gujrati-love-story-pagal

પાગલ  (A tragedy)

લોખંડની સાંકળો પગમાં ને બંને હાથોમાં પણ એવી જ કાટ ચડેલી બેડીઓ બાંધેલ પાગલ માણસો પાગલખાનાંની દીવાલે બાંધેલી ખૂંટીએ બાંધેલ હતા! કોઈ ખડખડાટ હસતું હતું તો કોઈ બેફામ રડતું હતું! કોઈ પોતાના જ શરીર ઉપર ઘા કરી રહ્યું હતું તો કોઈ પોતાના કપડાં ફાડી રહ્યું હતું! દરેક પુરુષ અને સ્ત્રી એક અલગ જ વિચિત્ર હરકતમાં વ્યસ્ત હતા.

કોઈ પાગલ સ્ત્રી પોતાના સાવ ખાલી પેટ ઉપર હાથ ફેરવતી કહેતી હતી, “ના મારા લાલ નવ મહિના તો અહીં જ રહેવું પડશે!” કોણ જાણે કેમ સાત વર્ષે દીકરો જન્મ્યો હતો પણ એ મરેલો જોઈ એ સ્ત્રી પાગલ થઈ ગઈ હતી. એક પુરુષ એના બંને હાથથી બેડી તોડવાનો પ્રયત્ન કરતો હતો. દાંત ભીંસીને કહેતો હતો, “અર્ચના હું તને મારી નાખીશ! તને જીવતી નહિ છોડું.” ગાળો દેતો એના જ શરીરને એ દર્દ આપતો હતો. બીજા બધા પણ એમ જ કોઈને કોઈ રીતે ખુદને જ તકલીફ આપતા બેઠા હતા. જો કોઈ શાંત બેઠું હોય તો એ હતો લાંબા દાઢી વાળ અને ઉદાસ ચહેરો લઈને બેઠેલ વિરાટ. એ કેમ શાંત હતો એ એના ચહેરા અને આંખમાંથી સરતા આંસુ સ્પષ્ટ કહેતા હતા.

વિરાટ કેમ જાણે એક અલગ જ પ્રકારનો પાગલ હતો. સમૂહના બધા જ પાગલથી અલગ. ન ક્યારેય કાઈ બોલવું. ન કોઈ તોફાન કરવા. એ તોફાન કરે પણ શું જેના જીવનમાં તુફાન આવ્યું હોય! વિરાટના જીવનમાં એક તુફાન આવ્યું અને પછી હંમેશને માટે એ શાંત થઈ ગયો. છેલ્લા દસ વર્ષથી એ અહીં હતો. બસ દીવાલને ટેકો લઈ, એક પગ સીધો આગળ લંબાવી, બીજો પગ વાળીને ઘૂંટણ ઉપર એક હાથ મૂકી દઈ ઉપર આકાશમાં જોયા કરવાનું! દિવસે વાદળો અને રાત્રે તારામાં ક્યાંક એક ચહેરો એને સતત દેખાયા કરતો! હા ! સંજનાનો ચહેરો !

એ દિવસે પણ વિરાટ રોજની જેમ જ એ આકાશમાં વહી જતા સફેદ વાદળોમાં સાંજનાનો સ્વેત ચહેરો દેખતો એની યાદો તાજી કરતો બેઠો હતો. એક મોટા સફેદ વાદળમાં સંજનાની પ્રતિકૃતિ દેખાઈ અને વિરાટને કહેવા લાગી….

“વિરુ, તું મને ક્યાં સુધી ચાહીશ?”

“સંજના, ધરતી છે, આકાશ છે, દરિયા છે અને જ્યાં સુધી આ હ્ર્દય ધબકે છે ત્યાં સુધી!”

સંજનાએ વિરાટના એ ધબકતા હ્ર્દય ઉપર માથું ઢાળી દીધું. “વિરાટ હવે મને જરાય નથી લાગતું કે હું અનાથ છું, એકલી છું.”

“હમમમમ…..” વિરાટ એના વાળમાં હાથ ફેરવતો એના મધુર સ્વરને સાંભળતો રહ્યો. પ્રેમ હોય જ એવો છે ને! દરિયાના મોજા અને નદીના ખળખળ અવાજથીયે કઈક વિશેષ મધુર લાગે તો એ હોય છે કોઈનો અવાજ! વિરાટને પણ બસ એ અવાજ સાંભળ્યા જ કરવો ગમતો.

“તને ખબર છે વિરાટ?” વિરાટના તાજી આવેલ દાઢી ઉપર હાથ ફેરવતા એ બોલી.

“શુ?”

“આપણે કોલેજમાં પહેલીવાર મળ્યા ત્યારે હું ઉદાસ હતી.”

“હા, બિલકુલ યાદ છે અને એ ઉદાસીનું કારણ મેં તને પહેલા જ દિવસે કહી દીધું હતું ને સંજુ!”

“હા, કોલેજમાં તું મળ્યો એ મારા જીવનની પહેલી ખુશી હતી વિરાટ. ત્યાં સુધી હું રોજ એકલી એકલી જુર્યા કરતી. મને થતું હું કોણ છું? કેમ છું? મારા માં બાપ કોણ હશે? ભગવાને મને જ કેમ આ નર્ક જેવું જીવન આપ્યું?”

ફરી એક વાર જાણે સંજનાને એનો ભૂતકાળ દેખાયો હોય એમ એની આંખો નમ થઈ ગઈ. એની આંખોની નમી અવાજમાં પણ ક્યાંક ક્યાંક ભળી ગઈ હતી. ને એમ પણ જ્યારે સંજના વિરાટને વિરુ ને બદલે વિરાટ કહે ત્યારે કા તો ગંભીર વાત હોય કા તો એ ઉદાસ હોય એ વિરાટ જાણતો જ હતો.

વિરાટે એને જરાક છાતીએથી અળગી કરી. તળાવના કિનારે ઉગેલ એક છોડ ઉપર ખીલેલ ફૂલ ઉપર જેટલી નરમાશથી પવન સ્પર્શ કરે એમ સંજનાના કોમળ ગાલ બંને હાથોમાં લઈને વિરાટે કહ્યું, “તું ફૂલ છો સંજુ અને હું માળી, તારો ખ્યાલ રાખવા જ તો ઈશ્વરે મને બનાવ્યો છે.”

“વિરાટ, આ જમાનામાં તું મને મળ્યો એ મારા માટે ઈશ્વર મળ્યા સમાન જ છે.” વિરાટના મસ્તકને ચૂમી લેતા સંજના રડી પડી.

શાંત તળાવના કિનારે બંને પ્રેમી એકબીજાના સુખ દુઃખની વાત કરતા હતા અને જાણે સુખની વાત ઉપર તળાવનું પાણી પણ રાજી થતું હોય એમ શાંત બેઠું બેઠું બન્નેને જોઈ રહ્યું હતું.

“સંજુ, બસ કાલે મારા પપ્પાને કહું એટલી જ વાર પછી હંમેશને માટે આપણે આમ જ સાથે રહીશું! તું ભૂતકાળ શુ કામ યાદ જ કરે છે?” કહી વિરાટે એને ફરી ગળે લગાવી દીધી.

“પણ, તારા ઘરવાળા માનશે નહિ તો? તો મારું શું થશે વિરાટ?” જ્યારે જીવનમાં ઘણું રઝળી લીધા પછી એક ખાસ માણસ મળ્યું હોય એ ખોવાઈ જાય તો શું હાલ થાય એ સાંજનાથી વધારે કોણ જાણે. વિરાટ કદાચ નહિ મળે એ ભયથી જ સંજનાની પકડ મજબૂત થઈ ગઈ.

“સંજુ, મને કોઈ લઈ નથી જવાનું અહીંથી. અને મારા ઘરવાળા તો શું તને હવે મરાથી કોઈ અલગ ન કરી શકે સમજી.”

સંજના અને વિરાટના શબ્દો, નિસ્વાર્થ પ્રેમ, એટલા નજીક હોવા છતાંય ક્યાંય ઉન્માદ નહિ એ જોઈ તળાવનું પાણી, કિનારે ઉગેલ છોડ, ઉપર ખીલેલા ફૂલ અને વહેતો પવન, જાણે એ દ્રશ્ય જોવામાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે પૂનમના ચાંદને જોવાની પણ પ્રકૃતિના એકેય તત્વને વેળા નહોતી!

“સંજુ, હવે જવું પડશે જો મોડું થઈ ગયું છે.”

“વિરુ, થોડીવાર બેસને. ત્રણ વર્ષના સાથમાં આજે જ તો આપણે મળ્યા છીએ. મને આજે પહેલી વાર જ તો કોઈની છાતીએ માથું રાખી રડવા મળ્યું છે. મને આજની રાત બસ આમ જ તારી પાસે રહેવા દે પ્લીઝ.” સંજનાને જીવનમાં મા, બાપ, ભાઈ કે બહેન તો હતા નહિ કોઈને ભેટવું એટલે શું અને ભેટ્યા પછી જાગતી લાગણીઓ એટલે શું એ પહેલી જ વાર એને સમજાયું હતું  એટલે એ બસ એમ જ રહેવા માંગતી હતી.

“પણ સંજુ, દેખ ખૂબ જ મોડું થઈ ગયું છે. તને મૂકી જાઉં હું પ્લીઝ સમજ. હું નથી ઇચ્છતો કે તારા પાડોશી તારા ઉપર કીચડ નાખે.”

“કીચડ તો એ લોકો નાખવાના જ છે વિરાટ. તું અત્યારે મૂકી જઈશ તો પણ નાખશે જ પણ આ તળાવનું પાણી, આ ચંદ્ર, આ પવન સાક્ષી છે કે આપણે કેટલા પવિત્ર છીએ.”

“તું નહિ જ માને….”

“ના….. મને ક્યારે મારી જીદ પુરી કરવા મળી જ છે વિરાટ?”

વિરાટ કઈ બોલ્યો જ નહીં. એ પણ સમજતો હતો કે એક અનાથ છોકરી માટે જીવન કેટલું કઠિન હોય છે. અનાથને ક્યાં કોઈ જીદ કરવા જ મળે છે? કોણ એની જીદ પુરી કરે? સંજના કેટલી દુઃખી હતી એ તો વાત વાત પર આવતા એના ભૂતકાળની વાતો પરથી જ દેખાઈ આવતું હતું.

“હું તારી બધી જીદ પુરી કરીશ સંજુ.” વિરુએ હસીને કહ્યું.
“મને ખબર છે….” સંજનાએ પણ મધુર સ્મિત સાથે કહ્યું.

એ રાતે તો બસ એમજ વિરાટ અને સંજના વાતોમાં ભવિષ્યના સપનાઓમાં ખોવાયેલા ત્યાં જ બેસી રહ્યા હતા. સવાર પડતા જ સંજના અને વિરાટ અલગ થયા હતા. અલગ થતા પહેલા સંજનાએ કહ્યું હતું કે હવે ફરી ક્યારે મળીશું એ કઈ નક્કી નથી પણ વિરુ મને એક કાગળ લખીને કહેજે કે તારા ઘરવાળાએ શુ કહ્યું છે.

વિરાટ જ્યારે ઘરે ગયો ત્યારે એના પિતાજીએ એને રાતે ક્યાં હતો એ બાબતે સવાલ કર્યા અને વિરાટે પર્સમાંથી એક અપ્સરાનો ફોટો નીકાળી ભાનુપ્રસાદના હાથમાં આપતા કહ્યું હતું, “પપ્પા, આ સંજના છે જેને હું ત્રણ વર્ષથી ચાહું છું અને કાલે અમે પહેલી વાર લગ્ન માટેની વાત કરવા મળ્યા હતા અને આજે હું તમને એ વિષયે વાત કરવાનો જ હતો.”

પુત્રની સ્પષ્ટ વાત ભાનુપ્રસાદને પણ ગમી ગઈ. “કોણ છે એ ? ક્યાં રહે છે?”

“એ અનાથ છે પપ્પા, એની કોઈ જાત નથી પણ સંજનાએ એના નામ પાછળ મારુ નામ અને જાત ક્યારનાય લગાવી દિધા છે.” વિરાટ બધું જ સ્પષ્ટ બોલી ગયો.

રસોડાના દરવાજે ઉભી એની મા બધું સાંભળતી હતી. જશોદાબેનને એ જ ભય હતો કે હવે બાપ દીકરા વચ્ચે અણગમો થવાનો પણ એ ખોટા ઠર્યા.

“અનાથ છે તો શું? અમે દીકરી જેમ રાખીશું.” ભાનુપ્રસાદ હસતા હસતા બોલ્યા, “સાંભળ્યું જશોદા, હવે એ દરવાજા બહાર આવતી રે.”

જશોદાબેન બહાર આવ્યા ત્યાં સુધી તો વિરાટ પપ્પાને ભેંટીને એના રૂમમાં ચાલ્યો ગયો હતો. પતિ પત્ની દીકરાના ચહેરા ઉપરની ખુશી જોઈ રહ્યા.  રૂમમાં જઈને વિરાટે એક કાગળ લઈ લખવાનું શરૂ કર્યું.

“પ્રિય સંજના,

હું તને ખૂબ ચાહતો હતો અને ચાહું છું પણ અફસોસ કે મારા ઘરવાળા માન્યા નથી. મેં ઘણા સમજાવ્યા પણ એ લોકોએ આત્મહત્યા કરી લેવાનું કહ્યું એટલે હવે મારી પાસે તને મેળવવાનો કોઈ રસ્તો નથી. શક્ય હોય તો મને માફ કરજે તારી હાલત હું સમજુ છું સંજુ.

આવતા જન્મે તારી રાહમાં,

તારો જ લિ. વિરુ….”

કાગળ લખી તરત ઘર બહાર નીકળી ગયો. આખી રાતનો એને જરાય ઉજાગરો ન હોય એમ એ હરખાતો હતો. ઘરથી નીકળી સામે શેરીમાં રમતા નાના બાળકો પાસે જઈ એકને નજીક બોલાવી કહ્યું, “જો રાજુ, આ વખતે તારે સંજનાને એક આ છેલ્લી ચિઠ્ઠી આપવાની છે.”

“ના વિરાટ ભાઈ તમે પછી મને કાઈ આપતા નથી હું નઈ જઉં.” રાજુએ મોઢું બાગાડીને કહ્યું.

“અરે મારા પ્યારા રાજુ, મોઢું ન બગાડ તું કહે એટલા રૂપિયા આપીશ. આપીશ શુ લે હમણાં જ આપી દઉં.” કહી વિરાટે પર્સ આખું રાજુને આપી દીધું.

રાજુ રાજીના રેડ થતો સંજનાના ઘરે ગયો અને ચિઠ્ઠી આપી દીધી. રાજુ ચિઠ્ઠી આપી આવ્યો એટલે વિરાટ સંજનાના ઘર તરફ જવા લાગ્યો. રડતી હશે. વિરાટ મને ન મળ્યો આંસુ ખેરવતી મને પત્ર લખતી હશે. રડતી સંજનાને ઘરે જઈ એની સામે હું ખડો થઈશ અને કહીશ ઘરવાળા માની ગયા એ સાંભળીને સંજુનો ચહેરો કેવો ગુલાબ જેવો ખીલી ઉઠશે? વિરાટ મનોમન મધુર મિલનની કલ્પના કરતો ચાલ્યે જતો હતો.

એના પગ એને સાંજનાને ભેંટી લેવા માટે ઝડપભેર એના ઘર આગળ લઈ આવ્યા. વિરાટે દરવાજો ખખડાવી કહ્યું, “સંજુ હું આવી ગયો.”

પણ અંદરથી કોઈ અવાજ આવ્યો નહિ. ફરી દરવાજો ખખડાવ્યો પણ દરવાજો કોઈએ ખોલ્યો નહિ. વિરાટને થયું મેં મજાક કરી છે એટલે નારાજ થઈ ગઈ છે. હમણાં લગ્નની વાત કરીશ એટલે મને ભેંટી પડશે એક પળમાં બધી નારાજગી ક્યાય ગાયબ થઇ જશે! દરવાજો ખોલી વિરાટ અંદર ગયો…..

“સં…………” વિરાટ પૂરું બોલી શક્યો નહિ. શુ બોલે? પોતાને જોતા જ જે સુંદર ચહેરો ઓર ખીલી ઉઠતો એ આજે ઘરમાં અચેતન થઈને પડ્યો હતો. એક હાથમાં લોહીથી ખરડાયેલ ચિઠ્ઠી અને બીજા હાથમાં એવું જ ભયાનક અણી વાળું લાલ ચાકુ! સંજનાના કોમળ પેટમાંથી દડદડ લોહી વહેતુ હતું. સંજના ક્યારનીયે શ્વાસ છોડી ગઈ હતી….. પોતે મોડો પડ્યો હતો…..

વાદળ ખસી ગયું….. ધગધગતો સૂરજ એ વાદળ પાછળથી બહાર આવ્યો. પાગલ ખાનામાં બાંધેલ વિરાટની આંખોમાં એના કિરણ પડતા હતા અને એના આંસુ એ પ્રકાશમાં સ્પષ્ટ ચળકતા હતા.

ડુસકા લેતો વિરાટ એમ જ હા રોજની જેમ જ એ દ્રશ્ય યાદ કરીને રડતો હતો. એ ખરેખર પાગલ ન હતો પણ પોતે જે કર્યું હતું એ એક પાગલપન હતું એવું ભાન થતા એ પાગલ બનીને જીવતો હતો……

 વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’ (ડીસા)

8 Replies to “પાગલ  (A tragedy)”

Comment here