શમણાંની શોધમાં shamana ni shodhama

શમણાંની શોધમાં ( પ્રકરણ 2 )

પ્રકરણ 2

એ ચાર કલાકથી ટ્રેનમાં હતો. એ મુસાફરી એના માટે કંટાળા જનક ન હતી કેમકે એણે જીવનનો મોટાભાગનો સમય આવી મુસાફરી અને દોડધામમાં જ વિતાવતો હતો. પણ આજે એના ચહેરા પર જરાક અલગ ભાવ હતા. કદાચ એ કંટાળા કે ઉતાવળના ભાવ હતા. એનો ચહેરો આઈ એમ ઇન હરી એટીટ્યુડ બતાવી રહ્યો હતો.

જમ્મુમાં એક ખાસ મિશન પરના એજન્ટ મલિકને તાત્કાલિક ચંડીગઢ બોલાવવામાં આવ્યો હતો. કદાચ સામાન્ય સંજોગોમાં એને એમ તાત્કાલિક બોલાવવામાં આવ્યો હોત તો એ જમ્મુથી ચંડીગઢ સુધીની મુસાફરી એના માટે નવાઈ પમાડનાર ન હોત. પણ વાત એને ન સમજાય તેવી હતી.

છેલ્લા એક વરસથી એ જમ્મુની સેન્ટ્રલ જેલમાં ઇલીયાસ બની કેદ હતો. માત્ર ત્યાંના કેદી ઝફર પર નજર રાખવા માટે.

એનું કામ ઝફરને વિશ્વાશમાં લઇ એની દોસ્તી કરવાનું હતું અને એમાં એ પચાસ ટકા કરતા વધુ સફળ રહ્યો હતો પણ એકાએક એ જ જેલમાં બીજો એજન્ટ કેદી બનીને આવ્યો અને મલિકને હરિયાણાના હોમમીનીસ્ટરને તાત્કાલિક મળવા જવાનો કોડ મેસેજ આપ્યો હતો.

મલિક માટે એ જેલમાંથી નાસી જવું કોઈ મુશ્કેલ કામ ન હતું. એ પહેલા પણ એવી કેટલીયે જેલ તોડી નીકળ્યો હતો. પાકિસ્તાનમાં પ્રિઝન બ્રેક સુધીનો અનુભવ એણે પચીસ છવ્વીસની યુવાન વયે જ લઇ લીધો હતો. બસ એને પોતાના એક મિશનને સફળતા સુધી આવ્યા બાદ છોડીને જવું પસંદ નહી આવ્યું હોય એટલે જ જતાં પહેલા એને સમાચાર આપવા આવનાર એજન્ટના ચહેરાને અને જેલરના એક હાથને એ મહિનાઓ સુધી મલિકને ભૂલી ન શકે એ હાલ સાથે છોડીને જેલ બહાર નીકળ્યો હતો.

ટ્રેન ચંડીગઢ સ્ટેશને ઉભી રહી. લગભગ સવારના આઠ નવનો સમય હતો. વાતાવરણમાં એકદમ ઠંડીનો પ્રભાવ હતો પણ એજન્ટ મલિક માટે એ વાતાવરણ ઠંડુ ન હતું. એ જમ્મુ અને કાશ્મીરની ઠંડીમાં રહેવા ટેવાયેલો હતો. છેલ્લા એક વર્ષથી એ જમ્મુની જેલમાં ઇલીયાસ બનવા માટે એક કેદીના કપડાંમાં ઠંડી સહી ચુક્યો હતો માટે ચંદીગઢનું ઠંડુ વાતાવરણ એના માટે સામાન્ય હતું.

ટ્રેનના પૈડાઓની ગતિ ધીમી થઇ. એ પૈડાના સંગીતનો અવાજ બદલાયો અને થોડીક વારે ટ્રેન એક ટ્રેક પર ઉભી રહી ગઈ.

એજન્ટ મલિકે પોતાનું જેકેટ સરખું કર્યું. ઉતારીને બાજુમાં મુકેલ બ્લેક સપોર્ટ સૂઝ પગમાં ચડાવ્યાં અને પ્લેટફોર્મ પર પગ મુક્યો.

એણે ટ્રેનમાં બેસતા પહેલા જમ્મુના ઝરીમા માર્કેટમાં એક વરસથી પોતાની વધી ગયેલી દાઢીને ટ્રીમ કરાવી લીધી હતી અને વાળને પણ જરાક સરખા કરાવી લીધા હતા કેમકે હવે એ કોઈ ઇલીયાસ નામનો કેદી નહિ ફરી એકવાર એજન્ટ મલિક હતો. પણ એનું એ નામ કેટલા સમય પુરતું હતું…?

વધુમાં વધુ એ મુસાફરી પુરતું.

એ જાણતો હતો કે હરિયાણાના હોમ મીનીસ્ટરે એને મળવા તો નહિ જ બોલાવ્યો હોય. એને ફરી કોઈ નવા મિશન પર મુકવાનો હશે જ્યાં ફરી કોઈ નવું નામ અને નવો અભિનય એની રાહ જોઈ રહ્યો હશે.

પણ એને એના એ નવા નામ કે નવા અભિનય કરતા પણ એ મિશન શું હશે એ જાણવાની ઉતાવળ હતી.

પ્લેટફોર્મ છોડી આગળ વધતા પહેલા એની બાજ નજર એની પર નજર રાખતા બે અજાણ્યા માણસોને નોધી ચુકી હતી. એને પડછાયા પસંદ ન હતા અને એ બંનેએ છેક જમ્મુથી એનો પીછો કરી એને ગુસ્સો અપાવી દીધો હતો. એ પોતાની જાત સામે જ હસ્યો અને એસ્કેલેટર તરફ ચાલવા લાગ્યો.

જયારે એ એસ્કેલેટર ઉતરી એક્ઝીટ પર પહોચ્યો એને અંદરના ભાગે સ્ટોપિંગ બેલ અને કેટલોક અન્ય કોલાહલ સંભળાયો.

એક્ઝીટ આસપાસ રહેલા લોકો એ કોલાહલ તરફ જવા લાગ્યા. લોકો જાણવા માંગતા હતા કે ત્યાં શું થયું છે અને શેનો કોલાહલ છે પણ એજન્ટ મલિક એક્ઝીટના પાટિયા હેઠળથી પસાર થઇ સ્ટેશન બહાર નીકળી ગયો કેમકે એ જાણતો હતો કે ત્યાં શેનો કોલાહલ હતો.

ત્યાં રેલ્વે ઓથોરીટીને બે અજાણ્યા માણસોની હેડ શોટ સાથેની લાશો મળી હશે. એ બે વ્યક્તિઓને મારનાર વ્યક્તિ કોણ હશે તે જાણવા રેલ્વે ઓથોરીટીએ હાલ્ટની બેલ વગાડી હશે પણ એજન્ટને એ જાણવાની કોઈ જરૂર ન હતી કેમકે એ બંનેના માથામાં જે બુલેટ હતી એ એના જેકેટના પોકેટમાં રેસ્ટ કરી રહેલ નાનકડી લીલીપુટ પિસ્તોલમાંથી નીકળી હતી એ બાબત એ જાણતો હતો માટે એક્ઝીટ બંધ થાય એ પહેલા એ સ્ટેશન છોડી નીકળી ગયો.

જયારે એક્ઝીટ ડોર કમ્પ્લીટ લોક થયો એ સમયે એજન્ટ પીળા પટ્ટાવાળી ટેક્સીની બેક સીટ પર પોતાની પીઠ ટેકવી આરામ કરી રહ્યો હતો અને ટેક્સી પુર ઝડપે હરિયાણા હોમ મીનીસ્ટરના પ્રાયવેટ પ્લેસ તરફ દોડી રહી હતી.

*

હોમ મીનીસ્ટરના ખુફિયા પ્લેસના એક વિશાળ હોલમાં એકદમ નિરવ શાંતિ વર્તી રહી હતી. બધા એકબીજા તરફ જોઈ રહ્યા હતા પણ કોઈ એજન્ટ મલિકના આવ્યા પહેલા ચર્ચાનો દોર શરુ કરવા ઇચ્છતા ન હતા. બધા ચુપ ચાપ એક મેકને જોઈ રહ્યા હતા.

કદાચ દરેકના મનમાં એક જ સવાલ હતો કે શું એજન્ટ મલિક ટેરેરીસ્ટ પ્રિઝન બ્રેક કરી આવી શકશે કેમકે એને જેલ બહાર અન્ય કોઈ રીતે લાવી શકાય એમ ન હતો. જો એને સીધો જ જેલમાંથી મુકત કરી દેવામાં આવે તો ઝફરને એના સરકારી માણસ હોવા પર શક થઇ જાય એમ હતો જયારે સરકાર ઇચ્છતી હતી કે હરિયાણા મીનીસ્ટરે સોપેલું એ કામ પટાવી એ ફરી પકડાઈ જાય અને એને ઇલીયાસ બનાવી એ જેલમાં એની ઝફર સાથેની દોસ્તી આગળ વધારવા મૂકી શકાય. શું એ પ્રિઝન બ્રેક કરવામાં સફળ રહ્યો હશે કે નહિ એ સવાલ મિટિંગ ટેબલ પર રાહ જોતા દરેકની આંખોમાં તોળાઈ રહ્યો હતો.

બધાની નજર એ ખુફિયા સ્થળના બહારના ભાગનું દ્રશ્ય બતાવતા કેમેરાના મોનીટર તરફ હતી.

મોનીટરમાં દરવાજા આગળ એક ટેક્સી પુલ ઓફ થતા દેખાઈ. ટેકસીમાંથી એક પચ્ચીસ છવ્વીસ વર્ષનો યુવક ઉતર્યો જેનો શારીરિક બાંધો જોતા કોઈ કહી શકે એમ ન હતું કે એ સાઈઠ પાંસઠ કિલોના વજન સાથે મીડીયમ બાંધો ધરાવતો યુવક એજન્ટ મલિક હતો જે પોતાના કરતા પચાસ પાઉન્ડ એકસ્ટ્રા વજન ધરાવતા ક્રિમીનલને માત કરવામાં એકાદ મિનીટ કરતા વધુ સમય ક્યારેય ન લેતો.

કદાચ એ તેણે મેળવેલ કમાન્ડો તાલીમનું પરિણામ હતું.

એ ટેક્સી ડ્રાયવરને ભાડું ચૂકવી કોઈ બેફીકર કોલેજીયન યુવકની અદાથી પેવમેન્ટ તરફ આગળ વધ્યો.

મોનીટર પર એને જોઈ રહેલા લોકોમાંથી જે એક બે એના વિશે ખાસ જાણતા ન હતા એ વિચારી રહ્યા હતા કે શું એટલા મહત્વના મિશનને એના પર છોડી શકાય..?

પણ જે મલિક વિશે જાણતા હતા એમના મનમાં એવો કોઈ સવાલ ન હતો કેમકે એમને મલિકના આગળના મિશન અને એની સફળતા વિશે જાણ હતી. એમને ખબર હતી કે એ મિશન માટે પણ મલિક સર્વ શ્રેષ્ઠ એજન્ટ હતો.

મલિક હોલમાં દાખલ થયો. એ એક ચિંતાતુર ચહેરા સાથે પોતના વાળને પોનીટેલમાં બાંધી લાકડાની ખુરશી પર ટેકો લઇ બેઠેલી ચાલીસેક વર્ષની મહિલા સામે ગોઠવાયો.

“ગૂડ મોર્નિંગ, મિસ. લલિતા.”

“ગૂડ મોર્નિંગ એજન્ટ..” એ ફિક્કા અવાજે બોલી.

એજન્ટે હોલમાં એક નજર ફેરવી. એ મહિલાની બાજુની ચેરમાં એક આધેડ વયનો વય્ક્તિ બેઠો હતો જેના મોટા ભાગના વાળ સફેદ હતા અને એ ખાખી સફારીમાં સજ્જ હતો.

એની ડાબી તરફ એક બાલ્ડ જેન્ટલ મેન હતો જે કોઈ સિક્યુરીટી અધિકારી હશે એ એક જ નજરે ખ્યાલ આવી જતો હતો.

“એજન્ટ મલિક તમે મિશનની જવાદારી સ્વીકારવા તૈયાર છો?” એ બાલ્ડ જેન્ટલમેને એની ખાસ્સી એવી વધી ગયેલી દાઢી પર હાથ ફેરવ્યો.

“મિશન વિષે જાણકારી લીધા પહેલા હું એ કઈ રીતે સ્વીકારી શકું?” એજન્ટનો અવાજ એના વ્યક્તીત્વ જેવો જ પ્રભાવશાળી હતો. જોકે હજુ એ અવાજમાં યુવાનીની છાંટ હતી.

“મિશન એટલું ગુપ્ત છે કે જે વ્યક્તિ એની જવાબદારી લેવા તૈયાર ન હોય એની સાથે સેર કરી શકાય એમ નથી.” બાલ્ડ પેચની બાજુમાં પરફેક્ટ ટેઈલર્ડ પીન સ્ટાઇપ સુટ અને બ્લુ સિલ્ક શર્ટવાળા વ્યક્તિએ કહ્યું. એના શર્ટમાં ક્રવેટ ફોલ્ડ કરેલ હતી.

“એમ હોય તો હું એ જવાબદારી લેવા તૈયાર છું.” એજન્ટના ચહેરા પર સ્મિત હતું કેમકે એ એવા જ કોઈ જોખમી મિશનની રાહ છેલ્લા એક વર્ષથી જોઈ રહ્યો હતો. કદાચ એ એક વર્ષ સુધી જેલની એક જ કોટડીમાં રહીને કંટાળી ગયો હતો.

“આ મિશન ઓફીશીયલ નથી..” ફિક્કા ચહેરા સાથે જે મહિલા એજન્ટ સામે બેઠી હતી એ પોતાની રિસ્ટ વોચમાં જોતા બોલી.

એજન્ટે નોધ્યું કે એના હાથમાં રહેલ એક્સ્પેન્સીવ વોચ કમ-સે-કમ એકાદ લાખ ઉપરની કિમતની હતી.

“નોટ ઓફીશીયલ મીન્સ..?”

“મિશન અન ઓફીશીયલ છે એજન્ટ.. છેલ્લા કેટલાક સમય દરમિયાન ચંડીગઢ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવતીઓ ગુમ થઇ છે. એમ લાગે છે કે એ હ્યુમન ટ્રેફીકિંગ અને ઓર્ગન ટ્રેફિકિંગ બીઝનેસમાં જોડાયેલ લોકોનું કામ છે.”

“તો મિશન અન ઓફીશીયલ કઈ રીતે થયું..?”

“મિશન અન ઓફીશીયલ છે કેમકે એમાં મોટા નેતાઓ સંડોવાયેલા હોય એમ લાગે છે. જો કોઈ ચૂક થાય તો હરિયાણા સરકાર એ માટે જવાબદારી લઇ શકે એમ નથી.”

“મીન્સ નો હેલ્પ ફ્રોમ પોલીસ ડ્યુરીંગ મિશન..?” એજન્ટે સવાલ કર્યો.

“ઓફિશિયલી નોટ બટ…..” એક આર્મી ઓફિસર જેવા દેખાતા શીખે કહ્યું.

“આઈ કેન અન્ડરસ્ટેન્ડ.” તેની સામેના વિશાળ ખભા અને શીખની પાધડીમાં શોભતા ઓફિસરને એજન્ટે હસીને જવાબ આપ્યો. કદાચ એનું એ સ્મિત ફોર્માલીટી માટે ન હતું કેમકે એ અંદરથી ઈચ્છતો જ હતો કે પોલીસ એના કામમાં કોઈ ટાંગ ન અડાવે એટલે જ એણે એ સવાલ ફેરવીને પૂછ્યો હતો.

કમાન્ડો ટ્રેનીંગ સેશનથી દરેકને ખબર હતી કે મલિક હંમેશા એકલો કામ કરવાનું પસંદ કરતો.

“મિશન વિશે કંઈ જાણવા મળશે કે પછી..?”  એજન્ટે હસતા ચહેરે પૂછ્યું.

હવે હોમ મીનીસ્ટરની વારી હોય એમ બધાએ એમની તરફ જોયું.

“આ બધા પાછળ વિક્ટર નામનો કોઈ વ્યક્તિ છે.. આ રેકેટમાં એની સાથે ગોવા, મુંબઈ અને ગુજરાતના માફિયા પણ ભળેલા છે. વિક્ટર કોણ છે એ કોઈને ખબર નથી. લોકોમાં અને અન્ડરવર્લ્ડમાં પણ એનો એટલો ડર છે કે લોકલ ગુંડાઓ એમ માને છે કે વિક્ટરને જોનારી આંખો સાંજ પડતાં પહેલાં કાયમ માટે બંધ થઇ જાય છે. કોઈ કાન જે નામ સાંભળવા માંગતા નથી એ વિકટરના નામ સિવાય કોઈ માહિતી આપણી પાસે નથી. એ કયાં છે? એના સાથીઓ કોણ છે? એની સાથે કયા નેતાઓ કનેકટ છે એ બધું એક રહસ્ય જ છે…” હોમ મીનીસ્ટર વિકટરની તારીફ કરી રહ્યા હતા કે બુરાઈ એ નક્કી કરવું મુશ્કેલ હતું કેમકે વિક્ટર જેવા માણસ માટે એની વિશે થતી ખરાબ ટીપ્પણીઓ જ નક્કી કરે છે કે એ કેટલી હદ સુધી ખતરનાક છે. એ ખુફિયા સ્થળે થતી મીટીંગમાં હાજર રહેલ હાઈ ક્લાસ લોકોને જોતા વિક્ટરનું નામ કોઈ કેમ સાંભળવા નહિ માંગતું હોય એ સમજાઈ જાય તેમ હતું.

“વિક્ટરની ફાઈલ ત્રણ મહિનામાં તમારા ટેબલ પર હશે.” એજન્ટ પોતાની ખુરશી પરથી ઉભો થયો.

એ જાણતો હતો કે વિક્ટરની કોઈ તસવીર નહિ હોય એટલે એ માટે પુછતાછ કરવાનો કોઈ અર્થ ન હતો.

એ ખુફિયા મીટીંગ પુર થઇ. માત્ર કેટલાક શબ્દોની એ મીટીંગ પતાવી મલિક બહાર નીકળ્યો.

એને બહાર ફરી કોઈ ટેક્સીની રાહ ન જોવી પડી કેમકે એની પાછળ જ બહાર નીકળેલા હોમ મીનીસ્ટરની લેમ્બોરગિનીમાં એને લીફ્ટ મળી ગઈ.

જયારે લેમ્બોરગીની મની માજરા પુલ ઓફ થઇ અને એજન્ટ મલિક એમાંથી ઉતરી ત્યાંની ભીડમાં અદશ્ય થયો ત્યારે એ રસ્તામાં હોમ મીનીસ્ટરે કહેલા શબ્દો વિચારી રહ્યો હતો. હોમ મીનીસ્ટરે એને અન ઓફિશિઅલી વિક્ટરને જીવતો પકડવાને બદલે ખતમ કરવાનું કહ્યું હતું અને બદલામાં ખંડાલામાં ત્રણ કરોડની કીમતનો ફ્લેટ.

એ ત્રણ કરોડની કિમતના ફ્લેટ માટે કોઈની હત્યા કરે એમાંનો વ્યક્તિ એજન્ટ મલિક ન હતો પણ વિક્ટર જેવા માણસોને જીવતા પકડવા આમ પણ એને પસંદ ન હતું. એ વિક્ટરને પકડવાને બદલે એમ પણ મારી જ નાખવાનો હતો. હોમ મીનીસ્ટરની ત્રણ કરોડના બંગલાની ઓફર તો એના માટે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ હતી.

*

તમને આ બે સેમ્પલ ચેપ્ટરસ ગમ્યા હોય તો શમણાંની શોધમાં બુક તમે અમેજોન પરથી મેળવી શકો છો અથવા ત્રિવેદી પ્રકાશનના વોટ્સેપ નંબર ૮૧૫૪૯૭૩૧૫૦ ઉપર મેસેજ કરીને આ પુસ્તક મેળવી શકો છો. કેશ ઓન ડીલીવરીની સુવિધા પણ મળશે. પુસ્તકની કિંમત 350 rs છે પણ 100 rs ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.  પુસ્તક મેળવવા માટે તમારું નામ, સરનામું, પીનકોડ અને મોબાઈલ નંબર લખીને ઉપરના નંબર પર વોટ્સેપ મેસેજ કરો.

One Reply to “શમણાંની શોધમાં ( પ્રકરણ 2 )”

Comment here