About Me

     મારા મતે સાહિત્ય એટલે પ્રાચીન ગુણોનો સંગ્રહ. એ સંગ્રહ સાહિત્ય પ્રત્યેની રૂચી દ્વારા વ્યક્તિમાં ઉતરી આવે છે અને એ વ્યક્તિ બધું જ મૂકી દઈ કલમ પકડી લે છે. સામાન્ય શબ્દોમાં એ વ્યક્તિ ‘લેખક’ કહેવાય છે. હું મારા અનુભવ કાગળ ઉપર ઉતારું છું પણ અનુભવ સાથે સુકી ભીની લાગણીઓ આપમેળે જ છપાઈ જાય છે…! કલમની શાહી પૂરી થાય એટલે ફરી નવી શાહી ભરીને લખવાનું હોય પણ શાહી બદલાય એટલે શબ્દોનો રસ પણ બદલાઈ જાય, દરેક વખતે અલગ જ વિષય ઉપર લખાઈ જાય છે…! અને કદાચ એટલે જ વાંચકોને મારું લખાણ ગમે છે…

   હું મારા વિચારો સ્પષ્ટ અને પ્રમાણિક પણે લખું છું. લખાણ ઘણીવાર તીખું પણ લાગે એ શક્ય છે કેમ કે દવા કડવી હોય પણ શરીર સાજુ કરી દે છે. એવી જ રીતે કડવું લખાણ સમાજની બીમારી દુર કરે છે. હું જાતથી નહીં પણ સ્વભાવથી બ્રાહ્મણ છું. બાકી હું કોઈ જ જાતમાં માનતો નથી હુ ગુણમાં જ માનું છું. શિક્ષક તરીકે પણ મારી એવી જ જવાબદારી નિભાવું છું. સ્વભાવે શિક્ષક છું. શિક્ષક અને લેખક એક વૈધ છે જે સમાજ રૂપી શરીરના ગુમડાનો ઉપચાર કરે છે. ગુમડા ઉપર લગાવેલી દવા ઘણીવાર બળતરા પણ કરે છે…!!

    ‘અંતર આગ’ મારી પહેલી નવલકથા હતી જે મેં ૨૦૧૫ માં લખી હતી પણ કોઈ પ્રકાશક નવા લેખકની રચના પ્રકાશીત કરવા તૈયાર થતાં જ નથી એ આપણા દેશની કરુણ હકિક્ત છે. મેં એ નવલકથા એક લોકલ ન્યુજ પેપરમાં આપી મારૂ લખાણ લોકો સુધી પહોંચાડવાની શરૂઆત કરી અને મારા ધાર્યા મુજબ જ લોકોને એ પસંદ આવી ગઈ. મારા લખવાની શૈલી, પાત્રોનું સર્જન અને ઘટનાઓની ગોઠવણીને લોકોએ ખુબ જ વધાવી લીધી જેથી મારો ઉત્સાહ વધ્યો અને મેં અંતર આગ સોસીઅલ મીડિયા ઉપર હપ્તા વાર પ્રકાશીત કરી અને ત્યાંથી વાચકોનો મને અદ્ભૂત પ્રતિસાદ સાંપડ્યો એ બદલ એ બધાનો હું આભારી છું.

   અંતર આગ નવલકથાના ૪૪ હપ્તાઓ પૂર્ણ થતાં મેં નવલિકાઓ લખવાની શરૂઆત કરી અને મારી નવલિકાઓ લોકોના હૃદય સ્પર્શી ગઈ પછી તો મારી કલમની શાહી ક્યારેય ખૂટી જ નથી…

   સમાજમાં બધું હોય છે અને હું એક લેખક દ્રષ્ટી સમાજ ઉપર કરું છું ત્યારે મને સારા નરસા પ્રસંગો દેખાઈ આવે છે જેને હું પાત્રો અને સંવાદોમાં ફેરવીને લખું છું. જેમાં એક સંદેશ હોય છે. મારી નવલિકાઓ માત્ર કોઈ એક વર્ગ માટે આકર્ષણનું કેન્દ્ર નથી. બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ વાંચકો મને મળ્યા છે. માત્ર સારા અભિપ્રાય માટે લોકોને ગમે એવું જ લખવું એ બાબત મારી અંદર છે જ નહી. હું કડવું સત્ય પણ આલેખું છું. સમાજના જડ અને કોહવાઈ ગયેલા નીતિ નિયમો વિરુદ્ધ લખવું માત્ર મારો ઉદેશ્ય નથી હું માત્ર ઉહાપોહ કરવામાં નહિ પણ સમાજમાં બદલાવ ચાહું છું….

   સફળતા નિષ્ફળતા મહત્વની છે જ નહી. લેખકનું લખાણ સુધારો લાવે, બદલાવ લાવે, હ્રદય પરિવર્તન કરી શકે તો જ એ સફળ થાય છે બાકી લોકપ્રિયતા તો એડલ્ટ જોક્સ લખનારાઓ મેળવી લે છે.

   માણસના અનુભવ એને ઘડે છે પરંતુ એવું જરુરુ નથી કે અનુભવ મોટી ઉમરે જ મળી શકે મારા જેવા ઘણા અપવાદ હોય છે! સત્ય એ માણસના પડછાયા જેવું છે જો જરાક છાયડામાં જાય તો ઝાંખું પડી જાય પણ તડકો આવતા જ ફરી સ્પષ્ટ દેખાવા લાગે છે.

   અનોખી દોસ્તી એ મારી પ્રથમ નવલિકા હતી જે સોસીયલ મીડિયા ઉપર ઘણા લોકોને સ્પર્શી ગઈ. ત્યારબાદ મેં મહિનાના સમયમાં લગભગ ૮૦ જેટલી નવલિકાઓ લખી છે જે મારા વાંચકોએ અદ્ભુત પ્રતિભાવ સાથે વધાવી છે.

   મેં પ્રથમ નવલકથા ક્રાઈમ થ્રીલર લખી હતી ત્યારબાદ વાંચકોના પ્રતિભાવ જોઈ મને હાસ્ય લેખ અને હોરર તેમજ જાસુસી વાર્તાઓ લખવાની પ્રેરણા મળી.. ફાધર બ્રાઉન, શેર્લોક્સ હોલ્લ્મેસ અને વ્યોમકેસ બક્ષીની જેમ મારું પણ એક કાલ્પનિક પાત્ર ‘મેજર ત્રિવેદી’ જે વાંચકોને ડીટેક્ટીવ ફિક્શનનો એક અદ્ભુત અનુભવ કરાવશે. મેજર ત્રિવેદી ની કથા વાંચ્યા બાદ વાંચકો એવું જ કહે છે કે મેજરમાં એ જે ગુનેગારની તપાસ કરી રહયા હોય તેનો પડછાયો બની જવાની ક્ષમતા છે અને પડછાયાથી કોઈ દુર ભાગી શકતું નથી! જો મેજરને એમની મરજી વિરુદ્ધ તમારે શોધી કાઢવા હોય તો એ કામ ભૂતનો પીછો કરવાથી પણ વધારે અઘરું કહી શકાય…!

   મૃગજળ એક દામ્પત્ય જીવનની વાસ્તવિકતા દર્શાવતી તેમજ જીવનમાં થતાં કડવા અનુભવો તેમજ ગુનાઓ દર્શાવતી એક નાટકીય કહાની છે. મૃગજળના થોડા હપ્તા વાંચનારાઓ એ પણ એમ જ કહ્યું છે કે જીવન ખરેખર એક મૃગજળ છે! બધા મૃગજળમાં જીવે છે અને એથી જ મૃગજળ નવલકથા દરેકની અંદર જીવે છે… એ કહાની વાંચનાર દરેક વાંચકને એમ જ લાગે છે કે કહાનીનો કોઇને કોઈ હિસ્સો એના જીવનમાંથી કાપીને ન લેવાયો હોય…!?

   પ્રાયમરી અને માધ્યમીક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ દરમિયાન વાંચેલી, સમજેલી નવલિકાઓ મારા માટે પ્રેરણા દાયી રહી છે. સ્વ શ્રી અશ્વિની ભટ્ટની નવલકથા મારા લેખન માટે પ્રોત્સાહન પૂરું પાડતી રહી છે.

   એ પછી સસ્પેન્સ થ્રીલર નવલકથાઓમાં અંતર આગનો ભાગ 2 ખેલ આપ્યો. ખેલ પૂરી થતા નાગમણી સીરીઝ શરુ કરી. નાગમણીનો પહેલો ભાગ ‘નક્ષત્ર’ અને બીજો ભાગ ‘મુહુર્ત’ વાંચકોને સ્પર્શી ગયો. નાગમણી નો ત્રીજો ભાગ આવનાર સમયમાં રજુ કરવા જઇ રહ્યો છું.

   એ સિવાય સફર – ત્રીજું પ્રકરણ નામની સાયન્સ ફિક્શન નવલકથા આપી. સફર નવલકથાએ સાબિત કર્યું કે ગુજરાતી નવલકથાઓ પણ અંગ્રેજી નવલકથાઓની બરોબરી કરી શકે છે.

   તાજેતરમાં 10 ફેબ્રુઆરીના રોજ મારી સસ્પેન્સ થ્રીલર નવલકથા ‘સંધ્યા સુરજ’ (સૂરજ) પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઇ. માત્ર એક મહિનામાં જ એની ૫૦૦ કોપી વેચાઈ ગઈ છે.

   અગામી સમયમાં મારી ‘ધ ફેન – એ મેડનેસ’ અને ‘શમણાંની શોધમાં’ બે નવલકથાઓ પુસ્તક સ્વરૂપે વાંચકો સમક્ષ રજુ કરવાનો છું.