gujarati-varta-kamo

કમો

સાંજના ચારેક વાગ્યા હશે. હું મારી કારમાં મામાના ઘરે જઈ રહ્યો હતો. સરહદી વિસ્તારના કારણે અહી હજુ વિકાસ પાપા પગલી માંડતો હતો. આ વિસ્તારમાં પચાસ પચાસ કીમીએ જતાં એકાદ પેટ્રોલ પંપ જોવા મળે. ટાયર પંક્ચર માટે પણ તમારે દસ પંદર કિમીની મજલ કાપવી પડે.

“યો યોં હની સિંઘ” શબ્દોના તાલે મારું હ્રદય ઉછળી રહ્યું હતું ત્યાજ કારનું રીઅર બટ રાઈટ વ્હીલ ફ્લેટ થઇ ગયું. ઓવર સ્પીડ ન હતો એટલે મેં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો નહિ અને કારને બ્રેક કરીને નીચે ઉતર્યો. મને ખુદ પર ગુસ્સો આવ્યો. મેં સ્પેર વ્હીલ ચાર દિવસ પહેલા જ વાપર્યું હતું અને આળસમાં પેલા વ્હીલને હજુ પંક્ચર બનવરાવ્યું ન હતું.

મેં ટુલબોક્સમાંથી ટુલ્સ કાઢીને ફ્લેટ ટાયર ખોલ્યું. મારી પાસે હવે ટાયર લઈને નજીકમાં કોઈ પંક્ચર કરતો હોય ત્યાં જવા સિવાય કોઈ વિકલ્પ હતો નહિ. આસપાસમાં દસેક કિમી સુધી આવો પંક્ચર કરનાર મળે તેમ લાગતું ન હતું. ત્યાંજ રોડ પર એક કારવાં(ઘેરો) પસાર થવા લાગ્યો. પચાસેક ગાયો, તેનાથી બમણાં ઘેટાં-બકરાં અને કેટલાક ગધેડાં સાથે કારવાંમાં રહેલ વૃદ્ધને મેં અટકાવીને પૂછ્યું,

“બાપુ, આટલામાં કોઈ પંક્ચર કરે છે?”

“પંક્ચર વળી શું હોય?” એ વૃદ્ધ બોલ્યા.

મેં એમને ટાયર બતાવ્યું એટલે એમને સમજ પડી હોય એમ બોલ્યા, “હવા નેહરી ગઈ સે પૈડામાંની એમ ને!”

“હા, બાપુ, હવા ભરાવવી છે.” મેં કહ્યું.

“ભાઈડા, ચાર ગાઉં(1 ગાઉં=3 કિમી) મોરે (આગળ) સે ચાર રસ્તા. ઈયા તારું કોમ થાય….”

“ચાર ગાઉં! ટાયર હાથમાં લઈને ચાલવાનું!” હું બબડ્યો. એટલામાં એક યુવતી પણ અમારા જોડે આવીને ઉભી રહી. ગધેડાની પીઠ પર એક નાનો ખાટલો બાંધેલો હતો જેના પર થોડોક સામાન હતો અને એક ત્રણેક વર્ષનું બાળક બેઠું હતું.

“શું હે દાદા, કેમ ઉભા રિયા સો?” એ પર્વતનું નાનું ઝરણું જાણે નાદ કરતુ હોય એમ બોલી.

“એને પૈડાની હવા નેહરી ગઈ સે.” વૃદ્ધ બોલ્યા.

“લાવો, પૈડું મને આલો.” કહીને એણીએ પૈડું મારા હાથમાંથી લઈને બાળક બેઠું હતું ત્યાં જોડે સામાન સાથે મુક્યું.

હું એની જોડે જોડે ચાલવા લાગ્યો. દાદા કહેવામાં દાદા હતા બાકી તાકાતમાં મુંબઈવાળા દાદા હોય એમ ગાયોને હંકારવા અને એક લાઈનમાં રાખવા આમતેમ દોડાદોડી કરતા હતા. છતાં એ અમારાથી આગળ જ રહેતા હતા. એકાદ કિમી ચાલ્યા પછી મને થાક લાગવા માંડ્યો પણ ચાલ્યા સિવાય કોઈ છૂટકો ન હતો.

“શું નામ છે તમારુ?” મેં પૂછ્યું.

“કમો…” એ બોલી.

“કમો એટલે આખું નામ શું છે?” મેં હમણાં હમણા નમો ઘણીવાર સાંભળેલું પણ આ કમો એટલે શું મારા મગજમાં ન ઉતર્યું.

“આખું કો’તોય ‘ને અડધું કો’તોય. મારું નોમ કમો.” એ બોલી. મેં વિચાર્યું કે કામિનીનું અપભ્રંશ કદાચ કમો કરતા હશે આ લોકો.

“ને તમારુ નોમ સુ??” એણીએ પૂછ્યું.

“વિકી….” મેં કહ્યું.

“વિકી વળી ચેવું નોમ છે તમારુ…!!” એણીએ એના લહેકામાં કહ્યું. એ છ, જ જેવા અક્ષરોનો ઉચ્ચાર જેવી રીતે કરતી હતી તેવી રીતે હું અહી લખી શકું તેમ નથી. એ એકદમ સુંદર અને ગૌર વર્ણની હતી. એણીએ પીળા કલરની ઓઢણી ઓઢેલી હતી. કમરથી નીચે સુધી આવે અને કાંડા સુધીની સ્લીવ વાળું એણીએ જે પહેર્યું હતું તેને હું બ્લાઉઝ કહીશ. આપણે ભણ્યા અને અંગ્રેજી શીખ્યા પણ આપણી માતૃભાષાના કેટલાય શબ્દો ભૂલી ગયા. કેટલીક વસ્તુઓને ગુજરાતીમાં શું કહેવાય એ આપણે જાણતા જ નથી.

“પેલી વાર આ રસ્તે આયા સો?” એણીએ પૂછ્યું. અને આગળ આવેલો ચોટલો ઉછાળીને કમ્મર ઉપર ફેંક્યો. એ દ્રશ્ય અદભુત હતું!

“ના, પાંચ વર્ષ પહેલા આવ્યો હતો પણ ત્યારે બસમાં આવ્યો હતો.” મેં કહ્યું.

“સુ વિચારો છો મેડમ સાહેબ?” એણીએ મને પૂછ્યું.

“મેડમ સાહેબ!” મેં વળતું પૂછ્યું. હું કઈ સમજ્યો હતો નહિ.

“તમને ભણેલ ગણેલ સુધરેલ લોકોને મેડમ કહીએ તો વધુ સારું લાગે છે.” એ બોલી.

“તમને કેવી રીતે ખબર?” મેં પૂછ્યું.

“એકાદ મહિના પહેલા શહેરથી કોઈ બેન આવ્યા હતા ગામમાં કોઈકના ઘરે મહેમાન બનીને. એમના બાબલા માટે હું બકરીનું દૂધ આપવા ગઈ’તી બે ત્રણ દી. એ મને મેડમ કે’તી. મેં વળી પૂછ્યું કે મેડમ ઈ શું તો બેને મને કહેલું અમે શે’રમાં મેડમ કહીને બોલાવીએ. મેડમ કહીએ તો સામેવાળાને સારું લાગે. તમને સારું લાગે એટલે મેડમ કીધું તમને પણ…..” એ આટલું બધું એક જ શ્વાસમાં બોલી ગઈ અને હાથમાંની સોટીથી ગધેડા બકરા ઘેટાને ઈશારા કરતી હતી.

એ જેન્ટલમેન શબ્દ બોલી નહિ શકે એમ સમજી મેં એને મેડમ અને જેન્ટલમેન શબ્દનો ફરક સમજાવવાનું માંડી વાળ્યું.

“તમારુ નામ કેટલું ટૂંકું છે. એકદમ અલગ પણ લાગે છે. એ વિચારતો હતો. શહેરમાં કામિની નામ હોય.”

“કામિની…” એ ખચકાઈને ધીમે ધીમે બોલી., “કેવડું લાંબુ નોમ સે…..”

“હા, લાંબુ નામ છે પણ દોસ્તો એનું ટૂંકું કરી નાખી. જેમકે કામિની નું કિમી, કિટ્ટી વગેરે…” મેં કહ્યું.

“તમે ભણેલા ગણેલા લાંબા નોમને નોનું કરીને બોલો. અમને એવું બધું ના ફાવે એટલે માવતર પે’લથી જ નોનું નામ રાખે એટલે દોસ્તારોને નોનું કરવાની માથાકૂટ ન કરવી પડે.” એ બોલી.

“છોકરાનું નામ શું છે?” મેં ટાઈમપાસ કરવા વાતચીત ચાલુ રાખતા પૂછ્યું.

“રૂડો…” એણીએ એ બાળક તરફ જોઈ જવાબ આપ્યો. બાળક ખીલ ખીલ કરતુ હસતું હતું એ મેં જોયું.

“સરસ નામ છે પણ મને થોડું જુનું લાગે છે. મોટો થશે એટલે એ નામ બદલી નાખશે. નવા જમાના મુજબ રાખશે.” મેં કહ્યું,

“રૂડો એટલે રૂપાળો. એનું નોમ ને શરીર બેય મેળમાં આવે એમ નોમ પાડ્યું છે. અમે નોમ બદલીએ નઈ. માવતરે પૂરું વસારીને નોમ પાડ્યું હોય ઈ નોમ બદલાય? નવું જુનું શું કરવાનું? આપડેય દા’ડે દા’ડે જુના થ્યા કરાંસ.” એ બોલી.

હું વિચારમાં પડી ગયો. એની વાત આમ એકદમ સાચી હતી. આપણે ભણેલા ગણેલા આપણો સાંસ્કૃતિક વારસો બચાવવા કેન્ડલ માર્ચ કરીએ અને માતા-પિતાએ આપેલું આપણું નામ આપણે બદલી દઈએ છીએ. માતા-પિતાએ જયંતિ નામ રાખ્યું હોય તો છોકરો જય કરી નાખે અને જો માતા-પિતાએ જય રાખ્યું હોય તો જયંત અને કેટલાક આ બધાથી આગળ વધીને જેકી. મને મારી કોલેજની ક્લાસમેટ યાદ આવી. ઘરમાં બધા દીપુ કહેતા. સર્ટીફીકેટમાં દીપિકા નામ હતું અને ફેસબુક આઈડીમાં ડીંકી. આ કમો ભણેલી નથી પણ એનું પોતાનું અલગ વ્યક્તિત્વ છે. આપણી જોડે આપણું વ્યક્તિત્વ ક્યાં છે? ફેસબુકમાં મિત્રના ફોટા કરતા વધુ લાઈક ન આવે તો આપણે ફોટો બદલી નાખીએ પછી ભલેને એ ફોટો ગમે તેટલો સારો લાગતો હોય. અને જો મિત્રના ફોટા કરતા વધુ લાઈક્સ આવી જાય તો આપણે ગર્વ અનુભવીએ. પછી ભલેને લોકોએ વાંદરા જેવું મોઢું સમજીને લાઈક્સ કરી હોય.

“તમે શે’રમાં શું કરો છો?” એના શબ્દોએ મને વિચારોમાંથી બહાર લાવ્યો.

“હું ન્યુઝ રીડર છું.” મેં કહ્યું.

“ઈ વળી સુ?”

“ટીવી જુવો છો તમે?” મેં પૂછ્યું.

“ક્યારેક કોઈકના ઘરે બેઠા હોઈએ તા’ર જોઈએ. અમાર ઘરે ટીવી નથી.” એ બોલી.

“હું ટીવી ઉપર સમાચાર બોલું છું.”

“તમારા પતિ ક્યાં છે? તમે એકલા કેમ છો?” મેં પૂછ્યું.

“આ મારા દાદા સે. મું મારા બાપના ઘરે રહું સુ. ધણીના ઘરે બે વરહ રહી.” એ બોલી.

“કેમ? પતિ ભેગા કેમ નથી રહેતા?” મેં પૂછ્યું.

“એ ઢોર જેવો છે. ગમે ત્યાં મોઢું નાખે છે. ઉકરડો હોય તોય મોઢું નાખી દે. એવા ભેગું રે’વા કરતા બાપના ઘરે શું ખોટી.” એ બોલી.

“પાગલ થઇ ગયા છે તમારા પતિ?” મેં પૂછ્યું.

“ના, ડાહ્યો ડમરો છે.” એ બોલી.

“તો પછી ઉકરડામાં મોઢું કેમ નાખે છે?” મેં પૂછ્યું. કારણકે મને એ દેશી કહેવતો સમજાતી ન હતી.

“મેડમ સાહેબ, તમે હમજ્યા નહિ. ઈ નબળો સે. એને મારા વગર બીજી ચેટલીયથી પણ સંબંધ છે એટલે હું મારા બાપના ત્યાં આવતી રહી.” એ બોલી. એ ફરી મને મેડમ સાહેબ કહીને બોલી પણ મને એની વાતમાં દુખ દેખાયું એટલે મેં એ ધ્યાનમાં ન લીધું.

મને હવે એની વાત સમજાઈ. આ ભણેલી નથી પણ રૂપક, યમક અને શ્લેષ જેવા અલંકારો વાક્યોમાં વાપરી નાખે છે. હું ભણતો ત્યારે અલંકાર અને છંદના પ્રશ્નો છોડી જ દેતો. આ અભણ છોકરી ચારિત્ર્યહીનને ઢોર જેવો ગણે છે. કોલેજમાં આપણી ચર્ચાઓ કેવી હોય છે – પેલાએ એક વર્ષમાં આ ત્રીજી છોકરી પટાવી. સાલો, લવર બોય છે. અથવા યાર, તું આટલો ફલર્ટ દેખાય છે પણ તોય હજુ તું પેલી ભેગો ફરે છે? ત્રણ વર્ષ થઇ ગયા. હવે કોઈક નવી પકડ. એકમાંને એકમાં શું લેવાનું? મને એ ભણેલ ગણેલ ન કહેતો સારું એમ હું મનોમન વિચારતો હતો.

“તમે પરણેલા છો?” એણીએ એકાએક પૂછ્યું.

“નહિ…” મેં કહ્યું.

“કેમ, કોઈ હિયે નહિ બેહતી કે શું?” એણીએ પૂછ્યું.

“હું અને ખ્યાતી એકબીજાને પ્રેમ કરીએ છીએ.” મેં કહ્યું.

“તો પછી લગ્ન કેમ નથી કરતા તમે બેય?” એણીએ પૂછ્યું.

“હું અત્યારે એક નાનકડી ટીવી ચેનલમાં કામ કરું છું. મને કોઈ મોટી ચેનલમાં કામ નોકરી મળે પછી ખ્યાતી મારી સાથે લગ્ન કરવા માંગે છે.” મેં કહ્યું.

“એક બાજુ તમે કહો છો કે તમે ને ખાતી એકબીજાને પરેમ કરો છો અને બીજી બાજુ ઓમ-તેમ થાય પછી લગ્ન કરીશું. તમને ખોટું લાગશે પણ હાચું કહુ સુ આ તો સોદો કે’વાય. પરેમ નહિ.” એ બોલી.

“તમને ન સમજાય આ બધું. શહેરનું વાતાવરણ અલગ હોય છે. અમારે એ પ્રમાણે જીવવું પડે.” મેં કહ્યું.

“કેમ એ પ્રમાણે જીવવું પડે? આપણોને હિયે બેહે એમ જીવાય. આપણો અવતાર સે. ભગવાને આપ્યું સે.” એ બોલી.

“શહેરમાં બધા રહે એમ આપણે રહેવું પડે. તમે જો શહેરમાં આવીને રહો તો તમને ખબર પડે.” મેં કહ્યું.

“મને તો તમે મુમ્બે (મુંબઈ) કે દલીમાં લઇ જઈને મેલો તોય હું તો મને હિયે બેહે એમ જીવું. કોકનું ભાળીને એમ ઓપણે કેમ જીવવું. કોકના રવાડે કદી નો ચડાય.” એ બોલી.

“એતો જેવો સંગ એવો રંગ લાગી જ જાય” મેં કહ્યું.

“કદી ના લાગે. આપણે તો મનખ સિયે. આ ઘેટાં અને બકરાં વર્ષોથી ભેગા રે સે પણ બંને જોનવર પોત પોતાની રીતે જીવે. એકબીજાના રવાડે ન ચડે.” એ બોલી. એ સીધું અને સરળ મનમાં આવે એમ બોલી રહી હતી પણ સાચું બોલી રહી હતી. એની વાત મને અને તમને મૂર્ખાઈભરી લાગે એવી હતી. પણ જો આ જ વાત સ્ટેજ પરથી કોઈ મોટીવેશનલ સ્પીકર કહે તો આપણે એને તાળીઓથી વધાવી લઈએ.

આપણે એ વક્તાની વાત સાંભળીને તાળીઓ પાડીએ છીએ કે પછી મોધી એન્ટ્રી ટીકેટ લીધી હોય છે પૈસા ભરીને એ વસુલ કરવા તાળીઓ પાડીએ છીએ એ હું હજુ નક્કી કરી શક્યો નથી. માં-બાપ આપણને વિના મુલ્યે સાચી સલાહ આપે ત્યારે આપણા શબ્દો હોય છે – તમને ખબર ન પડે. તમે ખોટું માથું ન ખાઓ મારું. મને બધી ખબર પડે છે. બધી ખબર પડે છે આપણને તો પછી મોટીવેશનલ સ્પીચમાં જવાની શી જરૂર? મને એના વ્યક્તિત્વમાં ઊંડા ઉતરવાનું મન થયું.

“તમે આખો દિવસ આ પશુઓને ચરાવવામાં જ વિતાવો છો. તમે તમારા કામથી ખુશ છો?” મેં પૂછ્યું.

“રાજી શું ને ન રાજી શું? કોમ કર્યા વગર ખાવું એ મનખા દૈ નો ધર્મ નહિ. મારો દાદો પસા વરહે પણ કોમ કરે સે તો હું તો હજી એમનાથી અડધી જ છું…” એ બોલી.

“મારો કહેવાનો મતલબ તમને આ કામ પસંદ છે કે પછી તમે કોઈ બીજું કામ કરવા માંગતા હતા અને આ કામમાં આવવું પડ્યું?” મેં પૂછ્યું.

“નોની હતી તા’ર જ માવતર મરી ગયા. દાદે મને મોટી કરી, પરણાવી અને ધણી ખરાબ મળ્યો તો હું પાછી આવી પણ દાદે ક’દી મને જોઇને મોઢું મરડ્યું નથી. મુ પણ જે દીની સમજણી થઇ તે દીની કોમમાં પાસી નથી પડી.” એ બોલી.

“તમે મારો કહેવાનો મતલબ નથી સમજતા. મારા પિતાજી ઇચ્છતા હતા કે હું એમની દુકાન સંભાળું. મારે મોટા અધિકારી બનવું હતું. હું મોટો ઓફિસર બની શકાયો નહિ એટલે કમને આ ટીવી ચેનલમાં જોડાયો. મને પિતાજીની દુકાનપર બેસવામાં કોઈ રસ નથી. પિતાજી હજુ પણ મને દુકાન પર બેસવાની જીદ કરે છે. પણ મને દુકાન પર બેસવા કરતા ટીવીની નોકરીમાં વધુ મજા આવે છે. એમ તમને ક્યાં કામમાં મજા આવે છે વધુ.” મેં પૂછ્યું. હું એના મનમાં ઊંડે ઉતરીને એના વિચારો જાણવા માંગતો હતો. અત્યારે મને એનામાં વધુ અને વધુ રસ પડી રહ્યો હતો.

“તમને બાપની કમાણીમાંથી બેય ટાણા ખાવા મળી રહે એટલે આ કોમ મજા આવે એવું અને પેલું કોમમાં મજા ન આવે એ બધું સુજે. હું સમજણી થઇ ત્યારે મારા માવતર સરગના માર્ગે જતા રહ્યા હતા. હું અને દાદો. દાદો આખો દી ઢોર ચરાવે. હવે તમે કહો, મુ કિયું કોમ કરું ને કિયું ન કરું. રોટલા ટીપવા, સાંજે ઢોર દોવા જેવા કોમ મુ ના કરું તો કોણ કરે? મારે જ કરવાનું આ બધા કોમ. મજા આવે એમ કરું કે વગર મજા આવે એમ કરું, કરવાના તો મારે જ હતા. એટલે મેં કોમ કર્યું અને કદી વિચાર્યું નહિ કે મજા આવે સે કે નથી આવતી કોમમાં.”

“તમને દુકાન સંભાળવા કેમ મજા નથી આવતી?” એણીએ આગળની વાત પૂરી કરીને તરત પ્રશ્ન  પૂછ્યો.

“મને પિતાજી સાથે કામ કરવામાં મજા નથી આવતી.” મેં કહ્યું.

“પણ કેમ?” એણીએ પૂછ્યું.

“પિતાજી મારી દરેક વાતમાં ઇન્ટરફીયર કરે એ મને પસંદ નથી.”

“આંટાફેર વળી પેલી વાર સાંભળ્યું?” એ બોલી.

“ઇન્ટરફીયર મતલબ પિતાજી મારી વાતમાં પૂછ પૂછ કરે અને સલાહ આપ્યા કરે.” મેં એને સમજાવતા કહ્યું.

“તો શું ફરક પડે? મારો દાદો મારા કોમમાં દા’ડામાં દસ વેળા આંટાફેરા કરે. દાદો આંટાફેરા કરે તો મને કોમમાં સેલુ પડે.” એ બોલી.

“તમે એકદમ અલગ પ્રકારના છો.” મેં કહ્યું.

“લો, ચાર રસ્તા આઈ ગયા. સામે હવા ભરવાવાળાની દુકોન સે. તમારો ચાલવાનું પૂરું થયું. અમારે તો હજુ ઘણું લોબુ હેડવું પડશે.”

મેં ગજવામાંથી વીસની નોટ કાઢીને છોકરાના હાથમાં આપી અને ગધેડાંની પીઠ પરથી ટાયર હાથમાં લીધું.

“પૈસા ન લેવાય. ગધેડાને કોય આટલા પૈડામાં જોર પડ્યું નથી.” એ બોલી.

“મામા તરીકે ભાણીયાને આપ્યા છે…” મેં કહ્યું.

“તો લેવામાં વાંધો નહિ.” એ બોલી. હું વ્હીલ લઈને દુકાન તરફ વળ્યો. એ છોકરી અને કારવાં આગળ ચાલ્યા ગયા.

વ્હીલને પંક્ચર થઇ ગયું. સદનસીબે વળતા મને એક બાઈક પર લીફ્ટ મળી ગઈ. મેં વ્હીલ લગાવી લીધું. કારમાં બેસીને મેં એન્જીન સ્ટાર્ટ કર્યું. મેં મ્યુઝીક પ્લેયર ચાલુ કર્યું. ગીત વાગવા લાગ્યું:

“અક્સર ઇસ દુનિયામેં અંજાને મિલતે હે… અનજાની રાહોમેં મિલકે ખો જાતે હે…. લેકિન હમેસા વો યાદ આતે હે…..”

કમો મને ફરી ક્યારેય મળશે કે નહિ મળે મને ખબર નથી. પણ શહેરમાં તો મને કદી કોઈ કમો જોવા નહિ મળે.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here