વિદ્યાલય

વિદ્યાલય

નયનાબેન ઘરના આંગણામાં બાંધેલા ઝૂલે ઝૂલતા  હતા. રોનીત અને રેખા બંને શાળાએથી આવ્યા. રોનીત અને રેખા બંને જોડિયા ભાઈ બહેન હતા. બન્ને આઠમાં ધોરણમાં ભણતા હતા. બંને આવતા જ દાદી સાથે જૂલે જુલવા લાગ્યા. નયના બેન એટલે જેના નયન થી બસ પ્રેમ નિતર્યા જ કરે!

નયના બેન ને ચાર દીકરા હતા. મોટો અમદાવાદમાં પંડિત, એથી નાનો સુરતમાં ડાયમન્ડમાં, એથી નાનો મુંબઈમાં જીમ ટ્રેઇનર હતો અને સૌથી નાનો નવીન રાજકોટમાં સ્કૂલ ચલાવતો. નયના બેન નાના દીકરા સાથે રાજકોટમાં જ રહેતા. નવીન ને બે બાળકો રોનીત અને રેખા. બન્ને ને દાદી હેત થી ઉછેરતી. નવીનની પત્ની નલિની ક્યારેક વઢતી તો દાદી તરત સાઈડ લેવા તૈયાર…..!

“તમેં છોકરાને મોઢે ચડાવશો તો આગળની જિંદગીમાં દુઃખી થશે” ઘણી વાર નલીની સાસુને ફરિયાદ કરતી.

“છોકરાને જીવવા જ ન મળે તો સુધરીને પણ શુ કરી લેવાના બેટા?” દાદી કહેતા.

“તમે અલગ જ વિચારધારા ધરાવો છો મા.” કહી નલિની હાથ જોડી દેતી.

“તો દાદી તમારા જમાના માં સ્કૂલ માં બેગ લઈને જવું પડતું?” રોનીતે પૂછ્યું.

“હા બેટા અને એ પણ ઘેટાની જેમ …..”

નયના બેન વાક્ય પૂરું કરે એ પહેલાં જ ચાર્મીએ બૂમ પાડી “રોનીત….રેખા…. લેટ્સ ગો ટુ પ્લે…”

અને એ બુમ હવામાં ગાયબ થાય એ પહેલાં જ બંને ભાઈ બહેન દોડી ગયા.

નયનાબેનની વાત તો અધૂરી જ રહી ગઈ પણ એમનું મન જુલતા જુલા સાથે ભૂતકાળમાં ચાલ્યું ગયું.

“અલી નયનાડી તું તૈયાર થઈ કે નઈ?” રંભા દોડતી આવીને બોલી, “અરે હજુ તું ચોટલા કરે છે મોડું થશે તો વિષ્ણુ સાહેબ તો ચામડી તોડી નાખશે”

“હા હવે, જઈએ છીએ આ કોઈ ભણતર કહેવાય ….. ! બળજબરી થી સવારે 5 વાગે ઉઠવાનું અને તૈયાર થઈને નીકળી જવાનું.”

“તું તારા વિચાર તારી પાસે રાખ તારી દલીલથી વિષ્ણુ ભાઈ નઈ માને ગાંડી ચાલ હવે.”

બન્ને બહેનપણીઓ ચાલી. સ્કૂલમાં પહોંચી એટલે તરત પી.ટી. શિક્ષક અતુલભાઈએ રોક્યા, “કેમ લેટ પડ્યા?”

“સર અમારી પાસે બીજા બધાની જેમ સાઇકલ નથી.” નયના એ દલીલ કરી એ જોઈ રંભા સમજી ગઈ કે આજે માર પડવાની જ. આ અતુલભાઈને કોઈ જવાબ આપે તો શું હાલત થાય એ એને ખબર નથી શુ? એ મનોમન બબડી.

“તો વહેલા ઉઠવાનું. તમે બન્ને રોજ મોડા આવો છો.” આંખો બતાવી અતુલ ભાઈ બોલ્યા.

“સર પાંચ વાગે તો જાગીએ છીએ પણ બ્રશ, નાવાનું, ચા નાસ્તો અને છેક કવીંટલથી અહીં સુધી ચાલતા આવવાનું એટલે મોડું થાય છે.” નયનાએ કહ્યું.

અતુલ ભાઈએ સટાક કરતી એક થપ્પડ નયનાને લગાવી દીધી. “એ બધી તમારી પ્રોબલેમ્સ છે મારે નઈ જોવાનું.” દાજ તો સામે દલીલ કરી એની હતી. અતુલભાઈને એ બન્ને જણ સમજતા હતા.

નયના સીધી જ આચાર્યની ઓફીસમાં ગઈ અને પોતે મોડા આવી એનું કારણ કહ્યું પણ આચાર્યે પણ એવું જ વર્તન કર્યું. એ બિચારી ઉદાસ ચહેરે પોતાના વર્ગમાં ગાઇ ત્યા ફરી કલાસ ટીચર રોહિત ભાઈએ રોકી, “મારો તાસ પૂરો થવા આયો એટલી વાર શુ કરતા હતા?” એ બરાડ્યા.

“સર અમે થોડા જ લેટ પડ્યા હતા. પણ પી.ટી. શિક્ષક અતુલભાઈએ દસ મિનિટ બગડાવી અને દસ  મિનિટ પ્રિન્સિપાલે બગાડી.” નયના એ એના સ્વભાવ મુજબ જ લડત કરી .

“એટલે હવે તું શિક્ષકો અને આચાર્ય કરતાંય હોશિયાર થઈ ગઈ એમ?”

“ના સર, પણ એ લોકો પૂર્વગ્રહોથી પીડાય છે. એ લોકો વાસ્તવિકતાને સમજતા નથી. મારુ ઘર દૂર છે અને મારી પાસે બીજા જેમ સાઇકલ નથી એટલે મોડુ થાય છે.”

“તો હવે તારા માટે સ્કૂલનો ટાઈમ બદલી દઈએ શુ?” ફરી શિક્ષક બરાડ્યા.

“ના સર, પણ હું પ્રાથના પુરી થાય એ પહેલાં જ આવી જાઉં છું હું રોજ પહેલો તાસ શરૂ થાય એ પહેલા પહોંચી જાઉં છું પણ રોજ અતુલભાઈ જ મને એમના જિદ્દી સ્વભાવ ને લીધે કલાસમાં આવતા રોકે છે.”

“તે પ્રાથના માં તો આવવું જ પડે ને.”

“પ્રાથના તો દિલથી થાય સર, જબરજસ્તીકરાવાની ન હોય. એક બાળકને સવારે પાંચ વાગે જાગે તોય મોડું થઈ જાય તો એમાં ભગવાન પણ સમજે કે એની ભૂલ નથી ”

“તો હવે મને ફિલોશોપી શીખવીશ? અને આ તું લેટ આવે એટલે શું મારે રોજ તારી હાજરી માટે ફરીથી રજીસ્ટર ખોલવાનું? ચાલ ઉઠક બેઠક કર….

નયના એ ઉઠક બેઠક શરૂ કરી. બધા છોકરા એના ઉપર હસ્યાં. પણ એ ખચકાઇ નહીં એના માટે એ બધા મૂર્ખ યંત્રો જ હતા એ કોઈ માણસ ન હતા. અને એ ખોટી પણ ક્યાં હતી? જો અતુલ ભાઈએ જ એને જાવા દીધી હોત તો ન એનો પહેલો અંગ્રેજીનો તાસ બગડોત ન આ બધી માથાકૂટ થાઓત. પણ શિક્ષકોનો ઘમન્ડ પણ ક્યાં ઓછો હતો. એક પંદર વર્ષનું બાળક સાચી દલીલ કરે તો પણ એમનો ઈગો હર્ટ થતો હતો. આમ કહીએ તો એ બધા કેટલા મૂર્ખ હતા જે વાસ્તવિકતા સમજતા ન હતા. પણ નયના હારી ન હતી. નયના આંખમાં આંસુ સાથે એની બેન્ચ પર બેઠી. રંભા પણ રડી ગઈ હતી પણ એ નયના જેમ બોલી નહોતી શક્તી. એ બિચારી કરે તો કરે શુ ? ત્રીજા તાસ સુધી એ બંને એમજ ઉદાસ ચહેરે બેઠા હતા. ત્રીજો તાસ વિજ્ઞાનનો હતો અને એ દિવસે ચોપડા તપાસવાના હતા. વિજ્ઞાન શિક્ષક રાજ ભાઈએ ચોપડા તપસ્યા ત્યારે નયનાને હોમવર્ક પણ અધૂરું જ હતું!

“કેમ નયના? તું સ્કૂલમાં જ કેમ આવતી હશે? તારા બાપના પૈસા બગાડવા માટે જ ને? રોજ તારી આજ હોળી હોય છે.” રાજુભાઈ પણ એ રીતે જ બરાડ્યા.

“સર મારે ઘરે કામ હતું એટલે હોમવર્ક નથી કર્યું પણ તમે જે હોમવર્ક આપ્યુ એ મને તૈયાર છે તમે કહો તો હું ધાતુ અને અધાતુ ના ગુણધર્મો બોલી જાઉં.” ગઈ કાલે વર્ગમાં ચર્ચા કરેલો વિષય નયનાએ બરાબર યાદ કરી લીધો હતો. નયનાને આદત જ હતી જે વર્ગમાં ચાલે એ બધું જ ધ્યાનથી સમજીને યાદ રાખી લેવાનું.

“એટલે હવે તું તારી હોશિયારી મને બતાવીશ એમ? આ શાળા છે બાપનો બગીચો નહિ કે તમારે જેમ કરવું હોય એમ કરો.” રાજુભાઈ ત્રાટકયા.

“સર લેસનનો અર્થ હોય છે કે જે વિદ્યાર્થી તૈયારી ન કરે એને લખવા આપવું એટલે એ બહાને એ વાંચે પણ મારે તો તૈયાર છે સર.” નયનાએ મક્કમતાથી કહ્યું.

“ઓહ તો તમે હવે મારા સાહેબ થશો એમને ….ચલ પ્રિન્સિપાલ જોડે.”

એક દિવસમાં નયના બિચારી બીજી વાર આચાર્યની ઓફિસમાં ગઇ હતી. રાજુભાઈએ બધી વાત કરી એટલે પે’લા તો નયનાને માર પડી પછી એવા જ નકામા સવાલ.

“તારા કપડાં કેમ મેલા છે?” એ સવાલ તો તિર ની જેમ ખૂંચ્યો હતો એના દિલમાં.

“મારી પાસે બે યુનિફોર્મ નથી સર એટલે હું સોમવારથી બુધવાર સુધી એજ પહેરું અને બુધવારે ધોવું પછી ગુરુવારથી રવિવાર સુધી પહેરું એટલે મેલા થાય છે.”

“દાદી…..દાદી…. તમેં રડો છો ?”

જુલો સ્થિર થઈ ગયો હતો. રેખા એમને ચા આપવા આવી ત્યારે એમની આંખોમાં આંસુ હતા.

“કાઈ નહિ બેટા…. ” કહી ચાનો કપ લેતા એ હસ્યા. પછી સાંજે ચાલવા માટે બહાર નીકળ્યા. જઈને નવીનની શાળા આગળ ગયા.
“માતૃશ્રી નયનાબેન વિદ્યાલય” ચાંદી જેવા સ્ટીલના અક્ષરો જગારા મારતા ચમકતા હતા. નયનાબેન અંદર ગયા એટલે ગાર્ડ સલામ કરીને ખડો થઈ ગયો. એને હસીને ઈશારો કરીને બેસવા કહ્યું.

નયના બેને આ શાળા બનાવી એની પાછળ એમનો ભૂતકાળ હતો. નયનાબેનને એ દિવસે શાળામાંથી એલ.સી. આપી કાઢી દેવામાં આવ્યા હતા. એ સમયે તો બાપ વગરની નયના ભાંગી પડી હતી પણ પછી એ ફરી કોઈ શાળામાં ભણવા ગઈ જ નહોતી. લગન થયાં પછી બીમારમાં પણ ગુજરી ગયા હતા. પિયરમાં તો કોઈ બીજું હતું જ નહીં પણ પતિ લાખ રૂપિયાનો મળ્યો હતો! નર્યું સુખ આપ્યું હતું. અને બાળકો પણ તદ્દન સંસ્કારી અને છેક જ એમના જેવા જ સ્વભાવના હતા. પછી તો બાળકો ધંધે લાગ્યા અને કમાવા માંડ્યા. છેલ્લા છ વર્ષથી નવીનને કહીને આ શાળા ચાલુ કરી હતી.

નયનાબેન જાહેર બોર્ડ પાસે ગયા. બોર્ડ વાંચ્યું

શાળાનો સમય 9 થી 4.
બાળકોના બેગ પુસ્તકો શાળામાં જ સેલ્ફમાં મુકવાની સુવિધા.
બાળકોને હોમવર્ક અહીં જ કરાવી દેવામા આવશે.
બપોરે 12 થી1 રીસેસમાં બાળકને શાળામાં જ જમવાનું રહેશે.( જમવાના કોઈ પૈસા લેવામાં આવતા નથી)
દરેક બાળકને 3 યુનિફોર્મ શાળા તરફથી મળશે.
શિક્ષકોની ફરિયાદ શાળાના ટ્રસ્ટી ટ્રસ્ટી શ્રી નયનાબેન ત્રિવેદીને સીધી જ કરી શકાશે
રમત ગમત માંટે ગરીબ બાળકોને શ્રી રંભાબેન શાહ તરફથી બધી જ સહાય આપવામાં આવે છે.
ધોરણ 1 થી 8 ના બાળકો માટે શાળાનો સમય 9 થી 4 રહેશે.
ધોરણ 9 થી 12 ના બાળકો માટે શાળાનો સમય 11 થી 6 રહેશે.
પ્રાઇવેટ શિક્ષકોનું કોઈ પણ પ્રકારનું શોષણ કરવામાં આવશે નહિ.
દૂર રહેતા બાળકોને લેવા મુકવા માટે શાળા બસની સુવિધા.
ગરીબ બાળકો માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી કે કોઈ સર્ટિફિકેટ આપવાનું રહેતું નથી.

મુદ્દાઓ વાંચીને એક હાસ્ય વાદળ એમના ચહેરા ઉપર ફરી વળ્યું. પછી એ સીધા જ આંઠમાં ધોરણના કલાસ માં ગયા.

“ગુડ ઇવનિંગ મેડમ…..” ના એક સામટા અવાજ કાન સાથે અથડાયા.

“વેરી ગુડ ઇવનિંગ માય ચિલ્ડ્રન….. સીટ ડાઉન….”

બાળકો બેસી ગયા પછી એ બોલ્યા…. ” કોઈને કોઈ તકલીફ તો નથી ને…..?”

– વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

All rights are reserved. No part of this publication may be reproduced or stored in a retrieval system or transmitted in any form or by any means, electronic, mechanical, photocopying, recording or otherwise, without the written permission of the author.

One Reply to “વિદ્યાલય”

Comment here