જીવાનો જીવ…..

જીવાનો જીવ…..

 

જીવો મરી ગયાને બબ્બે મહિના થઈ ગયા હતા પણ યમરાજ એના આત્માને ક્યાંય શોધી શક્યા નહી! નારદ મુનિએ આ વાત જઈને વિષ્ણુ ભગવાનને કરી એટલે સ્વયં વિષ્ણુ યમરાજા પાસે જઇને ફરિયાદ કરવા લાગ્યા.

“યમરાજ, શુ એ સત્ય છે કે જીવાનો આત્મા હજુ દેવલોક નથી પહોંચ્યો?”

“જ…જી…. પ્રભુ.” યમરાજે નીચું જોઈને જરાક ગભરાતા સ્વરે કહ્યું.

“હે યમરાજ, આ વિલંબ કેમ? જાઓ અને એ આત્માને દેવલોક લઈ આવો.”

“પ્રભુ, જીવો ભૂત બનીને ભમવા માંગતો હશે તો?”

“ના, એ શક્ય નથી. જીવો માનવ રૂપે એક ઉચ્ચ કક્ષાનું જીવન જીવ્યો છે. દયા, પ્રેમ અને ધર્મ જીવાના લક્ષણો હતા. એ પવિત્ર આત્મા ભૂત બનવા તૈયાર ન જ થાય.” વિષ્ણુએ મક્કમતાથી કહ્યું.

“હા એ પણ છે પ્રભુ!”

“હમમમમ. જીવાના પવિત્ર આત્માને લઈ આવો યમદેવ.”

યમરાજા અને વિષ્ણુની ચર્ચા પુરી થઈ એટલે યમરાજાએ પૃથ્વી ઉપર જવાની તૈયારી કરી દીધી. પોતાના વિમાનમાં બેસી યમરાજ ઉપડતા હતા ત્યાં જ ચિત્રગુપ્ત આવ્યા અને કહ્યું, “પ્રભુ! મને તમારા વગર નહિ ગમે, આજ્ઞા હોય તો હું તમારી સાથે આવું?”

“ચિત્રગુપ્ત, ક્યારેક તો મને એકલો જવાદો!” યમરાજાએ હસીને કહ્યું.

યમરાજા આનંદિત લાગ્યા એટલે ચિત્રગુપ્ત પણ રાજી થઇ ગયા’ “પ્રભુ! તમારા વગર તો મને એક પળ પણ ફાવે નહિ!”

યમરાજાએ હસીને વિમાનને પૃથ્વી તરફ જવાનો આદેશ આપ્યો, “હે વિમાન મને અને ચિત્રગુપ્તને પૃથ્વી ઉપર લઇ જા.”

યમદેવનો આદેશ સાંભળતા જ વિમાન પૃથ્વી તરફ જવા લાગ્યું. કાળા ધોળા વાદળોને ચીરતું વિમાન પૃથ્વી નજીક આવી ગયું એટલે યમરાજાએ કહ્યું, “હે વિમાન, આ પૃથ્વી ઉપર ભારત નામનો એક દેશ છે.”

યમરાજા પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ વિમાન બોલ્યું, “સતી સાવિત્રીના વખતે જ્યાં ગયા હતા એજ ભારતને?”

“હા, બિલકુલ એજ ભારત, ત્યાં એક ગુજરાત નામનો પ્રદેશ છે અને એ પ્રદેશમાં પટેલોનું એક સુખી નગર છે! એનું નામ છે મહેસાણા મને અને ચિત્રગુપ્તને ત્યાં લઇ જા.”

વિમાન તરત જ ભારત ઉપર એક ચક્કર મારીને ગુજરાતના મેહસાણા નગરમાં આવીને ઉતર્યું! યમરાજ અને ચિત્રગુપ્ત બેય નીચે ઉતર્યા. યમરાજે વિમાનને ફરી આદેશ આપ્યો, “હું જયારે આદેશ આપું ત્યારે આવજે ત્યાં સુધી તુ ભારતભ્રમણ કર.”

વિમાન ઉડી ગયું.

“પ્રભુ જીવાનું નિવાસ સ્થાન ક્યાં છે?”

“નિવાસ સ્થાન તો નજીક જ છે, ત્યાં હું જઈને આવ્યો છું પણ જીવનો આત્મા મળ્યો નથી.”

“તો જીવની કોઈ ઈચ્છા અધુરી રહી ગઈ હશે તો એ ઈચ્છા આપણે જાણવી પડશે.”

“હા ચિત્રગુપ્ત પણ ઈચ્છા જાણવા માટે આપણે જીવન ઘરવાળાને પૂછવું પડે જેના માટે આપને દ્રશ્યમાન થવું પડે આ દેવ સ્વરૂપે માનવ આપણને જોઈ ન શકે.”

“તો વિલંબ કેવો? થઇ જાઓ પ્રગટ.”

યમરાજ મહેસાણાની બજારમાં એકાએક પ્રગટ થઇ ગયા એમની પાછળ ચિત્રગુપ્ત પણ પ્રગટ થઇ ગયા. લોકો બંનેને જોવા લાગ્યા! માથે મુકુટ, શરીર ઉપર સોનાના ઘરેણા અને હાથમાં ગદા અને પાસે એવા જ ચિત્રગુપ્તને જોઇને લોકો એમને જ જોવા લાગ્યા!

લોકોની નજર ફગાવી બેય આગળ ચાલ્યા ત્યાં એક શાળા આવી. બંને ને જોઇને બાળકો આજુબાજુ ટોળે થઇ ગયા! ઘડીભાર બાળકો ચુપ રહ્યા પણ પછી એકે કહ્યું, “કાકા ક્યાં આવ્યું છે સર્કસ? રાતનો સો છે?”

યમરાજ ક્રોધિત થઇ ગયા પણ બાળકો નાના હતા એટલે કઈ કહ્યા વગર આંખો બતાવી આગળ ચાલતા થયા! થોડે આગળ જતા ચિત્રગુપ્તે એક સુજાવ આપ્યો “પ્રભુ! આ વસ્ત્રો અને સસ્ત્રોની સાથે તો આપણને કોઈ માનવ પ્રત્યુતર નહિ આપે.”

“તો શું કરીએ ચિત્રગુપ્ત? આ માનવો એ નાટકો ભજવી ભજવીને આપણને બદનામ કરી દીધા છે!”

“એક ઉપાય છે પ્રભુ.” ચિત્રગુપ્તે હસીને કહ્યું, “માનવ આપણા જેવો બને છે તો આજે આપણે માનવ જેવા બનીએ!”

“એટલે?”

“એટલે પ્રભુ સામે જ રેડીમેડ શો-રૂમ છે.”

“ચિત્રગુપ્ત? અશક્ય છે એ, આ લિબાસ મારી પહેચાન છે, આ ગદા મારું હથિયાર છે.”

“એ જ તો સમસ્યા છે પ્રભુ, જો તમે આ લિબાસમાં જશો તો જીવાના ઘરવાળા તમને જવાબ નહિ આપે અને જો તમે યમરાજ બનીને પ્રગટ થશો તો કદાચ શક્ય છે કે સતી સાવિત્રીની જેમ જીવાની વહુ પણ…….”

યમરાજ વિચારમાં પડી ગયા.

“વિચાર વિમર્શ મારા ઉપર છોડી દો પ્રભુ! તમે નિર્ણય ઉપર આવો…..”

થોડીવાર વિચારીને યમરાજા શો-રૂમ તરફ પગ ઉપડ્યા….

થોડીવારમાં યમરાજ અને ચિત્રગુપ્ત બંને તદ્દન માનવ રૂપ લઈને બહાર નીકળ્યા…..!!!!! બંને પેન્ટ અને શર્ટમાં બહાર આવ્યા. ગદા પણ અદ્રશ્ય કરી દીધી.

“વાહ પ્રભુ! હવે તમને બધા માનવ જ સમજશે.”

બંને જીવાના ઘર તરફ જવા લાગ્યા. હવે કોઈ એ બંનેને ઘુરતું નહોતું!

થોડી જ વારમાં એક પોળ આવી….. યમરાજાએ જોયું એક નાનકડું બે રૂમ વાળું મકાન દેખાયું. ચિત્રગુપ્તને ઈશારો કરીને કહ્યું, “આ છે જીવાનું નિવાસ સ્થાન.”

“પ્રભુ! જીવો ગરીબ લાગે છે એટલે એનો જીવ ક્યાંક પૈસામાં રહી ગયો હશે!”

“મને પણ એવું જ લાગે છે ચિત્રગુપ્ત.” કહી યમરાજ આગળ વધ્યા.

જીવાના ઘરમાં ગયા એટલે બારણે જ દસેક વર્ષનો જીવાનો દીકરો મંગુ ઉભો હતો.  મંગુ એ બે માણસોને આવેલા જોઇને બુમ મારી, “મા, આ બે જણ આપણા ઘેર આવ્યા હ…..”

મંગુનો અવાજ સાંભળી તરત જીવની વહુ બહાર આવી. “કોનું કોમ હ ભૈ?”

“જીવા……”

“ઈ તો ગુજરી ગયા હ.” યમરાજને વચ્ચે જ અટકાવી એ બોલી.

“જીવાની કોઈ ઈચ્છા…..” યમરાજ પૂછવા જતા હતા ત્યાજ ચિત્રગુપ્તે રોકી લીધા.

“મોતમાં તો જોયા નહી તમને ઇના બાપુના ભાઈબંધ સો?” જીવાની વહુએ સવાલ કર્યો.

“હ… હા અમે દુર રહીએ છીએ એટલે મોતમાં આવી નહોતા શક્યા પણ હવે આવ્યા છીએ.” ચિત્રગુપ્તે કહ્યું, “અમે, હવે નીકળીશું.”

ચિત્રગુપ્તને જીવાની વહુનો સ્વભાવ ભોળો અને સારો લાગ્યો એટલે જવાનું કહ્યું જેથી એ ચા પાણીનો આગ્રહ કરે અને કૈક જાણવા મળે.

“ઈમ ને ઈમ બાઈણેથી પાસા નો જવાય, બેહો રોટલા તૈયાર સે ખાઈને જો.” ભલી ભોળી જીવાની વહુ તો ઓળખાણ પણ પૂછ્યા વગર છેક જમવા સુધી પહોંચી ગઈ! એ જોઇને ચિત્રગુપ્ત અને યમરાજને થયું કે જમતા જમતા બધી વાત મળી જશે.

જીવાની વહુએ જમવાનું પીરસ્યું અને જમતા જમતા વાતો કરવા લાગ્યા.

“જીવાની ઈચ્છા શું હતી ભાભી?” ચિત્રગુપ્તે સંબંધ બાંધીને વાત મેળવવાની કોશિશ કરી!

“ઈચ્છા તો આ મંગુડાને ભણાવી ગણાવી ન નોકરીએ લગાડવાની હતી પણ પૈસો ન’તો તે ફોફા જ માઈરા!”

“એટલે?”

“એટલે હું વળી સટ્ટો રમતા ઈ પણ ઈમાય કઈ મેળ નો પઈડો!”

“હાચું કૌને ઈમના કરમ જ ટુકા ભાઈ.”

“આમ જીવો કઈ બીજો ધંધો……”

“નાં રે બાપા ઈ પૈસો નઈ તો ધંધો ય નઈ. પ્રાઈવેટ નિશાળમાં પટાવાળા હતા ઈ બીજું હું કરે?” ચિત્રગુપ્તને અટકાવીને જ એ બોલી ગઈ.

યમરાજા ચિંતાતુર થઇ ગયા હતા. જમવાનું પૂરું થઇ જવા આવ્યું હતું પણ હજુ કોઈ કડી મળી નહોતી જેના આધારે જીવાનો જીવ શોધી શકાય. ચિત્રગુપ્ત સામે જોઇને યમરાજે ઈશારો કર્યો. પણ ચિત્રગુપ્તે વળતો જવાબી ઈશારો કર્યો તમે શાંતિ રાખો પ્રભુ!

બધા જમી રહ્યા એટલે યમરાજ અને ચિત્રગુપ્ત નીકળ્યા. જીવાણી વહુ એ કહ્યું, “રાતના મેહોણામાં એસ.ટી. નઈ મળે તમે હવારે નેકરો તો હારું!”

યમરાજને તો એ વાત ગમી નહિ પણ ચિત્રગુપ્તના મનમાં એક વિચાર આવ્યો એટલે જીવાની વહુની વાત ચિત્રગુપ્તે વધાવી લીધી.

જીવાની વહુ સંસ્કારી અને ચારિત્ર્યવાન હતી એટલે બાજુવાળા પડોશીને ઘેર મહેમાનોને રાતવાસો આપવાનું વિચાર્યું પણ જઈને વાત કરી તો બાજુવાળા રસિકભાઈ પણ ગામતરે (બહાર ગામ ગયેલ) ગયેલા હતા રસીકભાઈની વહુ પણ એકલી જ હતી અને એકલી સ્ત્રી અને મહેમાન….. બીજા દિવસે ગામમાં વાતો થવા લાગે……. જીવાની વહુએ પોતાની અને મંગુની પથારી જ રસિકભાઈના ઘરે કરી દીધી અને મહેમાનોને પોતાના ઘરમાં રાતવાસો આપ્યો!

યમરાજને તો આ ગરીબ બાઈને તકલીફ આપી એ બદલ અફસોસ થવા લાગ્યો પણ ચિત્રગુપ્તે કહ્યું, “પ્રભુ! આ ભોળી બાઈ પાસેથી માહિતી લેવી અસંભવ છે એટલે જ મેં આ બધું આયોજન કર્યું છે.”

“એટલે?”

“એટલે એમ કે પ્રભુ રસિકભાઈ તો આજે જ ઘરે પાછા ફરવાના હતા પણ જો આપણને રસિકભાઈના ઘરે રાતવાસો મળે તો આપણે જીવાના ઘરની તપાસ ન કરી શકીએ એટલે મેં રસીકભાઈની ગાડી ખરાબ કરી દીધી.”

“ચિત્રગુપ્ત તમે આ બધું……” યમરાજ ગુસ્સે થઇ ગયા.

“પ્રભુ આ તો વિધિના લેખ છે મેં કાઈ નથી કર્યું અને હવે આપણે ઘરની તપાસ કરીએ તો જ કઈક મળશે.”

યમરાજાએ કહ્યું, “ચિત્રગુપ્ત દેખો જરાક આ બાઈ કેટલી ભોળી છે? અજાણ્યા મહેમાન છીએ તોય ઘરને તાળું નથી માર્યું!”

“હા પ્રભુ છતાં એ બાઈને કોઈ સુખ નથી!”

યમરાજા અને ચિત્રગુપ્ત બેય ઘરમાં જઈને તપાસ કરવા લાગ્યા આખું ઘર ફંફોસી લીધું પણ કાઈ મળ્યું નહિ. ઘરમાં કઈ હોય તો મળે ને? આખરે એક જૂની પુરાની પેટી તપાસવાની બચી હતી. યમરાજે એ પેટી ખોલી તો અંદરથી એલ.ઈ.સી.ના વીમા પ્રીમીયમની રસીદ મળી. રસીદ જોતા જ યમરાજને ખ્યાલ આવ્યો કે જો આ જીવો વીમા પ્રીમીયમ ભરતો હતો તો મર્યા પછી એને પૈસા મળવા તો જોઈએ પણ જીવાની વહુ પાસે તો ફૂટી કોડીએ દેખાતી નથી!!!!!  મંગુના કપડા પણ કારી (થીગડા) દીધેલા છે.

યમરાજ અને ચિત્રગુપ્ત બે ય સમજી ગયા કે નક્કી જીવાનો વીમો પાક્યો નથી અથવા તો કોઈ બીજાએ વીમાના પૈસા લઇ લીધા છે. એટલે જીવાનો જીવ બસ એ પૈસામાં જ હોવો જોઈએ જ્યાં સુધી એ પૈસા નહિ મળે ત્યાં સુધી જીવાનો જીવ આપણને નહિ જ મળે.

બીજા દિવસની સવાર સુધી યમરાજ અને ચિત્રગુપ્ત જાગતા બેસી રહ્યા. બીજા દિવસે સવારે જીવાની વહુ રસિકભાઈના ઘેરથી દૂધ અને ચા પત્તી લઇ આવી અને ચા બનાવી બેય મહેમાનોને આપી. યમરાજને જીવાની વહુ ઉપર ખરેખર દયા આવી ગઈ!

યમરાજ અને ચિત્રગુપ્ત બંને વિદાય લઈને નીકળી પડ્યા. જતા જતા મંગુના હાથમાં કૈક આપવું પડે એવો વિચાર આવ્યો હતો પણ યમરાજ પાસે નોટો નહોતી અને જો સોનું આપે તો ખબર પડી જાય કે પોતે કોણ છે ? યમરાજા પણ ધર્મસંકટમાં મુકાઈ ગયા એટલે મંગુને આશીર્વાદ આપીને જતા રહ્યા!

યમરાજ અને ચિત્રગુપ્ત બંને સીધા જ એલ.આઈ.સી.ની ઓફિસમાં ગયા. ત્યાં જઈને મેનેજરને મળ્યા.

“બોલો ભાઈ શું કામે આવ્યા છો?”

“જીવાની ફાઈલ જોવી છે.” યમરાજાએ કહ્યું.

“તમારે શું થાય જીવો?” મેનેજરે પૂછ્યું.

“મારો મિત્ર હતો.”

“થર્ડ પાર્ટીને ફાઈલ ન મળે.” મેનેજરે કડકાઈથી કહ્યું.

“અરે પણ એના પૈસા કોને મળ્યા છે એ તો બતાવી શકોને?” ચિત્રગુપ્તે પૂછ્યું.

“જીવાના મૃત્યુ પછી કોઈ અહી આવ્યું જ નથી જીવો હતો ત્યાં સુધી એ પ્રીમીયમ ભરવા આવતો એના પછી કોઈ નથી આવ્યું. નોમીનીમાં એના પુત્રનું નામ છે પણ કદાચ એ નાનો હશે કે પછી એના ઘરવાળાને એની પોલીશીની ખબર નહિ હોય એટલે કોઈ ફાઈલ કરવા આવ્યું નથી.” મેનેજરે કોમ્પ્યુટરમાં માથું કરી યંત્રવત માહિતી આપી.

“તો અમે ફાઈલ કરીએ તો?” ચિત્રગુપ્તે કહ્યું.

“તમે ફાઈલ કરી શકત પણ મરણના ૨૧ દિવસથી પછી કાર્યવાહી ન થઇ શકે.” મેનેજરે સમજાવ્યું.

“કોઈ બીજી રીતે થઇ શકે એવી જોગવાઈ?” ચિત્રગુપ્તે ફરી પૂછ્યું.

“જોગવાઈ તો કઈ જ નથી પણ ફાઈલ ઉપર વજન મુકવું પડે જો પાસ કરવી હોય તો!” મેનેજરે પોતાના મોટા પેટ ઉપર હાથ મુકીને કહ્યું.

“ગદા મૂકી દઈએ તો?” યમરાજે ચિત્રગુપ્તને પૂછ્યું.

યમરાજ અને ચિત્રગુપ્ત બંને પૃથ્વીના ભ્રષ્ટાચારથી અજાણ હતા એટલે ફાઈલ ઉપર વજન મુકવાની વાત એ સમજ્યા નહિ.

થોડીવારમાં મેનેજર કબાટમાંથી જીવાની ફાઈલ લઇ આવ્યો અને ટેબલ ઉપર મૂકી કહ્યું, “મરણનો દાખલો અને નોમીનીની સહી જોઈએ પછી થોડું વજન મુકો એટલે બધું થઇ જાય.”

ચિત્રગુપ્તે ફાઈલ ઉપર હાથ મૂકી ફાઈલને દબાવી કહ્યું, “આટલું વજન બરાબર છે કે પછી આમને કહું?”

“આ તમે શું કરો છો? તમારું ખશકી ગયું છે?” મેનેજર બરાડ્યો.

“તમે કહ્યુંને વજન મુકવાનું!” ચિત્રગુપ્તે જવાબ આપ્યો.

“અરે એમ વજન નઈ ગાંધીના ફોટો વાળી નોટો જોઈએ”

“પ્રભુ ગાંધીજીના આત્માને બોલાવવો પડશે ફોટો લેવા તો.”  ચિત્રગુપ્તે યમરાજના કાનમાં કહ્યું.

યમરાજે મન સાધના કરી સ્વર્ગમાં બાપુની આત્માને કહ્યું, “હે મહાત્મા પૃથ્વી ઉપર આવો.”

“ના યમદેવ હું બીજીવાર પૃથ્વી ઉપર નહિ આવું મેં જે શીખવ્યું એ કોઈ શીખ્યું નથી હું હવે નહિ આવું માફ કરજો.”

“ગાંધીજી ના પાડે છે ચિત્રગુપ્ત.” યમરાજે પણ ચિત્રગુપ્તના કાનમાં કહ્યું.

બંનેની ગુશપુશ સાંભળી મેનેજર કંટાળીને બોલ્યો, “અલ્યાઓ વજન એટલે લક્ષ્મી….. લક્ષ્મી મુકો આ ફાઈલ ઉપર એમ કહું છું.”

યમરાજાએ ફરી મન ધ્યાન લગાવ્યું અને લક્ષ્મીજીને પૃથ્વી ઉપર આવવા કહ્યું પણ લક્ષ્મીજી એ ચોખ્ખી ના પાડી દીધી!!!!!

“એ પણ નઈ આવે.” યમરાજે નિરાશ થઈને ચિત્રગુપ્તને કહ્યું. ચિત્રગુપ્ત કઈ બોલ્યા નહિ પણ મેનેજરને લાગ્યું કે આ લોકોને સ્પષ્ટ કહી દઉં તો જ છૂટકો છે! એ ફરી બોલ્યો, “કોણ નઈ આવે? અને લક્ષ્મી એટલે પૈસા….. પૈસા મુકો ફાઈલ ઉપર એટલે હું તમારું કામ કરી દઈશ.”

ચિત્રગુપ્તે કહ્યું, “પૈસા તો આયોજન કર્યા વગર ન મળે અમે કાલે આવીશું.”

યમરાજ અને ચિત્રગુપ્ત ઓફીસ બહાર નીકળી ગયા. બંને એ એ એકબીજા સામે જોયું અને વિચાર્યું. પૈસા તો ક્યાંથી લાવવા? ભગવાન થઈને ચૌરી કરીએ તો ફરી દેવલોકમાં જવા ન મળે!!!!! હવે શું કરવું એ દ્વિધામાં બંને હતા ત્યાજ યમરાજને થયું લાવ વિષ્ણુને જ વાત કરું કૈક મેળ પડશે. ફરી ધ્યાન લગાવી યમરાજે વિષ્ણુને વાત કરી. ભગવાન વિષ્ણુએ એક ઉપાય આપ્યો કે પૈસા તો કમાયા વગર ક્યાય નહિ મળે એટલે ચોરી જ કરવી પડશે પણ માણસના પૈસા ચોરી કરવાથી દેવલોકમાં જવાનો માર્ગ બંધ થઇ જાય! એટલે કોઈ ભગવાનના મંદિરમાંથી ચોરી કરી લો.

યમરાજ અને ચિત્રગુપ્ત ગયા મંદિરે. પહેલા જ હનુમાનનું મંદિર આવ્યું ત્યાં તપાસ કરી તો ખાલી સિંદુર ગુલાલ અબીલ અને તેલ હતું! પૈસા ક્યાય ન દેખાયા. બીજા મંદિરે ગયા એ મંદિર હતું સાઈબાબાનું ત્યાં પણ ખાલી પ્રસાદ હતી. બાબાના મંદિરમાં દાન પેટી હતી પણ એ ખાલી હતી એટલે યમરાજ સમજી ગયા કે ટ્રસ્ટીઓએ આજ કાલ માજ હાથ સાફ કર્યો હશે. હવે તો પૃથ્વીના રીતી રિવાજોથી યમરાજ પણ અજાણ નહોતા રહ્યા.

આગળ જતા એક શિવ મંદિર આવ્યું એટલે ત્યાં ગયા. ત્યાં જઈને જોયું તો દાનપેટી અકબંધ હતી. ગાંધીજીની નોટો ત્યાં ભરચક હતી! ચિત્રગુપ્તને થયું સાઈબાબાના મંદિરે એક રૂપિયો પણ રાખ્યો નહિ અને અહી આટલા રૂપિયા??????

“ચિત્રગુપ્ત જોયું?”

“શું પ્રભુ ?”

“એજ કે જે ભગવાન ક્રોધ કરે છે એ ભગવાનના પૈસા એમને એમ છે અને સાઈબાબાના પૈસા લોકો ચટ કરી ગયા છે.”

“હા પ્રભુ! આ માનવ ભગવાનને નથી છોડતો તો બિચારા જીવાને કેટલી તકલીફ થઇ હશે?”

યમરાજ અને ચિત્રગુપ્ત દસ હજાર રૂપિયા લઈને ગયા ફરી ઓફિસે. ઓફિસે જઈને મેનેજરને પૈસા આપ્યા એટલે મેનેજરે તરત ફાઈલ ખોલી. જેવી ફાઈલ ખોલી કે તરત અંદરથી જીવાનો જીવ નીકળ્યો!!!!!!!!! મેનેજરને તો આત્મા દેખાયો નહિ પણ યમરાજ અને ચિત્રગુપ્તને એ દેખાયું. યમરાજ ખુશ ખુશ થઇ ગયા.

દસ હજાર મળી ગયા એટલે મેનેજરે કહ્યું, “સાહેબ, તમારે હવે તકલીફ લેવાની જરૂર નથી હું જાતે જ જીવાના ઘરે જઈને નોમિનીની સહી અને મરણ દાખલો લઇ આવીશ. તમે જઈ શકો છો હવે.”

“ભલે.” કહી યમરાજ અને ચિત્રગુપ્ત ઉભા થયા એટલે મેનેજરે ફરી કહ્યું, “આ અઢી લાખ રૂપિયા ત્રણ દિવસમાં મળી જશે જીવાના છોકરાને.”

યમરાજ અને ચિત્રગુપ્ત હસીને બહાર નીકળી ગયા. બહાર ગયા ત્યાં જીવનો જીવ ઉભો ઉભો હસતો હતો.

“કેમ હશે છે જીવા?” યમરાજે પૂછ્યું.

“આજે પે’લી વાર મેં મારા ઘરવાળાને કૈક આઈપું છ યમદેવ એટલે હસું છું.”

યમરાજ અને ચિત્રગુપ્ત પણ ખડખડાટ હસી પડ્યા….. ચિત્રગુપ્તે કહ્યું, “વાહ જીવા બાપ હોય તો તારા જેવો!”

જીવાને ખબર હતી કે મારા ઘરવાળાને એલ.આઈ.સી. ના વીમા વિષે ખબર જ નથી એટલે પૈસા મળવાના નથી. જીવાનો જીવ એટલે જ દેવલોક ગયો જ નહોતો કેમ કે એની છેલ્લી ઈચ્છા બસ એ અઢી લાખ રૂપિયા એની પત્ની અને મંગુને આપવા હતા એટલે એનો જીવ એ ફાઈલમાં જ હતો………!!!!!!!!!!!!

ખુદ યમરાજ પણ જીવા ઉપર ખુશ થઇ ગયા અને ત્રીજા દિવસે પૃથ્વી ઉપર શું થાય છે એ દુરર્દ્રષ્ટિથી  જીવાને બતાવ્યું. જીવે દેખ્યું તો એની વહુ અઢી લાખ રૂપિયા ગણીને પેટીમાં મુકતી હતી. મંગુ એની મા પાસે બેઠો હતો. પૈસા પેટીમાં મુકીને જીવાની વહુ જીવાના ફોટા પાસે જઈ સજળ નેત્રે કૈક કહેતી હતી પણ જીવાને કઈ સંભળાતું નહોતું…..

જીવો યમરાજને કરગરવા લાગ્યો, “યમદેવ બસ એકવાર મને એ શું કહે છે એ સાંભળવા દો.”

યમરાજે જીવાની એ ઈચ્છા મુજબ કર્યું…..

જીવે સાંભળ્યું, એની વહુ કહેતી હતી, “તમે અફસોસ ન કરતા હો કે, ઈ તમે તો મુઆ ચેડેય (પછી) પૈસો આલી ન ગયા છ. ચિતા ન કરતા હો, આ મંગુડાને હવે ભણાવી ગણાવીને માસ્તર બનાવું પટાવાળો નઈ!”

જીવાનો આત્મા રડતો રડતો એટલું બોલ્યું, “પૈસા બેંકમાં મૂકજે કોઈ સગાને દેતી નઈ ગાંડી. ઘણાય આવશે ચાર ટકા વ્યાજે લેવા પણ છેતરતી નઈ હવે.”

યમરાજની આંખમાં પાણી આવી ગયું. એક તરફ મેનેજર જેવા માણસો છે ને એક તરફ જીવા જેવા !!!!! કેટલી ફિકર છે પરિવારની આ જીવાને ? જીવતે જીવત જે ન કરી શક્યો એ મરીને પણ કરી દીધું! ને હજુયે એની ભોળી વહુ પાસેથી કોઈ છેતરીને પૈસા લઇ ન લે એ ખાતર સલાહ આપે છે!!!!!

“જીવા તારા દીકરાને ખુદ પ્રભુ યમદેવ આશીર્વાદ આપીને આવ્યા છે તું ચિતા ન કર.” ચિત્રગુપ્તે આંસુ લૂછતાં કહ્યું…..

યમરાજ, ચિત્રગુપ્ત અને જીવાનો જીવ ત્રણેય હસવા લાગ્યા………………….

વિકી ત્રિવેદી “ઉપેક્ષિત”

Comment here