maru-balapan-short-story

મારુ બાળપણ ! 

એ સમયે હું સાતમા ધોરણમાં હતો. નાનકડું ગામ અને ગામની વચ્ચો વચ્ચ નાનકડી અમારી શાળા. બારથી પાંચનો શાળાનો સમય.

સવારે જાગતો એટલે દાતણ કરીને ચકલીએ ન્હાવા જવાનું. ચકલીથી પાછા આવીએ એટલે શરીર લુછવા ટુવાલની જરૂર જ ન પડતી. ચકલીથી ભીના કપડાં વાળીને હાથમાં લઈ લૂંગીમાં જ વટથી ઘર સુધી જવાનું. એકલા બાળકો જ નહીં મોટેરા પણ એમ જ કરતા.

ઘરે જઈને શાળાનો ગણવેશ પહેરવાનો. માથામાં વઘાર કરવા જે તેલ હોય એ જ તેલ ચોપડવાનું. મારા ઘરે તો સીંગ તેલ જ વધારે વપરાતું. ઘણીવાર તો જોખમ ઉઠાવવું પડતું. એક તરફ લેશન બાકી હોતું એ પૂરું કરવાની ઉતાવળ હોતી અને બીજી તરફ વાળ સુકાતા હોય એની ચિંતા ને એમાંય જે દિવસે બા વલોણું કરતી હોય ત્યારે એ જોખમ લેવું જ પડતું.

તેલની કોઈ બાટલી બીજી તો હોતી જ નઈ આખું પાંચ કિલોનું ડબલુ બા ના વઢવાના જોખમે વાળીને હથેળીમાં ખપ જેટલું તેલ કાઢવું એટલે એ સમયે મારા માટે  નાકની નથ માંથી તિર કાઢવા જેવી વાત હતી.

જો જરાક હાથ હલે તો ઓસરી આખી તેલની મિજબાની માણે અને બા ની સોટી મારી ચામડીની! એક બે વાર તો મેં તેલ ઢોળી પણ નાખ્યું હતું. બા રોજ કહેતી કે આ વલોણું કરીને તેલ આપું તો શું વહી જાય? બા ને ક્યાં ખબર હતી કે લેશન અધૂરું રહી જાય તો ગીતા બેન આખા શરીરનું લોહી કાઢી નાખે!

ગીતા બેન એટલે આમ ક્યારેય હાથ ન ઉપાડે.. બસ બે રૂપિયા રૂપિયાના સિક્કા રાખે અને ચડ્ડી માંથી ખુલ્લી દેખાતી સાથળ ઉપર એ બે સિક્કા વચ્ચે ચૂંટીયો ભરે એટલે ત્રણ દિવસ જાણે લંગડા ચાલો!

તેલ નાખીને અરીસામાં જોયા વગર જ વાળ ઓળી ને લખવા મંડી પડવાનું. લેશન પૂરું ન થાય ત્યાં સુધી ભલે બા ગમે એટલી વાર જમવાનું કહે હું ઉભો ન જ થતો. લેશન પૂરું થાય એટલે હાશકારો થાય. પછી જ જમવાનું. ઘણીવાર તો લખતા લખતા જ શાળાનો ઘંટ સંભળાતો. એ દિવસે તો ફટાફટ ચોપડા દફતરમાં ભરીને ખાધા વગર જ બનનાટ કરતા શાળાએ દોડી જવાનું.

હાંફતા હાંફતા પ્રાર્થનામાં બેસવાનું. અમારી શાળામાં ભગી કે રમી પ્રાર્થના ભજન અને ધૂન ગાતી. બન્ને નો અવાજ મધુર હતો એટલે એ બે જણી જ ગાતી. ભાગ્યે જ એ બે માંથી એકેય હાજર ન હોય એ દિવસે કોઈ ત્રીજી છોકરીનો અવાજ સંભળાતો.

પ્રાર્થનામાં પણ ભરત અને જેન્તી તો અર્ધી આંખ ખોલીને પૂછતાં અલ્યા વીનું તારું લેશન પૂરું છે? ને પછી ધબબ કરતો અવાજ સંભળાતો. સ્નેહલતા બેનનો હાથ જેન્તીની પીઠમાં પડ્યો છે એ સમજ આવી જતી એટલે જોર જોરથી પ્રાર્થના ગાવા લાગતા.

પ્રાર્થના પતે એટલે શાળાના દરવાજે મોટા લીંબડા નીચે અમારો વર્ગ હતો ત્યાં ગોઠવાઈ જવાનું. જો લેશન પૂરું હોય તો આગળની હરોળમાં નહિતર પછી પાછળ ક્યાંક મોટા શરીરવાળા છોકરાની પાછળ બેસવાનું એટલે જટ સંગીતાબેનને નજરે ન ચડીએ!

સંગીતાબેન પણ કેવા ચાલક હતા મને ક્યારેય ફાવવા ન દેતા! જે દિવસે હું પાછળ બેસતો એ દિવસે મને જ ઉભો કરતા ને કહેતા, “બતાવ લેશન.” ને જે દિવસે હું આગળ બેસતો એ દિવસે મને પૂછતાં જ નહીં! પછી તો મેં પણ એક તરકીબ કરેલી જે દિવસે લેશન બાકી હોય એ દિવસે પણ હું આગળ બેસતો. પણ કેમ જાણે મારા દફતરમાંથી અધૂરા લેશનની કાચી સુગંધ ગીતા બેનને આવતી કે પછી મારો ચહેરો ચાડી ખાઈ જતો પણ હું પકડાઈ જ જતો.

ગીતા બેનની માર પડી હોય તો એ દિવસે રીસેસ સુધી તો ચૂપચાપ જ બેસવાનું થતું. રીસેસ પછી જ પેલી સિક્કાની છાપ આછી થતી!

બધાનું લેશન જોયા પછી ગીતા બેન ગણિત ભણાવતા. ગણિતમાં મને ખબર પડતી ને એક રેવા પટેલની મંજુને બાકી બધા તો સાવ ખાલી હા હા કરતા. ઘણીવાર તો ગીતા બેન ગણિતના દાખલા સમજાવી સમજાવીને થાકી જતા પણ અમારા માંથી એકેય ને સમજ ન પડતી. છેવટે ગીતાબેન ગુજરાતીમાં પાઠ ચાલુ કરતા. અમને પણ એ જ વિષય વધુ ગમતો કેમ કે એમાં એવી સરળ વાતો જ સાંભળવાની હોતી. એમાંય ‘આવ ભાણા આવ’ પાઠ ચાલતો ત્યારે તો મજા પડી જતી.

બસ એમ જ આખો દિવસ અમારો જતો. સાંજે કોઈ ગાયના પૂંછડા આમળતા અમે ઘરે આવતા. ઘરે આવીને છાસ ને સવારનો રોટલો ઝાપટવા બેસી જતા. તાજી છાસ ને સવારનો દોટલો મને તો આજની પાઉભજી કરતા પણ મીઠો લાગતો. છાસમાં જીરું નાખીને બે વાટકા છાસ પી જતો.

ફટાફટ ખાઈને પછી મેદાનમાં દોડી જવાનું. જેન્તી, રમેશ, ભરત એ બધાને તો કિધેલું જ હોય. બધા તૈયાર જ હોય. હું પહોંચું એટલે સાત તાળીની રમત ચાલુ થઈ જાય. અમારે તો કોઈ જાતના ભેદભાવ નો’તા. મંજુ, રમી, ચકી, ભારતી બધીયે છોકરીઓ અમારા હારે જ રમતી! ઘણીવાર તો અમે ઝઘડતાંય ખરા. રમીને તો એકવાર મેં ચોટલે પકડીને મેદાનમાં ઘસડી હતી!  છતાંય એણીએ બીજા દિવસે મને શાળામાં ગીતા બેનની માર ખાતા બચાવ્યો હતો!

રમતા રમતા અંધારું થાય એટલે બા અને બાપુના બરાડા ચાલુ થઈ જતા. બીજી તરફ ભાઈબંધોના બા બાપુના ય સાદ સંભળાતા એટલે બધા છુટ્ટા પડતા. ભારતીનું ઘર થોડુંક આઘુ હતું એટલે એને જેન્તી મુકવા જતો કેમ કે એ ભૂતથી બીતી.

ઘરે જઈને હાથ પગ ધોઈ વાળુંએ બેસતા એટલે બાપુ પૂછતાં આજે શુ શીખ્યા? ને હું ગુજરાતી કે હિંદીનો આખો પાઠ બા બાપુને રાગ ઢાળ સાથે લલકારી સંભળાવતો. બાપુ ખુશ થઈને બંડીના ખિસ્સામાંથી રૂપિયાનો એક સિક્કો કાઢીને દઈ દેતા!

વાળું પતાવીને હું મેદાનમાં મારો ખાટલો લઈને જતો. આકાશના તારા દેખતો દેખતો પાથર્યા કે ઓઢયા વગર જ ક્યારે ઊંઘી જતો એ ખબર ન રહેતી. પણ સવારે જાગતો ત્યારે મારે કાયમ એક ચાદર ઓઢેલી જ હોતી!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here