safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -18)

હપ્તો 17  હપ્તાની લીંક જેમાં આગળના બધા જ હપ્તાની લીંક છે…..

 

આનંદે કવિતાના મનમાંથી ટેલેપથીક મેસેજ મેળવવાનું શરુ કર્યું. આનંદ કવિતાએ સંદીપના મનમાંથી જે યાદો જોઈ હતી એ જોવા લાગ્યા. તે એક સામાન્ય દ્રશ્ય હતું. એક મા (મીનાબેન) પોતાના રિસાયેલા બાળક(સંદીપ)ને પ્રેમ પૂર્વક મનાવી રહી હતી.

“બેટા એ શાળામાં જોડાવામાં તને વાંધો શું છે?” મીનાબેને સંદીપની પીઠ પર હાથ મુકતા કહ્યું.

“પણ કેમ મમ્મી? હું મારી જૂની શાળામાં ખુશ છું. અને મને લાગે છે કે તારે પણ મારી જૂની શાળા સાથે ખુશ હોવું જોઈએ. શું મારું ગયા વર્ષનું પરિણામ સંતોષકારક નથી? મેં સાતમાં ધોરણમાં 92 ટકા મેળવ્યા છે શું એનાથી તને અને પપ્પાને સંતોષ નથી? મને લાગે એ રિજલ્ટ સારું જ કહેવાય.” સંદીપે કહ્યું.

“હા, તારું પરિણામ સારું છે અને અમે એ પરિણામથી ખુશ છીએ પણ સંત અન્ના એક સારી સ્કુલ છે. એમાં તને બહુ નવું જાણવા અને શીખવા મળશે.” મીનાબેને એના માથા ઉપર વ્હાલથી હાથ ફેરવતા કહ્યું.

“પણ મમ્મી, આ શાળામાં મારે બહુ મિત્રો છે, તને તો ખબર છે ને મિત્રો બનાવવા કેટલું મુશ્કેલ કામ છે? મારે ત્યાં ફરી નવા મિત્રો બનાવવા પડશે.” સંદીપે ઉદાસ અવાજે કહ્યું.

“હા, મને ખબર છે કે મિત્રો બનાવવા મુશ્કેલ છે પણ મને ખાતરી છે કે તારા માટે એ કામ બહુ મુશ્કેલ નથી  તું કેટલાક અઠવાડિયાઓમાં જ એ કામ કરી લઈશ.”

“પણ મને નવા મિત્રો બનાવવા પસંદ નથી. હું મારા જુના મિત્રોને છોડવા માંગતો નથી. હું મારી જૂની શાળાને બદલવા નથી માંગતો.”

“જીદ ન કર બેટા. મારો નિર્ણય અંતિમ છે.”

“કેમ તારો નિર્ણય અંતિમ છે?”

“કેમકે તારા પપ્પા ઈચ્છે છે. તારું એલ.સી. પણ સંત અન્નામાં જમા કરાવી દેવાયું છે.” મીનાબેને કહ્યું.

“ઓકે, તો પછી હું તારી સાથે વાત કેમ કરી રહ્યો છું? એડમીશન થઇ ગયા પછી આ ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી ને?” સંદીપે મોટા અને ગુસ્સાભર્યા અવાજે કહ્યું. તે સમજી ગયો હતો કે તેની પાસે હવે જુના મિત્રો અને જૂની શાળામાં જવાનો ચાન્સ ન હતો. તે સોફામાંથી ઉભો થઇ ગયો. મીનાબેનના રૂમ પાસેથી પસાર થઇ તે લાકડાના પગથીયા ચડી ઉપરના પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને પોતાની પાછળ પોતાના રૂમનો દરવાજો એક સ્લેમ સાથે બંધ કરી નાખ્યો. બાળકોમાં એ રીતે દરવાજો બંધ કરવો એ પોતાનો ગુસ્સો બતાવવાની ખાસ રીત ગણાય છે.

મીનાબેન જાણતા હતા કે નાનકડો સંદીપ ખુબ જ ગુસ્સાવાળો હતો અને એ જયારે ગુસ્સામાં હોય ત્યારે તેને મનાવવો બહુ જ મુશ્કેલ હોય છે. આથી તેઓ રસોઈ ઘરમાં ચાલ્યા ગયા અને સંદીપ માટે તેનો ફેવરીટ સૂપ બનાવ્યો. સૂપને થોડોક ઠરવા દઈ તેને બે ગ્લાસમાં રેડયો અને એક ટ્રેમાં ગ્લાસ મૂકી લાકડાની સીડીઓ ચડી સંદીપના રૂમને દરવાજે પહોચ્યા.

“સંદીપ, મેં મારા માટે સૂપ બનાવ્યો છે. તું સૂપ ટેસ્ટ કરવાનું પસંદ કરીશ?” મીનાબેને પ્રેમાળ અવાજે કહ્યું.

“ના, મારે ટેસ્ટ નથી કરવો.” રૂમમાંથી અવાજ આવ્યો.

“તું દરવાજો તો ખોલી શકે ને?હું અંદર આવવા ઈચ્છું છું કેમકે મને તારા રૂમમાં બેસી સૂપ પીવો પસંદ છે.” મીનાબેને દીકરા પાસે દરવાજો ખોલાવવા માટે રોજની તરકીબ અપનાવી.

“મમ્મી, દરવાજો ખોલાવવા માટે બહાના ન બનાવ.” સંદીપે દરવાજો ખોલતા કહ્યું, તે જાણતો હતો કે એ મમ્મીની ટ્રીક છે છતાં એ દરવાજો ખોલ્યા વિના ન રહી શક્યો.

મીનાબેન સંદીપના રૂમમાં દાખલ થયા અને તેમણે પોતાના હાથમાંની ટ્રે ખૂણામાં રહેલ ટીપોય પર મૂકી. તેમણે ટ્રેમાંથી એક ગ્લાસ ઉઠાવ્યો અને સંદીપના બેડની એજ પર જઇ બેઠા.

“ઈટ ઈઝ ગૂડ, ડીઅર.” મીનાબેને સૂપનો ઘૂંટડો ભરતા કહ્યું.

“શું, મમ્મી? શું ગૂડ છે?” સંદીપ પૂછ્યા વિના ન રહી શક્યો.

“તારી મેટ્રેસ… તને ખબર છે એની ચાદર બદલ્યાને પંદર દિવસ થઇ ગયા છે છતાં તે એને મેલી નથી થવા દીધી, ઈટ ઈઝ ગૂડ.” મીનાબેને તેની મેટ્રેસ તરફ જોઈ કહ્યું.

“મને એમ કે તું સૂપની વાત કરે છે?” સંદીપે ટીપોય પર આરામ કરી રહેલા ગલાસ તરફ નજર કરી, સુપમાંથી વરાળ અને મીઠી સુવાસ બંને આવી રહ્યા હતા.

“સૂપ પણ બહુ મસ્ત બન્યો છે.” મીનાબેને સંદીપના માથા પર હાથ મુક્તા કહ્યું. તેઓ તેના વાળમાં પોતાની આંગળીઓ ફેરવવા લાગ્યા.

“તને યાદ છે મમ્મી?”

“શું?”

“ગઈ વખતે સૂપ સારો બન્યો જ ન હતો, આખો ટેસ્ટ જ અલગ હતો, મોઢું બગડી ગયું હતું.”

“હા, મને યાદ છે.” તેઓ એક પળ માટે અટક્યા અને કઈક બળપૂર્વક યાદ કરતા હોય તેવો દેખાવ કર્યો, “હા, એ વખતે મીઠું વધુ નખાઇ ગયું હતું પણ આ વખતે બધું બરાબર છે.”

કોણ જાણે ભગવાન એક સ્ત્રીને મા બનતાની સાથે જ કંટાળ્યા વિના એક બાળકનું નહાવાનું, ધોવાનું, ખાવાનું, પીવાનું, તેને ભણાવવાનું, તેને મનાવવાનું, બધું જ કામ કરવાની કળા કઈ રીતે શીખવી દે છે?

એવું લાગી રહ્યું હતું જાણે સંદીપ હમણા થોડીકવાર પહેલા મમ્મી સાથે કોઈ બાબત પર રિસાયો હતો એ વાત જ ભૂલી ગયો હતો….! તે પોતાના બેડ પરથી નીચે ઉતર્યો અને ટીપોય પરથી ગલાસ લઇ આવી ફરી બેડ પર એ જ જગ્યાએ ગોઠવાયો જ્યાં તે પહેલા બેઠો હતો.

“મમ્મી, તને શું લાગે છે, ઈઝ ઈટ ગુડ?” સુપના એક બે ઘૂંટા લીધા બાદ સંદીપે પૂછ્યું.

“ચોક્કસ બેટા, કેમ તને સારો ન લાગ્યો સૂપ.”

“મમ્મી, હું સુપની નહિ નવી સ્કુલની વાત કરી રહ્યો છું.”

“હા, સારી સ્કુલ છે, તને એક ખાસ વાત કહું એ શાળા વિશે?”

“હા.”

“એ તારી જૂની સ્કુલ કરતા બહુ નજીક છે અને કોઈ મોટો રોડ ઓળંગવાનો નથી આવતો માટે તારું સાયકલ લઇ શાળાએ જવાનું સપનું પણ પૂરું થઇ જશે.” મીનાબેને સ્મિત સાથે કહ્યું.

“રીયલી?”

“યા.. રીયલી.” બંને એકબીજા તરફ જોઈ હસવા લાગ્યા.

તેઓ હેપી હોમ્સ રેસિડેન્સીમાં એક અલાયદું ઉભું હોય તેવા મકાનમાં રહેતા હતા અને એ બધાથી અલગ અને સુંદર દેખાતું મકાન સંત અન્ના શાળાથી માત્ર પંદર વીસ મિનીટ દુર હતું.

સુરેશ ભાઈએ એ મકાન વરસો પહેલા ખરીદ્યું હતું જયારે સંદીપના દાદાજી જીવિત હતા. ઘરની આગળ રહેલ સુંદર બગીચો એમની આપેલી ભેટ હતો અને એટલે જ પરિવાર કદાચ એ બગીચાને એમની યાદ રૂપે સાચવતું હતું.

લગભગ સાંજે સાતેક વાગ્યે સુરેશભાઈએ પોતાની કાર ઘરના દરવાજા આગળ પાર્ક કરી અને ફોયરમાં પ્રવેશ્યા. તેઓ હાથ, મો ધોઈ ફ્રેશ થઇ ફોયરની નોર્થ હાફ વોલને કવર કરતા કોચ પર ગોઠવાયા. રોજ મુજબ ટીવી ચાલુ કરવા રીમોટ લેવા હાથ લંબાવ્યો.

“ડીનર તૈયાર છે, તમે તૈયાર છો?” મીનાબેને રોજ મુજબ રસોઈ ઘરમાંથી બુમ મારી. સુરેશભાઈને ક્યારેય ન  સમજાયું કે એમની પત્નીના ટાઈમિંગમાં કદી ગેપ કેમ ન આવતી? તેઓ રીમોટ માટે હાથ લંબાવે એ જ સમયે તે બુમ લગાવતી કે ડીનર રેડી છે. કદાચ તેને એમ લાગતું હશે કે ટીવી ચાલુ કર્યા પછી તે ટીવીમાં જ ખોવાઈ જશે માટે રીમોટ માટે હાથ લંબાવે એ પહેલા જ બુમ લગાવી દેતી હશે પણ ટાઈમિંગમાં ક્યારેય ચૂક ન થતી એ એમને બહુ અજબ લાગતું.

“ચોક્કસ, હું તૈયાર છું.” તેઓ જરાક અટક્યા અને ત્યારબાદના શબ્દો એક સાથે બહાર આવ્યા, “મારો રાજ કુમાર તૈયાર છે?”

“હા, તમારો રાજ કુમાર ડીનર અને સ્કુલ બંને માટે તૈયાર છે.” મીનાબેને કિચનમાં ડોકિયું પણ કર્યા વિના કહ્યું.

થોડાક સમય બાદ ત્રણેય ડીનર ટેબલ પર હતા અને મીઠી વાતો સાથે એવા જ મીઠા ભોજનનો આનંદ માણી રહ્યા હતા.

“થેન્ક્સ!” સુરેશભાઈ એ કહ્યું.

“હજુ પહેલા જમી તો લો, જમ્યા બાદ મને ડીનર સારું બનાવવા માટે થેન્ક્સ કહેજો.”

“હું તો મારા રાજકુમારને નવી શાળા માટે મનાવી લીધો એ બદલ થેન્ક્સ કહું છું.” તેમણે સંદીપ તરફ જોયું અને ઉમેર્યું, “બાકી પૂછી જો સંદીપને ડીનર ક્યાં થેન્ક્સ કહે તેવું બન્યું જ છે…??”

બંને પિતા પુત્ર એક બીજા તરફ જોઈ હસવા લાગ્યા.

“હા, હા, તમને બાપ બેટાને તો કોઈ ચીજ સારી લાગે જ છે ક્યાં? અને સંદીપ તું પણ પપ્પાનો સાથ આપે છે?”

“હાસ્તો, પપ્પાનો જ સાથ આપુંને?”

“કેમ? સાયકલ લાવવાની છે એટલે?” મીનાબેને કહ્યું.

“આમાં, આ સાયકલ વચ્ચે ક્યાં આવી?” સુરેશભાઈએ નવાઈ પામતા કહ્યું.

“સાયકલ વચ્ચે ક્યા આવી છે નવી સ્કુલે જવા તમારો રાજકુમાર નવી સાયકલ બદલ તો તૈયાર થયો છે” મીનાબેન હસ્યા.

“તો મને મજાક કરવી ભારે પડી ગઈ એમને? એ થેન્ક્સ ડીનર બદલ ગણી લઈશું?” સુરેશભાઈએ કહ્યું.

“કેમ?” મીનાબેનને જાણે નવાઈ લાગી હોય તેવા ભાવ સાથે બોલ્યા.

“સંદીપ નવી શાળામાં જવા માની ગયો એ બદલ તો મારે કાલે લાવીએ એ નવી સાયકલને થેન્ક્સ કહેવું પડશે ને એટલે.” ફરી સુરેશભાઈ અને સંદીપ એકબીજા તરફ જોઈ હસવા લાગ્યા.

લગભગ નવેક વાગ્યા સુધી મમ્મી પપ્પા સાથે ટીવી જોયા બાદ સંદીપ પોતાના રૂમમાં જઈ સુઈ ગયો.

*

મીનાબેન રોજની આદત મુજબ સવારે છ વાગ્યે સંદીપના રૂમમાં પહોચી ગયા.

“વેક અપ, માય લીટલ પ્રિન્સ.” મીનાબેને સંદીપના માથા પરથી પિંક ફ્લોવર ડીઝાઇનવાળી મેટ્રેસ હટાવતા બોલ્યા.

“મમ્મી સુવાદે ને? સંદીપે આંખો ખોલ્યા વિના જ કહ્યું.

“વેક અપ બેટા.. મારી ઘડિયાળમાં છ વાગી ગયા છે અને તને તો ટાઈમ ટેબલની ખબર છે ને?”

“હા, મમ્મી મને ખબર છે.” સંદીપે આંખો ખોલી મમ્મી તરફ જોયું, “પણ અત્યારે વેકેશન છે બધાને મોડા સુધી ઊંઘવાનો સમય મળે છે કોઈને વેકેશનમાં ટાઈમ ટેબલ ફોલો નથી કરવું પડતું.”

“કેમકે એ બધા યોગ નથી શીખી રહ્યા, તારે ફોટો ક્રોમિક મેમેરી નથી મેળવવાની? તારે સ્વામી વિવેકાનંદ જેવી યાદ શક્તિ નથી મેળવવાવી?”

“હા, મમ્મી મેળવવાની છે.”

“તો તૈયાર થઇ દસ મીનીટમાં નીચે યોગા રૂમમાં આવ.” મીનાબેને કહ્યું અને સંદીપ વધુ કાઈ દલીલ કરી તે પહેલા તેના હાથમાં બ્રશ અને ટૂથપેસ્ટ પકડાવી રૂમ બહાર નીકળી ગયા.

કદાચ મમ્મી જેમ સંદીપ પણ ટાઈમિંગનું મહત્વ સમજતો હતો. બરાબર દસ મિનીટ બાદ તે હવા ઉજાસ માટે બે મોટી વિન્ડો ધરાવતા યોગા રૂમમાં હતો.

“તને ધ્યાન પસંદ નથી?” મીનાબેને તેના તરફ જોઈ કહ્યું.

“છે.”

“તો પછી તારા ચહેરા પર કંટાળો કેમ દેખાય છે?”

“મમ્મી મને વહેલા ઉઠવાનો કંટાળો આવે છે” સંદીપે કહ્યું.

“યોગના વિધાર્થીએ વહેલું ઉઠવું જ પડે અને એ પણ કોઈજ કંટાળા વિના ઉત્સાહ સાથે.”

“હા, મમ્મી મને ખબર છે. તું જાણે છે ને કે તને ખુશી મળે છે એટલે જ તો હું એ શીખી રહ્યો છું?” તેના શબ્દો તેનો મમ્મી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા હતા.

“ઓહ! માય ડીયર સન…. સો કલેવર! તારા જેવો દીકરો હોય તો કોઈ પણ મા ખુશ કેમ ન હોય?” મીનાબેને કહ્યું, તેઓ જાણતા હતા એ શબ્દો સંદીપને હમેશા પસંદ હતા.

“થેન્ક્સ, મમ્મી.”

દસેક મીનીટના ધ્યાન બાદ મીનાબેને તેને કેટલાક અન્ય અંગોનો અભ્યાસ કરાવ્યો.

“મમ્મી, શું આ ઉમરે યોગ શીખવું સારું છે?”

“હા, કેમ નહિ, હું તારી ઉમરની હતી ત્યારે જ મારી આ ટ્રેનીંગ ચાલુ થઇ હતી. પપ્પા યોગના અભ્યાસુ હતા. હું તો તને છ વાગ્યે જગાડું છું પણ તેઓ મને અને મારા ભાઈ વર્ધમાનને વહેલા પાંચ વાગ્યે જગાડતા અને યોગ શીખવાડતા. તને ખબર છે મારો ભાઈ જીવનભર યોગી જ રહ્યો?” મીનાબેને કહ્યું.

“મામા, અત્યારે ક્યા છે? તે ક્યારેય આપણને મળવા કેમ નથી આવતા?” સંદીપે કહ્યું.

“મામા, સ્વામીની સેવામાં છે. તેઓ ત્યાંથી રજા મળે ત્યારે જ મળવા આવી શકે. અને હા, આપણે હતા યોગ શીખવા માટે કઈ ઉમર યોગ્ય છે એ વાત પર તો સાંભળ યોગ એ કાર્યમાં કુશળતા છે, યોગ એ દરેક વ્યક્તિના જીવનનું આવશ્યક અંગ છે. કેટલાક લોકો જાણતા પણ નથી કે તેઓ તેમના જીવનમાં યોગનો ઉપયોગ કરી રહ્યા છે પણ તેઓ યોગનો ઉપયોગ કરી રહ્યા હોય છે. ગામડાની એક પંદર વર્ષની છોકરી પોતાના માથા પર પાણીના બે બેડા મુકીને છુટ્ટા હાથે ચાલી શકતી હોય છે કેમકે એણીએ તેના કામમાં કુશળતા મેળવી લીધી છે. એ નથી જાણતી કે કાર્યમાં કુશળતા એજ યોગ છે પણ છતાં એ અજાણ્યે પણ યોગનો ઉપયોગ પોતાના રોજીંદા જીવનમાં કરે છે. ગળીની બહાર દોરી પર ચાલી શકતી દસ વરસની બાળકી નથી જાણતી કે તેણીએ કઈ હદ સુધી કાર્યમાં કુશળતા મેળવી લીધી છે છતાં તે પોતાની રોજી રોટી માટે જે ખેલ બતાવે છે તેમાં યોગ છે. કેટલાક શહેરી લોકો પોતાની જાતને તણાવથી મુક્ત કરવા માટે શ્વાસ ઉરછવાસની કેટલીક રીતો અપનાવે છે તેમને ખબર નથી હોતી કે તેઓ પણ યોગનો જ ઉપયોગ કરી રહ્યા છે. આમ યોગ આપણા દૈનિક જીવન સાથે સંકળાયેલ છે અને આથી જ યોગ શીખવા માટે કોઈ ઉમર વહેલી નથી કે કોઈ ઉમર મોડી નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉમરે યોગ શીખી શકે છે બસ કેટલાક માણસોમાં એ ખોટી માન્યતા ઘર કરી ગઈ છે કે યોગ એ વૃધ્ધો અને અશકત માણસો માટે છે બાકી ખરેખર આજે પશ્ચિમના લોકો યોગનું મહત્વ સમજી ગયા છે. ત્યાના યુવાન યુવક યુવતીઓ સ્વાસ્થ્ય માટે યોગ કરે છે.” મીનાબેને સંદીપને યોગ વિશે સમજાવતા કહ્યું.

“બસ બધો સમય સંદીપને જ આપીશ કે એના પપ્પા માટે પણ થોડોક સમય છે?” સુરેશભાઈએ રૂમમાં ડોકિયું કરતા કહ્યું.

“કેમ ન હોય? બોલો શું છે?” મીનાબેને મીઠા અવાજે કહ્યું.

“શું મને એક કપ ચા મળી શકશે?”

“ઓફ કોર્સ.. હની. વાય નોટ?” કહેતા મીનાબેન ઉભા થયા અને રૂમ છોડી જતા પહેલા પોતે જાતે જ લખીને તૈયાર કરેલ એક આર્ટીકલ સંદીપને વાંચવા માટે આપ્યો.

મીનાબેન રસોઈ ઘરમાં ચા બનાવવા ગયા એટલે સંદીપ આર્ટીકલ વાંચવા લાગ્યો.

યોગ એ બીજું કઈ જ નહિ પણ એડવાન્સ લેવલનું સાયન્સ છે. જયારે અત્યારનું સાયન્સ એ માત્ર તેનો એક નાનકડો અંશ છે. વિજ્ઞાન એ શરૂઆત છે પણ જયારે વિજ્ઞાનની પ્રગતી સંપૂર્ણ બને ત્યારે તે યોગનું સ્વરૂપ ધારણ કરે છે. લોકો હમેશા વિજ્ઞાન અને યોગને અલગ નજરથી જુવે છે. કેટલાક તેમની વચ્ચે સરખામણી કરે છે. કેટલાક એકને ચડિયાતું બતાવવા માંગે છે તો કેટલાક બીજાને. પણ ખરેખર એ કરવું યોગ્ય નથી વિજ્ઞાન એ યોગનું જ પ્રથમ પગથીયું છે. હા, એ વાત કદાચ વિજ્ઞાનમાં માનનારાને ન પણ સમજાય કેમકે તે હજુ પ્રથમ પગથીયા પર જ પહોચેલ છે પણ યોગને સમજી શકનાર વ્યક્તિ વિજ્ઞાનનો બહિષ્કાર ક્યારેય નહિ કરે કેમકે તેને ખબર છે કે વિજ્ઞાન પણ સત્ય છે. એ પ્રથમ પગથીયું છે જેની મદદથી યોગ સુધી પહોચી શકાય છે. વિજ્ઞાન માને છે કે જયારે વ્યક્તિ વધુ પડતું ડરી કે ગભરાઈ જાય છે ત્યારે તેના ફેફસા છીછરા શ્વાસ લેવા માંડે છે. મગજને પુરતો ઓક્સીઝન મળતો નથી અને વ્યક્તિ એ ડરની પરિસ્થિતિમાં કોઈ નિર્ણય લઇ શકતો નથી કે પોતાની પૂરી શક્તિનો ઉપયોગ કરી શકતો નથી પણ જો તે ડરની સ્થિતિમાં પોતાની જાતને કાબુમાં રાખી ઊંડા શ્વાસ લે તો તેના મગજને પુરતો ઓક્સીઝ્ન મળતો રહે છે અને તે ડરની સ્થિતિમાં પણ એટલી જ ત્વરાથી નિર્ણય લઇ શકે છે. પોતાની પૂરી શક્તિનો ઉપયોગ કરી શકે છે. બસ આજ ચીજ યોગમાં કહેવાય છે શ્વાસ – ઉચ્છવાસનું નિયંત્રણ, ચિત વૃતિનો નિરોધ.

યોગ કાર્યેષુ કુશલમ. અર્થાત કાર્યમાં કુશળતા એ જ યોગ છે. વિજ્ઞાન માને છે કે કોઈ ગુનેગારને તેના હ્રદયના ધબકારા અને મનની સ્થિતિને માપી શકતા મશીનમાં સુવાડી તે સાચું બોલી રહ્યો છે કે ખોટું બોલી રહ્યો છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવે તો જો એ ગુનેગાર એ મશીનને માત કરવાની તાલીમ પામેલ હોય તો તે દસમાંથી આઠ વખત એ મશીનને છેતરી શકે છે. એટલે કે એ જુઠ્ઠું બોલે ત્યારે પણ એના હ્રદયના ધબકારા અને તેના મનમાં ઉદભવતા સેલેબ્રોસીયલ લીક્વીડમાં કોઈ જ ફેરફાર થતો નથી એનો શું અર્થ છે? એક જ કે તેણે પોતાના કાર્યમાં કુશળતા મેળવી લીધેલ હોય છે, તેણે જરા પણ ડર્યા કે ગભરાયા વગર નોર્મલ વ્યક્તિ સાચું બોલે ત્યારે હોય એટલા જ નોર્મલ રહીને જુઠ્ઠું બોલવાની કળામાં મહારથ હાસિલ કરેલ હોય છે. એક વ્યક્તિ વિજ્ઞાને બનાવેલ મશીનને માત કરી શકે છે કેમકે વિજ્ઞાન એ પ્રથમ પગથીયું છે જયારે તાલીમ, કુશળતા એટલે કે યોગ એ અંતિમ.

વિજ્ઞાન ભલે પ્રત્યક્ષ રીતે એ વાત સ્વીકારતું નથી પણ પરોક્ષ રીતે વિજ્ઞાન પોતે જ એની પુષ્ઠી કરે છે વિજ્ઞાન માને છે કે વ્યક્તિના વિચારોની તેના મનની તેના ભૌતિક શરીર પર અસર થાય છે. કોઈ સ્વસ્થ માણસ પણ એમ સતત વિચારે કે હું બીમાર છું તો તેનું સ્વાથ્ય બગડી શકે છે. વિજ્ઞાન સમૂહ પ્રાર્થનામાં શક્તિ રહેલી છે એ બાબતને સ્વીકારે છે. વિજ્ઞાન પોતે જ સુપરનેચરલ અને પેરા નોરમલ જેવા શબ્દો પર સ્વતંત્ર વિભાગો ચલાવે છે. અને રહી વાત સામાન્ય લોકોની તો લોકોનું એવું છે જ્યાં સુધી તેઓ કોઈ વસ્તુને સમજી શકતા નથી કે એ કેમ થઇ રહી છે ત્યાં સુધી એને જાદુ કે ચમત્કાર સમજે છે અને જયારે એને વિજ્ઞાન પોતાના સિધ્ધાંતોની મદદથી સમજાવે ત્યારે જ એને સમજી શકે છે. જેમકે વરસો પહેલા માનવ આકાશમાં થતી વીજળીને પણ ચમત્કાર સમજતો હતો પણ હવે વિજ્ઞાને આપેલ સમજુતી બાદ તે આપણને ચમત્કાર નથી લાગતી પણ વિજ્ઞાન એ વાત કેમ નથી સમજાવી શકતું કે જયારે ટેકનોલોજીનો કોઈ વિકાસ ન હતો ત્યારે હજારો વર્ષો પહેલા ઈજીપ્તમાં પીરામીડો કઈ રીતે બનાવવામાં આવ્યા? જ્યાં કોઈં પહાડો કે પથ્થરો હતા જ નહિ. બસ દુર દુર સુધી માત્ર અને માત્ર રેત અને રેત જ હતી. જયારે વિમાનની શોધ જ ન હતી થયેલ એ સમયે રામાયણમાં પુષ્પક વિમાન શબ્દનો ઉપયોગ કઈ રીતે થયો?

આર્ટીકલ બહુ લાંબો હતો એટલે સંદીપે તે આર્ટીકલ ત્યાં જ મૂકી દીધો અને મેડીટેશનમાં બેસી ગયો. તેણે પોતાની આંખો બંધ કરી અને મનને વિચારશૂન્ય બનાવાવનો પ્રયાસ કરવા લાગ્યો. એકાએક ધ્યાન દરમિયાન તે શોક થઇ ગયો હોય તેમ તેણે આંખો ખોલી. તે કોઈ યંત્રની જેમ ઉભો થઇ મેડીટેશન રૂમ છોડી પોતાના રૂમમાં ગયો. પોતાના ટેબલના ડ્રોવરમાંથી એક કાગળ અને પેન્સિલ હાથમાં લીધી અને તે એક રોબોટ હોય તેમ તેના હાથ કામે લાગ્યા. થોડીક મીનીટોમાં તેણે એક શાળા જેવું બિલ્ડીંગ દોર્યું. એ ચિત્રમાં એ બિલ્ડીંગની જીણામાં જીણી વિગત દેખાઈ રહી હતી. તેના હાથ કોઈ એક સારા ચિત્રકારની જેમ કામ કરી રહ્યા હતા. તેણે એ સ્કેચને એવી રીતે શેપ આપ્યા હતા જાણે તે અનેક વર્ષોથી ચિત્ર દોરવા ટેવાયેલ હોય.

“સંદીપ, તું ક્યાં છે?” ફોયારમાંથી અવાજ આવ્યો.

“અહી, મારા રૂમમાં છું મમ્મી.” સંદીપે જવાબ આપ્યો. તેણે જલદીથી એ સ્કેચ પોતાના ડ્રોઅરમાં છુપાવી નાખ્યું અને સીડીઓ ઉતરી ફોયરમાં ગયો.

“બેટા, તે એ મહત્વનો આર્ટીકલ એમ ત્યા જ જમીન પર છોડી દીધો? તને ખબર નથી એ મારી રીસર્ચ માટે કેટલો મહત્વનો છે?”

“હા, આર્ટીકલ.” તે એમ બોલી રહ્યો હતો જાણે તેને એ આર્ટીકલની વાત ખયાલ જ ના હોય, “હા, એ હું ભૂલી ગયો મમ્મી.”

“ભલે બેટા. હવે ધ્યાન રાખજે, એ આર્ટીકલ મમ્મીને કામના છે. હવે તું ટીવી જોઈ શકે છે.” મીનાબેને પ્રેમથી કહ્યું.

સંદીપ સોફા પર ગોઠવાઈ ટીવી જોવા લાગ્યો. તેના મનમાં વિચારો ચાલી રહ્યા હતા કે તેને કોઈ અજીબ બિલ્ડીંગ કેમ દેખાઈ? તેણે જે સ્થળ જોયેલ જ ન હતું તે સ્થળ ચિત્રમાં કેમ બનાવ્યું? અને સૌથી મુશ્કેલ એને ચિત્ર બનાવતા આવડ્યું કઈ રીતે? તે વિચારોમાં ખોવાયેલ ટીવી તરફ જોઈ રહ્યો. તેને ખયાલ ન હતો કે તેણે મેડીટેશન દરમિયાન તે જે નવી સ્કુલમાં વેકેશન બાદ જવાનો હતો એ શાળા જોઈ હતી અને એનું ચિત્ર બનાવ્યું હતું.

લેખક : વિકી ત્રિવેદી અને મહેન્દ્ર ત્રિવેદી

ક્રમશ : વધુ આવતી કાલે…..

One Reply to “સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -18)”

Comment here