અકબંધ

અકબંધ

દ્રશ્ય ૧
( 1995 ની વર્ષમાં દમયંતીબેન આર્ટસ કોલજના દરવાજે એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની ઉભા છે. બન્ને વિદ્યાર્થીઓએ સાદું જીન્સ પહેરેલ છે પણ 1995ના વર્ષ માં એ બંને મોડર્ન ગણાતા હતા. કોલેજ ગેટની સામે એક જીણીબાઈ નામની ત્રીસેક વર્ષની મહિલા ચણા-મમરા વેચે છે. કોલેજ એવી જગ્યાએ હતી જ્યાં ત્રણ ગામના છેડા મળતા હતા. અમીપુર, રાકાંટક અને ધર્મનગરી.)
વિદ્યાર્થીની (સ્મિત સાથે): રાજેશ આપણે આજે ગ્રેજ્યુએટ થઈ ગયા.
રાજેશ (વિદ્યાર્થી) : હા નીલમ અને એ પણ આ કોલેજ ના
પ્રથમ ગ્રેજ્યુએટ.
નીલમ : હમમમમમ.
રાજેશ : તો હવે તું શું કરીશ નીલમ ?
નીલમ : તારે મારાથી વધારે ગુણ આવ્યા છે રાજેશ પહેલા તું
કહે તું શું કરીશ?
રાજેશ : હું તો કઈ ખાસ નહિ બસ પપ્પાના ધંધામાં
જોડાઈશ. અને તું?
નીલમ : હું તો જીવનમાં કઈક કરીને બતાવીશ. ભલે તને ગુણ
મારાથી વધુ મળ્યા પણ હું તારી જેમ સામાન્ય જીવન
નથી જીવવાની.
રાજેશ : તું મને પડકાર ફેંકે છે?
નીલમ : ના રાજેશ. પણ હું સતત ત્રણ ત્રણ વર્ષ સુધી મારા
ગામ અમીપુર થી અહીં પગપાળા આવી છું. હું એટલી
ભણી શહેરની રીત ભાત શીખી, મોડર્ન બની અને હવે
કોઈ અભણ સાથે પરણીને ખેતી કરું? રાજેશ હવે હું
ગાયો અને ભેંસો વચ્ચે ખેતરમાં નથી જીવવા માંગતી.
રાજેશ:તું ફ્રેન્ડ છે એટલે કહું છું તુ આ બધા શહેરી રંગે રંગાઈશ
તો દુઃખી થઇશ.
નીલમ : સાચું જીવન શહેરમાં જ છે રાજેશ. અને તું ડરે છે
શહેરથી હું નઈ.
રાજેશ : તો તું મને ચેલેન્જ આપે છે એમ ને ? તો આપણે 20
પછી જોઈશું કે કોણ શુખી છે અને કોણ દુઃખી.
નીલમ (ચપટી વગાડીને) : હા મંજુર.
રાજેશ : આજે 17 માર્ચ 1995 છે. આપણે 17 માર્ચ 2015
એકબીજાનો સંપર્ક કરીશું.
નીલમ : ડન. 17 માર્ચ 2015 ના રોજ સાંજે 5 વાગ્યે હું તને
અહીં મળીશ. કોઈ પણ સનજોગોમાં મળીશ જ.
ભલે હું અમીર હોઇશ કે ગરીબ ભલે મારા મેરેજ
થઈ ગયા હશે તો પણ હું અહી આવીશ જ.
રાજેશ : ઓકે. આજ કોલેજ ના આ ગેટ આગળ જ્યાં હાલ
આપણે છીએ અહીં જ મળીશું. બેસ્ટ ઓફ લક.
નીલમ : તને પણ બેસ્ટ ઓફ લક.
( રાજેશ અને નીલમ બન્ને વિરુદ્ધ દિશામાં જાય છે.)
દ્રશ્ય 2
( વર્ષ 2015 ની માર્ચ 17 એક યુવતી ગામડાના પહેરવેશમાં એક દુકાનદાર પાસે જાય છે)
યુવતી : ભાઈ સાહેબ અહીં દમયંતી કોલેજ હતી એ હવે ક્યાં
છે ?
દુકાનદાર : અરે આ સામે જે મોટું કમ્પાઉન્ડ દેખાય છે એ જ
દમયનતી કોલેજ છે.
યુવતી : એટલું બધું બદલાઈ ગયું ?
દુકાનદાર : જી હા અહીં આ જગ્યાએ પહેલા મારી બા ચણા
મમરા વેચતી હવે દેખો અહીં દુકાનો થઈ ગઈ. બા
1 રૂપિયામાં ચણા મમરા વેચીને દિવસના માંડ
50 રૂપિયા કમાતી અને હું એક 10 રૂપિયાની એક
સિગરેટ વેચીને રોજ ના હજાર રૂપિયા કમાઉ
છું.
યુવતી : સારું ભાઈ.
(યુવતી ત્યાંથી ખસીને સામે એક મોટા દરવાજા પાસે જઈને ઉભી રહી. કોલેજમાં છોકરા છોકરીઓ અવરજવર કરતા હતા. અને એને જોઈને હસતા હતા.)
એક છોકરો : આતી ક્યાં…..?
બીજો છોકરો : જવાદે ને યાર એના હાલ તો જો
એક છોકરી (ખડખડાટ હસીને) : માય ગોડ કોલેજમાં આવી દેશી ગામડાની બાઈ ?
( યુવતી ચુપચાપ બધું સાંભળ્યા કરે છે . ત્યાં અચાનક સામેથી એક ધોતી પહેરણમાં એક પુરુષ આવતો દેખાય છે. યુવતી એ પુરુષને જોયા કરે છે અને ધીમે ધીમે એ પુરુષ નજીક આવે છે.)
યુવતી(રડમસ અવાજે) : રાજેશ તું જીતી ગયો.
રાજેશ : કેમ ?
નીલમ : હું એ દિવસે છુટા પડ્યા પછી એક પ્રાઇવેટ કમ્પનીમાં
લાગી ગઈ અને ખૂબ મહેનત કરીને 5 વર્ષમાં હું અમેરિકા સુધી પહોંચી ગઈ.
રાજેશ : તો એતો સારું કહેવાય ને !
નીલમ : ત્યાં મને પહેલા 5 વર્ષ તો ફાવ્યું નહિ અને બીજા 5 વર્ષ
હું એ પશ્ચિમી રંગ માં રંગાઈ ગઈ. મેં બધું એન્જોય
કર્યું. અને હું છેક મારી કમ્પની ની મેઈન મેનેજર
ની પોસ્ટ સુધી પહોંચી અને એક દિવસ મને અચાનક
આપણી વાત યાદ આવી.
રાજેશ : સારું છે તને યાદ આવ્યું.
નીલમ (ઉદાસ થઈને) : હું વિચારતી હતી કે હું શહેરી જીવન
જીવીને હું જે ભણી છું શીખી છું એ બધું સાર્થક
કરું છું રાજેશ. પણ હું ખોટી હતી. મને ધીરે ધીરે
સમજાવા લાગ્યું કે આ બધું તો છલ છે. બહારનો
દેખાવો છે ખાલી. મને અહેસાસ થઇ ગયો કે મોટી
હોટેલમાં ફરવું , ખાવું પીવું, ફરવું, એન્જોય કરવું
એ બધું તો બસ બીજાને બતાવવા માટે જ છે એમાં
ક્યારેય સાચો આંનદ નથી થતો. અંતર માં ક્યાંય ખિલખિલાટ નથી થતો. પણ જ્યારે સમજી ત્યારે 20 વર્ષ વીતી ગયા હતાં
રાજેશ મેં અમૂલ્ય સમય વેડફી દીધો.
રાજેશ (મંદ હસીને ) : અરે નીલમ હવે જ સવાર છે. તું આખરે
વતન પાછી ફરી ને. હજુ પણ તું એ બધું
માણી શકે છે જે તે ગુમાવ્યું છે.
નીલમ : ના રાજેશ મને એમ હતું કે હું વતન જઈને ભૂલ સુધારી
દઈશ. જો હું આ ગામડાના પહેરવેશમાં આવી છું. પણ
પણ જે કોલેજમાં આપણાં જેવા બે વિદ્યાર્થી મોડર્ન
કહેવાતા એ કોલેજ , એ શહેર કેટલું બદલાઈ ગયું છે.
મને હવે એ 20 વર્ષ પાછા ન મળે. હું હવે એ સાત્વિક
જીવન ન જીવી શકું રાજેશ. તું ખુશ નસીબ છે કે તું
અહીં રહ્યો અને એ જ સાત્વિક જીવન જીવ્યો.
રાજેશ ( નિશાશો નાખીને) : હું પણ ઘેલછા કરી બેઠો નીલમ.
નીલમ (નવાઈથી ) : કેમ ?
રાજેશ ( દુઃખી થઈને ) : નીલમ તું જ્યાં મેનેજર હતી ત્યાં હું
પણ બીજા વિભાગમાં મેનેજર હતો. હું તારા ઉપર
નજર રાખતો હતો. તે ભારત આવવા માટે ટીકીટ
બુક કરાવી એ પણ મને ખબર હતી. મેં પણ 20 વર્ષ વેડફી દીધા છે.
નીલમ : ઓહ રાજેશ તે મને ક્યારેય કહ્યું પણ નહીં ? પણ રાજેશ હું મારા સ્વાર્થ માટે ગઇ હતી તું કેમ …?
રાજેશ : મારો સ્વાર્થ તું હતી નીલમ. હું તને ચાહતો હતો.
હું બસ એ જ જોવા માંગતો હતો કે તું મને યાદ કરે
છે કે પછી આ કોલેજના ગેટ આગળ 20 વર્ષ પછી
હું એકલો જ આવવાનો હતો.
નીલમ : અને એ ખાતરી કરવામાં તે 20 વર્ષ વેડફી દીધા ..!
રાજેશ (આસું સાથે ) : ના નીલમ મેં તને મેળવી લીધી.
નીલમ : પણ રાજેશ અહીં રહેવાનો હવે અર્થ નથી. અમેરિકા
અને આપણી આ કોલેજના બાળકો વચ્ચે કોઈ ભેદ
રહ્યો નથી.
રાજેશ : હજુ આપણું ગામડું અકબંધ છે નિલીમ. ચાલ.!
( નીલમ રાજેશનો હાથ પકડી ને પોતાના ગામ તરફ ચાલવા લાગી. કોલેજના છોકરા છોકરીઓ એ બન્ને ને જોઈને દેશી સમજીને હસવા લાગ્યા એ જોઈ રાજેશ અને નીલમ પણ હસ્યાં. નીલમ ને મનોમન થયું 20 વર્ષ પછી આ બધા પણ સમજશે)

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

3 Replies to “અકબંધ”

Comment here