gujarati-varta-apashukaniyal

અપશુકનિયાળ

રમણલાલ છેકથી મહેનતુ સ્વભાવના, બાળપણમાં ભણવામાં, અને યુવાની દરમિયાન વેપારમાં ક્યાંય એમણે ક્યારેય કચાશ ન રાખેલ.

બસ એમણે કર્મ અને ધર્મ એક કરી નાખ્યું હોય એમ પોતાના જીવનને પસાર કર્યું. એમની ધર્મપત્નિ સાવિત્રી પણ પતિની જેમ જ મહેનતુ, પતિને હંમેશા સાથ આપ્યો, જીવનમાં ગમે ત્યારે કોઈ પણ પળે રમણલાલનો સાથ આપનાર કોઈ ક હતું જ અને એ હતા સાવિત્રી!

પણ હવે ઉમર થઈ ગઈ હતી, રમણલાલે પોતાની જાત પાસેથી એટલું કામ લીધું હતું કે એ જરૂર કરતાં વધારે થાકી ગયું હતું. છેલ્લાં ચાર મહિનાથી સાવિત્રીબેન એમને લઇ હોસ્પિટલના ધક્કા ખાતા થઈ ગયા હતા.

આમતો એમને બે દીકરા હતા સુભાષ અને નીતિન પણ બંને બહાર રહેતા હતા, મોટો સુભાષ કોઈ કંપનીમાં હતો એ બેંગ્લોરમાં પોતાના પરિવાર સાથે કાયમી સ્થાયી થયો હતો, એની નોકરી જ એવી હતી કે વર્ષમાં માંડ એકાદવાર તે પરિવાર સાથે માતાપિતાને મળવા રાધનપુર આવી શકતો.

નાનો નીતિન જરાક વધુ માયાળુ હતો કે પછી એ નજીક હતો કેમ પણ વરસમાં બે વાર મળવા આવતો. એને અમદાવાદમાં પોતાની નીતિન ગ્લાસ હાઉસ કરીને દુકાન હતી. એ અને એની પત્ની નીધી અમદાવાદમાં ખુશી ખુશી જીવન વિતાવતા હતા.

પોતાનો ધંધો હતો એ એક સારી બાબત હતી પતિ પત્ની દિવાળી પર અને ઉનાળામાં એમ બે વાર રાધનપુર રમણલાલ અને સાવિત્રી બહેન સાથે રજાઓ માણી શકતા. બાકી સુભાષ જેમ પારકી નોકરી હોય તો વરસમાં એકાદ વખત આવી શકાય એય માંડ ચાર દિવસ માટે…
સાવિત્રી બહેન રાધનપુરમાં વખણાતા ડોકટર કિરીટ સામે ખુરશીમાં બેઠા હતા, ડોક્ટર કિરીટનું શહેરમાં નામ હતું, અને હોસ્પિટલ પણ ખાસ્સી એવી મોટી હતી, બહોળો સ્ટાફ અને આધુનિક મશીનો પછી શું જોવે???

“શુ વાત છે સાહેબ?” સવિતા બહેનના અવાજમાં થોડોક ડર હતો. એમને અંદર કેબીનમાં ડૉક્ટરે બોલાવ્યા એટલે એ સમજી ગયા કે કાંઈક ગરબડ જરૂર છે.

“કાંઈ ચિંતા કરવા જેવું નથી?”

“તો મને મને અહીં બોલાવો જ કેમ?” સવિતાબેન જાણતા હતા કે ડોકટર એમ કહે કે કાંઈ ચિંતા કરવા જેવું નથી, હકીકતમાં ત્યારેજ ચિંતા કરવા જેવું હોય છે.

“બધું ઠીક થઈ જશે.”

“શુ ઠીક થઈ જશે? એમને શુ થયું છે?” ડોકટરને આમ પાયો બાંધી વાત કરતા જોઈ સાવિત્રીના મગજમાં અમંગળ સંકેતો ઉદ્દભવવા માંડયા.

“બસ તમારે કિડનીની વ્યવસ્થા કરવી પડશે, બધું ઠીક થઈ જશે.”

ડોકટર કિડનીની વ્યવસ્થા કરવાની વાત એ રીતે કહી રહ્યો હતો જાણે એ કોઈ આસાનીથી મળી જતી વસ્તુ હોય!!! અને એ સમયે તો સાવિત્રીને પણ એમજ લાગ્યું.

“બસ ડોકટર એટલુંજ ને? એમને કાઈ નહિ થાયને?” કોણ જાણે કેમ ડોકટર ભગવાન નથી હોતો પણ આવે સમયે એ ભગવાન જેવો જ લાગે છે એના મોઢે કાઈ નહિ થાય એમ સામભળે પછી જ દર્દીના સગાને શાંતિ થાય છે.

“હા, કઈ નહિ થાય પણ કિડની એક અઠવાડિયામાં જ મળી જવી જોઈએ?”

“એનો વાંધો નથી સાહેબ, એમણે ખુબ મહેનત કરી છે જીવનભર, ઘણાયે રૂપિયા ભેગા કર્યા છે અમે જેટલો થશે એટલો ખર્ચ કરીશું.”

ડોકટર સમજી ગયો કે સાવિત્રીબેન કિડની પ્રત્યારોપણના નિયમોથી એકદમ અજાણ હતા. હોય જ ને બિચારા ગામડામાં મોટા થયેલ અને ભણેલ પણ કેટલું ત્રણ ધોરણ….

“એમાં રૂપિયા કામ નહીં કરી શકે, કિડની ખરીદી નથી શકાતી, એતો કોઈ નજીકના સગાએજ આપવી પડે, એમનો દીકરો, વહુ, દીકરી, ભત્રીજા કોઈ પણ નજીકના સગા આપી શકે.” ડોકટરે સમજાવતા કહ્યું.

“હું ન આપી શકું?” સાવિત્રીએ સવાલ કર્યો.

“તમે આપી શકો કાનૂની રીતે પણ ફિઝિકલ રીતે તમે એ તમારી ઉંમર ને લીધે આપી શકો તેમ નથી.”

“કાંઈ નહિ ડોકટર મારે બે દીકરા છે, બાપ માટે કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય તેવા છે, હું કિડનીની વ્યવસ્થા કરી લઈશ સાહેબ.”

“એ તમારો વિશ્વાસ છે પણ એકવાર બધું નક્કી કરી નાખજો ક્યાય ભરોસે ન રહી જાઓ.”  ડોકટરે ઘણા કિસ્સા જોયેલ હતા એટલે એમને ચેતવ્યા.

સાવિત્રી બહેન એમને કાઈ જવાબ આપ્યા વગર નીકળી ગયા, તેઓ કહેવાતો માંગતા હતા કે મારા દીકરાઓ પર મને વિશ્વાસ છે પણ કાઈ કહ્યું નહિ કેમકે એ સમજતા હતા કે ઘણા દીકરાઓ એવા હોય છે! ડોકટરે કાઈ ખોટો ન હતો.

તેઓ પતિને રિક્ષામાં ઘરે લાવ્યા અને દીકરાઓને સમાચાર મોકલાવ્યા કે તેઓ (રમણલાલ) બહુ બીમાર છે.

બંને દીકરાઓ પોતાની પત્ની અને બાળકો સાથે  રાધનપુર આવી પહોંચ્યા.
સાવિત્રીબેનનું હૃદય ખુશીથી ભરાઈ ગયું, વાહ દીકરાઓ બાપને કેટલું વ્હાલ કરે છે બીમાર છે સાભળતાજ પરિવારે સાથે આવી પહોંચ્યા હતા.

“મમ્મી ગીતા ન આવી?  નીતિને આવતાજ પૂછ્યું. એને નવાઈ લાગી કે બહેન આવ્યા સિવાય તો ન જ રહે.

“એનું શું કામ અહી? તને ખબર છે ને એ અપશુકનિયાળ છે, જન્મતા વેંત દાદીને ભરખી ગઈ હતી અને સાસરે ગઈ ત્યાં પતિને, એના જન્મના ગ્રહો જ ખરાબ હતા એનું શું કામ અહીં?” સાવિત્રીએ કહ્યું.

ગીતા નીતિનથી મોટી અને સુભાષથી નાની હતી, એ જન્મી એ મહીને જ કુદરતી રીતે જ એના દાદી મરી ગયેલ પણ ઓછા સમજુ સાવિત્રીબેન અને પરિવારે ગાંઠ વળી લીધી હતી કે આ ખરાબ ગ્રહમાં જન્મી એટલે આવું થયું.

કહે છે ને કે જેને પીળીયો થયો હોય એને પીળું જ  દેખાય…. તમારી આંખો એ જ જુવે છે જે તમે જોવા માંગતા હોવ…. પરિવારના બધાને એક પછી એક નાની મોટી દુર્ઘટનાઓમાં ગીતાના કિસ્મતનો જ વાંક દેખાવા લાગ્યો અને એક અબુધ શ્રધ્ધાળુ ઘરમાં ગીતા પોતાના જ પરિવારની અળખામણી બની ગઈ.

એમાંયે અધૂરામાં પૂરું, એના લગ્નના બીજે જ વર્ષે એનો પતિ સડક અકસ્માતમાં ચાલ્યો ગયો! ત્યારબાદ તો બધાને પાકકુ  થઈ ગયું કે એ અપશુકનિયાળ છે… જોકે એના સસરાપક્ષના લોકો એવું ન હતા માનતા… એ પોતાની ગીતા અને એના દીકરાને સારી રીતે રાખતા એટલે ગીતા ખાસ તો ક્યારેય રાધનપુર ન આવતી. પણ આ સમાચાર સાંભળ્યા પછીય ન આવે એવું ન બને???

“પણ મમ્મી તે કહ્યું કે પપ્પાની કીડની ખરાબ થઈ ગઈ છે, આવા પ્રસંગે તો એને બોલાવવીજ જોઈએને?” સુભાષે કહ્યું.

“કેમ એનું શું કામ? બસ તમે બે માંથી એક દીકરો કિડની આપો એટલે એ હતા એવા થઈ જશે?”

“મમ્મી તું પાગલ થઈ ગઈ છે, અમે કિડની કઈ રીતે આપી શકીએ?” બંને ભાઈઓ નવાઈ પામ્યા હોય એમ લાગતું હતું.

“કેમ?” સાવિત્રીબેનને એમનાથીયે વધુ નવાઈ લાગી.

“કેમકે મારે આખો દિવસ ઓફીસ કામ કરવાનું હોય છે, હું એક કિડની આપી દઉં ને પછી બીજીમાં કોઈ પ્રોબ્લેમ થાય તો?” સુભાષે પ્રશ્ન કર્યો.

“અને અમારે તો હજી બાળકોએ નથી મમ્મી, એ કીડની કઈ રીતે આપી શકે?” નીતિનની પત્નીએ નીતિનને બોલવાનો વારોય ન આપ્યો.

“તો કોણ આપશે?”  સાવિત્રી બહેન ફાટી આંખે દીકરા અને વહુઓને જોતા રહ્યા.

“પપ્પાએ એમની જિંદગી જીવી લીધી છે. તું નાહક ચિંતા ન કર.” સુભાષે  આગળ વધી કહ્યું.

“દરેક માણસને એક દિવસ તો મરવાનું જ હોય છે મમ્મી. કોઈ અમર નથી હોતું?” નીતિન નાનો હતો છતાં મોટી વાત કરવા આગળ આવી ગયો.

“તો તમે લોકો અહી આવ્યા કેમ છો?” સાવિત્રીબેનને હજી નવાઈ લાગી રહી હતી.

“હું કહું એ કેમ આવ્યા છે?” અંદરના રૂમમાંથી બહાર આવી રમણલાલે કહ્યું.

“કેમ?” સવિતાને નહોતું સમજાઈ રહ્યું કે એના પતિ શું કહેવા માંગે છે.

“એ પોતાના પરિવાર સાથે આવ્યા છે, હું મરુ ત્યારબાદ આ ઘર અને બેન્કના નાણાનો… ક્યાય ગણતરીમાં ભૂલ ન થાય કે કોઈ વધારે ઓછું ન લઇ જાય એટલે એમની હોશિયાર વહુઓનેય સાથે લઈને આવ્યા છે.” રમણલાલે થોડીક હાંફ સાથે કહ્યું.

“હા, તો પપ્પા એમાં ખોટું શું છે… બાપની મિલકત પર દીકરાઓનો જ હક હોય છે ને?” સુભાસે કહ્યું.

“અને ઓછુ વધારેની વાત નીકળી છે તો કહી દઉં કે મારો પતી માણસોની નોકરી કરે છે ને જે નજીક હતો એને લાખોના ખર્ચે ધંધો ચાલુ કરાવી આપ્યો છે તે હવે ફરીથી તો એવા ગાંડા ન થવાય ને??? દુર જઈને બેઠા એટલે અમે પારકા થઇ ગયા.” સુભાષની પત્નીએ પણ વરાળ કાઢી.

“જે બોલવું હોય એ ચોખ્ખુજ બોલોને… મારા પતિએ ખુદની મહેનતે દુકાન ઉભી કરી છે ને કઈ તમારા પતિને પણ ભણાવવામાં ખર્ચ કર્યો હશે, એમને એમ નોકરી નથી મળી.” નીતિનની પત્ની પણ ખુદ ને રોકી ન શકી.

“હવે મને જવા દો… બે  દિવસ રાહ જોઈ લો નાલાયકો.. પછી ઝઘડજોને ભાગ પાડજો…” રમણલાલે કહ્યું.

“આ તમે શું બોલો છો?” સાવિત્રીએ એમની નજીક જઈ કહ્યું.

“જે હકીકત છે તે … હવે ગીતાને ફોન કરી દે.. આ વખતે તો એની જરૂર છે?”

“કેમ?” સાવિત્રીને નવાઈ લાગી.

“એ આવે તો… એનો પગ થાય કે હુયે મા અને એના પતિની જેમ ઉકલી જાઉને.” એમણે કહ્યું, હજુયે તેઓ અંધવિશ્વાસનો આંધળો છેડો છોડી ન હતા શક્યા. ને આ બનવાતી સંત સાધુઓ ક્યાં માણસને ઓછા ભરમાવે છે તે એમ આસાનીથી છેડો છોડીએ શકે??

સાવિત્રીએ રડતા હ્રદયે ગીતાને ફોન કર્યો.

ગીતા પિતાજી ગંભીર છે એ સાંભળતાજ ગાંડાની જેમ ઘરથી નીકળી પડી, શાળા એ ગયેલા દીકરાને લઈ આવવાય ન રહી…

બસ સાસુને કહીને નીકળી ગઈ…. જૈનમ શાળાએથી આવે એને સાચવજો, મોડે સુધી રમવા ન જવા દેતા, નહિતર હું ઘરે નહી હોઉં તો એને ગામમાં શોધવા કોણ જશે?

રાધનપુરના ઘરમાં ગીતા પ્રવેશી, એ બધાના ચહેરા જોઈ સમજી ગઈ હતી કે કોઈ એને જોઈ ખુશ ન હતું, પણ એને કોઇથી કોઈ ફરિયાદ ન હતી, ન ભાઈથી, ન ભાભી થી, ન કોઈ બીજાથી, એના મનમાં બસ એકજ ફરિયાદ હતી મને જન્મ આપનાર મા જ જો મને અપશુકનિયાળ સમજતી હોય તો બીજાને કહેવુ જ શું? અને ખરેખરે હું અપશુકનિયાળ જ હોઈશ નહિતર શું કામ મા જ મને અપશુકનિયાળ માને? કઈ મા પોતાની દીકરીને અપશુકનિયાળ માને?

ગીતાને જયારે ખબર પડી કે કીડની માટે પિતાજી જીવ ગુમાવી રહ્યા છે તો એક પળનો પણ વિલંબ કર્યા વગર એણીએ પોતાની કીડની આપી દીધી. એ બધા માટે અપસુક્નીયાળ હતી પણ એને માટે….. એને માટે તો … તો પિતાજી પિતાજી જ હતા ને!!!

“દીકરા તને અમે ક્યારેય સારી રીતે ન હતી રાખી છતાં તે કીડની આપી?” ગીતા જયારે થોડક દિવસ પછી પોતાને ઘરે જઈ રહી હતી ત્યારે સાવિત્રીબેને કહ્યું.

“મમ્મી હું અપશુકનિયાળ તો છું કે નહી એ ખબર નહી પણ વિધવા છું અને એક વિધવા હોવાનું દુ:ખ જાણતી હોય એ દીકરી પોતાની મા ને વિધવા કઈ રીતે થવા દે!!!”

“તું અપશુકનિયાળ નથી.” કહી સાવિત્રીબેન એને ગળે વળગી રડવા લાગ્યા.

“ખબર છે મમ્મી પણ કાસ તમને વહેલી ખબર પડી હોત…”!!! ગીતાની પણ આંખમાંથી આંશુ વહી રહ્યા હતા.

સાવિત્રીબેન તો મોડા સમજ્યા પણ તમે કોઈ જો આવા  શુકન અપશુકન ના આંધળા વહેમમાં માનતા હોવ તો વહેલા સમજી જજો, જયારે ગ્રહો સારા ચાલતા હોય ત્યારે જ તો ભગવાન આપણા ઘરે એક દીકરી કે દીકરાને જન્મ આપે છે,  માટે એના જન્મ ના સમયે કયા ગ્રહો ચાલતા હતા એ જોવાની કોઈજ જરૂર નથી હોતી…… બસ ગ્રહો નો આભાર માનવાની જરૂર હોય છે!!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here