vicky-trivedi-gujarati-story-ne-didi-sambhari

ને દીદી સાંભરી !

વાંચકોને વાયદો કરેલો. એક નવી નવલકથા મુકવાનું નક્કી કરીને લોકોને જાહેરાત કરેલી. જાહેરાત મુજબ એ નવલકથાના ચાર હપ્તા મુક્યા પણ ખરા. લોકોને ગમી પણ ખરી. પણ મારા નસીબમાં કાંઈક જુદું જ લખાયેલ હતું કે પછી એ નવલકથાનું ભાગ્ય જ એવું હતું! રામ જાણે પણ નવલકથાનો પાંચમો હપ્તો મૂકી શક્યો નહિ!

દીદી હતી ત્યારે તો મારી બધી વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવાયેલ હોતી! ગમે ત્યારે ગમે તે પુસ્તક ગમે તે વસ્તુ હાથ વગી જ હોતી! આયુષી ગુજરી ગયા પછી એ બધું અસ્થવ્યસ્થ બની ગયું. હું ઘરમાં એકલો અને એમાં પણ અપરિણીત એટલે ઘર કેવું હોય? સ્ત્રી વગરનું ઘર હોઈ હોઈ ને કેવું સ્વસ્થ હોય? ગમે ત્યાં પુસ્તકો પડ્યા હોય, ગમે ત્યાં કપડાં પડ્યા હોય, બાથરૂમમાં ત્રણ દિવસ કે પછી અઠવાડિયા સુધી પણ મેલા કપડાં લટકતા હોય! ભીના કપડાંને ફૂગ વળી જાય અને વાસ આવે ત્યારે જ યાદ આવે કે ગયા સોમવારે જે કપડાં બદલ્યા હતા એ બાથરૂમમાં જ રહી ગયા હતા.

નવલકથાને પણ એવું જ નસીબ સાંપડ્યું! ચાર હપ્તા વાંચકો સુધી પહોંચ્યા અને પાંચમે હપ્તે એ નવલકથા લખેલ ચોપડો ખોવાઈ ગયો. એક દિવસ બે દિવસ આમ તેમ શોધ્યો પણ ક્યાંય મળ્યો નહિ!

એક તરફ વાંચકોના મેસેજ આવવા લાગ્યા કે આગળના હપ્તા મુકો. મેં નક્કી કર્યું કે આખું ઘર આમ તેમ કરી દઈશ પણ શોધીને જ રહીશ. એ દિવસે મેં તપાસ ચાલુ કરી. મારા ઘરમાં એક હોલ અને બે રુમ નીચે હતા અને ઉપર ત્રણ રૂમ હતા. મેં હોલથી શરૂ કર્યું. સૌ પ્રથમ કોમ્પ્યુટર ટેબલ ઉપર જે પુસ્તકો હતા એ બધા તપાસી જોયા પણ કાઈ હાથ લાગ્યું નહિ. પછી કોમ્પ્યુટર ટેબલના ખાના એક પછી એક ખોળી દીધા પણ કરીયાણાના બિલ સિવાય કંઈ મળ્યું નહિ.

હોલ વટાવીને મારી તપાસ રૂમ તરફ ગઈ. બેડ ઉપરથી મેલા કપડાનો ઢગલો હટાવી બેડ ખોલ્યો. કોલેજના પુસ્તકો અને સી.એ.ના લખેલા ચોપડા મળ્યા. અધૂરું સી.એ. શું કામનું? આ બધું સંઘરીને શું કરવાનું? સી.એ.ના બધા પુસ્તકો અને લખેલા ચોપડા પસ્તીમાં આપવા માટે બેડ માંથી બહાર કાઢી અલગ એક ખૂણામાં ગોઠવી દીધા.

ફરી તપાસ શરુ કરી કેટલીક ચિત્રપોથી મળી. અમુક કોરી અમુક દોરેલી! પણ એમાંય મને એ ચોપડો ન જ મળ્યો. બધા ચોપડા ફરી બેડમાં ગોઠવી દીધા. બેડ બંધ કરી ચાદર ઝાટકીને બેડ ઉપર પાથરી.  એ રૂમમાં બેડ સિવાય કાઈ હતું નહીં એટલે બીજા રૂમમાં ગયો.

બીજા રૂમમાં એક તિજોરી અને એક નાનો બેડ હતો. બેડમાં જોયું પણ કાઈ મળ્યું નહિ. તિજોરીના ખાના ખોલી ખોલીને તપાસ્યા. જુના ફોટાઓનું આલબમ્બ, જમીનના કાગળ, જુના કપડાં, મિત્રોએ આપેલ ભેટ એવી બધી વસ્તુઓ ઉપર ધૂળ રજી ચડી ગઈ હતી. એ બધું સાફ કરી કરીને અંદર મૂક્યું. ત્યાં પણ ક્યાંય મારી શોધને પરિણામ મળ્યું નહિ.

કદાચ માળીયા ઉપર મૂક્યું હોય! એક નવા વિચાર સાથે મેં ઉપર નીચે બધા માળીયા તપાસી જોયા પણ ક્યાંય ધૂળ અને રજી સિવાય કાઈ મળ્યું નહિ! એક સાવરણી લઈ એ બધું સાફ કરી દીધું.

એ પછી ઉપરના માળે ગયો. ત્રણેય રૂમમાં, ગાદલા, રજાઈ, જૂની વસ્તુઓ અને  કરોળિયાના ઝાળા સિવાય કાઈ હતું નહીં છતાં એ બધું પણ તપાસી જોયું. ઝાટકી ઝાટકીને ધૂળ  સાફ કરતો ગયો અને એક એક વસ્તુઓ ફરી ગોઠવતો ગયો. ત્યાં પણ મને ક્યાંય કઈ મળ્યું નહિ.

કંટાળીને ફરી નીચે આવીને સોફામાં પટકાયો. દસેક મિનિટ એમ જ પડ્યો રહ્યો. ફરી ઉભો થયો પણ જેવો ઉભો થયો કમ્મરમાં અને હાથમાં દુખાવો થવા લાગ્યો! ક્યારેય કામ કર્યું નહોતું ને!

મને થયું હવે એ નહિ જ મળે. ચલ તૈયાર થઈ જાઉં. મેં  નાહીને કપડાં બદલી ચા બનાવી. ચા પી રહ્યો હતો ત્યાં ફરી દુખાવો થવા લાગ્યો. સાવરણીથી વાંકા વળીને બધું સાફ કર્યું ને! આમ તો હું જીમમાં કસરત કરતો પણ એ કસરત અને આ કામમાં ઘણો ફેર છે એ મને ત્યારે જ સમજાયું!

દુખાવો એમને એમ મટશે નહિ એમ વિચારી હું પાડોશીને ત્યાં જઈ એક ગોળી લઈ આવ્યો. સદનસીબે બાજુવાળા રંભા માસી વા ના દુખાવા માટે ગોળીઓ રાખતા એટલે મને મળી ગઈ!

ગોળી લઈને થોડી વાર આરામ કરવા હું આડો થયો ત્યાં મારી આંખ મળી ગઈ. એકાદ કલાક ઊંઘયા પછી જાગ્યો એટલે ફરી ચા બનાવી પી લીધી. ચા ની મને ટેવ. જમ્યા વગર ચાલે પણ ચા વગર ન જ ચાલે! ખરું કહું તો બાજુવાળા રંભા માસી ક્યારેક મજાકમાં મને ચા નું આમંત્રણ આપે તો ય હું નશરમો થઈને ચા પીવા જતો રહુ!

ચા પી લઇ તાજો થયો એટલે થયું લાવ કૈક નવું લખું આજે. કોમ્પ્યુટર ઉપર લખવા બેઠો. પણ આ શું? રોજ જે કોમ્પ્યુટર ટેબલ ઉપર આડેધડ કાગળ પડ્યા હોય ત્યાં એક પણ કાગળ નહિ? ટેબલ એકદમ સ્વચ્છ!

મેં રૂમમાં નજર કરી તો ત્યાં પણ મને રોજ દેખાતો મેલા કપડાનો પેલો ઢગલો દેખાયો નહિ! બેડ ઉપરની ચાદર જરાય ચોળાયેલ નહોતી! હું ફરી ઉભો થઈ ગયો. બીજા રૂમમાં જઈને જોયું તો તિજોરી કે નાના બેડ ઉપર કોઈ વસ્તુ અસ્થવ્યસ્થ નહોતી! જે તિજોરીને હાથ લગાવતા જ ધૂળ હાથમાં ચોંટી આવતી એ તિજોરી એકદમ નવી લાગતી હતી!

અનાયાસે જ મારા પગ બીજા માળ તરફ જવા લાગ્યા. ત્યાં જઈને જોયું તો ત્યાં પણ બધું વ્યવસ્થિત અને સાફ હતું!

મને થયું ભલે ચોપડો ન મળ્યો પણ છ મહીનાથી અવાવરું જેવું પડ્યું હતું એ ઘર એકાએક સ્વચ્છ અને જીવંત થઈ ગયું!

હું ફરી નીચે ગયો. સોફામાં ગોઠવાયો ત્યાં સામે દીવાલ ઉપર લગાવેલ ફોટા ઉપર નજર ગઈ. આ એક ફોટા ઉપરથી ધૂળ સાફ કરવાની રહી જ ગઈ. ફરી ઉભા થઇ એક કપડું લઈ મેં એ ફોટા સાફ કર્યા. જેમ જેમ કપડું ફરતું ગયું તેમ તેમ આયુશીનો ચહેરો સ્પષ્ટ થવા લાગ્યો……!!!!! બીજા ફોટા ઉપર  કપડું ફેરવ્યું ત્યાં સ્વર્ગીય બા ની તસ્વીર ઉઘડી!

બા અને મોટી બહેનનો ચહેરો ઉઘડતા જ જાણે ઘરમાં ઉજાસ વ્યાપી ગયો હોય!   મનમાં એક પ્રસન્નતા છવાઈ ગઈ. પિતાજી અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી બીમાર મા તો હું નાનો હતો ત્યારે જ ભગવાનના ઘરે ચાલી ગઈ હતી. એ પછી આયુશીએ જ ઘરની જવાબદારી ઉઠાવી લીધી હતી.

બા બાપુ તો મને ભાગ્યે જ યાદ આવતા કેમ કે મને બા અને બાપુની સ્મૃતિ બહુ આછી આછી જ યાદ હતી. પણ જ્યારે આયુશી ગુજરી ગઈ ત્યારે હું સાવ ભાંગી પડ્યો હતો! કેટલાય દિવસો સુધી તો હું એ રૂમમાં મારી જાતને બંધ કરીને જ રાખતો! પણ સમય એક એવું મલમ છે જે દરેક દુઃખને હળવું દે છે! ધીમે ધીમે સંસારની મોહ માયા અને મારા કામ કાજમાં હું એને પણ વિસરવા લાગ્યો. પછી તો બસ આખો દિવસ લખવાનું અને રાત્રે સુઈ જવાનું! કોઈ વાર મન થાય તો રાહુલ આવતો. જો એ આવે તો કોઈ દિવસ અમે સાઈ બાબા ગાર્ડન સુધી જઈ આવતા. પણ રાહુલને બીલીમોરા નોકરી મળી એ પછી તો બસ એક કોમ્પ્યુટર એક હું અને મારું ફેદાયેલું અવાવરું ઘર!

કોમ્પ્યુટર ટેબલ, રસોડું, બાથરૂમ અને ચોળાયેલી ચાદરવાળા બેડ સિવાય હું ઘરમાં ક્યાય જતો જ નહી. ન ક્યાય મારી નજર પડતી. બા અને બહેનના ફોટા તરફ હું ક્યારેય જોતો જ નહિ! પછી છાનું કોણ રાખે?

આયુશીની તસ્વીર જોતા મને અમુક પ્રસંગો તાજા થવા લાગ્યા. હું ક્યારેય એને ગાંઠતો નહિ! આયુશીને હંમેશા ઘર સ્વચ્છ અને સુંદર રાખવાની આદત હતી પણ હું ઠેર ઠેર જે તે વસ્તુ મુકતો. મારા ચોપડા કપડાં અને શાળાના યુનિફોર્મ ક્યાંય ઘરના ખૂણે ઉછાળી દેતો! આયુશી આખો દિવસ મારી વસ્તુઓ મારા કબાટમાં, મારા ચોપડા મારા દફતરમાં અને મારો યુનિફોર્મ ખીંટીએ લટકાવતી.

ઘણી વાર એ કહેતી ‘પારકી માઁ ની આવશે ત્યારે આ બધું નહિ ચાલે.’ હું કહેતો, ‘આપણે ક્યાં લગન કરવા છે? બસ તું પરણી ને જાય પછી મારે શાંતિ જ શાંતિ છે. પછી કોઈ ભેજામારી કરવા વાળું નહિ હોય!”

એક પછી એક પ્રસંગો યાદ આવવા લાગ્યા. આયુશી મને ખવડાવતી, હસાવતી, ભણાવતી એ બધું જ યાદ આવવા લાગ્યું.  બસ એક ચોપડો ખોવાયો એટલે ઘર તપાસ્યું ને દીદી સાંભરી!   સોફા સુધી પહોંચતા તો આંખો ભીની થવા લાગી. સ્મિત રેલાવતી આયુશીની તસ્વીર જોતા મને થયું મારે એક દિવસ ઘર સાફ કર્યું એમા ગોળી લેવી પડી ને દીદી રોજ આ કામ વગર થાકયે કરતી!

સાંજ સુધી બધા દ્રશ્યો મને દેખાતા રહ્યા ને દીદી સાંભરતી રહી! યાદો સાથે આંખો વહેતી રહી…… ખબર નઈ ક્યાં અશુભ સમયે મેં કહ્યું હતું. “તું જાય પછી મારે શાંતિ…….” ને ખરેખર આયુશી હંમેશાને માટે ચાલી ગઈ…..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here