સત્ય હકીકત !

સત્ય હકીકત !

કાલે હું ખૂબ જ કંટાળેલો હતો ! મને નોકરી માંથી વગર કાઈ ગુને જ કાઢી દેવામાં આવ્યો હતો. માત્ર સુધીરના કહેવાને લીધે જ મારી રોજી રોટી છીનવી લીધી ! સુધીર મારો સિનિયર હતો પણ એને લાગતું હતું કે હું એની જગ્યા લઈ લઈશ…. ખરેખર મને થયું કે ટેલેન્ટ પણ એક શ્રાપ છે સહદેવને ત્રિકાળ જ્ઞાન ભારે પડ્યું એમ મને મારી આવડત ભારે પડી !
હું થાકેલો હારેલો ઘરના દરવાજા સુધી આવ્યો ત્યાં જ ફોન રણક્યો, મારો જરાય મૂડ ન હતો. મેં ફોન નીકાળ્યો જ નહીં પણ ફરી એક વાર રિંગ વાગી !
મેં કંટાળીને ફોન જોયો તો સુધીરનો ફોન હતો ! મેં ફોન ઉપાડ્યો ત્યાં જ એ મને ગાળો ભાંડવા લાગ્યો ! મારુ મગજ તો પહેલેથી જ ફાટેલું હતું ! મેં પણ એને ગાળો સંભળાવી ! ફોન મૂકી દીધો….
મારી ગાળો સાંભળી સામેના ઘરથી એક માસી અને એની કોલેજ કરતી દીકરી બહાર આવ્યા મને નામ ખબર નથી કેમ કે હું બે દિવસ પહેલા જ અહીં રહેવા આવ્યો હતો…. પેલા માસી બરાડી ઉઠ્યા ….
” એય બેશરમ અહીં માણસો રે છે, બોલવાનું ભાન રાખ. અમારા ઘરમાં દીકરીઓ છે !”
મને પણ થયું કે ભુલ તો મારી છે જ મેં હાથ જોડી કાઈ બોલ્યા વગર ઘરમાં ગયો…. પણ હજુ અવાજ આવતો હતો ” આ સોસાયટીના પ્રમુખને કીધું છે કે ફેમિલીવાળા ને જ ઘર આપવાનું તોય આપી દે છે મારા રોયા !”
હું મારા મન ઉપર કાબુ રાખી બેસી રહ્યો ! મારા પ્રત્યેની લોકોની નફરત જોઈ મને દુઃખ થયું ! તો એકલો રહેતો માણસ માણસ નથી એમ ? અને શું ફેમિલી વાળા બધા સારા જ હોય એમ ? તો સામે વાળા ચાલીસ વર્ષના કાકા આખો દિવસ પેલી ત્રીજા નમ્બરના ઘર વાળી પરિણીત માસીને કેમ દેખ્યા કરે છે ? બહેન માનીને તો નહીં જ દેખતા હોય ને ? ખેર જવાદો મને તો મારી જિંદગીના દુઃખોમાંથી સમય નથી મળતો હું ક્યાં ખોટું કરવા જાઉં છું ? પણ સમાજમાં એક વહેણ થઈ ગયું છે કે ફેમિલી વાળાને જ ઘર આપવું પછી ભલે એ ગમે તેવો હોય !
બીજા દિવસે હું નોકરીની તપાસમાં નીકળ્યો ત્યારે પેલા માસી બહાર કચરો લેતા હતા મને જોઈને એમનું મોઢું ચડી ગયું ! કૈક બોલતા હતા પણ મેં ધ્યાન આપ્યું નહિ અને હું મારા રસ્તે પડ્યો !
આખો દિવસ મારા ઉત્તમ સર્ટિફિકેટ લઈને રખડયો પણ ક્યાંય મને નોકરી મળી નહિ ! આખરે ટાટા મોટર્સની ઓફિસમાં મને સાત હજારની નોકરી મળી ! મારી લાયકાત મુજબ તો એ કઈ ન કહેવાય પણ હમણાં તો પેટ ભરવાનું જ મહત્વનું હતું ! સ્વામી વિવેકાનંદનું નામ લઈ હું હિંમત એકઠી કરીને ઘર તરફ ગયો !
આખો દિવસ કંટાળીને થાકીને રખડીને મારા પગમાં પીડા થતી હતી. ઘર સુધી પહોંચતા તો મારા શ્વાસ ફુલાઈ ગયા…! હું ઘરના દરવાજે ઓટલા ઉપર જ બેસી ગયો ! મરાથી ઉભા થઈને અંદર જવાય એમ પણ નહોતું ! જરાક પણ શક્તિ હોત તો હું એ માસીનું ચડેલું મોઢું જોવા ત્યાં બેસોત નહિ !
મારા નસીબ સારા હતા કે માસી એ સમયે બહાર આવ્યા નહિ… હું મારા દુઃખો ઉપર હસતો રડતો બેઠો હતો ત્યાં જ મારા કાને ડબલ મિનિંગ જોક્સના અવાજ પડ્યા ! હા એ અવાજ ઓળખીતો હતો ! સુધીર આખો દિવસ એજ જોક્સ સાંભળતો કદાચ એ પ્રોગ્રામ એ જોક્સ બોલનાર માણસનું નામ કપિલ શર્મા જ હતું ! હા કપિલ શર્મા જ હતું સુધીર ઓફિસમાં બધાને કહેતો આ કપિલ શર્મા ના ડબલ મિનિંગ જોક્સ સાંભળીને મૂડ ફ્રેશ થઈ જાય છે યાર !
મેં ધ્યાનથી જોયું તો માસીના ઘરની ટીવીનો અવાજ હતો.. માસી એની દીકરી સાથે કપિલ શર્માની વાહિયાત પ્રોગ્રામ જોતા હતા ! જેમાં ગાળો શિવાય કાઈ મને સંભળાતું ન હતું ! મનોમન હું હસ્યો અને ઘરમાં ચાલ્યો ગયો……

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “સત્ય હકીકત !”

Comment here