gujarati-story-for-friendship

ફાફડા-જલેબી : તીખા મરચા મીઠા મિત્રો

“એ મનીયા, અલ્યા હેડ કે ભૈ બધા આવી ગયા છે.” ગોવિંદે બારણેથી બુમ મારી.

“પણ અંદર તો આય અલ્યા, મોઢું તો મીઠું કર.” મનુએ વળતા જવાબમાં કહ્યું.

નવા બુટ (સૂઝ) ઉતારીને ગોવિંદ આમ તેમ જોવા લાગ્યો. પછી બુટ હાથમાં પકડી ઘરમાં લાવીને ખૂણામાં મૂકી હાથ ખંખેરી દીધા.

“અલ્યા, બુટ જબરા લાવ્યો છે. ભૂંડા મને ન કે (મને કહ્યું કેમ નહિ?) હું ય એવા જ લાવોત.” મનુએ કહ્યું.

“હાચુકલા ગમ્યા કે પછી કુછ ભી?” ગોવિંદે પૂછ્યું.

“અલ્યા મને ન ગમે તો તો હું મોંઘી ગાડીનું ય ન પૂછું, ગમ્યા એટલે જ તો વાયડા તને પૂછ્યું.” મનુએ કહ્યું.

“હારુ પણ તે તો મારાથી મોંઘા જ લીધા હશે હો હવે રે’વાદે તું..” કહી ગોવિંદ અંદર આવ્યો એટલે એની નજર અચાનક મારા ઉપર પડી.

“અલ્યા ભરત, તું ક્યારે આયો?”

“બસ હમણાંજ તારી આગળ આગળ. અમે તારી જ વાટ દેખતા હતા.” મેં કહ્યું.

“લે હારુ, તો ચા પીધી કે ?” ગોવિંદે પૂછ્યું.

“અલ્યા, કવ તો છું કે તારી વાટ જોતા તા, મનીયા ની મમ્મી તો ક્યારના પૂછતાં’તા ચા બનાઉ ચા બનાઉ પણ તારા વગર કાઈ એકલા પીવાય ભૂંડા?” મેં કહ્યું.

“વાહ, આટલી ઈજ્જત મળે તો ચા ની જરૂર પણ ક્યાં છે યાર?” ગોવિંદે કહ્યું.

“મમ્મી ચા મુકજે જલ્દી, મોડું થાય છે.” મનુએ નવા કપડાં પહેરીને આવતા કહ્યું.

“ઓહો! હો! કપડાં તો દેખો હીરો લાગે છે ને.” ગોવિંદે કહ્યું.

“તો પછી! પસંદ કોની છે!” મેં કહ્યું.

“હા ભાઈ દર વખતની જેમ મને તો ભરતે જ કપડાં પસંદ કરી આપ્યા. આપડને આ બધી ખબર જ નથી પડતી. હું તો પહેરવાથી મતલબ રાખું!” મનુએ મને તાળી આપી.

“સરસ લ્યો.”

“ગોવિંદ બેટા ઘરે બધા મજામાં ને?” મનું ના મમ્મી ચા લઈ આવ્યા.

“હા માજી બધા મજામાં, તમે કયો તબિયત કેવી છે?”

“સારી હો બેટા.”

“એ હાલો, પેલા બધા વાટ દેખે છે.” મેં કહ્યું.

અમે બધા ચા પી ને નીકળ્યા. સીધા જ ગુપ્તાજી ને ત્યાં ગયા. ગુપ્તાજીને ત્યાં સુરેશ, અવી, કલ્પેશ ને રાહુલ બધા બેઠા જ હતા.

“અલ્યા આટલી બધી વાર તો ન હોય, ક્યારના તમારી રાહ જોઇને બેઠા છીએ!” કલ્પેશ ખિજાઈને બોલ્યો.

“ચાર કપ ચા ઠપકારી ગયા એમાં ને એમાં….. પેટમાં બિલાડા બોલે છે પણ તમે આવો તો ઓર્ડર આપીએ ને!” અવીએ કહ્યું.

“ગુપ્તાજી, ફાફડા, ગોટા, જલેબી આવવા દ્યો.” મેં ગુપ્તાજીને ઓર્ડર આપ્યો.

“અલગ અલગ ડિસમાં લાવું?” ગુપ્તાજીએ પૂછ્યું.

“શુ બાપુ તમેય, અલગ અલગ ખાવું હોત તો ભેળા શુ કામ થાઓત?” રાહુલે કહ્યું.

“તમ તમારે આવવા દો બીજું બધું અમે સેટિંગ કરી લઈશું.” ગોવિંદે કહ્યું.

ગુપ્તાજી બસ્સો ગ્રામ ગોટા, ત્રણસો ગ્રામ ફાફડા, પાંચસો ગ્રામ જલેબી લઈને આવ્યા એટલે મેં એક છાપાનું કાગળ ટેબલ ઉપર પથરી ગોટા ફાફડા ને જલેબી કાગળ ઉપર ગોઠવ્યા.

“ડુંગળી મરચા ક્યાં છે ગુપ્તાજી?” રાહુલે પૂછ્યું.

“આ રહ્યાને !” ગુપ્તાજીએ ચાર પાંચ મરચા ને બે ચાર ડુંગળીના ટુકડા તરફ આંગળી કરી.

“અરે આ તો અમારા માંથી એકનેય પુરા નઈ પડે.” રાહુલ હસ્યો.

“તો ભાઈ દેખો કાઉન્ટર ઉપર ડુંગળી પડી છે, બાજુમાં ચકકુ છે, ને ત્યાં થાળમાં તળેલા મરચા પડ્યા છે તમને ખપે એટલા લઈ લ્યો.” ગુપ્તાજીએ પણ હસીને કહ્યું.

“એ ભલે…..” કહી મનું કાઉન્ટર ઉપર ગયો. એક ડિસ ભરીને મરચા અને ડુંગળી લઈ આવ્યો.

પછી તો વાતોના તડાકા, એક બીજાના કપડાં અને બુટ વિશે, રાહુલે લાવેલ નવા બાઇકની અને બીજી હજારો વાતોમાં અમે ગુપ્તાજીના કાન ફોડતા રહ્યા અને ફાફડા ગોટા સાથે તીખા મરચા જાપટતા ગયા…..

“ના ના બીલ તો હું આપીશ…..” રાહુલે કહ્યું….

“હેલો ભાઈ બિલ…..”

મેં ઊંચી નજર કરી તો રેસ્ટોરન્ટનો માલીક મેં પીધેલી ચા નું બિલ માંગતો હતો. હું ચા પીતા પીતા ક્યારે ભૂતકાળમાં સરી પડ્યો એ જ મને યાદ નહોતું.

“એક ચા માં તમે કલાકથી ટેબલ રોકીને બેઠા છો યાર, જલ્દી કરો હવે.” રેસ્ટોરેન્ટનો માલીક મોઢું બગાડીને બોલ્યો એટલે મેં તરત બિલ હાથમાં લીધું. બીલમાં વીસ રૂપિયા લખેલા હતા.

ગુપ્તાજીની દુકાને અમે ત્રણ ત્રણ કલાક બેસતા, મજાક મસ્તી કરતા મરચા ડુંગળી માટે તો હેરાન કરી મુક્તા પણ ગુપ્તાજીએ ક્યારેય અમને ટેબલ ખાલી કરવાનું નહોતું કહ્યું!

પર્સ કાઢીને મેં સો ની નોટ એને આપી. “એમાંય પાછા છુટ્ટા આપવાના!” કહી એ કાઉન્ટર ઉપર ગયો. એની પાછળ હું પણ ગયો. મોઢું બગાડીને એણે મને એસી રૂપિયા પાછા આપ્યા. મને એનો એ ચહેરો જોવો ન ગમ્યો એટલે એસી રૂપિયા હાથમાં રાખીને જ હું કેન્ટીન બહાર નીકળી ગયો. બહાર જઈને પર્સમાં પૈસા મુકવા ગયો ત્યાં એક ફોટો દેખાયો.

પૈસા મૂકીને મેં એ ફોટો નીકળ્યો. ફોટામાં હું, રાહુલ, મનું, ભરત, કલ્પેશ, અવી, સુરેશ, ગોવિંદ બધા હતા.

એ દિવસે રાહુલે ગુપ્તાજીને ફાફડા જલેબીનું બિલ આપ્યું પછી અમે સ્ટુડિયોમાં જઈને ફોટા પડાવ્યા હતા. એ ફોટો મેં વતન છોડ્યા પછી મારા પર્સમાં જ રાખ્યો હતો. આજે એ ફોટો જોઈ મને યાદ આવે છે રાહુલ, મનું બધા સ્ટુડિયો માંથી કેમેરો લઈને વારા ફરતી એકબીજાના ફોટા પાડતા. કેટલો ઉમંગ હતો મિત્રોના ફોટા પાડવાનો? આજે મારા ખિસ્સામાં હાઈ પિક્સલ કેમેરા વાળો મોંઘો ફોન છે પણ ફોટો પાડવા વાળું કોઈ નથી! સેલ્ફીમાં ક્યાં મજા જ છે એવી! આજે મોઘા કપડા અને સૂઝ તો છે પણ રાજી થઈને પૂછનારું કોણ છે?

પર્સમાં ફોટો સરકાવી હું ઘર તરફ ચાલવા લાગ્યો! શહેરની ભીડમાં હજારો ચહેરા હસી હસીને એકબીજાને હેપ્પી ન્યુ યેર કહેતા હતા પણ એવી લાગણી મને એકેય ચહેરા ઉપર ન દેખાઇ જેવી અમે બધા એકબીજાને સાલ મુબારક કહેતા ત્યારે અમારા હ્ર્દયમાં હતી!!!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here