gujarati-natak-robot

રોબોટ

દ્રશ્ય એક

(વર્ષ 2080માં શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીઓ ને ભણાવી રહ્યા હતા. વર્ગમાં મલ્ટીપ્લેક્સ થ્રિએટર જેવી આરામ ખુરશીઓ છે. વિદ્યાર્થીઓ પગ લાંબા કરીને ટેકો લઈને બેઠા છે. શિક્ષક ‘ લાગણી ‘ વિષય ઉપર ચર્ચા કરી રહ્યાં છે. શિક્ષકે લાગણી ઉપર પી.એચ.ડી. કરેલ છે)

શિક્ષક : જુના જમાના મા મનુષ્ય નામના પ્રાણીની અંદર
લાગણી હોતી.

રશ્મિ ( હાથ ઊંચો કરીને ) : સર લાગણી એટલે શું ?

શિક્ષક : લાગણી એટલે એક પ્રકારનો અનુભવ.

સ્મિત ( હાથ ઊંચો કરીને) : સર અનુભવ એટલે શું ?

શિક્ષક : અનુભવ એટલે તમારી સાથે એક વાર જે થયું હોય એ બીજી વાર થાય ત્યારે તમે એ વખતે અનુભવી કહેવાઓ.

પૂર્વી : સર તમે બે વર્ષ થી આ શાળામાં ભણાવો છો તો એ તમારા માટે અનુભવ કહેવાય ?

શિક્ષક ( ખુશ થઈને ) : સરસ બેટા.

( પેલી વિદ્યાર્થીની પણ શિક્ષકને એક સ્મિત આપે છે પણ માત્ર યંત્રની જેમ )

શિક્ષક : પણ લાગણી એક અલગ જ અનુભવ છે. મને ભણાવવાનો અનુભવ છે પણ એ લાગણી નથી.

જાનવી : તો કેવો અનુભવ ?

શિક્ષક : હમણાં પૂર્વીએ જવાબ આપ્યો ત્યારે હું હસ્યો એ તમે જોયું ?

જાનવી : હા સર.

શિક્ષક : એ હું હસ્યો નહોતો. પણ મારા ચહેરા ઉપર એ સ્મિત આપમેળે આવી ગયુ હતું. અને એ આપમેળે આવેલ સ્મિત એક લાગણી હતી.

જાનવી : તો સર લાગણીના અલગ અલગ નામ હોય ?

શિક્ષક : હા બેટા. લાગણીમાં પ્રેમ, ખુશી, દુઃખ, હસવું, રડવું એવા પ્રકાર હોય.

જાનવી : સર પ્રેમ એટલે શુ ?

( શિક્ષક માથું પકડીને ખુરશીમાં બેસી જાય છે. વિદ્યાર્થીઓ ને કાઈ સમજાતું નથી એટલે શિક્ષકને દેખી રહે છે. થોડી વાર પછી શિક્ષક ફરી ઉભા થાય છે)

શિક્ષક : તમારા કરતા આગળના વર્ષે વિદ્યાર્થોઓ હોશિયાર હતા. એ બધાને પ્રેમ, હસવું, રડવું એ બધી જ વ્યાખ્યા તરત આવડી ગઈ હતી.

જાનવી : એટલે દિવસે દિવસે બાળકો મૂર્ખ બને છે ?

શિક્ષક : ના બાળકો મશીન બને છે ધીમે ધીમે. પહેલાના લોકોને લાગણી , પ્રેમ એ બધું શીખવું નહોતું પડતું. એમની અંદર કુદરતી રીતે જ એ બધું ઇન્સ્ટોલ થઈ જતું.

જાનવી : તો અમે બધા આવા છીએ તો અમારા પછીની પેઢી કેવી હશે સર ?

શિક્ષક : મને પણ એનો જ ડર છે.

જાનવી : સર ડર એટલે શુ ?

( શિક્ષક ફરી માથું પકડીને ખુરશીમાં બેસી જાય છે.)

દ્રશ્ય 2

( શિક્ષક બાળકોને લઈને એક કોમ્પ્યુટર લેબમાં જાય છે. ત્યાં એક રોબોટ છે. એ રોબોટનો 100 વર્ષ જુના માણસના મગજ અને હૃદયનો અભ્યાસ કરીને વિજ્ઞાનિકોએ બનાવેલો છે. એની અંદર પ્રેમ, હસવું, રડવું, ખુશ થવું, દુઃખી થવું એવા બધા ફંક્શન ઇન્સ્ટોલ કરેલા છે.)

શિક્ષક : બાળકો તમને આ રોબોટ બધું શીખવશે.

( શિક્ષક રોબોટની છાતી ઉપર ગોઠવેલ કી બોર્ડ ઉપર ‘ laugh ‘ શબ્દ ટાઈપ કરે છે અને રોબોટ ખડખડાટ હસવા લાગે છે એ જોઈને બધા બાળકો પણ હસવા લાગે છે )

શિક્ષક : આ રોબોટને હસતો જોઈને તમે પણ હસવા લાગ્યા ને એટલે કે એ સમયે તમને આનંદ થયો કહેવાય. તો જાનવી તને હવે આંનદ ની ડેફીનેસન ( વ્યાખ્યા) આવડશે ?

જાનવી : હા સર જ્યારે આપણે હસીએ ત્યારે આપણને આનંદ થયો કહેવાય.

શિક્ષક : સરસ

( શિક્ષક ફરી રોબોટના કી બોર્ડમાં ‘ love ‘ શબ્દ ટાઈપ કરે છે. રોબોટ એના હાથ પહોળા કરીને શિક્ષકને ગળે લાગે છે )

શિક્ષક : બાળકો આને પ્રેમ કહેવાય. તો જાનવી હવે પ્રેમની વ્યાખ્યા આવડશે ?

જાનવી : હા સર ….. જ્યારે કોઈ આપણને પકડીને હલાવે તો એને પ્રેમ કહેવાય.

( શિક્ષક ફરી માથા ઉપર હાથ મૂકીને એક બીજો પ્રયત્ન કરે છે )

શિક્ષક : બાળકો હવે આપણે દુઃખ વિશે શીખશું….

જાનવી : સર દુઃખ એટલે શું ?

( શિક્ષકે હજુ કી બોર્ડમાં ‘ cry ‘ શબ્દ ટાઈપ કર્યો નહોતો છતાં રોબોટની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા.)

દ્રશ્ય 3

( શિક્ષક બાળકોને વર્ગમાં જવાનું કહીને સીધા જ આચાર્યની ઓફિસમાં જાય છે.)

શિક્ષક : સર હવે આ લાગણી વિષયમા આ વર્ષે બાળકો પાસ નહિ થાય.

આચાર્ય : કેમ ?

શિક્ષક : દર વર્ષે બાળકો મશીન બનતા જાય છે. હું દસ વર્ષથી શિક્ષક છું અને બે વર્ષથી આ શાળા મા છુ. સર પહેલા
તો બાળકો લાગણી વિષયને સમજતા હતા અને પરીક્ષામાં પણ સારા ગુણ મેળવતા હતા. પણ હવે તો
બાળકો સમજતા જ નથી.

( આચાર્ય ડોક હલાવીને સાંભળે છે)

શિક્ષક : સર આ વર્ષે તો બાળકો લાગણી વિષયમાં પાસ જ નઇ થાય. મા અને બહેનના પ્રેમના પ્રકરણો, ભાઈ અને
મિત્રની લાગણીના પ્રકરણો સમજાવવા તો દૂર પણ આ બાળકોને તો પ્રથમ પાઠની સામાન્ય પ્રેમ અને લાગણીની વ્યાખ્યા જ નથી આવડતી. અને હવે તો રોબોટ પણ બાળકોને શીખવી નથી શકતો.

આચાર્ય : લાગણી વિષય જ કાઢી નાખીએ આપણે.

શિક્ષક : તો આપણા પૂર્વજોનો વારસો કઈ રીતે સચવાશે સર ?

આચાર્ય : વારસો એટલે શું ?

( શિક્ષક ફરી માથું પકડે છે )

આચાર્ય : હવે તમારી આ શાળામા કોઈ જરૂર નથી તમે કાલથી ન આવતા. તમારો આ 15 દિવસનો પગાર તમને ઘરે પહોંચાડી દેવામાં આવશે.

શિક્ષક ( આંશુ સાથે ) : ઓકે સર.

આચાર્ય : અને હા તમે આ રોબોટ પાસેથી આ આંખમાં પાણી લાવતા કઈ રીતે શીખ્યા ?

( શિક્ષક ચૂપ રહે છે. એ ઓફીસ બહાર નીકળી જાય છે. લેબમાં જઇ અને રોબોટને લઈને શાળા બહાર નીકળે છે. 100 વર્ષ જુના માણસના મગજ અને હૃદયનો અભ્યાસ કરીને બનાવેલો એ રોબોટ શિક્ષકની આંખમાં આંસુ દેખે છે એટલે રોબોટ પોતાના હાથથી શિક્ષકના આંસુ લુછે છે. શિક્ષક રોબોટના ચહેરા તરફ દેખે છે કોઈ પણ શબ્દ કી બોર્ડમાં ટાઈપ કર્યા વગર જ એ રોબોટની આંખમાંથી આંસુ નીકળતા હતા…..)

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “રોબોટ”

Comment here