shq-no-rang-gujarati-varta

ishq નો રંગ !

સંજના આજે ખુબ સજી રહી હતી, જાણે સ્વર્ગની અપ્સરાઓ સાથે શરત લગાવવા જઈ રહી હોય! જાણે એમની સામે સુંદરતાની સ્પર્ધામાં ઉતરવાનું હોય અને એમાય એને પહેલો જ નંબર લેવો હોય એવી ઉત્સુકતા એના ચહેરા પર દેખાઈ રહી હતી હતી, એક એક ચીજ સંભાળી હતી, બિંદી, કંગન, ઓઢણી..!!.

બસ એને એક પળે ઓઢણીમાં ખામી દેખાય તો બીજી પળે ડ્રેસમાં, શું કરવું કાઈ સુજતું ન હતું. આજે કેમ કઈ મારા પર શોભતું જ નથી?? સવારથી લગભગ ચાર વાર ડ્રેસ ચેન્જ કરી ચુકી હતી.

“સંજના, તને ત્રણ કલાક થઇ ગયા છે અરીસા સામે. શું કરી રહી છે? ગાંડી તો નથી થઇ ગઈ ને?” કવિતાબેને કંટાળીને કહ્યું.

“મમ્મી ક્યારેય મેં આટલો સમય લગાડ્યો છે? ક્યારેય બીજી છોકરીઓ જેમ નખરા કર્યા છે?” સંજનાએ બહાર આવી કહ્યું, “શું કરું આજે મારા પર કાઈ સુટ જ નથી કરી રહ્યું ને?”

“હા પણ તે ક્યારેય નખરા નથી કર્યા એટલે જ તો નવાઈ લાગે છે, આજ ક્યાંથી મારી દીકરીને આ રોગ લાગુ પડી ગયો સજવા સંવરવાનો??” કવિતાબેને કહ્યું, સંજના ક્યારેય સજતી સવંરતી નહી, એને સજવા સંવરવામાં કોઈ રસ હતો જ નહી. ઘણીવાર તો કવિતાબેન એની દીકરીને કહેતી પણ ખરી,

“જરાક છોકરીઓ જેમ જીવતા સીખ નહિતર કાલે ઉઠી કોણ તારો હાથ પકડશે?”

ત્યારે સંજના કહેતી, “ કેમ મનીષ છે ને હું જેવી છું એને પસંદ છું?”

“તે ક્યારેય કહ્યું છે એને તું એને ચાહે છે?” કવિતાબેન કહેતા.

“ના.”

“એણે તને ક્યારેય કહ્યું છે એ તને ચાહે છે?”

“ના, મમ્મી. એમાં કહેવાનું ને પૂછવાનું શું હોય?? એતો દિલની વાત છે દિલ સુધી પહોચી જ જાય.”

ક્યારેય મમ્મીના કહેવાથીયે બીજી છોકરીઓ જેમ તૈયાર થઇ કોલેજ ન જનાર સંજના આજે કલાકો અરીસા સામે વિતાવી રહી હતી એટલે કવિતાબેનને નવાઈ લાગી.

“સ્વર્ગની અપ્સરા જેવી લાગી રહી છે, હવે બીજું શું જુવે? કવિતાબેને કહ્યું. “કાયમ આમ તૈયાર થઈને જતી હોય તો?”

“શું મમ્મી ક્યારનીયે જોઉં છું અરીસામાં મારા પર કાઈ સુટ જ નથી કરતું ને? જે સારા રંગ છે એ મારી શકલ સુરત સાથે મેચ જ નથી કરતા ને? એના અવાજમાં જરાક ઉદાસી હતી.

“એ તો તું ક્યારેય આમ સજતી સંવરતી નથી એટલે તને લાગે છે, ધીમે ધીમે આદત પડી જાશે.”

“પણ મારે આજે જ તૈયાર થવું છે.”

“કેમ? કોલેજમાં કોઈ ફંક્સન છે?” કવિતાબેને કહ્યું.

“ના.”

“તો?”

“એમ સમજી લે મારી જિંદગીનું સૌથી મોટું ફંક્સન છે.” સંજનાએ જરાક શરમાઈને કહ્યું.

“મતલબ મનીષનો જનમ દિવસ છે.”

“હા, મમ્મી”

“તો જા હવે મોડી પડી જઈશ, સારી જ લાગે છે, આમેય તુજ કહે છે ને કે સુંદરતા હ્રદયમાં હોય છે ચહેરામાં નથી હોતી.”

“હા, પણ મમ્મ્મી મને હવે એક ડર લાગવા માંડ્યો છે.”

“શું?” કવિતાને ધ્રાસકો પડ્યો હોય એમ કહ્યું.

“મનીષ ચહેરાની સુંદરતામાં માનતો હશે તો?”

“એવું ન હોય, બસ તારે સમય જોઈ એને તારા મનની વાત કહી દેવી જોઈએ.”

“તો મમ્મી હું આજે જ કહું તો?”

“સૌથી સારું કહેવાય.”

સંજના તૈયાર થઈ ઘરથી નીકળી, કોલેજ પહોચી તો કોરીડોર પાસે જ નૈના, મનીષ અને સંદીપ તેની રાહ જોઈ રહ્યા હતા.

“સંજના આજે કોલેજ બંક કરીએ?” એને જોતાજ સંદીપે કહ્યું.

“કેમ?” સંજનાએ નવાઈથી કહ્યું, કેમકે સંદીપ તો ક્યારેય કોલેજ બંક ન કરતો.

“કેમકે આજે આપણા મનીષનો બીર્થ ડે છે, આખો દિવસ મોજ કરીશું ને આમેય આ કોલેજનું છેલ્લુ વર્ષ છે પછી આવતા બર્થડેમાં કોણ ક્યાં હશે કોને ખબર??”

“હા, બધા નોકરી ધંધે ગોઠવાઈ જશે, ખાલી ફોન પર જ વીસ કરવી પડશે.” નૈનાએ પણ પોતાનો મત આપ્યો.

“હા, તો બોલો ક્યા જઈશું?” મનીષના જન્મ દિવસ માટે કોલેજ બંક કરવી એ સંજના માટે કોઈ મોટી વાત ન હતી, આમેય એને ખાસ ક્યાં ભણવાની પડી જ હતી, બસ આખો દિવસ સ્પોર્ટ્સમાં જ ધ્યાન આપતી.

“પહેલા તો ઈલિયાસની ટાપરી પર ચા પી લઈએ, પછી ક્યાં જવું એનું ત્યાં બેસીને જ પ્લાનીગ કરીશું?” સંદીપે કહ્યું.

“ખાલી ચા જ કેમ ગરમા ગરમ સમોસા પણ…” નૈના એ સુર મિલાવ્યો.

“હા, ચાલો આજે કરાવી લો ખર્ચો.” મનીષે કહ્યું.

“કાઈ નહી એમ હોય તો ચા ના પૈસા ન આપતો, અમે આપી દઈશું.” નૈનાએ કહ્યું અને પછી ઉમેર્યું, “કાલે વ્યાજ સાથે આપી દેજે બસ.”

બધા મજાક મસ્તી કરતા ઇલીયાસની ટાપરી તરફ જવા લાગ્યા. સંજનાએ નક્કી કર્યું કે આજે તો ચોક્કસ મનીષને કહી જ દઈશ. મનીષ સંજનાના પપ્પના ખાસ મિત્ર મહેતાનો પુત્ર હતો. સંજના અને મનીષ સાથે જ રમ્યા હતા, સાથે જ ભણ્યા હતા અને સાથે જ મોટા થયા હતા. એક જ શાળામાં સાથે ભણતા, એક જ કોલોનીમાં સાથે રહેતા…!!

મનીષ ક્યારે સંજનાની પસંદ બની ગયો અને ક્યારે એ એને ચાહવા લાગી એ એને જ ખયાલ ન હતો રહ્યો પણ બસ એ એટલું જાણતી હતી કે મનીષ હવે એની જિંદગી હતો. હવે મનીષનો ચહેરો જોઇને એની સવાર થતી હતી અને મનીષ વિશે જ વિચારતા એની રાત થતી હતી, મનીષનું સ્મિત એના જીવનની સૌથી મોટી ખુસી અને મનીષની ઉદાસી એના જીવનનું અસહ્ય દુ:ખ બની ગયું હતું… પણ ક્યારે?? એને પોતાનેય ખયાલ ન હતો રહ્યો..!!

સંજના અને મનીષ એકબીજાના એવા મિત્રો હતા કે બધી જ વાત એક બીજા સાથે સેર કરતા… કોઈ પણ નાનામાં નાની વાત પણ…!! કાંઈ જ એકબીજાથી ન છુપાવતા પણ ન જાણે કેમ સંજના ક્યારેય એને પોતાના પ્રેમ વિશે ન જણાવી શકી.

જ્યારથી નૈના કોલેજમાં આવી હતી સંજનાને એક ડર લાગવા માંડ્યો હતો… એને લાગવા માંડ્યું હતું જાણે મનીષ એનાથી જરાક દુર થઇ ગયો હતો.

શું એણીએ જોયેલ સપના ખુશફેહમી તો ન હતાને??

શું એણીએ જોયેલ સપના ગલતફેહમી તો ન હતાને??

ક્યાંક એનો પ્યાર એકતરફા તો ન હતો ને??

કેટલાય સવાલો એને છેલા કેટલાય સમયથી મૂંજવી રહ્યા હતા.

તેઓ ટાપરી પર પહોચે એ પહેલાજ વરસાદ ચાલુ થઇ ગયો, આજે કોણ જાણે કેમ બધું ધાર્યા કરતા જુદુ જ થઇ રહ્યું હતું, અચાનક કોલેજ બંક કરવાનો આઈડિયા અને ત્યારબાદ વરસાદ…!!

ઠંડી હવા વરસાદને ક્યાંથી તાણી લાવી કાઈ ખબરે ન પડી, તેઓ વરસાદમાં પલળવાની મજા લેતા ટાપરી પર પહોચ્યા…

“વરસાદમાં પલળ્યા બાદ ટાપરી પર જઈ ચા પીવાની મજા જ એક અલગ હોય છે અને એમાય જો એક હાથમાં ચાનો કપ હોય બીજા હાથમાં ગોલ્ડફ્લેક અને ઉપર વરસાદ હોય તો એ મજા કોઈ નાઈટ ક્લબમાં ઉજવેલ પાર્ટીથીયે ચડિયાતી લાગે.” સંદીપે કહ્યું.

“બસ આખો દિવસ ગોલ્ડફ્લેકની પાછળ ગાંડો થઈને ફરે છે એટલે જ તો ગર્લફ્રેન્ડ નથી.” સંજનાએ મજાકમાં કહ્યું.

“હા, હા, જોજે એકદિવસ મળી જશે.”

“મળશે તો જરૂર પણ આ ગોલ્ડફ્લેક છોડીશ તો.” નૈનાએ ટાપસી પૂરી.

“એ નહી બને, આપણે સિગરેટ પીતી હોય એવીથી જ ફ્રેન્ડશીપ કરીશું ને.” સંદીપે કહ્યું.

“તો હવે ક્યાં જવું છે એનો પ્લાન બનાવો.” મનીષે કહ્યું.

“હવે ક્યાં જાય આ આખી દુનિયા તને વરસાદમાં નહાતી નથી દેખાતી??”

“હા વરસાદમાં મજા નહી આવે આપણે સાંજે તારા ઘરે જ મળીએ.” નૈનાએ પણ કહ્યું.

સંજનાએ પણ એમની વાતમાં હા એ હા ભરી.

થોડીક વાર આડાઅવળી વાતો થઇ અને ખાસ તો સંદીપના બલ્ફ સાંભળ્યા બાદ બધા છુટા પડ્યા.

સંદીપ અને નૈના એક જ વિસ્તારમાં રહેતા હતા એ લોકો એ તરફ રવાના થયા, સંજના અને મનીષ પોતાની કોલોની તરફ મોસમની સાથે દિલકશ વરસાદમાં ભીંજાતા ચાલવા લાગ્યા.

“સંજના હું તને એક વાત પૂછવા માંગું છું?” મનીષે ટાપરીથી જરાક આગળ ગયા પછી કહ્યું.

“હા, તું ક્યારથી મને પૂછતાં પહેલા પરવાનગી લેવા માંડ્યો?” સંજનાનું હ્રદય ખુશીઓથી ભરાઈ ગયું, કદાચ આજે મનીષ પણ એજ વિચારીને આવ્યો હતો જે એણીએ વિચાર્યું હતું.

“સંજના, હું નૈનાને ખુબ જ ચાહવા લાગ્યો છું, પણ એને કહી નથી શકતો હવે શું કરું?”

સંજના જાણે સતબ્ધ બની ગઈ.

“હું નૈના વગર જીવી શકું તેમ નથી…” મનીષ બસ પોતાની નૈના પ્રત્યેની લગણીઓ દર્શાવ્યે જ જતો હતો પણ સંજનાને જાણે કાઈ સંભળાઈ જ નહોતું રહ્યું. એના હ્રદયમાંથી એક જ અવાજ આવી રહ્યો હતો મનીષ એને નથી ચાહતો. હું એના વગર કઈ રીતે જીવીશ??? મેં તો ક્યારેય કલ્પનાયે ન હતી કરી કે મારા અને એના વચ્ચે કોઈ ત્રીજું પણ આવી શકે??

એના સાથે જિંદગી વિતાવવાના સપના એક પળમાં તૂટી ગયા, એના હ્રદય પર દોરાયેલ દરેક ચિત્ર ભૂંસાઈ ગયું.

“ક્યાં ખોવાઈ ગઈ, હું તને મારી જિંદગીની મહત્વની વાત કરી રહ્યો છું અને તું… ક્યાંક તું મને??? છુપે રુસ્તમ?? ક્યાંક તું મને…..??? ક્યાંક તું મારી લવસ્ટોરી સંભાળીને મજનું તો નથી થઈ ગઈ ને??” કહી એ જોર જોરથી હસવા લાગ્યો.

“ખુલી આંખે સપના જોવાનું બંધ કર અને આજે જ એને કહી દે… ક્યાંક તું એ મોડો ન પડે??” સંજનાએ હસીને કહ્યું.

“એ સ્વીકારશે મને?”

“કેમ નહી તું મળે એવા બધાના નસીબ થોડા હોય છે? કેમ નહી માને?” સંજનાએ કહ્યું, એ કુત્રિમ રીતે હોઠ તો મલકાવી સકતી હતી પણ જો ઉપર વરસતા વાદળોએ એનો સાથ ન આપ્યો હોત તો એ આંખોમાંથી પાણી બનીને વહેતા સપનાઓને કેવી રીતે છુપાવત???

“માની લે કે હું તને જ પ્રપોઝ કરું તો?”

“જાને, હવે વાંદરા જેવી સકલ હોય તો વાંદરી જ ગોતાય, નૈના જ તારા લાયક છે, ખોટા ઊંચા સપના ન જો?”  સંજનાએ ફરી એક કુત્રિમ હાસ્ય હસી લીધું, તેના આંસુઓ તો છુપાવવાની એને જરૂર ન હતી, વરસાદ એ આંસુ બની વહેતા સનાઓને પોતાનામાં એ રીતે ભેળવી રહ્યો હતો કે કદાચ હવે એ સપના એ પાણીમાંથી અલગ પાડવા અશક્ય હતા.

સપનાઓ આંસુ બની એ વરસાદમાં ધોવાઇ ગયા પણ ઈશ્કનો રંગ કોઈ વરસાદ ક્યાં ધોઈ શકે છે?? આંસુ વહેતા રહ્યા પણ એ હસતા ચહેરે પોતાના પ્રેમને તેના પ્રેમ સાથે મળાવવાનું આયોજન કરતી રહી….. સાચે જ ઈશ્કનો રંગ ક્યારેય ઉતરતો નથી, બસ એનો રંગ બદલાય છે……..!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “ishq નો રંગ !”

Comment here