ઉછીનો રંગ

“હોળી છે ભાઈ…”

“બુરા ન માનો હોલી હે…”

બાળકોની ટોલી અને જુવાનિયાઓનું ધણ આમતેમ ફરી રહ્યા હતા. કોઈના પર પણ રંગ લગાવતા પહેલા હોળી છે ભાઈ કે બુરા ન માનો હોલી હે જેવી સૂચનાઓ આપ્યે જતા હતા.

બાળકો માટે ટોળી અને જુવાનીયાઓ માટે ધણ શબ્દ એ માટે વાપર્યા છે કેમકે આ દિવસે જુવાનીયા ક્યા માણસ રહે જ છે..? તેઓ પ્રાણી જેવા બની ગયા હતા માટે એમની ટોળી માટે ધણ શબ્દ વાપરવો અયોગ્ય ન હતું.

આખા મહોલ્લામાં શોર બકોર હતો. કદાચ લોકોને દિવાળી અને ઉતરાયણ કરતા પણ આ એક દિવસના તહેવારમાં વધુ રસ હોય છે. લોકો છેકથી રંગો પાછળ પાગલ રહ્યા છે પણ હોળી ધુળેટીના દિવસે તો જાણે જીવનના રંગો એ પિચકારીના રંગો સાથે ભળેલ હોય એમ લોકો પાગલ થઇ જતા હોય છે.

જયેશ એના નાનકડા રો-હાઉસ આગળ ઉભો હતો. મહોલ્લામાં મોટા ભાગના મકાનો નાના અને બિલ્ડરે રો હાઉસમાં બનાવેલ સસ્તી કિમતના હતા. મહોલ્લો કાઈ ખાસ અમીર વસ્તી ધરાવતો ન હતો. મોટાભાગના મિડલકલાસ લોકો જ ત્યાં રહેતા હતા છતાં હોળી ધૂળેટી જેવા તહેવારના દિવસે મહોલ્લો અમીર બની જતો હોય એમ સોસાયટીમાંથી ફાળો એકઠો કરીને પણ ડી. જે. મગાવવામાં આવ્યું હતું અને એના પર જોર શોરથી હોળીના ગીતો વાગી રહ્યા હતા.

હોલી ખેલે રઘુબીરા અવધ મે હોલી ખેલે રઘુબીરા… તો ક્યારેક નવા ફિલ્મી ગીતોની લાઈનો પણ ઉપડતી હતી જેમને દુર દુર સુધીયે હોળી સાથે કોઈ લેવાદેવા ન હતી.

જયેશ માટે એ હોળી ખાસ ઉત્સાહ આપનાર ન હતી. એ પોતાના રો-હાઉસના દરવાજા પાસે આવી ઉભો હતો. લોકો આમતેમ આનંદ પૂર્વક ફરી રહ્યા હતા.

“તું હોળી કેમ નથી રમી રહ્યો..?” રવિનાએ તેની પાસે આવી કહ્યું. રવિના જયેશની પડોસી હતી. એ ક્યારનીય પોતાની અગાસી પર ઉભી રહી લોકોને ગળીમાં હોળી રમતા જોઈ રહી હતી. એના ચહેરા પર પણ જયેશની જેમ જ ઉદાસી હતી. કદાચ એ વિચારી રહી હતી કે જે બાળકો ત્યાં રમી રહ્યા હતા એમના જેટલી એની ઉમર ન હતી અને બાકીના જે જુવાન છોકરા છોકરીઓ એકબીજા પર પાણીની ડોલ અને રંગોની પડીકીઓ કુરબાન કરી રહ્યા હતા એટલી તે નસીબદાર ન હતી.

હા, રવિના ખરેખર નસીબદાર ન હતી. લગભગ એકાદ વરસથી એનું જીવન બદલાઈ ગયુ હતું. એ જયારે હાઈસ્કુલમાં હતી ત્યાં સુધી મહોલ્લાના છોકરાઓ તેના વખાણ કરતા થાકતા ન હતા અને જી.એમ. હાયરસેકન્ડરીમાં પણ તેની પાછળ છોકરાઓ પાગલ હતા પણ રવીનાને એ બધામાં કોઈ રસ ન હતો. એ જાણતી હતી કે પોતે એક સામાન્ય પરિવારમાંથી છે અને સમાજના નિયમો મુજબ એને ચાલવું જ પડશે તો એ પ્રેમ અને બીજા બધા ચક્કરમાં પડવાનો કોઈ અર્થ ન હતો. એ પોતાના મમ્મી પપ્પાને પણ દુખી કરવા માંગતી ન હતી. એ સમાજમાં મમ્મી પપ્પાની ઇઝ્ઝત, માન અને મોભો જળવાઈ રહે એમ ઇચ્છતી હતી.

પોતાને જે યોગ્ય લાગે એના કરતા સમાજ અને એમાં ચાલતા નિયમોને વધુ મહત્વ આપતી રવીનાએ મમ્મી પપ્પાએ જ્યાં એના લગ્ન કરાવ્યા ત્યાં છોકરા સાથે એકવાર વાત પણ કર્યા વિના લગ્ન કરી લીધા. કદાચ એ પણ એ સામાન્ય મિડલ કલાસ મહોલ્લાની અસર હતી. એ વિસ્તારમાં ઇન્ડિયા હજી નેવુંના દાયકા જેવું જ જીવન જીવી રહ્યું હતું.

“તું મને હોળી રમવા જવાનું કહી રહી છે પણ તું કેમ રંગોને હાથ પણ નથી લગાવતી..?” જયેશે રવીનાની આંખોમાં જોતા પૂછ્યું.

“આમ જ મને રમવા કરતા લોકોને હોળી રમતા જોવામાં મજા આવે છે.” રવીનાએ કહ્યું.

રવિના કહેવા તો માંગતી હતી કે એના જીવનમાંથી બધા રંગો તો એ દિવસે જ ઉડી ગયા જયારે એ પરણીને સાસરે ગઈ અને એને ખબર પડી કે જે છોકરા સાથે આંખો મીંચીને પોતે લગન કર્યા હતા એનામાં શરાબ, રખડવું, અન્ય યુવતીઓ સાથે આડા સબંધો એમાનું એકપણ અપલક્ષણ બાકી ન હતું. એના લગ્ન જીવનનો પહેલો દિવસ પતિના પ્રેમને બદલે શારીરિક અને માનસિક યાતનાથી શરુ થયો એ જ દિવસે એના જીવનના બધા રંગો ઉડી ગયા હતા.

એ ઉડી ગયેલા ફિક્કા રંગો સાથે જીવન જીવતી રહી.. સમાજના ડરથી… મમ્મી પપ્પાના ઇઝ્ઝતના ડરથી પણ એ કેટલો સમય ચાલી શકે તેમ હતું???

એકાદ બે મહિનામાં તો પાણી માથા ઉપર થઇ ગયું હતું.. જયારે એ એકાદ મહિના બાદ ઘરે પાછી ફરી ત્યારે એના મમ્મી પપ્પા પણ એને ઓળખી ન શકે એટલી બદલાઈ ગઈ હતી. જયેશે જયારે એને પહેલીવાર સાસરેથી પાછી આવેલ જોઈ ત્યારે એને કદાચ જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો હતો કેમકે પોતાની બાળપણની મિત્ર રવિનાના લગ્નમાં એ સૌથી વધુ ખુશ હતો અને સૌથી વધુ નાચ્યો હતો.

સત્તર વર્ષની રવીનાના લગન સત્તર મહિના પણ ટકી ન શક્યા. કદાચ એની ઉમર કરતા વહેલા એને પરણાવી દેવામાં આવી એ પણ એ પછાત મહોલ્લાની જ એક અસર હતી. એ મહોલ્લામાં જન્મતી છોકરી ભલે પ્રાયમરી સુધી ભણે કે હાઈસ્કુલ સુધી એના જીવનમાં એનાથી કોઈ ફેર ન પડતો.

હા, છે હજુ આજે પણ ઇન્ડિયામાં એવા વિસ્તારો ભરેલા પડ્યા છે જ્યાં પુસ્તકોમાં અને ફિલ્મોમાં જે બાબતો બતાવવામાં આવે છે એના કરતા એકદમ અલગ જીવન છે. બાળ વિકાસ અને સ્ત્રી વિકાસની વાતો માત્ર પુસ્તકોમાં જ સીમિત છે એ વાત સમજવી હોય તો તમારે એ વિસ્તારના કોઈ પાન પાર્લર આગળ ઉભા રહેવું પડે અને બપોરે તોલ પર (કોલ્ડ સ્ટોરેજમાં બટાકા ના કટ્ટાનું વજન કરવાની પ્રક્રિયા)માં મજુરી પર જતી પંદર અને સોળ વર્ષની યુવતીઓ જયારે જાફરી અને વિમલની પડીકી ખરીદી એમાં તમાકુની પડી ઠાલવી એને મિક્ષ કરતી હોય એ સમયે આપણને આપણા દેશની સાચી દુર્દશા સમજાય કે હજુ એ વિસ્તારમાં બાળકીઓનું જીવન કેવું છે..?

કદાચ તમને આ અતીસ્યોક્તી ભર્યું લાગશે અને કોઈક સ્ત્રી પક્ષ ખેચનાર એમ પણ કહેશે કે હું સ્ત્રીઓને નીચી ચીતરી રહ્યો છું પણ હકીકત એ છે કે આ મેં મારી સગી આંખે જોયું છે અને એ હકીકતને સ્વીકારવી જ રહી કે હજુ દરેક શહેરમાં એવા પછાત વિસ્તાર છે જ્યાં રહેતા લોકોનો આખો પરિવાર મજુરી કામ કરવા જાય છે પછી એ ભલે પુરુષ હોય સ્ત્રી હોય બાર તેર વર્ષથી ઉપરની ઉમરનું બાળક હોય કે બાળકી. અને એ બધાને જીવન શું એ ખબર ન હોય એમ એ કોઈ વ્યસનને એબ ગણતા જ નથી.. ન જુવાન છોકરાઓ ન જુવાન છોકરીઓ.

જોકે રવિના એવા વિસ્તારમાં ઉછરી હતી છતાં એનામાં એ બધી ખામીઓ આવી ન હતી કેમકે એને બાળપણથી જ ભણવામાં રસ હતો અને એણીએ શાળામાંથી જરૂરી બધા સંસકારો લઇ લીધા હતા. કદાચ એને શાળામાં જવા મળ્યું એ પાછળ પણ એક ખાસ કારણ હતું – એના પપ્પા મજુર વર્ગમાં હતા પણ ભગવાનની ભક્તિમાં એમનું મન થોડુક વધારે હતું એટલે તેઓ શરાબને હાથ ન લગાવતા અને મહોલ્લાના અન્ય પરિવારના પુરુષો જે રકમ ભાલુજીના અડ્ડા પરથી દેશી ખરીદવામાં વાપરતા એ રકમ તેઓ રવીનાને ભણાવવામાં ખર્ચી એને બાર ધોરણ સુધી ભણાવી શક્યા હતા.

પણ માત્ર ભણી લેવાથી શું ફેર પડે..? એ વિસ્તારમાં ઉછરેલ છોકરીને સ્વીકારનાર માણસ પણ એવા જ કોઈ બીજા શહેરના પછાત વિસ્તારનો હોય જેના માટે એ શિક્ષણ અને જ્ઞાન કરતા એણે બાળપણથી જે શીખ્યું હોય એ મહત્વનું હોય… આમ પણ સારા વિસ્તારના ઘરોમાં પણ પરણીને આવતી નવી વહુની રાય કોણ ગણકારતું હોય છે તો એ વિસ્તારોનું તો પૂછવું જ શું..?

રવીનાના મમ્મી પપ્પા સમજુ હતા એના મમ્મી પપ્પાએ જ રવીનાને ફરી ક્યારેય સાસરે ન મૂકી.. શું કામ..? કદાચ રવિના નાસમજ હતી.. એ સમાજ અને મમ્મી પપ્પાના માન મોભા માટે એ બધા અત્યાચારો સહન કરવા તૈયાર હતી પણ એના મમ્મી પપ્પા સમાજ અને માન મરતબાના ખોટા વહેમમાં પોતાની દીકરીને એ દુઃખમાં મુકે એટલા મુર્ખ ન હતા.

લગભગ લગનના છ મહિનામાં તો ડાઈવોર્સ પણ થઇ ગયા હતા. એ ડાઈવોર્સ કોઈ કોર્ટ કાનૂની ન હતા સમાજના પંચના પાંચ માણસો ભેગા થયા અને છૂટાછેડા જેવા જે દેશી રીવાજો અને પંચનું ધર્માંદુ અને બસ કોર્ટ કાનુન કરતા પણ મોટો ફેસલો સંભળાવી એ દંપતીને અલગ થવાની પરવાનગી મળી ગઈ.

પછાત વિસ્તારોમાં શહેરોમાં પણ હજુ એક ગામઠી રીવાજોને વધુ મહત્વ આપવામાં આવે છે.

નેવુંના દાયકા મુજબના રીવાજો સાથે થયેલ એ લગ્ન અને ડાયવોર્સ એનાથી એ યુગલમાંથી એકને તો કોઈ ફરક ન પડ્યો… અને એ હતો રવીનાનો પતિ.. એના એક્સ હસબંડનું જીવન એ જ રીતે ચાલ્યા કર્યું જે મુજબ ચાલતું હતું પણ રવિના..?

રવિના માટે દુનિયા બદલાઈ ગઈ. એના માટે સમાજના લોકોની રાય બદલાઈ ગઈ.

“કોને ખબર એ છૂટાછેડા લઈને આવી છે કે પતિએ ધક્કા મારીને કાઢી મૂકી છે…?”

“ભાઈ એના ઘરનું એ જાણે આપને શું પણ અહિયાં જેમ હાઈસ્કુલમાંને મહોલ્લામાં હર્યા ફર્યા એમ ત્યાં ન જ ચાલેને??”

“ભૂલ એના મા – બાપની જ છે સાત ધોરણથી આગળ ન ભણાવી હોત તો પડી રહોત સુખ દુખ જે હોત એમાં પણ આતો વધુ ભણાવીને જાતે જ પગ પર કુહાડો માર્યો… લો હવે આવીને બેઠી છે ઘરે..”

લોકો પીઠ પાછળ અનેક ટીપ્પણીઓ કરવા લાગ્યા. જેટલા મો એટલી વાત.. કોઈ આમ વાત કરે તો કોઈ તેમ પણ મહોલ્લાની બેથી વધારે સ્ત્રીઓ ભેગી થાય ત્યાં રવિનાના ભગ્ન લગ્ન જીવનની જ ચર્ચાઓ થાય. ઘણીવાર તો રવીનાએ પણ એ ચર્ચાઓના કેટલાક શબ્દો સાંભળ્યા હતા જે એની આંખોમાં આંસુ લાવી દેતા.

રવિના વિચારતી કે શું દુનિયામાં કોઈ સ્ત્રી સશક્તિકરણ કરી શકવાનું હતું..? પુરુષ તો એક કે બે સ્ત્રીના દુશ્મન હોય છે જયારે સ્ત્રીઓ તો સોમાંથી નેવું અન્ય સ્ત્રીની દુશ્મન હોય છે. રવીનાને જે જખમ જે દુખ એના સાસરિયામાં એના પતિ તરફથી મળ્યા હતા એના કરતા પણ બમણા દુખ દર્દ એને મહોલ્લાની સ્ત્રીઓ અને સમાજના લોકો તરફથી મળવા લાગ્યા હતા.

“બસ તો હું પણ ખાલી આમ જ રંગોથી નથી રમી રહ્યો..” જયેશે જવાબ આપ્યો ત્યારે રવિના પોતાના દુખની કહાનીમાંથી બહાર આવી.

“કેમ તારો સુંદર ચહેરો કાઈ રંગોથી બગડી નથી જવાનો..?” રવીનાએ કહ્યું. એ બાલમિત્રો હતા એક જ ગલીમાં ભેગા રમી મોટા થયા હતા એટલે રવિના જયેશને ગમે તે કહેતા ક્યારેય ન ડરતી.

“હા, અને બગડી જાય તો પણ મને કોઈ ફરક નથી પડતો… આમ પણ મને આ ચહેરો કોઈ કામનો નથી.” જયેશે ઉદાસ થઇ કહ્યું.

“કેમ..? છેલ્લા એક મહિનાથી જોઉં છું..  કુસુમ માશીની સીમા તારા આ ચહેરાને જોવા આખો દિવસ દરવાજા આગળ આવીને ઉભી રહે છે.. જો આજે પણ સામે રંગો લઈને તૈયાર ઉભી છે… જા અને એની સાથે રંગોથી રમ.. રંગો સાથે રમવાનો મોકો બધાને નથી મળતો..” રવીનાનો આવાજ પણ જરાક ઉદાસ થઇ ગયો.

“તું મને સલાહ આપી રહી છે.? એ પણ રંગોથી રમવાની…? ખબર છે તું ક્યારેય ઘર બહાર પણ ન નીકળતી અને અમારે તારા ઘરમાં આવીને તને રંગવી પડતી હતી.” જયેશે કહ્યું.

“હા, યાદ છે મને પણ…”

“પણ શું..? હવે શું બદલાઈ ગયું છે રવિના…?”

“જયેશ તું સમજતો નથી… ક્યારેક ક્યારેક રંગોને દુરથી જોવામાં જ મજા આવે છે… એ રંગોમાં ડૂબવા જઈએ તો બધું બગડી જાય છે.”

રવિના જવાબ આપે ત્યારે જયેશ એની આંખોમાં જોઈ રહ્યો હતો. રવિના એ આંખોને સહન ન કરી શકતી હોય એમ એણીએ બીજી તરફ જોઈ લીધું.

“જા.. સીમા રંગોથી રમવા તારી રાહ જોઈ રહી છે.” રવીનાએ વાતનો મુદ્દો બદલવાનો પ્રયાસ કર્યો.

“તમે છોકરીઓ કેટલી નશીબદાર છો..?”

“અમે નશીબદાર છીએ..? તને અમે નશીબદાર લાગીએ છીએ..?” રવીનાએ પોતાની જાત પર હસતા કહ્યું.

“કેમ નહિ..? તમે કોઈ છોકરાને ચાહો છો એ બતાવવા બસ તમારે એની તરફ ચાર દિવસ જોઈ રહેવું પડે છે અને એને તો શું આખી દુનિયાને ખબર પડી જાય છે કે તમે એને ચાહો છો. અને અમે છોકરાઓ ભલે ગમે તેટલો પ્રયાસ કરીએ અમારી લાગણીઓ કોઈના ધ્યાનમાં આવતી જ નથી..”

“તું કહેવા શું માંગે છે..? મને કાઈ સમજાતું નથી આમ ગોળ ગોળ વાત ન કર..” રવીનાએ ચિડાઈને કહ્યું.

“એ જ તો દુખ છે તને કાઈ સમજાતું જ નથી રવિના.. તને સીમાની આંખોમાં મારા માટે પ્રેમ દેખાય છે પણ મારી આંખોમાં રહેલ તારા માટેનો પ્રેમ તને ક્યારેય દેખાયો નહિ..?”

“દેખાયો હતો જયેશ.. પણ જયારે દેખાયો ત્યારે સમાજના ડરથી એને અનદેખો કર્યો અને જયારે સમાજનો ડર દુર થયો બહુ મોડું થઇ ગયું હતું… હું પ્રેમ કરવાને કાબિલ નથી રહી.. તારા કબીલ નથી રહી..”

“કેમ..? તું પ્રેમ ને શું સમજે છે..?”

“મને ખબર નથી… પ્રેમ એ શું? એ મને ખબર હોત તો તારા પ્રેમને નજરઅંદાજ કેમ કરત..?” રવીનાની આંખો ભીની થઇ ગઈ.

“મિતુલ, અહી આવ..” જયેશે રવીનાની વાતનો કોઈ જવાબ આપવાને બદલે બાળકોની ટોળીમાં રમતા મિતુલને એની પાસે બોલાવ્યો.

“શું જયેશ ભાઈ..?” મિતુલ દોડતો એમની પાસે ગયો.

“તારો હાથ આપ..”

મિતુલે પોતાના બંને હાથ આગળ કર્યા… એ હાથ રંગમાં લપેટાયેલ હતા.. જયેશે એ હાથ પર પોતાનો હાથ ઘસ્યો અને એ રંગ જાણે સમજી ગયો હોય કે જયેશ શું ઈચ્છે છે એમ મિતુલના હાથ પરથી જયેશના હાથ પર ચાલ્યો ગયો.

જયેશે એ રંગ પોતાની પાસે રાખવા માટે લીધો જ ન હોય એમ પોતાનો હાથ લંબાવ્યો અને એ રંગ રવીનાના ગાલ પર ચાલ્યો ગયો.. રવીનાએ પણ મિતુલના હાથ પરથી રંગ લઇ જયેશના ગાલને એ ઉછીના લીધેલ રંગની ભેટ ધરી દીધી.

અગાસી પર ઉભેલ રવીનાની મમ્મીને એક લાંબા સમય બાદ રવિનાના ચહેરા પર અને આંખોમાં રંગ દેખાયા.. કદાચ હવે ફરી રવીનાના જીવનમાં પણ એ જ રંગો દેખાશે એ આશાએ એમની આંખો ભીની થઇ ગઈ.

“જયેશ ભાઈ રંગ રમવાના છે… રવિના દીદી પણ રમશે..” ની બુમો લગાવતો મિતુલ એની બાળ ટોળી તરફ દોડી ગયો.. એ બહુ ખુસ હતો કેમ ન હોય..? ગળીના બધા બાળકો રંગ કઈ રીતે રમાય એ જયેશ અને રવિના પાસેથી જ તો શીખ્યા હતા.

“હેપ્પી હોળી.” જયેશે ધીમેથી રવીનાના કાનમાં કહ્યું. છતાં એ અવાજ જાણે ત્યાં વાગી રહેલ ડી.જે.ના સાઉન્ડ કરતા પણ ઉતાવળો હોય એમ રવીનાને લાગ્યું અને રવીનાનાના હ્રદયે એ શબ્દોનો પડઘો પડ્યો હોય એમ એના મોમાંથી શબ્દો બહાર આવ્યા, “હેપ્પી હોળી..”

અગાસી પર ઉભેલ રવીનાના મમ્મીએ વિચાર્યું આપણા વિસ્તારમાં પણ ભણેલ ગણેલ લોકોની જેમ સમાજના ડર અને ખોટા નિયમોને માનવાને બદલે દીકરીઓને તેમની પસંદનો અવસર મળે તો એમના જીવનમાં હોળીને બદલે રોજ હોળીના રંગો જ જોવા મળે.

હેપ્પી હોલી ટુ ઈચ એન્ડ એવરી અન્ડરપ્રિવિલેજડ વુમન ઓફ માય કન્ટ્રી વું આર નોટ એબલ ટુ ઇન્જોય કલર્સ ઓફ લાઈફ ડ્યુ ટુ રોંગ બિલીફ એન્ડ હાર્ડ સરક્યુંમટેન્સીસ.

વિકી ત્રિવેદી ‘ધ અર્બન રાઈટર’

One Reply to “ઉછીનો રંગ”

Comment here