gujarati-varta-aniversary-gift

એનીવર્સરી ગીફ્ટ

આપણે એકમેક સાથે જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેવાના સોગન લઇ લઈએ અને ભલે તે સુખ હોય કે દુઃખ બંને એકબીજા સાથે વહેચીને જ જીવીએ! ભલે તે જીવનની આનંદ આપનાર પળ હોય કે આંસુ આપનાર એ આપણા બંને માટે લાગણીનો એક જ ઉભરો આપનારી બની રહે! આપણે જે કાઈ પણ અનુભવીએ તે એકસાથે અનુભવીએ અને એકબીજા માટે અનુભવીએ – પછી ભલે તે ગમે તેટલું ભારે દુઃખ કેમ ન હોય?

ઉર્મિલા 60 ઇંચના એલ.ઈ.ડી. ટીવી સામે સોફામાં બેઠી હતી. તે ટીવીને જોઈ રહી હતી પણ એનામાં શું ચાલી રહ્યું હતું તે તેને જાણે ખબર જ ન હતી! તેનું મન ક્યાંક બીજા જ ચિત્રો જોવામાં વ્યસ્ત હતું! તેના મનમાં કોઈ અલગ જ વિચારો ચાલી રહ્યા હતા. તે પોતાના ભૂતકાળમાં ખોવાયેલ હતી. તે પ્રથમ મેરેજ એનીવર્સરી પર પોતાના પતિને તેણીએ કહેલા શબ્દો યાદ કરી રહી હતી. આપણે જે કઈ જીવીએ એકબીજા સાથે જીવીએ અને એકબીજા માટે જીવીએ….!

ઉર્મિલાને યાદ હતું એ 28 જાન્યુઆરીનો દિવસ હતો. વરસો પહેલાની એક સુંદર સવારે બંનેએ એકબીજા સાથે સાત ફેરા લીધા હતા અને એકમેકને સાત વચનો આપ્યા હતા. હરેશે તેના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને તેને હંમેશને માટે પોતાની બનાવી લીધી કે પછી એ હંમેશના માટે તેનો બની ગયો હતો એ કહેવું મુશ્કેલ હતું કેમકે એ વિચારનારના દષ્ટિકોણ પર આધાર રાખે છે.

ઉર્મિલા અને હરેશ લગ્ન પહેલાથી જ એકબીજા સાથે પરિચિત હતા. હરેશ સોફ્ટવેર એન્જીનીયર હતો અને ઉર્મિલા એક વીમા કંપનીમાં એમ્પ્લોયી.. બંનેની પ્રથમ મુલાકાત હરેશ જયારે પોતાની કંપનીના કર્મચારીઓનો જીવન વીમો ઉતરાવવા ગયો ત્યારે થઇ હતી. હરેશે પોતાના માટે નહિ પણ અન્ય લોકો માટે વીમા પોલીસી લેતા પહેલા પણ જે જીણવટ ભરી તપાસ કરી હતી તેનાથી ઉર્મિલા ઈમ્પ્રેસ થઇ ગઈ હતી. તેને લાગ્યું કે હજુ પણ કોઈ એવો વ્યક્તિ હતો જે કોઈ અન્યના કામમાં પણ પોતાના કામ જેટલી જ ચીવટ લેતો હતો!

ત્યારબાદ ઓળખાણ વધતી ગઈ, એ પહેલી મુલાકાત બાદ કેટલીક વાર ફોન પર વાતચીત થઇ. એ વાતચીત દોસ્તીમાં પલટાઈ ગઈ અને દોસ્તી જોતજોતામાં પ્રેમમાં…!! બંને વચ્ચે પ્રેમની વસંત ક્યારે ખીલી ઉઠી બે માંથી એકેય ને જાણે ખયાલ જ રહ્યો નહી અને આખરે એ દિવસ આવી ગયો જે દિવસનું બંને એ સપનું જોયું હતું. બંનેના વિચારો એક બીજાથી ખુબ જ મળતા આવતા હતા અને તેમના વિચારો મુજબ લવ મરેજ કરવા કે ભાગીને લગન કરવા યોગ્ય ન હતું. બંને એ પોતપોતાના માતા પિતાને મનાવી લેવામાં સફળતા મેળવી અને આખરે એક દિવસ એવો આવ્યો કે બંને એ અગ્નિની સાક્ષીએ એકમેકને એકમેકના કરી નાખ્યા.

ઉર્મિલા પોતાની પહેલી મેરેજ એનીવર્સરી યાદ કરી રહી હતી. એ દિવસને હરેશે એકદમ સ્પેશીયીલ બનાવી નાખ્યો હતો. તેણે એમના રૂમને એમ સજાવ્યો હતો જાણે એ પોતે કોઈ ડેકોરેશન વિભાગમાં કામ કરતો વ્યક્તિ હોય! તેણે પુરા રૂમને રીબીનો અને ફૂલોમાં ફેરવી દીધો હતો. પુરા બેડને ગુલાબની પાંદડીઓથી ઢાંકી દીધો હતો અને જેટલા ભાગમાં એ ગુલાબની પાંદડીઓ ન હતી વેરી એ ભાગમાંથી બેડની સફેદ મેટ્રેસ દેખાઈ રહી હતી જે આઈ લવ યુ એમ કહી રહી હતી – ખરેખર તેણે કોઈ કુશળ કારીગરની જેમ એ બેડ સજાવ્યો હતો જેમાં સફેદ ચાદર ઉપર ફૂલોની એવી ગોઠવણ કરી જેમાં આઈ લવ યુ લખાયું હતું!

ભૂતકાળનું એ સંભારણું એટલા ચિંતાતુર મન સાથે લડી રહેલી ઉર્મિલાના હોઠ પર એક સ્મિત ફરકાવી ગયું. તે પોતાની ખુરસી પરથી ઉભી થઇ. એ જ રૂમમાં ગઈ જે રૂમમાં પચીસ વરસ પહેલા તેમણે પહેલી મેરેજ એનીવર્સરી મનાવી હતી….. ત્યારબાદ અન્ય ત્રેવીસ….. આજે તેમની પચ્ચીસમી મેરેજ એનીવર્સરી હતી.

તે રૂમમાં જઈ રૂમને સજાવવા લાગી. ફૂલો, રીબીન, ફુગ્ગાઓ કેટ કેટલી ચીજો લાવીને રાખી હતી ઉર્મિલાએ. પણ કોણ જાણે તેને એમ લાગી રહ્યું હતું કે કઈક ખૂટી રહ્યું હતું. છેલ્લા ચોવીસ વરસથી તેઓ એનીવર્સરી મનાવી રહ્યા હતા અને દરેક એનીવર્સરીના દિવસે ઉર્મિલાને લાગતું હતું કે કઈક ખૂટી રહ્યું છે.

તે પ્રથમ એનીવર્સરી પર હરેશે ચીજો કઈ રીતે ગોઠવી હતી તે યાદ કરવા લાગી… તેણીએ બેડને એ જ રીતે ગુલાબની પાંદડીઓથી સજાવી દીધો જે રીતે હરેશ સજાવવા માટે ટેવાયેલ હતો. રીબીનોને પણ સેમ એજ રીતે લગાવી દીધી જે રીતે હરેશ લગાવતો હતો. રૂમના દરેક ખૂણે અને બેડની કિનાર પર મીણબતીઓ પણ એજ રીતે ગોઠવી જેમ હરેશ ગોઠવતો. તે દરેક ચીજ સંભાળીને કરી રહી હતી જેથી ક્યાય ચૂક ન થાય. હરેશને ગમતું એ બધું એ કરતી રહેતી કેમ કે એ હરેશને ખુબ ચાહતી પણ એને હમેશા કઈક અધુરપ લાગતી. ક્યાંક એને થતું કે કઈક હરેશના પ્રેમમાં ખૂટે છે! જોકે એ ક્યારેય કહી ન શકતી…

તે બેડ પાસે ઉભી રહી ગઈ. જીવનમાં કઈક ખૂટી રહ્યું છે એમ તેને લાગી રહ્યું હતું. જીવન સંઘર્સથી ભરેલું હતું જયારે બંનેએ મેરેજ બાદ ઘર સંસારની શરૂઆત કરી ત્યારે રહેવા માટે પોતાનું નહિ પણ ભાડાનું મકાન હતું. કેટ કેટલી મહેનત કરી, બંનેએ તનતોડ મહેનત કરી, જીવનના અમુલ્ય સમયને નાણા પાછળ દોટ મુકીને વિતાવી નાખ્યો હતો. બંનેના વિચારો મળતા આવતા હતા એટલે કોઈ દિવસ કોઈ સમસ્યા ઉભી ન હતી થઇ. બંને માટે તેમનું કામ જ જાણે ભગવાન હતું અને એટલે જ તો પચાસની ઉમરે દીકરીને પરણાવી સાસરે મૂકી દીધી અને દીકરો પણ સોફ્ટવેર એન્જીનીયર બની ગયો હોવા છતાં બેમાંથી એકેય કામ કરવાનું બંધ ન હતું કર્યું.

ઉર્મિલાએ પોતાના મનને ફંફોસવા માંડ્યું. કદાચ તે યાદોને તાજી કરવાનો પ્રયાસ કરી રહી હતી પણ ક્યાં કોઈ આવી યાદો હતી જ ખાસ જે તેના હોઠને મલકાવી શકે? હરેશ જીવનભર સવારે વહેલો કામ પર નીકળતો અને બપોર બાદ પાછો આવતો જયારે પોતે અગિયારેક વાગ્યે વીમા ઓફીસ પહોચતી અને છેક સાંજે સાત વાગ્યે પાછી ફરી શકતી. બંનેને એકબીજા સાથે રહી વૃધ્ધાવાસ્થમાં હોઠ પર સ્મિત લાવી શકે તેવી યાદો ભેગી કરવાનો મોકો જ ક્યાં મળ્યો હતો?

સાચું કહેવા જઈએ તો બંનેએ એકબીજા સાથે જીવનની જે પળ માણવી જોઈએ એ માણીજ કયા હતી? બધું ભેગું કરી નાખ્યું હતું પણ યાદોનું શું?

ઉર્મિલા વ્યાસ તે બધું તો ભેગું કરી નાખ્યું પણ યાદોની મીઠી પળ ભેગી કરવામાં તું નિષ્ફળ રહી ગઈ. ઉર્મિલા પોતાની જાતને કહી રહી હતી.

એક યાદોની બાબતમાં તું ગરીબ રહી ગઈ……. તે બધું કર્યું. પચીસ વર્ષ બાળકો પાછળ પોતાની બધી જવાબદારી નિભાવી, પોતાના કેટલાય શોખ અધૂરા મૂકી દીધા, બાળકોને સંસ્કાર આપ્યા, વ્હાલથી ઉછેર્યા, એકલા હાથે સાજા માંદા બધું કામ કર્યું….. જવાબદારીઓમાં તું ખરી ઉતરી પણ આ વ્યસ્ત જીવનમાં હરેશ તને પુરતો ન્યાય ન આપી શક્યો…!!

એકાએક વાગેલ ડોરબેલના અવાજે ઉર્મિલાનું ધ્યાન વિચારોમાંથી બહાર લાવ્યું. ઉર્મિલાએ પોતાના આંસુ લુછયા. તેણીએ નક્કી કરી નાખ્યું કે તે નોકરીમાં રીજાઇન આપી દેશે અને બાકી બચેલ જીવન હરેશ સાથે મીઠી યાદો ભેગી કરવામાં વિતાવશે. કોને ખબર એ યાદોની જરૂર આવતા જન્મે પણ પડતી હશે તો? કોને ખબર લોકો જેને સ્વર્ગ કહે છે એ પેલી મીઠી યાદોનું જ બીજું નામ નહિ હોય?

હરેશ પણ એ જ ઈચ્છતો હતો. એ ઘણીવાર કહેતો પણ ખરો કે ઉર્મિલા મને કાઈ સમજાતું નથી કે તું હવે શા માટે કામ કરતી હશે? અને તે સમયે ઉર્મિલા પણ એને પૂછતી કે કેમ તમે કામ છોડી શકો તેમ છો?

હરેશ નીરુતર થઇ જતો.

“એ આવી.” કહી ઉર્મિલા દરવાજા તરફ જવા લાગી.

ઉર્મિલા દરવાજો ખોલી હરેશને અંદર તાણી લાવી. એ સીધી જ એને સજાવેલા રુમમાં લઇ ગઈ, પૂરો રૂમ રોશનીથી ઝળહળી થઈ રહ્યો હતો.

“ઉર્મિલા.” હરેશે મંદ અવાજે કહ્યું.

“શું એજ ને કે તમે મારા માટે એનીવર્સરી ગીફ્ટ લાવાવનું ભૂલી ગયા છો? કાઈ વાંધો નહિ હવે ઉમર થઇ ભૂલી જવાય છે એવું બહાનું બનાવી લેજો, હું એ બહાનું ચલાવી લઈશ, બસ.” ઉર્મિલાએ પણ મંદ સ્મિત સાથે કહ્યું.

“તને કેમ એવું લાગે છે કે હું ગીફ્ટ લાવવાનું ભૂલી ગયો છું?”

“કેમકે તમે આવ્યા ત્યારે જ મેં જોઈ લીધું હતું કે તમાર હાથ ખાલી હતા. પણ કાઈ વાંધો નહી આજે હું તમને ગીફ્ટ આપવાની છું…..”

“પણ હું ગીફ્ટ લાવ્યો છું….”

“શું ગીફ્ટ?” ઉર્મિલાએ નવાઈ પામતા કહ્યું. તેને હરેશ પાસે કોઈ ગીફ્ટ હોય તેમ લાગી ન હતું રહ્યું.

હરેશે પોતાના ખિસ્સામાંથી એક ફોલ્ડ કરેલ કાગળ બહાર કાઢી ઉર્મિલાના હાથમાં આપ્યો.

“તમે નોકરી છોડી દીધી?” ઉર્મિલાએ કાગળને અનફોલ્ડ કરી જોતા જ કહ્યું.

“હા, કેમકે મને લાગે છે કે મેં તને બધું જ આપ્યું છે પણ યાદો નથી આપી અને હવે સમય આવી ગયો છે કે આપણે જે પણ જીવીએ એકબીજા માટે જીવીએ…….”

“અને એકબીજા સાથે જીવીએ.” કહેતા ઉર્મિલા હરેશને ભેટી પડી, તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

“અરે હા તું શું ગીફ્ટ આપવાની હતી?” ઉર્મિલાને રડતી જોઈ મુદ્દો બદલવા માટે હરેશે કહ્યું.

“એજ જે તમે મને પહેલા આપી દીધી, હું પણ કામ છોડવાનું વિચારી રહી હતી.”

“ઉર્મિલા ભલે આપણી પાસે મીઠી યાદોનો ભંડાર નથી પણ આજની એનીવર્સરી પર આપણે એકબીજાને એ યાદો આપી છે જે યાદોના ભંડાર કરતા પણ મહામુલી છે.” કહેતા ફરી બંને એકબીજાના ગળે મળી રડવા લાગ્યા.

સાચે જ કદાચ તેમની એ એક યાદ પુરા યાદોના ભંડાર કરતા પણ આગળ હતી.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here