રણનું પારેવું

રણનું પારેવું

લા લા લા લા લા લા……. સુષ્મા હરખાતી હરખાતી ગીત ગાતી હતી. એની સાસુ પણ હિંચકે જુલતી એને જોઈ રહી હતી. પ્રમોદ આજે નોકરી પર ગયો નહોતો. પ્રમોદના પપ્પા હરિભાઈ દત્ત મન્દિરથી દિવા કરીને આવી ગયા હતા.
સુષ્મા હજુ લા લા લા લા લા ગીત ગાતી અરીસામાં પોતાના પાતળા દેહ ઉપર નવી સાડી લપેટતી હતી. સુષ્મા બાળપણથી જ કુપોષણ નો શિકાર થયેલી હતી તે છેક આજે ચોવીસ વર્ષની થઈ તોય હજુ એનો બાંધો પાતળો જ રહ્યો હતો. ખરું કહીએ તો એમાં કુદરતનો કોઈ વાંક નહોતો પણ સુષ્માની માં લતાબેનને પહેલા બે દીકરી જન્મી હતી એટલે હવે ત્રીજા ખોળે તો એ દીકરો જ હશે એમ ધારીને હોંશે હોંશે પ્રસુતિ વેઠી હતી પણ ફરી એને નિરાશા જ સાંપડી હતી. ત્રીજી પણ દીકરી જ જન્મી હતી. પિતા જયંતીલાલ ને તો મન દીકરો ને દીકરી એક સમાન હતી તે એનું નામ પણ સુષ્મા રાખ્યું હતું. પણ લતા બેન ને ત્રણ ત્રણ દીકરી વધી પડી હતી. તેથી એ ત્રીજી દીકરી ને તો ન ભણવા દીધી ન ખાવા દીધું. સવારે ઉઠીને છેક શાળાના સમય સુધી સુષ્માને કામ કરાવતા અને શાળાએથી પાછી ફરે એટલે ફરી વાસણ , પોછા ને રાંધવામાં મદદ કરવા બેસાડી દેતાં. માધ્યમિક શિક્ષણ શરૂ થયું એટલે લતાબેન કમરનો દુખાવો થાય છે એવું બહાનું કરીને સુષ્માને શાળામાંથી ઉઠાડી મૂકી હતી.
મોટી બે બહેનોને તો દુઃખમાંથી છૂટે એ માટે જયંતિભાઈએ વહેલી તકે પરણાવીને પિંજરા માંથી છોડી દીધી હતી. પણ સુષ્મા પાતળા દેહ ને લીધે વિસ વર્ષની થઈ તોય તેર ની દેખાતી એટલે પૂછવા આવેલા બધા દેખીને જ પાછા જતા રહેતા. બે વર્ષ એવું ચાલ્યું અને આખરે સુષ્માને પણ એના પિંજરાની ચાવી મળી ગઈ હતી. હરિભાઈ દત્ત ને સુષ્મા એમના દીકરા પ્રમોદ માટે યોગ્ય લાગી અને ઘડિયા લગ્ન લેવાઈ ગયા. જયંતિભાઈને હતું કે પ્રમોદ સારો અને ભોળો છોકરો છે એટલે સુષ્માને આ લાગણી વગરના રણ જેવા ઘરમાંથી છૂટી ને સસરિયે સુખ મળશે.
એ તૈયાર થઈ ગઈ કે તરત પ્રમોદનો અવાજ એની પીઠ ઉપર અથડાયો.
” સુષ્મા હવે જઈશું ?”
સુષ્માએ ફરી ને પાછળ જોયું. પ્રમોદ બે હાથની અદબ વાળીને દરવાજે ટેકો લઇ સ્મિત સાથે ઉભો હતો.
” હા ચાલો ” કહી સુષ્મા બહાર નીકળી સાસુ માના પગે લાગી.
“અરે દીકરો જ થશે બેટા ” સાસુએ હસીને કહ્યું.
સુષ્મા અને પ્રમોદ બાઇક ઉપર હોસ્પિટલ તરફ રવાના થઈ ગયા. પ્રમોદ તો બાપ બનવાની ખુશીમાં એની ધૂનમાં હતો. પણ સુષ્મા ને સાસુ ના શબ્દો કાનમાં સારડી જેમ ખૂંચતા હતા.
” અરે દીકરો જ થશે બેટા ”
કેમ દીકરો થાય તો જ સારું ? દીકરી હોય તો શું ખોટું છે ? એ પોતે એક દીકરી નથી ? હું એક દીકરી નથી ? દીકરી લેવાની હોય ત્યારે તો હરખાતા હોય છે બધા તો જ્યારે પોતાના ઘરે દીકરી જન્મે તો કેમ બધા આવું વિચારતા હશે ? અને જો મારે પણ દીકરી જન્મી તો ?
સુષ્માને ચક્કર આવવા લાગ્યા. એને તો ગર્ભ પરીક્ષણ કરાવવું જ નહોતું. એના મનમાં તો દીકરો હોય કે દીકરી બન્ને સરખા જ હતા. પણ સાસુએ અને પતિએ કહ્યું એટલે એને પરાણે જવું પડ્યું હતું.
હોસ્પિટલ પહોંચ્યા રિપોર્ટ કરાવ્યો. અને રિપોર્ટમાં દીકરી જ હતી. પ્રમોદનું મોઢું ત્યાં જ ઉતરી ગયુ એને થયું માં નિરાશ થશે. ઘરે આવ્યા ત્યારે સાસુએ દરવાજે જ પૂછ્યું
” પ્રમોદ દીકરો છે ને ?”
પ્રમોદ કાઈ બોલ્યો નહિ.
“તું બોલતો કેમ નથી ?”
” ના મમ્મી દીકરી છે પણ તને વાંધો શુ છે દીકરી હોય કે દીકરો ?”
દીકરીની વિરોધી સાસુ હેમાબેન નું મોઢું ઉતરી ગયું પણ એ એકના એક દીકરા સામે દલીલ કરવા નહોતા માંગતા એટલે એ દિવસે વાત ત્યાં જ મૂકી દીધી.
સુષ્મા પોતાના પિયર તો જઈ શકે એમ જ નહોતી. પિતાના શબ્દો યાદ આવી જતા ” ના બેટા ભલે મારી ગમે એટલી યાદ આવે મને મળવા તું આ નર્ક માં ક્યારેય ન આવતી ” એ પિતાજીનો કરચલી વાળો દુઃખી ચહેરો યાદ આવી ગયો. આખરે ભગવાને મને કેમ આવી સજા આપી હશે ? સુષ્મા આંસુઓ ને રોકી ન જ શકી. સોફામાં ગૂંચળું વળીને પડી રહી.
મહિના વીતતા ગયા. સાસુનું વર્તન દિન પ્રતિદિન બદલાતું ગયું. વાતે વાતે ઉતારી પાડવું એ સાસુની કળા હોય જ ને…..
” ક્યાં જન્મના પાપ નો બદલો ભગવાને આપ્યો હશે કે મારા પ્રમોદને દીકરી જન્મી ” ” સાસુના એ શબ્દોથી તો સુષ્માનું અંતર વલોવાઈ જતું. પણ એ ચુપચાપ સહન કર્યા કરતી.
છ મહિના તો એમ વીતી ગયા. હવે સુષ્માને આરામ અને પૌષ્ટિક ખોરાકની જરૂર હતી. પણ સાસુ એને કળ કરવા દેતી નહોતી. છેલ્લા દિવસો સુધી એની પાસે કામ કરાવતી. પ્રમોદને કહીશ તો ઘરમાં કજિયા થશે એમ ગણી સુષ્મા એનું નસીબ વેઠતી હતી.
હરિભાઈને ને તો પત્નીના લખણ ખબર જ હતા. એમના થી એ બધું દેખી શકાતું નહિ એટલે એ મંદિર ચાલ્યા જતા. પ્રમોદ ની હાજરીમાં સાસુનું વર્તન અલગ હોતું અને એ ના હોય ત્યારે અલગ હોતું.
હવે છેલ્લા દિવસો આવી ગયા હતા. સુષ્માએ એ દિવસે પ્રમોદને કહ્યું ” તમે હવે રજા લઇ લો ને ગમે ત્યારે …..”
” અરે હું છું ને બેટા પ્રમોદને રજા લઈને શુ કરવી છે ” તરત સાસુમા એમનો રોલ ભજવવા લાગ્યા.
” સુષ્મા મમ્મી છે ને અને કઈ એવું હોય તો મને ફોન કરીને બોલાવી લેજે” કહી ભોળો પ્રમોદ નીકળી ગયો.
બપોર સુધી તો સુષ્મા પથારીમાં પડી રહી. પણ બપોરે દુખાવો ઉપડ્યો નબળા શરીરમાં અસહ્ય વેદના થવા લાગી. સુષ્મા શક્તિ હીન શરીર ને ઊંચકવા પ્રયત્ન કરતી હતી. મહા મહેનતે એ સાસુ ને સાદ પાડી શકી. સાસુ તો આરામ થી ધીમે ધીમે આવી.
” પ્રમોદ ને ફોન કરો ” મંદ અવાજે સુષ્મા એટલું જ બોલી શકી.
સાસુએ સુષ્મા જોતા થોડા નાટક કર્યા ” અરે દીકરી તું ચિંતા ન કર હમણાં જ ફોન કરીને પ્રમોદ ને બોલાવું છું ”
પ્રમોદ આવે ત્યાં સુધી સુષ્મા થાકીને લોથપોથ થઈ ગઈ હતી. પ્રમોદે એને ઊંચકી અને ગાડીમાં સુવડાવી પણ મોડું થઈ ગયું હતું. પ્રમોદ જોતા ગાડીમાં સાસુ એના હાથ પકડી બેઠી હતી. અને અચાનક સુષ્મા બેહોશ થઈ ગઈ. પ્રમોદ પુરપાટ ઝડપે ગાડી હંકારી ગયો.
આઈ. સી.યુ. માં બેહોશ સુષ્મા ને જોઈ ડોકટર નીલમ પણ હેબતાઈ ગયા. રણમાં ભૂલું પડેલ પંખી જેમ ચારે તરફ પાણી માટે ફરે પણ મળે નહીં બસ સુષ્માને પણ ક્યાંય સ્નેહનું પાણી મળ્યું નહોતું. પ્રમોદ રૂપી એક ટીપું મળ્યું હતું પણ એના ભોળપણ ને લીધે એ માં ની દરેક વાત માની લેતો.
કલાક પછી આઇ. સી.યુ. નો દરવાજો ખુલ્યો. ડોકટર નો ચહેરો ઉતરેલો હતો.
” શુ થયું ડોકટર ?” પ્રમોદના અવાજમાં સપસ્ટ ભય હતો.
” તમે સુખી પરિવાર ના છો એ તમને જોતા જ દેખાય છે તો આ બહેન ને કોઈ ખોરાક આપ્યો કેમ નથી ?” ડોક્ટરના શબ્દો પ્રમોદ ની છાતી આરપાર નીકળી ગયા.
પ્રમોદે એની માં તરફ જોયું. ના ધિક્કાર ની નજરે જોયું.
” એ બિચારી પહેલી વાર માં બનવાની હતી પણ તમે તો માં હતા ને ? ” ડોકટરે કહ્યું ” તમને તો ખબર હોય ને કે સમયસર હોસ્પિટલ પહોંચાડવી જોઈએ એને…..!”
શરમ થી લજ્જિત થઈ પ્રમોદ ની માં નીચું જોઈ ગઈ.
” પણ ડોકટર…. એ ….સુષ્મા ” પ્રમોદને કાઈ સુજ્યું નહિ.
” સી ઇઝ નો મોર વી લોસ્ટ હર ” એક પ્રખ્યાત ફિલ્મી લાઈન એના કાને પડી.
” અને બેબી ” છલકાતી આંખો જાણે સવાલ પૂછતી હોય એ ડોકટર સમજી ગઈ હતી એટલે સામેથી જ કહ્યું ” બેબી જીવે છે ”
નર્ષ બેબીને લઇ આવી પ્રમોદને સોંપી દીધી. ડોકટર ચાલી ગઈ.
બેબીને જોતો પ્રમોદ આઈ. સી.યુ. ના દરવાજે રડતો હતો. એના ખભા ઉપર એક હાથનો સ્પર્શ થયો
” ના હું તને માં નહિ કહું હવે ” પ્રમોદ બધું સમજી ગયો હતો “તને દીકરો જોઈતો હતો એ લઘુતા ગ્રંથિમાં તે એ બિચારી ઉપર જુલમ કર્યા એમાં એનો શુ વાંક હતો ? ” પ્રમોદ બેબી ને લઇ ને હોસ્પિટલ બહાર નીકળી ગયો. કાસ કે મારી મા ભણી એની સાથે થોડી સમજી હૉત….. કાસ એ પોતે એક માં છે એક સ્ત્રી છે એ સમજી હોત…… કાસ……
સુષ્માને જો દીકરી જેમ સમજી ને સારો ખોરાક અને આરામ આપ્યો હતો. ભોળા દીકરાને ઓફિસે મુકવાને બદલે સુષ્માને સમયસર હોસ્પિટલ લઈ જવા કહ્યું હોત તો સુષ્મા જીવતી હોત.
પ્રમોદ સ્મશાનમાં ચિતાને બળતી જોઈ રહ્યો. કેટલા સપના જોઈને એ આવી હશે ? એ સવાલ પ્રમોદની આંખમાંથી પાણી બનીને બહાર આવ્યો….. બધા સગા વ્હાલા ધીમે ધીમે સ્મશાન છોડી ગયા. હરિભાઈ પ્રમોદને એકાંત આપવા માંગતા હતા એ અનુભવી માણસ હતા એટલે દીકરાને રડીને મન હળવું કરવા દેવા માટે એ પણ જ્યંતી ભાઈને લઈને નીકળી ગયા.
પ્રમોદને આગમાં સુષ્માના સપના બળતા દેખાતા હતા. કેટલી દયાળુ ! કેટલી સમજુ ! સાસુને માં સમજે એવી પત્ની ! ના પ્રમોદ આ મૃત્યુ નથી આ તો હત્યા છે……. દયાહીન હત્યા……! તું એ ઘરમાં હવે નહિ રહે પ્રમોદ…… તું તારી દીકરીને એ પડછાયામાં નહિ જીવવા દે પ્રમોદ…… પ્રમોદનું અંતર એને કહેતું હતું.
અંતે ચિતા બળી ને રાખ થઈ ગઈ. અને રહી ગયો માત્ર ધુમાડો….. ધૂમડામાં એક આકાર બનીને જાણે કહેતો હતો ” એક દીકરી ને ન સાચવી હવે બીજી ને સાચવી લેજો પ્રમોદ”
પ્રમોદ ઘરે ગયો અને પોતાની નાનકડી સુષ્મા ને લઇ ને રેલવે સ્ટેશન તરફ નીકળી પડ્યો….. ટ્રેનમાં ગોઠવાઈ ગયો….. ” ના તારી ઉપર હું એ પડછાયો પણ નહીં પડવા દઉં ” આંખો લૂછતાં પ્રમોદે બેબીને કહ્યું…… ટ્રેન એક ચિત્કાર કરતી ચાલી ગઈ…..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “રણનું પારેવું”

Comment here