gujarati-story-smruti-patal

સ્મૃતિપટલ

સ્મિતા ટ્રેનમાં પોતાના બર્થ પર બેઠી હતી. તેણીએ માથું જરાક વિન્ડો રોડ પર ટેકવેલું હતું અને એ ટ્રેનની બહાર ટ્રેન જેટલી જ ઝડપે પાછળની તરફ દોડતા મકાનોને જોઈ રહી હતી. સ્મિતા માટે ટ્રેનની આ મુસાફરી કાઈ નવી ન હતી, એ દર ત્રીજે મહિને તો પોતાની મમ્મીને મળવા જતી જ જતી… આજ ટ્રેનમાં… એ જ સાત વીસની ત્રીજી લોકલમાં એ આજે પણ પોતાના ઘરે જઈ રહી હતી.

સ્મિતા આમ ખુશ જીવન જીવી હતી એમ કહીએ તોય ચાલે. હા, બાળપણમાં એક દુઃખ મળેલું પપ્પા એ આઠ વર્ષની હતી ત્યારે જ ચાલ્યા ગયેલ.  પણ એની મમ્મી જાનકીએ એના માટે મમ્મી અને પપ્પા બન્નેની જગ્યા લઇ લીધી હતી… ક્યારેય સ્મિતાને કઈ જ ઓછું આવવા દીધું ન હતું…

સ્મિતા માટે બાળપણથી જ એની દુનિયા એની મમ્મી હતી, બીજા કોઈ સાગા વ્હાલા તો હતા કે નહીં એ ખબર નહિ પણ જાનકી માટે ય જાણે એની દીકરી જ એની દુનિયા હતી! જ્યાં જાય ત્યાં દીકરીને સાથે જ લઈને જતી.

પણ દરેક છોકરી ની દુનિયા તો બદલવા માટે જ હોય છે, પછી ભલે એ દુનિયામાં એક એની મા જ હોય કે કોઈ મોટો પરિવાર!!!  સ્મિતા ના જીવનમાં પણ એ ઘડી આવી ગઈ. કોલેજના બીજા વર્ષમાં જ એને કોઈ મોહિત સાથે મિત્રતા થઈ ગઈ અને પોતાની જ નાનકડી દુનિયામાં જીવનાર સ્મિતા ક્યારે સપનાઓની વિશાળ દુનિયામાં ખોવાઈ ગઈ એને પોતાનેય ખબર ન પડી..

મોહિત પણ સ્મિતાની નાનકડી દુનિયાને પોતાના એકલવાયા જીવન સાથે જોડવાના સપના જોવા લાગ્યો અને એ દિવસ આવી ગયો જ્યારે મોહિતે સ્મિતા સામે પ્રસ્તાવ મુક્યો કે એ એનું બાકીનું જીવન સ્મિતા સાથે હસતા હસતા વિતાવવા માંગે છે.

સ્મિતા આમતો બહુ શરમાળ સ્વભાવની હતી પણ પોતે જેને સપનામાં રોજ મળતી એ મોહિતને એણીએ જવાબ આપી દીધો કે એય પોતાનું બાકીનું જીવન એને હસતો જોવામાં જ વીતાવવા માગે છે પણ… એ અટકી ગઈ હતી..

“શુ પણ? તને મારા પર વિશ્વાસ નથી કે  કઈ બીજી સમસ્યા છે?” મોહિતે જાણવાનો પ્રયાસ કર્યો.

“ના, એવું નથી પણ મારી જે નાનકડી દુનિયા છે એ મારી મમ્મીએ બનાવી છે, મને ભણાવી, ગણાવી મોટી કરી છે, હું એ દુનિયા છોડતા પહેલા એમની પરવાનગી લેવા માંગું છું.”

“તો એમાં શું છે હું મારા મમ્મી પપ્પાને તારા ઘરે મુકીશ, તને મારી દુનિયામાં લઇ જવાનો પ્રસ્તાવ મુકવા, હુયે તને એ દુનિયામાંથી બધાની મરજીથી આ દુનિયામાં લાવવા ઈચ્છું છું.” મોહિતે કહ્યું.

સ્મિતાને એ સમયે જ લાગ્યું હતું કે ખરેખર એણીએ મોહિતને પોતાની સપનાની દુનિયામાં લાવીને કોઈ ભૂલ તો નથી કરી. એ સાચું પણ નીકળ્યું, મોહિત એને એટલાજ પ્રેમથી રાખતો હતો જેટલો પ્રેમ મેળવવાનું સ્મિતાએ સપનું જોયું હતું! કદાચ ભગવાનનેય ખબર હતી કે સ્મિતાને કોઈ એની મમ્મી જેટલુ જ ચાહવાવાળું નહી મળી શક્યું તો એનું દિલ તૂટી જશે, અને એનું જીવન કોઈ પરી કહાની હોય એમ માત્ર અને માત્ર ખુશીઓથી ભરાયેલુ જ રહ્યું હતું.

પણ રંગ બે રંગી ભાત માયે કયાંક કાળું ટપકું તો હોય જ છે! એમ સ્મિતાના જીવનમાં પણ એક દુ:ખ નું કાળું ટપકું હતું.

ટ્રેને શહેર છોડી ડાબી તરફ વળાંક લીધો અને હવે નજર સામે દેખાતી એ બહુમાળી ઈમારતોની જગ્યા વ્રુક્ષોએ લઇ લીધી, ચારે તરફ બસ લીલી હરિયાળી છવાયેલી હતી અને પક્ષિઓ મધુર સ્વરમાં ગઈ રહ્યા હતા, એ મીઠા કલરવે સ્મિતાને મીઠી યાદોમાં ડુબાડી નાખી. એની આંખો સામે મમ્મી નો ચહેરો દર્ષ્ટિમાન થવા લાગ્યો.

મમ્મી એના માટે બધુ જ હતી, શાળાએ મુકવા આવનાર- મમ્મી, શાળા છૂટે ત્યારે દરવાજા બહાર રાહ જોઇને ઉભું રહેનાર- મમ્મી, ઉદાસ હોય ત્યારે હસાવનાર- મમ્મી, એ ઊંઘી ગયા પછી રાત્રે બે વાર એણીએ ઓઢ્યું છે કે નહી એ તપાસનાર- મમ્મી, સ્મિતાને બચપણમાં શરદી બહુ જલ્દી થઇ જતી એટલે મમ્મી એની ખુબ કાળજી રાખતી, રાત્રે ઉઠીને એને ઓઢાડતી પણ તોય ક્યારેક એ નઠારી શરદી લાગી જતી… અને એ સમયે એના માથા પર બામ ઘસનાર અને એના માટે તુલસી અને અરડુસીનો ઉકાળો બનાવનાર પણ – મમ્મી જ!!

બધા બાળકો જયારે રોડ પર ચાલે ત્યારે મમ્મી એમની આંગળી પકડી રાખે ક્યાંક ખોવાઈ ન જાય, એમને પોતાની તરફ ખેંચી, રાખે ક્યાંક રોડ તરફ ગાડીઓ ચાલે એ તરફ ન જતું રહે બાળક પણ સ્મિતા અલગ હતી….. સ્મિતાની મમ્મીને એવું કાઈ કરવાની જરૂર જ ન પડે… સ્મિતા ઘરથી નીકળે ને ઘરે પાછા આવે ત્યાં સુધી ક્યારેય મમ્મીની આંગળી છોડે જ નહી, મમ્મીને શું એને પોતાની તરફ સાચવી રાખવી પડે એ મમ્મીને એવી ચોટીને ચાલે કે જાણે  એ બંનેના શરીર એકબીજાથી જોડાયેલ હોય.!!

એ એકદમ નાની હતી ત્યારે તો મમ્મીને પુછ્તીયે ખરી કે મમ્મી તું તો પપ્પાની જેમ મને છોડીને નહી જાયને??? નવ વર્ષનીં હતી એટલું બધું સમજતી નહી એને એમ હતું કે મમ્મી પપ્પા બાળકોને પોતાની મરજીથી છોડીને જતા હશે.. એને ક્યાં ખબર હતી કે એ બુલાવો આવે ત્યારે ના નથી પાડી શકાતી!! પછી ભલેને ગમે તેટલી પરિવાર સાથે રહેવાની ચાહના હોય!!

મમ્મી કહેતી ના બેટા હું તને છોડીને ક્યારેય નહી જાઉં… હા તું જરૂર મને એક દિવસ છોડીને જઈશ… ને ત્યારે સ્મિતા નવાઈથી કહેતી કેમ??? હું તને છોડીને કેમ જાઉં??? ગાંડી છું આમ આખો દિવસ આંગળી પકડીને ફરું છું તે તું ક્યાય ખોવાઈ ન જાય અને હું જ તને છોડીને શું કામ જાઉં???

મમ્મીની આંખોમાં આંશુ આવી જતા એ નિર્દોષની નિર્દોષતા જોઈ! મમ્મીને સમજાતું કેમ બીજા બાળકોની જેમ સ્મિતા એકલા એકલા ચાલવાની જીદ નથી કરતી? એ કેમ મારાથી જરાયે દુર નથી જતી? એ કેમ રોડ પર ચાલતી વખતે મને ચોટેલી હોય એમ ચાલે છે!!!

સમય વહેતો ગયો અને સ્મિતાને સમજદાર બનાવતો ગયો….. એ જયારે બાર વર્ષની હતી અને મમ્મી સાથે જીદ કરીને દવાખાને ગઈ ત્યારે એ સમજતી થઇ ગઈ હતી કે લોકો પોતાની મરજીથી પોતાના બાળકોને છોડીને નથી જતા, એમને જવું પડે છે.

દવાખાનેથી બહાર નીકળી એણીએ પૂછેલું મમ્મી તને શું થાય છે? તું કેમ દવાખાને આવી હતી?? પણ મમ્મી બસ ખાસ કઈ નહિ કહી વાતને ટાળી દેતી… ક્યારેય જવાબ ન આપતી અને સ્મિતા હજુ એ સમજવા લાયક ન હતી થઇ કે એ હોસ્પીટલ કેન્સરના દર્દીઓ માટેની હતી અને મમ્મીને કેન્સર છે.

ટ્રેનમાં પાછળ કોઈના એકદમ ખાંસવાનો અવાજ સંભળાયો… સ્મિતાએ એ તરફ જોયું.. એક પિસ્તાળીસેક વરસની મહિલા ખાંસી રહી હતી… એના બાજુમાં બેઠેલ એનો પતિ છાપાને ગડી કર્યા વગર જ પડતું મૂકીને એને ખભાથી પકડી રાખી, એ સ્ત્રીએ ખાંસવાનું બંધ કર્યું અને એના પતી તરફ જોયુ.. એણીએ એના પતિને કશું કહ્યું નહિ પણ સ્મિતાએ વાંચ્યું કે એની આંખો એના પતિને આભાર કહી રહી હતી… જીવનભર મારી સાથે રહેવા બદલ અને મારી દરેક તકલીફમાં મને મદદ કરવા બદલ આભાર!! અને જાણે એ પુરુષની આંખો કહી રહી હતી એમાં આભાર માનવા જેવુ કશું છે જ નહી.. આપણે હમેશા એકબીજાનો સાથ આપવાનું એકબીજાને વચન આપ્યું છે હવે એમાં કોને પહેલા સાથની જરૂર પડે એતો નસીબ આધારિત છે.

સ્મિતા ફરી વિચારોમાં ખોવાઈ ગઈ… મમ્મીને સાથની જરૂર હતી… પપ્પના ગયા પછી ડગલે ને પગલે એમના સાથની જરૂર હતી… હું હતીને??? અને થયું પણ હું… હું શું કરી શકી હતી..??

ધીમે ધીમે બારીની બહાર ફરી મકાનો દેખાવા લાગ્યા… એજ પરિચિત મકાનો… પોતાના શહેરના મકાનો… એ શહેર જેમાં પગ મુકતા જ પચીસ વર્ષની સ્મિતા એજ આઠ વરસની સ્મિતા બની જતી.!!

સ્મિતા સ્ટેશને ઉતરી અને પોતાના ઘર તરફ ચાલવા લાગી…. એનું ઘર સ્ટેશનથી બહુ દુર ન હતું, એ ક્યારેય રીક્ષા ન લેતી, એને એ રસ્તા પર ચાલવાનું ગમતું જે રસ્તા પર એ મમ્મી સાથે ચાલી હતી..

એ પોતાના ઘર આગળ આવી ઉભી રહી.. એ જ ઘર.. એ જ તેની આગળ રહેલ બદામ નું ઝાડ…

એક આઠેક વર્ષની છોકરીને તેણીએ ત્યાં ઉભેલી જોઈ અને એક સ્ત્રી તેલના ખાલી થયેલ ડબ્બા પર ઉભી રહી બદામ તોડી રહી હતી પણ જેવી એ સ્ત્રીએ બદામ તોડી એ છોકરી તરફ જોયું એ છોકરી ત્યાં ન હતી…. સ્મિતાએ બદામ લેવા હાથ લંબાવ્યો પણ ત્યાતો એ સ્ત્રી જાણે હવામાંથી બનેલી હોય એમ હવામાં ઓગળી ગઈ..!!

એ હુજ હતી… એને યાદ આવ્યું…  મમ્મી સામે એ જીદ કરતી મને બદામ તોડી આપ અને મમ્મીથી ન પહોચાય તોયે એ ઘરમાંથી તેલનો ખાલી થયેલ ડબ્બો લઇ આવે, એના પર ઉભી રહી બદામ તોડીને આપે.

ભૂતકાળના એ સ્મરણનું વિસ્મરણ કરી એ દરવાજે પહોચી.. એણીએ તાળું ખોલ્યું… એ જ તાળું….. એને યાદ આવ્યું… મમ્મી એ તાળું ખોલતી અને પછી ચાવી એને આપી કહેતી મૂકી દે… મમ્મી એને હમેશા ચાવી આપતી મુકવા માટે… સ્મિતા પૂછતી કેમ મમ્મી તું નથી મુકતી..? મમ્મી કહેતી હું ભૂલી જાઉં છું… ત્યારે સ્મિતા તેના પર હસીને કહેતી મમ્મી તને ચાવી ક્યાં મૂકી એ યાદ નથી રહેતું તો શાળામાં જતી હોઈશ ત્યારે તને શું યાદ રહેતું હશે???

સ્મિતા ત્યારે ન સમજતી કે મમ્મીને કેમ કાઈ ખાસ યાદ નથી રહેતું પણ હવે એને ખબર હતી મમ્મી ઉદાસ રહેતી…. હમેશા ઉદાસ અને એટલે જ એ બધું ભૂલી જતી… બસ ક્યારેય એને ખબર ન પડવા દેતી કે એ ઉદાસ છે….

એ દરવાજો ખોલી અંદર ગઈ… એક એક યાદ તાજી થવા લાગી… મમ્મીની બીમારી વધી ગઈ…. પોતે એક મહિના માટે અહી આવીને રહી…. મમ્મી એ પલંગ પર સુઈ રહેતી… ખાંસતી… બોલતી વખતે હાંફતી…

મેં મમ્મીને કેટલું કહ્યું હતું કે અમારી સાથે આવી રહે પણ??? મમ્મી ન માની….. ના દીકરા હું તારું મહત્વ તારા સાસરિયમાં ઓછું કરાવવા નથી માગતી.

“પણ મોહિતે જ કહ્યું છે મમ્મી???”

“પોતાના દીકરાએ આવી પરિસ્થિતિમાં કંટાળી જાય છે તો એ પારકો પરિવાર…”

“પણ મમ્મી હું છું ને ત્યાં.. હું ક્યાં પારકી છું???”

“બેટા હું જીવનભર ક્યારેય કોઈના પર બોજ નથી બની….. મને મરતી વખતે પણ મારું એ સ્વમાન જાળવી રાખવા દે???”

મમ્મી એકની બે ન થઇ… આખરે સ્મિતા એની પાસે મહિનો રહી અને…. જે જીવલેણ બીમારી એની મ્મ્મીને લેવા આવી હતી એ એને લઈને ગઈ… પણ હવે સ્મિતા જાણતી હતી કોઈ પોતાની મરજીથી નથી જતું…. એ મમ્મીથી બીલકુલ નારાજ ન હતી…

સ્મિતાએ મમ્મીના ફોટા પર હાર ચડાવ્યો અને તેને પગે લાગી ત્યાર બાદ ઘરની થોડીક સાફ સફાઈ કરી અને ઘરની બહાર નીકળી, એજ મમ્મીની અદાથી તાળું બંધ કર્યું, બે વાર મમ્મીની જેમ જ તાળું બરાબર બંધ થયું છે કે નહી એ તપાસ્યું અને ચાલવા લાગી….. પાછી સ્ટેશન તરફ પણ એકલી નહિ એની આગળ એક આઠ વર્ષ ની છોકરી એની મમ્મીની આંગળી પકડી, એની સાથે હસતી, કુદતી વાતો કરતી જાઈ રહી હતી, અને એ સ્ત્રી એને સમજાવી રહી હતી કે રોડ પર કેમ ચાલવું ને શેનું ધ્યાન રાખવું…

સ્મિતા એમને જોતી એ નાની બાળકીએ જ્યાં પગ મુક્યા હતા ત્યાજ પોતાના પગ મુકતી… ભૂતકાળમાં પડેલ એ પગલાની છાપ શોધતી સ્ટેશન તરફ જવા લાગી….

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here