gujarati-varta-no-one-is-alone-here-by-vicky-trivedi

નો વન ઈઝ અલોન હિયર

જયારે હું નાનો હતો કલાકો સુધી ખુલ્લા આકશને જોયા કરતો. વાદળી આકાશની વર્ણવી ન શકાય એવી સુંદરતાને નિહાળ્યા કરતો. મને નવાઈ લાગતી કે એ વાદળી આકાશ કઈ રીતે સમુદ્રના પાણીમાં પોતાનો પડછાયો રચી એને પણ વાદળી અને સુંદર બનાવી શકતું હશે???

મને નવાઈ થતી કે સુરજ આખી પૃથ્વીને કઈ રીતે ચમકાવી શકતો હશે??? મને નવાઈ થતી કે ચંદ્ર આટલો સુંદર કઈ રીતે દેખાઈ શકતો હશે??? મને નવાઈ લાગતી કે જે હવા આપણી આસપાસ ફરી રહી હોય છે એ આપણા શરીરમાં જઇ શ્વાસ કઈ રીતે બની જતી અને અને જયારે બ્રીથ બહાર નીકળે ત્યારે એ ફરી હવા કઈ રીતે બની જતી હશે???

લાખો જીવો શ્વાસ લઇ રહ્યા હોવા છતાં એ હવામાંથી શ્વાસ બનવાની શક્તિ કેમ ઓછી નહિ થતી હોય??? લાખો વરસોથી સળગી રહ્યો હોવા છતાં સુરજની ગરમી કેમ ઓછી નહિ થતી હોય??? વરસો સુધી આકાશમાં ભટકતા રહેતા ચાંદની સુંદરતા ક્યારેય ઓછી કેમ નહિ થતી હોય??

જેમ જેમ મોટો થતો ગયો.. મને વિજ્ઞાન મારા દરેક સવાલના જવાબ શીખવતું ગયું… એ મને કહેતું ગયું કે ઓકસીઝન કઈ રીતે બને છે અને સુરજ એક તારો છે… ચંદ્રને એનો પોતાનો પ્રકાશ નથી અને આકાશ નામની કોઈ ચીજ છે જ નહિ એ તો માત્ર વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી વધુ થાય છે માટે આપણને દેખાય છે બાકી તો એ રાત્રે દેખાય એવું કાળું અને કોઈ જ સુંદરતા વિનાનું છે.

હું એ દરેક ચીજને માનતો ગયો કેમકે હું આધુનિક બનવા માંગતો હતો… હું એ બધું માનતો ગયો કેમકે મારે મારી જાતને વિજ્ઞાનમાં માનનારા વિદ્વાન માણસોમાં ખપાવવી હતી.

હું નાનો હતો ત્યારે મામી કહેતી કે આ દુનિયા, આ સુરજ, આ ચંદ્ર આ આખું બ્રહ્માંડ ભગવાને બનાવ્યું છે. તેણે ગ્રહો બનાવ્યા છે અને ત્યારબાદ આ પ્રકૃતિ બનાવી છે. એ બધું બનાવ્યા બાદ પણ એને લાગ્યું કે એની રચનામાં હજુ કઈક ખૂટે છે ત્યારે એણે પોતાની રચાનનાને પૂરી કરવા માટે માનવતા સર્જી. અને એ માનવતા હમેશા ટકી રહે એ માટે ભગવાને દુનિયાની સૌથી સુંદર ચીજ રચી – પ્રેમ. પ્રેમ એ કોઈ લાગણી નથી એ ખુદ કુદરત છે. એ પોતે જ સુંદરતા છે. એ વિશ્વાસ છે અને એનાથી જ આ રચના ટકેલી છે.

એ બધું આ દોડધામવાળા જીવને મને ભૂલવી નાખ્યું હતું… ધીમે ધીમે જીવન શહેરી બનતું ગયું અને હું જેટલો આધુનિક બનતો ગયો એટલો જ એ સુંદરતા કે પ્રેમ જે કોઈ ચીજ છે એનાથી દુર થતો ગયો.. મને કોઈની સાથે ખાસ બોલવું પસંદ ન હતું. મને કોઈની દોસ્તી કરવી પસંદ ન હતી કેમકે મારું આધુનિક જીવન મને એ બધું કરવાની છૂટ આપતું ન હતું. હું આધુનિક બનવા માટે સતત દોડતો રહેતો કદાચ એ દિવસે પણ હું એમ જ દોડી રહ્યો હતો. કદાચ વરસાદ ન આવવા લાગ્યો હોત તો હું એ પીકઅપ સ્ટેન્ડ પર ક્યારેય ન રોકાયો હોત!!!

એ દિવસે સવારથી જ વાતાવરણ એવું હતું. હું જયારે ઉઠ્યો અને રૂમની બારી ખોલી વરસાદ વરસી રહ્યો હતો. એ જીણા જીણા ટીપા વિન્ડોના ગ્લાસ પર અવનવી ભાત રચીને વહી રહ્યા હતા. પવનના ઝાપટા સાથે અંદર ધસી આવેલ વાછંટે મારો ચહેરો ભીંજવી નાખ્યો. એ લાગણી એકદમ મિજાજી હતી કેમકે એ થોડાક તાજા ટીપા જાણે એક નવું જીવન આપી રહ્યા હતા પણ એ લાગણી કોઈ અન્ય માટે હતી હું વિજ્ઞાન શીખ્યો હતો અને વિજ્ઞાને મને શીખવ્યું હતું કે વરસાદ એ કોઈ અદભુત ચીજ નથી બસ ઉનાળાની ગરમીને લીધે વાદળ બંધાય છે અને એ વાદળ ઠંડા પડી તેનું ઘનીભવન થાય ત્યારે વરસાદ આવે છે. એ મોસમના પહેલા વરસાદમાં માની મમતા દેખાય છે પણ માત્ર એ લોકોને જ જેમનું મન એ મમતાને જોવા તૈયાર હોય આધુનિક લોકને નહિ અને હું આધુનિક હતો. મેં બારી બંધ કરી સ્ટોપર લગાવી.

કદાચ મારા બદલે કોઈ બીજો વ્યક્તિ હોત તો એ વરસાદને લીધે બહાર ન જાત પણ મારા માટે કામ સૌથી મહત્વનું હતું. મેં કપડા બદલ્યા અને તૈયાર થઇ મારી છત્રી હાથમાં લઇ નીકળી પડ્યો.. કદાચ જે આધુનિકતાને હું પસંદ કરતો હતો એ જ આધુનિકતાએ મને બહાર જવા મજબુર કર્યો હતો કેમકે આધુનિક જીવન એકલતા આપે છે અને હું પણ એકલતામાં જીવી રહ્યો હતો. કદાચ એ એકલતાથી બચવા જ હું ચાલુ વરસાદે પણ કામ પર નીકળી ગયો હતો.

મને મેનેજર ઘણી વાર કહેતો યાર રાહુલ તું બહુ અજીબ છે. આખા વરસમાં તારી એક પણ રજા નથી હોતી.

મને જાણ હતી એ દિવસે પણ એ જ થવાનું હતું મોટા ભાગના લોકો ઓફીસ નહિ આવ્યા હોય. દરેકે એ મોસમના પહેલા વરસાદની મજા લેવા માટે કોઈને કોઈ બહાનું નીકાળી એ અણધારી પળોએ એ ઝરમર ઝરમર વરસાદને ઝીલી લેવા નીકળી પડવાનું નક્કી કરી લીધું હશે.

પણ એ બધું મને પસંદ ન હતું. કદાચ વિજ્ઞાને મને અંધ બનાવી નાખ્યો હતો. જે કુદરતની સુંદરતા છે એને હું બાયોલોજી અને કેમેસ્ટ્રીના નિયમો મુજબ સમજવાનો પ્રયાસ કરતો રહેતો માટે મને એનામાં ક્યારેય સુંદરતા ન દેખાતી.

કેટલાક લોકો પાણીમાં આમતેમ ફરી રહ્યા હતા, કેટલાક યુવાનીયા રોડ પર ભેગા થતા પાણી પર કુદકા લગાવી રહ્યા હતા તો ક્યાંક બાળકો ભેગા મળીને કાગળની હોડીઓ તરાવવાની રમત રમી રહ્યા હતા. પ્રકૃતિ એ બધા પર પ્રેમ વરસાવી રહી હતી પણ મને એ પ્રેમ દેખાઈ રહ્યો ન હતો. વરસાદમાં રમતા બાળકો તરફ મેં એક નજર કરી અને આગળ ચાલવા લાગ્યો.

એકાએક આવેલ પવનની તેઝ લહેરખીએ મારી છત્રીને ઉંધી કરી નાખી. મેં આસપાસ નજર કરી. નજીકમાં જ એક પીક અપ સ્ટેન્ડ દેખાઈ રહ્યું હતું. હું એ તરફ જવા લાગ્યો. મેં ત્યાં ઉભા રહી ભીંજાવા કરતા એ સ્ટેન્ડમાં ઉભા રહી એ છત્રી ઠીક કરી આગળ વધવાનું નક્કી કર્યું.

હું પીકઅપ સ્ટેન્ડની છત નીચે વરસાદથી બચતો ઉભો રહ્યો અને છત્રી ઠીક કરવાનો પ્રયાસ કરવા લાગ્યો પણ એ છત્રી ઠીક થાય એમ લાગતું ન હતું કેમકે એના તાર એકદમ બેંટ થઇ ગયા હતા.

એકાએક એક યુવતી પીકઅપ સ્ટેન્ડમાં દાખલ થઇ. એના કપડા એકદમ ભીંજાઈ ગયેલ હતા. એના વાળ અને ચહેરા પરથી હજુ પાણી નીતરી રહ્યું હતું. એ યુવતીએ આવતા જ મારા સામે એક સ્મિત આપ્યું.. મને સમજાયું નહિ મારે કઈ રીતે રીએક્ટ કરવું.. મને કોઈની સાથે ખાસ બોલવું ચાલવું પસંદ ન હતું. હું ખાસ હસતો પણ નહિ, મને એ પણ યાદ ન હતું કે છેલ્લે મેં કોઈની સાથે આઈ કોન્ટેક્ટ ક્યારે કર્યો હતો. આઈ વોઝ કાઈન્ડ ઓફ લોનર મેન. ઓલ્વેઝ લાઈક્ડ ટુ સ્ટે અલોન.

કદાચ એ યુવતી કે તેના સ્મિતમાં કઈક હતું.. કઈક અલગ જે મારી છાતીમાંથી મારા જ હ્રદયને ખેચી લેવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તે એકદમ ઉંચી અને નમણી હતી અને એના ચહેરા પર એક અદભુત સ્મિત ફેલાઈને જ રહેલું હતું. મને સમજાયું નહિ કોઈ આટલું નેચરલ સ્માઈલ કઈ રીતે કરી શકે એ પણ કોઈ અજાણ્યા વ્યક્તિ સામે. હર સ્માઈલ વોઝ સો નેચરલ.

તેની આંખો દિવસના અજવાળામાં પણ જાણે અંધારી રાતમાં કોઈ એકલો અટૂલો તારો ચમકી રહ્યો હોય એમ ચમકી રહી હતી. ધેર વોઝ થાઉંઝંડ સ્પ્લેનડીડ સન ઇન હર આઈઝ. કદાચ એ આંખો ઊંડામાં ઊંડા સમુદ્રના તળિયા કરતા પણ વધુ ઊંડી હતી… એના કરતા પણ વધુ ગહેરી હતી. કદાચ એ ચંદ્રના કિરણો કરતા પણ તેજસ્વી હતી. તેનો ચેહરો કોઈ પરીની પાંખ જેવો નરમ અને સોહામણો લાગી રહ્યો હતો અને જે જમીન પર ઝેર વાવીએ તો પણ અમૃત ફૂટી નીકળે એવી જમીન જેવો પવિત્ર દેખાઈ રહ્યો હતો. એના એ ચહેરા અને એ સ્મિતની મારા પર કોઈ કેટાસ્ટ્રોફિક અસર થઇ રહી હતી…!! મને શ્વાસ લેવું પણ હાર્ડ લાગી રહ્યું હતું.

એ યુવતીના હોઠ સાતમ આઠમના ચંદ્રની આકૃતિ બનાવતા હતા અને જયારે તે પૂરું હસી ત્યારે એ બીજના ચંદ્ર  જેમ વક્ર બન્યા, જયારે એના હોઠ સ્મિત આપવા બંને તરફ ખેચ્યા કોઈ ધનુષ્યની પણછ કે ક્રેસેન્ટ મૂન જેવી આકૃતિ રચાઈ.. કદાચ આખા આકાશની ખુબસુરતી કુદરતે એના ચહેરામાં નાખી દીધી હતી. કદાચ એના એ સ્મિત આપવા ખેચાયેલા હોઠોની જેમ મારું હ્રદય પણ ધનુષ્યની પણછ જેમ ખેચાઈ રહ્યું હતું અને જયારે એનું સ્મિત પુનમના પુરા ચંદ જેમ ખીલ્યું અને એના બંને ગાલ પર ખંજન રચાયા મારા હ્રદય પર જાણે એકદમ ભારે વજન આવી ગયું હોય અને એના માટે ધબકવું અશક્ય હોય એમ મને લાગ્યું. મને એમ લાગવા માંડ્યું જાણે મારા હ્રદયના ધબકારા એટલા વધી ગયા હતા કે એ વરસાદ અને આસપાસ ચાલતા વાહનોના અવાજ વચ્ચે પણ હું એમને સાંભળી શકતો હતો.. કદાચ મારી સામે ઉભેલ એ યુવતીને પણ એ સંભળાયા હશે તો નવાઈ નહિ. મેં મારો હાથ મારી છાતી પર દબાવ્યો જેથી હું એ ધબકારાને નિયંત્રિત કરી શકું પણ એ નિષ્ફળ પ્રયાસ હતો.

“હાય! આઈ એમ રોશની.” એ યુવતીએ મારા તરફ હાથ લંબાવતા કહ્યું.

મને નવાઈ લાગી કે એ મને ઓળખતી હશે???

“હું રાહુલ.” મેં એની સાથે હાથ મિલાવતા કહ્યું. તેની હથેળી દુનિયાના સૌથી નરમ પદાર્થ કરતા પણ વધુ નરમ હતી. એમાં સ્વર્ગની નજાકતતા હતી.

“ચુપચાપ ઉભા રહેવા કરતા જરાક પરિચય થઇ જાય તો સારું… વાતચીતમાં સમય ક્યારે નીકળી જશે ખબર પણ નહિ પડે.” રોશનીએ કહ્યું. એનો અવાજ પણ એની સુંદરતા સામે મેળ ખાઈ રહ્યો હતો.

“કેમ નહિ?” મને બોલવા માટે કોઈ શબ્દો મળી રહ્યા ન હતા. ઘણી મહેનતને અંતે હું એ નાનકડું વાક્ય બોલવામાં સફળ રહ્યો.

રોશનીએ પોતાના વાળમાંથી હેર પીન નીકાળી લીધી અને એમને એક તરફના ખભા પર પડવા દઈ સુકાવવા લાગી. જોકે એ એટલા પલળેલા હતા કે એ હેર ડ્રાયરની મદદ વિના સાંજ સુધી સુકા થાય તેમ ન હતા.

મારું ધ્યાન એના કપડા તરફ ગયું.. એના કપડા પણ એકદમ સુંદર હતા… એના કપડા સુંદર હતા કે એની સુંદરતા એ કપડાને પણ સુંદર બનાવી રહી હતી એ હું નક્કી કરી શક્યો નહિ.

એ મારી આંખોમાં જોઈ રહી હતી અને એના લીધે મારા શરીરમાંથી જાણે અસહ્ય પીડા વહી રહી હોય એમ મને લાગી રહ્યું હતું કેમકે મેં એ પહેલા કોઈ અજાણ્યા સાથે આઈ કોન્ટેક્ટ બનાવી વાત કરેલ ન હતી.

મે છત્રી તરફ જોઈ લીધું અને એને ઠીક કરવાનો ડોળ કરવા લાગ્યો.

છત્રી ઠીક કરવાનો ડોળ કરતા મેં આંખને ખૂણે એની તરફ જોયું એ પોતાના વાળને કાન પાછળ ખોસી એક જ ખભા પર પડ્યા રહેવા મનાવી રહી હતી અને પવન જાણે એના સાથે રમવા માંગતો હોય એમ એ ભીના અને પાણીથી ભીંજાઈ વજનદાર થઇ ગયેલ વાળને પણ ઉડાવી રહ્યો હતો. એણીએ પોતાની જાત આસપાસ પોતાના જાકીટને વીંટ્યું અને અદબ વાળી લીધી. કદાચ એ પણ ત્યાં ફૂંકાઈ રહેલ ઠંડા પવનની જ રમત હતી.

હું મારા આંખના ખૂણેથી એને જોઈ રહ્યો હતો પણ જાણે એની આંખો લોકોને પકડી પાડવામાં માહિર હોય એમ મારી આંખો સાથે એ મળી.. એણીએ ફરી મારી આંખોમાં જોયું. હું કદાચ એ આંખોમાં કઈક હારી રહ્યો હતો.

મને ભાન થયું કે હું એને એકીટસે જોઈ રહ્યો હતો… મેં મહામહેનતે એની આંખોના ત્રાટકમાંથી મારી જાતને મુકત કરાવી અને ફરી છત્રી ઠીક કરવાનો ઢોંગ કરવા લાગ્યો.

“હાય!”  તેણીએ તેના મોહક આવજમાં કહ્યું, તેનું સ્મિત તેના આવજને વધુ મોહક બનાવી રહ્યું હતું એ શબ્દોમાં જાણે મને મહેસુસ થઇ રહ્યું હતું કે એ તેના સ્મિત કરતા હોઠમાંથી ઉદભવીને આવી રહ્યા હતા,

“તમને કોઈ સાથે વાત ચિત કરવી પસંદ નથી.”

“ના, એવું નથી પણ…” મને બોલવા માટે કોઈ શબ્દો સુજ્યા નહિ.

“પણ શું…” એના શબ્દો પણ જાણે કોઈ સુવાસ લઈને ફરતા હોય એમ લાગી રહ્યા હતા. કદાચ એ એના પરફ્યુમની અસર હતી તો એ આ દુનિયા બહારથી લાવેલ કોઈ સેન્ટ વાપરતી હશે કેમકે મને લાગતું ન હતું કે આ દુનિયામાં કોઈ એટલું અદભુત સેન્ટ હોઈ શકે જે શબ્દોમાં પણ સુવાસ ભેળવી શકે.

“મને અજાણ્યા લોકો સાથે વાત કરવાની આદત નથી..” મેં કહ્યું.

તે મને એ જ મોહક સ્મિત સાથે જોઈ રહી.. એ સ્મિત મારા હ્રદય સોસરવું જઇ રહ્યું હતું.. તે મને નર્વસ બનાવી રહી હતી.

અમારી વાતચીત આગળ વધી અને મને એમ લાગ્યું કે એ વાતચીત દરમિયાન મારું હ્રદય જાણે ગરમ હવા ભરેલ બલુનની જેમ દરેક પળે વજન વિનાનું થઇ રહ્યું હતું.. આઈ વોઝ ફીલિંગ વેઇટલેસ. કદાચ મેં જીવનમાં કોઈ અજાણ્યા સાથે અને કોઈ મકસદ વિના કોઈ સાથે એટલી લાંબી વાત પહેલીવાર કરી હતી પણ મને એ ગમી રહ્યું હતું.. મારા જીવનમાં મેં એની સાથે વાત કરતી વખતે જે ખુશી અનુભવી એ ખુશી પહેલા ક્યારેય અનુભવી ન હતી.

તેના વર્તનમાં એક નિર્દોષતા હતી. અમે એ રીતે વાતો કરી રહ્યા હતા કે કદાચ કોઈને કહીએ કે અમે કેટલીક મીનીટો પહેલા જ મળ્યા હતા તો એ વ્યક્તિ ક્યારેય અમારો વિશ્વાસ ન કરી શકે. તે એક ડવ જેટલી વાઈબ્રન્ટ અને જળ જેટલી શાંત હતી. કદાચ એના ચહેરા કે અવાજમાં ક્યાય કોઈ ઉદાસી ન હતી. કદાચ એના જીવનમાં પણ કોઈ ઉદાસી નહિ હોય એમ મને લાગી રહ્યું હતું. તે એકદમ કેર ફ્રી દેખાઈ રહી હતી. અમારા વચ્ચે એકદમ અન્ફેમીલીયારીટી હતી છતાં એ મારી સાથે એ રીતે હસી રહી હતી એ રીતે બોલી રહી હતી જાણે એ મને વરસોથી ઓળખતી હોય. હું ઈચ્છી રહ્યો હતો કે એ વાતચીત ક્યારેય ખતમ થાય જ નહિ. એ વરસાદ ક્યારેય બંધ જ ન થાય અને અમે બેમાંથી એકેય એ પીકઅપ સ્ટેન્ડ છોડીને ક્યારેય જઈએ જ નહિ.

હું એની સાથે એ પળ વિતાવતી વખતે પણ વિચારી રહ્યો હતો કે એ પળોને યાદ કરી ભવિષ્યમાં પણ મારા હોઠ હસી શકશે. હું એની સાથે વધુને વધુ સમય વિતાવવા માંગતો હતો પણ ઈચ્છા એ માત્ર એક ભ્રમ છે.

એકાએક વરસાદ બંધ થઇ ગયો.

“બાય! યંગમેન.. થેન્ક્સ ટુ ગીવ મી નાઈસ કંપની.” એ સ્ટેન્ડ બહાર જવા લાગી.

હું એક અલગ જ લાગણી અનુભવી રહ્યો હતો કદાચ એ લાગણી મેં પહેલા ક્યારેય અનુભવી ન હતી.. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એવી કોઈ લાગણી હોઈ શકે…!! એ શું હતું મને સમજાઈ રહ્યું ન હતું… મને શું થઇ રહ્યું હતું એની હું કલ્પના પણ કરી શકતો ન હતો… મને એને રોકવાનું મન થઇ રહ્યું હતું.. મને એને કહેવાનું મન થઇ રહ્યું હતું… પણ એને મારે શું કહેવું હતું એ મને સમજાઈ રહ્યું ન હતું.

શું એ પ્રેમ  હતો..??? ના, ના પ્રેમ એમ એક પળમાં ક્યાં થાય છે..??? મેં મારી જાતને કહ્યું.

શું એ માત્ર આકર્ષણ હતું??? ના, એ વિજ્ઞાન સમજાવે છે એમાનું મેલ-ફીમેલ એટરેક્સન તો ન જ હતું. ના હવે હું એ વિજ્ઞાનના ઘટિયા સમજુતીને સ્વીકારી શકું તેમ ન હતો.

પણ એ પ્રેમ પણ ન હતો કેમકે મને ખબર છે કે પ્રેમ એમ કાઈ એક પળમાં થઇ જતો નથી… એ પ્રેમ ન હતો તો શું હતું..??? એ શું હતું જે મને એની સાથે કોઈ અદ્રશ્ય તાર વડે બાંધી રહ્યું હતું..???

મેં સમજવાનો પ્રયાસ કર્યો.

મેં મારા જીવનમાં એ પહેલા કોઈ સાથે આમ નકામી વાતોમાં સમય વેડફ્યો ન હતો… હું એ પહેલા એમ કોઈની સાથે વિના કારણે હસ્યો ન હતો… હું એ પહેલા ક્યારેય એટલો લાઈવ બન્યો ન હતો… છેલ્લા દસ વરસમાં મેં કોઈ સાથે કામ અને બિઝનેશ સિવાય વાત પણ કરી ન હતી..

મને જવાબ મળી ગયો.. મેં આધુનિક બનવા એ વ્યક્તિને મારી અંદર ક્યાંક દફન કરી નાખ્યો હતો જેને ખુલ્લું આકાશ જોવું ગમતું હતું.

“રોશની..” મેં બુમ લગાવી. એ હજુ માંડ સ્ટેન્ડથી જરાક બહાર જ ગઈ હતી.

“વોટ..?” એ પાછી ફરીને સ્ટેન્ડમાં દાખલ થતા બોલી.

“થેન્ક્સ.. મને ખબર નથી હું આ કેમ કહી રહ્યો છું પણ મેં તારા સાથે જે સમય વિતાવ્યો એના કરતા સારો સમય જીવનમાં પહેલા ક્યારેય વિતાવ્યો નથી… મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે કોઈ એક પળ આટલી ખુશી આપનાર હોઈ શકે.. મને એ પળ આપવા બદલ થેન્ક્સ.” મેં કહ્યું.

તેના ચહેરા પર એક આછું સ્મિત ફેલાયું.

“રાહુલ, તું એક સારો વ્યક્તિ છે જેને મળીને મને ખુશી થઇ છે… પણ હવેથી કોઈની સાથે વાત કરવાની ઈચ્છા થાય તો છત્રી ઠીક કરવાનો ઢોંગ કરવાને બદલે સીધી એની સાથે વાત કરજે.. તારી આસપાસ જો અહી કેટલીયે ચીજો છે જે આપણને અનહદ આનંદ આપી શકે છે …કદાચ આપણે ગણી પણ ન શકીએ એટલી ચીજો કુદરતે આપણને ખુશ થવા માટે આપી છે બસ આપણે જોઈ શકતા નથી અને એમાં સૌથી સુંદર ચીજ ભગવાને માનવ બનાવી છે એક માનવ અન્ય માનવ સાથે હળતો મળતો રહે તો જ એને આ દુનિયા સુંદર દેખાઈ શકે છે. હવે મારે જવું જોઈએ.. હેવ અ નાઈસ ડે.”

“યુ ટુ.” મેં કહ્યું.

મારું હ્રદય ખીલી ઉઠ્યું..મારા હોઠ એક સ્મિતમાં મલક્યા.. હું એને જતી જોઈ રહ્યો.. વરસાદ ગયા બાદ પણ તેની સુંગંધ જેમ જમીનમાં કલાકો સુધી ભળેલી રહે છે એમ એના ગયા બાદ પણ કલાકો સુધી એ એના હેવનલી પરફ્યુંમની સુવાસ એ પીકઅપસ્ટેન્ડમાં ફેલાયેલ રહી.

હું સ્ટેન્ડ બહાર નીકળ્યો… વરસાદ બાદ દેખાઈ રહેલ સ્વરછ નીલા આકાશ તરફ નજર કરી… રોશની મને આજે મમ્મીએ કહેલ એ જ ચીજ સમજાવી ગઈ હતી જે મને આધુનિકતા અને વિજ્ઞાને ભૂલવી નાખી હતી… હું સમજી ગયો દુનિયાની હરેક ચીજ સુંદર અને ખુશી આપનાર છે બસ એને વિજ્ઞાનની નજરથી દેખવાને બદલે એ કેમ છે એની પાછળની થીયરી સમજાવાને બદલે એ છે એની ખુશી માનવીએ તો. હા, હું એને જતી રોકવા માંગતો હતો એ પ્રેમ જ હતો પણ એ એક સ્ત્રી અને પુરુષ વચ્ચે ઉદભવતો પ્રેમ નહિ પણ માનવ માનવ વચ્ચે હોવો જોઈએ એ પ્રેમ હતો જે મેં જીવનભર નજર અંદાજ કર્યો હતો અને એટલે જ કદાચ હું ખુદને એકલો સમજતો હતો નહિતર આટલી વિશાળ દુનિયામાં કોઈ એકલું હોઈ જ કઈ રીતે શકે???

ને હું સ્ટેન્ડ બહાર ઉભા લાઈટના લેમ્પને હાથ ભરાવી, બીજા હાથમાં તૂટેલી છત્રી રાખી ગોળ ગોળ ફરી ગયો….. કદાચ એ દ્રશ્ય પ્રાકૃતિક હતું કોઈ હસ્યું હશે મારા ઉપર ?? પણ મને હવે શું ફેર પડવાનો હતો ?

વિકી ત્રિવેદી ‘ધ અર્બન રાઈટર’

One Reply to “નો વન ઈઝ અલોન હિયર”

  1. yes,
    you are right no one is alone here..
    every one has memories…whether it is lovely or painful..

    i read this 3rd time…. and it feels awsm

Comment here