બા તો બા જ હોય ને…..!

બા તો બા જ હોય ને…..!

બા તો બા જ હોય ને…..!

અંતે એ દિવસે બા ના બરમાની વિધિ પુરી થઈ ગઈ. બધા સગાઓ છુટા પડવા લાગ્યા અને ઘર શુનું થઈ ગયું. સાંજ પડી ત્યારે જ ભાન થયું કે બા નથી આજે તો હોટેલમાં જ જમવાનું છે. બારણું બંધ કરીને તાળું વાસી દઈ ચાવી ખિસ્સામાં સરકાવી દઇ હું ચાલ્યો.
બહાર મારુ એ વર્ષોનું સાથીદાર સ્કૂટર ખડું હતું. ના નથી લેવું ચાલતો જ જાઉં સમય તો જાય થોડો….. હું ચાલતો ચાલતો માર્કેટ તરફ જવા લાગ્યો. સાંજના સમયે સાખભાજીની લારીઓ વાળા બૂમ પડતા હતા ” ખાલી કરવાનો ભાવ ખાલી કરવાનો ભાવ ” અને કેટલીયે બા ની ઉંમરની ત્યાં સખભાજી લેતી હતી. મને એક દ્રશ્ય નજરે થવા લાગ્યું. હું ઘણીવાર સાંજે આ જ રસ્તેથી ઘરે જતો ત્યારે બા આ બધી લારીઓ ઉપરથી સાખ લેતી નજરે ચડતી પછી અમે બે માં દીકરો અહીંથી ઘર સુધીની યાત્રા સ્કૂટર ઉપર કરતા. અને ઘરે જતા જ બા કહેતી
” જયલા હવે કોઈ છોડી શોધી ને કંકુના કર દીકરા મરાથી હવે આ ઢસરડા નથી થતા ને કાલે હું મરી જાઉં તો તું તો રખડી જઈશ ને મારા લાલા ”
હું બસ ખડખડાટ હસીને કહેતો ” તો સલમાન ખાન રખડી ગયો હોત , એવું ના હોય બા હા થોડી તકલીફ પડે ખાવા પીવાની બસ ”
” હોમ તારે….. મારુ તું કદી કાઈ માને જ છે….!” બા ગુસ્સે થઈ જતી…. ને પછી એ બધો ગુસ્સો સખભાજી ઉપર ઉતારતી…. ફટાફટ ચાકુ થી સાખ કાપવા લાગી જતી …..
દુનિયામાં કોઈ મારુ કહેવાય એવું હોય તો એ બસ બા જ હતી. બા માત્ર બા જ નહીં પણ મિત્ર પણ હતી. એ દિવસે જ મને એકલા પડયાનું ભાન થયું. હું હોટેલમાં જમી ને ઘર તરફ પાછો ફર્યો. રોજની જેમ દરવાજો ઉઘાડો નહોતો….. મેં દરવાજો ખોલ્યો. અંદર ગયો ત્યાં તો બેડ ઉપર ચાદર ચોળાયેલી પડી હતી…. તકિયા વેર વિખેર હતા…. સાખભાજીની છાબડીમાં જોયું તો એમાં પણ કરમાયેલા ધાણા અને એક બે બગડેલા બટાકા પડ્યા હતા. ઘરમાં બધે જ કચરો જતો. મેં જેમ તેમ કરીને બેડની ચાદર ખંખેરી અને પથરી પછી સુઈ ગયો…..
સવારે જાગ્યો ત્યારે ઘડિયાળમાં જોયું સવારે જાગ્યો ત્યારે ઘડિયાળમાં જોયું તો આઠ ને ત્રીસ થઈ ગઈ હતી…… રોજ તો બા ઉઠાડતી ને…..! હું જેમ તેમ ઉઠ્યો અને નહાવા ગયો….. બાથરૂમ બહાર નીકળતા જ ટુવાલ માટે આમ તેમ ફાંફા માર્યા અને મહા મહેનતે મને ટુવાલ મળ્યો. કપડાના કબાટમાં જોયું તો બધા કપડાં મેલા ડાટ પડ્યા હતા. જેમ તેમ કરી એક થોડો ઓછો મેલો શર્ટ અને પેન્ટ નીકાળી પહેરી. પણ તેલ……. તેલની બોટલ તો પછી શોધવી જ રહી….. ને અંતે બેલ્ટ શોધવા માં પણ મારે દસ મિનિટ ની કુરબાની આપવી જ પડી…. ક્યાંય બેલ્ટ ન મળ્યો અને અંતે બેડ નીચે ભુજંગની જેમ ગોળ વળેલો પડ્યો બેલ્ટ મેં ખેંચી કાઢ્યો…..
તૈયાર તો થયો પણ કેવો ! બા……. તું કેટલું ધ્યાન રાખતી હતી….. ? આ બધી નાની નાની વાતો માં મને ક્યારેય કોઈ તકલીફ નહોતી કેમ કે બા તું હતી ને……. !
મનમાં વિચાર સાથે હું મેલા ચાદર વાળા બેડ ઉપર બેસી ગયો. પણ નોકરી તો જવું જ પડશે ને….. ફરી ઉભો થયો અને બારણું બંધ કરી તાળું વાસીને હું નીકળ્યો…. સ્કુટરને કિક મારી ત્યાં તો ખાલી આંતરડાનો અવાજ આવ્યો….. સીધું જ સ્કૂટર મેં એક નાસ્તા ની દુકાન આગળ ઉભું રાખ્યું….
” 100 ગ્રામ ફાફડા…… ”
અને તરત છોકરો ફાફડા લઈને આવ્યો…. ભૂખ્યા પેટે હું એ ખાઈ તો ગયો…. પણ ….. પણ ક્યાંક કઈક ખૂટતું હતું….. હા બા નો પ્રેમ ક્યાં હતો એમાં …..? સસ્તા એ પૌઆ હતા પણ ગરમ અને બા ની મમતાની હૂંફ ઉમેરેલા જ હોતા……! આ ફાફડા માં ક્યાંય એ સ્વાદ મને ન મળી શક્યો બસ પેટ ભરાયું માત્ર…..
હું ઓફીસ ગયો પણ બા વિસરતી નહોતી. બપોર સુધી મેં કામ કરીને સમય નીકળ્યો…. બપોરે બધા જમવા ઘરે ગયા અને હું પણ નીકળ્યો…. ત્યાં જ અચાનક યાદ આવ્યું ઘરે ? ઘરે હવે કોણ બનાવે જમવાનું ? મારે તો હવે હોટેલ જ જવાનું છે. હોટેલ પહોંચી ઓર્ડર આપી હું જમવા બેઠો. જમીને હાથ ધોતો હતો ત્યાં જ અવાજ આવ્યો ” આ એક પતળી રોટલી લઇલે જયલા સાંજે તો મોડો ઘરે આવીશ…… ”
ના આ તો બ્રહ્મ હતો… આ તો રોજિંદા વાક્ય મને બસ એમ જ સંભળાયું હતું….. બા ….. મારી આંખ છલકાઈ ગઈ અને હું હોટેલ માં જ રડવા લાગ્યો…. પણ કોણ પૂછે શુ થયું ? બા હોય તો ને ?
રસ વગરનું એ જમવાનું ને રસ વગરનું એ હોટલનું ટેબલ છોડી હું નીકળ્યો…..
મને યાદ છે બા ગણેશ ચતુર્થીના લાડુ બનાવતી ત્યારે અમારા ઘરમાં ઘી ઓછું પડતું…. હું એ સમયે કમાતો ન હતો અને બાપુજી ગુજરી ગયા હતા. બસ એમના થોડા પેનસન માંથી ઘર ચાલતું. ઓછા ઘી ના એ લાડુ માં પણ કેટલી મીઠાશ હતી એ મને હવે સમજાય છે….
એ દિવસે સાંજે હું જમ્યા વગર જ ઘરે આવ્યો. રાત્રે મોડા સુધી મેં માંડ ઘરની હાલત સુધારી. હું થાકીને બેડમાં પડ્યો પણ એટલા થાક માં પણ મને ઊંઘ ન આવી….. ક્યાંય સુધી બા ની એ મૂર્તિ અલિયામાં મને તાકતી રહી અને હું એને ….. જાણે બા કહેતી હતી ” જયલા હવે એક છોડી શોધીને કંકુના કરી દે…..”
” પણ બા એ તારા જેવી ન જ હોય…. ” માંરાથી બોલાઈ જ ગયું….
એ દિવસે પહેલી વાર જ હું ભૂખ્યા પેટે સૂતો હતો. બાળપણ થી જવાની સુધી હજારો વાર બા થી અબોલા લઈને જમવાની ના કહેતો પણ બસ ના જ કહેતો….. થોડી વાર માં તો બા મને ગમતું ભરેલા ભીંડાનું સાખ તૈયાર કરીને આવી જતી…..
” જયલા આજે તો મસ્ત બન્યું છે લાલા…. ”
અને હું બસ ખાવા ઉપર તૂટી પડતો…. અબોલા ક્યારે વિસરાઈ જતા એ પણ ખબર ન રહેતી અને હું ખાતો ખાતો હજારો વાતો કરવા લાગતો અને બા મને જોતી બેસી રહેતી…..
આજે આ ઘરમાં બા નથી, બા ની માત્ર છબી જ છે. બા સિત્તેર ની થઈ હતી, અશક્ત હતી છતાં મારુ કેટલું ધ્યાન રાખતી ? ઘર કેટલું સુંદર અને સ્વચ્છ રાખતી ? બા વગર હું સાવ આવડી મોટી દુનિયામાં જાણે એકલો પડી ગયો છું…. ભગવાને મને બા લઈને મોટો આઘાત આપ્યો છે પણ બા ઉંમર થઈને ગુજરી છે એટલે હું ભગવાનને દોષ નથી આપી શકતો પણ બસ એટલું કહીશ કે દુનિયામાં દરેક જયલા ની બા ને ભગવાન સાજી નરવી રાખે…. બા ની એ ખાલી જગ્યા હું ક્યારેય પુરી નહિ શકું….. બા તો બા જ હોય ને……!

© વિકી ત્રિવેદી ‘ ઉપેક્ષિત ‘

Comment here