈવે પર ચડ્યા બાદ પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવા સિવાય કાર ક્યાય ઉભી ન હતી રહી, છેક એ જુના તોતિંગ દરવાજા પહેલા.

તુષાર વિચારોમાંથી બહાર આવ્યો અને લાયબ્રેરી હોલના દરવાજામાં દાખલ થયો, અંદર દાખલ થતા જ બે ત્રણ ડેસ્ક પર રહેલ પુસ્તકો તેણે જોયા, તેને નવાઈ લાગી કે જે સ્થળના દરવાજા પણ જામ થઇ ગયા હોય ત્યાં હજુ કોઈ ગઈ કાલે જ આવીને વાંચી હોય તેવી ચોપડીઓ કઈ રીતે હોઈ શકે.??

તે ડેસ્કની નજીક ગયો તો તેનો શક સાચો હતો એ પુસ્તકો પર જરા પણ ડસ્ટ કે ધૂળ ન હતી બાજેલ. નવાઈની વાત હતી પણ એને ખાસ નવાઈ ન લાગી કેમકે એના પપ્પા એને દર વખતે કોઈને કોઈ રહસ્યમય સ્થળે જ લઈને જતા હતા. એણે એક પુસ્તક હાથમાં લીધું અને સોફા પર જઈ આડો પડ્યો, સોફા પણ એવા હતા જાણે કોઈએ આજે સવારે જ તેની સાફ સફાઈ કરી હોય!! ક્યાય ધૂળ કે ડસ્તનું કોઈં નામો નિશાન ન હતું. પુરા હોલમાં નજર કરી, આખા લાયબ્રેરી હોલમાં ક્યાય એક કરોળિયાનું જાળું પણ ન હતું એ સમજી ગયો કે એ સ્થળ વર્ષોથી બંધ પડ્યું હોય એ શક્ય ન હતું. બસ બહારથી એને એવું રાખવામાં આવતું હતું કે જોનારને એમ લાગે કે એ સ્થળ વરસોથી બંધ અને વપરાયા વગરની હાલતમાં હોય.

એ પુસ્તકના થોડાક પાના ઉથલાવ્યા પણ તુષારને એમાં ખાસ રસ ન પડ્યો હોય તેમ એ ઉભો થયો અને જે ડેસ્ક પરથી એ પુસ્તક ઉઠાવ્યું હતું એજ ડેસ્ક પર એ પાછું મૂકી દીધું. એણે બાજુના ડેસ્ક પર રહેલ એક પુસ્તક પર નજર કરી.

રીડીંગ ડેસ્ક પર એક પુસ્તક ખુલ્લું પડ્યું હતું. તે પુસ્તક ખાસ જુનું તો ન હતું. તુષાર સારી રીતે જાણતો હતો કે જુના પુસ્તકની સુગંધ કેવી હોય! તે ગમે તેવા નવા બાઈન્ડીંગમાં છુપાવેલ જુના પુસ્તકને પણ તેની સેન્ટ પરથી ઓળખી લેવામાં સફળ રહેતો. રિશી કુમાર સાથે તેણે લગભગ આખું બાળપણ આવાજ પુસ્તકોના ઢગ વચ્ચે પસાર કર્યું હતું. એ બાળપણમાં રમકડાને બદલે પુસ્તકોની સાથે રમ્યો હતો તેમ કહો તો પણ ચાલે તેમ હતું.

તુષારે રિશી કુમારના હાથમાં ઘણા જુના પુસ્તકો જોયા હતા, એટલા જુના કે જેના પાનાં એકદમ પીળા પડી ગયા હોય અને તેમના પર ચિતાના શરીર પર હોય તેવા છુંતાછાવાયા દાગ પડેલ હોય. એણે એટલા જુના પુસ્તકો પણ જોયા હતા જેનું પાનું બેન્ડ કરતા તૂટીને બે કકડા(ટુકડા) થઇ જાય, ઘણા જુના પુસ્તકોને પપ્પાના હાથનો સ્પર્સ થયા બાદ નવા જેવા પણ બનતા જોયા હતા.

એ ડેસ્ક પર ગોઠવાયેલ પુસ્તક લીનનથી બાઈન્ડીંગ કરેલ હતું. કાગળની કિનારીઓ જરાક મેલી થયેલ હતી એનો અર્થ એ હતો કે એ પુસ્તક ઘણા લોકોએ વાંચ્યું હતું પણ કાગળ એકદમ ઝાંખો ન હતો. એના પરના અક્ષરો એકદમ ક્લીયર દેખાઈ રહ્યા હતા એટલે એ ઓવર યુઝ પણ નતું થયેલ એની એને ખાતરી હતી.

ખુલ્લા પેજ પર એણે નજર કરી પુસ્તક પેજ નંબર સત્યાસી અને અઠ્યાસી ખુલ્લા હતા. એજ પેજ પર લાલ શાહીની પેનથીં કેટલાક સ્થળે બુક માર્ક કરેલ હતું. જમણી તરફ ખુલ્લા રહેલ પેજ નંબર અઠ્યાસી એક ચિત્રાત્મક ઈલુશટ્રેસન બતાવી રહ્યું હતું. એ કોઈ ગોળાકાર આકૃતિ હતી તેનામાં કેટલાક સંસ્કૃત અક્ષરો કંડારેલ હતા અને નીચે એક શ્લોક લખેલ હતો.

તુષારે એ શ્લોકના અક્ષરો વાંચ્યા, તેને રીશીકુમારે બાળપણથી જ સંસ્કૃત ભાષાનો અભ્યાસ ઘરે જાતે જ કરાવ્યો હતો અને તુષારે એટલી સારી રીતે એ ભાષા શીખી હતી કે આખું મહાભારત એને સંસ્કૃતમાં વાંચ્યું હતું અને સમજ્યું હતું. કદાચ મહાભારત વાંચ્યા બાદ જ એના કોઈ એક કિસ્સાએ એને એક આશાનું કિરણ બતાવ્યું હતું અને એ ત્યારથી એક એવા પુસ્તકની તલાશમાં હતો જેને મહાભારતના પુસ્તક સાથે ખુબજ સંબંધ હતો. જોકે તેને પહેલા એ પુસ્તકને ભગવદ ગીતા માની લીધું હતું પણ ગીતા બે વાર વાંચવા છતાં પોતાને જરૂરી માહિતી ન મળી ત્યારે એ સમજી ગયો હતો કે પોતે જેની શોધ કરી રહ્યો હતો તે ભગવદ ગીતા નહી પણ કોઈ અન્ય પુસ્તક જ હતું.

તુષારની સામે સંસ્કૃત પુસ્તક ખુલ્લું પડ્યું હતું પણ એણે એમાં ખાસ રસ ન દાખવ્યો કેમકે એ જાણતો હતો કે એને જે પુસ્તકની શોધ હતી એ પુસ્તક ઘણું જુનું હોવું જોઈએ, એ પુસ્તક નવું તો ન જ હોઈ શકે. કમસેકમ જેનું કાગળ નવી પ્રિન્ટનું હોય એ તો શક્ય જ ન હતું.

ખાસ રસ ન હોવા છતાં કરવા માટે કાઈ અન્ય ચીજ ન હોવાને લીધે તુષારે તે પુસ્તકના પન્ના ફેરવવા માંડ્યા. લગભગ બે ત્રણ પેજમાં ચિત્રો હતા ત્યારબાદના પન્નામાં માત્ર લખાણ જ હતું. બસ દરેક પેજનું લખાણ શરુ થાય એ અક્ષરો બહુ મોટા અને એકદમ કલાત્મક રીતે છાપેલ હતા, એમ લાગી રહ્યું હતું જાણે કોઈ ચિત્ર કારે એ અક્ષરો ચીતર્યા હોય.. છ સાત પન્ના ફેરવ્યા બાદ ફરી એક પેજ પર એની નજર અટકી, એ પેજ એક શ્લોકથી ચાલુ થતું હતું. તુષારની આંખોમાં એક અજબ ચમક દેખાઈ, તેને શ્લોકના પહેલા અક્ષરને ધ્યાનથી જોયો, તે અક્ષર ‘અ’ હતો જે સંસ્કૃતમાં એવી કલાત્મક રીતે લખેલો હતો જાણે પાછળનું ‘ગ્નિ’ વાંચ્યા વિના જ તમને એમ લાગે કે એ અક્ષર અગ્નિનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હોય, એ અક્ષરમાંથી જ જાણે આગની જવાળાઓ ઉદ્ભવી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું.!!

તુષારે તે અક્ષર પર આંગળી મૂકી, જાણે કે એ જોવા માંગતો હોય કે ખરેખર એ અક્ષરમાં પોતાના પ્રતિનિધિત્વ મુજબની ગરમી હતી કે નહી. તેના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો, બસ આંતર અક્ષની જવાળાઓ સાચા જેવી લાગી રહી હતી પણ એ સત્ય ન હતું બસ એ અસલી પુસ્તકની એક નકલ હતી જે વિશ્વાસ કરવા યોગ્ય બિલકુલ ન હતી કેમકે એના અક્ષરો સાચું પ્રતિનિધિત્વ ન હતા કરી રહ્યા, તે ‘અ’ તેની આંગળીને ગરમી આપવામાં નિષ્ફળ રહ્યો.

તુષારે ગુસ્સામાં આવી એ પુસ્તક ડેસ્ક પરથી ઉઠાવી જમણી તરફ ફેક્યું. પુસ્તક થડ અવાજ સાથે દરવાજા પાસે જઈ પડ્યું એજ સમયે દરવાજામાં એક ભારેભરખમ વ્યક્તિ અને તેની સાથે એક તુષારની ઉમરની જ સુંદર અને પાતળી યુવતી દાખલ થયા.

પેલી યુવતીએ એ પુસ્તક ઉઠાવ્યું, એ એકપણ શબ્દ બોલી નહી અને ભારે ભરખમ વ્યક્તિ સાથે તુષારની નજીક આવી ઉભી રહી.

“રિશી કુમાર ક્યા છે?” એ વ્યક્તિએ તુષારને પુસ્તક વિશે કાઈ કહ્યા વિના સીધો જ સવાલ કર્યો.

“તમે કોણ છો અને મારા પાપાને કઈ રીતે ઓળખો છો?” તુષારે જવાબ આપવાને બદલે સવાલ કર્યો.

“તુષાર હું રોશનલાલ તારો દુરનો મામો….. રિશી કુમાર અને હું બાળપણના મિત્રો છીએ હું એને કેમ ન ઓળખું?” આવનાર વ્યક્તિએ પોતાને રોશનલાલ તરીકે ઓળખાવી હસીને કહ્યું અને પેલી છોકરી તરફ જોયું.

તુષાર જાણતો હતો કે એનું આ નામ તો એને એકાદ કલાક પહેલા રસ્તામાં જ મળ્યું હતું અને એના પપ્પાનું રિશી કુમાર નામ પણ એટલા જ સમય પહેલા રાખવામાં આવ્યું હતું તો આ વ્યક્તિ એ નામો કઈ રીતે જાણી શકે? પણ એને ખબર હતી કે એ વ્યક્તિ ને એમ પણ ન પુછાયને કે અમારા આ નકલી નામ છે તો તમને કઈ રીતે ખબર પડી?

“તે પુસ્તકોને તપાસી રહ્યા છે… કદાચ જ્યાં જુના અને ફાટેલા તૂટેલા પુસ્તકોની સંખ્યા વધુ હશે એ રૂમમાં હશે. મટીરીયલની યાદી બનાવી રહ્યા છે.” તુષારે કહ્યું.

“ભલે, અને આ પુસ્તક તે જે ફેક્યું તે આ છોકરીનું છે મને લાગે તારે એની માફી માંગી લેવી જોઈએ.”  રોશનલાલે હોલ છોડીને જતા પહેલા કહ્યું.

“સોરી.” તુષારે એ યુવતી તરફ જોઈ કહ્યું.

“ઇટ્સ ઓકે એન્ડ બાય ધ વે મેં આઈ નો યોંર નેમ?”

“તુષાર..એન્ડ યોંર?”

“કવિતા..કવિતા ગાલા.”

“સોરી મિસ કવિતા મને ખબર નહોતી એ પુસ્તક તમારું છે.” તુષારે કહ્યું, તુષાર દસમાં ધોરણ બાદ ક્યારેય શાળાએ નહોતો ગયો કે એણે કોલેજ પણ જોઈ ન હતી એટલે એને છોકરીઓ સાથે વાત કરવાનો ખાસ અનુભવ ન હતો, એમાં પણ યુવાનીમાં પ્રવેશ્યા બાદ તો બિલકુલ નહિ.

“મેં કહ્યુંને એનો વાંધો નહિ. શું હું જાણી શકું તમે એ પુસ્તક પર ગુસ્સે કેમ થયા??? જેથી એ પુસ્તકે ડેસ્ક પરથી દરવાજા સુધીની યાત્રા કરવી પડી?” જરાક હસીને કવિતાએ તુષારને ભોંઠા ન પડવું પડે એ રીતે પૂછ્યું.

“કેમકે એ બનાવટી પુસ્તક છે. સોરી મિસ કવિતા પણ તમે છેતરાયા છો તમે એ પુસ્તક જુનું સમજી ખરીદ્યું હોય તો તમે ખરેખર છેતરાયા છો.”

“મને માત્ર કવિતા કહેશો તો સારું લાગશે, અને શું હું તમને માત્ર તુષાર કહી સંબોધી શકું એક મિત્ર તરીકે?”

“કેમ નહિ કવિતાજી?” તુષાર માટે કોઈ છોકરી મિત્ર હોવું એ બહુ નવાઈની વાત હતી. એને યાદ પણ ન હતું કે એણે નવામાં ધોરણ બાદ ક્યારેય કોઈ છોકરી સાથે વાત કરી હોય સિવાય કે સુઈગામ લાયબ્રેરીની આધેડ વયની પ્યુન તરીકે ફરજ બજાવતી માલતી બેન.

“હા, તો તને એવું કેમ લાગે છે કે હું છેતરાઈ છું?”

“કેમકે એ પુસ્તક નવી પ્રિન્ટનું છે અને એનામાં આપેલ મોટા ભાગના શ્લોક બનાવટી છે. એ માત્ર કોઈ જુના પુસ્તકની નકલ કરવાનો નિષ્ફળ પ્રયાસ છે.” તુષારે પુસ્તકના અનુભવીની ઢબે કહ્યું.

“તને પુસ્તકોનો બહુ અનુભવ લાગે છે?”

“હું પુસ્તકો વચ્ચે જ મોટો થયો છું એમ તમે કહી શકો, હું લાયબ્રેરીમાં ચાલતા જ શીખ્યો હતો.” ભાગતી જીંદગીમાં આ એક ગર્વ લેવા જેવી વાત હતી જે તુષારને મોકો મળતા જ કહી દેતો.

બંને ખડખડાટ હસી પડ્યા, તુષાર કવિતાને હસ્તી જોઈ રહ્યો.

“હા, તો લાયબ્રેરી મેન સાચા પુસ્તકની ખાતરી કરવા માટે મારે કોઇ પણ નકલ ખરીદતા પહેલા શું તપાસવું જોઈએ?”

“એના ફોન્ટ, એના કાગળની જાડાઈ, એના લખાણની શાહીનો ફેલાવો, પાનાઓ પર વાતાવરણની અસર અને સૌથી છેલ્લે એની સુગંધ…. જુના પુસ્તકમાં પ્રિન્ટને બદલે એક અલગ જ સુગંધ હોય છે કેમકે બહુ જુના પુસ્તકો કેમિકલ વિનાની શાહીથી લખાતા હતા.”

“ઓકે હવે પછી પુસ્તક ખરીદતા પહેલા હું ખાતરી કરીશ.” કવિતાએ હસીને કહ્યું.

“શું હું એક વ્યક્તિગત પ્રશ્ન પૂછી શકું?”

“હા. કેમ નહિ?”

“તું એ સંસ્કૃત પુસ્તકમાં કેમ રસ લઇ રહી છે?”

“મારો એક મિત્ર આરકીયોલોજીસ્ટ છે જેને કોઈ એવા જ્ઞાનની જરૂર છે જેની મદદથી એને એક સાઈટ પરથી એને મળેલ કોઈ ચીજની પુષ્ટી કરવા માંગે છે એને માટે હું પુસ્તક શોધી રહી છું જે જુના ધાતુવિજ્ઞાના અને પંચતત્વ શાસ્ત્રની માહિતી પૂરી પાડતું હોય.”

“મને લાગે છે આપણે એક જ રસ્તાના મુસાફર છીએ, હું પણ એજ પુસ્તકની તલાશમાં છું જેનો ઉલ્લેખ મહાભારતના એક પર્વમાં થયો છે.”

“મહાભારત સમયનું પુસ્તક કઈ રીતે હોઈ શકે?”

“એ પુસ્તક વેદોનું લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું એ દરમિયાન લખાયેલ છે પણ એની અંદર રહેલ શ્લોકો મહાભારત સાથે સંબંધ ધરાવે છે. કદાચ ભૌતિક વિજ્ઞાનને લાગતું જ્ઞાન એનામાં છુપાયેલ છે. અધર્મી સદી પહેલા પણ એની કેટલીક કોપીઓ બનાવાઈ હતી પણ એનો અંગ્રેજ શાશન દરમિયાન નાશ થઇ ગયો હતો. વરાહ મિહિર અને ભાસ્કરાચાર્ય પાસે પણ એ પુસ્તાક્માનું કેટલાંક જ્ઞાન હતું એવું મારું માનવું છે.”

“અને તને એ પુસ્તકની તલાશ કેમ છે?”

“સોરી, પણ આપણા વચ્ચે હજુ એટલો પરિચય નથી થયો કે હું તને એ જણાવી શકું અને હું જુઠ્ઠું બોલવા માંગતો નથી.”

“મને તારી થીયરી પસંદ આવી, કશુ જ નહિ આપણે એકબીજા સાથેનો પરિચય વધારી દેશું જેથી એકબીજા સામે રહસ્યો ખોલવામાં સરળતા રહે. કેન યુ ગીવ મી યોર કોન્ટેક્ટ નંબર?”

“યસ…બટ આઈ ડોન્ટ નો માય નંબર.” તુષારે ગજવામાંથી ફોન બહાર કાઢતા કહ્યું.

કવિતાને જરાક નવાઈ લાગી કે કોઈ વ્યક્તિને પોતાના જ નંબરની જાણ ન હોય તેમ કઈ રીતે બની શકે પણ તે ચુપ રહી.

“મેં આજે જ કાર્ડ ખરીદ્યું છે એટલે મને મારા નંબરની ખબર નથી.”

“તો મારા નંબર પણ મિસકોલ કરીદે તારો નંબર મારામાં આવી જશે”

કવિતા અને તુષારે એકબીજાના નંબર એક્સચેન્જ કર્યા.

“તો હવે હું જઈશ?”

“તો જે કામથી આવી હતી તે?”

“તે પુસ્તક નકામું છે એમ તેજ કહ્યું હવે એ વાંચવાનો કોઈ અર્થ નથી. થેન્ક્સ મારો સમય બચાવવા માટે.”

“વેલકમ.” તુષારે કહ્યું અને કવિતાને બહાર જતા જોઈ રહ્યો.

Comment here