ગઝલ :- નથી હોતી…

હકીકતમાં તો મારી પૂર્વતૈયારી નથી હોતી,

બધી આફત નહિંતર સાવ અણધારી નથી હોતી,

ઘણી ઇચ્છા કુંવારી હોય છે ઘડપણ સુધી શાને?

હૃદય તારી બધી ઇચ્છાઓ સંસારી નથી હોતી!

તપાસો તો ઘણી ઇચ્છા અધૂરી હોય છે ભીતર,

ભલા અમથી જ કોઈ લાશ કઇ ભારી નથી હોતી!

ફકત શણગાર કોઈ આંખને ગમતો નથી યારો,

નહિં તો ફૂલથી શું લાશ શણગારી નથી હોતી?

તમોને ચાહવામાં એ નિયમ ભૂલી ગયો’તો હું,

શમાને તો પતંગાથી કશી યારી નથી હોતી!

કવિતાઓ કવિ લખશે ભલે એના ઉપર મબલખ,

હકીકતમાં બધીયે યાદ કઇ સારી નથી હોતી,

સતત ભાગ્યો ‘ઉપેક્ષિત’ તું બધા અવસરથી છેટો, પણ

મરણ ટાણે શું કરશે? ત્યાં છટકબારી નથી હોતી!

– ઉપેક્ષિત

2 Replies to “ગઝલ :- નથી હોતી…”

Comment here