gujarati-varta-selfie-a-deadly-mistake

સેલ્ફી- અ ડેડલી મિસ્ટેક

વીજળીના ઝબકારા જેવી કેમેરાની લાઈટો એ રૂમમાં થતી હતી. એક તરફ પોલીસ અને બીજી તરફ પત્રકારો નિયતિ શર્માની ડેડ બોડીના ફોટા ખેંચતા હતા. નિયતિની લાસ બાથ ટબમાં પડી હતી. પાણી એના લોહીથી લાલ થઈ ગયું હતું. ઇન્સ્પેકટર અર્જુને પોલીથીન ગ્લોવ્સ પહેરીને એના કોર્પસ(બોડી) ટબમાંથી નીકાળી બહાર રૂમમાં સુવડાવી એના ઉપર બેડની ચાદર લપેટી દીધી. એટલા સુધીમાં રાજુએ પુરા રૂમને બ્રશ કરી લીધો.

પંચનામું કરીને અર્જુને નિયતીના પિતા લાલુભાઈને ઓફિસે ફોન કરીને જાણ કરી એટલે લાલુભાઈ તરત આવી ગયા. લાલુભાઇ આવ્યા એટલે બોડી પી.એમ. માટે મોકલી દીધી. ઇન્સ્પેકટર લાલુભાઈને બધી વિગત પૂછવા લાગ્યા.

“તમને કોઈ ઉપર શક?”

“ના હું અલગ રહું છું બે વર્ષથી.” લાલુભાઈએ કહ્યું.

“અલગ? એટલે?”

“અલગ એટલે ત્રણ વર્ષ પહેલાં મારી પત્ની ગુજરી ગઈ એ પછી નિયતિ મારા કહ્યામાં નહોતી એટલે મેં એને આ ઘર અને મિલકત સોંપી દીધી અને હું અલગ રહેવા જતો રહ્યો.” લાલુભાઈએ કહ્યું.

“કહ્યામાં નહોતી એટલે?”

“એ કોઈ મિલન નામના છોકરા સાથે પ્રેમમાં હતી. મેં એને ઘણી સમજાવી પણ એ રાતના મોડી ઘરે આવતી, પાર્ટીઓમાં જતી, એને ગમે એવા કપડાં જ પહેરતી, ઇન્સ્પેકટર એ મારા હાથમાંથી નીકળી ગઈ હતી સંપૂર્ણ રીતે એ આઝાદ થઈ ને રહેવા માંગતી હતી.” ગળગળા અવાજે લાલુભાઈ બોલ્યા.

“તો એવું તો નથી ને કે તમે જ નિયતીને…..”

“ઇન્સ્પેકટર, હું જો એને મારી શક્યો હોત તો આ દિવસ જ નહોત અને તમે મને હત્યારો કહો છો?” લાલુભાઈની આંખ ભીની થઇ ગઇ.

“સોરી લાલુભાઈ પણ અમારું કામ જ એ છે.” ઇન્સ્પેક્ટરે કહ્યું, “આ મિલન ક્યાં મળશે?”

“એ મને ખબર નથી પણ એ એની કોલેજમાં હતો એટલી ખબર છે.”

“વેલ. પી.એમ. રિપોર્ટ આવશે એ પછી તમને બોડી સોંપી દેવામાં આવશે.” કહી ઇન્સ્પેકટર ઉભા થઇ ચાલવા લાગ્યા. દરવાજે જઇ ઉભા રહ્યા, પાછળ ફરીને કહ્યું, “જરૂર પડશે તો તમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે. લાલુભાઈ જો તમે હત્યા કરી હશે તો હું છોડવાનો નથી તમને.”

ઇન્સ્પેકટર એટલું કહી લાલુભાઈના ચહેરાના હાવ ભાવ નિહાળી બહાર નીકળી ગયા.

“કેમ સર લાલુભાઈ એ હત્યા કરી હશે?” કોન્સ્ટેબલ રાજુએ પૂછ્યું.

“ના રાજુ, લાલુભાઈએ હત્યા નથી કરી એ હત્યા કદાચ મિલને કરી હશે.”

“હમમમમ. આમ પણ તમે જેના ઉપર શક હોય એને ક્યારેય ધમકી આપતા જ નથી.” રાજુએ હસીને કહ્યું.

“ધમકી હું એને જ આપું જે નિર્દોષ હોય રાજુ. નિર્દોષને ધમકી આપવાથી એના હૃદયને ઠેશ પહોંચે અને એ એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ જ આવે.”

“તમારો જવાબ નથી સર.” રાજુએ જીપ સ્ટાર્ટ કરી.

“રાજુ, સીધું જ એન.આર. કોલેજ જવાનું છે. મિલન અને નિયતિ ત્યાં ભણતા હતા એટલે મિલનની ડિટેઇલ્સ ત્યાં જ મળશે.”

“ઓકે સર.” કહી રાજુએ જીપ કોલેજ ભણી મારી મૂકી….

કોલેજથી મિલનની બધી વિગત લઈને એ લોકો સીધા જ મિલનના ઘરે પહોંચી ગયા. પોલીસને જોતા જ એ સમજી ગયો કે નિયતીના ખૂન માટે જ મને પકડવા આવ્યા હશે. છતાં મિલન ઇન્સ્પેક્ટરના એક એક સવાલનો જવાબ આપતો રહ્યો.

“મિલન તું નિયતીને ક્યારનો ઓળખે છે?”  ઇન્સ્પેક્ટરે શરૂઆત કરી.

“છેલ્લા પાંચ વર્ષથી.”

“અને નિયતિ તને ક્યારની ઓળખતી હતી?” પોતાનો દંડો હાથમાં ફેફવતા ઇન્સ્પેકટર બોલ્યા.

“એ પણ મને પાંચ વર્ષથી જ ઓળખતી હતી અને છેલ્લા એક દોઢ વર્ષથી મારે નિયતિ સાથે કોઈ સંબંધ નથી ઇન્સ્પેકટર.” મિલન ચિડાઈને બોલ્યો.

“વેલ એ તો દરેક ખૂની એવું જ કહે છે મિલન, પણ સવાલ એ છે કે તારે દોઢ વર્ષથી સંબંધ નતા એનું કારણ શું?”

“નિયતિ બદલાઈ ગઈ હતી એટલે.” મિલનનો ચહેરો ઝાંખો પડવા લાગ્યો.

“બદલાઈ એટલે?”

“એટલે એ મને અવોઇડ કરતી હતી. એને કોઈ ધીરજ નામના બીજા છોકરા સાથે સબંધ બની ગયો હતો.” મિલને ગંભીર થઈને કહ્યું.

“વેલ. તો નિયતિ રંગીન હતી એટલે જ એ તારી જાળમાં પણ આવી હતી રાઈટ?”

“ઇન્સ્પેકટર, તમે મારા ઉપર કીચડ ન નાખી શકો. કોલેજ આખી જાણે છે કે હું માત્ર અને માત્ર નિયતીને જ ચાહતો હતો.” મિલનની સહન શક્તિ ધીમે ધીમે ખૂટતી હતી.

“તો તું એને ચાહતો હતો અને બીજી કોઈ વ્યક્તિ તમારી વચ્ચે આવી ગઈ એટલે તે ઉશ્કેરાઈને નિયતીની હત્યા કરી, ચાકુથી એની ગરદન જ કાપી નાખી!” ઇન્સ્પેક્ટરે કહ્યું.

“ના ઇન્સ્પેકટર, હું નિર્દોષ છું તમે મારા ઉપર નાહકનો ઇલજામ લગાવો છો.”

“ઓકે તું નિર્દોષ છે તો પછી નિયતીની હત્યા થઈ ત્યાં આ તારું પર્સ ક્યાંથી આવ્યું?” ઇન્સ્પેક્ટરે મિલનને પર્સ બતાવતા કહ્યું.

“આ….. આ તો….”

“આ તો મારું જ પર્સ છે પણ એ મેં નિયતીને આપ્યું હતું એમ જ ને ?” ઇન્સ્પેક્ટરે મિલનનું વાક્ય પૂરું કર્યું.

“હ….હા બિલકુલ એમજ.” મિલન ગભરાઈ ગયો.

“માની લઈએ કે આ પર્સ તે નિયતીને પહેલા આપ્યું હતું જ્યારે તમારી વચ્ચે બોલચાલ હતી પણ તે જ કહ્યું કે નિયતિ ને બીજા જોડે સબંધ હતો એટલે કે નિયતિ રંગીન સ્વભાવની છોકરી હતી અને રંગીન સ્વભાવની છોકરી એક ફૂલનો રસ ચૂસી લીધા પછી એને સંઘરીને ન રાખે મિલન એ તારું પર્સ યાદ માટે ન જ રાખે.”

“એટલે?”

“એટલે એમ કે તે ગઈ કાલે રાત્રે નિયતિની હત્યા કરી છે અને તારું પર્સ ત્યાં પડી ગયું.” ઇન્સ્પેક્ટરે સ્પષ્ટતા કરી.

“ના સાહેબ, હું શું કામ એની હત્યા કરું, હું

તો એને ચાહતો હતો.” મિલન રડી પડ્યો.

“ઓકે મી.મિલન પી.એમ. રિપોર્ટ આવે એટલે તને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે. ભાગવાની કોશિશ પણ ન કરતો.” ઇન્સ્પેકટર રડતા મિલનને છોડી ચાલી નીકળ્યા.

“સર, બધું ક્લિયર હતું તો તમે મિલનને ઍરેસ્ટ કેમ ન કર્યો?” નવાઈથી રાજુએ પૂછ્યું.

“રાજુ, મારો અનુભવ કહે છે કે મિલન ખૂની નથી. ખૂની કોઈ બીજૂ જ છે.” ઇન્સ્પેક્ટરે ચિંતાતુર અવાજે કહ્યું.

“સર મને તો તમારું લોજીક જ નથી સમજાતું….” રાજુએ માથું ખંજવાળી જીપ સ્ટાર્ટ કરી.

“પી.એમ. રિપોર્ટ આવે એ પહેલાં હવે કાઈ થઈ શકે એમ નથી રાજુ. મિલન અને નિયતિ લગન કરવાના હતા તો અચાનક શુ થયું? કેમ નિયતિ બીજા વ્યક્તિ જોડે સબંધ બાંધવા લાગી? મને પણ કાઈ સમજાતું નથી.”

“એ રંગીન હશે સર, બીજું શું હોય?” રાજુ એ કહ્યું.

“ના રાજુ, એ ચરિત્ર વગરની હોત તો ક્યારેય લાલુભાઈને એ બધી જાણ ન થવા દોત, ઈનફેક્ટ એ દુઃખી હતી એટલે જ મિલન પાસે એ પ્રેમ શોધતી હતી.”

“એવું ! સર મારા મગજમાં આ બધું ન આવે એટલે જ તમે ઇન્સ્પેકટર અને હું કોન્સ્ટેબલ છું!” રાજુ ખડખડાટ હસી પડ્યો.

ઇન્સ્પેકટરે એક સ્મિત આપ્યું પણ એ હજુ વિચારોમાં જ હતા.

***

બીજા દિવસે સવારે ઇન્સ્પેકટર જ્યારે સ્ટેશન પહોંચ્યા ત્યારે પી.એમ. રિપોર્ટ તો તૈયાર જ હતો. પી.એમ. રિપોર્ટમાં પણ બાથટબમાંથી મળેલ એ ધારદાર ચાકુથી જ ગરદન કાપીને  ચાકુ ઉપર નિયતીના જ ફિંગર પ્રિન્ટસ લઈ લેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં બીજું કાંઈ આવ્યું ન હતું.

ઇન્સ્પેકટર વિચારોમાં ખોવાયેલા હતા ત્યાં જ એમના ફોનની ઘંટી વાગી.

“હેલો.”

“સાહેબ, આ નમ્બર પોલીસ સ્ટેશનનો છે?” સામેથી અવાજ આવ્યો.

“જી હું  ઇન્સ્પેકટર અર્જુન વાત કરું છું.”

“સાહેબ, અમારા એરિયામાં આજે સવારે મિલન નામના એક યુવાનની લાસ એના ઘરમાં મળી છે.”

“વોટ, ધ હેલ!!!!!” ઇન્સ્પેકટર બરાડી ઉઠ્યા…. “રાજુ, જીપ નીકાળ.”

તરત જ ઇન્સ્પેકટર મિલનના ઘરે પહોંચી ગયા. જઈને જોયું તો મિલન પથારી ઉપર એવી જ રીતે પડ્યો હતો. એની ગરદન ઉપર પણ એવો જ ચાકુ નો ઘા હતો.

ઇન્સ્પેક્ટરે બોડી પી.એમ. માટે મોકલી દીધી. મિલનનું કોઈ સગું સબંધી તો હતું જ નહીં એટલે ઇન્સ્પેક્ટરે જ ઘરને લોક મારી ચાવી પડોશીને આપી દીધી.

કેસ વધુ ને વધુ બગાડતો હતો. નિયતિ અને મિલન બંનેનું ખૂન કોઈ કેમ કરે? એનો જવાબ એક જ હતો નિયતિ કદાચ ફરીથી મિલનને મળવા લાગી હોય તો જ નિયતીનો નવો આશીક ધીરજ એનું ખુન કરે એવું શક્ય હતું. પણ મિલને કહ્યા મુજબ તો નિયતિ અને મિલન વચ્ચે દોઢ વર્ષથી કોઈ બોલચાલ જ નહોતી. તો આ ખૂન કોણ કરે?

ઇન્સ્પેકટરનું મન વિચારોમાં ઘુમરી લેતું હતું. પણ છતાં ચહેરા ઉપર એક સ્મિત હતું. વિજય સ્મિત જોઈને રાજુ પૂછ્યા વગર ન રહી શક્યો, “સર, કેમ ખુશ છો? ખૂની મળી ગયો?”

“હા રાજુ, પણ ખૂનીએ એક ચાલ રમી છે હવે એક ચાલ આપણે રમવાની છે.”

“કોણ છે ખૂની ? અને કેવી ચાલ?” રાજુ ને કંઈજ ન સમજાયું હોય એમ પૂછ્યું.

“નિયતીના બાપ ની ઓફિસે લઈ લે જીપ. ખૂની મળી જશે.” ઇન્સ્પેક્ટરે મૂછને તાવ આપતા કહ્યું.

“ભલે…..” કહી રાજુએ જીપ સ્ટાર્ટ કરી.

***

ઇન્સ્પેક્ટરને પોતાની ઓફિસે આવેલો જોઈ ઉદાસ લાલુભાઈ ઉભા થઇ ગયા.

“ઇન્સ્પેકટર ખૂની મળ્યો?” કહેતા એમણે ઇન્સ્પેક્ટરને હાથ જોડ્યા.

“હા લાલુભાઈ.” કહી ઇન્સ્પેક્ટરે લાલુભાઈને હાથકડી બતાવી, “યુ આર અન્ડર ઍરેસ્ટ મી. લાલુભાઈ.”

“આ તમે શું બોલો છો ઇન્સ્પેકટર?” લાલુભાઈ તો નવાઈથી હાથકડી જોતા જ રહી ગયા.

“તમે પહેલા નિયતીની હત્યા કરી અને પછી મિલનની.” કહી ઇન્સ્પેક્ટરે લાલુભાઈને હાથકડી પહેરાવી પોલીસ સ્ટેશન ભણી રવાના થઈ ગયા…..

લાલુભાઈને કસ્ટડીમાં લીધા પછી મીડિયા વાળાને બધી વિગત આપી ઇન્સ્પેકટર ટેબલ ઉપર બેઠા હતા ત્યાં ફરી રાજુ આવ્યો.

“સાહેબ, એક વાત પૂછું જો તમે…..”

“એજ ને કે કોઈ બાપ દીકરીનું ખુન કઈ રીતે કરે? વગર કોઈ ગવાહ કે સબુત મેં લાલુભાઈને ઍરેસ્ટ કેમ કર્યા?” ઇન્સ્પેક્ટરે હસીને કહ્યું.

“હા સાહેબ એજ પૂછવું હતું.”

“રાજુ, તારે બધું જાણવું જ છે ને?”

“હા સાહેબ.”

“તો આ ન્યુઝ શહેરમાં ફેલાઈ જવાદે કાલે સવારે વહેલો જીપ લઈને મારા ઘરે આવી જજે.” કહી ઇન્સ્પેકટર સ્ટેશન બહાર ચાલ્યા ગયા.

***

રાજુ એ દિવસે આખો દિવસ વિચારતો રહ્યો પણ એના ભેજામાં કાઈ ઘુસ્યું નહિ. આખરે ઇન્સ્પેકટર શુ કરવા માંગે છે એ હવે સવારે જ ખબર પડવાની હતી એટલે સવારે જાગતાં જ રાજુ જલ્દી તૈયાર થઈને ઇન્સ્પેકટર અર્જુનને ત્યાં પહોંચી ગયો….

ઇન્સ્પેકટર અર્જુન પણ તૈયાર જ હતા. જેવો રાજુ આવ્યો કે બંને નીકળી પડ્યા.

“સર તમારું શુ પ્લાનિંગ છે મને હવે તો કહો.”

“તું જીપ ધીરજના ઘરે લઇલે રાજુ, ત્યાં તને બધું સમજાઈ જશે.”

“ઓકે સર.”

રાજુને જાણવાની તાલાવેલી વધતી જ જતી હતી.  ધીરજના ઘર સુધી પહોંચતા તો કેટલાય સવાલ મનમાં, જીપમાં આવતા પવનની જેમ અથડાઈ ગયા હતા.

આખરે ધીરજના ઘર આગળ જીપ ઉભી રહી એટલે રાજુને શાંતિ થઈ.

ઇન્સ્પેક્ટરે ગન નીકાળીને ચેક કરી ફરી ગન પાછી મૂકી દીધી. રાજુ એ જોઈને સમજી ગયો કે હવે નિયતિ ખૂન કેસ અહીં જ પૂરો થવાનો છે.

ધીરજના ઘરના દરવાજે જ ઇન્સ્પેક્ટરે રાજુને સર્વિસ ગન આપીને પોઝીશન લેવા કહ્યું.  પછી દરવાજો ખોલી જેવા ઇન્સ્પેકટર અંદર ગયા કે તરત જ ધીરજ અને એના બે બીજા મિત્રો ટેબલ ઉપરથી ગન લઈને ઉભા થઇ ગયા.

“ધીરજ, હું વાત કરવા આવ્યો છું.” ઇન્સ્પેક્ટરે દરવાજા પાછળ છુપાઈને કહ્યું.

“વાહ, મને મૂર્ખ સમજે છે ઇન્સ્પેકટર? તું વાત તો મારી સાથે એ દિવસે જ કરીને ગયો હતોને આજે તું બીજા ઈરાદાથી આવ્યો છે. જો અંદર આવ્યો તો છ એ છ ગોળી તારા ભેજામાં ઉતારી દઈશ સમજ્યો….”

“તો તું એટલો ચાલક છે તો તે એક ભૂલ કેમ કરી?” કહી  ઇન્સ્પેક્ટરે ધીમેથી રાજુ ને કહ્યું, “કન્ટ્રોલ રૂમમાં ફોન કર.”

“પણ સર આ ગુનેગાર હતો તો પછી તમે પહેલેથી જ પોલીસનો બંધોબસ્ત કેમ ન કર્યો?”

“પોલીસને શક કરવાનો હક છે એક્શન લેવાનો હક છે પણ ખાતરી તો કરવી પડે ને રાજુ.”

“એ ભૂલ થઈ ગઈ કેમ કે મને એમ હતું કે પોલીસ ડફોળ છે પણ સાલા તું ચાલક નીકળ્યો.” અંદરથી ધીરજે પોતાની જાત ઉપર ગુસ્સો કરતા કહ્યું.

“અચ્છા તો તે એક બીજી પણ ભૂલ કરી હતી ધીરજ.” ઇન્સ્પેક્ટરે હસીને કહ્યું.

“એ વળી શુ?” ધીરજે કહ્યું.

“હું જ્યારે તારી પાસે આવ્યો ત્યારે મેં તારો મોબાઈલ માંગ્યો ખાતરી કરવા માટે પણ તું ચાલક હતો તે તારી બધી જ વોટ્સએપ ચેટ ડીલીટ કરી દીધી હતી. પણ તે તારી ચલાકીમાં જ એક ભૂલ એ કરી કે તે બધી ઉતાવળમાં બધી ચેટ ડીલીટ કરી દીધી.”

“શીટ.” ધીરજે ખુરશીને લાત મારી, “ઇન્સ્પેકટર તારું ભેજું વધારે ચાલ્યું, માની ગયો તને.”

રાજુ પણ હવે સમજી ગયો હતો કે ઇન્સ્પેકટર કેમ ધીરજથી વાત કરે છે.

“હા ધીરજ, તને ખબર જ હતી કે પોલીસ ફોન રેકોર્ડ દેખશે એટલે તે ક્યારેય નિયતીને ફોન કર્યો જ નહોતો પણ તું એને વોટ્સએપ ઉપર જ બ્લેકમેઈલ કરતો હતો.”

ધીરજ પોતાની જાત ઉપર ધુવા પુવા થતો હતો ત્યાં જ પોલીસ વેન આવી ગઈ. પોલીસે ઘરને ચારે તરફથી ઘેરી લીધું અને ધીરજ અને એના મિત્રોને સરેન્ડર કરવું પડ્યું….

ધીરજ અને એના સાથીઓને ઍરેસ્ટ કરી પોલીસ વેન શટેશન તરફ રવાના થઈ ગઈ. પણ રાજુ હજુ સમજ્યો નહોતો કે આ બધું શુ હતું?

“સર નિયતિ તો ધીરજના પ્રેમમાં હતીને? એ જાતે જ ધીરજ સાથે….. તો બ્લેકમેઈલ કેવું?”

“રાજુ, નિયતિ ક્યારેય ધીરજને ચાહતી નહોતી. ધીરજ માત્ર નિયતિ સાથે ભણતો અને એ બંને ને માત્ર ઓળખાણ જ હતી એટલે એક બીજાના નમ્બર હતા તેમજ વોટ્સએપ ઉપર ક્યારેક ક્યારેક એ લોકોને વાત થતી.”

“તો પછી આ બધું શુ હતું સર?”

“આ બધું થયું એનું એક જ કારણ હતું રાજુ. નિયતિ એ એક ભૂલ કરી હતી.”

“શુ ? કેવી ભૂલ?”

“મિલનના બર્થ ડે ઉપર નિયતીને મિલને (ન્યૂડ) સેલ્ફી આપવા કહ્યું અને નિયતી મિલન સાથે લગ્ન કરવાની હતી એટલે એવી જ સેલ્ફી પાડીને મિલનને મૂકી પણ એ સેલ્ફી રોંગ નમ્બર ઉપર જતી રહી.”

“એટલે મિલનને બદલે ધીરજના નમ્બર ઉપર નિયતીની વસ્ત્ર વગરની સેલ્ફી…… માય ગોડ…. પણ સર તમને આ બધું કઈ રીતે ખબર.”

“નિયતીની બોડી મળ્યા પછી આપણે મિલનને મળ્યાને રાજુ? એ પછી હું એકલો જ ધીરજની તપાસ કરવા લાગ્યો. તપાસમાં જાણ થઈ કે ધીરજ અને નિયતિ હોટેલ બી.જી.માં રૂમ નમ્બર. 54 માં મળતા. મેં હોટેલ જઈને મેનેજરને ફોડી દીધો એટલે મને જાણવા મળ્યું કે નિયતિ આવતી તો એની મરજીથી પણ ક્યારેય એના ચહેરા ઉપર હોટેલમાં આવતી બીજી છોકરીઓ જેમ ખુશી ન હોતી.”

“મતલબ તમને ડાઉટ થઈ ગયો કે ધીરજ નિયતીને બ્લેક મેઈલ કરીને શારીરિક શોષણ કરે છે એમ ને?”

“હા રાજુ. પણ કઈ રીતે બ્લેક મેઈલ કરે છે એ મને ખાતરી નહોતી એટલે મેં ધીરજને મળવાનું મુલતવી રાખ્યું.”

“તો પછી કેસ કઈ રીતે સોલ્વ થયો?”

“ધીરજને ખબર હતી કે જો હું મિલનનું ખૂન કરી નાખું તો પોલીસ નિયતીના પિતા ઉપર જ શક કરશે એટલે એણે મિલનને માર્યો.”

“મતલબ બે મર્ડર?”

“ના રાજુ, એક જ મર્ડર થયું હતું. નિયતીએ તો આત્મહત્યા કરી હતી.”

“આત્મહત્યા?”

“હા આત્મહત્યા કેમ કે ધીરજ ધીરે ધીરે નિયતીને એના મિત્રો સાથે સેર કરવા લાગ્યો હતો એટલે નિયતીએ ત્રાસીને આત્મહત્યા કરી લીધી.”

“સાલો હરામી…..” રાજુના મોઢે ગાળ નીકળી ગઈ.

“હરામી સાથે સાતીર પણ હતો ધીરજ છતાં કહેવત છે ને બડે સે બડા સાતીર ભી કોઈના કોઈ સુરાગ છોડ દેતા હે એ મુજબ જ ધીરજે નિયતિ અને પોતાના મોબાઈલ માંથી એ બધી ચેટ ડીલીટ કરી દીધી પણ એને એ વાત તો યાદ જ ન રહી કે નિયતીએ એ સેલ્ફી મૂળ મિલનના કહેવાથી મૂકી હતી અને ભૂલમાં પોતાના મોબાઈલમાં આવી ગઈ. એટલે ધીરજ મિલનના મોબાઈલમાંથી એ ચેટ ડીલીટ કરવાનું ભૂલી ગયો.” કહી ઇન્સ્પેક્ટરે રાજુને મિલનના મોબાઇલની નિયતિ સાથેની છેલ્લી ચેટ બતાવી.

રાજુએ જોયું તો મોબાઈલમાં લખેલું હતું, “to day is my birth day janu please i want to see your body.”

“તો સર આ લોકો બંને નિર્દોષ હતા માત્ર આ એક ભૂલને લીધે જ બંને માર્યા ગયા?”

“હા રાજુ. મિલન પણ નિયતીને ચાહતો હતો એટલે જ તો દોઢ વર્ષ સુધી નિયતીની ચેટ એણે એમને એમ રાખી હતી અને નિયતિ પણ મિલનને ચાહતી હતી એટલે જ જ્યારે એણીએ આત્મહત્યા કરી ત્યારે મિલનના પર્સમાંથી મિલનનો ફોટો કાઢીને છેલ્લી વાર જોઈ લીધો હતો….”

“માય ગોડ શુ તમારું દિમાગ છે…. વાહ.” રાજુ તો ઇન્સ્પેકટર ઉપર રાજી રાજી થઈ ગયો…..

“અફસોસ રાજુ, આજના છોકરા છોકરીઓ હોય છે નિર્દોષ પણ આવી ભૂલો કરીને એ લોકો મોત ને બોલાવે છે.”

“તો સર તમે લાલુભાઈને કેમ ઍરેસ્ટ કર્યા?”

“કેમ કે લાલુભાઈ ને પણ રિસ્ક તો હતું જ. કદાચ ધીરજના મનમાં એવું આવે કે લાલુભાઈ તપાસ કરશે અને હું પકડાઈ જઈશ તો ધીરજ લાલુભાઈને પણ પંખે લટકાવી દે અને પોલીસ તો એમ જ સમજે કે દીકરી ની હત્યા કરતા કરી નાખી અને પછી અફસોસ થયો એટલે આત્મહત્યા કરી લીધી….”

“હમમ.. એ પણ ખરું સર….” રાજુએ ઇન્સ્પેકટર સામે જોતા કહ્યું “સર લાલુભાઈ આ બધું સાંભળીને જીવી શકશે ખરા?”

“મને પણ એ જ ચિંતા છે રાજુ પણ લાલુભાઈને હું મારા ઘરે લઈ જઈશ તો કદાચ એ ધીમે ધીમે ભૂલી જશે બધું….”

રાજુ ઇન્સ્પેક્ટર અર્જુનનો ચહેરો જોતો જ રહી ગયો……

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’ (ડીસા)

 

Comment here