gujarati-short-story-niranjan-ek-smruti

નિરંજન – એક સ્મૃતિ

આજે ઉત્તરાયણ હતી. સવારે વહેલો પડોશીનો પુત્ર નિખિલ અવાજ કરવા લાગ્યો હતો. આવી ઠંડીમાં પણ બાળકોને કેટલો ઉત્સાહ હોય છે પતંગનો?

“કાપી….. લપેટ…..”

બાળકોના એ નિર્દોષ અવાજ તો આપણે બધાય ઉત્તરાયણના દિવસે સાંભળીએ જ છીએ. ચૌદ વર્ષનો નિખિલ કોઈની પતંગ કાપીને રાજી થઈ ગયો હતો એ તો સ્પષ્ટ પણે એના અવાજ ઉપરથી લાગતું હતું.

ઉત્તરાયણના અવાજનો બધાને અનુભવ હોય છે. બુમો બધા પાડતા હોય છે પણ બધાના ઈરાદા અલગ અલગ હોય છે. નાના બાળકો બસ પોતે કોઈની પતંગ કાપી શક્યો એનો રાજીપો દર્શાવવા બુમો પાડે છે. એમાંય જો પોતાના કરતા મોટી ઉંમરની વ્યક્તિની પતંગ કાપી હોય ત્યારે તો “કાકાની કપાઈ ગઈ……” અથવા ઘણીવાર તો નાના નાના બાળકો તો સમજ્યા વગર જ બોલતા હોય છે “કાકા લંબી ઢીલમાં ભિખારી થયા…..”

એ બોલતી વખતે શુ એ બાળકોના મનમાં કોઈ ખોટ હોય છે? ના મેં તો એવા ઘણા કાકા જોયા છે જે પતંગ માત્ર કપાવવા માટે જ ઉડાવે છે. યુવાનીયાઓ નાના બાળકોની પતંગ કાપી નાખતા હોય છે ત્યારે આવા કાકા પોતાની પતંગનો પેચ નાના બાળકોની પતંગ સાથે કરે છે અને પોતાની પતંગ કપાવવાનો ભારોભાર ઈરાદો રાખે છે. જ્યારે પોતાની પતંગ કપાય ત્યારે એક સુખદ લાગણી અનુભવે છે કે મારા લીધે પેલું બાળક ખુશ થયું છે…!!

નિખિલે પણ એવા જ કોઈ કાકાની પતંગ કાપી હશે અને એ રાજી થયો હશે એવો અંદાજ મને એના અવાજ એના ઉત્સાહ પરથી આવી ગયો. કુતુહલવશ હું છત પર જવા સીડીઓ ચડવા લાગ્યો. ઉત્તરાયણ છેકથી જ મારો ખૂબ મનપસંદ તહેવાર રહ્યો હતો.

હું છત પર પહોંચ્યો ત્યારે નિખિલ બાજુ વાળા ગિરધર કાકા સામે જોઇને દાંત કાઢતો હતો અને કાકા શાંતિથી એને ઓર પ્રોત્સાહિત કરવા કહેતા હતા “આ વખતે તો તારી પતંગ કાપીને જ રહીશ….”

અને જાણે નિખિલને ઓર જોમ ચડ્યું હોય એમ એ કૂદવા લાગ્યો. એની મમ્મી એની ફીરકી પકડી ઉભી હતી. આકાશમાં ચારે બાજુ રંગ બે રંગી પતંગો ઉડતી હતી.

અમારા બંનેના ધાબા વચ્ચે કઠેડો હતો ત્યાં મેં બેઠક જમાવી. એક પળ તો મનેય થયું કે નિખિલ જોડેથી દોરી લઈ એક પેચ હુંય લગાવી લઉં, હું ય પેલા કાકાની પતંગ કાપીને નાના નાના બાળકની જેમ નાચી ઉઠું ! પણ ત્યાં યાદ આવ્યું કે આ પતંગને હાથ ન લગાવવાના મેં સોગંધ લીધા છે. આજે મારી ઉંમર 36 ની છે આજથી બાવીસ વર્ષ પહેલાં મેં આ પતંગ દોરો અને ફીરકી ફેંકી દીધી હતી એ કેમ ભુલાય ?

કેટલો ભયાનક દિવસ હતો એ? આજેય મને યાદ આવે તો મારું રોમ રોમ કંપી ઉઠે છે…!!

એ સમયે અમે નવજીવન પાર્કમાં રહેતા. મારી ઉંમરના છોકરાઓની એક ટોળકી હતી. ટોળકીમાં આનંદ, હું, નિરંજન, યોગી અને ઊર્મિ…..

ઉત્તરાયણ અમારા બધાનો મનપસંદ તહેવાર હતો. અમે બધાય મધ્યમ વર્ગીય બાળકો હતા એટલે બપોર સુધીમાં તો અમારી પતંગ પુરી થઈ જતી. એ પછી એકાદ કલાક અમારે લૂંટવાનો સમય આવતો.

કલાકમાં અમે બધા માંડ દસેક પતંગ લૂંટી શકતા. પણ નિરંજન પાક્કો ખેલાડી હતો. એ પચાસ પતંગનો ઢગલો કરી નાખતો. કુદરતે એને પતંગ લૂંટવામાં હુંનર આપી હતી. મોટા મોટા છોકરા ઓ જે પતંગ પાછળ દોડતા હોય એ પતંગ પણ નિરંજન ઠાવકાઈથી લૂંટી લેતો.

આવો જ એક ઉત્તરાયણનો દિવસ હતો. બપોર સુધી અમે બધાએ પતંગ પુરી કરી લીધી. એ ઉત્તરાયણનો દિવસ જ મારા માટે સવારથી અશુભ હતો. સવારથી બધી પતંગો કપાવી જ હતી એકેય પતંગ હું કાપી શક્યો નહોતો. મારી ફીરકી પકડીને ઉભી ઊર્મિ પણ કંટાળી ગઈ હતી.

આનંદ એ દિવસે એના મામાના ઘરે પતંગ લઈને ગયો હતો એટલે મને એનીયે મદદ મળી નહિ.

બપોર સુધી બધી પતંગો હું વેડફી ચુક્યો હતો. દોરી ખરાબ નીકળી એ બાબતે હું એક ખૂણામાં જઈને બેસી ગયો. પતંગ પણ પુરી થઈ ગઈ, નિરંજન હોત તો એ લૂંટીને પણ લાવી આપોત પણ એય આનંદ સાથે બીજી સોસાયટીમાં ગયો હતો.

ઊર્મિ પણ કંટાળીને એના ઘરે ચાલી ગઈ. યોગી તો સવારથી જ ગાયબ હતો. હું એકલો રહ્યો, બધાની મસ્ત મજાની પતંગો હવામાં ઊંચી ઊંચી ઉડતા જોઈ ઉદાસ ચહેરો લઈ હું ખૂણામાં બેસી જ રહ્યો.

થોડીવાર પછી મેં નીચે જઈને એકાદ બે પતંગ લૂંટી લેવાનો પ્રયત્ન કર્યો પણ એમાંય હું ફાવ્યો નહિ. મોટા છોકરાએ ધક્કો દીધો કે પડ્યો સીધો ડામરના રોડ ઉપર ! ઢીંચણ છોલાવીને વીલા મોં એ પેલા લડધા જેવડાને પતંગ લઈ જતા જોઈ રહ્યો. એ છોકરો ગયો કે મેં ખિસ્સામાંથી ગુંદર પટ્ટી નીકાળી અને જ્યાં છોલાયું હતું ત્યાં લગાવી દીધી.

એ સમયે અમે એવું જ કરતા. ઉંટ વૈધુ કહો તોય ખરું…!!

હું પટ્ટી લગાવી રહ્યો હતો ત્યાં મારા કાને અવાજ પડ્યો, “અલ્યા શુ થયું?”

નિરંજનનો અવાજ સાંભળી હું ચોકયો, આ નિરંજન પાછો કેમ આવ્યો?

“તું? તું કેમ આવી ગયો?” મેં એને પૂછ્યું.

“લે?!! તો શું તને એકલો મૂકીને જાઉં? અર્ધો દી ત્યાં રહ્યો અર્ધો દી તારી પાસે પણ રહેવું પડે ને?”

કેટલો માયાળુ હતો નિરંજન ! મેં હસીને હાથ લાંબો કર્યો. નિરંજને મને ટેકો આપી ઉભો કર્યો. એ પછી એના જ ટેકે હું ઘર સુધી પહોંચ્યો. રસ્તામાં દોરી કાચી નીકળી છે, પતંગો પુરી થઈ ગઈ છે ને પેલો ધીરિયો મારી પતંગ કાપી ગયો લાંબી…. ને ચીસો પાડીને રાજી થયો એ અલગ…. એ બધી વાતો મેં એને કહી.. ને પછી નિરંજનનું મગજ ભમયુ..!

“હમણાં લાવું છું પતંગો, તું અહીં બેસ લ્યા ઘડીકમાં જો ઢગલો લઈને આવું પતંગનો પછી આપણે બેય ભાઈ હારે ઉડાવીએ પતંગ, ને પછી પાડીએ ચીસ….”

 

મને ઘરના ઓટલે બેસાડી નિરંજન પતંગ લૂંટવા ગયો…

 

લગભગ અર્ધો એક કલાક મેં રાહ જોઈ પણ નિરંજન આવ્યો નહિ. હમણાં આવશે, પતંગ લઈને આવશે, મારો ભાઈ બંધ મારા માટે બધું મૂકીને આવ્યો… મનોમન હરખાતો હું ઓટલે બેઠો હતો… પણ મને ક્યાં ખબર હતી કે નિરંજન સાથે ભૂંડું થવાનું છે…!! ખબર હોત તો એ દિવસે પતંગને જ દીવાસળી ન ચાંપી દોત…!!

એક કલાક થયો પણ નિરંજન આવ્યો જ નહીં. ન તો એની કોઈ બૂમ સંભળાઈ. આટલી વારમાં તો નિરંજન બે વાર પતંગોનો ઢગલો મને સોંપવા આવી જવો જોઈએ.. આ હજુ આવ્યો કેમ નહિ? હું લંગડાતા પગે એને શોધવા નીકળ્યો…

લગભગ બધી ગળીમાં, ગાયના મેદાનમાં અને કોમન પ્લોટમાં મેં એને શોધ્યો પણ મળ્યો નહિ. આખરે ઘરના પાછળના ભાગે ગયો જ્યાં ઘણા ખરા મકાનો બંધ પડ્યા હતા. ને ત્યાં જતા મને ધ્રાસકો પડ્યો…..

બોમ્બે ધંધા માટે ગયેલા રઘુવીર કાકાના બંધ ઘર આગળ ટોળું હતું… હું પગની પીડા ભૂલીને ટોળા તરફ દોડ્યો… ટોળામાં ઘૂસીને જોયું તો કહી ન શકાય એવું દ્રશ્ય હતું…. પલકારા વગર મારી આંખો જોતી રહી, ચીસ પાડવી હતી પણ અવાજ જાણે ગળામાં બરફ થઈને થીજી ગયો હતો… પગ ને હાથ લકવો મારી ગયા…… મારા જીવનનું ભયાનક દ્રશ્ય મેં જોયું….!!

અશોક કાકાના બે હાથમાં એમનો દીકરો નિરંજન તેડેલો હતો… એના માથામાંથી લોહી વહેતુ હતું…. ત્યાં અવાજ આવી…

“શુ થયું છોકરા ને?”

“ધાબા ઉપરથી પડી ગયો…”

“કોના રઘુ વાણીયાના ધાબેથી ?” કોઈએ સાવ નકામો સવાલ પૂછ્યો..

“ગાડી આવી ગઈ….” ટોળામાંથી એક યુવાન મોટા અવાજે બોલ્યો….

અશોક કાકા નિરંજનને લઈને ગાડી તરફ ભાગ્યા… મેં જે છેલ્લું દ્રશ્ય જોયું એ આજેય મારા રુવાડા ખડા કરી દે છે…. નિરંજનના માથા ઉપર અશોક કાકાએ રૂમાલ દબાવેલો હતો. અશોક કાકા સફેદ રૂમાલ રાખતા પણ એ દિવસે રૂમાલ લાલ હતો…. સોણિતથી ખરડાઈને…!! ગાડીમાં એને સુવડાવ્યો ત્યારે મેં એની ખુલ્લી આંખો જોઈ…

જાણે મને કહેતી હતી….. હું જાઉં છું દોસ્ત…..!!

ગાડી ઉપડી અને દવાખાના તરફ રવાના થઈ ગઈ પણ મારા પગ ધ્રુજતા હતા…. ક્યાંય સુધી હું ત્યાં ઉભો રહ્યો…. ઘરે વાત મળી હશે તે ઘરવાળા મને લેવા આવ્યા ત્યારે ઘરે ગયો…

રાત્રે મોડા સુધી મેં નિરંજનના વાવડ માટે રાહ જોઈ અને ક્યારે સુઈ ગયો એ ખબર ન રહી પણ મોડી રાત્રે એકાએક પાછળની ગલીમાંથી નિરંજનની મા નો રડવાનો અવાજ સંભળાયો ત્યારે ઘરના બધા જાગ્યા અને હું પણ જાગ્યો…..

નિરંજન નતો રહ્યો એ હું સમજી ગયો. કરુણ વિલાપ સાંભળી મારા ઘરવાળા નિરંજનની મા ને આશ્વાશન આપવા ગયા… આશ્વાશનથી દીકરો તો પાછો ન આવે પણ એટલું જરૂર થાય કે મારા દુઃખમાં ભાગીદાર થવા બીજાય છે ખરા..!!

એ પછી કઈ કેટલાય દિવસ જમતી વેળાએ મને નિરંજન દેખાતો…. ઘણીવાર મારા હાથમાંથી કોળિયો લેતો હોય, “લ્યા મનેય ખાવાદે કોઈ વાર તારી મા ના હાથનું…” કહી જે રીતે એ મારી એઠી થાળી લઈ લેતો એ દ્રશ્ય યાદ આવતા મારા ગળે એક કોળિયો ઉતરી શકતો નહિ…..

એવી હજારો બાબતોમાં મને નિરંજન દેખાતો, સાંભરતો…. અને હું એકલો એકલો રડ્યા કરતો… મારા લીધે આ બધું થયું એ બાબતે મેં મારી જાતને કઈ કેટલીયે પીડા આપી હશે પણ એ હકીકત સ્વીકારવી રહી કોઈના રડવાથી કે અફસોસ કરવાથી માણસ પાછુ આવી શકતું નથી… ઊર્મિ, આનંદ અને યોગી મને કેટલાય દિવસો સુધી સમજાવતા રહ્યા કે નસીબમાં હતું એ થયું એમાં તારો વાંક નથી રાકેશ… તું આમ રડીશ તો આપણા ભાઈબંધ ને દુખ થશે… તારા માટે જ તો એ દર વર્ષે એટલી પતંગ લુંટી લાવતો હવે તું રડીશ તો એને કેવું લાગશે?

 

ધીમે ધીમે સમય વીતતો ગયો અને હું નસીબ ઉપર બધું નાખીને મારુ મન મનાવતા શીખી ગયો….

જ્યારે જ્યારે નિરંજન યાદ આવતો હું મારા મનને કહેતો નિરંજન તો બહાર ગયો હતો એને એનું નસીબ જ ખેંચી લાવ્યું હશે! નહિતર એ શું કામ આવોત એકલો? એટલા વર્ષથી પતંગ લૂંટતો નિરંજન આમ એકાએક….. કઈ રીતે….? બસ હું એ કહી મન મનાવી લેતો……

બીજી બાબતોમાં તો મેં મન મનાવી લીધું પણ જ્યારે ઉત્તરાયણ આવી હું પતંગ ઉડાવવા ધાબા ઉપર ગયો ત્યારે મારે ફીરકી અને પતંગ ફેંકી દેવી પડી…!! હું પતંગ ન ચગાવી શક્યો….. એ દિવસથી મેં આજ સુધી પતંગ ઉડાવી નથી, ઉડાવી શક્યો નથી…. કાસ કે એ દિવસે મારી પતંગ પુરી ન થઈ હોત તો ન નિરંજન પતંગ લૂંટવા જાઓત ન એનું ભાગ્ય એને નડત અને ન હું બાવીસ વર્ષ નિરંજનની યાદમાં રડત….

આજે ફરી એક ઉત્તરાયણના દિવસે નિરંજન મને રડાવી ગયો….

 

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

 

નોધ : તહેવારો મનાવવા જરૂરી છે, એનો આનંદ લેવો જોઈએ પણ સાવધાની રાખવી જરૂરી છે, એક ભૂલ વર્ષો સુધી દુખ નું કારણ બની શકે છે….. ખાસ વાલીઓએ એક દિવસ પુરતું બધું કામ મુકીને ધાબા પર હાજર રહેવા વિનંતી…..

One Reply to “નિરંજન – એક સ્મૃતિ”

Comment here