બળાત્કાર

બળાત્કાર સ્ત્રીનો કે માનવતાનો ?

રિદ્ધિ ઘરે આવી….. નર્યા ઉદાસ ભાવ એના ચહેરા ઉપર કળાઈ આવતા હતા…. કૈક ખોટું થયાની રેખાઓ એના ચહેરા ઉપર હતી. આંખોમાં આસું તો એ લૂછી ને જ આવી હતી ક્યાંક મમ્મી જોઈ જાય તો ? એ સીધી જ ઘરે આવીને રૂમમાં ચાલી ગઈ..
સૂરજ એને આવતા જ જોઈ ને સમજી ગયો હતો કે કંઈક થયું છે જરૂર નહીં તો મારી લાડલી બહેન ઘરે આવે અને મને જાપટ માર્યા વગર કે મશકો માર્યા વગર રહે ખરી……! એ તરત રિદ્ધિના રૂમ તરફ ગયો…. દરવાજા ઉપર ટકોરો કર્યો પણ કોઈ જવાબ ન આવ્યો…. આ રિદ્ધિ કોઈ પ્રેન્ક તો નથી ગોઠવ્યો ને…. હું અંદર જાઉં એટલે મને ડરાવવા નો અચાનક….. હમમમમમ એટલે જ આવું મોઢું લઈને આવી છે મને છેતરવા લાગે….. લૂચી……. સૂરજ સાવધાનીથી દરવાજો ખોલવા ગયો….. પણ દરવાજો ન ખુલ્યો…. અંદરથી લોક હતું…..
” રિદ્ધિ…. ” સૂરજ ને અજુગતું લાગ્યું….. ” દરવાજો ખોલ રિદ્ધિ……”
કોઈ જવાબ મળ્યો નહિ….. મિતા બેન પણ દોડીને આવ્યા ” શુ થયું સૂરજ…..?”
” મમ્મી જો ને આ રિદ્ધિ નથી તો દરવાજો ખોલતી નથી જવાબ આપતી..”
સૂરજ ને બસ રિદ્ધિ ઉપર ગુસ્સો જ આવ્યો પણ મિતા બેન એક સ્ત્રી તરીકે બધું સમજી ગયા…. નક્કી કૈક તો ખોટું થયું જ હશે…. અને રિદ્ધિ હતી પણ ફ્રેન્ક….. એ બધા કોલેજના ફ્રેન્ડ સાથે હરતી ફરતી …. એને જમાનાનું જ્ઞાન નહોતું હજુ…. પપ્પા સુરેશભાઈ તો ઘણી વાર મિતા બહેનને કહેતા પણ ખરા ….. ” જમાનો ખરાબ છે મિતા દીકરી ને હું બાપ તરીકે એ બધું ન કહી શકું પણ તું તો સમજાવ એને….”
અને મિતા બેન કહેતા ” એ ભોળી છે એને મન તો બધા સૂરજ છે ધીમે ધીમે સમજી જશે…”
” સમજતા ક્યાંક મોડું ન થઈ જાય બસ…” કહી સુરેશ ભાઈ વાત છોડી દેતા….
મિતા બેનને એ બધા જ શબ્દો આજે અચાનક યાદ આવી ગયા…. ” રિદ્ધિ બેટા દરવાજો ખોલ ….. ”
અંદરથી કોઈ અવાજ ન આવ્યો.. મિતા બેનની છાતી થડકવા લાગી..
” સૂરજ દરવાજો તોડી દે ” ભયભીત અવાજે એ બોલ્યા.
સૂરજે ફરી એક વાર બૂમ પાડી પણ કઈ જવાબ વળ્યો નહિ… આખરે સૂરજે દરવાજો તોડવાની કોશિશ કરી અંદરનો રુમ હતો એટલે સ્ટોપર જાજી મજબૂત નહોતી અને સૂરજ પણ મજબૂત હતો એટલે તરત સ્ટોપર તૂટી ગઈ….. પણ આ શું ?……… અંદરનું દ્રશ્ય જોતા જ નીતા બેનને ચક્કર આવવા લાગ્યા…. રિદ્ધિ …… કોમળ ફૂલ જેવી દીકરી પંખે સાડી બાંધી લટકવા ની તૈયારી કરતી હતી..
સૂરજે જઈને એને પકડી લીધી ગળામાંથી સાડીનો ફંદો નિકાળી દીધો…. અને રડતી રિદ્ધિ ને એક તમાચો લગાવી દીધો…. ડુસકા ભરતી રિદ્ધિ ભાઈને વળગી ને જોર જોરથી રડવા લાગી.
” સૂરજ….” નીતા બેને આંખોથી ઈશારો કરી દીકરાને સમજાવ્યો …. રિદ્ધિને પોતાની પાસે ખેંચી લઈ પૂછ્યું બેટા શુ થયું….. ? શાંતિ થી વાત કર…. અમે તારા દુષમન નથી કાઈ ગાંડી અમને કે શું થયું અમે સાથે જ છીએ ને….” હજારો દુઃખના ઘૂંટડા પીધેલા નીતા બેન સરળ અને સમજુ હતા…
” મમ્મી ….” ફરી રિદ્ધિ રડવા લાગી…..
” ના બેટા બોલ શુ થયુ છે…?”
” હું ….. કોલેજમાંથી પીકનીક ઉપર ગઈ હતી…. ” ડુસકા ભરતી રિદ્ધિ બોલી નહોતી શકતી… સૂરજ પાણી લઈ આવ્યો… પાણી પી ને થોડી સ્વસ્થ થઈ એ બોલી ” કોલેજ માંથી આજે પર્વતારોહણ માટે લઈ ગયા હતા… ત્યાં ભૌતિક અને પ્રીતમે સુમસામ એરિયા નો ફાયદો લઈ ને……” રિદ્ધિ ફરી રડવા લાગી….
સૂરજનું લોહી ઉકળવા લાગ્યું…. પણ ભૌતિક તો એમ.એલ.એ. નો છોકરો હતો અને પોતે માધ્યમ વર્ગના માણસો હતા…. કરે તો શું કરે….? સૂરજ બસ રડતી બહેન સામે જોઇને ધુબાપુવા ઉભો રહ્યો….. ના હું એને નહિ છોડું ….. સૂરજ ઉભો થયો….
” સૂરજ…. બેટા ક્યાં જાય છે ?” મિતા બેન ભડકેલો સૂરજ કઈક કરી બેસશે એ સમજી ને એને પકડી લીધો….
” હું એ હરમીઓ ને જીવતા નહિ રાખું મમ્મી તું આજે ચૂપ રહેજે…. ”
” હા અને પછી તું જા જેલમાં એટલે અમારે તો એકનો એક દીકરો પણ ખોવાનો…. ” મિતા બેન રડી પડ્યા…. રિદ્ધિ એ સૂરજને હાથ જોડી વિનંતી કરી ” ભાઈ તું મારા લીધે તારી લાઈફ ખરાબ થાય એવું ન કર…. ”
રડતી બહેન અને માં એ સૂરજને રોકી દીધો…. ત્યાં જ સુરેશ ભાઈ પણ આવી ગયા….
બધા ને એ હાલત માં જોઈને એ પણ ગભરાઈ ગયા….
નીતા બેને એમને જે થયું એ બધું કહી સંભળાવ્યું…. સુરેશ ભાઈ બે હાથમાં મોઢું પકડી ક્યાંય સુધી બેસી રહ્યા…. અસહાય હતા…. શુ કરે ? દસ હજારની નોકરી અને ભાડાનું ઘર….. સામે એમ.એલ.એ. નો છોકરો ….. કોઈ દિશા નહોતી બચી…… ઉપરથી બ્રાહ્મણ સમાજના પોતે ઈજ્જતદાર માણસ…. સમાજ માં થું થું….. લોકો તો એમ જ કહેશે ” સુરેશ ભાઈની છોકરીને લફરું હતું અને અને છેવટે મોઢું કાળું કરી ને બીજા ઉપર દોષ આપ્યો…. ” સુરેશ ભાઈ સમાજ અને લોકો ને સારી રીતે ઓળખતા હતા…. છાતીમાં દુખાવો થવા લાગ્યો…. ગળું કોઈ દબાવતું હોય….. કોઈ ધસમસતી ટ્રેન સીધી જ આવીને છાતી ઉપર પડી હોય….. મોઢા ઉપર કાળું કપડું ….. અને સામે ફંદો લટકતો હોય….. હાથ પણ બંધાયેલા જ હતા ને ! સુરેશ ભાઈએ પત્ની સામે જોઈ કહ્યું ” મેં તને કહ્યું હતું કે જમાનો ખરાબ છે એને સમજાવ…. ”
” પણ કોલેજની પીકનીક માં આવું થાય એ કોણ વિચારે તમે શાંતિથી વિચારો જરાક…”
સુરેશભાઈ ચૂપ થઈ ગયા…. રાત્રે સૂરજ અને રિદ્ધિ સુતા પછી પતિ પત્ની આખી રાત જગતા રહ્યા….
” મીતા પોલિશ કેસ કરીશું તો પણ આપણા ઉપર જ બદનામી આવશે ”
” પણ કેસ તો કરવો જ પડશે ” મિતા બેને મક્કમતા થી કહ્યું…
બીજી તરફ સૂરજ રિદ્ધિને જોઈને બેઠો હતો…. હવે કોણ લઈ જશે મારી બહેન ને….! અહીં ગામમાં હવે કઈ રીતે રહીશું ? રિદ્ધિ ઉપર શુ વિતતી હશે ?
આખુ ઘર એ દિવસે ગમગીન થઇ ગયું હતું… બીજા દિવસે સવારે સુરેશભાઈ પરિવારને લઈને પોલિશ સ્ટેશન ગયા. ઇન્સ્પેકટર એન.ડી. પરમાર ને વાત કરી…. ઇન્સ્પેક્ટરે બધી વાત શાંતિથી સાંભળી અને પછી કહ્યું….
” કેસ રિદ્ધિ ઉપર થશે…. આગળથી ઓર્ડર છે…. ”
ધ્રાસકો એક બીજો જ આઘાત….. સાવ નિઃસહાય …. લાચાર….. મજબુર બાપ..
ઇન્સ્પેક્ટરે ચા પુરી કરી ફરી કહ્યું ” મારી અંગત સલાહ છે ગામ છોડીને જતા રહો ક્યાંક દૂર….”
સુરેશભાઈ પરિવાર સાથે ચુપચાપ સ્ટેશન બહાર નીકળી ગયા….. એક દુખિયારી માં, બેબસ ભાઈ, લાચાર પિતા અને નિઃસહાય રિદ્ધિ એ દિવસે જ ગામ છોડી મુંબઈ જતા રહ્યા…. કાઈ કેટલાય દિવસ સુધી મિતા બેન રિદ્ધિની ચોકી કરતા ….. એમને હતું જ કે એ ક્યાંક ફરી આત્મહત્યા….. રિદ્ધિ સુનમુન ઘરમાં બેસી રહેતી…. ન સૂરજ સાથે ગમમત કરી શકતી ન પપ્પા સાથે વાત કરી શકતી….
સૂરજ બસ એની ખામોશી જોઈને દુઃખી થયા કરતો…. મારી બહેન મને કેટલી મસ્તી કરાવતી….! એ કેટલી નિર્દોષ રીતે કહેતી….. હમણાં મને જલસા કરી લેવા દે સૂરજ કાલે મને કેવો પતિ મળશે શુ ખબર……” સૂરજ ની આંખ માંથી પ્રેમ સ્નેહ ઝાકળ બની વહેવા લાગતો….. હસતી ખેલતી મારી બહેન ક્યાં ખોવાઈ ગઈ….. ઈશ્વર તું ક્યાં છે ? બસ સૂરજ એકલો રૂમ માં ભરાઈને રડ્યા કરતો…. સુરેશભાઈએ સમાજ ના છોકરાની આશા છોડી જ દીધી હતી…. સારો છોકરો તો તૈયાર નઈ જ થાય અને જે કોઈ તૈયાર થશે એ પણ એવો જ હશે…… આખું ઘર એક ઉદાસી માં જીવન પસાર કરતું હતું…. ઘરમાં એ હસી મજાક એ ખિલખિલાટ ક્યાંય ખોવાઈ ગયો….. ઈશ્વર ઉપરની શ્રદ્ધા પણ પુરી થઈ ગઈ હતી…. બસ એક મિતા બેન ક્યારેક ક્યારેક મહાદેવ ના મંદિરે જઇ આવતા.
વાત ને બે વર્ષ વીતી ગયા પણ હજુ ક્યાંય ઘરમાં કોઈ ઉજાણી નહોતી થતી…. એક દિવસ સૂરજ બહાર નીકળ્યો…. બસ મન હળવું કરવા બીચ ઉપર આંટા મારતો હતો ત્યાં જ અચાનક એને એનો મિત્ર મળી ગયો….. કૌશિક…. સૂરજ શરમથી નીચું જોઈને ચાલવા લાગ્યો….
” સૂરજ….. ” કૌશિક સૂરજને જોઈ ગયો…
સૂરજ સરમાતા મોઢે નીચું જોઈ ઉભો રહ્યો….
” દોસ્ત આમ અચાનક ક્યાં ગાયબ થઈ ગયા હતા તમે અમદાવાદ થી ?”
” કૌશિક ત્યાં હવે અમારા માટે રહેવું શક્ય નહોતું… અને કોઈ ને ખબર પડે તો લોકો અહીં પણ જીવવા ન દે એટલે જ અમે રાતો રાત …. ”
” પણ દોસ્ત મને તો કહેવાય ને ? હું તો મિત્ર હતો ને…. મેં રિદ્ધિ વિશે સાંભળ્યું છે બધું મને બહુ જ દુઃખ થયું…. ”
સૂરજ બસ ચૂપચાપ ઉભો રહ્યો…
” સૂરજ તું સમજે એવું કંઈ નથી અમે તારૂ દુઃખ સમજીએ છીએ દોસ્ત તને તો ખબર છે આપણે નાનપણથી ભેગા મોટા થયા હતા… આ બે વર્ષ માં મેં તને અને તારી ફેમિલી ને રોજ યાદ કર્યાં, બધાને પૂછ્યું તમારું પણ કોઈને તમારી કાઈ ખબર જ નહોતી…. અને આજે તું અચાનક જ મળી ગયો…. ”
કૌશિક સૂરજ ને પરાણે કીટલી ઉપર લઈ ગયો… ચા નો ઓર્ડર કરી ને એમણે બન્ને સુખ દુઃખ ની વાતો કરી… પણ સૂરજનું મન તો બસ એક જ દુઃખ માં ડૂબેલું હતું મારી બહેન નું શુ ? એનું જીવન હવે કઇ રીતે નીકળશે ? એ કઈ કહેતી નથી પણ એના ઉપર શુ વિતતી હશે ?
” સૂરજ એટલાં સમય પછી પણ તું આમ ગુમસુમ બેઠો છે તો રિદ્ધિ ઉપર શુ વિતાતી હશે એની કલ્પના કરીને પણ હું થરથરી ઉઠું છું…. ”
” અમારું બધાનું જીવન હવે બરબાદ છે કૌશિક ચલ હું જાઉં…”
” અને હું સુધારી દઉં તો ? ” કૌશિકે કહ્યું…
” મતલબ ?” ઉભો થયેલો સૂરજ અટકી ગયો…
” દેખ દોસ્ત તું મારો જીગર જાન મિત્ર હતો એટલે હું કદી કહી ન શક્યો પણ હું રિદ્ધિને …..” થોડી વાર અટકીને ફરી કૌશિકે ઉમેર્યું ” હું આજે પણ એની સાથે મારુ જીવન વિતાવવા તૈયાર છું જો તને મંજુર હોય તો……” બોલીને કૌશિક નજર નીચી કરીને બેસી રહ્યો…..
સૂરજના ચહેરા ઉપર બે વર્ષમાં પહેલી જ વાર એ દિવસે સ્મિત દેખાયું હતું…. સૂરજ કૌશિક ને ભેંટી પડ્યો…..
” તું મહાન છે દોસ્ત…. ” સૂરજ ની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા….
” બળાત્કાર સ્ત્રી નો નથી થતો સૂરજ માનવતા નો થાય છે….. અને સમાજ લોકો સમજે છે કે બળાત્કાર થયેલી સ્ત્રી હવે શું કામ ની ? પણ ખરેખર એ સ્ત્રીને જે સ્વીકારે એને એ સ્ત્રી જેટલો પ્રેમ આપી શકે એટલો પ્રેમ કોઈ સામાન્ય સ્ત્રી પોતાના પતિ ને ક્યારેય ન આપી શકે….. અને હું તો પહેલે થી જ સમાજ વિરોધી છું ખોટા લોકો નો સાથ હું ક્યારેય આપતો જ નથી દોસ્ત કેમ કે મારી માનવતા નો ક્યારેય બળાત્કાર મેં થવા દીધો જ નથી…..” સુરજના આંસુ લૂછતાં કૌશિક બોલ્યો અને બંને મિત્રો ભેંટી પડ્યા….
” ચાલ કૌશિક…. મમ્મી પપ્પા અને રિદ્ધિ ને આ સમાચાર તો જલ્દી આપવા પડશે….. એમનો મરેલો આત્મા ફરી જાગી જશે…. તને તો ખબર નઈ કેટલું પુણ્ય મળશે….”
બંને મિત્રો ઘર તરફ જવા લાગ્યા….. સૂરજ ને ફરી એક સૂરજ દેખાવા લાગ્યો…. મારી બહેન ફરી હસતી બોલતી થઈ જશે…. મમ્મી પપ્પા ફરી જીવવા લાગશે…. સૂરજ કૌશિકના હસમુખ ચહેરા અને એના પવિત્ર આત્મા તરફ જોતો રહ્યો….. મારી બહેન ને તો કૌશિક મળી ગયો પણ દુનિયામાં હજુ કેટલીયે બહેનો ને આત્મહત્યા કરવાનો વારો આવે છે ….. અને એવા કેટલાય પરિવાર સાથે અન્યાય થાય છે…. માત્ર પૈસાના પાવર ને લીધે….. કેટલીયે બહેનો સાથે અન્યાય થયો છે એનું શું ? સૂરજે એક દુઃખ દિલમાં દબાવી આકાશ તરફ જોયું…..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here