gujarati-love-story-manjil-vinana-musafar

મંજિલ વિનાના મુસાફર…!!

પપ્પા હું ડીમ્પલને ચાહું છું અને હું એની સાથે જ લગ્ન કરીશ.”  જયના અવાજમાં જરાક રોષ અને યુવાનીનું જોમ હતું.

“હું તારા પ્રેમના વિરોધમાં નથી, હું તારા શું દુનિયામાં કોઈના પ્રેમના વિરોધમાં નથી. હું હંમેશાથી પ્રેમ અને પ્રેમ કરનારાઓની તરફેણમાં રહ્યો છું.”

“હા, બસ એક મને છોડીને તમે દરેકની તરફેણમાં જ રહ્યા છો પપ્પા.” એ નારાજ થઇ બોલ્યો.

જયની ઉમર એકવીસેક વર્ષ હતી આજના જુવાનીયા કોઈ છોકરી સાથે ભાગી જતા હોય છે કોઈ બાપની પરમીશન લેતા નથી પણ મેં સિંચેલા સંસ્કારોને લીધે જય એવું કરી શક્યો ન હતો.

“બેટા જ્યાં સુધી ડિમ્પલના માતા-પિતા પરવાનગી ન આપે આ લગન શક્ય નથી.”

“કેમ નહિ પપ્પા? એ લોકો અમારા પ્રેમને ક્યારેય સમજી નહિ શકે.”

“તો ભૂલી જા એને કેમકે રાતના અંધકારમાં ભાગીને ગયેલ છોકરી માટે દિવસના અજવાળામાં જીવવું મુશ્કેલ બની જાય છે પ્રેમના સપના આંખોમાં ભરી ભાગનાર એ નિર્દોષને આ દુનિયા મરવા માટે મજબુર કરી નાખે છે.” મેં એને સમજાવવા પ્રયત્ન કર્યો.

“ભૂલી જાઉં? ડિમ્પલને ભૂલી જાઉં?? આ તમે કહો છો પપ્પા.. ? મને તો એમ હતું કે તમે મને સાથ આપશો.. અને જો એવુ જ હોય તો તમે મમ્મી સાથે ભાગીને લગન કેમ કર્યા હતા?”

“એ વાત અલગ હતી. જો મેં એવું ન કર્યું હોત તો આજે તારી મમ્મી દુ:ખી જીવન જીવી રહી હોત.”

“હા, તમારી વાત અલગ હતી… મમ્મી દુ:ખી જીવન જીવી હોત તો શું ડીમ્પલ મારા વિના સુખી જીવન જીવી શકશે?”

મને ખબર હતી પ્રેમ બગાવત શીખવે છે અને આમેય એનું લોહી જ એક બાગીનું હતું! હું હંમેસાથી રેબલ રહ્યો હતો, અને જય મારા પર જ ગયો હતો એમાં કોઈ બેમત ન હતો. જે રહસ્ય મેં વર્ષોથી હ્રદયમાં સંઘરી રાખ્યું હતું એ બહાર લાવ્યા વિના કોઈ છૂટકો ન હતો.

“તું સાંભળવા જ માંગે છે તો સાંભળ…..”

“તારી નાનીએ જ મને તારી મમ્મી સાથે ભાગીને લગન કરવા મજબુર કર્યો હતો.” મેં કહ્યું અને મેં એ આખી કહાની એની સમક્ષ રજુ કરી દીધી જે હું અને એની મમ્મી વર્ષો પહેલા ભૂલી ચુક્યા હતા.

રોજ સવાર થતી.  હું ચેતન દરેક સવારે વિચાર તો કે આ સવાર શું હોય છે? હું જીવન જીવી નહોતો રહ્યો બસ પસાર કરી રહ્યો હતો.

શું સુરજના ઉગવાથી અને ચારે બાજુ પ્રકાશ ફેલાઈ જવાથી સવાર થઇ જાય છે? ના, મને તો ક્યારેય એવું નહોતું લાગતું. મને નહોતું લાગતું હજુ મારા જીવનમાં સવાર થઇ હતી.

એ દિવસે હું રોજ મુજબ મેં નાહી ધોઈ સફેદ શર્ટ અને કાળું પાટલુન પહેરી મારી જાતને સવાર થઇ ગઈ છે એવા ભ્રમમાં તૈયાર કરી. ઘરને લોક લગાવી બહાર નીકળ્યો અને મારી સીટી હન્ડ્રેડના ઇગ્નીશનમાં ચાવી ભરાવી. બાઈક સેલ સ્ટાર્ટ ન હતું એટલે કિક મારવી પડી. તારી જેમ મારી પાસે એફ ઝેડ નું ઊંચું મોડલ ન હતું. શિયાળાનો સમય હતો એટલે બાઈક ઠરી ગયું હતું. ચોક આપી આઠ દસ કિક માર્યા બાદ માંડ એન્જીન ચાલુ થયું.

દિવાળીનો તહેવાર નજીક હતો એટલે સવારથી જ રસ્તા પર લોકોની ચહલ પહલ વધી ગઈ હતી. કેમ ન વધે??

પુરા દેશના લોકો હજારો વર્ષથી આ પર્વ ખુસી ખુસી મનાવે છે. હજારો વર્ષથી આ પર્વ આવે છે અને ચાલ્યું જાય છે. ક્યાંક ખુશી તો ક્યાંક ગમ- ક્યાંક હર્ષ તો ક્યાંક વિશાદ –ક્યાંક ઉમંગ અને ઉત્સાહ તો ક્યાંક વ્યથા અને પીડા!!! કોઈની આંખોમાં પાણી તો કોઈના હોઠો પર મુસકુરાહટ. ક્યાંક હસતી ખેલતી જીંદગી તો ક્યાંક સીસકતી મૌત.

મેં શહેરી જીવન અને ગ્રામ્ય જીવન બંને જોયા હતા. મેં જીવનમાં અનેક અનુભવો કર્યા હતા પણ આ ગામમાં આવ્યા બાદ મને એક અલગ અનુભવ થયો હતો-પ્રેમ.

મારા દિશા શૂન્ય જીવનમાં એ શબ્દ ક્યાય હતો જ નહી પણ એકાએક રૂપા મારા જીવનમાં એ શબ્દ લઈને આવી. કોણ જાણે કેમ પણ એ શબ્દ મારા જીવનમાં કેટલાય સપના લઈને આવ્યો.

હું રૂપાને મળવા જઈ રહ્યો હતો. આજે અમે છેલ્લીવાર એકબીજાને મળવાના હતા. ગઈ કાલે જ રૂપાનો ફોન આવ્યો હતો, હું રૂપાને મોટેભાગે રૂપ કહીને જ બોલાવતો. એણીએ એની કોઈ સહેલીના મોબાઈલ પરથી મને ફોન કર્યો હતો. એકાદ મહિના પહેલા જ એના માતા પિતાને અમારા પ્રેમ વિશે ખબર પડી હતી અને એમણે રૂપનું ઘર બહાર નીકળવાનું બંધ કરાવી નાખ્યું હતું. એના પાસેથી ફોન પણ લઈ લીધો હતો.

અમે બંને એ જાણે એમના જુલમો સામે જુકી જવાની તૈયારી કરી લીધી હોય એમ અમે છેલ્લા એક મહિનાથી એકબીજાથી દુર હતા. એક બીજાને મળ્યા ન હતા. એક બીજા સાથે ફોન પર વાત પણ નહોતી થઇ. પણ ગઈ કાલે રૂપાનો ફોન આવ્યા હતો એણીએ મને રામનગર શાળા પાસે મળવા બોલાવ્યો હતો.

કેમ?

કેમ એકાએક રૂપાએ મને મળવા બોલાવ્યો હશે?

હું વિચારોમાં વ્યસ્ત રામનગર પાટિયા પાસેથી પસાર થઇ એ શાળાએ પહોચ્યો. રવિવાર હતો એટલે શાળા આસપાસ કોઈ ચકલુયે દેખાતું ન હતું.

હું બાઈક સ્ટેન્ડ પર કરી ઉભો રહ્યો. રૂપાએ મને કેમ બોલાવ્યો હશે એ વિશે વિચારવા લાગ્યો. લગભગ દસેક મિનીટ રાહ જોયા બાદ મને એક ઓટો એ તરફ આવતી દેખાઈ. ઓટો શાળાના દરવાજા પાસે ઉભી રહી. એમાંથી રૂપ ઉતરી.

રૂપ દુલ્હનના લીબાઝમાં હતી. ઘેરી નશીલી આંખો, સુંદર ચહેરો જેના પર કોઈ અજીબ નુર હતું.. જેનાથી કોઈ પણ ઘર ચમકી ઉઠે એવા મહેદીથી શણગારેલા હાથ.. દુલ્હનનું જોડું એને વધુ સુંદર બનાવી રહ્યું હતું.

એ મારા તરફ હળવા ડગલા ભરતા આવવા લાગી. મેં એને આ લિબાસમાં જોવાના અનેક સપના જોયા હતા પણ એ સાચા થાય એમ ન હતા એટલે એમને મનમાંજ દફનાવી રાખ્યા હતા મેં એ સપનાઓને દિલ સુધી પહોચવા જ નહોતા દીધા.. હું જાણતો હતો એક વાર જે સપનું દિલ સુધી પહોચી જાય છે તેને દિલમાંથી નીકાળવું અશક્ય બની જાય છે. મનનું શું છે? એ તો રોજ હજારો સપના જુવે છે ને ભૂલી જાય છે પણ દિલ?? એને સપના ભૂલવાની આદત નથી હોતી.

“મને ખબર હતી તું આવીશ.” રૂપાએ મારી પાસે આવતા જ કહ્યું. મને એમ હતું કે કદાચ એ રોજની જેમ “પૂછશે કેમ છે ચેતન??”

“સુંદર લાગી રહી છે… ખાસ તારી મહેંદી.. એમાં તારા હાથ સ્વર્ગના સ્પર્શ સમા દેખાઈ રહ્યા છે.” મેં કહ્યું, એ સમયે મને જે યોગ્ય લાગ્યું એ જ મેં કહ્યું.

“આજે મારા લગન છે.” એણીએ કહ્યું. રોજ એની જે આંખો એને સુંદર બનાવતી એજ આંખો એ દિવસે એના ચહેરાને ફિક્કો બનાવી રહી હતી.

એને દુલ્હનના લીબાઝમાં જોઈ હું બધું સમજી ગયો હતો કે રૂપે મને કેમ ફોન કર્યો હશે. પણ છતાં જયારે એના મુખથી આજે મારા લગન છે એ શબ્દો મેં સાંભળ્યા હું એકદમ ભાંગી પડ્યો.

“શું નામ છે દુલ્હાનું?” મેં પૂછ્યું.

“ખબર નથી.. મેં નથી તો ક્યારેય એનાથી વાત કરી કે નથી એને જોયો. એને તો શું એનો ફોટો પણ મેં નથી જોયો.. અને જોવા પણ નથી માંગતી.. એને શું હું દુનિયામાં કોઈને જોવા નથી માંગતી.”

“મારો પણ એ હાલ છે રૂપ… એક મહિનાથી સવાર તો થાય છે પણ મને સુરજ નિસ્તેજ લાગે છે.. તારા વિના એકલો હસુ છું તો મને એ સ્મિત ફિક્કું લાગે છે. શું કરીએ કદાચ કિસ્મતમાં એ લખેલ હશે.”

“તું બધું કિસ્મત સામે ફરિયાદ નોધાવીને ભૂલી શકતો હોઈશ પણ હું નહી ભૂલી શકું ચેતન.. તારા સિવાય કોઈ તારી રૂપ સાથે સાત ફેરા નહિ લઈ શકે.. હું મારો જીવ આપી દઈશ પણ કોઈ અન્યને આ દિલ કે આ શરીર નહિ આપી શકું. હું ગળે ફાંસો લગાવી લઈશ કે ઝેર ઘોળી લઈશ.” રૂપાની આંખો ચૂવા લાગી.

“અને કોઈને એનાથી ફર્ક પડશે એમ તને લાગે છે? તને લાગે છે મહિનાથી ચાલતી આ ખેચતાણથી જે લોકોને ફર્ક પડ્યો છે એ લોકોને તારા જીવ આપી દેવાથી કાઈ ફર્ક પડશે. જે લોકો આપણને જીવતે જીવ નથી સમજી શક્યા એ લોકો આપણી લાશ જોયા બાદ વાસ્તવિકતા સમજશે?”

“એ લોકો ના સમજે તો શું દુનિયા તો સમજશે ને?”

“દુનિયા, સમાજ આ શબ્દો પર તને હજુ વિશ્વાસ છે…?? જે સમાજે બે દિલોને એક કરવાને બદલે એમને દુર કરવાની કોશિશ કરી છે જેમણે આપણા પ્રેમના આતિશને બુજવાવાને બદલે વધુ હવા આપવાની કોશિશ કરી. આપણા બંનેના પરિવારો વચ્ચે વર્ષોથી ખટક હતી પણ એ બાબતને ઠારવાની કોઈએ કોશિશ કેમ ન હતી કરી?”

“હું તને મરવાનું નથી કહી રહી બસ હું તને મારો આખરી નિર્ણય સંભળાવવા માંગતી હતી એટલે આખરી વાર તને મળવા આવી છું.” રૂપના અવાજમાં દઢતા હતી હું સમજી ગયો હતો કે એના મનનું સપનું એના દિલ સુધી પહોચી ગયું હતું હવે એ સપનું ત્યાંથી દુર કરવું મુશ્કેલ હતું.

છતાં મેં એક આખરી પ્રયાસ કરવાનું વિચાર્યું, “પણ મરવાથી શું મળશે એ લોકોની સહાનુભુતિ જે આપણી લાશની આસપાસ ભીડ જમા કરી તર્ક વિતર્ક લગાવતા હશે.”

“એ હું નથી જાણતી હું બસ એજ જાણું છું કે જ્યારે આપણા પોતાના લોકો જ બેજાન બની જાય.. જ્યારે સમાજ જ પ્રેમીઓના જીવનો ભૂખ્યો બની જાય… એવી અવસ્થામાં નીસહાય, નિરુપાય, અશકત પ્રેમી યુગલ બીજું કરી પણ શું શકે?? તુચ્છ માન મર્યાદાના ઢોગ, અને મર્યાદાના પ્રપંચો બે અબોધ બેગુનાહ જીવોને પોતાની રીતે  જીવન જીવવાનો અધિકાર ન આપે ત્યારે શું થાય? શું એક બીજાથી પ્રેમ કરવો એ ગુનો છે? હું જીવ આપી દઈશ પણ પ્રેમ મહોબતના અધિકારને છીનવાતો નહિ જોઈ શકું.”

રૂપાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું એના સવાલો પરથી સમજી ગયો હતો એના અંતરની આતિશ એટલી વધી ગઈ હતી કે હવે એ બુજાવવી મુશ્કેલ નહી અશક્ય બની ગયું હતું.

“હું તને મરતા નહિ જોઈ શકું રૂપ…”

“તો મારી પાસે બીજો રસ્તો પણ કયો છે? તું કહે મને.. મેં ઘરવાળાને મારા દિલની વાત સાફ સાફ કહી દીધી તો મને ઘરમાં ગોધી રાખવા માંડ્યા અને મારા લગન નક્કી કરી દીધા.. તું પુરુષ છો ચેતન તું એક મહિલા માટે પ્રેમ કરનાર વ્યક્તિને છોડી કોઈ અન્યની સાથે જીવન વિતાવવું કેટલું મુશ્કેલ છે એ નહી સમજી શકે. આપણો ગુનો શું છે? શું બે સામાજિક પ્રાણીઓ ભલે એ અલગ જાતી કે ધર્મના અંગો હોય અલગ સમુદાયના હોય એમને અલગ કરવાનો દુનિયાને અધિકાર મળી જાય છે?”

“ના, રૂપ ના… અહી લોકો અધિકાર અને નિયમો તરફ જુવે પણ ક્યા છે..??? તું નાદાન છે તું એ બધું નહિ સમજી શકે.”

“અને હું સમજવા માંગતી પણ નથી. ઈશ્વરે માનવ જાતી બનાવી છે દરેક માનવ કોઈ મા ને ખોળે જનમ લે છે દરેક વ્યક્તિ આ માટીનું જ સંતાન છે તો આ ભેદ ભાવ કેમ? કેમ દુનિયાને આપણો પ્રેમ મંજુર નથી?”

“એ બધું માત્ર આપણા માટે નથી હું તને તારા મા-બાપની મરજી વિરુધ્ધ ભગાડી ન શકું તને ખબર નથી પણ જ્યારે જાન તારા આંગણેથી પછી જશે એ ખાલી હાથ નહિ જાય તારા માતાપિતા અને એમની પેઢીઓથી ભેગી કરેલી ઈજ્જત આબરૂ માન મરતબો બધું લઈને જશે. એ લોકો જીવતે જીવ મરી જશે આપણા પવિત્ર પ્રેમને એવું લાંછન ન લગાવી શકાય રૂપા.” મેં એને ફરી વાર સમજાવી.

“બસ મારી મમ્મી સાથે એકવાર વાત કરી લે પછી તારી જે મરજી હોય તે કરજે. આમેય મેં તો જીવ આપવાનો ફેસલો કરી લીધો છે.” કહી રૂપાએ એની મમ્મી સાથે ફોન જોડ્યો.

“ચેતન.. બેટા મેં તને જોયો તો નથી પણ રૂપને મુખે તારા વિશે ઘણું સાંભળ્યું હતું પણ જ્યારે મને રૂપે કહ્યું કે તું એને અમારી મરજી વિરુધ્ધ ક્યારેય નહિ લઈ જાય ત્યારે મને સમજાયું કે તારા સંસ્કાર કેટલા ઊંચા છે. પણ દીકરા દુનિયામાં બધા તારા જેવા ઊંચા સંસ્કારના નથી હોતા… રૂપનો બાપ દારૂના અને જુગારને રવાડે ચડેલ માણસ છે મેં તો એની સાથે જેમ તેમ કરી જીવન પાર પડી નાખ્યું કેમકે હું પણ તારા જેમ એક સંસ્કારી ઘરની હતી પણ હવે એ હેવાન લાખોની લાલચમાં મારી રૂપને આધેડ વયના એક એના જેવા જ જુઆરી અને શરાબીના હાથમાં સોપવા માંગે છે. દીકરા હું તને નથી કહેતી કે તું તારા સંસ્કાર ભૂલી જા બસ હું તને એક જ સવાલ પૂછું છું કે શું મારા સંસ્કારોને લીધે મેં એક હેવાન સાથે એક દુ:ખી જીવન વિતાવ્યું – મેં બીજે ક્યાય સંસાર ન માંડ્યો મેં એક ભવના બે ભવ ન કર્યા કેમકે મારા સંસ્કારો એ મને રોકી હતી. શું તું એમ ઈચ્છે છે કે હવે મારી દીકરી પણ મારી જેમ જ એક દુ:ખી જીવન જીવે કેમકે તને તારા સંસ્કારો એક પગલું ભરતા રોકી રહ્યા છે?? બસ તારા સંસ્કારો એને જીવનભર દુઃખમાં છોડીને જવાની પરવાનગી આપતા હોય તો મેં રૂપ માટે ઝેરની વ્યવસ્થા કરી રાખી છે એને પછી મોકલી દેજે.. હું અને એ બંને પી લઈશું… આમેય મારે તો જાન આંગણેથી પાછી જાય તોય ઝેર ઘોળવાનું જ છે.” બસ એટલું કહી એમણે ફોન કાપી નાખ્યો. એ વધુ એક પણ શબ્દો ન બોલ્યા.

હું સમજી ચુક્યો હતો કે રૂપ કઈ પરિસ્થિતિમાં છે હું સમજી ગયો હતો કે મારા સંસ્કારો મુજબ મારે શું કરવું જોઈએ. હું સમજી ગયો હતો મારી પાસે એક જ રસ્તો બચ્યો હતો. હું બાઈક તરફ જવા લાગ્યો….

“ક્યા જાય છે મારી વાતને પૂરી સાંભળ્યા વગર જવાનો તને કોઈ હક નથી.. કે પછી તું પણ આ સમાજ જેવો જ છે?” રૂપના શબ્દોનો મેં કોઈ પ્રત્યુતર ન આપ્યો.

મેં એની વાતને સાંભળી જ ન હોય એમ બાઈક સ્ટાર્ટ કર્યું.

“રૂપ..બાઈક પર બેસી જા.” મેં કહ્યું.

મારા શબ્દો સાંભળી જાણે એનું રૂપ ખીલી ઉઠ્યું, એનો ઉદાસ ચહેરો ચમકવા લાગ્યો.  એ બાઈક પર બેઠી, એની આંખોમાં હર્ષના આંસુ હતા.

હું જાણતો હતો એનો અંજામ શું થશે છતાં મેં બાઈક શહેરની બહાર જવા હંકારી મુક્યું.. હું જાણતો હતો હવે શું થશે??? હું જાણતો હતો અમારે કેટલી તકલીફો ભોગવવી પડશે છતાં પણ મેં એ ડાસ્ટ્રીક પગલું ભર્યું કેમકે હું રૂપને કોઈ ઝાડની ડાળે લટકતી જોઈ શકું તેમ નહોતો. હું જાણતો હતો કે અહી જ આ દુનિયામાં બે દિલોને એક કરે એજ સાચો સંત સાચ્ચો પેગંબર છે… હું નથી માનતો કે મ્રત્યુ બાદ જન્નત મળે છે હું નથી માનતો કે મર્યા બાદ સ્વર્ગમાં જવાય છે હું માનું છું કે અહી ધરતી પર જ સ્વર્ગ છે અને એ હું જ્યાં સુધી રૂપ સાથે હોય ત્યાં સુધી જ એ સ્વર્ગ મારા માટે છે…. એ સ્વર્ગ ને મેળવવા હું ગમે તે નર્કમાંથી પણ પસાર થવા તૈયાર હતો.

અમે શહેરની બહાર નીકળ્યા…. હવે કઈ તરફ જવું એ મને સુજી ન હતું રહ્યું અને મેં સાંભળેલ એક જુના ગીતના શબ્દો મને યાદ આવ્યા.. જરા દેખ લે આકે પરવાને. તેરી કોનસી હે મંજિલ… કહી દીપ જલે કહી દિલ…!!!

“બસ પપ્પા બસ હું તમારી વાતને સમજી ચુક્યો છું, સારું થયું કે મને તમે એ સંસ્કારો આપ્યા જેના લીધે મેં ડીમ્પલ સાથે ભાગીને લગન કરતા પહેલા એકવાર તમારી પરવાનગી લેવાની જરૂરીયાત મહેસુસ કરી.. જો મેં તમને ન પૂછ્યું હોત તો મોટો અનર્થ થઈ જાત કેમ કે ડિમ્પલના મમ્મી કે પપ્પા બે માંથી એકેય નાનાજી જેવા નથી એમના માટે તો ડીમ્પલ જ એમની જીંદગી છે. તેઓ હું ડિમ્પલને ચાહું છું એનાથી પણ વધુ ચાહે છે.” જયની આંખોમાં આંસુ હતા.

“તો હવે શું કરીશ, જય?” મેં કહ્યું.

“એજ તમારી જેમ બાગી છું કઈક નવો ચીલો પાડીશ ડી ડી એલ ના અનુપમ ખેર જેમ તમે મને સાથ આપી રહ્યા છો તો હું પણ ડી ડી એલ ના શાહરુકની જેમ ડિમ્પલના મમ્મી પપ્પાને મનાવીને જ ડીમ્પલથી લગન કરીશ.. હવે તો એના પપ્પા એ સામેથી ડીમ્પલનો હાથ મારા હાથમાં આપે એવું કઈક કરવું જ પડશે.”

એના શબ્દો ફિલ્મી હતા પણ એની લાગણીઓ ફિલ્મી ન હતી મને એની આંખોમાં પ્રેમ માટે કઈક કરી છૂટવાની તૈયારી દેખાઈ અને મને ખાતરી થઈ ગઈ કે એ જરૂર ડિમ્પલના મમ્મી પપ્પાને મનાવી લેશે.

લેખક : નારાયણ ત્રિવેદી (શ્યામ)

Comment here