ભગિનીભાસ

ભગિનીભાસ

મેં ઓફીસ જવાની તૈયારી કરી અને હું નીકળ્યો. દરવાજે પહોંચ્યો કે મને નેહાનો અવાજ સંભળાયો.

“ક્યાં ઉપડ્યો હીરો ?” નેહાએ એની અદા માં મસ્કો મારતા પ્રતિકને કહ્યું.

પ્રતીક મારો પડોશી. એણે હમણાંજ જવાનીમાં પગ મૂક્યો હતો. હમણાં જ બી.કોમની પરીક્ષા આપીને પ્રતિકે રમણિક ભાઈ પાસે જીદ કરીને નવું કે.ટી.એમ. ખરીદ્યું હતું તે બસ ફરવાનું ને ફરવાનું. હું ઓફિસે જાઉં એ સમયે પ્રતીક ફરવા નીકળી પડે અને સાંજે મોડો ઘરે આવે. નેહા પ્રતિકની કઝીન હતી. નેહા ને ભાઈ નહોતો ને પ્રતીક ને બહેન. પ્રતીક અને નેહા વચ્ચે રાત દિવસનો તફાવત. પ્રતિકના પિતા રમણિક ભાઈ લાખો પતિ ને નેહા ને પિતા હસમુખ ભાઈ મધ્યમ વર્ગ ના…. નેહા ઘર કુકડી ને પ્રતીક રખડુ…..

“અરે રખડવા જાઉં છું યાર બીજે ક્યાં જાઉં ?” એ ત્રાસી ગયો હોય એમ મોઢું ચડાવીને બોલ્યો.

“તે આજે સાનું રખડવાનું ?” બે હાથની અદબ વાળી ભમર ચડાવી નેહાએ કહ્યું ” આજે તો રક્ષા બંધન છે ભાઈ ક્યાં હાલ્યા ?”

“હે રક્ષા બંધન ? મને….. મને કોઈએ કહ્યું કેમ નઇ ?”

પ્રતિકનું રિએક્શન જોઈ મને પણ અચાનક યાદ આવ્યું કે આજે તો ઓફિસની રજા છે. રજા યાદ આવતા મારુ મન હળવું થઈ ગયું. રૂં ના ઢગ જેવું પોલું અને હલકું મન લઈ હું એ બે ની ચર્ચા સાંભળવા લાગ્યો.

“હા હવે નાટક ના કર ” નેહાએ મોઢું ચડાવ્યું ” સેમ ઓન યુ નેહા રાખી બાંધીને પૈસા પડાવશે એટલે વહેલો વહેલો ભાગી જતો હતો ને ?”
ના ખરેખર નેહા તો ઓશિયાળી થઈ ગઈ હોય એવી થઈ ગઈ…..

“અરે નેહા એવું ના બોલ પ્લીઝ….. હું મારા બાપ જેવો…..” અચાનક ઘરની બહાર આવતા રમણિક ભાઈ ઉપર નજર પડતા એ અટક્યો અને વાત બદલી દીધી ” તો અંદર આવને ”

“ગુડ મોર્નિંગ બેટા નેહા ” રમણિક ભાઈએ નેહાના માથે હાથા પર હાથ મૂકી ખિસ્સા માંથી કરકડતી બે હજાર હજાર ની નોટ કાઢી એને આપી.

“અંકલ….. હું…. આ…” નેહા ખચકાતી હતી.

“હવે લઇ લે ને રક્ષાબંધન છે એટલે આપ્યા છે ” પ્રતીકે ઈશારો કર્યો પછી મોટે થી કહ્યું ” તારે ન જોઈતા હોય તો પછી મને આપી દેજે……”

રમણિકભાઈએ પ્રતીક સામે જોઈ અને ધગધગતી આંખો બતાવી કે પ્રતીક તરત જ ” લા લા લા શુ પપ્પા હું તો બસ આમ જ જસ્ટ જોકિંગ….. યુ તો નો મી ના….. લા લા લા ” ગનગણવા લાગ્યો.

નેહાએ ખચકાતા હાથે પૈસા લીધા પગે લાગી ” શુખી રહો સદા ” કહી સ્મિત આપી રમણિક ભાઈ એમની નવી વરના લઇ નીકળી ગયા.

“તું અંકલ ને જેમ તેમ ના બોલ કહી દઉં છું મારા પપ્પા એ સેર બજારમાં પૈસા ખોયા એમાં અંકલ બિચારા શુ કરે?” નેહા એ પ્રતીક ને એક ધબ્બો માર્યો

“ઓ બાપ રે…..!” પ્રતીક બેવડો વળી ગયો.

“જોયું પપ્પા જ યાદ આવ્યા ને !” નેહા ખડખડાટ હસી પડી.

“હા હવે માન્યું કે સારા છે પણ છોડ હવે રાખડી બાંધ ને મારે નીકળવું છે યાર ”

નેહાએ રાખડી બાંધી પ્રતીકે ખિસ્સા ફંફોલ્યા પણ કાઈ નીકળ્યું નહિ. જીભ વાળીને બે દાંત વચ્ચે ગોઠવી માથું ખંજવાળતો એ ઉભો રહ્યો. ” અલી કાલે મને યાદ જ નો રયુ બોલ પાર્ટી કરી દીધી નવા બાઇકની ”

“અરે કાઈ વાંધો નઈ ભાઈલું ” નેહાએ એના ગાલ ઉપર હાથ ફેરવ્યો ….. ના વ્હાલા નર્યું વ્હાલ હજારો ઊર્મિઓ પ્રકિતના ગાલને વળગી પડી ” તું હસ્તો રહે બસ …..”

પ્રતીક નેહાને જોતો જ રહી ગયો. નેહા ને થયું પ્રતિક રડી પડશે એટલે તરત બોલી ” હવે આ વાંદરા જેવું મોઢું ન લટકાવ લે આ પૈસા અને એસ કર” કહી પેલા બે હજાર પ્રતીક ને આપી દીધા.

“હું કાલે ડબલ રિટર્ન કરીશ ” જાણે મનગમતી વસ્તુ હાથ માં આવી હોય એમ પ્રતિકના પગ મિત્રો પાસે જવા માટે કે.ટી.એમ. તરફ ભાગ્યા…..

“જુગ જુગ જિયો મેરી બહેના ” વ્રુ મમમમમમ કરતું બાઇક ગળી બહાર નીકળી ગયું……

હું હજુ દરવાજે જ ઉભો હતો. મને એ દ્રશ્ય એ સ્નેહ જોઈને ભૂતકાળની એક ઘટના યાદ આવી ગઈ. હું નાનો હતો. હા સાવ ઘોડિયામાં ને મારી મોટી બહેન નિધિ કોઈ અજ્ઞાત બીમારીનો ભોગ બનીને ગુજરી ગઈ હતી. બા એ મને બસ એની વાત કરેલી. એ સમયે સારા દવાખાના નહોતા એટલે એ બચી નહોતી શકી. ન એ સમયે અમારા ગામ માં કેમેરા હતા એટલે નિધિ ની કોઈ તસ્વીર પણ નહતી. એ હતી બસ મારા હૃદયમાં ધરબાયેલી…….

હું રક્ષાબંધન ના દિવસે વિલું મો કરી બેસતો. જોતો બધા ને પોતાની બહેનો દૂર દૂર થી રાખડી બાંધવા આવતી….. પણ….. પણ મારી બહેન તો અનંત દૂર હતી…. એ આવી શકતી નહિ….. ધીરે ધીરે હું મોટો થયો….. સંસાર ની મોહમાયા લાગી ને હું ધીરે ધીરે આ વ્યસ્ત જિંદગીમાં નવરો પડતો જ નહોતો…. નિધિ મને એકલતા માં હમેશા યાદ આવતી પણ આજે રક્ષા બંધન હતી છતાં મારી ઉપર ઓફિસના કામનો અને બોસનો એટલો બોજ હતો કે હું નિધિ ને ભૂલી ગયો….. રક્ષાબંધન નો દિવસ ભૂલી ગયો…..

મને પારાવાર દુઃખ થયું….. હું લથડી પડ્યો…. સખત દરવાજો પકડી લીધો…. નિધિ….. હું પાવડી ઉપર બેસી પડ્યો….. એક ચહેરા વગરની આકૃતિ મનમાં ફરવા લાગી…. નિધિ….. મને માફ કરજે……

અચાનક જ એક હાથના સ્પર્શનો મારા ખભાને અહેસાસ થયો….. ના મારો આભાસ છે દીદી હવે ન આવે…. એ દૂર ઘણી દૂર….. હું મારી જાતને ન રોકી શક્યો…. હું ખુલ્લા મો એ રડી પડ્યો…. બા….. નિધિ….

.”અંકલ…… ” ખભા નો સ્પર્શ મજબૂત બન્યો અને એ સ્પર્શ ઉપરથી વહીને અવાજ મારા કાને પડ્યો…..

“નીરવ ભાઈ…..શુ થયું ?”

મેં ફરીને જોયું નેહા વિહ્વળ ચહેરો લઇ ઉભી હતી. મને અચાનક ભાન થયું કે ગળીના માણસો મને જોતા હતા. નેહા સમજી ગઈ એ મને ઘરમાં અંગણમાં લઇ ગયી. મારા ખિસ્સા માંથી ચાવી લઇ દરવાજો ખોલી અંદરથી ખુરશી લઇ આવી….

“તમે બેસો….”

હું ચુપચાપ બેસી ગયો પણ મારા આંસુ હું હજુ રોકી શકતો નહોતો….. નેહા પાણી લઈ આવી. પાણી પી હું થોડો સ્વસ્થ થયો….

“શુ થયું નીરવ ભાઈ ?” નેહા હજુ બેચેન હતી.

મેં એને બધુ કહી સંભળાવ્યું…..

“મને દુઃખ વધારે એ વાત નું છે કે આજે હું રક્ષાબંધન છે એજ ભૂલી ગયો નેહા ”

“તમારો એમાં શુ વાંક ?” મોટી આંખો કરી નેહા હસી.

“કેમ ?”

“તે ભાઈ તમે અહીં એકલા રહો છો બા બિચારા ગામડે, ઓફિસનું કામ, બોસનો બોજ તે ભૂલી જ જવાય ને ” નેહાએ મોટી આંખો ફેરવીને હસીને હાથ હલાવતા કહ્યું. ” અને હા તમારે આમ રડાય નહિ….. નિધિ બેન ને કેવું દુઃખ લાગે ….!”

કેટલી સમજદાર એ હતી…..! અઢાર વર્ષની નેહા …. એ બોલતી ગઈ….

“આમ વળી રડાતું હશે કાઈ….! બેન તો ભાઈ ને હસ્તો જોવા માંગે ને તમે તો હાય હાય….. ” બે હાથ ની તાળી પાડી એ હસી પડી….. ના એ મૂર્ખ નહોતી…. આ પરિસ્થિતિ ઉપર ન હસાય એ બધું જ એ જાણતી હતી… પણ એની પાસે એક હૃદય હતું બહેન નું હૃદય ને મને હસાવવા માંગતી હતી…. એનો ખિલખિલાટ જોઈ મને થયું ક્યારેક મને હસાવવા નિધિ પણ આમ હસતી હશે….. મને એ દિવસે ન દેખેલી મારી બહેન … નિધીનો ચહેરો દેખાઈ ગયો…. હા પ્રથમ વાર મને નિધિ નો એ અજ્ઞાત ચહેરો નેહા સ્વરૂપે દેખાયો….. હું એને જોતો જ રહ્યો…..

“લાવો હવે હાથ…. બાંધું રાખડી….” કહી મારો હાથ ખેંચી લીધો ” પ્રતીક જેમ તમને આપવા મારી પાસે હવે કાઈ નથી હો……!” હસીને નેહાએ રાખીની ગાંઠ પાડી ” અંકલે બે હજાર આપ્યા એ તો ભાઈ લઇ ગયો ને તમે ભાઈ રહી ગયા…..” એ ફરી હસી…..

હું પણ મારું હસવાનું રોકી શક્યો નહિ….. ખબર નહિ કોઈ અજ્ઞાત આંનદ થી મારુ હૃદય નાના બાળકની જેમ હરખાવા લાગ્યું…..

“ના મારે પૈસા નથી જોઈતા નેહા ” મેં એ રાખીની ગાંઠ જોતા કહ્યું….. ” આ ગાંઠ જ બધુ છે ”

હું ઉભો થયો ખિસ્સામાં હાથ નાખ્યો….. મેં પણ બે દાંત વચ્ચે જીભ મૂકી બીજો હાથથી માથું ખંજવાળવા લાગ્યો….

નેહા એ મોઢું બગાડ્યું…… ના એને પૈસા નહોતા જોઈતા એ પણ મારી જેમ જ બસ અભિનય જ કરતી હતી…. મને હસાવવા…… મેં એક પાંચસોની નોટ નીકાળી એને આપી.

“હવે રડતા નહિ ભાઈ બેન મળી ગઈ ને!!” દરવાજે જતા એ હસીને બોલી….

મને નિધીનો એ અસ્પસ્ટ અજ્ઞાત ચહેરો દેખાતો હતો. નેહામા મને નિધિ નો ભાસ થયો. બહેન કેવી હોય એ મને ખબર નહતી પણ નેહા મને ભગિની ભાસ કરાવી ગઈ….. હું ચુપચાપ એને જતી જોઈ રહ્યો….. પછી ઓફિસે ફોન કરી બે દિવસની રજા લઈને બા પાસે ગામડે નીકળી ગયો…..!!

©વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “ભગિનીભાસ”

Comment here