jivandan-gujarati-shory-story

જીવનદાન

વિક્રમસિંહ આર્મી મેજર હતો પણ સ્વભાવે જરાય મેજર ન હતો. મુંબઈ, દિલ્હી કે કશ્મીરમાં આંતકવાદીઓએ હોટેલ કે સ્કૂલને બાનમાં લીધી હતી ત્યારે ઘણીવાર વિક્રમની રાઈફલનો ભોગ બની ગયા હતા. આર્મીમાં વિક્રમનું ઘણું માન હતું છતાં નાના સિપાહી હોય સુબેદાર હોય કે રસોઈયો હોય એ બધાને માન આપતો.

વિક્રમસિંહના ચહેરા ઉપર સદાય એક સ્મિત હસ્યા કરતું! હસમુખ અને ઝાંઝરમાન વ્યક્તિવ. પણ એ વ્યકિતવ છેલ્લા બે મહિનાથી ઝાંખું પડી ગયું હતું!  છેલ્લા બે મહિનાથી ઘરથી કોઈ ચિઠ્ઠી કોઈ સંદેશ આવ્યો જ ન હતો. સવારની જોગિંગથી છેક રાતે ઊંઘ વળે ત્યાં સુધી વિક્રમ ઘરને, પત્નીને અને દીકરા ઉત્સવને યાદ કર્યા કરતો.

ઘણા દિવસથી મેજરને દુઃખી જોઈ મિત્રો પૂછતાં એટલે ઉદાસ થઈને મેજર કહેતો, “કોઈ ચિઠ્ઠી આવી નથી ખબર નઈ શુ ચાલતું હશે ઘરે? સિપાહીની જિંદગી પણ કેવી ગજબની હોય છે? આખા દેશનું રક્ષણ કરનાર સિપાહિના ઘરવાળા સુરક્ષિત છે કે નહીં એ પણ એને ખબર નથી હોતી!”

ખરેખર પણ એવું જ હતું વિક્રમના ઘરે એક મોટુ દુઃખ આવી ગયું હતું. બીજા જ દિવસે વિક્રમને ચિઠ્ઠી મળી.

બધા પૂછવા લાગ્યા, “મેજર શુ લખ્યું છે ભાભીએ? જલ્દી બોલો યાર પ્લીઝ….”

વિક્રમે ચિઠ્ઠી ખોલી પણ દર વખતની જેમ આજે ચિઠ્ઠી વાંચી મેજર ન તો ચિઠ્ઠી લાઈને ભાગ્યો ન એના ચહેરા ઉપર કોઈ સ્મિત દેખાયું. વિક્રમ રાજસ્થાનની રેતીમાં બેસી ગયો. વિરાટ રણમાં એના આંસુ પડવા લાગ્યા! ગરમ રેતીમાં પડતા આંસુ જેમ પડતાની સાથે જ વરાળ બનીને ઉડી જતા હતા એમ વિક્રમના હૃદયમાંથી પણ વરાળ ઉઠી રહી હતી. એક આગ પ્રગટી હતી….. એ કઈ બોલ્યો નહિ, બોલી શક્યો જ નહીં….

ખાન એના હાથમાંથી ચિઠ્ઠી લઈને વાંચવા લાગ્યો. ચિઠ્ઠી વાંચતા જ ખાન પણ વિક્રમ જેમ ઢીલો થઈ ગયો. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આપણો ઉત્સવ કાર એક્સીડેન્ટમાં ગુજરી ગયો છે. નીચે કોઈ સહી નહોતી પણ ખાનને ચિઠ્ઠી નીચે વિક્રમની પત્ની અનસૂયાના આંસુ અને અપાર વેદના સ્પષ્ટ દેખાતી હતી…..

વિક્રમ તરત જ ત્યાંથી ઘર ભણી ઉપડી ગયો. ઘરે પહોંચતા અનસૂયાએ બધી વાત કરી. સ્કૂલથી આવતી વખતે એક કાળી મર્સડીઝ ઉત્સવને ટક્કર મારીને ભાગી ગઈ. દીકરાની દફન વિધિ તો સગા વાહલાએ કરી દીધી હતી. વિક્રમને દીકરાની મોઢું પણ દેખવા ન મળ્યું!

બીજા જ દિવસે વિક્રમે તપાસ કરી પણ બરોડામાં અનેક કાળી મર્સડીઝ હતી એટલે સીધો જ પોલીસ સ્ટેશન ગયો. સ્ટેશન જઈને ઇન્સ્પેકટર ડી.કે. સેખાવતને બધી વિગત જણાવી. વાત સાંભળતા ઇન્સ્પેકટર હા હા કહેતો ડોકું ધુણાવ્યા કરતો હતો. બધી વિગત સાંભળી લીધા પછી ઇન્સ્પેક્ટરે વિક્રમને થોડી વાર બહાર બેસવા કહ્યું.

વિક્રમ બહાર ગયો એટલે ઇન્સ્પેક્ટરે ફોન ઉઠાવી નમ્બર લગાવ્યો.
“હા શેઠ તમે કહ્યું એ મુજબ એક માણસ ફરિયાદ લખાવવા આવ્યો છે. તમે આવી જાઓ.”
“વેલ ડન. તને તારી કિંમત મળી જશે ઇન્સ્પેકટર.” સામેથી અનુરાગ શેઠનો ઘમંડ ભર્યો અવાજ આવ્યો.

વિક્રમ બહાર બેઠો હતો એટલે એક કાળી મર્સડીઝ સ્ટેશન આવીને ઉભી રહી. વિક્રમ મેજર હતો એટલે વાત તો સમજી ગયો હતો કે અહીં બધી મિલી ભગત થઈ ચૂકી છે છતાં સહન શક્તિ રાખી એ બેસી રહ્યો.

વિક્રમે જોયું તો બહારથી બે ચા અંદર ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં ગઈ એટલે વિક્રમનો શક પાક્કો થઈ ગયો. થોડીવારમાં એક હવાલદાર અંદરથી બહાર આવ્યો અને વિક્રમને અંદર જવા કહ્યું.

વિક્રમ અંદર ગયો એટલે તરત ઇન્સ્પેક્ટરે કહ્યું, “એક્સિડન્ટ કેસ છે લઈ દઈને પતાવી નાખો.”

અનુરાગ શેઠ હાથમાં એક બેગ લઈને બેઠો હતો. વિક્રમે એ બધું જોઈ લીધું પછી કહ્યું, “દેશની સેવામાં હું ભલે મારા દીકરાને બચાવી ન શક્યો પણ બદલો જરૂર લઈશ. ઇન્સ્પેકટર મારે તારી કોઈ જરૂર નથી.”

ઇન્સ્પેકટર કાઈ બોલ્યા વગર જ બેસી રહ્યો. ઇન્સ્પેક્ટરની ખુરશી પાછળ લગાવેલ બોઝ અને બાપુના ફોટા તરફ એક નજર કરી વિક્રમ બહાર નીકળી ગયો.

બાર દિવસ સુધી વિક્રમ એક રૂમમાં ભરાઈને પડ્યો રહ્યો. દેશની અલગ અલગ ખીણ, પહાડ, કોતરો અને જંગલોમાં હસતા હસતા ફરનાર વિક્રમને પોતાનું ઘર વસમું લાગવા લાગ્યું.

ઘરની અંદર એક સ્ત્રી એક ફોટા આગળ બેઠી આંસુ ખેરવી રહી હતી. ચહેરા ઉપર જોનાર ચૂંમીલે એવું સ્મિત ધરાવતા એ બાળકના ફોટા આગળ રડનાર અભાગણ બીજું કોણ હોય? એક મા જ તો મૃત્યુના બાર દિવસ પછી રડતી હોય બીજા સગા ક્યાં ઉભા હોય છે તેરમે?

પાસેના રૂમમાં મેજર વિક્રમસિંહ હાથમાં રિવોલ્વર ફેરવતો હતો. એના ચહેરા ઉપર રોષની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. એના જડબા અક્કડ થઈ ડાબા લમણાં ઉપરની નસો ફાટ ફાટ થતી હતી. પોતાની ગન ઘડીક પોતાના માથે ભીડાવી તો ઘડીક છાતીએ ભીડાવીને ટ્રિગર ઉપર આંગળી મુકતો હતો.

રૂમમાં જ્યાં નજર કરે ત્યાં બાર વર્ષનો ઉત્સવ હસતો કૂદતો નજરે ચડતો હતો. મેજરના હ્ર્દયમાં એક આગ સળગતી હતી….. એ કાળમુખી ધડાકા સાથે ધ્રૂજે એટલી જ વાર હતી. બસ એક પળનો ખેલ હતો. ટ્રિગર જરાક દબાય કે વિક્રમસિંહના અંતરમાં ભડકતી આગ સમી જાય! ઢગલો થઈને એ મજબૂત માણસ એક પળમાં દુનિયા છોડી જાય…..

‘હું એને નહિ છોડું….. એણે મારા દીકરાને માર્યો છે. કારની સ્પીડ ન હોત તો મારો દીકરો આજે જીવતો હોત.’

વિક્રમસિંહ ઉભો થઇ ગયો. લોડેડ ગન લઈને  ઘર બહાર નીકળી ગયો. હાઈવે તરફ જવા લાગ્યો. જતા જતા રસ્તામાં રોડ વચ્ચે એક બાળક દેખાયુ. સામેથી પુરપાટ ઝડપે એક ગાડી આવતી હતી. બાળક ગભરાઈને ત્યાં જ થીજી ગયું હતું.

‘ના ના આ તો મારો ભરમ છે. આ સત્ય નથી.’ ત્યાં તો રસ્તાની બીજી તરફથી એક સ્ત્રીની ચીસ સંભળાઈ, “બચાઓ…….. નીરવ……”

વેદના ભરી ચીસની દિશામાં વિક્રમની નજરે એક ભારે શરીરવાળી સ્ત્રી દેખાઈ. ના આ તો સત્ય છે ભરમ નથી. પેલી સ્ત્રી દોડવા મથતી હતી પણ એનું શરીર એને આજે શ્રાપ બની ગયું હતું!

આ બધું એક પળમાં બની ગયું હતું. વિક્રમેં દોટ મૂકીને છોકરાને ઉઠાવી લીધો અને રસ્તાની બીજી તરફ ગબડી પડ્યો. પેલી સ્ત્રી મોટા ડગલાં ભરતી શ્વાસ લેતી લેતી આવી અને બાળકને વળગી પડી.

વિક્રમ ચાલવા લાગ્યો ત્યાં તો પેલી સ્ત્રી વિક્રમના પગે પડીને કહેવા લાગી, “તમે ભગવાન છો. મારો એકનો એક દીકરો બચાવી લીધો તમે ભગવાન છો…. મારુ આ શરીર મારુ દુશ્મન બની ગયું જો તમે ન હોત તો હું આજે ક્યાયની ન રહોત.”

વિક્રમ એને છાની રાખી બાળક ઉપર હાથ ફેરવી ચાલતો થયો. ફરી ઉત્સવ નજરો સામે ફરવા લાગ્યો… એકાએક થયું માણસ જીવનમાં પાપ પુણ્ય બધું ઓલાદ માટે જ કરે છે ને? તો હું એ હરામી અનુરાગને મારુ એના કરતાં એના છોકરાને મારી નાખું તો એ વધારે તડપશે. તો જ એને યોગ્ય સજા મળશે.

વિક્રમ રોષે ભરાઈને ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા સાંજ પડી ગઈ ત્યારે એ  અનુરાગ શેઠના ઘર આગળ પહોંચ્યો. અનુરાગના ભવ્ય બંગલા બહાર ઉભા રહી રિવોલ્વર ચેક કરી. છ એ છ ગોળીઓ મોજુદ હતી. ‘આખી ફેમિલીને મારી નાખું પછી ભલે એના રૂપિયા લઈને એ જીવતો.” ગન જિન્સની પાછળની ગરડલમાં ખોશી એ ઘરમાં ગયો.

ઘરના મુખ્ય ફોયરમાં અનુરાગ છાપું વાંચતો બેઠો હતો. વિક્રમ ઉપર નજર પડતા જ એ ભડકીને ઉભો થઇ ગયો. નક્કી આજે હું મરી જવાનો. વિક્રમની લાલ આંખોમાં એને પોતાનું મોત સ્પષ્ટ દેખાતું હતું.  એ બરાડી ઉઠ્યો….

એની ચીસથી ઘરમાંથી એક બાળક દોડીને બહાર ફોયરમાં આવ્યું. બાળક વિક્રમ તરફ જવા લાગ્યું એટલે અનુરાગ ચીસ પાડી ઉઠ્યો, “નહિ બેટા…… એ ….. એ તને મારી નાખશે…..”

બાળક ચાલતું જ રહ્યું અને વિક્રમ જોડે જઈને ઉભું રહ્યું. અનુરાગની છાતી ધક ધક થતી હતી. જો અંદરથી પત્ની બહાર ન આવી હોત તો એ છાતી ફાટી ને જ મરી જાઓત!

એની ચીસ સાંભળી અંદરથી એની પત્ની બહાર આવી એટલે એ ફરી છાતી ઉપર હાથ દબાવી બોલ્યો, “આ… આ…. માણસ આપણને મારી નાખવા આવ્યો છે….. એ નિરવને મારી નાખશે….”

એની પત્નીએ વિક્રમ તરફ જોયું અને ખડખડાટ હસી પડી. “અરે, એમણે જ તો આજે આપણા નિરવને બચાવ્યો હતો…..” કહેતી એ પણ વિક્રમ તરફ ગઈ.

નીરવ હજુ વિક્રમની લાલ આંખોમાં કોઈ ડર વગર જોયા કરતો હતો. એને શુ ડર હોય એ લાલ આંખોથી? હમણાં જ તો એને એ જ માણસે જીવનદાન આપ્યું હતું!

વિક્રમનો હાથ એની પીઠમાં રાખેલ રિવોલ્વર પરથી ખાલી જ પાછો ફર્યો. નીરવના માથા ઉપર હાથ ફેરવી એ ઘર બહાર નીકળી ગયો…..

કેટલાય આતંકવાદીઓની છાતી અને માથા ચીરીને જેની રાઇફલની બુલેટ નીકળી ગઈ હતી એ વિક્રમના હાથ નિરવને સ્પર્શતા પણ ધ્રુજવા લાગ્યા હતા…… વિક્રમ ઘર બહાર નીકળી આથમતા સૂરજના છેલ્લા કિરણોમાં પશ્ચિમ તરફ જવા લાગ્યો….. અનુરાગ દરવાજે ઉભો ક્યાંય સુધી એ ભયાનક છતાં દયાળુ ફૌજીને જતો જોઈ રહ્યો….. આથમતા સૂરજની દિશામાં પોતાનું આથમેલું જીવન, પોતાના દુઃખ લઈને જતો એ ફૌજી એક કાળા પરછાયા જેવો લાગતો હતો….. વિક્રમે માત્ર મારા દીકરાને જ નહીં પણ મને અને સાવિત્રીને પણ જીવનદાન આપ્યું છે નહિતર આ મિલકત આ પૈસો બધું અમે શુ કરોત????? અનુરાગ એને ક્યાંય સુધી જોઈ રહ્યો ને પછી મનોમન કહ્યું, ‘કાલે સવારે વહેલા જ હું ગુનો કબૂલી લઈશ……’

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

પિંકસીટી, રાણપુર રોડ,

ડીસા – ૩૮૫૫૩૫.

One Reply to “જીવનદાન”

Comment here