gujarati-story-malti-madhav

માલતી-માધવ

પ્રેમ એ શબ્દ બહુ અજીબ છે! સાચું કહું તો હું ક્યારેય એ શબ્દને સમજી જ નથી શક્યો. કદાચ કોઈ નથી સમજી શકતું અમુક સમય પછી એ સમજાય છે જયારે સમય વીતી ગયો હોય! ને રહી જાય છે માત્ર યાદ!

મારા માટે પ્રેમ શબ્દ બહુ જ મામુલી હતો. સાવ સામાન્ય ! મેં ક્યારેય એ શબ્દને ખાસ મહત્વ આપ્યું જ ન હતું અને કદાચ એના પાછળ મારા વિચારો જવાબદાર હતા.  હું અલગ છું એમ નથી કહેતો પણ અલગ હતો ખરા!

એ મારી યુવાનીના દિવસો હતા અને હું એવા પ્રેમની તલાશમાં હતો જે મારી સામે આવે અને એના પાસે આવતા જ હ્રદયના ધબકારા બંધ થઇ જાય પણ મને એ પ્રેમ ક્યારેય મળ્યો જ નહિ. એ ફિલ્મો જેમ મારી સામે કોઈ એવી છોકરી આવી જ નહી કે જેને જોતા જ હ્રદયના ધબકારા બંધ થઇ જાય! સમય થંભી જાય! પક્ષીઓ મેલોડીયસ ટોનમાં ગાવા લાગે! આખું આકાશ વાદળીને બદલે સુર્ખ લાલીમાં રંગાઈ જાય! ક્યાંક દુર બગીચામાં ફૂલો ખીલવા લાગે! એવું કઈ જ ન થયું.

મારા જીવનમાં એ પળ ક્યારેય આવી જ નહિ. જોકે સાવ એવું પણ ન હતું કે મને ક્યારેય પ્રેમ ન હતો મળ્યો, કોલેજકાળ દરમિયાન એક છોકરીએ મને પ્રપોઝ કરેલ! એણીએ પ્રપોઝ કર્યા પહેલાથી જ મને ખબર હતી કે એ મને ચાહતી હતી પણ હું જે ચાહતો હતો એ પ્રેમ એ ન હતો. હું એનો પ્રેમ સ્વીકારી ન શક્યો કેમકે મારે એ પ્રેમ જોઈતો હતો જે પાસે આવે તો હ્રદયના ધબકારા બંધ થઇ જાય, પક્ષીઓ મીઠા સ્વરમાં ગાવા લાગે…… વગેરે….. વગેરે….. વગેરે…

મેં ઘડિયાળ તરફ જોયું. એ 12:૩૦નો સમય બતાવી રહી હતી. હું એક કલાકથી રાહ જોઈ રહ્યો હતો. આખું સ્ટેશન ખાલી હતું. ક્યાંક મુંબઈ એકપ્રેસની કોઈ નિશાની સુદ્ધાં દેખાતી ન હતી. ખરેખર ટ્રેન 12 વાગ્યે આવી જવી જોઈએ પણ કોણ જાણે કેમ એ મોડી હતી.

હું થોડો પગ છૂટો કરવા જગ્યા પરથી ઉભો થયો. આમ તો મને કોઈ ઉતાવળ ન હતી ક્યાય પહોચવાની કેમકે હું મંજિલ વિનાનો મુસાફર હતો! જયારે કોલેજકાળમાં માલતીએ મારા પ્રત્યે પ્રેમની લાગણી બતાવી હતી હું એ લાગણીને સમજી ન શક્યો કેમકે મારે એવા પ્રેમની શોધ હતી કે જે પાસે આવતા જ હ્રદયના ધબકારા બંધ થઇ જાય. કદાચ હું પ્રેમ એટલે શું એ સમજી જ ન હતો શક્યો.

આજ સ્ટેશન પર અમે બધા મિત્રો ગ્રેજ્યુએશન પૂરું થતા જયારે માલતી હોસ્ટેલ છોડી જઇ રહી હતી ત્યારે એને વિદાય આપવા માટે આવ્યા હતા. વિદાય આપતી સમયે મારી આંખમાં આંસુ ન હતા પણ એની આંખના ખૂણા ભીના હતા. એ પણ મારાથી અજાણ્યું ન હતું છતાં મેં ધ્યાનમાં ન હતું લીધું કેમકે મને લાગતું હતું કે માલતી મારા જીવનનો એ પ્રેમ ન હતી જેને હું શોધી રહ્યો હતો. કદાચ યુવાનીના દિવસોમાં હું એમ સમજતો હતો કે મારા માટે કોઈ અપ્સરા જ હોવી જોઈએ જયારે માલતી તો સામાન્ય દેખાવવાળી એક સામાન્ય યુવતી હતી.

પણ એના એ પ્રેમને હું એની નજીક રહી સમજી ન શક્યો એ પ્રેમ મને એનાથી દુર થયા પછી સમજાયો, એના ગયા બાદ ધીમે ધીમે મને સમજાવા લાગ્યું કે માલતી જ મારો પ્રેમ હતી પણ એ સમજતા મને બહુ મોડું થઇ ગયું હતું. માલતી આ સ્ટેશનેથી વિદાય લઈને ગઈ એના પછી એકાદ વર્ષ જેટલો સમય હું અસમંજસમાં રહ્યો અને આખરે મારા મને નિર્ણય કર્યો કે મારે માલતીને મળવું જોઈએ પણ બહુ મોડું થઇ ગયું હતું. મેં માલતીને આ સ્ટેશન પર ખોઈ હતી, અમે એ જ સ્થળે છેલ્લીવાર ભેગા બેઠા હતા જ્યાં હું છેલ્લા એક કલાકથી બેઠો હતો. હા, ઘણું બધું બદલાઈ ગયું હતું. હવે એ સ્ટેશન પહેલા જેવું નાનકડું સ્ટેશન રહ્યું નથી. મોટું જંકશન બની ગયું હતું. ત્રીસ વરસનો સમય થઇ ગયો હતો શું નથી બદલાઈ જતું એટલા સમયમાં???

ઘણું બધું બદલાઈ જાય છે પણ મારા માટે કશું જ બદલાયું નહિ! હું હજુ એ જ હતો! એ સ્ટેશન પણ મારા માટે એ જ સ્થળ હતું જ્યાં મેં મારી માલતીને ખોઈ નાખી હતી. મને નફરત હતી એ સ્થળથી એટલે કાઈ કામ કે ઉતાવળ ન હોવા છતાં મને ત્યાં બેસવું પસંદ ન હતું.

હું ઉભો થઇ સ્ટેશન માસ્ટરની કેબીન તરફ ગયો. લગભગ જમવાની રીસેસનો સમય થઇ ગયો હતો પણ સદભાગ્યે સ્ટેશન માસ્ટર હજુ પોતાની કેબીનમાં જ હતા, કદાચ તેમને મોડા જમવાની આદત હશે.

“એક્સક્યુઝમી, સર શું તમે મને કહી શકશો કે મુંબઈ એક્સ્પ્રેશનું કરંટ સ્ટેટસ શું છે? સેડ્યુલ મુજબ તો એ બાર વાગ્યે અહીંથી ઉપડી જવી જોઈતી હતી પણ એ તો હજુ સુધી દેખાઈ પણ નથી?” મેં પૂછ પરછ કરી.

સ્ટેશન માસ્ટરે મારી તરફ ધ્યાનથી જોયું. કોણ જાણે એ મારામાં શું જોઈ રહ્યો હતો. કદાચ એ જાણતો હશે કે મેં અહી જીવનની અમુલ્ય વસ્તુ ખોઈ નાખી હતી. કદાચ તેને થતું હશે હું એ સ્ટેશનનો સૌથી કમભાગી પેસેન્જર હતો…!!

“એ ટ્રેન એકાદ-બે કલાક જેટલી મોડી પડશે. આગળ ટ્રેક પર અકસ્માત થઇ ગયો છે. તમારે વેઇટ કરવી પડશે સર. જો તમે ફર્સ્ટ કલાસના ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હો તો તમે ફર્સ્ટ કલાસ વેઈટીંગ રૂમમાં જઈ બેસી શકો છો નહીતર અહીથી સીધા જાવ અને ડાબી તરફ વળી જશો તો તમને કોમન વેઈટીંગ રૂમ દેખાશે.” સ્ટેશન માસ્ટરે ધીમા અવાજે કહ્યું.

“આભાર.” કહી હું પાછળ ફર્યો અને પ્લેટફોર્મના બીજી તરફના છેડા તરફ જવા લાગ્યો.

વિચિત્ર વાત હતી પણ એ દિવસે સ્ટેશન એકદમ ખાલી હતું. હું જરાક સમય આમ તેમ ફર્યો અને ત્યારબાદ કોમન વેઈટીંગ રૂમમાં જઈ બેઠો. બહાર લોકો ન હતા પણ વેઈટીંગ રૂમમાં માણસોની થોડીક ભીડ હતી. કદાચ લોકો ગરમીના દિવસો હતા એટલે વેઈટીંગ રૂમમાં પંખાની હવામાં બેસવાનું પસંદ કરતા હશે. કેટલાક નશીબદાર લોકો ફર્સ્ટ કલાસના એ.સી. વેઈટીંગ રૂમમાં બેઠા હશે. જોકે હું એ નાશીબદારો માનો એક ન હતો, અલબત હું નશીબદાર હતો જ નહિ..!!! કદાચ મને એ એ.સી. વેઈટીંગ રૂમમાં બેસાડવામાં આવે તો પણ એ સ્ટેશન મને ક્યારેય ઠંડક આપી શકે તેમ હતું જ નહિ કેમકે એ એ જ સ્થળ હતું જ્યાં મેં મારા સુખ ચેન ખોયા હતા. જ્યાં મેં માલતીને ખોઈ નાખવાની ભૂલ કરી હતી!

મેં એને શોધવાનો પ્રયાસ નથી કર્યો તેવું ન હતું પણ એ સમયે અત્યારની જેમ મોબાઈલ નહોતા. હું માત્ર તેનું સરનામું જાણતો હતો. હું એ શહેર જઈ આવ્યો હતો જયાની એ હતી પણ ત્યાં ગયા બાદ મને જાણવા મળ્યું કે કેટલાક સમય પહેલા જ એનો પરિવાર એ શહેર છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ પણ મેં એને શોધવાના ઘણા પ્રયાસો કર્યા હતા પણ મને એનું સરનામું કેમે કરતા મળ્યું ન હતું. એ મને શોધી શકે તેમ હતી, એ મારું નામ , શહેર, સરનામું જાણતી હતી પણ એ મને કેમ શોધે? એની પાસે મને શોધવાનું કોઈ કારણ મેં રાખ્યું જ ક્યાં હતું?

મેં ફરી મારી ઘડિયાળમાં જોયું. લગભગ બીજો પણ અડધો કલાક થઇ ગયો હતો. મેં મારી આસપાસ એક નજર કરી. મારી આસપાસના ટેબલ પર બેઠેલ માણસો પોત પોતામાં વ્યસ્ત હતા, કેટલાક મુસાફરી સમયે કંટાળો ન આવે તે માટે સાથે લઇ આવેલ પ્રેમ કહાનીના પુસ્તકના પાના ઉથલાવી રહ્યા હતા. મને ક્યારેય પુસ્તકોમાં રસ હતો જ નહિ. એમાંય ખાસ પ્રેમ કહાની તો નહિ જ, મારા માટે પ્રેમ શબ્દનું મહત્વ જ ક્યાં હતું? અને જયારે મને એ શબ્દનું મહત્વ સમજાયું ત્યારબાદ કોઈ પુસ્તક વાંચવાનો ફાયદો ન હતો કેમકે જે ભૂલો ન કરવી જોઈએ એ ભૂલો મેં કરી નાખી હતી પછી કોઈ પણ પુસ્તક વાંચવાથી મને કોઈ ફાયદો થાય તેમ હતો જ કયાં?

મારા આસપાસના કોઈ ટેબલ પર લગભગ જગ્યા ખાલી ન હતી. એકાએક મેં એક આધેડ વયની સ્ત્રીને વેઈટીંગ રૂમમાં દાખલ થતા જોઈ. તે મારી જેમ જ પચાસેક ઉપરની હોય તેમ લાગતું હતું. જોકે તે મારી જેમ મજબુત બાંધાની ન હતી, તેનો બાંધો પાતળો હતો અને તેના ચહેરા પર કરચલીઓ દેખાઈ રહી હતી. કદાચ મારા જેમ જ દુ:ખી વ્યક્તિ હશે એટલે ઉમરની માર વધુ દેખાઈ રહી હતી. એનું ડ્રેસિંગ મેનર પણ સારું અને એની ઉમરને શોભે તેવું હતું. તેણીએ વેઈટીંગ રૂમમાં ચારે તરફ એક નજર કરી અને પછી ક્યાય ખાલી સીટ ન દેખાતા, માત્ર ખાલી હોય તેવી એક સીટમાં ગોઠવાઈ, જે બરાબર મારી સામે હતી.

થોડાક સમય સુધી એ મને જોઈ રહી. મેં પણ એકાદ બે વાર તેની સામે જોયું. મને આમ તો અજાણ્યા માણસોથી વાત કરવાની આદત ન હતી પણ મને એમ લાગ્યું કે સામે સામે એકબીજા સાથે વાત કર્યા વિના બેસવું જરાક અઘરું હતું.

“તમે મુંબઈ જઈ રહ્યા છો?” મેં એક હળવા સ્મિત સાથે વાતની શરૂઆત કરી.

“ના, અને તમે?” એણીએ ટૂંકો જવાબ આપી સામો સવાલ ધરી દીધો. મને એનું વર્તન વિચિત્ર લાગ્યું કેમકે તેણીએ માત્ર ‘ના’ એટલો ટૂંકો જવાબ જ આપ્યો હતો અને તે ક્યાં જઈ રહી છે એ કહ્યા વિના જ હું ક્યાં જઈ રહ્યો છું એ પૂછી લીધું હતું.

“મુંબઈ જઈ રહ્યો છું.” મેં કહ્યું.

“હું કલકતા જઈ રહી છું…..” મારું વાક્ય પૂરું થયું કે તરત એ પણ હસીને બોલી.

“અહી, કોઈ ખાસ કામથી?” મેં પૂછ્યું.

“હા, એક મિત્રને મળવા આવી હતી.”

“શું એનાથી મુલાકાત થઇ?” મેં જાણવાની આતુરતા સાથે કહ્યું.

“ના, એ આજે જ નીકળી ગયો.”

“સોરી.” મેં કહ્યું.

“ઇટ્સ ઓકે.”

મને થયું કદાચ એ પણ મારી જેમ જ કમભાગી હતી જેને એનો મિત્ર એ મળવા આવી એ દિવસે જ ક્યાંક ચાલ્યો ગયો હતો.

“હું….” હું મારો પરિચય આપવા જતો હતો પણ ત્યાજ તે તેના હાથમાં રહેલ પુસ્તકો અને પોતાની બેગને સાચવવાનો પ્રયાસ કરતી ઉભી થઇ ગઈ, “મારી ટ્રેન આવી ગઈ છે. મારે જવું પડશે.”

“બાય.” મેં કહ્યું.

એના ગયા પછી હું ફરી વિચારોમાં ખોવાઈ ગયો, એ જ માલતીના વિચારો. લગભગ દસેક મિનીટ બાદ મારી ટ્રેન પણ આવી ગઈ. કદાચ એક્સીડેંટવાળી જગ્યા ક્લીન થઇ ગઈ હશે અને ટ્રેક ફરી ટ્રેન ચાલે તેવી બની ગઈ હશે.

મુંબઈ એક્સ્પ્રેશે આવતાની સાથે જ સીટી લગાવી. હું સમજી ગયો કે ટ્રેન અહી લેટ થઇ ગઈ છે એટલે હવે અહી પંદર મિનીટ રોકાવાને બદલે સીધી જ પેસેન્જર લઈને ઉપાડી જશે. હું મારા ટેબલ પરથી ઉભો થયો ત્યાં જ મારું ધ્યાન નીચે પડેલ એક ફોટા તરફ ગયું. મને થયું કદાચ એ મહિલાનો એ ફોટો હશે, એના પુસ્તકમાંથી નીકળીને પડી ગયો હશે. મેં એક નજર ટ્રેક તરફ કરી. કલકતા મેલ પણ ઉપડવાની તૈયારી આપતી છેલ્લી સીટી વગાડી રહી હતી.

એ સ્ત્રીને એનો ફોટો આપી દેવાની ઉતાવળમાં મેં નીચે નમી ફોટો હાથમાં લીધો અને દરવાજા તરફ જવા લાગ્યો. હું દરવાજા બહાર આવ્યો એટલામાં ટ્રેને ધીમી ગતી પકડી લીધી હતી. હું ટ્રેન તરફ દોડવા લાગ્યો પણ મારી ઉમર થઇ ચુકી હતી એટલે જાજું દોડવાને કાબિલ ન હતો રહ્યો. હું અધ વચ્ચે જ હાંફીને ઉભો રહી ગયો. આમ પણ દોડવાનો કોઈ અર્થ ન હતો ગાડીના વિલે સ્પીડ પકડી લીધી હતી. મારા માટે તો શું કોઈ જુવાનીયા માટે પણ હવે ત્યાં સુધી પહોચવું અશક્ય હતું.

કદાચ એ ફોટો એનો હશે જ નહિ એમ વિચારી મેં મન મનાવ્યું. મેં ફોટો કોનો છે એ ખાતરી કરવા ફોટાને ઉલટાવ્યો, હવે ફોટાનો સફેદને બદલે રંગીન ભાગ મારી આંખો તરફ હતો પણ મને એમ લાગ્યું જાણે મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો….!

એ મારો અને માલતીનો ફોટો હતો….. કોલેજમાં ખેચેલ વર્ષો જુનો ફોટો, એ મને શોધતી આટલા વર્ષો બાદ અહી આવી હતી પણ લોકોએ કહ્યું હશે કે હું આજે જ નીકળી ગયો છું કેમકે મેં આસપાસના લોકોને કહ્યું હતું કે હું મુંબઈ જઈ રહ્યો છું અને હવે કાયમ માટે ત્યાં જ રહીશ કેમકે મને એમ લાગતું હતું કે એ શહેર મારા માટે હતું જ નહિ.

મેં ઝડપથી દોડી જતી ટ્રેન તરફ જોયું, મને જીવનમાં જે જોઈતું હતું તે મળી ગયું. મને એ જડપી દોડતા ટ્રેનના વિલ ધીમા ફરતા હોય એમ સ્લો મોશન દેખાઈ રહ્યું હતું….. ટ્રેનના પૈડાનો કર્કશ અવાજ મને ગીટારના મધુર સુર જેવો લાગી રહ્યો હતો, અન્ય પ્રવાસીઓનો કલબલાટ મને પક્ષીઓના મધુર સ્વર જેવો લાગી રહ્યો હતો. મને એકાએક ધ્યાનમાં આવ્યું કે હું એ જ સ્થળે ઉભો હતો જ્યાં ઉભા રહી મેં ત્રીસ વર્ષ પહેલા માલતીને વિદાય આપી હતી.

ફરી એ સ્ટેશન માધવ પાસેથી માલતીને છીનવી ગયું. હું જમીન પર બેસી ગયો અને મને પ્રેમ શબ્દનો ખરો અર્થ સમજાઈ ગયો – પ્રેમ એ નથી કે કોઈ તમારી નજીક આવે ત્યારે તમારા ધબકારા બંધ થઇ જાય પણ પ્રેમ એ છે કે જયારે કોઈ તમારાથી દુર જાય અને તમાર હ્રદયના ધબકારા બંધ થઇ જાય. ધબકારા વિશે મારા વિચાર ખરા હતા પણ બસ થોડો ફેર હતો. હું એમ માનતો હતો કે પ્રેમમાં એ જયારે નજીક આવે ત્યારે ધબકારા બંધ થઇ જાય પણ વાસ્તવિકતા એમ હતી કે પ્રેમમાં જયારે એ દુર જાય છે ત્યારે ધબકારા બંધ થાય છે…… ને મારી આંખમાંથી આંસુ ખરવા લાગ્યા……

—– વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’—–

Comment here