ધ કનફેશન ઓફ એન અર્બન રાઈટર  

કોણ કહે છે કે ચોરી કરવાથી માણસની અંદર ખરાબ ગુણોનું સિંચન થવા લાગે છે ? બધા જ કિસ્સાઓમાં એ લાગુ નથી જ પડતું. આજે મારો કિસ્સો સાંભળીને તમે જ નક્કી કરો કે શું ચોરી કરનાર માણસમાં ખરાબ ગુણો ઉતરી જ આવે છે ?

મારી મમ્મી બોર્ડર નજીકના એક નાનકડા ગમમાં જન્મી હતી. મારા નાના પૂજારી, બે મામા પંડિત બન્યા, એક મામા ખેડૂત, માસી પરણીને મા જ બની રહી ! મમ્મી માસી કરતા નાની અને મામાઓ કરતા મોટી ! ગામમાં સાત ધોરણ હતા પણ મંદિરમાં પૂજાના કામે અને ખેતરના કામે મમ્મીને ચાર ધોરણ જ ભણવા દીધી ! તે છતાં ત્યારનું શિક્ષણ ગજબનું હતું ! મમ્મીને એકથી ત્રીસ ઘડિયા, બે એબીસીડી, શાકભાજી, ફૂલો, એવા બધાનું અંગ્રેજી પણ આવડે, અલબત્ત સ્પેલિંગ સાથે !

હું ચારેક વર્ષનો હતો ત્યારે મમ્મી મને વાતો કહેતી. ભારત પાકિસ્તાન બોર્ડર નજીક મમ્મીનું ગામ હતું એટલે જ્યારે પરિસ્થિતિમાં ખટપટ થાય ત્યારે મમ્મીના ગામમાં ધડાકા સંભળાતા ! એકાદ બે વાર તો આખા ગામમાં આર્મીએ રાત્રે ફાનસ બત્તી બુઝાવી નાખવાનો ઓર્ડર આપેલો ! એ બધું કેમ કરતા એ ત્યારે મને સમજાયું નહીં પણ પછી સમજાયું કે દીવો ફાનસ કે બત્તી જળતી હોય તો મિસાઈલ કે ગોળા ફેંકી શકાય ! નિશાન લઈ શકાય પણ જો અંધારું હોય તો ગામ છે કે જંગલ એ ખબર જ ન પડે દુશ્મનને… એટલે દિવા બત્તી બુઝાવી દેવાની ફરજ પાડવામાં આવતી !

એ વાતો સાંભળી મને વાતો સાંભળવાની મજા આવવા લાગી. સરહદની વાતો, શૈનિકની વાતો, ચકલી, શિયાળ, ઊંટ, હાથીની બાળ વાર્તાઓ હું સાંભળતો !

એ પછી વાર્તાઓમાં મને સમજ પડવા લાગી એટલે પિતાજી જોડે મોટી વાર્તાઓ સાંભળતો થયો. પિતાજી લેખક ન હતા અલબત્ત ભણેલા જ ન હતા પણ લેખરાજ પોખરાજ, વિજય, જનરખ, શેર ઉપર સવા શેર, બાદશાહ ખાન, ગફુર મિયા, બહાદુર રાજપૂત વગેરે જેવી હજારો વાતો જે રીતે પિતાજી બોલતા એના સંવાદ, એનું વર્ણન, અને વાક્ય પ્રમાણે બોલવાની ટોન ગજબની હતી !  એ બધું સાંભળતી વેળાએ મને દ્રશ્યો આપમેળે જ દેખાવા લાગતા !

પિતાજી કહી સંભળાવતા એ વાર્તાઓ તો બહુ મોટી અને લાંબી હતી પણ અમુક અંશ અહીં લખું છું. પ્રયાસ કરું છું કે જે રીતે એ મને કહેતા એ રીતે હું લખી શકું !

જનરખ :

જનરખ એક એવું પ્રાણી જે માણસના શરીર ઉપર એની જીભ સ્પર્શે તો માણસની ચામડી ઉતરી જાય ! એની લાળમાં એસિડ હોય !

એક નાનકડું ગામ હતું એમાં એક જનરખ આવતો અને સ્ત્રીઓને ઉપાડી જતો. સ્ત્રીઓને ઉપાડીને ગુફામાં લઈ જતો અને પછી એની ચામડી ઉતારી દેતો. એક બે કલાક એમ તડપાવતો પછી એ શિકારને ખાઈ જતો એવો ભયાનક નર ભક્ષી જનરખ હતો એ !

એ ગામમાં એક રાજપૂત આવે છે. ( મને નામ યાદ રહ્યું નથી કેમ કે ત્યારે હું લગભગ ચાર પાંચ વર્ષનો હતો )

રાજપૂત ગામમાં આવ્યો એટલે એને ખબર પડી કે અહીંની સ્ત્રીઓ બધી દુબળી પાતળી હતી કારણ કે દરેક સ્ત્રીને એક ડર હતો કે ક્યારેક તો અમને જનરખ ઉપાડી જશે અને અમને રિબાવીને મારશે!

વાત સાંભળીને રાજપૂતની આંખો લાલ થઈ, એના હોઠ કરડ્યા, મૂછો ઉપર વળ આપી રાજપુતે ગામના પંચને કહ્યું કે આજે રાતથી ગામની રખવાળી હું કરીશ ! જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી એકેય સ્ત્રીને કોઈ ચિંતા કરવાની જરૂર નથી !

એ દિવસથી રાજપૂત રાત્રે ગામની ચોકી કરવા લાગ્યો ! દસેક દિવસ તો જનરખ આવ્યો નહિ.

રાજપૂતને થયું કોઈ જનરખ નહિ હોય ગામમાં કોઈ લૂંટારા કે હવસ ખોર માણસો હશે એ બધા સ્ત્રીઓને ઉપાડી જતા હશે ! ને પછી નામ આપતા હશે જનરખનું ! આ રીતે એ લોકો આ બધું કરતા હશે !

અગિયારમા દિવસે રાજપૂતને થયું હવે કોઈ નહિ આવે કેમ કે એ બધા લૂંટરા માણસો સમજી ગયા છે કે રાજપૂત છે ત્યાં સુધી જવાનો અર્થ નથી !

રાજપુતે તો સુવાની તૈયાર કરી. ગામ કુવા પાસે મુકેલા ખાટલા પાસે જઈ ખાટલામાં બેઠો કે ત્યાં તો રાડ સંભળાઈ ! કોઈ સ્ત્રીની કરુણ ચીસ !

એ જ પળે રાજપૂત મુઠ્ઠીઓ વાળીને ચીસની દિશામાં પવનની વેગે ભાગ્યો !

( અહીં વાર્તા બહુ લાંબી છે એટલે સિધુ જ ક્લાઈમેક્સ પર લઈ જાઉં છું )

રાજપૂત જ્યારે ગુફાએ પહોંચ્યો ત્યારે જનરખે પેલી સ્ત્રીના બંને હાથની ચામડી ઉતારી લીધી હતી.

રાજપૂત ગુફામાં ગયો ત્યારે ચંદ્રના આછા અજવાળામાં, શરીર ઉપર કાળા મોટા લાંબા વાળ, માણસ જેવા હાથ-પગવાળો એક ખડતલ પ્રાણી બેભાન સ્ત્રીના હાથ ચાટી રહ્યો હતો !

“એય શેતાન…..” રાજપુતે ત્રાડ પાડી એટલે લાલ આંખોવાળો સુવર જેવો ચહેરો એણે પાછળ ફેરવ્યો.

છાતી મજબૂત ન હોય તો કાળજું ફાટી જાય એવો ભયાનક એનો દેખાવ ! રાજપૂત સમજી ગયો કે આ જનરખને દેખતા જ પેલી સ્ત્રી બેભાન થઈ ગઈ હશે !

રાજપૂતને જોઈને  જનરખ એના લોહીવાળા દાંત અને જીભ સાથે ઉભો થયો ત્યારે એ માણસ કરતા થોડો ઊંચો દેખાતો હતો ! રાજપુતે જોયુ તો એ શેતાન એના બેય હાથના તિક્ષણ નહોર ઘસીને ગજબનો ભયાનક અવાજ કરતો હતો !

“તું અહીં સામેથી મરવા આયો છે ?” રાજપૂતને જોઈને જનરખ હસ્યો.

રાજપુતે કોઈ જવાબ આપ્યો નહિ પણ વળતો એ પણ હસ્યો. રાજપૂતનું હાસ્ય એ ગુફામાં કોઈ હિંસક જાનવર કરતા કમ ન હતું !

રાજપૂતને હસતો જોઈને જનરખનું હાસ્ય ગાયબ થઈ ગયું !

“તું કેમ કેમ હસ્યો ?” જનરખે એને પૂછ્યું.

“એ પછી કહું પહેલા તું કહે કે તું કેમ હસ્યો શેતાન ?” રાજપુતે કડક અવાજે ગર્જના કરી.

“હું તો એમ હસ્યો કે મરવા માટે સામેથી ચાલીને કોઈ મૂર્ખ આવ્યો એટલે મારે કાલે ક્યાંય જવું નહિ પડે !”

“અચ્છા તું તારી જાતને બહાદુર માને છે જનરખ ? એટલે જ તું બૈરાં ઉઠાવી લાવે છે ને ?” રાજપુતે ભયાનક કટાક્ષ કર્યો અને હસ્યો.

“હા એ તને હમણાં જ ખબર પડી જશે કે કોણ બળિયું છે પણ એમ કહે કે તું હસ્યો કેમ?”

“જનરખ, હું વર્ષોથી કેટલાય ગામના ચોર લૂંટારાને નાબૂદ કરવા ફરું છું, આ ગામમાં પણ હું એ કામે જ આવ્યો હતો પણ અહીં તો કોઈ ચોર લૂંટારા હતા જ નહીં એટલે મારી કુસ્તી કરવાની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ પણ આજે તારા જેવો ખડતલ જનરખ મળ્યો એટલે મારા હાડકા થોડાં છુટ્ટા થશે એ ખુશીમાં હું હસ્યો….”

રાજપૂતની વાત સાંભળી જનરખ ગુસ્સે ભરાયોને એના ભયાનક દાંત ભીંસી, એણે દાંત ભીંસયા ત્યારે એના મોઢા માંથી એસિડિક લાળ ટપકતી હતી જે ચંદ્રના આછા અજવાળામાં ચમકતી હતી !

એ મોટા કદનો જાનવર રાજપૂત તરફ ધસ્યો. રાજપૂત પણ બાય ચડાવીને તૈયાર જ હતો…. એણે ય સામી દોટ મૂકી !

જે પળે બેય ભેગા થયા ત્યારે જાણે બે સિંહ સામ સામા અથડાયા હોય એવી મોટી ગર્જના થઈ. ધૂળની એક મોટી ડમરી ઉઠી ! એ ધૂળના ઝંઝાવાતમાં આછી ચાંદનીમાં સફેદ વસ્ત્રોવાળો રાજપૂત અને ભયાનક કાળા વાળ અને વરુ જેવા મોઢાવાળો જનરખ લડતા હતા એ દ્રશ્ય કંપારી છૂટે એવું હતું !

લડતા લડતા ક્યારે કોને કોણે ઘા કર્યો, જનરખના નહોર રાજપૂતને ક્યાં વાગ્યા ને રાજપૂતની ધારદાર છરી ક્યારે જનરખનું પેટ ચીરી ગઈ એ જોવું શક્ય ન હતું કારણ કે બેય પોતાના શિકારને માત કરવામાં માહિર હતા !

જ્યારે ગુફાના દરવાજા પાસેનો એક મોટો પથ્થર ફંગોળાયો અને બંને ખૂંખાર લડવૈયા ગુફા બહાર આવીને પટકાયા ત્યારે બંને લોહી લુહાણ હતા !

બે હાથ ભીડાવી રાજપૂત ઉભો થયો. એના કપડાં સફેદ કરતા લાલ વધારે દેખાતા હતા. એના ચહેરા ઉપર જમણી તરફની ચામડી ઉતરી ગઈ હતી ! જ્યારે બેય બાથે ભીડયા ત્યારે જનરખ એના ઉપર પડ્યો એ સમયે એણે રાજપૂતની આંખો ઉપર લાળ પાડી હતી પણ રાજપૂતે ચહેરો હટાવી લીધો તેથી લાળ એના લમણા ઉપર પડી અને ભયાનક દર્દનાક બળતરા સાથે એ ચામડી ઉતરી ગઈ !

રાજપુતે કાળી બળતરા ધ્યાનમાં લીધી જ ન હોય એમ જમીન ઉપર પડ્યા, ઉભા થવા મથતા જનરખ તરફ ધસ્યો. કદાચ એ એની જાતિના ગુણ હતા કે દુશ્મન સાથે લડતી વેળાએ શરીરમાં કયો ભાગ સાજો છે કયો ભાગ કપાઈ ગયો છે એનુંય ભાન એક લડવૈયાને રહેતું નથી !

રાજપૂત જનરખ પાસે પહોંચ્યો ત્યારે એ તરફડતો હતો ! એના પેટમાંથી એના કાળા લોહીની ધાર વહેતી હતી ને આજુબાજુની બધી જમીન ભીની થઇ ગઇ હતી ! રાજપુતે એના માથાના વાળ પકડયા અને બીજી જ પળે હાથમાં રહેલી છરીથી એની ગરદન ધડથી અલગ કરી દીધી….. એ સમયે પણ જનરખે એના નહોર રાજપૂતના બંને હાથમાં ઊંડા ઉતારી દીધા હતા….

રાજપુતે પેલી સ્ત્રીને ઉપાડી અને વૈદ્યના આશ્રમ તરફ રવાના થઈ ગયો……

આ મેં ટૂંકમાં કહ્યું છે. પિતાજી આ વાર્તા કહેતા ત્યારે એકાદ કલાક જેટલો સમય નીકળી જતો. આવી તો હજારો સાહસિક વાતો એમણે મને સંભળાવી હતી !

દરમિયાન મમ્મીએ મને ગુજરાતી લખતા વાંચતા શીખવી દીધું હતું. મમ્મી માત્ર ચાર જ ભણેલી હતી પણ એ સમયનું શિક્ષણ એવું હતું કે મમ્મીને 30 સુધી ઘડિયા, બે એબીસીડી, લખતા વાંચતા, અરે અંગ્રેજી લખતા વાંચતા પણ આવડતું, નાના નાના સ્પેલિંગસ પણ મમ્મીએ સ્કૂલ જતા પહેલા જ શીખવી દીધા હતા !

મને યાદ છે ટમેટા, બટાટા, ડુંગળી કાપતી વખતે મને ટોમેટો, પોટેટો અને ઓનીઅનના સ્પેલિંગ ગવડાવતી !

મને બરાબર વાંચતા આવડ્યું પછી તો ભાઈ જોડે લાઇબ્રેરીમાં જવા લાગ્યો. એ સમયે પણ અમારા ગામમાં લાઈબ્રેરી મોટી હતી. અડીખમ લાકડાના કબાટ હતા ને એમાં ભરેલી ઠસોઠસ ચોપડીઓ !!!

જાડી બુકના તો મને માત્ર કબાટના કાચ આરપાર નામ જ વાંચવા મળતા ! કેમ કે મને માત્ર બાળ વાર્તાના કબાટની ચાવી જ આપતા લાઈબ્રેરીયન !

હું અડુંકિયો દડુંકિયો, છેલ છબો, સીંદબાદ, વજો, એ બધી જ બાળ વાર્તાઓ વાંચવા લાગ્યો. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ વાંચવાની મજા આવવા લાગી !

પણ મને ત્યારથી જ કલેક્શન નો શોખ ! ત્યારે મને ખબર નહિ કે એ પુસ્તકો બજારમાં વેચાતા પણ મળે ! એટલે મને એમ કે આ બધા પુસ્તકો માત્ર અહીં જ હોય બીજે ક્યાંય નહીં ! ટૂંકમાં મારા મનમાં એક વાત ઠસી ગઈ કે પુસ્તક માત્ર લાઇબ્રેરીમાં જ હોય કેમ કે ગામમાં મને ક્યાંય પુસ્તકની દુકાન દેખાતી નહિ ! કદાચ હજુયે મારા ગામમાં કોઈ બુક સ્ટોલ નથી !

ને માણસને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ માત્ર અહીં જ છે જેની રખવાળી કરવા માટે કોઈ 6 ફૂટનો લાઈબ્રેરીયન છે તો પછી એક જ રસ્તો વધે ! ચોરી ! હા મેં એ બધી બાળ વાર્તાઓમાંથી ખાસ્સી ચોરી કરીને ઘરે જમા કરવા માંડ્યો !

એ પછી તો ચોરીનો સિલસિલો છેક બે મહિના ચાલ્યો જ્યાં સુધી લાઈબ્રેરીયનને ખબર ન પડી ! જોકે લાઈબ્રેરીયને કોઈ સજા કરી ન હતી!

મેં એ બધી જ વાર્તાઓના પાત્રોના ફોટા કટિંગ કરીને એક બુક બનાવી હતી ! જે વર્ષો સુધી મેં સાચવી હતી !

એ બધા જ પાત્રોના ફોટા હું દોરવાનો પ્રયત્ન કરતો ને એમાં જ મારું ચિત્ર કામ સુધર્યું ! કદાચ બાળપણની ટેવ મહેનતને લીધે જ મને થોડા ઘણા ચિત્રો દોરતા આવડે છે !

એ પછી જેમ જેમ ઉંમર વધી તેમ તેમ મારા માટે મોટા પુસ્તકોના કબાટ ઉઘાડા થયા. ને આખરે નવલકથાઓના કબાટની ચાવી મને મળવા લાગી !

પછી તો મારા હાથમાં અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા, વર્ષા અડાલજા, મનું ભાઈ પંચોળી ‘દર્શક’, કુંદનીકા કાપડિયા, ગૌતમ શર્મા, સિડની સેલ્ડન, કોર્નલીયા ફંક, સી.એસ. લેવીસ, ફિલિપ પુલ મેન, આઈ ફ્રેંકાનસ્ટાઈન, જેવા કેટલાય લેખકો આવ્યા ! ને હજારો પાનાઓની સફર મેં ખેડી લીધી !

કવિતાઓ અને ગઝલોમાં છંદ મને આવડે નહિ. પણ આદિલ મન્સૂરી, અમૃત ઘાયલ, મરીઝ, કૈલાશ પંડિત, આદમ ટંકારવી, વગેરેની ગઝલો તેમજ દલપત રામ, દુલા ભાયા કાગ, ઉમાશંકર જોશી વગેરે હાથમાં આવ્યા એટલે પંક્તિઓના ઊંડા અર્થ સમજતા શીખ્યો !

ને અંતે મેં લખવાનું શરૂ કર્યું ! સફળતા મળે ગઈ એમ લખતો ગયો ! મેં મારા લખાણની શરૂઆત કવિતા કે ગઝલ કે વાર્તાથી કરી જ નહીં કેમ કે મારે અઘરું કામ જ પહેલા કરવું હતું ! મેં શરૂઆત નવલકથાથી જ કરી અને સફળ રહ્યો !

દરમીયાન મને લવ સ્ટોરી લખતા ન આવડતું ! નવલકથામાં એડવેન્ચર, ક્રાઇમ, સસ્પેન્સ જ લખી શકતો પણ લવ સ્ટોરી લખતા મને શાહરુખ ખાને શીખવ્યું એમ કહું તો પણ ચાલે !

એસ.આર.કે. ની કુછ કુછ હોતા હે, દિલ તો પાગલ હે, કભી ખુશી કભી ગમ, મહોબત્તે, રબને બનાદી જોડી, ડી.ડી.એલ.જે. વગેરે ફિલ્મોમાંથી મને આપમેળે જ લવ સ્ટોરી પણ લખતા આવડી ગઈ !

અફસોસ બસ એક જ વાતનો રહ્યો કે મેં જેટલા પુસ્તકો ચોરી કર્યા એ બધા બીજા બાળકોને વાંચવા મળ્યા નહિ ! પણ પછી મેં એ બધી બુક્સ ( ચોરી કરેલી બુક્સ ) મારા ટ્યુશન કલાસીસમાં આવતા બાળકોને વહેંચી દીધી !

ને આમેય હવે તો હું હજારો લોકોને નવું નવું વાંચવા આપું છું ! એટલે એ અફસોસ કમ થઈ ગયો છે. લાઇબ્રેરીમાં એ પુસ્તકો ફરી આવી પણ ગયા જ હશે !

એ સિવાય જયારે પણ ઉનાળુ વેકેશન દરમિયાન પસ્તી લેવા માટે પસ્તીવાળ કાકા આવતા ત્યારે જો લારી ઉપર કોઈ અંક, વાર્તાની ચોપડી જોતો તો તરત ચોરી લેતો… પણ એ ખોટું હતું એ મને ત્યારે ખબર ન હતી… ને હજુયે સમજાતું નથી એ ચોરી કરવી યોગ્ય હતી કે નહી ???  પણ….. કદાચ હિન્દી ફિલ્મો, મારા ગામની લાઈબ્રેરી, ચોરી કરવાની તરકીબ, મમ્મીનું શિક્ષણ અને પિતાજીની વાતો ન હોત તો ક્યારેય હું લેખક બન્યો જ ન હોત !

ધેટ ઇઝ માય કન્ફેશન ! ધ કન્ફેશન ઓફ એન અર્બન રાઇટર !

વિકી ત્રિવેદી ‘ધ અર્બન રાઇટર’

મારા ભૂતકાળમાંથી કેટલાક અંશ મારા કન્ફેશન તરીકે…..

One Reply to “ધ કનફેશન ઓફ એન અર્બન રાઈટર  ”

Comment here