આત્મહત્યા

ઇન્સ્પેક્ટર આયુબ ખાન પંખે લટકતી ડેડ બોડી જોઈ રહ્યો હતો. એ યુવતીએ પંજાબી ડ્રેસ પહેરેલો હતો. બંને હાથમા એક એક બંગડી પહેરેલી ડોકમાં માદળીયું લટકતું હતું. મોઢા માંથી ફીણ નીકળ્યા હતા. આંખો સહેજ બહાર આવી ગયેલી હતી. એના ઘઉં વર્ણ ના હાથ પગ અને મોઢું જીવ નીકળ્યા પછી નિસ્તેજ થઈને લટકતું હતું.

ઇનસ્પેક્ટરે આમ તેમ નજર કરી એક સ્ટુલ ટેબલ ઊંધું પડ્યું હતું. કદાચ આત્મહત્યા હશે એમ વિચારી ઇન્સ્પેક્ટરે સંત્રીને પંચનામું કરી બોડી પી.એમ. માટે લઇ જાવા કહ્યું. અચાનક એના લટકતા પગ નીચે પડેલા કાગળ ઉપર નજર ગઈ. આયુબ ખાને કાગળ લઇ એની ઘડી ખોલી 4 પાના નો કાગળ હતો. એને થયું કદાચ આત્મહત્યા કરતા પહેલા લખ્યો હશે. એને વાંચવાની ઉત્સુકતા થઈ આવી.

પોલીસ વેનમા ડેડ બોડી પી.એમ. માટે લઇ જવાઇ અને આયુબ ખાન એના સ્ટેશનમા જઇ કાગળ ખોલી વાંચવા લાગ્યો.

હું હેમલતા. હું ખાનપુર ગામમા જન્મી હતી. મારુ જન્મનું નામ હેમા હતું પણ અહીં શહેરમાં આવીને મેં બદલી દીધું હતું. અમે બે ભાઈ બહેન હતા. ચંદુ નાનો હતો. નામ તો ચંદ્રકાન્ત રાખ્યું હતું ગોર મહારાજે પણ ગામમા બધાની જીભ ટ્વિસ્ટ ન થતી ચંદ્રકાન્ત ને બદલે બધા સંદરકોનત કેતા એટલે મેં જ કંટાળીને એનું નામ ચંદુ રાખ્યું હતું.

મારા બા બાપુજી ગરીબ હતા. બાપુજી ધનુભાઈ નું ખેતર પાંચમે ભાગે વાવતાં એમા અમારું ગુજરાન ચાલતું. હું ભણવામાં હોશિયાર હતી. એસ.એસ.સી. ની પરીક્ષામાં 88% આવ્યા હતા એટલે મારે આગળ ભણવું હતું. અમારા ગામ મા ઉચ્ચતર માધ્યમિક શાળા ન હતી એટલે બાજુ ના શહેરમાં મેં એક કૉમેર્સ શાળામાં એડમિશન લીધું. સવદાન કાકાની લક્ષ્મી અને હું શહેરમાં ભણવા જતા. એચ.એસ.સી.ઇ. માં પણ મારે તો 86% આવ્યા હતા. મારે હજુ ભણવું હતું. પણ લક્ષ્મી ને એના બાપુજીએ આગળ ભણવાની ના પાડી એટલે એતો ઘર કામ માં લાગી ગઇ. મને પણ પિતાજીએ આગળ ભણવાની ના પાડી પણ મેં જીદ પકડી મારે ભણવું છે નોકરી લેવી છે.

પિતાજી પહેલા તો ન માન્યા પણ છેવટે બા એ એમને સમજયા એટલે માન્યા ..હું તો રાજીના રેડ થઈ ગઈ…. પછી તો મેં બી.કોમ. અને એમ.કોમ. પણ ડિટીનક્સન સાથે પાસ કર્યું.

હવે બસ મારે એક નોકરીની જરૂર હતી. નોકરી મળી જાય પછી તો શહેરમાં જઈને રેવાનું અને નાનકાને ખૂબ ભણાવીને મસ્ત નોકરી એ લગાડી દેવો…. મેં બાપુને વાત કરી નોકરી માટે શહેર જવાની ત્યારે તો બાપુ ડઘાઇ જ ગયા હતાં ….

“હે….. અમદાવાદ તે વરે જવરાતું હશે? હો ગાઉ પડ્યું હે ઓયથી…..”

” તે ભલેને જાતિ ઈય ચેટલીયે છોડીયો નોકરી કરે છે હવે તો.” બા એ પક્ષ લીધો .

” અરે તુંય શુ ગોડી થઇ ગઈ શે હેમલી ની માં…. આ શેરમાં તો ન થવાનું થાય શે. ચેટલાય ના છોકરાય નથી આયા પાસા તો હેમલી તો છોડી શે. ” જરાક ખીજાઈ ને એ બોલ્યા.

મેં બાપુજીનો ગુસ્સો જોઈને એ દિવસે વાત મૂકી દીધી. પણ મને નોકરીનું સપનું ચન્દ્રકાન્ત ને ભણાવવાનું સપનું રાત દિવસ ડંખ્યાં કરતું હતું. અહીં ગામ માં ચંદ્રકાન્ત શુ ભણશે? સરકારી શાળા છે શિક્ષકોને મહિને 30 -40 મળવાના જ. પછી એ ભણાવે કે ના ભણાવે કાઈ પગાર ક્યાં કાપવાનો છે. ના ચંદુને ભણાવો તો છે જ મારે હું શહેરમાં જઈશ જ.

બીજા દિવસે લખુભા સરપંચને મળીને બાપુને સમજવા કહ્યું એ માની ગયા. લખુભા ને બાપુ પ્રત્યે સહાનુભૂતિ હતી અને બાપુને એ પ્રામાણિક સરપંચ માટે માન હતું એટલે બાપુ એમના કહેવા થી મને શહેર મુકવા તૈયાર થયા.

” પણ તું ઈય રઈશ ચ્યો છોડી?” બાપુએ પૂછ્યું ત્યારે મેં પહેલી વાર ખોટું બોલ્યું હતું.

” તે છે ને મારી એક બેનપણી. હું અહી કોલેજમાં હતીને ત્યારે એક પૂર્વી નામની બેનપણી થઈ હતી એ અમદાવાદ રે છે હવે હું એની સાથે પી.જી. માં રહીશ.” મેં કહ્યું.. બાપુને બિચારાને પી.જી. માં ક્યાં ખબર હતી. એમને તો એમજ લાગ્યું કે પી.જી. નામનો કોઈ એરિયો હશે…
મને સ્ટેશન સુધી બા બાપુજી મુકવા આયા ત્યારે બંને રડી પડ્યા હતા. ચંદ્રકાન્ત પણ રડ્યો હતો ” હેમા તારા વગર હવે મને બાપુજી થી કોણ બચાવશે?” કહી એ મને વળગી ને ડૂસકે ડૂસકે રડ્યો હતો. હું પણ રડી હતી પણ જટ મન મજબૂત કરી દીધું.

બસ માં મેં જાહેરાતોના કટીંગ ભેગા કર્યા હતા એ બધા વાંચી લીધા. કોઈ વસ્ત્રાપુર, કોઈ રેવડી, કોઈ વિજય ચાર રસ્તા તો કોઈ નારોલા બધા અલગ અલગ એરીયામાં નોકરીઓ ની જાહેરાત હતી. મેં તો કદી અમદાવાદ જોયું જ ન હતું. અને મારે ક્યાં કોઈ પૂર્વી નામની ફ્રેન્ડ હતી કે મને મદદ કરે…..!

રાત્રે 4 વાગે અમદાવાદ બસ પહોંચે એ મને ખબર હતી. એવી રાતે કયા એરીયામાં ઉતરવું? કયો એરિયો સારો કયો ખરાબ એ મને ખબર ન હતી. મેં આગળ બેઠેલા એક કાકાને પૂછ્યું ત્યારે એમને કીધું બેટા કાલુપુર તો રાતે તારા માટે સારું નઈ ગીતામંદિર જ ઉતરી જજે.
હું ગીતામંદિર ઉતરી ડર માં ને ડર માં સવાર સુધી તો ત્યાં જ બેસી રહી. પછી એક પી.જી. શોધીને સામાન મૂકી તૈયાર થઈને ઇન્ટરવ્યૂ આપવા ગઈ. ત્યાં જીન્સ અને ટીશર્ટ મા અને અમુક તો સાવ નિર્લજ્જ કપડાં પહેરીને કેટલીયે છોકરીઓ ઇન્ટરવ્યૂ માટે આવી હતી. દસ હજાર ની નોકરી માટે આ છોકરી કેમ આવી હશે? આના તો આ કાપડાય 3 -4 હજારના હશે…..? મને થઈ આવ્યું . પણ મને એ સમયે ક્યાં ખબર હતિ કે શહેરની છોકરીઓ ના નખરા શોખ બાપના પોકેટ મની થી પણ પુરા નથી થતા. ઇન્ટરવ્યૂ આપવા આવેલા બધાની નજર મારા ઉપર વિચિત્ર રીતે મંડાઈ હતી. પછી થી મને ખબર પડી હતી કે મારા કપડા જોઈને એ બધા હું ગામડાની છુ એ સમજી ગયા હશે.
ઇન્ટરવ્યૂ મા મારો નંબર આવ્યો. હું અંદર ગઈ. મારો પહેલો ઇન્ટરવ્યૂ હતો એટલે હું 3 જજ ને જોઈને ગભરાઈ ગઈ. મને ક્યારે સામે બેઠેલી વ્યક્તિએ બેસવાનું કહ્યું એ પણ ન સાંભળ્યું. પણ પછી અંદર રહેલા સપના એ હિલોળો માર્યો એટલે મને હિંમત આવી.

“યોર નેમ?”

” હેમલતા માય સેલ્ફ સર.”

” યોર ક્વોલિફિકેશન ?”

” એમ.કોમ વિથ ડિટીનક્સન…..” એ ડિસ્ટિનક્સન શબ્દ ઉપર મેં જે જોર આપ્યું એ જોઈ એ માણસ હસ્યો.

” અહીં બધા ડિસ્ટીન્ક્સન વાળા જ આવે છે મેડમ.”

હું થોડી લાચાર પડી. મને ત્યારે ક્યાં ખબર હતી કે શહેરની કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ટ્યુશન જાય એમને પ્રોફેસર 4 આઇ.એમ.પી. પ્રશ્નો પહેલે થી જ આપીને ફૂલ માર્ક્સ મૂકી દે છે.

” મેડમ. તમે બેન્કિંગ ફિલ્ડ કેમ પસંદ કરી?”

” સર મેં ફિલ્ડ પસંદ નથી કરી પણ આ મારો પહેલો જ ઇન્ટરવ્યૂ છે એટલે અહીં આવી છું.” મેં સાચું જ કહી દીધું. મને એમ કે જે હું ભણી છુ ઇન્ટરવ્યૂ વિશે એ પ્રમાણે જ કહુને. મને ત્યારે ક્યાં ખબર હતી કે ઇન્ટરવ્યુની ખરી ટેક્નિક તો ખોટું બોલવાની છે.

” તમે કોઈ પાર્ટીક્યુલર ફિલ્ડ ના ટાર્ગેટ વગર કઈ રીતે વિકાસ કરશો? તમને ખબર જ નથી કે તમારે કયા પગ મુકવો છે તો તમે વિકાસ શુ કરવાના ?”

” હું મારી મહેનત રેડીને જે પણ ફિલ્ડ મળશે એમાં વિકાસ કરીશ સર…”

” ઓકે અમને યોગ્ય લાગશે તો અમે તમારો કૉંટેક્ટ કરીશું. તમારો નંબર લખાવી દો.”

આભાર કહી ને મેં નંબર લખાયો અને પી.જી. ગઈ.

બે દિવસ મેં રાહ જોઈ પણ કોઈ ફોન આવ્યો નઈ એટલે મેં બીજી નોકરીની તપાસ કરી. છાપા લાવીને જાહેરાતો જોવા લાગી. એક દિવસ એક શાળામાં શિક્ષકની જરૂર હતી. હું તૈયાર થઈને અંદર જણાવેલ સમયે પહોંચી ગઈ. પણ ત્યાં પણ મને નિરાશા જ સાંપડી. એમને મને મારા ઓરિજિનલ સર્ટિફિસેટ્સ જમા કરવાનું કહ્યું. અને એ પણ કહ્યું કે જો તમે કોઈ પણ કારણ સર નોકરી છોડશો તો તમને છેલ્લા 2 મહિનાનો પગાર અને તમારા સર્ટિફિસેટ્સ એક વર્ષ સુધી પાછા આપવામાં નઈ આવે.
સર્ટિફિકેટ આપવામાં તો વાંધો નઈ પણ જો કોઈ કારણસર મારે નોકરી છોડવી પડે અને એ લોકો એક વર્ષ પછી પણ સર્ટિફિકેટ પાછા ન આપે તો ? અથવા એ લોકો ક્યાંક ખોઈ નાખે તો ? મારી પાસે શુ સબૂત કે મેં એમને મારા ઓરિજિનલ સર્ટિફિકેટ આપ્યા હતા ગવર્મેન્ટ મા ક્યાંય એવો કોઈ કાયદો તો છે જ નઈ કે નોકરી માટે ઓરિજિનલ સર્ટિફિકેટ આપવા. ના ના ન અપાય એવું ગાંડપણ ન થાય બીજી કોઈ નોકરી શોધીશ…

દિવસો વીતતા ગયા. ચંદુ નો ફોન આવતો ત્યારે હું હસીને વાત કરી લેતી બા ને તો ફોન મા ઓછું સંભળાતું એટલે ખાસ વાત કરતી નઈ નઈ તો હું ઉપરછલું હસું છું એ એને ખબર પડી જાઓત… માં હતીને……

હવે મહિનો એક નીકળી ગયો હતો. પી.જી.ના રેન્ટ ખાવા પીવામાં બધા ખર્ચા મા પૈસા પુરા થવા આવ્યા હતા. ઘરે થી આવી ત્યારે 10000 લઈને આવી હતી મને તો એમ કે હું હોશિયાર છું મેં મહેનત કરીને એટલું સારું રિઝલ્ટ લાવ્યું છે એટલે 2 દિવસ મા તો નોકરી મળી જશે. પણ અહીં આવ્યા પછી જ મને ખબર પડી કે એક મહિનો નીકળી ગયો તોય નોકરી મળી નથી અને બીજા મહિના માટે તો ખર્ચ પણ ક્યાંથી કરીશ? હવે એમની એમ પાછી જાઉં તો ગામ મા બધા હસસે નઈ? અને નનાકાનું ભણવાનું શુ થશે?

મેં નક્કી કર્યું કે નોકરી તો લેવિજ છે. એ રાતે મને ઊંઘ ન આવી આખી રાત વિચારોમાં જ ગઈ કદાચ સવારે થોડું ઊંઘી હોઇશ.
બીજા દિવસે હું એક પ્રાઇવેટ ટેક્સ કન્સલ્ટન્ટ ની ઓફિસે ગઈ. એમને મને ટેલી અને અકાઉંટિંગ ના પ્રશ્નો કર્યા અને મેં બધા જવાબ સાચા જ આપ્યા એટલે એમને મને નોકરીની હા પાડી. મારી બધી પૂછ પરછ કરી અને મેં બધું કહી પણ દીધું. મને ત્યારે ક્યાં ખબર હતી કે એ પૂછ પરછ ના સાચા જવાબ મારી મજબૂરી લાચારી હું એકલી છું મારા બેકગ્રાઉન્ડમાં બધા ગામડાના અને ગરીબ છે એ બધી એ વકીલ ને મન માં કોઈ બીજી જ પ્રેરણા આપશે.

મેં નોકરી ચાલુ કરી દીધી અને ઘરે આ સમાચાર પણ આપી દીધા હતા. ચંદુ તો નાચી ઉઠ્યો હતો.
બે મહિના થઈ ગયા હતા મને અમદાવાદ આવ્યે. મને એ દિવસે મારો પહેલો પગાર મળ્યો હતો. પી.જી. એ જઈને ભોલેનાથ ને પ્રસાદ કરી હતી હું ખુશ થઈ ગઈ હતી. મારા સપના હવે ધીમે ધીમે સાકાર થવા લાગ્યા હતા. બે મહિના નોકરી કરીશ પછી તો અનુભવને લીધે પગાર પણ 10000 થી વધારીને 12000 થઈ જશે. પછી તો હું અહી એકલી નઈ રહું. એક સારી અને સસ્તી રૂમ શોધીને બા બાપુ અને ચંદુડા ને લાવી દઈશ એને સવારે શાળાએ મુક્તી જઇશ અને સાંજે મારી સાથેજ લેતી આવીશ. બાપુ જેમ એને ખેતર મા મજૂરી કરીને પણ ખાલી પાંચમો ભાગ નઈ લેવો પડે….. વિચારોમાં હું ક્યારે સુઈ ગઈ મને ખબર જ ન રહી….

બીજા દિવસે રવિવાર હતો નોકરીની પણ રજા હતી એટલે મોડી ઉઠી. જાગી કે તરત ચંદુડા નો ફોન રણક્યો…. એને જ્યારથી મેં શહેરમાં ભણવા લાવવાનું કહ્યું ત્યારનો તો એ પણ એની 8 માં ધોરણ ની ગ્રાઇડ માં થી સ્પેલ્લીન્ગો તૈયાર કરવા લાગ્યો હતો એટલે મેં ફોન ઉપાડ્યો કે તરત બોલ્યો…..

” ગુડ મોર્નિંગ સિસ્ટર…..”

” વેરી ગુડ મોર્નિંગ ” કહેતી હું સાચે જ હસી પડી હતી.

મેં એને 2 માહિના ધ્યાન થી તૈયારી કરજે નઈ તો અહીં એડમિશન નઈ આપે એમ કહીને વધારે મહેનતે લાગાડી દીધો હતો. હવે તો બાપુજી પણ ખુશ થઈ ગયા હતા એમની નારાજગી આખરે હતી તો મારા ભલા મારી ચિંતા માટે જ ને…..?
રવિવાર નો દિવસ હતો. પી.જી. ની મેડમેં આવીને ભાડું માંગ્યું. મેં તરત પેલા બન્ડલ માંથી કાઢીને 2500 રૂપિયા આપી દીધા. મેડમ ગયા એટલે તરત ફોન રણક્યો…. મને લાગ્યું ચંદુડો હશે બાપુજીએ માર્યો હશે એટલે બેન ને યાદ કરી હશે…..પણ જોયું તો વકીલ સાહેબ નો નંબર હતો….

” હેલો સર”

” હેમલતા તું જલ્દી મારા ઘરે આવી જા આજે મારા દીકરાનો જન્મ દિવસ છે….. આપડી ઓફિસના બધા આવવા ના છે કાલે હું કહેવાનું ભૂલી જ ગયો….” કહી ફોન કટ કરી દીધો.

હું મારા સાદા પંજાબી ડ્રેસમાં રોજની જેમ તૈયાર થઈને એમના ઘરે પહોંચી. બહાર થી મને કોઈ દેખાયું નહીં. અરે આવડું મોટું ઘર છે બગીચો છે આ મોટા માણસો કાઈ બહાર થોડી પાર્ટી કરે. ઘરમાં હશે બધા કેક કાપતા હશે…. હું અંદર ગઈ. કોઈ દેખાયું નહિ. . દરવાજો ખખડાયો એટલે વકીલ સાહેબે ખોલ્યો.

” વેલકમ હેમલતા …” એ બોલ્યા …

મેં અંદર નજર કરી પણ કોઈ દેખાયું નહિ.

” સર તમારા દીકરાનો જન્મ દિવસ છે ને? તો કોઈ કેમ નથી અહીં? તમારી વાઈફ અને દીકરો ક્યાં છે?”

” અરે અંદર તો આવ બધું કહું….”

હું અંદર ગઇ એમણે દરવાજો બંધ કરી દીધો. હું સ્ત્રી સહજ ભાવ થી થરથરી ઉઠી હતી. છતાંય હિંમત કરીને સોફા પર બેઠી…
” મારે પત્ની કે છોકરા નથી હેમલતા.”

” આ તમે શું કહો છો? તો મને અહીં એવું કહીને કેમ બોલાવી?”

” આઈ લવ યુ ” સીધું એ હરમી એટલું જ બોલ્યો.

હું કઈ પણ બોલ્યા વગર ઉભી થઇ ચાલવા લાગી પણ એણે મને જાવા ન દીધી… અને એ મોટા ઘરમાં …….

હું કોઈને મોઢું બતાવા લાયક રહી નથી. આમ તો મારે જીવવુ હતું મારા ચંદુ ને ભણાવીને એને સારી નોકરી આપવી હતી. મારા બાપુના હાથ માં પડેલા ફોડલા ને મારે હવે કળ આપવી હતી. મારી બા ને મારે હવે ખેતર માં મજૂરી થી છૂટ આપવી હતી. પણ હું ભોળી ગામડાની છોકરી એ બધુ ન સમજી શકી કે આ દુનિયા આ મહાન કહેવાતા દેશમાં, જે સંસ્કૃતિના દુનિયાભર માં વખાણ થાય છે ત્યાં, જયા માં અને બાપ, ભાઈ સને બહેન એવા શબ્દોનો અર્થ એક વિશાલ લાઈબ્રેરી ભરાઈ જાય એટલો થાય છે, ત્યાં મને બધી જગ્યાએ એટલી મુશ્કેલી પડશે, અને એટલી મુશ્કેલી વેઠીને પણ આખરે મારા બાપની ઉંમરનો માણસ મારો બળાત્કાર કરશે……

ભલે હું શહેરની છોકરીની જેમ સજી ધજી ને ન જીવી, ભલે મને મારો ભાઈ ‘દી’ કે ‘દીદી’ ને બદલે સાદું ‘બેન’ કહેતો, ભલે મને શહેરમાં જીવતા ન આવડ્યું, ભલે મેં એક મુર્ખની જેમ આ શહેરને પણ મારા ઘર જેવું ગણ્યું, ભલે મારા ગરીબ માં બાપ મને ન્યાય નઈ અપાવી શકે છતાંય હું ફરી ફરીને એજ માં બાપ ની દીકરી બનીશ એજ ભાઈ ની બેન બનીશ……..

આયુબખાન કાગળ વાંચી રહ્યો…… એની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા ….. બાજુની મસ્જિદ મા નમાજ નો અવાજ આવતો હતો….. ” યા અલ્લાહ મને બીજી વાર આ ધરતી ઉપર જન્મ મત આપજે…..” કહી આયુબ ખાને આંખો લૂછી ……

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

All rights are reserved. No part of this publication may be reproduced or stored in a retrieval system or transmitted in any form or by any means, electronic, mechanical, photocopying, recording or otherwise, without the written permission of of the author

One Reply to “આત્મહત્યા”

Comment here