safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -17)

હપ્તો 1      હપ્તો 2      હપ્તો ૩      હપ્તો 4      હપ્તો 5      હપ્તો 6      હપ્તો 7     હપ્તો 8     હપ્તો 9     હપ્તો 10     હપ્તો 11     હપ્તો 12     હપ્તો 13     હપ્તો 14      હપ્તો 15      હપ્તો 16

 

કવિતા બાયો લોકેશન મેળવી ચુકી હતી. તે આશ્રમમાં અને પોતાના ભૂતકાળમાં પસંદ કરાયેલ દિવસ આમ બંને સ્થળે હતી.

“કવિતા અત્યારે તું ક્યાં છે?” આનંદે પૂછ્યું.

“હું પ્રથમ બિંદુ પર છું જ્યાં હું અને સંદીપ પ્રથમ વખત મળ્યા હતા.” કવિતાએ ભૂતકાળમાંથી માનસિક સંદેશો મોકલ્યો અને અહી હાજર કવિતા બોલી.

“એ દિવસની દરેક જીણામાં જીણી વિગત મેળવ.”

“હા, ચોક્કસ.”

“અને હા, તું જે માહિતી મેળવે એ ટેલેપથીક સંદેશ રૂપે અમને આપતી રહેજે.”

“ચોક્કસ.” કવિતાએ કહ્યું.

 

ભૂતકાળનું પ્રથમ બિંદુ જુલાઈ ૨૦૧૩

કવિતા પોતાની શાળાના વર્ગખંડમાં હતી.

“કવિતા, સ્ટેન્ડ અપ.” નરેશ સરે કહ્યું.

કવિતા કશું ન કરી શકતા ચુપચાપ બેસી રહી. તે પોતાના શિક્ષકને તાકી રહી. તેની આંખોમાં ડર અને ચહેરા પર ચિંતા જણાઈ રહ્યા હતા. શાળાના શરૂઆતી દિવસો દરમિયાન કવિતા એવી જ હતી. તે અભ્યાસમાં ખુબ જ નબળી હતી અને મોટે ભાગે તેને શિક્ષકો દ્વારા વારંવાર અપમાનિત અને હડધૂત કરવામાં આવતી માટે જયારે પણ કોઈ શિક્ષક તેને ઉભા થવાનું કહે તે ગભરાઈ જતી અને કાઈ બોલી ન શકતી. માત્ર તે ચકળવકળ આંખે તે શિક્ષકને જોઈ રહેતી, એ દિવસે પણ તેણીએ એમ જ કર્યું.

હજારો વિચારો તેના મનમાં આવીને પસાર થઇ ગયા. તેને પોતાને જ ન હતું સમજાતું કે તે એટલી ડરપોક કેમ હતી? કોઈ તેને તેના નામથી ઉતાવળે અવાજે બોલાવે તો પણ તે ડરી જતી હતી પણ કેમ? તેના ડર માટેનું કારણ તેને પોતાને જ ન હતું સમજાતું. એ તેને ક્યારેય ન હતું સમજાયું.

તે છેલ્લા બે વર્ષથી સંત અન્ના સ્કુલમાં હતી અને હજુયે કોઈ શિક્ષક એને ઉભા થવાનું કહે તો એવી રીતે ડરતી હતી જાણે તે એની શાળાનો પહેલો દિવસ હોય!!!

“કવિતા, તારું ધ્યાન ક્યા છે? મેં શું કહ્યુંએ તને સંભળાઈ નથી રહ્યું?” નરેશ સરે ફરીથી કહ્યું.

કવિતાનું શરીર એક અજાણ્યા ભયથી ધ્રુજી ઉઠ્યું.

“હા.. હા… સર….” કવિતા ઉભી થઇ. તેના અવાજમાં ડર, નમ્રતા, અને ઉદાસીનું મિશ્રણ હતું. તેની આંખો વર્ગમાં આમતેમ દોડી, તેણીએ કલાસના કેટલાય બાળકોની આંખો પોતાના તરફ મંડાયેલી જોઈ અને આખરે એ નજરોથી બચવા માંગતી હોય તેમ તે પોતાની પાટલીને જોઈ રહી.

“લૂક એટ મી લીટલ ગર્લ.” નરેશ સરે કહ્યું. આ વખતે તેમના અવાજમાં નરમાશ અને પ્રેમભાવનું મિશ્રણ હતું. કદાચ તેનાથી જ કવિતાને હિંમત મળી જેથી તેણીએ ઉપર જોવાનું સાહસ કર્યું. પણ હજુ તેની આંખો આખા કલાસને ચકળવકળ બની જોઈ રહી હતી. કદાચ તે તેના વર્ગના વિધાર્થીઓની આંખોમાં રહેલ પ્રશ્ન જોઈ શકતી હતી એને એમ લાગી રહ્યું હતું જાણે એની આસપાસ રહેલી આંખો તેને કહી રહી હતી કે કવિતા તું અહી હોવાને લાયક નથી, તારે અહી હોવું ન જોઈએ, તું દરેક સ્થળે અયોગ્ય છોકરી છે તારા જેવી મુર્ખ છોકરીનું અહી કોઈ કામ નથી….!

કવિતાનું એ શાળામાં બીજું વર્ષ હતું આગળના વર્ષે તે સરકારી શાળામાંથી ત્યાં આવી હતી. બે વર્ષના લાંબા સમયગાળા બાદ પણ તે એ શાળામાં ફીટ થઇ શકી ન હતી અને તેનું મુખ્ય કારણ હતું કે તે સરકારી શાળામાં ભણેલી અને અભ્યાસમાં નબળી છોકરી હતી. જયારે એ પ્રાયવેટ શાળામાં મોટા ભાગના વિધાર્થીઓ ઊંચા ઘરોમાંથી આવતા હતા અને ટ્યુશન તથા કોચિંગ કલાસ જેવી સગવડોને લીધે તેઓ અભ્યાસમાં કવિતા કરતા વધુ આગળ હતા. તેને એ શાળામાં એક સરકારી શાળામાંથી આવેલ હોવાથી અયોગ્ય સમજતા હતા. તે અભ્યાસમાં કમજોર અને ડરપોક સ્વભાવની હોવાને લીધે બે વર્ષના લાંબા સમયગાળા બાદ પણ એ શાળામાં મિત્રો બનાવવામાં નિષ્ફળ રહી હતી.

તે હમેશા કલાસમાં પણ બધાથી અલગ છેલ્લે બેસતી હતી, તે કલાસના પચાસથી પણ વધુ બાળકો વચ્ચે પણ જાણે એકલી હોય તેવું મહેસુસ કરતી. માત્ર કલાસમાં જ કેમ પણ પૂરી શાળામાં પણ તે એકલી જ હતી, કદાચ આખી શાળામાં એક પણ એવું બાળક ન હતું જે કવિતાને પોતાની મિત્ર બનાવવા માંગતું હોય.

તે દિવસે સોમવાર હતો અને શાળાના સમય પત્રક મુજબ ત્રીજો પીરીયડ વિજ્ઞાનનો હતો. તેના વિજ્ઞાના શિક્ષક નરેશ ભાઈ સાહેબ દયાળુ અને સારા સ્વભાવના હતા. તેઓ ક્યારેય કોઈ બાળકને શારીરિક સજા ન કરતા! અલબત તેઓ તો માનસિક રીતે પણ કોઈ બાળકને સજા કરવામાં મનતા જ ન હતા. તેઓ માનતા હતા કે બાળકને વારવાર અપમાનિત કરવાથી તેનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને તેને શાળા તથા શિક્ષણ પ્રત્યે નફરત થવા લાગે છે.

નરેશ સર દરેક ભેદભાવથી બહુ દુર હતા. શાળાના મોટભાગના શિક્ષકો એક યા બીજા પ્રકારે હોશિયાર અને ઠોઠ બાળકો વચ્ચે ભેદભાવ ધરાવતા હતા, મોટાભાગના શિક્ષકો જયારે પણ અવસર મળે ઠોઠ બાળકોને અપમાનિત કરવાની, તેમને શારીરિક સજા કરવાની, કે તેમને નીચા બતાવવાના મોકાની લાગમાં રહેતા પણ નરેશ સર ક્યારેય એવા  ન હતા. તેમના માટે દરેક વિધાર્થી સમાન હતા પછી તે ભલે વર્ગમાં પ્રથમ નંબરે આવનાર કોઈ પ્રતિભાશાળી વિધાર્થી હોય કે છેલ્લા નંબરે ઉતીર્ણ થનાર કોઈ સામાન્ય વિધાર્થી હોય.

નરેશ સર માટે ભેદભાવ વગરના હોવું તે જ તેમની ઓળખ હતી. પૂરી શાળામાં કોઈ વિધાર્થી એવું ન હતું જે તેમને ચાહતું ન હોય. મોટાભાગના શિક્ષકો માત્ર હોશિયાર વિદ્યાર્થીઓને જ પસંદ કરતા હોય છે અને હોશિયાર વિદ્યાર્થીઓ જ તેમના વખાણ કરતા હોય છે પણ નરેશ સરના વખાણ કરતા કોઈ સામાન્ય કે ઠોઠ વિદ્યાર્થી પણ પાછુ ન પડતું અને કદાચ તે બધું એમના સ્વભાવને લીધે હતું.

“બેટા, રડીશ નહિ. મારો હેતુ તને ડીસ રીગાર્ડ કરવાનો ન હતો, હું તને કલાસના હોશિયાર વિધાર્થીઓની સરખામણીમાં જોવા માગું છું.” નરેશ સરના શબ્દો હ્રદયના ઊંડાણમાંથી આવતા હોય તેવા હુંફાળા હતા, “રડ નહિ બેટા, મેં તને કોઈ સજા કરવા ઉભી નથી કરી.”

માત્ર ત્યારે જ કવિતાને ખ્યાલ આવ્યો કે પોતાના લાખ પ્રયત્ન છતાં પણ તેની આંખો ચૂવા લાગી હતી. તે પોતે નિસહાય હતી. તે ક્યારેય પોતાના ડર પર કાબુ મેળવી શકતી ન હતી.

એ સમયે પણ તેના ચહેરા પર નિરાશાના વાદળો છવાયેલા હતા અને આંસુઓ તેના ગાલ પરથી વહીને તેના વિજ્ઞાનના પાઠ્ય પુસ્તકને ભીંજવી રહ્યા હતા. કદાચ એ પુસ્તક સમજતું હતું કે એ નાનકડી છોકરીના આંસુઓ કેટલા અમુલ્ય છે!!!!! એટલે એમને જમીન પર પડી ધૂળમાં મળતા અટકાવવા માટે પોતાની જાતને એ આંસુઓમાં ભીંજવી રહ્યું હતું.

“તારા ડરનો સામનો કર, કવિતા. તારો ડર તારી માનસિક કમજોરીને છતી કરે છે. તારે તારા ડરને નિયંત્રિત કરતા શીખવું પડશે. તારી જાતને ઠોઠ ન સમજ. મને ખબર છે એમાં તારો વાંક નથી બસ તને યોગ્ય માર્ગદર્શન મળ્યું નથી જેના લીધે તું અભ્યાસમાં કમજોર છે. કદાચ શિક્ષકો, વડીલો, મિત્રો અને મમ્મી પપ્પા એમ માનવા લાગે છે કે આ બાળક ઠોઠ છે ત્યારે બાળકની પોતાની પાસે પણ પોતાની જાતને ઠોઠ માનવા સિવાય કોઈ રસ્તો બચતો નથી પણ તારે લડવું પડશે તારે બતાવવું પડશે કે તું પણ હોશિયાર છે. શું તે મહાત્મા ગાંધીનું એ વાક્ય નથી સાંભળ્યું બેટા?” નરેશ સરે પૂછ્યું.

કવિતા કાઈ જ બોલી નહિ તેણીએ માત્ર નકારમાં માથું હલાવ્યું. અને બાયથી આંસુ લૂછ્યા.

“હા, બની શકે કદાચ તે નહિ સાંભળ્યું હોય. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે માણસ એ પોતાના વિચારોનું ઉત્પાદન છે. તે જેવું વિચારે છે તે તેવો બને છે. વળી સ્વામી વિવેકાનંદે પણ એ જ કહ્યું છે કે જો તમે તમારી જાતને કમજોર માનશો તો કમજોર બનશો અને જો તમે તમારી જાતને તાકતવર માનશો તો તમે તાકતવર બનશો. મને ખબર છે તને તારા આજુબાજુના વાતાવરણે એમ વિચારવા પર મજબુર કરી છે કે તું હોશિયાર નથી પણ એ સત્ય નથી. તારે એ લોકો ને ખોટા સાબિત કરવાના છે.” નરેશ સરના એક એક શબ્દમાં બાળક માટેનું વ્હાલ નીતરતું હતું.

કવિતા એ બધુ આંખો પહોળી કરીને સાંભળી રહી હતી. તે એવી રીતે સ્તબ્ધ બનીને ઉભી હતી જાણે તે કોઈ જીવતી જાગતી છોકરી નહી પણ પથ્થરનું બનેલ પુતળું હોય. કદાચ આ શબ્દો તેણીએ કોઈ અન્ય શિક્ષકના મુખેથી સાંભળ્યા હોત તો અચૂક એ શબ્દો તેના દુઃખમાં વધારો કરનારા નીવડત પણ તે જાણતી હતી કે નરેશ સર એવા ન હતા. તે અન્ય શિક્ષકોની જેમ તેને મજાકનો વિષય ન સમજતા. તે જાણતી હતી કે તેઓ અન્ય લોકોની જેમ તેને નીચી બતાવવાની તાકમાં રહેનાર વ્યક્તિઓમાંથી એક ન હતા. તેમના શબ્દોમાં તેને એક સાંત્વના દેખાઈ રહી હતી. એ શબ્દો એના આંસુઓ માટે એન્ટીડોઝનું કામ કરી રહ્યા હતા. થોડાક સમયમાં એના આંસુઓ અદશ્ય થઇ ગયા અને તેની જગ્યા તેના હોઠો પર ફરકતા હળવા સ્મિતે લઇ લીધી. એ શબ્દોમાં કોઈ અજીબ તાકાત હોય તેમ તે શબ્દોએ એના ચેહેરાને સ્મિતથી શજાવી નાખ્યો. કદાચ નારેશ સરમાં બાળ મન સમજવાની શક્તિ હતી.

“હા, આમ જ, આમ જ હમેશા ચહેરા પર સ્મિત હોવું જોઈએ, બેસી જા બેટા. ડર અને દર્દ જેવા શબ્દો તારા જેવા  નાનકડા બાળકો માટે નથી બનેલા. બાળકો માટે ભગવાને એક ચીજ બનાવી છે અને તે છે સ્મિત માટે બાળકોએ હમેશા હસતા રહેવું જોઈએ.” નરેશ સરે તેને બેસી જવાનું કહ્યું.

પીરીયડ બદલી ગયો છે એમ કહેતો બેલ રણક્યો માત્ર ત્યારે જ નરેશ સરને ખ્યાલ આવ્યો કે આજે પણ તેમને કોઈને સલાહ આપવામાં પોતાના પીરીયડનો સમય વાપરી નાખ્યો હતો. એ શિક્ષક હતા જ એવા કદાચ બધાથી અલગ કહો તો પણ ચાલે તેમના માટે બાળકોને પુસ્તકિયું જ્ઞાન આપવા કરતા તેમને સાચું જ્ઞાન આપવું વધુ મહત્વનું હતું એટલે જ ક્યારેય તેમનો અભ્યાસક્રમ સમય મર્યાદામાં પૂરો ન થતો!! તેમને હમેશા અન્ય શિક્ષકો કે જેમનો અભ્યાસક્રમ વહેલો પૂર્ણ થઇ ગયો હોય તેમની પાસેથી તાસ ઉછીના લેવા પડતા અથવા તો વિધાર્થીઓને એકત્ર કલાસમાં બોલાવવા પડતા હતા.

ચોથો તાસ અંગ્રેજીનો હતો, કવિતાને એ તાસ બિલકુલ પસંદ ન હતો. જે છોકરીને પોતાની માત્રુ ભાષાના વિષયમાં ખાસ ન આવડતું હોય તેને અંગ્રેજી જેવા વિષયમાં બરાબર ન જ આવડે એ દેખીતી વાત હતી અને તેને એ તાસ કેમ પસંદ ન હતો એ પણ એના પરથી સમજાઈ જાય તેમ હતું. તેને અંગ્રેજી બરાબર વાંચતા પણ ન આવડતું અને મોટા ભાગે તેને એ તાસ દરમિયાન હડધૂત થવનો જ વારો આવતો. આ તાસ દરમિયાન આમ પણ તેના મગજમાં કાઈ ન ઉતરતું એટલે તે આ તાસમાં પોતાના મનને વિચારોમાં જ વ્યસ્ત રાખતી. જોકે એ સમયે એની પાસે વિચારવા માટે પણ કોઈ ખાસ વિષય ન હતો.

રીસેસના લાંબા બેલે તેનું ધ્યાન વિચારોમાંથી બહાર લાવ્યું. તે પોતાના વિચારોની અને સપનાઓની દુનિયામાંથી બહાર આવી અને ફરી તેની સામે વાસ્તવિકતાનું કડવું જગત ગુસ્સાભરી આંખોથી તેને જોઈ રહ્યું હોય એમ લાગ્યું.

રીસેસનો સમય હતો, મોટાભાગના બાળકો મેદાનમાં રમવા માટે ચાલ્યા ગયા હતા પણ કવિતાને ત્યાં કોઈ મિત્ર ન હતું. તેના માટે એ પોતે એ શાળામાં એકલી હોય તેવું જ હતું. તે હમેશની માફક પોતાની બેંચ પરથી ઉભી થઇ, રાબેતા મુજબ જ આખા મેદાનને નીચી નજરે જ પાર કર્યું અને શાળાના મેદાનને એક છેડે આવેલ વૃક્ષ નીચે રહેલ પથ્થરના બાંકડા પર જઈને ગોઠવાઈ.

પોતાની એકલતા અને અવગણના છતાં તેના મનમાં કોઈના માટે વેર ઝેર ન હતું તેને ત્યાં એ પથ્થરના બાંકડા પર બેસી બીજા બાળકોને રમતા અને એકબીજા સાથે વાતો કરતા જોવું ગમતું.

રોજની મુજબ એ મેદાનમાં રહેલ બાળકોને એકબીજા સાથે રમતા, લડતા જઘડતા, એકબીજાને ખીજવતા જોઈ રહી હતી ત્યાં જ તેનું ધ્યાન સામેથી તેની તરફ આવી રહેલ એક છોકર તરફ ગયું.  તે છોકરાના વાળ સારી રીતે પાથી પાડીને ઓળેલા હતા અને તેના કપડા પણ સ્વરછ હતા. એની ગણવેશ પૂરો પહેરવાની આદત પરથી જ દેખાઈ આવતું હતું કે તે એક સરળ સ્વભાવનો છોકરો હશે, કેમકે તેને પગમાં સુજ, ગળામાં ટાઈ અને કમર પર સ્કૂલ બેલ્ટ દરેક ચીજ નિયમ મુજબ બાંધેલ હતું. જયારે શાળાના મોટાભાગના બાળકો અધૂરા ગણવેશમાં જ હોતા! કેટલાક ટાઈ પહેર્યા વિના આવતા તો કેટલાક બેલ્ટ, કેટલાક શાળાના કાળા રંગના બુટને બદલે સ્પોર્ટ્સના બુટ કે સાદા સ્લીપર પહેરીને આવતા હતા. એ સમયે પ્રાયમરી શાળાઓમાં ગણવેશને લઈને બહુ સ્ટ્રીક વાતાવરણ જોવા ન હતું મળતું.

એ છોકરો નજીક આવ્યો ત્યારે કવિતા તેને ઓળખી ગઈ, એ તેમની શાળામાં નવો જ જોડાયેલ સંદીપ હતો. તે એકાદ મહિના પહેલા જ એ શાળામાં જોડાયો હતો. અને એક જ મહિનાના ટૂંકા ગાળામાં તેણે શાળામાં હોઈયાર વિધાર્થીઓમાં પોતાનું નામ સમાવી લીધું હતું. લગભગ જયારે પણ શિક્ષકો તાસમાં કોઈ પ્રશ્ન પૂછતાં એ છોકરાની આંગળી ઉંચી જ હોતી! વર્ગના બધા બાળકો પણ તેને પસંદ કરવા લાગ્યા હતા  કેમકે લગભગ હોશિયાર વિધાર્થીને દરેક મિત્ર બનાવવા ઈચ્છે છે આમ કોઈ પણ પ્રયત્ન વિના જ તેણે એ ટૂંકા સમયના પેસેજમાં ખાસ્સા એવા મિત્રો પણ બનાવી લીધા હતા.

“હાય, કવિતા. તને બીજા બાળકો સાથે રમવું કે વાત કરવું પસંદ નથી?” શું તને મિત્રો બનાવવા પસંદ નથી?” સંદીપે એ પથ્થરની બેંચ પાસે આવી ઉભા રહેતા કહ્યું.

કવિતાના મનમાં એના એ પ્રશ્નના હજારો જવાબો હતા, તેનું હ્રદય પણ તે સવાલના લાખો જવાબ આપવા માંગતું હતું પણ તે એક શબ્દ પણ ન બોલી, તેણીએ સંદીપ તરફ જોયું. તેના ચહેરા પર એક પળમાં અનેક રંગો આવીને જતા રહ્યા તેના ચહેરા પર એ પળમાં અનેક ભાવો આવીને જતા રહ્યા બસ છેલ્લે તેના ચહેરા પર નવાઈનો ભાવ હતો!!!!! નવાઈનો ભાવ એ માટે કે કદાચ શાળામાં પહેલીવાર આજે કોઈ તેની સાથે વાત કરી રહ્યું હતું….!

“શું તું મારી મિત્ર બનીશ?” કવિતાએ કાઈ જવાબ ન આપ્યો એટલે સંદીપે જ હસતા ચહેરે કહ્યું.

સંદીપના પ્રશ્નમાં કોઈ અજીબ ચમત્કારિક શક્તિ હોય તેવી એની અસર થઇ, કવિતાના ચહેરા પરના નવાઈના ભાવ ખુશીના ભાવમાં બદલાઈ ગયા. કદાચ આ એ જ સવાલ હતો જેની એ તે શાળામાં બે વર્ષથી રાહ જોઈ રહી હતી પણ કોઈના મોથી એને એ સાંભળવા ન હતો મળ્યો. તેની આંખના ખૂણા ભીના થઇ રહ્યા હોય તેમ તેને લાગ્યું… તેનું હ્રદય લાગણીઓના પૂરમાં તણાઈ રહ્યું હતું અને એ બાબત એનો ચહેરો સ્પસ્ટ બતાવી રહ્યો હતો.

“યેસ.. રીયલી મને એક સારા મીત્રની જરૂર છે.” કવિતાએ સ્મિત સાથે કહ્યું.

“શું તું મને અહી સ્ટોન બેંચ પર બેસવાની પરમીશન આપશે?” સંદીપે રમુજ ભર્યા સ્વરે કહ્યું.

સંદીપના એ રમુજી શબ્દો સાંભળ્યા બાદ જ કવિતાને ખયાલ આવ્યો કે તેણીએ સંદીપે બેસવાનું તો કહ્યું જ ન હતું. તેણીએ સંદીપને બેસવામાં માટે વિનંતી કરી.

“હા, થેન્ક્સ.”

“થેન્ક્સ કેમ? આ બેંચ ક્યાં મારી છ?” કવિતાએ કહ્યું.

“હા, સ્કુલની છે પણ જો તેના પર બેસવા માટે આમંત્રિત કરે તો તેનો આભાર તો માનવો જ પડેને.”

“કોઈ મારી દોસ્તી કરવા નથી માંગતું, બધા મને ડરપોક અને ઠોઠ છોકરી કહે છે, બીજી છોકરીઓને પણ મારા સાથે ફરવામાં શરમ આવે છે તો તું કેમ? તું કેમ મારી સાથે મિત્રતા કરવા માંગે છે? તારી પાસે તો ઘણા મિત્રો છે અને જે તારા મિત્રો નથી એ પણ તને મિત્ર બનાવવા ઈચ્છી રહ્યા છે તો તું કેમ એવી છોકરીને મિત્ર બનાવી રહ્યો છે જેને મિત્ર બનાવવામાં બધા શરમ અનુભવે છે?” કવિતાએ અટક્યા વિના ઘણું બધું પૂછી લીધું.

“મારા મિત્રો બનવા ઈચ્છે છે?” સંદીપે મેદાનમાં રમતા છોકરા છોકરીઓ તરફ નજર કરતા કહ્યું, “તને એવું લાગે છે કે જે લોકો તને અપમાનિત કરે છે એ બધા ખરેખર મને મિત્ર બનાવવા ઈચ્છે છે?”

“હાસ્તો, પહેલા નંબરવાળી રાધા પણ બધાને એમ જ કહે છે કે આ વખતે મારો પહેલો નંબર નહી આવે કેમકે સંદીપ બધા જ પર્શ્નોના જવાબ કલાસમાં સાચા આપતો હોય છે તે બધાની ઈર્ષા કરે છે પણ તને મિત્ર બનાવવા ઈચ્છે છે….! તેણીએ મને તો પુરા વરસમાં હજુ સુધી ક્યારેય બોલાવી પણ નથી અને તારી પાસે નોટબુક લેવાના બહાને અને અન્ય બહાના બનાવીને વાત કરે છે.” કવિતા બગીચા જેવા બનાવેલ ભાગ તરફ જ્યાં કેટલાક ફૂલ છોડ વાવેલા હતા એ તરફ નજર કરતા કહ્યું, રાધા અને અન્ય છોકરીઓ ત્યાં બેસી નાસ્તો કરી રહી હતી.

“ના, એ તારી સમજવાની ભૂલ છે. કોઈ વ્યક્તિનો સ્વભાવ બદલતો નથી એ મારાથી નહિ કલાસના હોશિયાર છોકરાથી મિત્રતા કરવા ઈચ્છે છે કેમકે એ લોકો એવા પૂર્વગ્રહથી પીડાય છે કે હોશિયારની દોસ્તી રાખવી જોઈએ. બાકી જો હું તારી જેમ અભ્યાસમાં વીક હોત તો? શું એ લોકો મને મિત્ર બનાવવા ઇચ્છત? ના, ક્યારેય નહિ. કોઈ પોતાના પૂર્વગ્રહને છોડી શકતું નથી. જો કદાચ હું પણ કલાસમાં પ્રથમ આવવાની કેપેસીટી ન ધરાવતો હોત તો આ શાળામાં મારી પાસે પણ બે જ મિત્ર હોત એકલતા અને આ સ્ટોન બેંચ. જેમ તું અહી આવી એકલી બેસી રહે છે એ જ પ્રમાણે મારે પણ અહી જ બેસવું પડત”

“ખરેખર?” કવિતાએ નવાઈથી પૂછ્યું, એ બિચારી એમ જ  સમજતી હતી કે એ બધું માત્ર તેની સાથે જ થઇ રહ્યું છે.

“હા, ખરેખર, આવું માત્ર આ શાળામાં જ નથી થતું મોટાભાગની શાળામાં બાળકો પૂર્વગ્રહથી પીડાતા હોય છે અને એ જ ચીજ કેટલાક સારા કહેવાતા શિક્ષકોમાં પણ જોવા મળતી હોય છે. કેટલાક શિક્ષકો પોતાના જ વિધાર્થીઓ પ્રત્યે ભેદભાવ રાખતા હોય છે. તેઓ હમેશા અભ્યાસમાં નબળા વિધાર્થીને તેની કમજોરી ધ્યાનમાં લઈને અપમાનિત કરતા હોય છે. તેઓ એવા પૂર્વગ્રહથી પીડિત હોય છે કે એ વીક બાળકમાં પણ કોઈ ખાસિયત રહેલી છે એ બાબત ક્યારેય સમજી જ નથી શકતા.” સંદીપે કહ્યું.

“શું વીક બાળકમાં પણ કોઈ ખાસિયત હોય છે?” કવિતાએ ફરી નવાઈ પૂર્વક પૂછ્યું.

“કેમ નહિ? તે નથી સાંભળ્યું કે ઘણા સ્પોર્ટ્સના સારા કહેવાતા ખેલાડીઓ અભ્યાસમાં વીક હતા, ઘણા બોક્સરો ઓછો અભ્યાસ ધરાવતા હોય છે. તે ક્યારેય સરકસ જોયું છે?”

“હા. બે વખત. મમ્મી સાથે.”

“શું સરકસમાં કામ કરતી છોકરી જે અવનવા કરતબ બતાવે છે એનામાં ટેલેન્ટ નથી હોતું? શું એનામાં બધાથી અલગ ખસિયત નથી હોતી?”

“હોયછે.”

“પણ એ બિચારાઓને અભ્યાસમાં ક્યાં કાઈ મળે છે? ઘણા અભ્યાસમાં વિક બાળકો દસમું ધોરણ માંડ પાસ કરી શક્યા હોય છે અને ત્યારબાદ આર્મીમાં જોડાઈ જાય છે અને દેશ માટે પોતાની જાતનું બલિદાન આપવા પણ તૈયાર થઇ જાય છે? શું એમનામાં ખાસિયત નથી હોતી? શું ડોક્ટર કે એન્જીનીયર બનેલ હોશિયાર વ્યક્તિમાં એ હિમ્મત, એ દેશભક્તિ કે એ ખાસિયત હોય છે?” સંદીપે કહ્યું.

“ના, નથી હોતી. મતલબ દરેકમાં કઈકને કઈક ખાસ હોય છે. શું મારામાં કાઈ ખાસ હશે?” કવિતાએ નિર્દોષ સવાલ કર્યો.

“કેમ નહિ? તારામાં કાઈ ખાસ ન હોય તો હું શાળામાં આટલા બધા વિધાર્થીઓને છોડીને તારી પાસે આવી આ સ્ટોન બેંચ પર કેમ બેસત?” સંદીપે ફરી હસતા હસતા કહ્યું.

“તો હવે આપણે મિત્રો છીએ?” કવિતાએ એજ સ્મિત સાથે કહ્યું.

“હા, પણ એક શરત પર…..”

“શું શરત?” કવિતા નવાઈ પામી.

“તારે મને વચન આપવું પડશે કે તું પોતાની જાતને ઠોઠ કે ડરપોક નહિ માને અને યાદ રાખીશ કે તું સ્પેસીયલ છે તારામાં કઈક ખાસિયત છે એટલે આપણે મિત્રો બન્યા છીએ.”

કદાચ આજ શરત કોઈ અન્યએ રાખી હોત, આજ પ્રશ્ન કોઈ અન્યે કર્યો હોય, કે આજ વચન કોઈ અન્ય એ ઈચ્છ્યું હોત તો કવિતા ક્યારેય એને ‘હા’માં જવાબ ન આપી શકત કેમકે ગમે તેટલો પ્રયાસ કરવા છતાં પણ તે પોતાની જાતને ઠોઠ અને કમજોર સમજતા રોકી જ ન હતી શકતી પણ સંદીપના શબ્દોમાં જાણે કોઈ અજીબ તાકાત હતી, કહે છે કે લખેલા શબ્દોમાં તાકાત હોય છે વ્યક્તિને બદલવાની પણ અહી તો બોલેલા શબ્દોમાં વ્યક્તિને બદલવાની તાકાત હતી…!! કવિતાએ મક્કમ અવાજે કહ્યું, “પ્રોમિસ, હું ખુદ ને હોશિયાર માનીશ.”

સંદીપને પણ ખાતરી હતી કે કવિતા પોતાની જાતને હોશિયાર માનશે કેમકે તે ભલે હજુ આઠમાં ધોરણમાં હતા પણ તે સમજદાર હતો તે જાણતો હતો કે કવિતા જેવા કેટલાય બાળકો જેમને અન્ય વિધાર્થીઓ, શિક્ષકો અને ઘણીવાર તો માતાપિતા દ્વારા જ બેધ્યાન કરવામાં આવે છે અને આથી જ તેઓ ઠોઠ બને છે. કોઈ તેમની કમજોરીને દુર કરવાનો પ્રયાસ નથી કરતુ બસ તેઓ કમજોર છે એ સાબિત કરવામાં સમય બગાડી નાખે છે અને એક સામાન્ય બાળકની જિંદગી પણ એમના વર્તનને લીધે બગડી જાય છે. પણ પોતે કવિતાની એ કમજોરી દુર કરીને જ રહેશે એવું નક્કી કરી લીધું હતું. કદાચ એ આત્મવિશ્વાસ એને મમ્મી મીનાબેન પાસેથી મળ્યો હતો.

શાળાનો બેલ એકાએક રણકાર કરવા લાગ્યો, કદાચ તે બાળકોને પાછા વર્ગખંડમાં આવવની વધામણી આપતો હતો. રીસેસ ટાઈમ પતી ગયો હતો.

કવિતા અને સંદીપ એ સ્ટોન બેંચ પરથી ઉભા થયા અને કલાસરૂમ તરફ જવા લાગ્યા.

વર્તમાન સમય પર જ્યાં કવિતા નું બીજું લોકેશન હતું:

“અહી.” આનંદે ધ્યાનમાં બેઠેલ કવિતા તરફ જોઈ કહ્યું, “હું તને સંદીપનું મન વાંચવાની શક્તિ પ્રદાન કરી રહ્યો છું, તેનો ઉપયોગ કર અને એના મનમાં રહેલ વાતોને જાણ કે એ તેને મળ્યો એ આકસ્મિક હતું કે તેનું પહેલેથી આયોજન હતું? એ તારી શાળામાં કેમ આવ્યો હતો અને શું તેણે તારી સાથે મિત્રતા કરી એ પહેલાથી એ તારા વિશે જાણતો હતો કે નહિ?”

કવિતાને ભૂતકાળના જે સમય બિંદુ પર તે સંદીપ સાથે હતી ત્યાં મન વાંચવાની ટેલેપથિક શક્તિ મળી ચુકી હતી.

“મને સંદીપના મગજમાં રહેલ દરેક ચીજ વાંચી સંભળાવ.” આનંદે કહ્યું.

“એના મનમાં કશું જ નથી, એનો મને મળવા પાછળ કોઈ મોટીવ નથી. તેના મનમાં માત્ર મારી દયનીય સ્થિતિ માટે સહાનુભુતિ છે.”  કવિતાએ કહ્યું.

“એના મનને તપાસતી રહે કઈક તો મળશે જ.” આનંદે ખાતરી પૂર્વક કહ્યું.

“હા, છે.”

“શું?” આનંદ બહુ ઉતાવળા દેખાઈ રહ્યા હતા.

“મારા મનમાંથી વાંચી લો?” કવિતાએ કહ્યું.

“પણ તારું મન કોઈ વાંચી ન શકે એ વાત તું કેમ ભૂલી રહી છે?” આનંદે યાદ અપાવતા કહ્યું.

“મને યાદ છે પણ જ્યાં સુધી હું ન ઈચ્છું ત્યાં સુધી જ કોઈ મારું મન ન વાંચી શકે.” કવિતાએ સ્મિત સાથે કહ્યું.

“મતલબ?” આનંદ પોતે પણ ગુંચવાયેલ હોય તેમ લાગી રહ્યું હતું.

“હું મારી શક્તિઓ પર કાબુ મેળવવા લાગી છું, ધ્યાનથી મનથી શક્તિને કઈ રીતે કાબુ કરાય તે મને સમજાવા લાગ્યું છે. હું તમને મારું મન વાંચવાની એક્સેસ આપી શકું છું.” કવિતાએ કહ્યું.

રીશીકુમાર અને તુષાર નવાઈ અને ખુશીથી એને જોઈ રહ્યા.

 

લેખક : વિકી ત્રિવેદી અને મહેન્દ્ર ત્રિવેદી…..   (મિત્રો આગળનો હપ્તો આજે બપોરે જ આવશે એટલે પેજની મુલાકાત સાંજે એક વાર લેજો જેથી મિસ ન થાય….. જય શ્રી કૃષ્ણ…..)

Comment here