safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -15)

હપ્તો 14  ની લીંક………

 

“આપણે ક્યા છીએ?” કવિતાએ હોશમાં આવતા જ સવાલ કર્યો.

“બહુ દુર, એ બધાથી બહુ દુર.” તુષારે કહ્યું.

કવિતાએ વિન્ડો ગ્લાસ રોલ કરી બારી બહાર જોયું. ચારે તરફ બસ માત્ર અને માત્ર હરિયાળી દેખાઈ રહી હતી. તે જાણતી ન હતી કે એ જ હરિયાળી વચ્ચે તેમણે આખી રાત મુસાફરી કરી હતી અને કદાચ તેણીએ કલ્પના પણ ન કરી હોય એટલી દુર આવી ચુકી હતી. ચારે તરફ કુદરતી સુંદરતા વેરાયેલ હતી, સામાન્ય સંજોગોમાં એ જોઈ કવિતાનું મન પ્રસન્ન થઇ ગયું હોત પણ એ સમયે તેના મનમાં માત્ર એક જ વિચાર ચાલતો હતો – તેના મમ્મી પપ્પા હવે તેની સાથે રહ્યા નથી, તેઓ પાછળ છૂટી ગયા હતા, બહુ પાછળ! એટલા પાછળ કે ફરી એમનાથી ભેટો જ થઇ શકે તેમ ન હતો!

“મારા મમ્મી પપ્પાને ત્યાં રોડ પર જ રહેવા દઈ તમે મને અહી કેમ લઇ આવ્યા?” કવિતાએ કહ્યું.

“આપણે તેમને ત્યાં જ છોડવા પડ્યા, આઈ એમ સોરી પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો.” તુષારે કહ્યું.

“હું મારા મમ્મી પપ્પાને પાછા મેળવવા માંગું છું.” કવિતાએ કહ્યું.

“જાણું છું, દરેક વ્યક્તિ પોતાના પરિવારને ઈચ્છે છે પણ એકવાર તેમને ગુમાવી નાખ્યા બાદ મેળવવો સહેલું કામ નથી.” તુષારે કહ્યું.

તુષારે એક નજર રીશીકુમાર તરફ કરી. રીશીકુમાર તેની આંખોમાં રહેલ પ્રશ્નને વાંચી શકતા હતા. તેની આંખો જાણે કહી રહી હતી કે કદાચ આ બધું આપણા લીધે તો નથી થયું ને? જે લોકોએ કવિતાના મમ્મી પપ્પાને મારી નાખ્યા એ લોકો એ જ હતા જેમણે લાયબ્રેરી પર હુમલો કર્યો હતો? શું એ આપણા માટે આવ્યા હતા અને ભૂલમાં સંગીતાબેન અને રાકેશ ગાલાને કચડી નાખ્યા?

રીશીકુમાર તેની આંખોમાં રહેલ સવાલોના જાવાબ આપી તેના મનમાં ચાલતા તુફાનને શાંત કરવા માંગતા હતા પણ તેમને કવિતાની હાજરીમાં એ ઘટના વિશે વધુ વાતચીત કરવું યોગ્ય ન લાગ્યું એટલે નજર ફેરવી લીધી. કદાચ તુષાર પણ એ સમજી ગયો હતો આથી તેણે તેની આંખોમાં રહેલ સવાલોને આંખોમાં જ ડુબાડી દીધા, અવાજ બની બહાર આવવાની પરવાનગી ન આપી.

તેણે પોતાના સવાલોને તો દફનાવી દીધા પણ પોતે કવિતાનો ગુનેગાર છે, તેની સાથે બધું મારા લીધે જ થયું છે એ લાગણી તેને ઘેરી વળી. કદાચ તેના હ્રદય પર એ ભૂલ કર્યાનું દુ:ખ ઘેરાવા લાગ્યું હતું! તેને થઇ રહ્યું હતું મારે કવિતાના ઘરે જવું જ ન હતું જોઈતું, કદાચ જયારે હું લાયબ્રેરીથી ભાગી ત્યાં ગયો ત્યારે એ લોકોએ મારો પીછો કર્યો હશે અને તેમણે જાણી લીધું હશે કે કવિતા અને એનો પરિવાર પણ અમારી જેમ જ એ બુકની તલાશમાં છે.

તેને એ બૂક માટે નફરત થવા લાગી! પોતે કરીલ દરેક ભૂલ માટે નફરત થવા લાગી! પપ્પાની વાત સાચી હતી મારે ક્યારેય કોઈ વ્યક્તિથી દોસ્તી કરવી જોઈતી જ ન હતી! પપ્પાની વાત માની એ શહેર છોડી ચાલ્યા જવાનું હતું! તુષારને અમદાવાદમાં જ દફન કરી દેવાનો હતો અને એ શહેર છોડતા જ એક નવું નામ ધારણ કરી લેવાનું હતું. હું આજ કરતો આવ્યો હતો અને જ્યાં સુધી હું આ બધું કરે ગયો ત્યાં સુધી કોઈ સમસ્યા ન હતી થઇ! મારા લીધે કોઈનું જીવન જોખમમાં ન હતું મુકાયું! મારા લીધે કોઈ અનાથ ન હતું બન્યું! કાશ…..! મેં કવિતાને એક છેલ્લીવાર મળવાનું કે ફોન કરવાનું ન વિચાર્યું હોત!!!

તેને એક પળ માટે થયું કે તેને હવે બધું છોડી દેવું જોઈએ, તેના લીધે મમ્મી મરી હતી, ત્યારબાદ કવિતાના મમ્મી પપ્પા અને જો એ નહિ પકડાય તો એ લોકો એની તલાશમાં હજુ કેટલા લોકોને નુકશાન પહોચાડશે એનો તો અંદાજ પણ આવી શકે તેમ ન હતો. તુષારને યાદ હતું તેના લીધે કેટલા ઘર સળગ્યા હતા. તેને થયું તેણે જાતે જ એમના હાથમાં પકડાઈ જવું જોઈએ અને આ હાઈડ એન્ડ સીકનો ખેલ ખતમ કરી નાખવો જોઈએ!

ના, હું એવું ન કરી શકું. તેના મને તેને બીજી જ પળે કહ્યું. હવે કવિતા મારા ભરોશે છે, એના મમ્મી પપ્પાએ તેને છેલ્લીવાર અમારા સાથે અમારી કારમાં બેસાડી હતી કેમ કે તેમને અમારા ઉપર ભરોષો હતો… કદાચ નિયતિ પણ એજ ઇચ્છતી હતી આથી જ તે તેના મમ્મી પપ્પા સાથે ફીયાટમાં ન હતી બેઠી.

તુષારે એક નજર કવિતા તરફ કરી, તેના વાળ વિખેરાયેલા હતા અને ચહેરા પર ઉદાસી ઘેરા વાદળોની જેમ છવાયેલી હતી!

“આપણે ક્યા છીએ?” કવિતાએ પોતાની મોટી અને ઉદાસ આંખોથી તુષારને તાકી રહેતા કહ્યું.

“વારાણસી…..”

“વારાણસી? આપણે વારાણસી શા માટે છીએ?”

“કેમકે આ એક જ સ્થળ એમનાથી સુરક્ષિત છે. આપણે અમુક સમય સુધી અહી જ રહેવું પડશે, કેમકે એ લોકો આપણો પીછો કરતા હોય એમ બની શકે. કમસેકમ એ લોકો કોણ છે એનો પતો ન લગાવીએ ત્યાં સુધી આ સ્થળ જ આપણા માટે સુરક્ષિત છે.” તુષારે કહ્યું.

“મને લાગે આપણે પોલીસ પાસે જવું જોઈએ અને તેમને બધી વાત કરવી જોઈએ. ડીટેક્ટીવ શર્માને આ બધું જણાવવું જોઈએ જેથી એ કઈક અંદાજ લગાવી શકે. એ લોકોને જેલના સળિયા પાછળ મોકલાવવા જોઈએ.” કવિતાએ કહ્યું.

“તને લાગે છે આમાં પોલીસ મદદ કરી શકે? એક તો એ લોકો કોણ છે એ આપણને ખબર નથી અને માની લો કે ખબર હોય તો પણ આટલું મોટું જાળું ધરાવનાર વ્યક્તિ, જે વ્યક્તિ પાસે વરસો સુધી તારા અને મારા પરિવાર પર નજર રાખવા માટે માણસો હોય, લોકોની હત્યા કરાવવા માટે માણસો હોય અને આ બધું નિભાવવા માટે રકમ હોય તેવા વ્યક્તિનું પોલીસ કાઈ બગાડી શકે તેમ તને લાગે છે? કદાચ તને ખબર નથી કે પોલીસ એવા લોકોના હાથમાં હોય છે અને તું એ પણ નથી જાણતી કે એ લોકોના હાથમાં આવવું કેટલું મોઘું પડી શકે છે?”

“તો શું કરીશું?”

“માત્ર છુપાવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી.” તુષારે કહ્યું.

“હું છુપાઈને ન રહી શકું, હું બદલો લેવા માંગું છું. મારા પાસે હવે બદલા સિવાય કોઈ ચીજ નથી રહી એ લોકો મારી પાસેથી બધું છીનવી ચુક્યા છે હવે એમનો વારો છે ગુમાવવાનો.” કવિતાની આંખોમાં ફરી આંસુ આવી ગયા.

“બદલો તો હું પણ ઈચ્છું છું, હું પણ એમને એમના કરેલ દરેક કામ માટે સજા આપવા ઈચ્છું છું પણ એ માટેય જીવતા રહેવું જરૂરી છે અને માની લો કે એમના એક બે માણસોને મારી પણ નાખીએ તોય જ્યાં સુધી મુખ્ય ગુનેગાર કોણ છે એ ન જાણી શકીએ તો એનો કોઈ ફાયદો નથી જ. તને લાગે છે કે જે આ બધું કરાવી રહ્યો છે તે વ્યક્તિ પોતે જ આપણો પીછો કરતો હશે કે તે પોતે જ લોકોની હત્યા કરવા બહાર આવતો હશે? ના, એવું ન હોઈ શકે તે વ્યક્તિ પોતે તો કોઈ સલામત જગ્યાએ રહી આ બધું કરવાનો આદેશ જ આપતો હશે. જો આપણે આદેશ માનનારા લોકોને મારી પણ નાખીએ તેનાથી કોઈ જ ફરક નથી પડવાનો કેમકે એની પાસે એવા ઘણા માણસો છે અને તે એવા બીજા માણસો પણ મેળવી શકે છે.” તુષારે કવિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો.

રીશીકુમારની કાર રસ્તા પર દોડી રહી હતી અને જાણે તેમની સાથે હરીફાઈમાં ઉતારેલ હોય તેમ ગંગા નદી પણ દોડી રહી હતી. તેના કિનારા પર વિસ્તરેલું વારાણસી દેખાઈ રહ્યું હતું. હજુ સુરજ ઢળવાને વાર હતી છતાં જાણે ચારે તરફ સંધ્યાના રંગો રેલાઈ ગયેલ હોય તેવું આકાશ દેખાઈ રહ્યું હતું. રીશીકુમારે કારને દુર તરફ દેખાતા એક જુના પુરાણા મંદિર તરફ ઘુમાવી.

“પપ્પા આપણે ક્યા જઇ રહ્યા છીએ?” તુષારે કહ્યું.

“એક મિત્ર પાસે, વારાણસીમાં મારા ઘણા એવા મિત્રો છે જે આપણી મદદ કરવા હંમેશાથી તૈયાર છે.”

“શું તેઓ ભરોસા લાયક છે?” તુષારનો પ્રશ્ન સાંભળી રીશીકુમાંરને ખુશી થઇ હતી, કદાચ તેમને લાગવા માંડ્યું હતું કે હવે તુષાર પહેલા કરતા વધુ સમજદાર અને સાવચેત થઇ ગયો હતો અને કેમ ન થાય? તેને જયારે મમ્મીને મરતા જોઈ ત્યારે તે માત્ર આઠ વરસનો હતો અને તેને એ ખયાલ પણ ન હતો કે તે કોઈ હત્યા હતી પણ એ દિવસે તેને બે માણસોને પોતાની આંખ સામે મરતા જોયા હતા અને એ તેને સાવચેત અને સમજદાર બનવા માટેનું પુરતું કારણ હતા એમ કહી શકાય.

“હા, એ ભરોષા લાયક છે, અલબત તેઓ તો એવું ઇચ્છતા હતા કે આપણે બંને કયારેય વારાણસી છોડીને ક્યાય જઈએ જ નહિ અને હમેશા તેમની સાથે સલામત રહીએ પણ એ બુક શોધવી હતી માટે વારાણસી છોડ્યા વિના બીજો કોઈ રસ્તો પણ ન હતો. આપણા માટે આ શહેર સલામત છે.” રીશીકુમારે કહ્યું.

“પપ્પા એ મિત્રો કેવા પ્રકારના છે શું તે સ્વામીને અટકાવવામાં આપણી મદદ કરી શકે તેમ છે?”

“હા, તેઓ આપણી મદદ કરી શકે બસ એ સ્વામી કોણ છે અને તે આ બધું કેમ કરી રહ્યો છે તે ખાતરી કરવી પડશે.” રીશીકુમારે કહ્યું.

“આ સ્વામી કોણ છે? તમે એનું નામ કઈ રીતે જાણો છો?” કવિતાએ નવાઈથી કહ્યું.

“સ્વામી કોણ છે અને તે શું ઈચ્છે છે એની તો ખબર નથી પણ જે લોકોએ તારા મમ્મી પપ્પાની કાર પર હુમલો કર્યો એમાના એકને પપ્પાએ પકડી લીધો હતો, તું એ સમયે બેભાન હતી. તેની પાસેથી બધું જાણવા માંગતા હતા કે તે કોના કહેવાથી આ બધું કરે છે પણ પપ્પા કાઈ સમજી શકીએ એ પહેલા તેણે માત્ર હું સ્વામી માટે મરવા પણ તૈયાર છું એટલું કહીને આત્મહત્યા કરી લીધી….! તેણે પોતાના જ હાથ વડે પોતાની ગરદન મરડી નાખી હતી.” તુષારે કહ્યું.

“ઓહ! માય ગોડ! કોઈ ખરાબ માણસની પાસે તેના માટે આટલી હદ સુધી જઈ શકે તેવા વફાદાર માણસો કઈ રીતે હોઈ શકે?” કવિતાના મોમાંથી ઉદગાર અને પર્શ્નાથ શબ્દો નીકળી પડ્યા.

“તેઓ વફાદાર નથી, તેમનું બ્રેઈન વોસ કરાયેલ હોય છે. તેઓ એક પ્રકારના પાગલ બનાવેલ માણસો હોય છે જે માત્ર કોઈ એક વ્યક્તિને પોતાનો ભગવાન માનવા લાગે છે અને તેના કહેવા મુજબ બધુ જ કરે છે, તેના માટે પોતાનો જીવ આપતા કે કોઈનો જીવ લેતા પણ અચકાતા નથી.” રીશીકુમારે કહ્યું.

કાર લગભગ મંદિર નજીક પહોચવા આવી હતી. આકશમાં સુરજ પણ તેમની કારની જેમ જ તેઝ ગતિએ આગળ વધ્યો હોય તેમ લાગતું હતું. લગભગ તે હવે ક્ષિતિજ પર રહેલ એક લાલ ગોળા જેવો લાગી રહ્યો હતો.

કાર મંદિરના મંડપથી જરાક દુર ઉભી રહી. એ મંદિર વિશાળ હતું. તેનું બાંધકામ જોતા તે અગિયારમી સદી આસપાસ બનેલ હોય તેમ લાગતું હતું. તેના ઘુમ્મટ પરથી ખ્યાલ આવતો હતો કે તેનામાં ઈરાની કે ગ્રીક સૈલીનું જરાય મિશ્રણ ન હતું એનો અર્થ એ હતો કે તે જરૂર કોઈ રાજા દ્વારા બાંધવામાં નહિ આવ્યું હોય કેમકે અગિયારમી સદી દરમિયાન રાજાઓમાં વિદેશી શૈલીમાં મંદિરો બાંધવાનું ઘેલું લાગેલું હતું.

રીશીકુમારે કાર પગથીયા જેવા એક બાંધકામ પાસે રીવર્ષમાં લઇ પુલ ઓફ કરી. તેઓ દરવાજો ખોલી બહાર આવ્યા અને તેમને અનુસરી કવિતા અને તુષાર પણ બહાર આવ્યા.

મંદિરમાંથી આવતો ઘંટારાવ સંભળાઈ રહ્યો હતો, મંદિરમાં સાંજની આરતી થઇ રહી હતી. કવિતા અને તુષાર રીશીકુમાર સાથે પગથીયા ચડવા માંડ્યા.

મંદિરમાં ખાસ ભીડ તો નહિ પણ છતાય લગભગ દસેક જેટલા માણસો તો હશે જ. કદાચ એ કોઈ જુનું મંદિર હતું અને ત્યાં લોકો ઓછા આવતા હશે નહિતર વારાણસી જેવા ધાર્મિક શહેરમાં લોકોની મોટી ભીડ ન હોય તેવું મંદિર શોધવું મુશ્કેલ હોય છે!

મંદિરમાં ઉભેલ દરેક વ્યક્તિ શ્રધ્ધાપૂર્વક આંખો બંધ કરી ભગવાન ભક્તિમાં લીન હોય તેમ લાગ્યું. રીશીકુમાર પણ એમની સાથે આંખો બંધ કરી જોડાઈ ગયા. તુષાર અને કવિતાએ પણ તેવું કરવાનો પ્રયાસ કર્યો પણ તેઓ કદાચ એમાં નિષ્ફળ રહ્યા તેઓ આંખો બંધ કરે તે સાથે જ તેમની બંધ આંખો સામે કારમાં રહેલ બંને મૃતદેહો તરવરવા લગતા હતા.

આરતી પુરી થતા એક પછી એક લોકો જાવા લાગ્યા. એ લોકો માત્ર ત્યાં આરતી સાંભળવા અને ભક્તિ ભાવને લીધે આવેલા હતા એટલે તેમનો ત્યાં વધુ રોકાવાનો કોઈ પ્રશ્ન જ ન હોતો. એમના માટે દુનિયા એ જ હતી જે તેઓ છેક થઈ જોતા આવ્યા હતા પણ કવિતા અને તુષાર માટે છેલ્લા કેટલાક સમયથી દુનિયા એકદમ બદલાઈ ગઈ હતી. તુષારનું તો હજુએ ઠીક તે તો રિશીકુમાર સાથે આમતેમ ભાગતો ફરતો હતો પણ કવિતાએ તો એ બધું ક્યારેય જોયું ન હતું. એણીએ ક્યારેય એવી કલ્પના પણ ન હતી કરી કે તેનું જીવન આમ એકાએક બદલાઈ જશે!!!!!
પણ કલ્પના ન કારવાથી શુ ફેર પડે છે? એનું જીવન છેલ્લા બાર કલાકમાં બદલાઈ ગયું હતુ. તે મમ્મી પપ્પાને ખોઈ બેઠી હતી અને સંદીપ તથા અન્ય સગાઓ સાથેનો સાથ તો ક્યારનોય છૂટી ગયો હતો. તે રિશીકુમાર અહીં શા માટે આવ્યા છે તે વિચારી રહી હતી.
“આનંદ ક્યાં છે?” આરતીની ઝાલર મશીન બંધ કરતા પંડિત પાસે જઈ રિશીકુમારે પૂછ્યું.
“રિશી, તું? આ બાજુ ક્યાંથી ભૂલો પડ્યો?” પંડિતે ઝાલર મશીનની સ્વીચ બંધ કરતા કહ્યું.
“એ બધી વાત ફરી ક્યારેક. મારી પાસે એટલો સમય નથી મારે આનંદને આકસ્મિક મળવું પડે તેમ છે. તે ક્યાં છે?” રિશીકુમારની ઉતાવળ તેમના શબ્દોમાં દેખાઈ રહી હતી.
‘ક્યાં હોય? તારા જેમ જ હજુ એક જ ચીજ ઉપર એ વળગીને રહ્યો છે. ગુરુજીના આશ્રમને એ ગુરુજીના અવસાન પછી પણ બંધ થવા દેવા માંગતો નથી એ માટે અદાલતના ધક્કા ખાઈ રહ્યો છે.”
“ગુરુજી ક્યારે દેવલોક પામ્યા ?”
“એકાદ વર્ષ જેટલો સમય થવા આવ્યો. તેમના મૃત્યુબાદ એ સ્થળ જ્યાં આશ્રમ હતો એ એક ઉધોગપતિની નજરે ચડી ગયું છે એ ત્યાં કોઇ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાના બહાને એ જમીન પચાવી પાડવા માંગે છે અને આનંદ તેને એમ કરતાં રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે.”
“તો શું એ આશ્રમ બંધ છે?” રિશીકુમારે પૂછ્યું.
“ના, આનંદ ત્યાં કેટલાક અનાથ બાળકોને રાખીને તેમને યોગ અને જૂની વિધાઓ શીખવી રહ્યો છે.”
“આભાર” રીશુંકુમારે કહ્યું અને તુષાર તરફ જોયુ, “લેટ્સ ગો કિડ્સ વી હેવ ટુ મેક સમ હરી.”
“શુ વાત છે રિશી આટલી ઉતાવળમાં કેમ છે? તારી સાથે છે એ લોકો કોણ છે? શું આ યુવક તુષાર છે?” પંડિતે કહ્યું.
“દત્ત ફરી ક્યારેક એ લોકો સાથે પરિચય કરાવીશ. અત્યારે સમય નથી.” રિશીકુમારે પગથિયાં તરફ આગળ વધતાં કહ્યું.
“વાહ અજીબ ઉતાવળમાં છે આ માણસ.” રિશીકુમારની પાછળ પગથિયાં ઉતરતા કવિતા અને તુષારને કાને પંડિતના એ શબ્દો પડ્યા પણ એમ લાગતું હતું જાણે રિશીકુમારે એ સાંભળ્યું જ ન હોય અથવા તો તેઓ બહુ ઉતાવળમાં હતા કે એનો જવાબ આપવા ઉભા રહેવું તેમને પરવડે તેમ ન હતું.

રિશીકુમાર ફરી કારની ડ્રાયવર સીટ પર ગોઠવાયા અને કવિતા તથા તુષારે બેક સીટમાં બેસવાનું પસંદ કર્યું કેમકે તેઓ જાણતા હતા કે તેઓ વારાણસીના રસ્તાઓથી પરિચિત  ન હતા અને કયા આશ્રમે જવાનું છે એ પણ તેઓ જાણતા ન હતા માટે રિશીકુમાર કાર ચલાવે તે જ યોગ્ય હતું.
“પપ્પા આ આનંદ કોણ છે?”  કાર મંદિરથી થોડેક દૂર પહોંચી હશે તે સમયે તુષારે પૂછ્યું.
“તું નહિ ઓળખે. તું બહુ નાનો હતો ત્યારે તે એને જોયેલ છે પણ તને હવે યાદ નહિ હોય.” રિશીકુમારે કહ્યું.
“શુ તે મદદ કરી શકશે?” તુષારે કહ્યું.
“હા, કરી શકશે અને જો તે નહિ કરી શકે તો પછી આ દુનિયામાં કોઈ આપણી મદદ નહિ કરી શકે. પ્લીઝ હવે મને વધુ સવાલો ન કરીશ મને વિચારવા માટે થોડાક સમયની જરૂર છે.”
“ઓકે પપ્પા.” તુષારે કહ્યું અને તે કવિતાના ઘરથી મળેલ કાગળોને એકબાદ એક કરી જોવા લાગ્યો.
“કવિતા તારી અને મીના બહેનની મુલાકાત પ્રથમ વખત ક્યારે થઈ હતી?” થોડાક કાગળ ઉલ્ટાવ્યા બાદ તુષારે પૂછ્યું.

“૨૦13માં લગભગ જુન મહિનામાં અમારી મુલાકાત થઇ હતી. સંદીપ અને મારા વચ્ચે મીત્રતા થઇ જયારે અમે આઠમાં ધોરણમાં ભણતા હતા ત્યારે. સંદીપ અને અમે પહેલીવાર મળ્યા બાદ અમને ખબર પડી કે અમે એક જ વિસ્તારમાં રહેતા હતા. એણે મને ઘરે આવવા માટે નિમંત્રણ આપ્યું અને મારી મુલાકાત મીનાબેન સાથે થઇ.”

“પપ્પા, વિચાર પુરા થયા હોય તો હું કૈક કહેવા માંગું છું.” તુષારે રીશીકુમાર તરફ જોઈ કહ્યું.

“શું?” રીશીકુમારે પાછળ જોયા વિના જ કહ્યું.

“એ જ કે કવિતા અને મીનાબેનની પ્રથમ મુલાકાત ૨૩૧૩માં થઇ હતી પણ મીનાબેન કવિતાને ૨૦૧૩ પહેલાથી ઓળખાતા હતા.” તુષારે કહ્યું.

“વોટ? તેઓ મને પહેલેથી કઈ રીતે ઓળખી શકે?” કવિતાના મોમાંથી ઉદગાર શબ્દો સરી પડ્યા.

રીશીકુમાંરને પણ જાણે એ વાત મહત્વની લાગી હોય તેમ તેમણે કારને ધીમી કરી અને રોડની સાઈડ પર પુલ ઓફ કરી.

“એવું તું કઈ રીતે કહી શકે?” કારનું એન્જીન બંધ કરતા કહ્યું.

“આ આર્ટીકલમાં લખ્યા મુજબ. આ આર્ટીકલ ફેઈલ આર્ટીકલમાં હતો તેની નીચે ૨૦૧૨ની તારીખ લગાવેલ છે અને એમાં એમણે લખ્યું છે કે આ પ્રયોગ મેં સંદીપ અને કવિતા પર કર્યો હતો પણ હું એમાં નિષ્ફળ રહી હતી. ફોટો ક્રોમિક મેમરી માટે વપરાતી ટેકનીક પ્રીકોગ્નીજેઝેશનમાં જરાય લાભદાયક નીવડતી નથી.” તુષારે કાગળમાનો ડેતા વાચી સંભળાવ્યો.

રીશીકુમારે એ કાગળ પોતાના હાથમાં લીધો અને તેને ધ્યાન પૂર્વક જોવા લાગ્યા.

“પણ એવું કઈ રીતે શક્ય છે હું મીના બહેનને ૨૦૧૩મા મળી હતી એ પહેલા અમારી મુલાકાત ક્યારેય થઇ જ નથી તો તેમણે મારા અને સંદીપ પર કોઈ પ્રયોગ ૨૦૧૨મા કર્યો હોય તે કઈ રીતે શક્ય છે?” કવિતાએ મૂંઝાઈ ગઈ.

“કસ્તુરી જાયતે કશ્માત કો, કો હંતી હરિના ફૂલમ, કી કુર્યાત કાતરો યુધ્ધે, મૃગાત સિહ પલાયનમ. તે આ શબ્દો ક્યારેય સાંભળ્યા છે.” રીશીકુમારે કવિતા તરફ જોઈ કહ્યું.

“હા, મેં આવા ઘણા સંસ્કૃતના પહેલી પ્રશ્નો વાંચ્યા છે.”

“તો શું તું એનો અર્થ જણાવી શકીશ?”

“કેમ નહિ? પણ એને અહી શું લેવા દેવા હોઈ શકે?” કવિતા હજુ મૂંઝાયેલ હતી.

“લેવા દેવા છે. તને બધું સમજાઈ જશે બસ તું કૂટપ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કર.” રીશીકુમારે કહ્યું.

“કસ્તુરી જાય તે કસ્માત કો અર્થાત કસ્તુરીની સુવાસ ક્યાંથી આવે છે? કો હંતી કરીના ફૂલમ અર્થાત કોણ હાથીઓના ટોળાને હણી શકે છે? અને કી કુર્યાત કાતરો યુધ્ધે અર્થાત કાયર યુધ્ધમાં શું કરે છે? જયારે છેલ્લે ત્રણ શબ્દો મૃગાત એટલે કે કસ્તુરી મૃગ એ પહેલા પ્રશ્નનો જવાબ છે જયારે સિહ એ બીજા પ્રશ્નનો જવાબ છે અને પલાયનમ એટલે કે નાશી જાય છે તે અંતિમ એટલે કે ત્રીજા સવાલનો જાવાબ છે.” કવિતાએ કહ્યું.

“બસ, સંસ્કૃત કોડ અને એને ડેસીફર કરવાની પ્રાચીન તકનીક કે જે સંસ્કૃતના કેટલાક કોયડાઓમાં જોવા મળે છે તે જ ટેકનીકનો ઉપયોગ મીનાબેને કર્યો છે! એમણે નકામા પ્રયોગોમાંથી જે પ્રયોગમાં સાચી રીત વર્ણવેલી હતી તેને માત્ર તું જ ઓળખી શકે તે માટે તેનામાં ઉલ્લેખ કર્યો કે તે પ્રયોગ તેમણે તારી હાજરીમાં કર્યો હતો જેથી એ કાગળ હાથમાં આવતા જ તને કઈક અજુગતું લાગે કે તેઓ મને ૨૦૧૨મા ઓળખતા જ ન હતા તો એમણે મારા પર કે મારી આંખો સામે એ પ્રયોગ કઈ રીતે કર્યો હોઈ શકે? અને માનીલો કે એ આર્ટીકલની ફાઈલ કોઈ અન્ય વ્યક્તિના હાથમાં આવે તો તેને ક્યારેય અંદાજ ન આવી શકે કે એમાંથી સાચો આર્ટીકલ કયો છે. એ કોયડાનો ઉકેલ એ આર્ટીકલમાં જ આપેલ છે કેમકે તું મીનાબેનને ક્યારી મળી હતી એ માત્ર તું જ જાણતી હોય.” રીશીકુમારે કહ્યું.

“તો હવે શું કરવું જોઈએ? શું આપણે તેમના એ પ્રયોગની મદદથી દુશ્મનો સામે લડી શકવા સક્ષમ છીએ?” કવિતાએ કહ્યું.

“હું સમજી શકું છું કે તું બદલો લેવા ઉતાવળી થઇ રહી છે પણ દીકરા બદલો એ અંધકારમય માર્ગ છે જ્યાં જવું તો સરળ છે પણ ત્યાંથી પાછા ફરવું મુશ્કેલ છે.” રીશીકુમારે કહ્યું.

“તો બીજું હું કરી પણ શું શકું?” કવિતાએ કહ્યું.

“તું બધું ઠીક કરી શકે છે. બસ આપણે એક સલામત સ્થળે જવાનું જ્યાં આ પ્રયોગમાં બતાવેલ સિધ્ધાંત મુજબ કામ કરી શકીએ.”

“બધું ઠીક મતલબ?” કવિતાએ કહ્યું.

“આ આર્ટીકલમાં મીનાબેને આમ જ ૨૦૧૨નો ઉલ્લેખ નથી કર્યો. અહી જે તારીખ અને મહિનાનો ઉલ્લેખ કરાયો છે જે સમયનો ઉલ્લેખ કરાયો છે એ બધું જ મહત્વ ધરાવે છે.”

“હું કાઈ સમજી નહિ?”

“હું પણ?” તુષારે કહ્યું.

“મીનાબેને એ બધા નિષ્ફળ પ્રયોગોમાં એક સાચો સિધ્ધાંત છુપાવીને રાખ્યો હતો. એમને જાણ હતી કે તેમની સાથે શું થવાનું છે તેમને ખબર હતી કે તેમની હત્યા થવાની છે તેમને એ પણ ખબર હતી કે આપણે આમ અહી કારમાં બેઠા હોઈશું અને આપણા હાથમાં એમનો એ આર્ટીકલ હશે. તેઓ જાણતા હતા કે આપણે તેમના કોડને ડેસીફર કરવામાં સફળ થઈશું અને એમના સીધ્ધાત મુજબ કવિતા ભૂતકાળમાં જઇ શકે તે માટે એમણે કવિતાને દરેક તાલીમ આપી છે, બસ કવિતાને એ વાતની ખબર જ નથી કે તેને ફોટોક્રોમિક મેમરી આપવાના બહાને તેને આપાયેલ બધી જ તાલીમ ભૂતકાળમાં જતી વખતે તેના મન પર કોઈ અસર ન થાય તે માટેની હતી. તેમણે પોતાના આ આર્ટીકલમાં ભગવાન શ્રી કૃષ્ણે ભાગવત પુરાણમાં વર્ણવેલ યોગની પાંચ સિધ્ધિઓમાની એક સિદ્ધીનો ભેદ ઉકેલી આપેલ છે.” રીશીકુમારે કહ્યું.

“કઈ સિદ્ધિ?”

“દેવાનામ સહ ક્રીડા અનુંદર્શાનામ. ભગવાને આ સિદ્ધિને વર્ણવતા કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ આ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે તો તે ભૂતકાળમાં જઈ દેવોએ કરેલી કીડાઓ જોઈ શકે છે અને તેમાં ભાગ પણ લઇ શકે છે મતલબ કે તેની મદદથી ભૂતકાળમાં જઇ પણ શકાય છે અને ભૂતકાળમાં ફેરફાર પણ કરી શકાય છે.”

“યુ મીન વી કેન પાર્ટીસીપેટ ઇન પાસ્ટ ટાઇમ ઓફ ગોડ એન્ડ વી કેન વિટનેસ પાસ્ટ ટાઈમ ઓફ ગોડ…..!!!!!!” તુષારે કહ્યું.

“હા.”

“મતલબ બધું ઠીક થઇ શકે છે?”

“હા. જો આપણે કેટલાક રહસ્યોને સમજવામાં સફળ થઈએ તો….!”

“કેવા રહસ્યો?” કવિતાએ કહ્યું.

“બસ પહેલા આપણે આશ્રમ પહોચી જઈએ ત્યારબાદ બધું સમજાવીશ કેમકે બધું ઠીક કરવા માટે આપણે આ બધું કોણે કર્યું છે એ પતો લગાવવો પડશે, આ થીયરીને પ્રેકટીકલ રૂપ આપવા માટે આપણે આનંદની જરૂર પડશે.”

“હા, પણ જો હું ભૂતકાળમાં જવામાં સફળ રહું તો કોણ કાતિલ છે એ પતો લગાવવો ખાસ મુશ્કેલ કામ નથી.” કવિતાએ કહ્યું.

“ના, કવિતા તું અહી ભૂલ કરી રહી છે. આ બધું જ જ્ઞાન મીનાબેનને હતું તેઓ ધારોત તો ભૂતકાળમાં જઇ પોતાની હત્યાના દિવસને રોકી શકોત કે કોણ તેમની હત્યા કરવાનું છે તે જોઈ શકોત, કદાચ તેમને એવું કર્યું પણ હોય અને એમાં સફળતા ન મળી હોય અને એનો અર્થ એ છે કે હત્યારા પાસે પણ કોઈ યોગિક સિદ્ધિ છે જેને પહોચી વળવામાં જો ક્યાય ગફલત થાય તો બધું કરેલું કાવેલું માથે પડી શકે છે. આપણે મીનાબેનને આપેલ તારીખ અને સમય મુજબ ભૂતકાળમાં જવું પડશે અને હત્યાઓનો ભેદ ઉકેલવો પડશે કેમકે કઈક આપણે ધારીએ તેનાથી મોટું છે નહીતર યોગની આટલી મોટી સિદ્ધિ ધરાવતા મીનાબેન જેવા વ્યક્તિને કોઈ કઈ રીતે મારી શકે?” રીશીકુમારે કહ્યું.

“હા, પપ્પા તમારી વાત સાચી છે કવિતાને ભૂતકાળમાં મુકવાનું જોખમ ન લઇ શકીએ. હું ભૂતકાળમાં જઈશ.” તુષારે કહ્યું.

“એ શક્ય નથી….”

“કેમ?”

“કેમકે માત્ર એ સિદ્ધિનો ઉપયોગ કરી ભૂતકાળમાં જવા માટે કવિતાના મનને જ સક્ષમ બનાવવામાં આવેલ છે કોઈ પણ સામાન્ય વ્યક્તિ તેનો ઉપયોગ કરી નથી શકતો. અને આમેય તેઓ ઇચ્છતા હતા કે કવિતા ભૂતકાળમાં આવે તેનું જરૂર કોઈ કારણ હશે.” રીશીકુમારે કહ્યું.

“હા, હું જ ભૂતકાળમાં જઈશ.” કવિતાએ પણ મક્કમપણે કહ્યું, તે ન હતી ઈચ્છતી કે રીશીકુમાર તુષારને ભૂતકાળમાં મોકલી તેના જીવનને જોખમમાં મુકે.

“હા, પહેલા આશ્રમે પહોચીએ ત્યાં જઇ આગળ શું કરવું તેની ચર્ચા કરીશું.” કહેતા રીશીકુમારે એન્જીન સ્ટાર્ટ કર્યું અને કાર ફરી તેજ ગતિથી વારાણસીના રસ્તા પર દોડવા લાગી.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ક્રમશ: વધુ આવતી કાલે…..

One Reply to “સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -15)”

  1. Tamari story nu ek prakar nu vyasan thai gayu chhe … Ek divas pan part vachava no rahi jay to Chen padatu nathi.. Nice & interesting story…. Kya thi lavo chho badhi mahiti.. So nice of you…..

Comment here