safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -19)

આગળના બધાજ હપ્તાની લીંક અહી મળી જશે….. હપ્તો 18     હપ્તો 17

 

વેકેશન બાદ જયારે સંદીપ પોતાની નવી શાળાના દરવાજે પહોચ્યો એ દિવસ એના માટે સરપ્રાઈઝ સમાન હતો. તેણે જોયું કે એ શાળાની ઈમારત અને તેણે બનાવેલ સ્કેચમાંની ઈમારત વચ્ચે કોઈ જ ફેર ન હતો. સંદીપ તાજ્જુબથી એ બિલ્ડીંગ જોઈ રહ્યો. એ કઈ રીતે શક્ય હતું કે તેણે જે શાળા જોયેલ જ ન હતી તેનું આબેહુબ ચિત્ર બનાવ્યું? બહુ વિચિત્ર પ્રશ્ન હતો. કદાચ કોઈ ગ્રોન અપ વ્યક્તિ એ સવાલને ક્યારેય બે ધ્યાન ન કરી શકે પણ સંદીપનું બાળ મન હજુ એ સવાલની ગંભીરતાને સમજી શકવા સમર્થ ન હતું આથી તેણે એ પ્રશ્નને જાણે ક્યાંક ડુબાવી નાખ્યો હોય કે એ પ્રશ્નને ક્યાંક ખોઈ નાખ્યો હોય તેમ એને ભૂલી જઇ પોતાના કલાસમાં પહોચી ગયો હતો.

થોડાક દિવસો બાદ ફરી એક સવાર સંદીપ માટે સરપ્રાઈઝ લઈને આવી હતી. રોજની માફક મીનાબેન સંદીપના રૂમમાં વહેલી સવારે છ વાગ્યે પહોચી ગયા હતા. મીનાબેન યોગ તરફ બહુ આકર્ષિત હતા. તેઓ ક્યારેય વહેલા ઊઠવાનું ન ચુકતા. કોઈ દિવસ એવો ન જતો કે જયારે સંદીપને વહેલી સવારે યોગની તાલીમ ન મળી હોય.

એ સવાર પણ દરેક સવારની જેમ જ શરુ થઇ પણ એ માત્ર સંદીપ માટે અલગ હતી. મેડીટેશન દરિમાયન ફરી તેને એક વિજન દેખાઈ. તેને પોતાના કલાસની એક છોકરીને શાળાના મેદાનમાં રહેલ વડના વ્રુક્ષ નીચે રહેલ પથ્થરની બેંચ પર બેઠેલ જોઈ. તે છોકરીની આંખમાં ઉદાસી અને હતાશાના ભાવ ચોખ્ખા વર્તાઈ રહ્યા હતા. સંદીપે પોતાની જાતને પણ એની પાસે ઉભેલ જોઈ.

સંદીપે ધ્યાન દરમિયાન જે જોયું હતું તે જ થયું એ દિવશે શાળામાં રીસેસ દરમિયાન તેની મુલાકાત એ પથ્થરની બેંચ પર બેઠેલ એકલવાયી છોકરીથી થઇ જે કોઈ અન્ય નહી કવિતા ગાલા હતી. એ તેમની પ્રથમ મુલાકાત હતી.

કવિતાએ પોતાના વર્તમાનના લોકેશન પર પોતાની આંખો ખોલી.

“મારા મનમાંથી સંદીપના મનને વાંચીને મેં મેળવેલ વિગત જોયા બાદ તમને શું લાગે છે?” કવિતાએ આનંદ તરફ જોઈ કહ્યું.

“તારી શાળામાં આવવા પાછળ કોઈ કારણ છે કે નહિ તે સાફ દેખાઈ નથી રહ્યું પણ એ તેની મમ્મીનો નિર્ણય હતો એ તો દેખાઈ જ રહ્યું છે.” આનંદે કહ્યું. તેમના અવાજ પરથી લાગી રહ્યું હતું કે તેઓ જરાક ગૂંચવણમાં હતા.

રીશીકુમાર અને તુષાર બધું સાંભળી રહ્યા હતા. એમણે પોતાની સિગાર સળગાવી અને ધુમાડાનો એક મોટો ગોટો હવામાં મુક્ત કર્યો, કદાચ તેઓ માનસિક તણાવ અનુભવી રહ્યા હતા અને એમાંથી મુકત થવા માટે એ રસ્તો અપનાવી રહ્યા હતા. તેમના ચહેરા પર ચિંતા અને કન્ફ્યુંઝનના ભાવ હતા.

જયારે પણ રીશીકુમાર ધુમ્રપાન કરતા તુષારને ગુંગળામણ જેવું થતું. તેને તેના પિતાની તબિયત માટે ચિંતા હતી. રીશીકુમાર સિગાર સળગાવે તે એને જરાય પસંદ ન હતું પણ તે ક્યારેય તેમની સામે દલીલ ન કરતો. તે જાણતો હતો કે મમ્મીના આકસ્મિક મૃત્યુ બાદ પપ્પા અંદરથી ભાગી પડ્યા હતા.

“કવિતા, આગળ વધ અને વધુ માહિતી મેળવ.” આનંદે કવિતા તરફ નજર કરતા કહ્યું.

કવિતાએ માથું હલાવ્યું અને ફરી આંખો બંધ કરી. કવિતા ફરી એકવાર ભૂતકાળમાં હતી. તે પોતાની શાળામાં હતી. પણ રોજના કરતા કઈક અલગ હતું. તે રોજની જેમ એકલી અને ઉદાસ ન હતી. તેની આંખોમાં આશાનું કિરણ હતું. તેના હ્રદયમાં ઉમ્મીદ હતી. તેનું મન વાર વાર તેની સામે સંદીપે આપેલ સલાહ રજુ કરતુ હતું. તેનું મન વિચારોમાં એટલું વ્યસ્ત હતું કે છેલ્લા ચાર તાસ ક્યારે પુરા થઇ ગયા હતા તેનો એને ખયાલ જ ન હતો.

રોજ મુજબ પ્યુન મંજુલાબેને શાળાની લોબીમાં રેહલ બેલ વગાડ્યો અને બધાને ખબર આપી કે શાળામાંથી આઝાદ થવાનો સમય થઇ ગયો હતો. બધા બાળકોએ આનંદપૂર્વક પોત પોતાની બેગ ખભે ભરાવી અને ઉભા થઇ ગયા. બધાના હ્રદયમાં ખુશી હતી કેમકે છેલ્લા તાસમાં શિક્ષકે કોઈ જ ગૃહ્કાર્યની જાહેરાત કરી ન હતી. બાળકોમાં ગૃહકાર્ય ન મળ્યાનો આનંદ વર્તાઈ રહ્યો હતો. જોકે શિક્ષકે એ પણ કહ્યું હતું કે આવતા તાસમાં ચાલુ પાઠ પૂરો થઇ જશે અને એ વખતે તેમને સ્વાધ્યાય અને અભ્યાસ બંનેના પ્રશ્નો મળશે પણ બાળકો માટે જીવનનું નામ જ આનંદ હોય છે તેઓ આવતા તાસમાં હોમવર્ક વધુ મળવાનું હતું એ બાબતની ચિંતા કરવાને બદલે એ તાસમાં હોમવર્ક ન મળ્યું એની ખુશી મનાવવામાં માનતા હોય તેવું દેખાઈ રહ્યું હતું.

બધા બાળકો એકસાઈટમેંન્ટ સાથે વર્ગ બહાર નીકળી રહ્યા હતા. કોઈ સામાન્ય દિવસ હોત તો કવિતાના ચહેરા પર એ હોમવર્ક ન મળ્યાનો કોઈ આનંદ ન હોત પણ આજે તેના ચહેરા પર આનંદ હતો. જોકે એ આનંદ હોમવર્ક ન મળ્યાનો નહિ પણ શાળામાં પહેલી વાર કોઈ મિત્ર મળ્યો તેનો હતો.

કવિતાના ચહેરા પર ખુશી હતી. તેના પગમાં ચાલવાનો ઉમંગ હોય તેમ તે હોશભેર વર્ગ બહાર નીકળી. તેનું હૃદય એક અનેરી ખુશી અનુભવી રહ્યું હતું કેમકે આજે પહેલી વાર તે શાળાથી એકલી ઘેટા બકરાની જેમ નીચે જોઇને ચાલવાની નથી પણ તે તેના મિત્ર સાથે વાતો કરતી જઇ રહી હતી. તેના એક માત્ર મિત્ર સંદીપ સાથે.

“હું આજે બહુ ખુશ છું.” કવિતાએ વાતની શરૂઆત કરી હતી.

“હું પણ..” સંદીપે  આસપાસ પોતાની જ ધૂનમાં વ્યસ્ત ચાલ્યે જતા બાળકો તરફ એક નજર કરતા કહ્યું

એમ લાગી રહ્યું હતું જાણે બંનેને એકબીજાની કંપની ગમી રહી હતી. કદાચ તેઓ એકબીજા માટે સારા મિત્રો સાબિત થવાના હતા.

“તારું ઘર ક્યા છે?” કવિતાએ સંદીપ તરફ જોઈ પૂછ્યું. તેના આવજમાં ઉતાવળ હતી, કદાચ તેને એના નવા અને એક માત્ર મિત્ર વિશે બધુ જ જાણી લેવાની ઈચ્છા હતી.

“હેપ્પી હોમ્સ. હું પહેલી ગલીમાં રહું છું. ઘર નંબર એક. અમારા ઘર પર માતૃછાયા લખેલ છે.” સંદીપે પૂરી વિગત આપી.

“વાહ! હુ પણ હેપ્પી હોમ્સમાં જ રહું છું. હું છેલ્લી ગળીમાં ઘર નંબર સાતમાં રહું છું.” કવિતા એટલી ખુશ હતી કે તેણીએ એટલા મોટા અવાજે એ બધું કહ્યું હતું કે આસપાસ ચાલતા બીજા બાળકો તેની તરફ જ જોઈ રહ્યા હતા પણ એવું લાગી રહ્યું હતું આજે તેને કોઈની કોઈ ફિકર ન હતી..!! હોય પણ કમે? તેનો એક માત્ર મિત્ર તેના પોતાના જ વિસ્તારમાં રહેતો હતો.

“તારા ઘરમાં કેટલા સભ્યો છે?” કવિતાએ એને પૂછ્યું અને એક વાર પાછળ ફરી શાળા તરફ જોયું. શાળાની રોજ સફેદ દેખાતી દીવાલો આજે તેને રંગબેરંગી દેખાઈ રહી હતી. કદાચ જીવનમાં પહેલી વાર આજે તેને શાળાથી નફરત ન હતી. તેના હ્રદયમાં રહેલી શાળા પ્રત્યેની નફરત પીગળી ગઈ હતી અને એના બદલે તેને શાળા સારી લાગવા માંડી હતી.

“હું, મમ્મી, અને પપ્પા. અમે ઘરમાં ત્રણ જણ છીએ.” સંદીપે કહ્યું.

“મને સો સુધી ગણતરી આવડે છે, તારે મને એ કહેવાની જરૂર નથી કે તું મમ્મી અને પપ્પા થઈને કેટલા વ્યક્તિ થાય.” કવિતાએ કહ્યું અને બંને હસ્યા.. કદાચ કવિતાનું શાળામાં આ પહેલું સ્મિત હતું.

“તારા મમ્મી પપ્પા શું કરે છે?” કવિતા એક પછી એ પ્રશ્ન પૂછ્યે જ જતી હતી, કદાચ તેને પહેલે જ દિવશે તેના મિત્રને પુરેપુરો જાણી લેવો હતો.

“મારા મમ્મી યોગના રિસર્ચર છે અને મારા પપ્પા વેસ્ટ સ્ટાર વોચના માલિક છે.” સંદીપે કહ્યું.

“તમારે પોતાની કંપની છે?” કવિતાએ નવાઈથી કહ્યું.

“હા, મારા પપ્પાને એ દાદાજી તરફથી મળી છે.”

“મતલબ તું કરોડપતિનો છોકરો છે?” કવિતાએ ફરી નવાઈથી કહ્યું.

“મને ખીજાવ નહિ, હું કરોડપતિ નથી. તમારા મિત્રોને ચીડવવું એ સારી બાબત નથી.” સંદીપે નારાજ થતા કહ્યું.

“સોરી… મારો ઈરાદો તને ખીજાવવાનો ન હતો.”

“ઓકે, નો સોરી નો થેન્ક્સ ઇન દોસ્તી.” સંદીપે કહ્યું, “તને દોસ્તીના રૂલ્સ ખબર નથી?”

“મારે દોસ્તો જ નથી તો મને દોસ્તીના નિયમો ક્યાંથી ખબર હોય?” કવિતાએ ફરી ઉદાસ થઇ જતા કહ્યું.

“કાઈ નહિ હવે તો દોસ્ત છે ને ? તને ધીમે ધીમે એ નિયમો સમજાઈ જશે.”

“ના, મને હમણા જ કહે.” કવિતાએ જીદ કરતા કહ્યું. કદાચ મિત્રો વિના જીવન શક્ય ન નથી. એક મિત્ર એક ઉદાસ છોકરીને એક પળમાં ઉછળતી કુદતી બનાવી નાખે છે તે વાત એમની વાતચીત પરથી સમજાઈ રહ્યું હતું.

“મિત્ર એ છે જે તમને બેવકૂફ જેવી હરકતો કરીને હસાવે છે અને જયારે તમે હસતા હો તમને ખીજવીને રડાવે છે.” સંદીપે કહ્યું અને બંને હસવા લાગ્યા.

ચાર રસ્તા બાદ તેઓ ડાબી તરફ વળ્યા અને હેપ્પી હોમ્સના દરવાજે પહોચ્યા.

“બાય, કવિતા.” કવિતાને ગુડબાય કરી સંદીપ પોતાના ઘર તરફ પહેલી ગળીમાં વળ્યો.

કવિતા પણ તેને બાય કહી આગળ પોતાના ઘર તરફ ચાલવા લાગી.

વર્તમાન સમય-

“મને તેની સાથે તેના ઘરે જવાની પરવાનગી આપો.” કવિતાએ આનંદ તરફ જોઈ કહ્યું.

“ના, હું એ નહિ કરી શકું. તારે માત્ર તારા ભૂતકાળમાં જઈને શું થયું હતું તે જોવાનું છે અને જીણી જીણી વિગત તપાસવાની છે તારે ભૂતકાળમાં કોઈ જ ફેરફાર કરવાના નથી. આપણે ભૂતકાળમાં કોઈ બિનજરૂરી ફેરફાર ન કરી શકીએ. જો તું ભૂતકાળમાં એ દિવસે તેની સાથે ઘરે ગઈ જ ન હતી તો તને હવે પણ એના ઘરે જવાની હું પરવાનગી ન આપી શકું.” આનંદે ગંભીર થતા કહ્યું.

“હું તે ઘરે જઇ એના મમ્મી પપ્પા સાથે શું વાત કરે છે તે જાણવા માંગું છું. હું જાણવા માંગું છું કે સંદીપે મને પહેલા દિવસે મળ્યો એ બાબત એના મમ્મી પપ્પાને કહી હતી કે નહિ?” કવિતાએ આનંદને કહ્યું.

“હા, પણ એ માટે તારે ભૂતકાળમાં ફેરફાર કરવાની ક્યા જરૂર છે? તું બીજી સવારે શાળામાં સંદીપનું મન વાંચી એ બધી જ માહિતી મેળવી શકે છે જે તમારા છૂટ્યા પછી એણે એના મમ્મી સાથે કે પપ્પા સાથે સેર કરી હોય.”

“પણ એ માટે મારે રાહ જોવી પડશે…” કવિતા આતુર હતી.

“ના, તારે રાહ જોવાની જરૂર નથી. જો તને લાગતું હોય કે એ દિવસે વધુ કોઈ કામની માહિતી નથી મળે તેમ તો તું સીધી જ બીજા દિવસમાં પહોચી શકે છે.” આનંદે સમજાવ્યું.

“હા, તો હું ત્યાંથી બીજા દિવસ પર સ્વીચ થઇ રહી છું.” કવિતાએ કહ્યું અને તે સંદીપને મળી હતી તેના બીજા દિવસ પર પહોચી ગઈ.

“તું ક્યા છે?” આનંદે પૂછ્યું.

“હું ચાર રસ્તા પાસે છું હું અને સંદીપ સાથે છે. અમે શાળા તરફ જઇ રહ્યા છીએ. મેં એના મનની યાદો વાંચી લીધી છે. તેના મમ્મી પપ્પા સાથે ગઈ કાલે મારાથી છુટા પડ્યા બાદ શું વાત કરી હતી એ જાણી લીધું છે.” કવિતાએ વર્તમાન સમયના લોકેશન પર કહ્યું.

“તે શું મેળવ્યું છે? શું કોઈ ખાસ માહિતી મેળવી છે?” આનંદે કહ્યું.

“તેઓ સાંજનું ડીનર કરી રહ્યા છે, તમે મારા મનમાંથી દરેક વિગત વાંચીલો ને?” કવિતાએ પૂરી વિગત આપવાને બદલે કહ્યું.

આનંદે કવિતાના મનમાંથી સંદીપની મેમેરી રીસીવ કરી. તેમણે તેનું મન અપ્રત્યક્ષ રીતે વાંચવાનું શરુ કર્યું.

“મમ્મી હું આજે બહુ ખુશ છું કેમકે આજે મને કોઈ એવું મિત્ર મળ્યું છે જે માત્ર મારા એક પાસે જ છે.” સંદીપે ડાઈનીગ ટેબલની લાકડાની ખુરશી પર મીનાબેન પાસે ગોઠવાતા કહ્યું.

“તારા એકલા પાસે જ મતલબ?”

“મતલબ કે મમ્મી એનું કોઈ બીજું દોસ્ત નથી. હું એક જ મિત્ર છું એની પાસે.”

“ફ ! તે કોણ છે?”

“તેનું નામ, કવિતા છે મમ્મી. તે એક સારી દોસ્ત છે. તે દયાળુ સ્વભાવની છે અને બધા તેને સારી રીતે નથી રાખતા છતાં તે કોઈના માટે વેર ભાવ નથી રાખતી.”

“એવા વ્યક્તિ સાથે મિત્રતા કરવી તો બહુ સારી વાત કહેવાય.” મીનાબેને હસીને કહ્યું.

“પણ મમ્મી મને એક વાત નથી સમજાતી. બધા બાળકો એની સાથે ભેદભાવ ભર્યું વર્તન કેમ કરે છે? એ ભણવામાં હોશિયાર નથી તો શું થઇ ગયું? એનો સ્વભાવ તો બહુ સારો છે ને.” સંદીપે જરાક ઉદાસ સ્વરમાં કહ્યું.

“જો બેટા દુનિયામાં કેટલાક લોકો સોનાનું હ્રદય લઈને આવેલા હોય છે પણ દરેક વ્યક્તિ એ ગોલ્ડન હાર્ટને સમજી શકતું નથી કેમકે દરેકની પાસે એને સમજવા માટે એવું જ સોનાનું હ્રદય હોતું નથી. તું પણ મારો ગોલ્ડન હાર્ટ છે માટે જ તો એને સમજી શક્યો છે એની સાથે દોસ્તી કરી છે.” મીનાબેને પ્રેમથી સંદીપના માથા પર હાથ મુકતા કહ્યું.

“હા, પણ જે ગોલ્ડન હાર્ટ નથી એ લોકો ખુશ છે અને એ ગોલ્ડન હાર્ટ હોવા છતાં કેમ તેને હમેશા ઉદાસ અને એકલા રહેવાનો વારો આવે છે?” સંદીપે ફરિયાદ કરી રહ્યો હોય તેવા સ્વરે કહ્યું.

“હું તને એક વાર્તા કહું – એમાં એક હંસનું બચ્ચું બતકના ટોળામાં મોટું થઇ રહ્યું હોય છે. બધા બતકના બચ્ચાં તેને ખીજવે છે કે તે તેમના જેવું નથી દેખાતું. તે સુંદર નથી અને એ બચ્ચું હમેશા ઉદાસ અને એકલું રહે છે કેમકે એ એમ સમજવા લાગે છે કે તે ગંદુ છે! તે બદસુરત છે! તે અગ્લી છે! હવે એક સમયે એ બચ્ચું જે તળાવના કિનારે રહેતું હતું ત્યાં કેટલાક વિચિત્ર પ્રાણીઓ આવે છે. તેઓ સફેદ રંગના જ હોય છે પણ બતક કરતા બહુ મોટા હોય છે, એ બચ્ચું એવા મોટા કદના અને શક્તિશાળી દેખાતા જળચર પક્ષીઓ પાસે જઈને કહે છે કે હે મહાન પક્ષીઓ ! મને મારી નાખો… એ પક્ષીઓ તેને નવાઈથી જોઈ રહે છે અને પૂછે છે કે નાનકડા બચ્ચાં તું કેમ મારવા માંગે છે? ત્યારે બચ્ચું રડમસ અવાજે કહે છે કે હું સુંદર નથી એટલે હું મરી જવા ઈચ્છું છું. તને કોણે કહ્યું કે તું સુંદર નથી? એ મોટા અને શક્તિશાળી દેખાતા પક્ષીઓએ નવાઈથી પૂછ્યું. આ તળાવમાં રહેતા બતકોએ. તેમનું કહેવું છે કે હું એમના બચ્ચાં જેવું નથી. બચ્ચાએ કહ્યું, તેની આંખોમાં પાણી આવી ગયું હતું. એમની વાત સાચી છે તું એમના જેવું નથી. એ શક્તિશાળી પક્ષીઓએ દુર પાણીમાં તરતી બતકો તરફ જોઈ કહ્યું. હા, હું એમના જેવું નથી એટલે જ મરી જવા ઈચ્છું છું. બચ્ચાંએ કહ્યું. એ પક્ષીઓ ધડીભર માટે કાઈ ન બોલ્યા અને કઈક વિચાર્યા બાદ તે ટોળાના આગેવાન જેવા લાગતા એક પક્ષીએ કહ્યું તું અલગ છે કેમકે તું હંસનું બચ્ચું છે. પેલું બચ્ચું નવાઈ પામ્યું અને બોલ્યું કે હંસો કેવા હોય છે? અને તમને કઈ રીતે ખબર કે હું હંસનું બચ્ચું છું? કેમકે અમે હંસો છીએ. તું અમારામાંથી જ એક છે. તું ભૂલું પડી ગયું હોઈશ અને બતકના ટોળામાં પહોચી ગયું હોઈશ માટે એ બિચારા નાનકડા જીવો તને તેમનાથી અલગ સમજતા હશે. એમને એમ લાગતું હશે કે તું સુંદર નથી કેમકે એક હંસમાં કેવી સુંદરતા હોવી જોઈએ એ એમને ખ્યાલ જ ન હોય. ટોળાના આગેવાને ફરી કહ્યું. મતલબ હું તમારા જેવું મોટું અને શક્તિશાળી બનીશ? હું તમારા જેવું સુંદર બનીશ? બચ્ચાએ નવાઈથી પૂછ્યું. હા, કેમ નહિ? અમે તને અમારા સાથે માનસરોવર લઈ જઈશું. તે હિમાલયમાં આવેલ સુંદર સ્થળ છે જ્યાં સાચા મોતીનો ચારો ચરનારા હંસો રહે છે. તારું અસલ સ્થાન ત્યાં છે. આગેવાને હસીને કહ્યું. એની વાત સંભાળતા જ બચ્ચું ખુશીથી નાચવા લાગ્યું.” મીનાબેહેને વાર્તા પૂરી કરી અને સંદીપ તરફ પ્રશ્નાર્થ નજરે જોયું.

“હા, મમ્મી મને સમજાઈ ગયું. કવિતા ગોલ્ડન ગુસ છે.” સંદીપે કહ્યું.

“હા, બેટા હવે તે એનું સાચું મુલ્યાંકન કર્યું છે.”

“પણ મમ્મી એ બચ્ચાને માનસરોવર કોણ લઇ જશે? એને કોણ સમજાવશે કે તે હંસનું બચ્ચું છે? શું તું એને યોગ શીખવીશ? શું તું એને મારી જેમ ફોટોક્રોમિક મેમેરી શીખવીશ?” સંદીપે કહ્યું.

“કેમ નહિ, બેટા? સાચા હંસોનું એજ તો કામ છે. તેમણે બતકોના ટોળામાંથી હંસોના બચ્ચાને શોધવાના હોય છે અને તેમને માનસરોવર સુધી લઇ જવાના હોય છે.” મીનાબહેને કહ્યું.

કવિતાના મનમાંથી એ યાદો વાંચતા આનંદની આંખમાંથી આંસુઓ આવી ગયા. તેમણે આંસુ લૂછતાં કહ્યું, “કવિતા, હવે એ દિવસની જરૂર નથી. તું જે દિવસે પહેલીવાર મીનાબેનની મહેમાન બની હતી તે દિવસ પર સ્વીચ થઇ જા.”

“ઓકે. હું મારી જાતને એ દિવસ પર સ્વીચ કરું છુ જે દિવસે હું પહેલીવાર મીનાબેનને મળી હતી.” કવિતાએ કહ્યું.

સંદીપ અને કવિતા માતૃછયાના દરવાજે ઉભા હતા.

“મમ્મી, તું ક્યા છે?” સંદીપે ઘરમાં પ્રવેશતા જ કહ્યું.

“અહી, રસોડામાં. હું ગાજર હલવો બનાવી રહી છું. આપણા નવા મહેમાનને ગાજર હલવો ખુબ જ પસંદ છે.” મીનાબેને કડાઈમાં રહેલ મિશ્રણને સ્પૂન વડે હલાવતા કહ્યું.

“મમ્મી, પણ મહેમાન તૈયાર છે શું….. ગાજર હલવો તૈયાર છે?” સંદીપે કહ્યું.

મીનાબેન કિચનમાંથી બહાર આવ્યા. તેમને ફોયરમાં ઉભેલ કવિતાને જોઈ. તેઓ ઘડીભર એ નાનકડી છોકરીને જોઈ રહ્યા અને ત્યારબાદ તેનું સ્વાગત કર્યું.

કવિતા એ તેમનો આભાર માન્યો પણ હજુ તેનું ધ્યાન એ ફોયર પર જ હતું. તેણીએ એટલા ભવ્ય ઇન્ટેરીઅર ધરાવતું ઘર ક્યારેય જોયું ન હતું. પૂરું ફોયર લાકડાના રાચરચીલાથી શોભી રહ્યું હતું. કવિતા જાણતી ન હતી કે ફર્નીચરમાં માત્ર અને માત્ર શાગનું લાકડું જ વપરાયેલ છે નહીતર એને વધુ નવાઈ લાગત. તે છેલ્લી ગલીમાં સામાન્ય રો – હાઉસમાં રહેતી હતી અને એ ઘર પણ ભાડા પર હતું માટે કવિતા માટે પોતાના ઘર કરતા પણ મોટું ફોયર અને એ પણ એટલા ભવ્ય ફર્નીચર સાથે એ જોવું કોઈ સરપ્રાઈઝથી કમ ન હતું.

“કવિતા… મમ્મી..” સંદીપે તેને વિચારોમાં ખોવાયેલ જોઈ તેના કાનમાં કહ્યું.

“ઓહ! સોરી! હું કવિતા છું.” કવિતાએ મીનાબેન તરફ જોઈ કહ્યું.

“હું તને જાણું છું. આઈ મીન.. મને સંદીપે ગઈ કાલે સાંજે ડીનર વખતે તારો પરિચય આપ્યો હતો.”મીનાબેને કહ્યું, “હેવ અ સીટ ચિલ્ડ્રન.”

કવિતા અને સંદીપ બંને સોફા પર ગોઠવાયા.

મીનાબેન રસોડામાં જઇ ગાજર હલવાની બે પ્લેટ લઇ આવ્યા. સંદીપે બાજુમાં રહેલ ટીપોયને ખસેડી સોફાની બરાબર સામે લાવી. મીનાબેને ટીપોય પર બંને પ્લેટ ગોઠવી અને પોતે પણ સામેના સોફા પર ગોઠવાયા.

“તને યોગ શીખવાનું ગમશે?” મીનાબેને પૂછ્યું.

“શું હું એનાથી હોશિયાર બની શકીશ?” કવિતાએ મોમાં રહેલ કોળીયાને પૂરો કર્યા બાદ જવાબ આપ્યો.

“કેમ નહિ? યોગ અને ધ્યાન એ મગજની શક્તિઓનો વિકાસ કરવા માટે તો છે જ. હું તને ખાતરી આપીશ શકું કે એનાથી તારી યાદશક્તિમાં વધારો થશે.” મીનાબેને તેને જોઈ રહેતા કહ્યું.

“તો હું ચોક્કસ શીખવાનું પસંદ કરીશ.” કવિતાએ કહ્યું, “તમે મને ક્યારથી શીખવશો?”

“સવારે… શું તું આવતી કાલથી સવારે છ વાગ્યે સંદીપ સાથે યોગ શીખવામાં જોડાઈ શકે?”

“હા, ચોક્કસ.” કવિતાએ પોતાની ડીશ ફીનીશ કરતા કહ્યું, “હવે મારે જવું પડશે, આંટી. મારે મમ્મીને કામમાં મદદ કરાવવાની છે.”

“ઓકે. બાય બેટા. આવતી કાલે છ વાગ્યે આવવાનું ન ભૂલીશ.” કવિતાબેને સોફા પરથી ઉભા થતા કહ્યું.

“બાય આંટી. હું સવારે છ વાગ્યે આવી જઈશ.” કવિતાએ સંદીપ અને મીનાબેન તરફ હાથ વેવ કરતા કહ્યું. ત્યાં સુધીમાં તે ફોયર બહાર નીકળી ચુકી હતી.

બીજી સવારથી કવિતાએ સંદીપની સાથે યોગ શીખવાનું શરુ કરી નાખ્યું. બંને સંદીપ અને કવિતા ખુશ હતા કે તેઓ સાથે યોગ શીખી રહ્યા હતા. કવિતાને ખયાલ પણ ન હતો કે ધીમે ધીમે તેના મગજની શક્તિઓનો વિકાસ થવા લાગ્યો હતો.

લેખક : મહેન્દ્ર ત્રિવેદી અને વિકી ત્રિવેદી

ક્રમશ : વધુ આવતી કાલે…..

One Reply to “સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -19)”

Comment here