gujarati-varta-first-later-last-time

પ્રથમ પત્ર છેલ્લી વાર

જે દિવસે મેં તમારા જીવન-વનમાં પ્રવેશ કર્યો ત્યારે મને ખુબ જ ડર લાગતો હતો. તમે મને વન-મોરલી કહીને સંબોધતા ત્યારે મારા મન:ચક્ષુ સામે હું સ્વયંને એક ભયભીત હરણી તરીકે જોતી. જયારે તમારી પ્રથમ દ્રષ્ટી મારા વદન પર પડી ત્યારે મને શિયાળાની સવારમાં સૂર્યનાં કિરણો મારા વદન પર પડતા હોય એવો અનુભવ થયો! તમારી દ્રષ્ટીનો તાપ ન હતો પણ છતાં મારા નયનો ઢળી ગયા. સવારનો સુરજ તાપ નથી આપતો તો પણ એનાં કિરણો આપણી પલકોને નીચી કરાવી દે છે. મેં પલકો ઝુકાવી અને તમારા શબ્દો મને સંભળાયા, “તમારે કંઈ પૂછવું છે મને?” નયનને બંધ રાખ્યા પછી પણ મારા મુખેથી એક જ શબ્દ સ્ફુરિત થયો હતો ‘ના’. મને એ આપણી પ્રથમ મુલાકાત જયારે તમે મને જોવા આવ્યા એ દિવસનું ક્યારેય વિસ્મરણ થયું નથી.

એ ‘ના’ પછી મેં તમને કેટલીયે વાર ‘ના’ કહી હશે. કાપડના વેપારીને ત્યાં તમને પસંદ આવેલી સાડી માટે ‘ના’, ચેતનાના નામ-કરણ વખતે તમેં ચમેલી બોલ્યા હતા પણ મેં ના કહી અને મેં ચેતના નામ રાખ્યું. સૌરભના નામ-કરણ વખતે તમે મારા ઉપર ઢોળ્યું ત્યારે પણ હું બોલી હતી ‘ના’ અને પછી તમે સૌરભ નામ રાખેલું મુન્નાનું. પ્રથમ દિવસે ભય અને લજ્જામાં બોલાયેલી ‘ના’, સાડીઓની દુકાને તમને ગુસ્સે કરવા માટે તમેં જે સાડી પસંદ કરો તેની માટે ‘ના’, પુત્રી પર માનો અધિકાર વધુ એટલે નામ પણ મારી પસંદનું એટલે જીદમાં ‘ના’, પુત્રી વખતે મેં નામ પસંદ કર્યું તો પુત્ર વખતે તમારો હક એમ સમજી સરખો ન્યાય કરવા માટે કહેલી ‘ના’. ‘ના’ એક જ શબ્દ કેટલી અલગ અલગ રીતે મેં વાપર્યો ! તમે મારા દરેક ‘ના’ પર અટકી જતા.

તમારી યુવાનીમાં તમે કેટલા શક્તિશાળી હતા ! આઠ વર્ષની ચેતના અને પાંચ વર્ષનો સૌરભ, તમે બંનેને બંને ખભે બેસાડી દેતા અને આપણે ચાલતાં મારા પિયર જતા. હું થાકી જતી પણ તમે બંને બાળકો ખભે બેઠા બેઠા મસ્તી કરતા હોય તો પણ થાકતા નહિ. બે કલાકમાં તો આપણે મારા પિયર પહોચી જતા. તમારી યુવાનીમાં પણ તમે મારી ‘ના’ પર અટકી જતા. ભલે તમે મારાથી વધારે તાકાતવાળા હતા. આખી જિંદગી મારી ‘ના’ પર અટકી જતા એવા તમે વૃદ્ધાવસ્થામાં કેવા નીડર બની ગયા કે મેં કેટલીયે ‘ના’ કહી પણ તમે ન અટક્યા.

મારા પિયરમાં પણ તમે મને એકલી ન જવા દેતા. તમે સાથે જ આવતા. તમે મને પૂછતાં, “મારા વગર તને પિયરમાં પણ નહિ જ ફાવે! તમે પણ ગમે ત્યાં જતા મને સાથે જ લઈને જતા. તમે કહેતા, “તારા વગર મને એકલાને નહિ ફાવે.” મારા વગર તમને નહિ ફાવે એટલે સાઈઠ વર્ષની ઉમરે પણ બે બે હ્રદયરોગના હુમલા હું સહન કરી ગઈ. પણ તમે કશું બોલ્યા-ચાલ્યા વગર, મને કશું કહ્યા વગર આમ એકલા ભગવાનના ઘરે ચાલ્યા ગયા?! તમને વિચાર ના આવ્યો કે તમારા વગર હું આ ઉમરે કઈ રીતે જીવી શકીશ?

મારી વાર્તાઓમાં હું લખતી કે દુનિયા રંગીન છે પણ તમારા વગરની આ દુનિયા મને એક અંધારી ખીણ લાગી રહી છે. ‘ભગવાનને વાત કરજો કે મને તરત ત્યાં બોલાવી લે’ એમ પણ હું તમને કહી શકું તેમ નથી. મને ખબર છે, તમે રહ્યા પ્રામાણિક. સૌરભને મેડીકલ કોલેજમાં એડમીશન મળી જાય એમ હતું જો તમે લાગવગ ચલાવી હોત તો. પણ તમે તો કહી દીધું, “કોલેજમાં એડમીશન માટે હું લાગવગ ચલાવવા ધારાસભ્યને મળવા જાઉં? ધારાસભ્ય મારા ભેગું ભણેલો છે એટલે હું ધારસભ્ય થકી સૌરભને કોલેજમાં એડમીશન અપાવું? મારી ઈમાનદારી અને સ્વમાનનું શું?”

લગ્ન પછી આપણા ઘર સુખ અને આનંદથી ભરેલું રહ્યું. તમે મને આજાદી આપી અને મેં મારી કલમને આજાદી આપી. મેં ઘણું લખ્યું. મારી દરેક નવલિકા અને નવલકથા તમે છપાય એ પહેલા વાંચતા. તમે એક કૃષિ-સંશોધક છતાં જાણે આર્ટસના સ્કોલર હો એમ મારી દરેક રચના વાંચતા. તમે ઘણીવાર મારી મજાક ઉડાવતા કહેતા, “ચારુ, તું આટલું બધું લખે છે પણ તે મને હજુ સુધી એક પ્રેમ-પત્ર નથી લખ્યો.”

હું કહેતી, “આ સરકારી ફાર્મ-હાઉસ જ તમારું ઘર અને કર્મ-સ્થળ છે. તમે મારાથી ક્યારેય એક દિવસ પણ દુર જતા નથી. હું તમને પ્રેમ-પત્રમાં શું લખું?” ત્યારે મને લાગતું કે વિયોગ વગર પ્રેમ-પત્રમાં શું લખવું? આજે મને ખાતરી થઇ ગઈ કે હું ત્યારે સાચી હતી. પ્રેમ-પત્ર લખવા માટે હ્રદયમાં વિરહની આગ હોવી જોઈએ. નામ ભલે પ્રેમ-પત્ર બાકી એમાં હોય છે વિરહનું દર્દ! તમારી એ ઈચ્છા હું પૂરી ન કરી શકી એટલે આજે આ પત્ર તમને લખી રહી છું. મારો પહેલો પ્રેમ-પત્ર.

તમને હસવું આવશે કે સૌરભ અને ચેતનાના બાળકો પણ હવે કોલેજ જતા થઇ ગયા છે. પ્રેમ-પત્રો લખવાની એમની ઉમર થઇ ગઈ ત્યારે હું તમને પ્રેમ-પત્ર લખું છું.

આપણી દોહિત્રી કાવ્યા તમારા ગયા પછી એકાદ મહિનો અહી રહી હતી. એ ઘણીવાર કહેતી કે તમારા જીવન કરતાં અમારું જીવન કેટલું સરળ છે! અમે જેને ચાહતા હોઈએ એને વોટ્સએપ, ફેસબુક કે સેલફોન દ્વારા તરત જ સંપર્ક કરી લઈએ. તમારા વખતમાં આવા કોઈ સાધનો હતા જ નહિ. ટેકનોલોજીની કમાલ અને ફાયદા. પણ આપણે જયારે યુવાનીમાં હતા ત્યારે આવી કોઈ ટેકનોલોજી હતી નહિ. આજે આ બધી ટેકનોલોજી છે પણ આપણે એક બીજાથી એટલા દુર છીએ કે આ ટેકનોલજી બિચારી વામણી પડે છે. તમારે ત્યાં ઉપર પણ કોઈ એવી ટેકનોલોજી નથી કે તમે મારી સાથે વાત કરી શકો?

કદાચ ટેકનોલોજી હશે તો પણ તમે વાપરી નહિ શકો? કી-પેડ મોબાઈલમાં જ તમે જીવન પૂરું કર્યું. સૌરભે બેંગ્લોરથી સ્ક્રીન ટચ ફોન મુક્યો હતો તમારા માટે પણ તમને એ માફક ન હતો આવ્યો. નવો નકોર એ મોંઘો ફોન મેં કાવ્યાને આપ્યો ત્યારે એ કેટલી ખુશ થઇ ગઈ હતી! એ બોલી હતી, “લવ યુ ગ્રાન્ડમા ફોર ગીફ્ટ.”

એ ધીમું પણ દિલથી બોલી હતી એટલે તમે ત્યાં બેઠા પણ સાંભળ્યું જ હશે. મને ખબર છે કોઈ દિલથી બોલે તો તમે સાંભળ્યા વગર રહો એવા નથી…!!

તમે એક કૃષિ-સંશોધક. તમે આટલી મોટી કક્ષાના વ્યક્તિ છતાં તમે મને કેમ પસંદ કરી એ પ્રશ્ન હું તમને ક્યારેય પૂછી શકી નહિ. હું મારી ડાયરી લખતી એ તમે એક દિવસ વાંચી ગયા અને તમને ખબર પડી ગઈ કે મારામાં એક લેખિકા છુપાયેલી છે. તમે મારામાંની એ લેખિકાને બહાર લાવી. ચારુ નામની એક છોકરીને તમે ચારુલતા નામની એક મોટી લેખિકા બનાવી દીધી. જયારે પણ મને કોઈ સાહિત્યનો પુરસ્કાર મળતો, તમે મને તમારી બાહોમાં ભરી લેતા. તમારા હ્રદયની સમીપ તમે મને લગાડતા એટલે મને પેલા પુરસ્કાર કરતા પણ કોઈ મોટો પુરસ્કાર મળ્યો હોય એટલી હું પુલકિત થઇ જતી!!!!! તમારો એ પ્રેમ અને પ્રેમ કરતા પણ પ્રેમ કરવાનું માધુર્ય હું કેમ ભૂલી શકું! અને એ પુલકિત પળોમાં મને એક પ્રશ્ન થતો: શું આ સુખ મને મારી લાયકાત કરતા વધુ નથી મળ્યું? તમે અને ભગવાન મારા પર વધુ મહેરબાન નથી થઇ ગયા? બાળપણમાં જ માતા-પિતાની છત્ર છાયા ગુમાવનાર હું મામાના ઘરે ગરીબીમાં મોટી થયેલી એટલે મને આવી શંકાઓ થતી.

દરેક સ્ત્રી લેખકની જેમ – પછી હું મારી જાતને લેખીકા માનવા લાગી હતી કેમ કે એવું કરવા તમે જ મને પ્રેરી હતી – હું પણ સંવેદનશીલ બની ગઈ હતી. મને નાનકડી અસફળતા મળતી તો પણ હું એ સહન કરી શકતી નહિ. તમને યાદ હશે, હું રાજકારણનો ભોગ બની અને મારી નવલકથા ‘એક સ્ત્રીના અભરખા’ વર્ષની શ્રેષ્ટ નવલકથાનો એવોર્ડ ચુકી ગઈ. એ એવોર્ડ ‘ના ધડ ના માથું” નવલકથા એટલા માટે લઇ ગઈ કે એની લેખિકા શિક્ષણમંત્રીની પુત્રીની નણંદ થતી હતી. ‘ના ધડ ના માથું’ નવલકથાને ધડ-માથું કઈ હતું નહિ. બે ત્રણ જુના લેખકોની નવલકથામાંથી બેઠા ઉતારા જ માર્યા હતા. એ દિવસે મારી આંખમાં આંસુ જોઇને તમે મને કહ્યું, “ચારુ, જે લાકડું પાણીમાં ઝડપથી તરે છે એ સડી પણ તરત જાય છે. એ બાવળનું લાકડું છે. હાલ પાણીમાં સૌથી ઉપર તરે છે પણ તરત સડી જશે. તું અસલી સાગનું લાકડું છે. વર્ષો પછી પણ એવીને એવી જ રહીશ.”

તમારા શબ્દોએ મને સાંત્વના અને બળ પૂરું પાડ્યું. સરકાર બદલાયા પછી એ લેખિકાના પુસ્તકો બજારમાંથી અદ્રશ્ય થઇ ગયા. મારા પુસ્તકો આજે પણ ઘરે ઘરે અને દરેક દુકાને જોવા મળે છે.

ચેતના અને સૌરભના જન્મ પછી આપણી ખુશીઓમાં કંઈ ઉણપ રહી હતી નહિ. બાળકોના ઉછેરમાં પણ તમે મને ક્યારેય એકલી હોવાનો અહેસાસ થવા દીધો નહિ. આજ તમારી સમક્ષ એક વાતનો સ્વીકાર કરતાં મને કોઈ શરમ જેવું લાગતું નથી. તમે ભલે મારા પર હસો. મને ક્યારેય લાગ્યું ન હતું કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આપણે એક બીજાને પતિ-પત્ની અને સાથે સાથે પરસ્પર સારા મિત્રો ગણતા હતા. તમારા ગયા પછી એક દિવસ કાવ્યાએ પૂછ્યું, “ગ્રેની, તમે ગ્રાન્ડપાને લવ કરતા?” મારી જોડે કોઈ જવાબ હતો નહિ. મેં એને કહ્યું અમે એકબીજાને પ્રેમ કરતા હતા પણ શબ્દોમાં ક્યારેય વ્યક્ત કરતા ન હતા.

એક દિવસ તમારા ફોટા પર એક પીળું પતંગિયું આવીને બેઠું એ જોઇને કાવ્યા બોલેલી, “ગ્રેની, ગ્રાન્ડપા તમને મિસ કરી રહ્યા હશે….!” કાવ્યાએ કયાંક વાંચેલું કે જો કોઈ વ્યક્તિના ફોટો પર પીળું પતંગિયું આવીને બેસે તો સમજવું કે એ ફોટાવાળી વ્યક્તિ તમને મિસ કરી રહી છે.

મને તો તમને કહેતા પણ શરમ આવે છે પણ કાવ્યાએ મને મિસ, કિસ અને લવ જેવા શબ્દો શીખવાડ્યા. એ નવા જમાનાના પ્રેમ-પંખીડાંની વાતો કરતી મારી આગળ. એણીએ કહેલી બધી વાતો હું તમને ત્યાં આવીશ ત્યારે કહીશ. તમને સરકારી ટૂંકા પત્રો જ વાંચવાની આદત છે એટલે આ પત્ર જરા લાંબો લાગે તો મને માફ કરજો. આ પત્ર તમારા સુધી કોના મારફતે પહોચાડું? મારો પ્રથમ પત્ર હું જાતે જ ત્યાં આવીશ ત્યારે સાથે લઈને આવીશ.

મેં હજારો લવ સ્ટોરી લખીને કેટલાય વાંચકોને રડાવ્યા છે – હસાવ્યા છે. કેટલાય કઠોર હ્રદયના માણસોને પ્રેમ કરતા કરી મુક્યા છે! પણ આજે પહેલીવાર તમને આ પત્ર લખું છું.

જય શ્રી કૃષ્ણ.

પાનખરના પાન જેમ ખરી પડવાની રાહ જોતી…..

તમારી ચારુ…..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

2 Replies to “પ્રથમ પત્ર છેલ્લી વાર”

Comment here