vicky-trivedi-gujarati-story-tyag

ત્યાગ

હેત બિન્દાસ છોકરો હતો. સ્પાઈસી હેર સ્ટાઇલ અને એની વિચિત્ર દાઢીને લીધે એને બધા બિઅર્ડ બોય કહેતા. એને કપડાનો ભારે શોખ. ઘરેથી ઓફીસ જતા જેટલી રેડીમેડની દુકાનો આવે, હેતની નજરમા બહાર લટકતા કપડાં ઉપર હેત ઉભરાઈ જતું. અને એમાંય ‘ચેક સ્ટાઇલ’ સો-રુમમાં સો-પીસનું એક ભૂખરું લેધર જેકેટ તો એના મનમાં વસી જ ગયું હતું. જતા ને આવતા એને એ જેકેટ ખરીદવાની ઈચ્છા થઈ આવતી પણ ખિસ્સામાં તો પૈસા ન હોતા અને હોય તો પૂરતા ન હોતા.

એ દિવસે એનો પગાર થયો હતો. હાથમા રોકડા કેસ બાર હજાર રૂપિયા આવ્યા હતા. હેતનું હૃદય એને શો-રુમમાં ખેંચી ગયું. સો-રુમમાં જઈને જાત જાતના જેકેટ જોયા પણ એની નજર તો પેલા ભૂખરા જેકેટને જ શોધતી હતી જે ઓફિસે જતા એણે બહાર સો પીસમાં જોયું હતું. શોપ-કીપરને ઘણુંય કહ્યું કે ભૂખરું જેકેટ પણ એને એ જેકેટનું નામ નહોતું આવડતું બિચારાને. કીપરે કેટલાય ભૂખરા જેકેટ બતાવ્યા ને આખરે એ જેકેટ ટેબલ ઉપર મૂક્યું ત્યારે હેતની નજર એ જેકેટને જોતી રહી ગઈ.

“સર આજ જેકેટ તમે…..” કીપર વાક્ય પૂરું કરે એ પહેલાં જ હેત બોલ્યો.

“હમમમમ… હા હા…. આજ.” કહી જેકેટ ઉઠાવી એ આઇના તરફ ધસ્યો. જેકેટ પહેર્યા પછી જોયું. “વોવ મારા ફિટ બોડી ઉપર શુ જચે છે યાર!’ મનોમન એ બોલતો હતો. ‘દરિયાકિનારો હોય ને એમાં પણ સૂર્ય અસ્ત થતો હોય, ભીની રેતીમાં જીન્સ ઊંચું ચડાવી જેકેટ પહેરીને મારા શિક્ષ એબ્સ દેખાય એવો શાહરુખ ખાનની અદામાં ફોટો હોય તો બોસ એક હજાર લાઈક તો ફેસબુકમાં કોઈના બાપની નઇ.’

હેત અરીસામાં એના સુંદર ચહેરાને, એના વ્યક્તિત્વને એ જેકેટમાં ઓર ખીલેલું જોઈને હરખાતો હતો. ત્યાંજ આયનામાં એને એક સ્ત્રી અને બાળક નજરે ચડ્યા. હેતે ફરીને જોયું તો એ સ્ત્રી સાથે એક બાર તેર વર્ષનું બાળક હતું. એ સ્ત્રી એના બાળકને કપડાં અપાવવા માટે લઇ આવી હતી. બાળકના ચહેરા ઉપર નવા કપડા લેવાનો આંનદ ડોકિયું કરતો હેતને સપસ્ટ દેખાયો ને હેત ને એનું બાળપણ યાદ આવી ગયું.

હેત ત્યારે ચૌદ વર્ષનો હતો. એના પિતા અવસાન પામ્યા એ સમયે રમીલાબેનને વીમાના પૈસા મળવાના હતા પણ એ પૈસા હેતના કાકાએ પડાવી લીધા હતા. એની મમ્મી રમીલાબેન બિચારી ગામના સરપંચ પાસેય ગઈ હતી પણ ચૌદસિયા ચોર તો ચોરને જ સાથ આપે ને!

રમીલાબેને હિંમત ન હારી. ગામમા શાકભાજી વેચવાનું ચાલ્યું કર્યું. ગામના બૈરાં (સ્ત્રીઓ) પણ એના ઉપર દયા ખાઈને એની પાસેથી જ શાકભાજી લેતા. અને કેમ ન લે? રમીલા બેનનો સ્વભાવે કેવો સુંદર હતો…..! ગામના બૈરાં તો કેતાય ખરા, “અલી રમલી, તું તારે પેટનું પાણી મત હલાવજે અમે બધીએ તારી હારે પડખે ઉભી છો.”

રમીલાબેન ભરી આંખે હાથ જોડી કહેતી, “મારે આ હેત ભણીગણીને નોકરી લે પછી મારે કોઈ ચિંતા નઇ.”

“અરે તારો દીકરો તો મોટો અધિકારી બનશે જોજે ને તે સંસ્કાર દેવામાંય ક્યાં કોઈ ખોટ રાખી છે અલી.”

ત્યારે તો રમીલાબેનને હેત ઉપર એટલુ હેત આવતું કે રૂપિયા પાંચ રોકડા વાપરવા આપી દેતા.

હેત અને રમીલાબેનનું જીવન આમ ચાલતું હતું. પછી હેત ભણવા માટે શહેરમાં ગયો ને ત્યાં કોલેજમાં છોકરા છોકરીઓ એની મજાક ઉડાવતા. હેતના માથામાં ટોપાસી જેવા ચોંટાડીને ઓળેલા વાળ ને છેક ઉપર સુધી બંધ કરેલા શર્ટના બટન જોઈ કેટલીયે છોકરીઓ હસતી. પણ એની પાસે પૈસા ક્યાં હતા કાઈ ખરીદવા ના?

શરૂઆતમાં તો હેતની બધા ખીલ્લી ઉડાવતા. પણ હેત હતો હોશિયાર એટલે કોલેજમાં પ્રથમ સત્રમાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયો! થોડા ભાઈબંધો મળી ગયા પછી તો ભાઈબંધોની સંખ્યા ધીમે ધીમે વધતી ગઈ ને પછી તો હેત પણ શહેરના રંગે રંગાઈ ગયો હતો. એક વર્ષમાં તો એ સાવ બદલાઈ ગયો હતો. દેખોતો સ્પાઈસી વાળ ને નવી આવેલી દાઢીમાં નવી નવી ફેશન. ભાઈબંધોના ગલાસીસમાં તો એ ખીલી ઉઠતો. પછી તો કઈ કેટલીયે છોકરીઓ પણ એને પસંદ કરવા લાગી હતી પણ એને એ બધામાં ઇન્ટરેસ્ટ જ ક્યાં હતો!

એને બસ એક નોકરી લેવી હતી. મા ને પેલો શાકભાજીનો ધંધો બંધ કરાવીને આરામ ઉપર મૂકી દેવી હતી. એને શોખ હોય તો બસ એક કપડાં ને સજવા નો.

કોલેજ પુરી થઈ એટલે એને નોકરી પણ મળી ગઈ હતી. પછી તો થોડા શોખ પણ પુરા થતા. પણ બધા તો ન જ થાય ને…..! એને તો હતું કે હું ભણવામાં હોશિયાર એટલે નોકરી પણ સારા પગારની મળશે પણ મળી બસ બાર હજારની ને એમાં પોતાના ખર્ચા પુરા કરવા, શોખ પુરા કરવા કે પછી મા ને મોકલવા? તેમ છતાં હેત હંમેશા ખુશ જ રહેતો.

આજે બીજો પગાર મળ્યો કે તરત એ બીજા ભાઈબંધોએ જેવુ જેકેટ લેવા માટે ‘સ્ટાઇલ ચેક’માં આવી ગયો હતો.

“ના સ્મિત…. એટલા મોંઘા કપડાં નઈ લેવાય.” પેલી સ્ત્રીએ આંખ કાઢીને કહ્યું.

હેતનો ફ્લેશ બેક એ સ્ત્રીના અવાજથી ઝાખો થયો અને હેત એ મા દીકરાને જોવા લાગ્યો.

“પણ મારા બધા ફ્રેન્ડઝ સારા સારા કપડાં પહેરે છે તો મારે આ જ લેવા છે.” સ્મિતને પોતાની ગરીબી અને મજબૂરીની સમજ ન હતી એટલે જીદ કરવા લાગ્યો.

“પણ આ કપડાં તો પંદરસોના છે સ્મિત.” પેલી સ્ત્રી ખરેખર મુંઝવાતી હતી.

હેત કીપર પાસે ગયો. “આ જેકેટના કેટલા રૂપિયા છે ભાઈ?”

“ડિસ્કાઉન્ટ કાપતા સત્તર સો.” કીપરે હસીને કહ્યું.

“ઓકે.” કહી હેતે પર્સ નીકાળી કીપરને સો સો ની પંદર નોટ આપી.

પૈસા ગણીને કીપરે કોઈ આના કાની કાર્ય વગર જેકેટ પેક કરવા માંડ્યું ત્યારે હેત બોલ્યો

“પેક ન કરશો ભાઈ.”

“ઓકે સર પહેરી લેવું છે એમ ને? સર તમારી ફિટ બોડી ઉપર જેકેટ ખરેખર શોભતું હતું. પહેરી જ લો.”

“આભાર પણ મેં આ જેકેટ નથી ખરીદ્યુ.” હેતે હસીને કહ્યું.

“સોરી સર.” કીપરને કાઈ સમજાતું નહોતું.

“વેલ મેં જે પેમેન્ટ આપ્યું એ પેલા છોકરાના કપડાં માટે આપ્યું છે.” મા સાથે ઝઘડતા સ્મિત તરફ આંગળી કરતા હેતે કહ્યું.

કીપર પહોળી આંખે હેતને જોતો સામેના કાઉન્ટર પાસે ગયો. અને સ્મિતને કપડાં પેક કરીને આપ્યા.

“અરે ભાઈ મારી પાસે એટલા પૈસા નથી તમે પેક કેમ કર્યા?” પેલી સ્ત્રીએ નવાઈથી કહ્યું.

“તમારે કોઈ પૈસા નથી આપવાના.” કીપરે કહ્યું.

“એટલે?”

“તમારું પેમેન્ટ અલરેડી થઈ ગયું છે.”

“કોણે કર્યું?”

માતા ના ચહેરા ઉપર તો ચોખ્ખી નવાઈ હતી પણ સ્મિતના ચહેરા ઉપર મનગમતા કપડાં મળ્યાનું સ્મિત રેલાઈ રહ્યું હતું.

“પેલા સામેના કાઉન્ટર ઉપર ઉભા એ ભાઈએ.” કીપરે હેત તરફ ઈશારો કરીને કહ્યું.

સ્મિત અને એની મા બંને હેતને જોઈ રહ્યા. હેત સ્મિતને હાથ હલાવતો, સ્મિત આપતો સો-રુમ બહાર નીકળી ગયો.

સો-રુમ બહાર આવી એ ઉભો રહ્યો. એને એક વિચાર આવ્યો. મેં ત્યાગ કર્યો છે કે મેળવ્યું છે? એક બાળકનો ચહેરો અંખ સામે આવવા લાગ્યો. ફાટેલા અને મેલા કપડા વાળો સ્મિત એની નજર આગળ દ્રશ્યમાન થવા લાગ્યો. મને જે ન’તું મળ્યું એ મેં કોઈને આપ્યું છે કે ભૂતકાળમાં જઈને ખુદ ને જ આપ્યું છે?

એ વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં જ અચાનક ફોન રણક્યો.

“હા મમ્મી આજે આવું જ છું ઘરે. ને મમ્મી હવે તો મારું પ્રમોશન પણ થવાનું છે.”

“પ્રમોશન તો તારું આજે જ થઈ ગયુ બેટા……” સ્મિતની મમ્મીએ સો-રુમ બહાર આવતા કહ્યું!

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here