safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -16)

લગભગ અડધો એક કલાક બધા કોઈ ચર્ચા વગર ચુપ રહ્યા… કવિતા અને તુષાર હવે શું કરવું અને હવે શું થશે એના વિચારોમાં વ્યસ્ત હતા તેમજ રીશીકુમાર કાર હંકારવામાં વ્યસ્ત હતા… આખરે કાર એક વિશાળ આશ્રમ આગળ ઉભી રહી. રીશીકુમાર દરવાજો ખોલી બહાર નીકળ્યા અને તેમને અનુસરતા બંને બાળકોએ પણ તેમજ કર્યું. તુષાર અને કવિતા બંને એ આશ્રમને જોઈ ઘડીભર માટે જાણે અંજાઈ ગયા. તેમને થયું આવા પ્રાકૃતિક સૌન્દર્ય ધરાવતા સ્થળનો નાશ કરી કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કેમ બનાવવા માંગતું હશે? પણ તેનો જવાબ તેઓ જાણતા હતા, તેમને જાણ હતી કે આજે નાણાની લાલચમાં માનવનો પ્રકૃતિ પ્રેમ મરી પરવાર્યો છે. બંનેએ એક ઊંડો નિશ્વાસ નાખ્યો.

એ આશ્રમ કોઈ જુના વેદિક આશ્રમ જેવો લાગી રહ્યો હતો. તેને પહેલી નજરે જોતા જ એમ લાગતું હતું જાણે તે બિલકુલ વાસ્તવિક હતો જ નહિ. મહાકવિ કાળીદાસે તેમના રઘુવંશમમાં પોતાની કલ્પના અને બેજોડ કલમથી વર્ણવેલ બ્રહ્મરીશી આશ્રમ જાણે સજીવન થઇ વારાણસીના છેવાડે આવી ગોઠવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું હતું! ચારે તરફ કાલિદાસ જેવું વર્ણવતા તેવું પર્યાવરણ-મિત્ર વાતાવરણ હતું, આશ્રમને ચારે તરફ કુદરતી સુંદરતા વીંટળાઈ વળેલી હતી, એમ લાગતું હતું જાણે એ આશ્રમ કોઈ વૃક્ષ હોય એની આસપાસ રહેલી કુદરતી સુંદરતા તેને વીંટળાઈને રહેલ લતાઓ હોય! પ્રકૃતિ નામના અજગરે એ આશ્રમની આસપાસ ભરડો લઇ લીધેલ હોય તેવું દેખાઈ રહ્યું હતું, જોકે ટૂંક સમયમાં ત્યાં મશીનોના ધન ધનાટ અને અમલદારોનો ભરડો લેવાઈ જવાનો હતો…….

આશ્રમને કોઈ દરવાજો ન હતો, કે ન આશ્રમની ફરતે કોઈ દીવાલ હતી આશ્રમ એક રાજ મહેલની જેમ ઉભો હતો. તેની આસપાસ તેનું રક્ષણ કરવા માટે હજારો વૃક્ષો સિપાહીઓની જેમ પહેરો ભરી રહ્યા હતા.

“આ આશ્રમ મારા ગુરુ એ બનાવ્યો હતો, હું જયારે નાનો હતો ત્યારે આજ આશ્રમમાં ભણ્યો હતો.” રીશીકુમારે આશ્રમમાં દાખલ થતા જ બાળકો તરફ જોતા કહ્યું.

“અહી સંસ્કૃતનો અભ્યાસ કરાવવામાં આવે છે?” કવિતાએ કહ્યું.

“હા, સંસ્કૃત અને ખાસ તો પ્રાચીન ગ્રંથોનો.” રીશીકુમારે જવાબ આપ્યો.

“અને યોગ?” તુષારે પૂછ્યું.

“યોગ માટે તો આ પવિત્ર આશ્રમ બનાવવામાં આવ્યો છે એમ કહીએ તો પણ ચાલે. અહી યોગના અલગ અલગ અંગોના અભ્યાસ વડે યોગ શીખવવામાં આવે છે. આસન પ્રાણાયામ અને ખાસ તો બ્રેથીંગ મૂવમેન્ટ વડે.”

“તમે અહી યોગ શીખ્યા હતા?”

“હા, તને ખબર છે આ આશ્રમનું કેમ અલગ જ મહત્વ છે?”

“ના…”

“આ આશ્રમની સ્થાપના કરનાર વ્યક્તિ પાસે ચોસઠ વિધાનું જ્ઞાન હતુ જે ભારતમાં એક માત્ર તક્ષશિલામાં જ આપવામાં આવતું હતું. કહેવાય છે કે સાતમી સદી સુધી વારાણસીના રાજકુમારો અભ્યાસ માટે નાલંદા કે વલભીને બદલે તક્ષશિલાને જ પસંદ કરતા હતા. આ આશ્રમ સ્થાપનાર ગુરુજી એ જ રાજ પરિવાર સાથે જોડાયેલ હતા.” રીશીકુમારે કહ્યું.

“પણ નાલંદા તો વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી તો તેને છોડીને રાજકુમારો તક્ષશિલા કેમ જતા હતા?” કવિતાએ પૂછ્યું.

“હા, નાલંદા વિશ્વભરમાં પ્રખ્યાત હતી તેના બે કારણ હતા એક તો ત્યાં થયેલ ધાતુશાસ્ત્રનો વિકાસ, ત્યાં આચાર્ય નાગાર્જુન જેવા વિદ્વાનો હતા જે પારાની ભસ્મનો ઉપયોગ દવા માટે કરી શકતા હતા એટલે કે તેઓ આજના રસાયણ વિજ્ઞાન કરતા વધુ પ્રગતિ કેમિસ્ટ્રીમાં કરી ચુક્યા હતા અને બીજું કારણ ત્યાનું પુસ્તકાલય ધર્મગંજ હતું જ્યાં લગભગ દરેક ગ્રંથ હતો પણ ચોસઠ વિધાઓમાં કેટલીક ગુપ્ત વિધાઓનો સમાવેશ થઇ જતો હતો અને એ વિદ્યાઓમાં જેને રસ હોય તેને તક્ષશિલા જ જવું પડતું હતું માટે વારાણસીના રાજકુમારો તક્ષશિલા જવાનું જ પસંદ કરતા હતા.” રીશીકુમારે સ્પસ્ટતા કરી.

“કેવી ગુપ્ત વિધાઓ?” તુષારે પૂછ્યું ત્યારે તેઓ પ્રેમીસમાં પહોંચી ગયા હતા.

“હમણાં તને જોવા અને જાણવા મળી જશે.” રીશીકુમારે કહ્યું.

“ગુરુજી ક્યા છે?” રીશીકુમારે પ્રેમીસમાં ફરી રહેલ એક વ્યક્તિને પૂછ્યું.

“તેઓ ધ્યાનખંડમાં છે? તેણે જવાબ આપ્યો.

“આભાર.” કહી રીશીકુમાર વધુ વાત કરવા રહ્યા વિના જ આગળ નીકળી ગયા, તુષાર અને કવિતાએ જોયું કે તે વ્યક્તિ હજુ નવાઈથી તેમને જોઈ રહ્યો હતો. કદાચ તેને નવાઈ લાગી હશે કે કોઈ વ્યક્તિ ગુરુજીને મળવાની આટલી ઉતાવળમાં કેમ હશે?

તેઓ ખુલ્લા વિશાળ ભાગને વટાવી એક સ્કૂલ જેવા લાગતા બાંધકામ આગળ આવ્યા. તેઓ એ ગોળાકાર બાંધકામના મુખ્ય પેસેજમાં દાખલ થયા ત્યાં એક વ્યક્તિ સફેદ રંગના કપડામાં સજ્જ થઈને પોતાના શિષ્યોને ધ્યાનનો અભ્યાસ કરાવી રહ્યા હતા. તેમની મુખમુદ્રા અને તેજ જોઈ તુષાર અને કવિતા સમજી ગયા કે એ જ આનંદ ગુરુજી હશે.

“આનંદ, મારે તારી મદદની જરૂર છે. મહેરબાની કરી સિદ્ધિ ગ્રાઉન્ડ પર આવ.”રીશીકુમારે પેસેજમાં દાખલ થતા જ કહ્યું.

રીશીકુમારના શબ્દોથી કેટલાય શિષ્યોનું ધ્યાન ભંગ થઇ ગયું તેઓ એમની તરફ જોવા લાગ્યા, તેમની આંખોમાં નવાઈનો ભાવ હતો, ખુદ આનંદની આંખોમાં પણ નવાઈનો ભાવ હતો.

“અત્યારે? હું…” આનંદ કઈક બોલવા જતા હતા પણ તેમણે રીશીકુમાંરના ચહેરાને જોયા બાદ તેમનું વાક્ય અધૂરું જ છોડી દીધું. કદાચ તેમણે રીશીકુમાંરની આંખોમાં રહેલ હજારો સવાલ વાંચી લીધા હતા, કદાચ તેમણે તેમની આંખોમાં રહેલ આતુરતાને ઓળખી લીધી હતી.

“મૌલિક, પ્લીઝ બધા શિષ્યોને તમે હેન્ડલ કરો, તેમને મેડીટેશનનો અભ્યાસ કરાવો.” આનંદે તેમના એક સાથી તરફ જોઈ કહ્યું.

રીશીકુમાર હજુ તેની તરફ એજ પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા.

“રિશી, સિદ્ધિ ગ્રાઉન્ડ આ તરફ છે.” આનંદે કહ્યું અને તેઓ એ શાળાના બિલ્ડીંગ જેવા લાગતા બાંધકામના મધ્યભાગ તરફ ચાલવા લાગ્યા. રીશીકુમાર અને બાળકો પણ તેમને અનુસરતા તેમની પાછળ જવા લાગ્યા. તે બાંધકામ એકદમ સિમ્પલ અને સરળ દેખાઈ રહ્યું હતું પણ ખરેખર તેના મધ્ય ભાગ તરફ જતા તુષાર અને કવિતાને ખ્યાલ આવ્યો કે તેની રચના છેતરામણી હતી. તે એકદમ ટ્રીકી હતું છતાં તે ભવ્ય લાગી રહ્યું હતું. બાંધકામ કરેલ વિસ્તારના અંદરના ભાગમાં એક વિશાળ બાંધકામ વગરનો ખુલ્લો ભાગ હતો કદાચ તેજ સિદ્ધિ ગ્રાઉન્ડ હતું. બહારથી કોઈને અંદાજ પણ ન આવે  કે એ સરળ જેવા લાગતા બાંધકામમાં એક ગુપ્ત ગ્રાઉન્ડ પણ હશે…!

“આનંદ, આ કવિતા છે. તેના મિત્ર સંદીપની, તેના તથા તેના મિત્રના માતા પિતાની હત્યા થઇ છે.” રીશીકુમારે સિદ્ધિ ગ્રાઉન્ડમાં પ્રવેશતા જ કહ્યું.

“મને ખબર છે, બસ મને સંદીપે દોરેલા ચિત્રો બતાવો જેથી મને કાતિલ વિશે કઈક અંદાજ આવી શકે.” આનંદે શાંત ચિતે કહ્યું.

“વોટ?” સિદ્ધિ ગ્રાઉન્ડનું અવલોકન કરી રહેલ કવિતા અને તુષારના મોમાંથી પ્રશ્ન શબ્દ સરી પડ્યો.

તેઓ સત્બ્ધ બની ગયા હતા, ખુદ રીશીકુમાંરને પણ ન હતું સમજાઈ રહ્યું કે આનંદ એ બધું કઈ રીતે જાણી શકે?

“તમને કઈ રીતે ખબર કે સંદીપે કોઈ ચિત્રો બનાવ્યા છે?” કવિતાએ કહ્યું, તેના ચહેરા પર હજુ નવાઈના ભાવ એમને એમ હતા.

“યોગ, બેટા યોગ. યોગમાં અપાર શક્તિઓ રહેલી છે જે સમજાવી શકાતી નથી. યોગે જ મને અન્યનું મન વાંચી શકવાની શક્તિ આપી છે જેને તમે ટેલેપથીના નામે ઓળખો છો.”

“હા, એ શક્તિ તો મારામાં પણ છે હું પણ પર ચિત આદી આભીજનાતા શક્તિ ધરાવું છું પણ હું કવિતાનું મન વાંચવામાં નિષ્ફળ રહ્યો હતો તો તમે એનું મન કઈ રીતે વાંચી શક્યા?” રીશીકુમારે આનંદ તરફ જોઈ કહ્યું.

“રિશી, આમ ઉતાવળો કેમ થાય છે? મેં ક્યારે કહ્યું કે મેં કવિતાનું મન વાંચ્યું છે પણ હું તારું અને તુષારનું મન તો વાંચી શકું છું ને?” આનંદે રીશીકુમાર તરફ હળવું સ્મિત આપતા કહ્યું.

“કેમ તમે કોઈ મારું મન વાંચી શકતા નથી?” કવિતાએ નવાઈ પૂર્વક એમને જોઈ રહેતા કહ્યું, તુષારના મનમાં પણ એજ સવાલ થયો હતો.

“કેમકે તારા મનની શક્તિઓ અમારા મનની શક્તિઓ કરતા વધુ છે, માનસિક શક્તિ ચુંબકીય શક્તિ જેવી જ હોય છે જેમ મોટા ચુંબક તરફ નાનું ચુંબક ખેચાઈ જાય છે તે જ રીતે વધુ શક્તિશાળી માનસિક શક્તિ ધરાવતું મન ઓછા શક્તિશાળી મનમાંથી વિચારોને ખેચી શકે છે.પણ તારું મન એટલું શક્તિશાળી છે કે તેમાંથી એક નાનકડી ચીજ પણ જાણવી અશક્ય છે.” આનંદે કહ્યું.

“જો મારું મન એટલું જ શક્તિશાળી છે તો હું તે શક્તિઓનો ઉપયોગ કેમ નથી કરી શકતી?” કવિતાએ કહ્યું, અને નિરાશ થઇ ઉમેર્યું, “મારી એ શક્તિઓ મને કામ કેમ નથી આવી રહી?”

“કેમકે જે વ્યક્તિએ તને એ બધી શક્તિઓ આપી છે, જેણે તને યોગાભ્યાસ કરાવ્યો છે તેણે માત્ર તારા મનને એટલું શક્તિશાળી બનાવી દીધું છે કે તેના પર કોઈ જ પરામાનસ શક્તિઓની અસર ન થાય પણ એ વ્યક્તિએ તને તારી અલૌકિક શક્તિઓ કઈ રીતે વાપરવી તે શીખવ્યું નથી અથવા કદાચ તેને એ બધું તને શીખવવાનો સમય નહિ મળ્યો હોય.” આનંદે કહ્યું, “અને હા મને એ ચિત્રો આપો આપણે બાકીની વાતો પછી કરીશું?”

તુષારે પોતાના ખભે લટકતી કાળી લેધર બેગ ઉતારી અને એમાંથી સંદીપે બનાવેલ ચિત્રોની ફાઈલ આનંદના હાથમાં સોપી.

આનંદે એક બાદ એક ચિત્રનું અવલોકન કરવા માંડ્યું.

“સંદીપને ખબર હતી કે ભવિષ્ય અનિશ્ચિત છે.” તેમણે કેટલાક ચિત્રો જોયા બાદ રીશીકુમાર તરફ જોઈ કહ્યું.

“કઈ રીતે? તે કઈ રીતે જાણી શક્યો?” રીશીકુમારે કહ્યું, તેઓ પોતાની આતુરતાને રોકી શકે તેમ ન હતા પણ એમ લાગતું હતું જાણે આનંદે તેમના સવાલને ધ્યાનમાં ન હતો લીધો.

“અહી રાહ જુવો.” આનંદે કહ્યું અને તે ડાબી તરફ જવા લાગ્યા. તેઓ સિદ્ધિ ગ્રાઉન્ડ પાર કરી ફરી એજ ઈમારતમાં ગાયબ થઇ ગયા.

“પપ્પા તમને કાઈ સમજાઈ રહ્યું છે?” તુષારે પૂછ્યું.

“ના, મને સમજાઈ નથી રહ્યું પણ આનંદ બધો અંદાજ લગાવી લેશે, ગુરુજીના બધા શિષ્યોમાં તે સૌથી હોનહાર શિષ્ય હતો, ગુરુજી તેમના પછી તેને જ પોતાની ગાદીનો વારસદાર બનાવવાના હતા અને એમણે એને જ બનાવ્યો, તે જરૂર આ પહેલીને ઉકેલીને રહેશે.” રીશીકુમાંરને પોતાના જુના મિત્ર પર વિશ્વાસ હોય તેમ તેમણે કહ્યું.

“મને પણ એમની વાતમાં કાઈ ખાસ સમજાઈ રહ્યું નથી, તેઓ કહે છે કે મારા મનમાં અલૌકિક શક્તિઓ છે અને મને એ વાતની ખબર પણ ન હોય તે કઈ રીતે બની શકે? જો મારા મનમાં એ શક્તિઓ હોય તો ક્યારેક આકસ્મિક પણ  મારાથી એમનો ઉપયોગ તો થયો હોવો જોઇને?” કવિતાએ આસપાસનું બધું જોતા કહ્યું.

“આનંદને ગોળ વાતો કરવાની આદત છે. તે ધીમે ધીમે મુદ્દા પર આવશે અને એ સમયે તને બધું સમજાઈ જશે. તે સાંભળ્યું નથી કે દરેક જીનીયસ મેન્ટલી વીક હોય છે તેના મનમાં જે રીતે ધૂન ચાલતી હોય તે રીતે જ તે કામ કરે છે?” રિશી કુમાર હસ્યા અને સાથે કવિતા અને તુષાર પણ હસ્યા.

કવિતાએ કાઈ જવાબ ન આપ્યો કેમકે તે હા કે ના બેમાંથી એકે જવાબ આપીને આનંદ મેડ છે એવા રીશીકુમાંરના દાવામાં સાથ ન હતી આપવા માંગતી. તે જાણતી હતી કે રીશીકુમાર અને મિસ્ટર આનંદ બાલમિત્રો છે તેઓ એક બીજા માટે ગમે તે શબ્દોનો ઉપયોગ કરી શકે પણ પોતે અજાણી છે અને તેઓ ઉમર અને જ્ઞાન બંનેમાં તેનાથી ઉપર છે માટે કાઈ જવાબ ન આપવો જ તેને હિતાવહ લાગ્યું.

થોડીક જ વારમાં આનંદ પોતાના એક હાથમાં ત્રણ પાયાવાળું એક નાનકડું ટેબલ અને બીજા હાથમાં કેટલાક કાગળો લઈને આવ્યા. તેમની પાછળ તેમને અનુસરતા કેટલાક સ્વયંસેવકો આવી રહ્યા હતા જેમના હાથમાં લાકડાની ખુરશીઓ હતી. તેમણે ત્યાં આવી આનંદે ગોઠવેલા ત્રણ પાયા વાળા ટેબલની આસપાસ એ ખુરશીઓ ગોઠવી અને જાણે એમને ખબર હોય કે ગુરુજી મહેમાનો સાથે કોઈ ખાનગી વાત કરવા માંગે છે તેમ ત્યાંથી ચુપચાપ કશું જ બોલ્યા વિના ચાલ્યા ગયા.

“તો આપણે ક્યાં હતા રિશી? મને લાગે છે હું પાગલ છું ત્યાં હતા નહી?”

“હા મતલબ કે ના…..” અને બંને હસી પડ્યા.

“રિશી મને લાગે આપણને બહુ સમય લાગશે અને તું મને હવે પહેલા જેમ કલાકો સુધી ઉભો રહી શકે તેમ નથી લાગતો.” આનંદે ફરી એક હળવા સ્મિત સાથે કહ્યું.

કવિતા અને તુષારને રીશીકુમારની વાત જાણે સાચી હોય તેમ લાગી કેમકે આનંદ ક્યારે કઈ વાત બોલી જતા હતા તે નક્કી જ ન હતું! કદાચ તેઓ કાઈ પણ બોલતા પહેલા વિચારતા નહી તેમ લાગી રહ્યું હતું.

“હા, બુઢ્ઢો તો તું પણ થઇ ગયો છે આનંદ. તારા માથામાં રહેલ ધોળા વાળ એ વાત કહી રહ્યા છે કે તું કલાકો સુધી ઉભો રહી વાતો કરી શકે તેમ નથી એટલે મારું બહાનું બનાવી રહ્યો છે.” રીશીકુમારે પણ એ જ હળવું સ્મિત પાછુ આપ્યું.

“તને ખબર હું એવો નથી, આતો માત્ર બાળકોને ઉભા રહેવાની આદત નહિ હોય માટે.” આનંદે બીજું બહાનું બનાવ્યું અને તેઓ એક ખુરશી પોતાની તરફ જરાક ખેચી તેમાં ગોઠવાયા.

રીશીકુમાર, કવિતા અને તુષારે પણ પોતાના માટે ખુરશીઓ મેળવી લીધી. સાચું કહીએ તો તેમને બેસવાની જરૂર હતી જ કેમકે તેઓ લાંબી મુસાફરીથી આમ પણ થાકી ગયેલ હતા અને કારમાં પગ સીધા કરવાનો મોકોય નહોતો મળ્યો એટલે પગમાં જરાક દુ:ખાવો તો થઇ જ રહ્યો હતો.

“જો રિશી, આ પહેલું ચિત્ર બતાવે છે સંદીપના મમ્મી પપ્પાના મૃતદેહો ફોયરમાં છે. એનામાં એક એક જીણી વિગત દર્શાવાઈ છે એ સ્કેચ જોતા એમ લાગી રહ્યું છે જાણે તે કોઈ મોડર્ન કેમેરા વડે લેવાયેલ ફોટો હોય પણ આપણે બંને જાણીએ છીએ કે ચિત્ર કોઈ જ ટેકનોલોજીના ઉપયોગ વિના હાથથી તૈયાર કરવામાં આવેલ છે. શું સંદીપ કોઈ આર્ટીસ્ટ હતો? તે એક ચિત્રકાર હતો?” આનંદે ટીપોય પર કાગળ મૂકી એક સ્કેચ ઉખેળતા કહ્યું.

“ના, તે ચિત્રકાર ન હતો. અલબત તેને ચિત્ર બનાવતા તો જરાય ન હતું આવડતું.” કવિતાએ કહ્યું.

“મતલબ, જયારે તેણે આ ચિત્રો બનાવ્યા તેનું મન તેના કાબુ બહાર હતું. તેનું મન તેના સુસુપ્ત મનના કાબુમાં હતું એ સમયે તેણે એ ચિત્રો બનાવ્યા હતા.” રીશીકુમારે કહ્યું.

“હા, જયારે તેણે ચિત્ર બનાવ્યું ત્યારે તેને તેના સુસુપ્ત મન દ્વારા એક વિજન મળી હશે જેની મદદથી તેને એ ચિત્ર બનાવ્યું હશે પણ જયારે તે એ ચિત્ર બનાવી રહ્યો હશે અને તેનું મન તેના પોતાના ચેતન મનની અસર હેઠળ આવ્યું હશે ત્યારે તેને ખબર જ નહી હોય કે તેણે એ ચિત્ર કઈ રીતે બનાવ્યું છે કે કેમ બનાવ્યું છે.” આનંદે કહ્યું.

“મને કાઈ સમજાઈ નથી રહ્યું આનદ, તું તારી ગોળ વાતો કરવાની આદત થોડાક સમય માટે ભૂલી નહિ શકે?” રીશીકુમારે કહ્યું.

“ઓહ! સોરી! મને યાદ ન હતું કે તું મારા જેટલો હોનહાર નથી! તને એ બધી વાતો ગોળ જ લાગશે કેમકે તારું મન ચકરી ખાઈ રહ્યું છે. એક કામ કરો, મને મીના બહેને લખેલ આર્ટીકલ્સ આપો.” આનંદે કહ્યું.

“આ રહ્યા.” કહેતા રીશીકુમારે તુષાર પાસેથી બેગ લઇ આખી બેગ જ આનંદના હાથમાં સોપી દીધી.

“મીના બહેન ભવિષ્ય જોઈ શકતા ન હતા પણ તેમને ખબર હતી કે તેમની હત્યા થવાની છે.” આનંદે થોડાક સમય સુધી એ કાગળોમાં નજર કર્યા બાદ કહ્યું.

“તું તારી ગોળ વાતો કરી રહ્યો છે આનંદ, જો તેઓ ભવિષ્ય જાણતા ન હતા તો તેમને કઈ રીતે ખબર કે તેમની હત્યા થવાની છે?” રીશીકુમારે થોડા ચિડાઈને બોલ્યા.

“પૂરી વાત સંભાળતો ખરો, રિશી. હજુ સુધી પહેલાની જેમ ઉતાવળિયો જ રહ્યો છે તું?” આનંદે કહ્યું.

“હા, પણ તું શું કહેવા માંગે છે એ સમજાવું તો જોઇને?” રિશીકુમારે કોઈ જ ભોઠપ અનુભવ્યા વિના કહ્યું.

“એ જ કે મીનાબેન પણ સંદીપની જેમ જ આંશિક પ્રોકોગ્નીજેશન પાવર ધરાવતા હશે અને તેમણે પણ સંદીપની જેમ જ ભવિષ્યની આછી ઝલક જ જોઈ હશે.” આનંદે કહ્યું.

“હા, હું સમજી ગયો પણ ફેઈલ આર્ટીકલ અને એ હત્યાઓ વિશે શું સંબંધ હોઈ શકે તે નથી સમજાઈ રહ્યું.”

“સામાન્ય લોજીક મિત્ર, મીનાબેન જાણતા હતા કે તેમની અને તેમના પતિની હત્યા થવાની છે. તેઓ હત્યાનો સમય દિવસ અને સ્થળ વિશે જાણતા હતા પણ તેઓ ખૂની કોણ છે એ ન હતા જાણતા, તેમને ખૂની એમની હત્યા કેમ કરવા માંગે છે એ ખયાલ ન હતો. આથી તેમણે માત્ર એક ધારણા લગાવી હશે કે કદાચ કોઈ તેમના પ્રયોગ માટે તેમની હત્યા કરવા માંગે છે આથી તેમની થીયરી કોઈ ખોટા હાથમાં ન જાય તે માટે તેમણે એને નિષ્ફળ પ્રયોગોના આર્ટીકલમાં એને છુપાવી દીધી હશે કેમકે મહામહેનતે તૈયાર કરેલી એ થીયરીનો નાશ કરતા તેમનો જીવ નહિ ચાલ્યો હોય.”

“પણ એવું કઈ રીતે બની શકે કે તેમણે તેમની હત્યા થતી વિજનમાં જોઈ હોય, તેમને એ સમયનો ખયાલ હોય, એ સ્થળનો ખયાલ હોય અને તેમણે ખૂની ન જોયો હોય?” રીશીકુમારે કહ્યું.

તુષાર અને કવિતાને પણ તેમની વાત વાજબી લાગી, તેઓ પણ જાણવા માટે ઉત્સુક હતા કે એ સવાલ માટે આનંદ શું જવાબ આપે છે.

“રિશી તું ભૂલી રહ્યો છે કે આ કોઈ સામાન્ય હત્યાનો મામલો નથી, આ બધું ત્રીજા પ્રકરણ માટે થઇ રહ્યું છે. આ બધું એ પુસ્તક માટે થઇ રહ્યું છે આથી કાતિલ કોઈ સામાન્ય માણસ ન હોઈ શકે… જો તે સામાન્ય માણસ ન હોય તો એવું પણ બની શકે કે તે હત્યાના સ્થળે હાજર પણ ન હોય અને તેણે હત્યાઓ કરી હોય આથી તેને મીનાબેન જોઈ શક્યા ન હોય.” આનંદે કહ્યું.

“પણ હવે એ ત્રીજા પ્રકરણને એ પુસ્તકને આ હત્યાઓ સાથે શું સંબંધ?” રીશીકુમારે પૂછ્યું.

“કેમ સમજતો નથી રિશી? એ પુસ્તકની દરેક કોપીમાંથી ત્રીજું પ્રકરણ ગાયબ થયેલ છે એટલે કે કોઈ એક વ્યક્તિએ એ માહિતી બીજા વ્યક્તિના હાથમાં ન જાય તે માટે એ માહિતીને ગાયબ કરી દીધી છે અને હવે પણ જો એ બીજો વ્યક્તિ જે એ માહિતી મેળવવામાં મોડો પડ્યો એ વ્યક્તિ મીનાબેનની આ કાગળમાં દર્શાવેલ થીયરી મુજબ દેવાનામ સહ ક્રીડા અનુદર્શનમનો ઉપયોગ કરીને ભૂતકાળમાં જઈ એ વ્યક્તિ એ પુસ્તકના પાના ચોરે એ પહેલા એ માહિતી મેળવી લે તો તેના હાથમાં કોઈ જ મહેનત વિના એ ત્રીજું પ્રકરણ આવી જાય. આમ લાંબો સંબંધ બાંધીએ તો એ ત્રીજા પ્રકરણ અને આ હત્યાઓ વચ્ચે સીધો જ સંબંધ બની શકે છે.” આનંદે કહ્યું.

“હા, આ વાત તો મારા ધ્યાનમાં આવી જ નહિ. પણ એવું કોણ હોઈ શકે જે એ પુસ્તક મેળવવા માટે એટલી હદે જઈ શકે. ત્રણ ત્રણ હત્યાઓ કરી શકે અને એ પુસ્તક મેળવવા માટે આટલા વર્ષો સુધી કોઈનો પીછો કરતુ રહી શકે? આટલા વરસો સુધી એ પુસ્તકનો ઇન્તજાર કરી શકે?” રીશીકુમારે કહ્યું.

“બસ એ અંદાજ તો આ થીયરીને પ્રેકટીકલ રૂપ આપીએ તો જ ખયાલ આવે?”

“હા, પણ એક બીજી વાતેય નથી સમજાઈ રહી કે મીનાબેને આ થીયરીનો નાશ કેમ ન કરી નાખ્યો તેમને ખબર હતી કે એ થીયરી માટે જ તેમની હત્યા થઇ છે અને એ થીયરી માટે જ તેમના પુત્રની હત્યા પણ થવાની છે તો તેમણે એ થીયરી ને કેમ સાચવી રાખી?” રીશીકુમારે કહ્યું.

“મુદ્દો છે, તેઓ એ થીયરીનો નાશ કરી શકતા હતા પણ તેઓ ઇચ્છતા હતા કે એ થીયરીનો ઉપયોગ કરી કવિતા ભૂતકાળમાં જાય માટે તેમણે કવિતા માટે આ થીયરી સલામત મૂકી હતી. તેઓ જયારે કવિતાને ઓળખતા પણ  ન હતા તે સમયે તેમણે કવિતાનો ઉલ્લેખ પોતાની થીયરીમાં કર્યો છે એનો અર્થ એ છે કે તેઓ જાણતા હતા કે એક માત્ર કવિતા જ છે જે ભૂતકાળમાં જઈ એ બધા બદલાવ કરી શકે તેમ છે માટે તેમણે કવિતાને તાલીમ આપી તૈયાર કરવા માંડી તેઓ જાણતા હતા કે ભૂતકાળમાં જવું અને સમયમાં મુસાફરી કરવી જેવી બાબતોને સમજી શકવા કવિતા એ સમયે તૈયાર ન હતી માટે તેમણે કવિતાને ફોટો ક્રોમિક મેમરીના નામે દેવાનામ સહ ક્રીડા અનુદર્શનમ સિદ્ધિનો ઉપયોગ કરી શકે એ માટે તૈયાર કરવા માંડ્યા. તેમણે મરતા પહેલા કોઈ એવા વ્યક્તિને તૈયાર કરી નાખ્યું જે ભવિષ્યમાં ભૂતકાળમાં પાછુ આવશે અને તેમને બચાવવામાં સફળ રહે તેમ હોય.” આનંદે સમજાવતા કહ્યું.

“પણ એમને કઈ રીતે ખાતરી હતી કે હું ભૂતકાળમાં જવામાં સફળ થઈશ અને કદાચ હું એમાં સફળ થઈશ તો પણ તેમને બચાવવામાં સફળ થઈશ?” કવિતાએ કહ્યું.

“એ ખબર નથી પડી રહી. પણ જેમ સંદીપે બે ચિત્રો બનાવ્યા છે જે એકબીજાના વિરોધી છે જેમકે એકમાં તેની હત્યા 2016માં થયેલ બતાવી છે તો બીજા ચિત્રમાં તે 2૦24માં પણ જીવિત છે એ બાબત એ બતાવે છે કે તેણે બે અલગ અલગ ભવિષ્ય જોયા હતા અને તે જાણી ચુક્યો હતો કે ભવિષ્ય અનિશ્ચિત છે. જોકે તે ખોટો હતો ભવિષ્ય નિશ્ચિત જ હતું કેમકે તેણે જોયેલ બંને ભવિષ્ય સાચા છે.” આનંદે ફરી સમજાવ્યું.

“હું કાઈ સમજી નહિ?” કવિતાએ કહ્યું.

“સંદીપે પોતાની હત્યા થતી જોઈ એ ભવિષ્ય પણ સાચું છે કેમકે તેની હત્યા થઇ છે અને તેણે પોતાને 2024માં જીવિત જોયો એ ભવિષ્ય પણ સાચું છે કેમકે તું ભૂતકાળમાં જઈ એ હત્યાઓને અટકાવી દેવાની છે. આમ એણે વિજનમાં એક સમયના એવા બિંદુને જોયું હતું જ્યાંથી એને બંને ભવિષ્ય જોવા મળ્યા હતા એ જ મુજબ મીનાબેને પણ ભલે ચિત્રો નથી બનાવ્યા પણ તેમણે બંને ભવિષ્ય જોયા હશે અને તેઓ જાણી ચુક્યા હશે કે તેમને તું બચાવીશ આથી તેમને અન્ય કોઈ ચીજમાં સમય વ્યસ્ત કરવાને બદલે તને ટ્રેનીગ આપવાનું શરુ કરી નાખ્યું હતું.” આનંદે ફરી એજ શાંતિ પૂર્વકની સમજુતી આપી, “શું તું ભૂતકાળમાં જવા તૈયાર છે?”

“હા, પણ એક છેલ્લો સવાલ.. જો મીનાબેન પાસે ભૂતકાળમાં જવાની શક્તિ અને થીયરી હતી તો તેઓ પોતે ભૂતકાળમાં કેમ ન ગયા? એમણે પોતે બધું ઠીક કેમ ન કર્યું?” કવિતાએ કહ્યું.

“એનો જવાબ પણ તને ભૂતકાળમાં મળી જશે. આ થીયરી તને ભૂતકાળમાં મોકલી શકશે. કદાચ તને નવાઈ લાગશે કે આમ કોઈ જ સાધનની મદદ વિના ભૂતકાળમાં જઈ શકાતું હોય તો પશ્ચિમના વિજ્ઞાનીકો હજુ શું કામ ફાફા મારી રહ્યા છે!!! તો હું તારી એ ગૂંચનો ઉકેલ આપવા ઈચ્છું છું આ થીયરી એક અલગ જ સિધ્ધાંત પર કાર્ય કરે છે. પશ્ચિમના વિજ્ઞાનીકો સમયને ટાઈમ તરીકે ઓળખે છે અને આપણામાંથી પણ મોટા ભાગના લોકો સમયને ટાઈમ તરીકે ઓળખતા થઇ ગયા છે. આપણે બધા એક જ મિસ-કોન્સેપશન પર છીએ કે સમય ત્રણ અલગ અલગ સ્વરૂપ ધરાવે છે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ પણ ખરેખર એવું નથી. જો આપણે સમયને કાળ તરીકે માનીએ તો આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ત્રિકાળ જ્ઞાની શબ્દનો ઉલ્લેખ થયેલ જોવા મળે છે અને એ ત્રિકાળ જ્ઞાની લોકો ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેયનું જ્ઞાન ધરાવતા હતા એનું કારણ એ જ હતું કે તેઓ એક સાથે એ ત્રણેય કાળમાં હોતા હતા. તમે સહદેવ વિશે તો જાણતા જ હશોને? એને તો પહેલેથી જ આખી મહાભારત ખબર હતી……” કહી આનંદ થોડા અટક્યા અને ફરી વાત આગળ વધારી…..

“પશ્ચિમના લોકો ભૂતકાળને બિંદુ ‘એ’ વર્તમાન બિંદુ ‘બી’ અને ભવિષ્યને બિંદુ ‘સી’ ગણે છે અને બિંદુ ‘એ’ થી બિંદુ ‘બી’ સુધી જવાનો પ્રયાસ કરે છે અથવા તો બિંદુ ‘બી’ થી બિંદુ ‘સી’ સુધી જવાનો પ્રયાસ કરે છે પણ તેમને નિષ્ફળતા જ મળે છે કેમકે સમયના કોઈ ત્રણ અલગ સ્વરૂપો છે જ નહિ! સમયના કોઈ અલગ ત્રણ બિંદુઓ છે જ નહિ અને તમે ત્રણેય બિંદુઓને જો માત્ર એ જ માનો તો બિંદુ ‘એ’ થી બિંદુ ‘એ’ સુધી મુસાફરી કરવી અશક્ય છે કેમકે બિંદુ ‘એ’ પર આપણે હોઈએ જ છીએ. જો આપણે સમયને કાળ ગણીએ તો કાળ મતલબ ખાલીપણું જ્યાં ખાલી પણું છે ત્યાં સમય છે એટલે કે દરેક સ્થળે સમય છે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં સમજાવીએ તો સમય દરેક ભૌતિક ચીજો સાથે જોડાયેલ છે કેમકે દરેક ચીજમાં  ખાલીપણું રહેલું છે અથવા તો તેની આસપાસ ખાલીપણું રહેલ છે. હવે આપણે કોઈ ચીજ નાશ પામતા તેની આસપાસના સમયને જોઈ શકતા નથી તેના અંદરના સમયને નિહાળી શકતા નથી અને આપણે એને ભૂતકાળ એવું નામ આપી દઈએ છીએ પણ ખરેખર એવું નથી મીનાબેનની થીયરી આપણને એ જ ચીજ સમજાવી રહી છે કે સમય ત્યાનો ત્યાં જ છે માત્ર ભૌતિક ફેરફારોને લીધે આપણે તેને આગળ વધતો જોઈ શકીએ છીએ દિવસ અઠવાડિયા મહીના અને વર્ષ એ તો માત્ર આપણે ગણતરી ખાતર બનાવેલ ચીજો છે…. ઘડિયાળ પણ આપણે સમયની ગણતરી ખાતર બનાવેલ સાધનોમાનું એક છે બાકી શું દુનિયાની દરેક ઘડિયાળ એક જ સમય બતાવે છે? જો સમય ઘડિયાળ મુજબ કે ઘડિયાળ સમય મુજબ ચાલતા હોત તો કોઈ પણ ઘડિયાળ બંધ પડી જ કઈ રીતે શકે? અથવા ધારોકે આખી દુનિયાની ઘડિયાળોને એક કલાક માટે બંધ કરી નાખવામાં આવે તો શું એટલા સમય સુધી સમય થોભી જાય છે? ના , એવું કશું જ થતું નથી સમય સનાતન છે તે સૂર્ય ચંદ્ર પૃથ્વી અને હવાની જેમ છે. બસ બદલાય છે તો ભૌતિક ચીજો. માની લોકે તું અત્યારે વર્તમાનમાં છે પણ જો તું ભૂતકાળની કોઈ દુ:ખદ ઘટના યાદ કરવા બેસી જઈશ તો તારી આંખોમાં આંસુ આવી જશે જો ખરેખર સમયના અલગ અલગ બિંદુઓ હોય તો જે બિંદુ આપણી સામે છે જ નહિ તેની અસર આપણા ભૌતિક શરીર કે મન પર કઈ રીતે થઇ શકે? અથવા તો કોઈ વ્યક્તિ પોતાના સોનેરી ભવિષ્યના સપનામાં ખોવાઈને ખુશ થઇ શકે છે પણ જો ભવિષ્ય એ બિંદુ ‘સી’ છે તો એ બિંદુ સુધી તો એ વ્યક્તિ પહોચ્યો જ ન હોય તો તેના મન પર તેની અસર કઈ રીતે થઇ શકે? આ વાત વિજ્ઞાન ક્યારેય સમજાવવામાં સફળ નહિ થાય કેમકે વિજ્ઞાન હજુ એજ ચીજોમાં માને છે જેને તે સિધ્ધાંતોની મદદથી સમજી શક્યું છે પણ યોગ અને પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણવેલ જ્ઞાન એ અત્યારના વિજ્ઞાન કરતા અનેક ગણું આગળ છે માટે તેને આજના વિજ્ઞાન વડે સમજવું અશક્ય છે.”

“હા, પણ હું ભૂતકાળમાં જઈશ કઈ રીતે?”

“હું, એ જ સમજાવી રહ્યો છું. આ થીયરી મુજબ આપણે જે ભૂતકાળને જીવીને આવ્યા છીએ એ સમય ક્યાય નથી જતો, તે ત્યાં જ હોય છે બસ આપણે ભૌતિક રીતે ત્યાં નથી હોતા એટલે એ સમયને જોઈ શકતા નથી પણ ખરેખર આપણું અવાસ્તવિક પ્રતિબિંબ ત્યાં હમેશા હોય જ છે. આજના વિજ્ઞાનીકો જેને વર્ચ્યુઅલ ઈમેજના નામે ઓળખાવે છે તેજ ચીજ આપણને ભૂતકાળમાં મોકલી શકે છે. કદાચ તને નવાઈ લાગશે પણ આ થીયરી તને બાયોલોકેશન આપી શકશે એટલે કે તું અહી બેસી તારા ભૂતકાળના એક વર્ચ્યુઅલ પ્રતિબિંબ પર ધ્યાન કેન્દ્રિત કરીશ અને તું ત્યાં પહોચી જઈશ પણ એ સાથે તું અહી પણ હયાત હોઈશ જ એટલે કે તું એક સાથે બે સ્થળે હોઈશ. અને કદાચ તારા મનની શક્તિઓ વધુ હશે તો તું એક સાથે તારા અનેક અવાસ્તવિક પ્રતીબીબો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશ અને તું એ ટર્મમાં પહોચી જઈશ જેને મલ્ટી-લોકેશન કહેવામાં આવે છે. જેમાં તું એક સાથે અનેક સ્થળે હાજર હોઈશ. શું તું હવે તૈયાર છે?” આનંદે બધું ઝડપી સમજાવી દીધું કદાચ સમય ઓછો હતો.

“હા, રેડીનેસ ઈઝ ઓલ્વેઝ, હું હંમેશાથી તૈયાર છું.” કવિતાએ કહ્યું.

એકાએક જાણે વીજળીનો ચમકારો થયો હોય તેમ લાગ્યું અને ફલેશ સાથે કવિતા ત્યાંથી ગાયબ થઇ ગઈ! તુષાર અને રીશીકુમાર એ સ્થળને સ્તબ્ધ બની જોઈ રહ્યા જે સ્થળે કવિતા બેઠી હતી, તે ખુરશી ખાલી હતી પણ બીજી પળે ત્યાં કવિતા હાજર હતી…!!

“તું ક્યા છે?” આનંદે કવિતા તરફ જોઈ કહ્યું.

“હું સમયના એ બિંદુ પર છું જયારે હું પ્રથમવાર સંદીપને મળી હતી. મારા જીવનના સૌથી સારા કે ખરાબ જે માનવું હોય તે સમય પર.” કવિતાએ જવાબ આપ્યો.

રીશીકુમાર અને તુષાર બંને નવાઈથી કવિતાને જોઈ રહ્યા, તેઓ સમજી ગયા કે કવિતા બાયો લોકેશન મેળવી ચુકી હતી. હવે તે એક જ સમયે બે સ્થળે હાજર હતી વર્તમાનમાં પણ અને ભૂતકાળમાં પણ કેમકે વર્તમાન ભૂતકાળ અને ભવિષ્ય અલગ નથી પણ એક જ છે.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’      અગત્યની નોધ : આ નવલકથા કાલ્પનિક છે પણ આ બધી જ માહિતી આપણા શાસ્ત્રોમાં અને અલગ અલગ ગ્રંથોમાં આપેલી છે…..

ક્રમશ: વધુ આવતી કાલે…..

Comment here