gujarati-varta-asamanjas-by-vicky-trivedi

અસમંજસ

“શોભા બેટા તે કોલેજ કરી છે, ભણી છે એ સાવ સાચું પણ ઘર સારું છે બેટા એટલે અમે કહીએ છીએ કે હા પાડી દે.” મમ્મી મને સમજાવવા આવી.

“પણ બા તને ખબર છે ને એ ભણેલા નથી.” મેં દલીલ કરી કેમ કે મેં નેવુંના દાયકામાં ઘરે બળવો કરીને કોલેજ કરી હતી. મારી સાથે ભણતી બીજી છોકરીઓ ભાવના, ગીતા, સંગીતા, બિંદુ બધી તો દસ ભણીને ઘરકામમાં લાગી ગઈ હતી.

“પણ બેટા નિલેશ કુમાર સારા છે, ભણેલા નથી પણ ધંધો કરી જાણે છે. ઝવેરાતની મોટી દુકાન છે પછી તને વાંધો શુ છે ?”

મમ્મીની દલીલો સામે હું હારી ગઈ, મેં મન મનાવ્યું, કે મને એ સરળ માણસ ગમી ગયા હતા એ હું નક્કી ન કરી શકી અને આખરે મેં હા પાડી.

મારા લગન લેવાયા. સાવ સાદું ઘર હતું. સિમ્પલ લોકો. સાસુ પણ સીધા અને સરળ. કોઈ ટોણો મારવો કે અસલ સાસુના લ્હેકામાં બોલવું એમને આવડતું જ નહીં ! સસરા તો ભાગ્યે જ બોલતા એ પણ માત્ર ચા બનાવવાની હોય તો જ ! જેઠ જેઠાણી સુરત છોડીને મુંબઈમાં વસી ગયા હતા એટલે રહ્યા હું, મારા પતિ નિલેશ, સાસુ શુભદ્રા ને સસરા તારક સોની. નણંદ હતી જ નહીં. ન એકેય દેવર!

શરૂ શરૂમાં ઘર ખાલી ખાલી લાગતું. મારી બહેન રીટા, બે ભાઈ કૌમુદ ને દિવ્યાંગ, મારી મમ્મી, પપ્પા, કાકા ને કાકીથી ભર્યું ભર્યું રહેતું મારુ પિયર મને યાદ આવતું ને હું એકલી એકલી હિબકે ચડતી ! કેમ કે સાસુ સસરા કામ વગર બોલે નહિ ને નિલેશ વહેલા જાય દુકાને છેક રાત્રે અંધારું થયા પછી આવે ! મને કોલેજની ફ્રેન્ડ્સ યાદ આવે પણ મળવા જવાય નહિ.

પણ ધીમે ધીમે મેં એ બધું કોમ્પ્રમાઇઝ કરી લીધું. મેં મારી જાતને ઓછા બોલા સાસુ, સસરા ને કામમાં વ્યસ્ત પતિ સાથે જીવન જીવતા શીખી લીધું !

સાસુ જે ટકોર કરતા એ હું તરત સ્વીકારી લેતી. ક્યાં જવું, ક્યાં ન જવું, ક્યારે જવું, કોની સાથે જવું, કેવું પહેરવું કેવું ન પહેરવું એ બધા જ રીત રિવાજો મેં સાસુના કહ્યા મુજબ અપનાવી લીધા ! શરૂ શરૂમાં મને એ કથતું પણ પછી મને એની આદત પડી ગઈ !

લગ્નના બે વર્ષ પછી મને એક બેબી થઈ જેનું નામ રિદ્ધિ રાખ્યું. ને બે વર્ષ પછી એક બાબો થયો એનું નામ કનક રાખ્યું.

એ પછી તો મને પિયર જવાનો સમય જ ન મળતો. બે બાળકો ઉછેરવામાં ક્યારે સાત આઠ વર્ષ નીકળી ગયા એય ખબર ન રહી !

પિયરમાં નવરાત્રી સમયે અને જન્માષ્ટમી સમયે હું ગીતો ગાતી. સોસાયટીના ફંક્શન બધા હું જ ગોઠવતી ! કેમ કે એક હું જ વધુ ભણેલી હતી જે બધું જાણતી અને હિસાબ કરી શકતી !

મારી મમ્મીનો સુર લાજવાબ હતો ! મારો સુર એના જેવો નહોતો પણ ગરબામાં હું આગળ હતી ! માત્ર સોસાયટીના જ નહીં આજુ બાજુના લોકો પણ મારી પાસે શીખવા આવતા !

ત્યારે કોઈ કલાસ હતા નહિ એટલે છોકરીઓ ભેગી થતી. જેને સારું આવડતું હોય એની પાસે શીખી લેતી !

પણ લગન પછી એ બધું પહેલા ઓછું થયું અને પછી છોકરાઓ ઉછેરવામાં સાવ બંધ જ થઈ ગયું ! સાસરમાં ઘરની થોડેક જ દૂર કોમન પ્લોટમાં ડીજેની ધૂન ઉપર ફાલ્ગુની પાઠકનો મીઠો સુર સંભળાય ત્યારે હૈયામાં પિયરે જવાનો હરખ ઉભરાઈ  આવતો !

બાલ્કનીમાં જઈને ઊંચી નીચી નજર કરી કોમન પ્લોટમાં ચાલતા ગરબાની રમઝટ જોઈ લેતી ત્યારે તો થતું કે આજનો ગરબો ગયો પણ બાકીના આઠ ગરબા તો પિયરમાં જવું જ છે !

પણ બાલ્કનીમાં આવતા હળવા ગરબાની પંક્તિઓના સુરમાં કનક ના રડવાનો અવાજ ભળતો કે તરત મારું માતૃ હૃદય બાલ્કની છોડીને ઘોડિયા તરફ દોડી જતું ! ને એ જ કારણે હું એકેય ગરબામાં પિયર ન જઇ શકી !

મને પિયર ન જઈ શકવાનો કદીયે જરાય અફસોસ થયો જ ન હતો કેમ કે હું શોભા નહોતી હું મા બની ગઈ હતી ! મા બન્યા પછી તો છોકરી મટીને સ્ત્રી થઈ જાય છે દરેક ! ને હું પણ એક જવાબદાર મા, પત્ની અને વધુ હતી ! મેં પતિ, સાસુ સસરા અને બાળકોને બરાબર ન્યાય આપ્યો હતો.

એ દિવસો મારા સુખના દિવસો હતા. એ પછી જેમ જેમ રિદ્ધિ અને કનક મોટા થતા ગયા તેમ તેમ અમારું ઘર બદલાતું ગયું ! જે સાસુ પોતાની વહુને એટલે કે મને ક્યારેક મીઠો તો ક્યારેક કડક ઠપકો આપતી એ મારા બાળકોને એક શબ્દ પણ કહી ન શકતી ! એ કઈ કેમ ન કહી શક્તી એ સમજવા મારે પણ એમની જેમ દાદી બનવું પડે તો જ સમજાય ! કેમ કે જ્યારે હું છોકરી હતી જ્યારે હું શોભા હતી ત્યારે હું મા એટલે શું એ પણ ક્યાં સમજી શકતી હતી ? મા બન્યા પછી જ હું એ સમજી હતી.

પણ પછી બધું બદલવા લાગ્યું. મેં વર્ષોથી સજાવેલું ઘર મારા બાળકોને જૂનું લાગવા માંડ્યું. રિદ્ધિએ તો એકવાર કહ્યું પણ ખરું… મોમ પ્લીઝ આટલા રૂપિયા છે એક નવું ઘર ન લઈ શકો તમે લોકો ? હું મારા ફ્રેન્ડ્સ ને ઇનવાઇટેશન નથી આપી શકતી આ ઘરને લીધે ! આ જુના ઘરને લીધે મારે બધી પાર્ટી જ બહાર કરવી પડે છે !

એ સમયે મને એ નાદાન લાગી. કેમ કે એ કોલેજના બીજા વર્ષમાં હતી. મને થતું કદાચ એના મિત્રોના ઘર નવા હશે, આધુનિક ફર્નિચર, મોટો ગાર્ડન વગેરે હશે ને અમારું ઘર પ્રમાણમાં નાનું હતું કેમ કે એ જમાનામાં તો એ ઘરની ફેશન હતી !

પણ રિદ્ધિના એ બહાના હતા ઘર બહાર પાર્ટી કરવાના કેમ કે એને એક પુરુષ મિત્ર હતો. જેને આ જમાનામાં બોય ફ્રેન્ડ એવી પદવી આપે છે. એક સમયે અમે સાત ફેરા લીધા પછી પણ શરમાતા ને આજે કોઈ સંબંધ વગર છોકરીઓ ‘હી ઇઝ માય બોય ફ્રેન્ડ!’ એવું બિન્દાસ્ત કહી દે છે !

મને રિદ્ધિની ખબર પડી. રિદ્ધિ એના બોય ફ્રેન્ડ ને મળવા માટે જ પાર્ટીઓ બહાર ગોઠવતી. અને એ દર વખતે એ જુના ઘર ઉપર નિશાન સાધતી !

હું પ્રેમ ની દુશ્મન નથી પણ  આજના જમાનામાં પતિ જ વિશ્વાસ લાયક નથી રહ્યા ત્યાં બોયફ્રેન્ડ શબ્દ નું શુ ગજું ?

પણ રિદ્ધિ રાત્રે મોડી આવતી ! મન ફાવે તેમ પાર્ટીમાં જતી ! કનક પણ કોલેજમાં આવ્યો ત્યારે એ જ કામે લાગ્યો હતો !

એ બધાની શરૂઆત ધીમે ધીમે થઈ હતી. મારી મમ્મીએ મોકલવેલી મીઠાઈ પહેલા કનક અને રિદ્ધિ હોંશે હોંશે ખાતા પણ પછી એ સ્વાદ પીઝા, બર્ગર, ને ખબર નહિ એવી કેટ કેટલી ચિઝો પાછળ સંતાઈ ગયો ! ને અંતે એક દિવસ એવો આવ્યો જ્યારે મારી મમ્મીએ પ્રેમથી ભરીને મુકેલો મીઠાઈનો ડબ્બો એમ ને એમ ખોલ્યા વગરનો પડ્યો રહેવા લાગ્યા !

મારા હાથનું જમવાનું….. કનક ને રિદ્ધિ સ્કૂલથી આવતા જ જમવા બેસી જતા…..

“મમ્મી બહુ ભૂખ લાગી છે જલ્દી આપ…..” કહી બંને જમવા બેસતા. બેમાંથી એક પણ બહારનું કઈ ખાતા નહિ કેમ કે ઘરનું સ્વચ્છ જમવાની આદત એમને હતી ! હું મારા પરિવાર સાથે સુખી હતી પણ સમય વીતતો ગયો ને બધું બદલાતું ગયું !

સુખ ગોળ જેવું ગળ્યું લાગે છે ને કદાચ એટલે જ્યાં સુખ હોય ત્યાં દુઃખ રૂપી કીડીઓ ગમે ત્યાંથી આવી જાય છે !

મારા હાથનું જમવાનું ધીમે ધીમે બંધ થવા લાગ્યું ! કોલેજથી આવીને રિદ્ધિ કે કનક એકેય જમતા નહિ ! ભાગ્યે જ એ જમતા ! જોકે હું રોજ એમને ભાવતું બનાવતી – પણ મને ખબર જ ન રહી કે ફ્રેન્ડ્સની પાર્ટી, કેફેટેરિયાની કોફી ચા ટોસ્ટ, કેન્ટીનના અવ નવા નાસ્તા કરતા કરતા મારા બાળકોની જીભ પરથી માએ બનાવેલ રોટલીનો સ્વાદ ક્યારે અદ્રશ્ય થઈ ગયો !

એમનો ભણવાનો સમય ક્યારે ફિલ્મો જોવામાં અને ફ્રેન્ડના બર્થ ડે મનાવવામાં વીતવા લાગ્યો એ બધું દેખતા દેખતા થઈ ગયું ! મારા હાથમાંથી બધું નીકળતું ગયું ને હું દેખતી રહી !

અંતે એક દિવસ એવો આવ્યો કે સાસુ સસરા ભગવાનને ઘરે ગયા. પતિ તો પહેલેથી જ ધંધામાં વ્યસ્ત હતા ને પછી ખિલખિલાટ કરતા મારા બાળકો પણ એમની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા ! મેં એમને પ્રેમથી સમજાવ્યા પણ ક્યારેય કડક થઈને વારયા નહિ કેમ કે હું એમને એમનું જીવન ઇન્જોય કરવા દેવા માંગતી હતી ! પણ એમાં હું સાવ એકલી થઈ ગઈ !

હવે તો પતિની તબિયત ઠીક ઠીક રહે છે એટલે રાત્રે એક જ ટાઈમ જમે છે. કનક ને રિદ્ધિ તો ક્યારેય સવારે ઘરે ક્યાં જમે જ છે ! ને એકલી હું રાંધીને પણ શું કરું ? એટલે હું ય સવારે જમવાનું બનાવતી જ નથી ! રાત્રે એક ટાઈમ જ મારા ઘરમાં ચૂલો સળગે છે !

સમય વીતતો નથી ત્યારે ક્યારેક ટીવી જોઉં, જુના હિન્દી ફિલ્મો જોઉં, પડોશમાં મારી ઉંમરની સ્ત્રીઓ જોડે થોડી વાતો કરી સમય વિતાવું છું ને ક્યારેક આવું લખું છું ! પણ એક સવાલ સદાય મને સતાવે છે ! હું ત્યારે મોડર્ન હતી, મારી મમ્મીને મેં નિલેશ જોડે લગન કરવાની પણ ના પાડી હતી છતાં મેં તો ત્યારે કોમ્પ્રમાઇઝ કરી લીધું ! હું સંસ્કારી હતી કે મમ્મીને પોતાની દીકરી એટલે કે મને સમજાવતા બરાબર આવડતું હતું ? એ મને સમજાતું નથી પણ નિલેશ જોડે લગ્ન કરીને મને સમજાયું કે બીજો કોઈ પતિ એમના જેવો સરળ ન જ હોત !

પણ તો પછી મારા બાળકો કેમ નથી સમજતા ? શુ મારી મમ્મીએ મને જે સંસ્કાર આપ્યા એ હું મારા બાળકોને ન આપી શકી ? મમ્મીએ મને જેમ સમજાવી એમ હું મારા બાળકોને સમજાવી શકતી નથી કે એ સમજવા તૈયાર નથી ? શુ મારી અંદર જ કોઈ ઉણપ છે કે પછી જનરેશન બદલાઈ ગઈ છે ? મને આ સવાલો ક્યારેય સમજાયા નથી કદાચ ક્યારેય સમજાશે પણ નહીં !
વિકી ત્રિવેદી ‘ધ અર્બન રાઈટર’

Comment here