gujarati-varta-samay

સમય

ક્યારેય તમે વિચાર્યું છે કે સપના કેમ આવે છે?? ના, મોટા ભાગના લોકો એ વિશે નથી વિચારતા પણ હું વિચારતો કેમકે એ મારો વિષય હતો. હું ડ્રીમ એન્ડ ઇન્ટરપ્રિટેશન પર પી.એચ.ડી. કરી રહ્યો હતો.

મારા પી.એચ.ડી.ના અંતિમ સબમીશન માટે મારે એક થેસીસ તૈયાર કરવાનો હતો, અને એ પણ પાંચ હજાર શબ્દથી મોટો….!!

હું એ હજુ શોધી ન હતો શક્યો કે સપના કેમ આવે છે પણ એ વિશે જેટલી બને એટલી વધુ માહિતી એકઠી કરી રહ્યો હતો.

મેં ખુદનેજ મારો સબ્જેક્ટ વિષય બનાવી નાખ્યો હતો, હું પોતે દેખતો એ જ સપના પર રીસર્ચ કરતો. છેલા એક વર્ષથી હું મારા સપનાઓ પર રીસર્ચ કરી રહ્યો હતો પણ છેલ્લી ત્રણ રાતથી દેખાતા સપના જરાક અજીબ હતા.

હું એક અજાણ્યી જગ્યાએ હતો, મારા મનના કોઈ ખૂણામાં હું જાણતો હતો કે હું સપનું દેખી રહ્યો હતો. મારી ચારે તરફ દિવસનું અજવાળું હતું, અને આસપાસ રહેલ જંગલ વિસ્તાર સુરજના કિરણોમાં ચમકી રહ્યો હતો. મને દુર ઘૂઘવતા સાગરનો અવાજ સંભળાઈ રહ્યો હતો, હું ગોવામાં મોટો થયો હતો અને દરીયાકીનારો મારા માટે કોઈ નવી ચીજ ન હતી છતાં મને સપનામાં પણ એ અવાજ સાંભળવો ગમી રહ્યો હતો. હું સમંદરના એ અવાજ તરફ ચાલવા લાગ્યો. હું સપનામાં પણ એ સમુદ્ર જોવા માંગતો હતો, એના ઉછળતા મોજા નિહાળવા માંગતો હતો.

હું થોડોક આગળ ગયો. મને દુર સમુદ્ર દેખાવા લાગ્યો. શાંત અને સ્થિર સમુદ્ર… પોતાની તાકાતનો ક્યારેય ઉપયોગ ન કરવા માંગતો હોય એમ નિષ્ક્રિય થઈને પડ્યો હતો. મોજાઓ સતત કિનારા તરફ ગતી કરી રહ્યા હતા. મારી જેમ જ દિવાસ્વપ્નમાં રચનાર એ સમુદ્ર પોતાનો જ માલીક હોય એમ ક્યારેક હળવી તો ક્યારેક ભારે લહેરખીઓ કિનારા તરફ મોકલી રહ્યો હતો. મોજા ધીમે ધીમે કિનારાની રેતીને અંદર બહાર તાણી રહ્યા હતા. થોડીક થોડીક વારે એ રેત સાથે રમીને ગયેલા મોજાઓ દુર સુધી સમુદ્રમાં અંદર જઇ ડૂબકીઓ મારી રહ્યા હતા. સુરજના કુણા કિરણો દરિયાને તેના ધુમ્મ્સથી દુર કરવા મથી રહ્યા હતા પણ એવું લાગી રહ્યું હતું જાણે બપોર સુધી માંડ એ કિરણો ધુમ્મ્સને હટાવી દરિયાના થોડા ઘણા પાણીને વરાળમાં ફેરવવામાં સફળ થઇ શકશે!

સમુદ્ર તેનું જુનું ગીત ગાઈ રહ્યો હતો અને એના એ ગીતને સાંભળતો હું એ ભીની રેત પર ફરવા લાગ્યો. અચાનક સમુદ્રની લહેરો તેજ બની અને સમુદ્ર ઘૂઘવાટ કરવા લાગ્યો. કદાચ એ મારા આવવાની રાહ જોઈ રહ્યો હોય એમ એના મોજાઓ ઉછળી ઉછળીને પોતાની શક્તિનું પ્રદર્શન કરવા લાગ્યો. મોજાઓ પુરા જોરથી દોડીને બહાર આવવા મથતા હોય અને પાછળથી આવતા નવા મોજાઓ પોતાના જુના દોસ્તોને ક્યાય જવા ન દેવા માંગતા હોય એમ એમને આંબીને પાછા લઇ જઈ રહ્યા હતા.

હું આવ્યો ત્યારે સૂર્યના સોનેરી કિરણોમાં આળસુ બની સુતેલ સમુદ્ર એકાએક આમ ગાંડોતુર કઈ રીતે બની ગયો એ મને સમજાઈ ન હતું રહ્યું.

“હેય, હેન્ડસમ, ત્યાંથી દુર રહે.” મને અવાજ સંભળાયો. એ કોઈ છોકરીનો ચાંદીની ઘંટડીના રણકાર જેવો હતો.

મેં પાછળ ફરી જોયું, મારાથી થોડેક દુર એક લાકડાની કેબીનના દરવાજે ઉભેલ એક વીસેક વર્ષની યુવતી મારી તરફ જોઈ મને બુમો મારી રહી હતી.

હું એ તરફ ચાલવા લાગ્યો.  એની પાસે પહોચી મેં જોયું કે એણીએ એકદમ સાદા કપડા પહેરેલ હતા, ગોવાના બીચ પર વૂડન કેબીનમાં પહેરવા લાયક એ કપડા બિલકુલ ન હતા, એના શરીર પર પુરા કપડા હતા, કદાચ એ પોતાની સુંદરતા બતાવવા ન હતી માંગતી પણ તેનો ચહેરો સુંદરતા બતાવવા માટે પુરતો હતો, એ ખુબજ સુંદર દેખાઈ રહી હતી.

હું એની સાથે વાત કરવા માંગતો હતો પણ અચાનક બધું ઝાંખું થવા લાગ્યું અને મારી આંખો ખુલી ગઈ…..

હું મારા બેડ પર હતો. મેં ઘડિયાળ તરફ જોયું સવારના છ વાગ્યા હતા.

હું તૈયાર થયો અને  મારું રીસર્ચ વર્ક કરવા લાગ્યો.

સ્વપ્ન એક અજીબ ચીજ છે જેમાં આપણે દુનિયાની સૌથી સુંદર અને સૌથી ડરાવણી ચીજ જોઈએ છીએ. ઘણીવાર એવું સુંદર જોઈ લઈએ છીએ કે એ ક્યારેય ભૂલી નથી શકતા તો ક્યારેક કઈક એવું જોઈ લઈએ છીએ કે જોતી વખતે ડરને લીધે પગ કામ કરવાનું બંધ કરી નાખે છે, ચીસ પાડવા મો ખોલીએ છતાં પણ અવાજ નથી નીકળતો..!!!

બીજી રાત્રે ફરી હું એજ જંગલમાં હતો અને એજ સાગરના ઘૂઘવતા મને સંભળાઈ રહ્યા હતા. હું એ તરફ ચાલવા લાગ્યો. આ વખતે  મારે સંભાળીને ચાલવું પડે તેમ ન હતું કારણ કે હું જાણતો હતો કે ક્યાં પગ મુકવો, કયો માર્ગ યોગ્ય હતો, હું બીજીવાર એ સ્થળે હતો, એ જગ્યા મારા માટે પરિચિત બની ગઈ હતી.

હું ફરી એજ કિનારે પહોંચ્યો મારા જતા જ જાણે દરિયો ગાંડો બની ગોય હોય એમ પોતાના મોજાઓને કિનારા તરફ મોકલવા લાગ્યો, મને એમ લાગી રહ્યું હતું જાણે કે એ મને પોતાનામાં ડુબાડી નાખવા માંગતો હતો.

આજે મને એ છોકરી ન દેખાઈ, હું કેબીન તરફ ચાલવા લાગ્યો,  રેત પર ઉભી કરાયેલ એ કેબીન રેડવુડ કે રોઝવુડના લાકડામાંથી બનેલ હોય એમ લાગી રહ્યું હતું. એ કેબીન રેતમાં રમતા કોઈ બાળક જેવી લાગતી હતી. એકદમ નાનકડી કેબીન કદાચ વિકેન્ડ પર કપલ એમાં આવી રહેતા હશે.

તેની વોલ સફેદ કલરથી રંગેલી હતી અને રફ આછા છીકણી રંગમાં…!!

હું એ કેબીન નજીક પહોચ્યો, એનો દરવાજો અધખુલ્લો હતો, એ અધખુલ્લા દરવાજા વાટે હું અંદર ગયો. અંદર કોચ પર એ યુવતી બેઠી હતી એની આંખોમાં જરાક ઉદાસી દેખાઈ રહી હતી, મને જોતા જ એ ઉભી થઇ અને મારું સ્વાગત કર્યું.

મેં એનો અભાર માન્યો અને એની નજીકના સોફા પર બેઠો. હજુયે એની આંખોમાંની એ ઉદાસી એમ જ હતી.

“તું કેમ આજે ઉદાસ છે?” મારાથી અનાયાસે પૂછાઈ ગયું, હું એની સાથે એ રીતે વાતચીત કરી રહયો હતો જાણે અમે એકબીજાને નજીકથી ઓળખાતા હોઈએ..!!!

“કારણ કે હું મારવાની છું.” એણીએ જવાબ આપ્યો.

“કેમ?” મારા મો માંથી એક પ્રશ્ન આશ્ચર્ય અને ડરના ભાવને લઈને બહાર સરી પડ્યો.

પણ એ જવાબ આપે એ પહેલા બધું ધુંધળું થવા લાગ્યું અને મારી આંખ ખુલી ગઈ……

હું મારા બેડ પર હતો, મેં સામેના ખૂણામાં ફોલ્ડીંગ ટીપોય પર પડેલ ઘડિયાળ તરફ જોયું, સવારના છ વાગ્યા હતા.

હું તૈયાર થઇ મારો થેસીસ તૈયાર કરવા બેસી ગયો. થેસીસના છેલ્લા બે પાના બાકી રહ્યા હતા એ મેં પુરા કર્યા, હું છેલા એક અઠવાડિયાથી ઘર બહાર પણ ન હતો નીકળ્યો કેમકે મારે એકવીસ તારીખે થેસીસ જમા કરાવવાનો હતો, મેં હાશકારો લીધો કેમકે આજે વીસ તારીખ હતી અને મેં થેસીસ પૂરો કરી નાખ્યો હતો.

હું થેસીસ પુરો થઈ ગયો હતો એટલે એ સાંજે નિરાંતે ઊંઘી ગયો. છેલ્લા કેટલાય સમયથી હું થેસીસની ચિંતામાં સારી રીતે ઊંઘી પણ ન હતો શક્યો.

હું ફરી એ જંગલમાં હતો, હું જાણતો હતો કે હું ત્રીજા દિવસે પણ એજ સ્થળને સપનામાં જોઈ રહ્યો હતો, દરિયો શાંત હતો એનો કોઈ આવાજ મને સંભળાઈ ન હતો રહ્યો. હવે એ માર્ગ મારા માટે પરિચિત બની ગયો હતો એટલે કિનારો શોધવા માટે મારે એ અવાજનો સહારો લેવાની જરૂર ન પડી. હું કિનારા તરફ જવા લાગ્યો…..

પણ ત્યાનું દ્રશ્ય જોઈ હું ગભરાઈ ગયો, શાંત બનીને સુતેલ એ દરિયા એ થોડીકવાર પહેલા જ પોતાનું વિકરાળ રૂપ બતાવ્યું હોય એમ લાગતું હતું. એ કેબીનના પાયા તૂટી ગયેલ હતા અને એ આડું પડેલ હતું.

હું દોડીને કેબીન પાસે ગયો, મેં કેબીનનો દરવાજો ખોલ્યો, દરવાજો ખોલતા જ અંદર ભરાઈ રહેલ પાણી ધસીને મારા પર આવી ગયું, હું એ પાણીના મારાને લીધે રેત પર ફસડાઈ પડ્યો.

હું ઉભો થયો, મેં કેબીનમાં જોયું, એ ત્યાં ન હતી, અચાનક મારું ધ્યાન મારા પગ પાસેની રેત પર ગયું એ યુવતીની લાશ ત્યાં પડી હતી. હું સમજી ગયો કે મેં દરવાજો ખોલ્યો ત્યારે પાણી ભેગી એ લાશ બહાર આવી ગઈ હશે.

એ કહેતી હતી હું મારવાની છું અને એ માટે એ ઉદાસ પણ હતી મને યાદ આવ્યું, હું સપનામાં આગળના દિવસે જોયેલ બધું યાદ કરી રહ્યો હતો.

અચાનક મારું ધ્યાન એ યુવતીના હાથ પર ગયું, એના હાથમાં ઘડિયાળ પહેરેલ હતી, એ ઘડિયાળને જોતા જ હું ગભરાઈ ગયો હું એની નજીક બેસી ગયો અને એ ઘડિયાળને ધ્યાનથી જોઈ રહ્યો.

અચાનક બધું ધૂંધળું થઇ ગયું અને મારી આંખ ખુલી ગઈ, હું મારા બેડ પર હતો. મેં સામે ટીપોય પર પડેલ ઘડિયાળ જોઈ એ સવારના છ વાગ્યાનો સમય બતાવી રહી હતી.

હું ફટાફટ તૈયાર થયો, આજે મારે થેસીસ સબમીટ કરાવવાનો હતો. મેં સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું. મને અચાનક યાદ આવ્યું, સપનામાં પણ મેં એજ કપડા પહેરેલ હતા.

મેં બહાર આવી મારા સુઝમાં મારા પગ નાખ્યા એ જ સમયે મારા ધ્યાનમાં આવ્યું કે મારા સુઝ જરાક દરિયાઈ રેતમાં ખરડાયેલ હતા.

એ અશક્ય હતું?? મેં મારી જાતને કહ્યું.

કદાચ ક્યાંક બીજેથી એ રેત મારા સુઝ પર લાગી ગઈ હશે મેં મારી જાત ને કહ્યું.

પણ ખરેખર તો હું જાણતો હતો કે હું એક અઠવાડિયાથી ક્યાય બહાર નથી ગયો, અને બીજે ક્યાયથી મારા સુઝ પર એ રેત ન આવી શકે. પણ સ્વપ્નમાં ગયેલ સ્થળ પરથી મારા સૂઝ પર રેત લાગી શકે એ પણ શક્ય ન હતું….!!

હું થેસીસના પેપર લઇ યુનિવર્સીટી જવા માટે નીકળ્યો. યુનિવર્સીટી એકાદ કિલોમીટર દુર જ હતી એટલે હું ચાલતો જ જતો.

હું રહેણાંક વિસ્તાર છોડી માર્કેટ વિસ્તારમાં પ્રવેશ્યો, ત્યાં જરાક માનવ મેદની વધુ હતી, હું એ ભીડને ચીરતો આગળ જવા લાગ્યો. આજે હું બહુ ખુસ હતો. હું મારો થેસીસ સબમીટ કરાવવા જઇ રહ્યો હતો, કોઈ પણ માટે એ ખુસીનો અવસર જ હોઈ શકે. એકાએક મારા પગ થંભી ગયા, એ ભીડમાં પણ એ ચહેરાને ઓળખી ગયો.

એ જ યુવતી જેને હું ત્રણ દિવસથી સ્વપ્નમાં જોતો હતો…!!

એજ સુંદર ચહેરો, એજ શરમાળ આંખો અને એજ મીઠું સ્મિત એના નાજુક હોઠ પર ફરકી રહ્યું હતું.

શું હું દિવસે સ્વપ્ન જોઈ રહ્યો હતો??

શું સ્વપ્ન પર થેસીસ લખતા લખતા હું પાગલ થઇ ગયો હતો??

કે પછી મેં જોયેલ એ સ્વપ્ન સાચું હતું??

હું એની તરફ ગયો.

“તમે બીચ પરની કેબીનમાં રહો છો?” મેં કહ્યું.

“હા.” એ જ ચાંદીની ઘંટડી જેવો સુર.

“હું પણ ત્યાજ તમારી કેબીનથી થોડેક દુર કેબીનમાં રહું છું, મેં તમને ઘણીવાર બીચ પર જોયા છે.” હું જાણતો હતો, જો હું સત્ય જણાવીશ તો એ ક્યારેય વિશ્વાસ નહી કરે.

“તમે કેબીન તરફ જઈ રહ્યા છો?”

“હા.” મેં કહ્યું.

“અહી?”

“થેસીસ જમા કરાવવા આવ્યો હતો.”

“કરાવ્યા?”

“હા….” મેં ખોટું કહ્યું.

“શું હું તમને લીફ્ટ આપું તો તમને ગમશે?” એણીએ કરેલ સવાલ મને જરાક અજીબ લાગ્યો, મારો દેખાવ પણ સામાન્ય હતો અને આમેય હું ખાસ ભણવામાં જ ધ્યાન આપતો. છેકથી મારું સપનું પી.એચ. ડી. કરવાનું હતું.  મેં ખાસ ધ્યાન ન આપ્યું હતું પણ ક્યારેય કોઈ છોકરી એ મને માંગવા છતાયે લીફ્ટ આપી હોય એવું મને યાદ ન આવ્યું. મને એનો અફસોસ પણ ન હતો.

“જરૂર.” મેં કહ્યું અને અમે એની બાઈક પર એ કેબીન ગયા. એજ આસપાસનો જંગલ વિસ્તાર, એજ શાંત દરિયો અને એંજ સફેદ દીવાલો અને આછા છીકણી રંગની રફવાળી કેબીન. મને એ સાજી કેબીન જોઇને યાદ આવ્યું કે સપનામાં એના ડાબી તરફના બંને પાયા તૂટી ગયા હતા પણ જમણી તરફના પાયા ખાલી મરડાયા જ હતા જો એ પોતાના મૂળમાંથી અલગ થઇ ગયા હોત તો હું એ યુવતીની લાશ સપનામાં ન જોઈ સકત. એ સપનું યાદ કરી મારા શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઇ ગયું.

અમે એની કેબીન પહોચી અડધો એક કલાક આડાઅવળી વાતો કરી.

“શું તમે મને યુનિવર્સીટી શુધી છોડવા આવી શકશો? મેં અચાનક કઈક યાદ આવ્યું હોય એમ કહ્યું.

“કેમ શું થયું?” એણીએ ચોકીને કહ્યું.

“હું થેસીસ સબમીટ કરાવ્યાની પાવતી લેવાનું ભૂલી ગયો છું.” મેં કહ્યું.

“હા, ચાલો હું તમને મૂકી આવું.” એણીએ કહ્યું અને અમે ફરી એની બાઈક પર યુનિવર્સીટી ગયા.

“ચાલો, પાવતી લઇ આવીએ?” મેં કહ્યું.

“હું અહીજ રાહ જોઉં છું, તમે જઇ આવો.” એ સમજી ગઈ હતી કે હું ફરી ત્યાં સુધીની લીફ્ટ ચાહતો હતો.

હું અંદર જઇ થેસીસ જમા કરાવી પાવતી લઇ બહાર આવ્યો. ત્યારબાદ એને કઈક ખરીદી કરવાનું યાદ આવતા અમે માર્કેટ ગયા અને અડધો એક કલાક પછી પાછા કેબીન તરફ રવાના થયા.

જયારે અમે ત્યાં પહોચ્યા એની આંખો ભયથી ખુલ્લીજ રહી ગઈ, કેબીન ના ડાબી તરફના બંને પાયા તૂટી ગયેલ હતા અને એ આડું પડ્યું હતું, પાણી એના ઉપર થઈને વહી રહ્યું હતું, એ રોઝવુડનું બનેલ ન હોત તો તૂટી જ જાત એમ મને લાગ્યું. એ દ્રશ્ય જોઈ એ યુવતી એકદમ ગભરાઈ ગઈ પણ હું નહિ મને ખબર હતી કે એ બધું દસ વાગ્યે થવાનું હતું… મેં સપનામાં એના હાથ પરની ઘડિયાળ જોઈ હતી…. એ ઘડિયાળનો કલાક કાંટો સવારના સાડા દસનો સમય બતાવતો હતો અને ઘડીયાળ એકવીસ તારીખ બતાવી રહી હતી… કદાચ અડધોએક કલાક પાણીમાં રહેવાને કારણે ઘડિયાળ બંધ પડી ગઈ હશે… અને એટલે મને અંદાજ હતો કે એ બધું દસ આને સાડા દસ વચ્ચે થવાનું હતું.

હજુ પણ હું સપનામાં એ જગ્યાએ જાઉં છું એ કેબીન ત્યાજ છે, તૂટેલું  અમેં જ પડ્યું છે પણ એ યુવતી ત્યાં નથી… એ મારા ઘરમાં રહે છે અને હું એના દિલમાં… અમે રોજ સાથે જ હોઈએ છીએ તોય ક્યારેક ક્યારેક સપનામાં મળીએ છીએ… ખરેખર સ્વપ્ન શું છે એ કોઈનેય સમજાય તેમ નથી…!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here