gujarati-varta-veshya

વેશ્યા

એ દિવસે મારે ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું. સવારે જાગ્યો એટલે કાંટો આઠ ઉપર આવી ગયો હતો. નવ વાગ્યે ઇન્ટરવ્યૂ હત અને મારા ઘરથી બેન્ક ઓફ બરોડા અંદાજે આઠેક કિલોમીટર દૂર હતી. મને થયુ મોડું થઈ જશે. ફટાફટ હાથ-મો ધોઈ ફોર્મલ કપડાં પહેરીને ન્હાયા વગર જ હું દરવાજો બંધ કરીને નીકળી પડ્યો.

લિફ્ટમાં ગયો ત્યાં જગ્યા નહોતી એટલે સીડીઓ જ ઉતરવી પડી. ચોથા માળથી સિડી ઉતરી પાર્કિગમાં મારા બાઈક પાસે પહોંચ્યો ત્યાં તો બાઈકના ટાયરમાં હવા જ નહીં! ટાયરને લાત મારી રૂમાલ કાઢી પરસેવો લૂછયો. કાંડા ઘડિયાળમાં નજર કરી તો આઠને પીસતાળીસ થઈ ગઈ હતી.

‘હવે કઈ રીક્ષા પંદર મિનિટમાં મને ત્યાં પહોંચાડશે? એ પણ આ ટ્રાફિકમાં?’ મનોમન કંટાળીને હું ફાઇલ લઈને ચાલવા લાગ્યો. રોડ ઉપર જઈને એક રિક્ષાને હાથથી ઈશારો કર્યો. રીક્ષા ઉભી રહી અને અવાજ આવ્યો.

“કિધર જાના હે સાબ?”

“બેન્ક ઓફ બરોડા.” મેં ટૂંકમાં જવાબ આપ્યો.

“ઠીક હૈ બેઠ જાઓ. મીટર સે જાના હૈ યા ફિક્સમે?” રીક્ષાવાળે પૂછ્યું.

રિક્ષાવાળાઓથી હું ત્રાસેલો હતો એટલે મેં ફિક્સનો જ ભાવ પૂછ્યો, “ફીક્સમેં કિતના લગેગા?”

“સો રુપયે લગે ગે સાબ.” ગુટકાની પિચકારી મારતા એણે કહ્યું.

“ઠીક હૈ.” કહી હું બેસી ગયો. રીક્ષા ઉપડી. ચાર રસ્તે જતા જતા તો દસ મિનિટ થઈ ગઈ. મોંઘી ડાટ ગાડીઓમાં કોઈ પાર્ટીમાં જતું હતું તો કોઈ કલબમાં, કોઈ દારૂના નશામાં હતા તો કોઈ ગાડીમાં જ ફોન ઉપર વાતો કરતા હતા, કોઈના ચહેરા ઉપર મારી જેમ જલ્દી પહોંચવાની ચિંતા હતી તો કોઈ છોકરા છોકરીઓ ગાડીમાં જ ચુંમાં ચાટી કરતા હતા.

થયું એ બધાના લીધે જ આજે હું રહી જવાનો. લાઈટો બદલાઈ એટલે ફરી રીક્ષા ઉપડી. બીજી વીસેક મિનિટ પછી હું બેન્ક ઓફ બરોડા પહોંચ્યો. રીક્ષા વાળાને સોની નોટ આપીને હું બેંકમાં ગયો.

બેંકમાં પહોંચ્યો ત્યારે બેંકની ઘડિયાળમાં દસનો ટકોરો પડ્યો એ જોઈ મારુ હ્ર્દય બેસી ગયું. તો આજે ઘડિયાળે પણ મને સાથ ન જ આપ્યો. પીયૂનને ઇન્ટરવ્યૂ માટે ડોક્યુમેન્ટ આપવા ગયો પણ પિયુને કહ્યું, “સાહેબ, ઇન્ટરવ્યૂ માટે ડોક્યુમેન્ટ લેવાનો સમય પૂરો થઈ ગયો.”

નિરાશ થઈને હું બેન્ક બહાર નીકળી ગયો. રોડ ઉપર એક કેન્ટીન દેખાઈ. ચા પીવાની ઈચ્છા થઈ આવી. સાવધાનીથી રોડ ક્રોસ કરી કેન્ટીન જઈને ચા માંગી તો કેન્ટીવાળે પૂછ્યું, “છુટે હૈ ક્યાં?”

ખિસ્સા ફંફોસી નિરાશ થઈને હું ચાલતો થયો. કાળઝાળ ગરમીમાં પરસેવો છૂટતો હતો. આખો રૂમાલ ભીનો થઈ ગયો હતો મોઢું લૂછી લૂછીને.

થોડોક ચાલીને આગળ ગયો ત્યાં એક લીમડાના ઝાડ નીચે બાંકડો દેખાયો. મુબઈમાં એવડું ઝાડ જોઈ નવાઈ થઇ પણ લીમડાના થડમાં હનુમાનજીની નાની મૂર્તિ જોઇને એ નવાઈનો જવાબ મળી ગયો.  થયું લાવ જઈને બેસી જાઉં થોડી વાર થાક ખાઈ લઉં. સો રૂપિયા તો નાકામાં ગયા હવે તો ચાલતો જ ઘરે જાઉં. આમ બસો બસો રૂપિયા રોજ ક્યાંથી લાવું?

હું બાંકડે જઈને બેઠો. હજુ હું મારા વિચારોમાં હતો કે આવતી કાલે મારી કિસ્મત ક્યાં આજ્માંવું? ત્યાં જીન્સ ટી-શર્ટમાં એક છોકરી મારી પાસે આવીને બેઠી.

સફેદ ચહેરા ઉપર જરી લગાવેલ. હોઠ ઉપર લિપસ્ટિક, કાનમાં મોટી રિંગ, નાક ઉપર એક વેણી, કાનમાં પણ એવા જ ઘરેણાં પહેરેલ! એની ઉમર મેકઅપમાં પણ ત્રીસની લગતી હતી એટલે એ ખરેખરતો પાંત્રીસની હશે એવું મને લાગ્યું. પોતાના ચશ્માં ઉતારી એ બોલી, “ક્યાં સાબ ટેનશનમેં હે ક્યાં?”

“જી હા બહોત ચિંતામેં હું.” મેં કહ્યું.

“મૂડ બનાના હે ક્યાં?”

મને મુંબઈની ભાષા હજુ આવડી નહોતી પણ જે રીતે એ અજાણ છોકરી મારી જોડે વાત કરતી હતી એ પરથી હું સમજી ગયો કે એ જરૂર શરીર વેચનારી લલના હશે.

“મેં ઉસ ટાઈપકા નહીં હું. આપ જા શકતે હે.”

એ ખડખડાટ હસવા લાગી. “ક્યાં સાબ? આપ મર્દ લોગોકો  એકીચ ડાઈલોગ આતા ક્યાં? સબ પહેલે યહી બોલતે હે ફિર ફટકશે તૈયાર હો જાતે હે.” ચોટલો હાથમાં લઈ એ બોલી, “અપના ગેસ્ટ હાઉસ ઇધર નજદીક હે જ્યાદા દુર નહી ફિકર કાયકો કરતા હે.”

“તને શરમ નથી આવતી? આ ધંધો કરે છે એના કરતા કામ કે નોકરી કરને.” ગુસ્સામાં હું ગુજરાતીમાં જ બોલ્યો પણ એ બધું સમજી ગઈ.

“શરમ? કેવી શરમ? કઈ શરમની વાત કરે છે તું? મને તો ગર્વ છે કે હું જે કરું છું ખુલ્લે આમ કરું છું બીજાની જેમ અંદર બહાર અલગ અલગ વ્યક્તિત્વ નથી મારુ.” એના ચહેરાના ભાવ બદલીને એ ફરી બોલી, “હું પણ ભણેલી છું પણ નોકરી કોણ આપે એક વેશ્યાને?”
“એતો હવે ના આપે પહેલેથી જ નોકરી કરી હોત તો જરૂર મળોત.”

“મને પણ શરમ આવતી હતી એક દિવસ. હું પણ ત્યારે નોકરી કરતી હતી.” ઉદાસ થઈને એ બોલી. “હું મારી મા સાથે રહેતી હતી. મારી કોલેજ ચાલતી ત્યારે મા સિલાઈનું કામ કરતી અને હું ટ્યુશન કરતી. એમ અમારું જીવન ચાલતું હતું અને એક દિવસ કોલેજના રાત્રી પ્રોગ્રામથી હું આવતી હતી ત્યારે મને કોલેજના છોકરા એક વેનમાં ઉઠાવી ગયા. અઠવાડિયા સુધી મને મારી મા શોધતી રહી. રોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતી રહી.”

એની વાત હું સાંભળતો રહ્યો અને એ બોલતી રહી. કદાચ પોતાનું જીવન ખોલી દેવા એને આજે જ કોઈ મળ્યું હોય એમ એ બોલતી હતી.

“જ્યારે મને એ લોકોએ છોડી ત્યારે ઘરે જઈ મેં મારી માને બધી વાત કરી અને કેસ કર્યો.”

“તો એ લોકોને સજા થઇ?”

“ના. ડોકટરે બધા ટેસ્ટ બધા રિપોર્ટ બદલી દીધા અને મારા ઉપર માનહાનીનો કેસ થયો કેમ કે એ બધા મોટા બાપના છોકરા હતા.”

આજુ બાજુમાં ચાલતા માણસો મને એની જોડે વાત કરતો જોઈને મારા ઉપર ધિક્કારની નજર કરતા હતા એ મને સ્પષ્ટ દેખાતું હતું પણ હું એની વાત સાંભળ્યા વગર ત્યાંથી જઇ શકું એમ હતો જ નહીં.

“મને માનહાનીના કેસમાં સજા થઈ. બીજી તરફ મારી માને લોકોએ ઘર ખાલી કરાવી દીધું. એરિયામાં લોકો વાતો કરવા કરવા લાગ્યા કે અઠવાડિયા સુધી સંગીતા કોલેજના છોકરા સાથે લીલા કરતી રહી પૈસા પડાવતી રહી અને જ્યારે એ લોકોએ પૈસા ન આપ્યા એટલે કેસ કરી દીધો.”

“તો પછી ઘર ખાલી કરીને એ ક્યાં ગયા?”

“ક્યાં જાય? કોણ સંઘરે? આત્મહત્યા કરી લીધી મારી મા એ.” આંખ લૂછતાં સંગીતા બોલી, “જ્યારે હું સજા ભોગવી બહાર આવી ત્યારે મેં રહેવા માટે ભાડાનું મકાન શોધ્યું પણ કોઈએ ન આપ્યું. અનાથ આશ્રમ અને હોસ્ટેલમાં પણ મને પનાહ ન મળી. મેં નોકરી માટે પણ ઘણા પ્રયાસ કર્યા પણ કોઈએ મને નોકરી ન આપી એટલે મેં એક માણસ સાથે દોસ્તી કરી. એ મને પૈસા આપતો એના ફ્લેટ ઉપર મને રાખતો અને હું એને મારુ શરીર આપતી.”

રસ્તા ઉપર નજર લગાવી જાણે દ્રશ્યો એને દેખાતા હોય એમ એ બોલતી રહી.

“બસ પછી તો એક પછી એક મોટા મોટા ગ્રાહકો મળે ગયા અને હું એમ જીવતી રહી. શરૂઆતમાં તો બધા મને સારા પૈસા આપતા પણ  હવે એ લોકોને પણ મારી અંદર રસ નથી રહ્યો એટલે આ પાવડર લિપસ્ટિક લગાવીને તારા જેવા જુવાન દેખાતા છોકરાઓને લલચાવીને મારુ પેટ ભરું છું.”  બોલતા બોલતા એની આંખમાંથી આંસુ આવી ગયા. “હવે શરીર પહેલા જેવું નથી રહ્યું એટલે ઘણીવાર ભૂખ્યા સુવું પડે છે.”

મારી પાસે બોલવા માટે એકેય શબ્દ નહોતો. શુ બોલું? હું એને બહેન કહીને એના ખભે હાથ મૂકી આશ્વાસન પણ ન આપી શક્યો! કેમ કે એ વેશ્યા હતીને? મારા વિચારોએ મને કહ્યું ના એને બહેન ન કહેવાય એ તો વેશ્યા છે. છતાં હૃદયમાંથી અવાજ આવી “પૃથ્વી, જરાક આશ્વાસન તો આપી દે એને!”

હું એને બે શબ્દો કહું એ પહેલાં જ એ બોલી, “ખોટો તારો સમય બગાડયો ને મારોય. આજે ફરી ભૂખ્યા સૂવું પડશે….” કહી આંસુ લૂછી એક નાનકડો અરીસો કાઢી ફરી પોતાનું મોઢું ચમકાવી એ એની અદામાં કમર લચકાવતી ચાલવા લાગી…..

હું ક્યાંય સુધી એ ભીડમાં એને અદ્રશ્ય થતી જોઈ રહ્યો. મને એક મહિનાથી જે નોકરી નહોતી મળતી એનું દુ:ખ આપોઆપ ક્યાય ગાયબ થઇ ગયું. હું ત્યાં લાંબા સમય સુધી બેસી રહ્યો. મને સંગીતાના જ વિચાર આવતા હતા કે દસ પંદર વર્ષ પછી એની શું હાલત હશે? ખરી વેશ્યા કોણ? સંગીતા વેશ્યા બની કે બનાવી?

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

2 Replies to “વેશ્યા”

Comment here