2. વિનુનો ઇન્ટરવ્યૂ..?
હું અને શ્યામસુંદર મેં લાવેલી નવી બત્રીસ ઇંચની એલ.ઇ.ડી. ટી.વી. વિશે સમજી અને શીખી રહ્યા હતા.
“માસ્તર સાહેબ, બાકી જોરદાર ટી.વી. લાવ્યું છે. આપણેય હવે લાવી દઈશું.” શ્યામસુંદર હમેશા પોતાના માટે બહુવચન જ વાપરતો એ હતો અપરિણીત અને શુદ્ધ સિંગલ છતાં આપણે શબ્દ જ એ વાપરતો.
“આ ટી.વી. ને લીધે ટાઈમ પાસનો ટાઈમ પાસ અને નેતાઓના કારનામા પણ જાણી શકાય!”
“ના શ્યામું મને એ બધામાં રસ નથી ને આમેય મને ક્યાં ટ્યુશન અને લખવામાંથી સમય જ મળે છે? આતો બા ને રામાયણ ને મહાભારત જોવા માટે. હું ઘરે ન હોઉં એટલે બાને સમય વીતી જાય એમાં એ ખાતર.”
“હા એ વાત ખરી લેખકને તો દુનિયાનું જ્ઞાન હોય જ. ટી.વી.ની જરૂર તો અમારા જેવા ને પડે.”
અમે બે વાતો કરી રહ્યા હતા ત્યાં જ મારા ઘરના દાદર કોઈ ચડતું હોય એવો અવાજ આવ્યો. અમે બેય એકબીજા સામે જોઇને સમજી ગયા કે નક્કી મુસીબતનું પોટલું આવ્યું લાગે છે!
“જુબા પે લાગા…. લાગા…રે….. નમક ઇશ્ક કા…..” ગાતો વીનું અંદર આવ્યો.
જોકે વિનુને અમે એની અદા અને અવાજ પરથી જ ઓળખી શક્યા હતા. ફોર્મલ પતલૂન, એવો જ ફોર્મલ ઈસ્ત્રી કરેલો શર્ટ અને વ્યવસ્થિત બકલ વાળો ચામડાંનો પટ્ટો પહેરેલ એ જેન્ટલમેન જેવો લાગતો માણસ અંદર કેવું વ્યક્તિત્વ ધરાવે છે એ અમે બહોળા અનુભવથી જાણતા હતા એટલે શ્યામું બોલી ઉઠ્યો, “વીનું તું…..?????”
“હા હું…. લગાના ઝટકા?”
“પણ પરિવર્તન કેમ વીનું?” શ્યામસુંદરે જડ સુધી જવાનો પ્રયાસ કર્યો. “અમે તો વિચારતા હતા કે તારું કઈ જ થવાનું નથી.”
શ્યામું તરફ જોઈ વીનું એની શાયર અદામાં બોલ્યો.
“એ નાસમજ…..”
શ્યામું ડોકું હલાવીને એને જોતો રહ્યો. વિનુએ જરાક બ્રેક કરીને ફરી ઉપાડ લીધી…..
“એ નાસમજ…..
યુ ના સમજ કે કિસ્મત કે મારે હે હમ…..
વો બાત અલગ હે કી અભીતક કવારે હે હમ..,…”
“અરે ભાઈ, તારા લગનનું અહી કોઈએ નથી પૂછ્યું. વાત તારા વર્તન, રહેણી કરણીની છે.” મારે બોલવું જ પડ્યું.
“અરે માસ્તર સાહેબ, આપડે હવે આપણું બીક લઈને નથી ફરવાના. હવે આપણે નોકરી કરવાના છીએ નીકરી… મેં મારા ફેવરીટ બાઈકની ચાવી મોમ ડેડને આપી દીધી છે.” સોફા ઉપર લંબાવતા વીનું બોલ્યો.
“સારું જ કર્યુંને આમે ય તારા એ બાઈકમાં તારા મોમ ડેડને કોઈ દિવસ લાખોની સરપ્રાઈઝ મળત.”
“લાખો? શેના? કેવી સરપ્રાઈઝ?” નવાઈથી એ બોલ્યો.
“અરીસા, હોર્ન અને બ્રેક વગરના બાઈકમાં તું એક દિવસ તો ઉકલી જ જવાનો હતો ને ગાંડા? વીમાના પૈસા ન મલત?” શ્યામુએ મશ્કરી કરી.
“તમે યાર મારો ટાટીયો ન ખેંચો ને વડીલો.” વિનુએ ચહેરો બગાડીને કહ્યું પછી ઉમેર્યું, “ને માસ્તર મને ફટાફટ એપ્લીકેશન લખી આપો.”
“શાની એપ્લીકેશન?” અમે બંને એકસાથે જ બોલી ઉઠ્યા.
“અરે! અરજી માસ્તર સાહેબ અરજી.” વિનુએ ડોકું આગળ કરીને કહ્યું, “અરજી નથી ખબર? માસ્તર કોણે બનાવ્યા?”
“મને અરજી ખબર છે અને હું તારા ખાનદાનની ઓળખાણથી શિક્ષક નથી બન્યો. પણ તારે શાની અરજી લખવી છે એ પૂછ્યું?“ મેં જરાક ચિડાઈને કહ્યું.
“અરે આપડે હવે નોકરી કરવાના જોબ યુ નો જોબ? તો અરજી તો જોઈએને? શું કેવું મા’રાજ?”
“હા હા જોઈએ ભાઈ જોઈએ.” મા’રાજ બોલ્યા.
હું અને શ્યામું સમજી ગયા હતા કે આ નાલાયકમાં આટલું પરિવર્તન બીજા કોઈ કારણથી ન જ આવે. એનો બાપ એણે ઘરેથી કાઢી મુકવાની ધમકી સો વાર આપી ચુક્યો છે તોય આ નથી સુધર્યો ને આજે આ એટલો બદલાયો છે એટલે નક્કી ક્યાંક ઉંધે માથે પ્રેમમાં પડ્યોઈ હશે!
“પણ તારે નોકરીની શી જરૂર છે?” મેં ખાતરી કરવા પૂછ્યું.
“છોકરી માટે……. આ…આ….” અટકીને વાત બદલતા એ બોલ્યો, “મતલબ મારે મારા પગ ઉપર ઉભા નઈ થવાનું શું? મારે પણ બતાવી દેવું છે કે આ વીનું શું ચીજ છે?”
“ચીઝ બટર છોડ ને સીધો મુદ્દા ઉપર આવ.”
આજ સુધી જેને બાપની સાખ રાખમાં ફેરવી હોય એના મોઢે આ વચનો મને માન્યામાં નહોતા આવત એટલે મેં મા’રાજને ઈશારો કર્યો, “તમે પ્રશ્નોનો મારો ચાલુ જ રાખો એ હમણાં બાકી જશે.”
“પણ તારે કોને બતાવવું છે?”” શ્યામુએ પૂછ્યું.
“અરે ઓલી કલ્પુડીને.”
“કોણ કલ્પુડી?”
“અરે ઓલી રમેશ કાકાની છોકરી કલ્પના. એ કહે છે કે કૈક સારો નોકરી ધંધો કરી બતાવ. નોકરી કે ધંધામાં તારા માટે જગ્યા બનાવ તો જ મારા દિલમાં જગ્યા બનશે! એટલે આપણે નક્કી કર્યું છે કે એણે બતાવી જ દેવું છે હવે.” કોલર ઊંચા કરી એ બોલ્યો.
કોઈ પણ રીતે જો વીનું સુધરતો હોય તો સારું એમ વિચારી અમે એની વહારે ઉભા રહેવા તૈયાર થયા.
“લ્યો આ રહ્યું કાગળ અને આ રહી પેન. તમે તો આપડા વિષે જાણો જ છો ને માસ્તર? માંડો લખવા ને હા બાયોડેટામાં અપીરીયંસમાં હેન્ડસમ લખજો.”
“ભલે તું કહે તેમ. બીજું કઈ?”
“ના બસ. ને હા અનુભવમાં ખબર ન હોય તો પૂછો મારાજ ને આપણે બહુ પ્રેમાંનુભવી છીએ હા.”
મેં એની શૈક્ષણીક લાયકાત મુજબ અરજી લખી આપી. પૂર્વ તૈયારી રૂપે વિનુએ ગયા અઠવાડિયાના છાપાના જાહેરાતના કટિંગ લાવી દીધા હતા.
“તમારે બધાને સાથે આવવાનું છે ઇન્ટરવ્યુંમાં.” વિનુએ દબાણ પૂર્વક કહ્યું.
અમે બધા તૈયાર થઈને સૌ પ્રથમ એક વીમા કંપનીમાં ઈન્ટરવ્યું આપવા ગયા.
“શું થશે માસ્તર સાહેબ? કોઈ મુશીબત તો નઈ આવે ને?”
“તમે છો ને મારાજ.” મેં વળતો જવાબ આપી મા’રાજ ને શાંત કર્યા.
અમે ગયા ત્યારે લાંબી લાઈન હતી. બે ચાર જણનો ઈન્ટરવ્યું લઈને મેનેજરે વિનુને ઈન્ટરવ્યું માટે અંદર બોલાવ્યો. અંદરથી અમને અવાજ એકદમ સ્પષ્ટ સંભળાતો હતો તેમજ પારદર્શક કાચ આરપાર અમને બધું દેખાતું હતું. અમે મુઠ્ઠીઓ વાળીને જ બહાર બેઠા હતા.
“વીનું ભાઈ, તમેં વીમા એજન્ટની ફિલ્ડ કેમ પસંદ કરી? એજન્ટ બનવાની ઈચ્છા કેમ છે?” મેનેજરે પહેલો સવાલ કર્યો.
મગજ ફાટી જાય એવો જવાબ આપતા વિનુ બોલ્યો, “ઈચ્છા બીચ્છા કઈ નઈ ભાઈ. મારે નોકરીની જરૂર હતી ને તમારે માણસની એટલે આપડે અહી આવી ગયા.”
મેનેજરની આંખો થોડી કરડી થઇ પણ એણે ગુસ્સો દબાવ્યો.
“તમે ગ્રાહકને અમારા પ્લાન કેવી રીતે સમજાવશો?” મેનેજરે બીજો પ્રશ્ન કર્યો.
“હું ફક્ત ડોશીઓને જ વીમા પ્લાન સમજાવીશ.” વિનુએ કહ્યું.
“ડોશીઓને જ કેમ અને ડોશીઓ એટલે વૃદ્ધાઓ ને?” મેનેજરે આંખો ફાડીને પૂછ્યું.
“કેમ કે ડોશીઓ તરત સમજી જાય!”
“એ કઈ રિતે?” મેનેજરને પરસેવો થવા લાગ્યો.
“ડાવા હાથનો ખેલ છે યાર. ‘જીવન વીમો જરુરી છે. જવાન જોધ દીકરો બાઈક ઉપર આવતા એક્સીડેન્ટને ભેટે, તમારી દીકરી કોલેજ જતા કિડનેપ થઇ જાય તો? અને જો તમારા પતિ ઓફિસમાં નોકરી કરતા હોય અને એટેક આવીને ઉકલી જાય તો? તો આ ઉમરે તમારું કોણ થાય? એટલે વીમો કરાવી દો એ સમયે વીમો જ કામ આવશે!’ આમ કહીને હું વીમો લેવા પ્રેરીશ.”
“વીમો લેવા નહિ બેવકૂફ અમારી કંપની બંધ કરવાની પ્રેરણા આપી રહ્યો છે તું. નીકળ અહીંથી નહિતર…..”
વીનું દરવાજો ખોલી બહાર નીકળ્યો ત્યારે અમે પડવાની બીક છોડીને દોડતા પગે દાદરા ઉતરી ચુક્યા હતા!!!!! મેનેજર છેક અમને બધાને ફર્સ્ટ ફ્લોર સુધી વળાવવા આવ્યો હતો.
એક ભયંકર આફતમાંથી અમે માંડ માંડ બચ્યા હતા ટતે છતાં વીનું અમને એક શાળામાં ઈન્ટરવ્યું આપવા માટે લઇ ગયો. એ શાળામાં ગણિત-વિજ્ઞાન ના શિક્ષકની જરૂર હતી.
“આ માણસ વીમા એજન્ટ માં નથી ચાલ્યો તો શિક્ષક્મ કોણ રાખશે એને?” શ્યામું એ રોષે ભરાઈને કહ્યું.
“તમે શાંતિ રાખો ને મા’રાજ. મને ઈન્ટરવ્યુંનો અનુભવ નો’તો હવે થઇ ગયો છે. આ વખતે દેખજો આપડી કળ!” વીનું એ કહ્યું.
શ્યામું ચુપ થઇ ગયો. અમે શાળાએ પહોંચ્યા ત્યારે આચાર્ય હાજર નહોતા એટલે અમને બહાર બેંચ ઉપર બેસવા કહ્યું.
હું કંઈ કહું એ પહેલા શ્યામુએ બીડી સળગાવી દીધી.
“આ શાળા છે તમારા યજમાન નું ઘર નથી. અહીંયા તો શાન્તિ રાખો.”
“તમે નાહકની ચિંતા ન કરો માસ્તર.”
હું પણ ચુપ થઇ ગયો. અંદરથી તો લોહી ઉકળી ઉઠ્યું હતું પણ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. વીનું એની સપનાની દુનિયામાં આંટા મારતો હતો.
સદભાગ્યે આચાર્ય આવ્યા ત્યારે મા’રાજનો બીડી પ્રોગ્રામ પૂરો થઇ ગયો હતો. આચાર્યએ વિનુને અંદર બોલાવ્યો અને સાથે અમને પણ બોલાવ્યા.
“તમને કેટલો અનુભવ છે?” સાહેબે પૂછ્યું.
“અનુભવમાં હવે શું કહું સાહેબ કેટલીયે…..”
મેં વિનુને ધબ્બ કરતી કુણી મારી એટલે એ સપનામાંથી બહાર આવ્યો.
“સાહેબ, કેટલીયે શાળામાં ભણાવી ચુક્યો. હવે તમારી શાળાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવ્યો છું.”
“તો તમારા અનુભવ મુજબ તમને બાળકોને ભણાવવાનો કયો રસ્તો સર્વ શ્રેષ્ટ લાગે છે?”
“પ્રેમનો સાહેબ…..!!!!!”
આચાર્ય તો ખુશ થઇ ગયા. એને બિચારાને ક્યાં ખબર હતી કે આ કયા પ્રેમની વાત કરે છે?
“પ્રેમથી જ સાહેબ….. પ્રેમથી જ માણસ ની અંદર પરિવર્તન આવે.”
આચાર્યને ખબર નહોતી કે તે પોતાની વાત કરી રહ્યો છે એટલે વિનુંમાં રસ પાડવા લાગ્યો.
“જો કોઈ બાળક તારી વાત ન મને તો? સામે બોલે તો? આજ્ઞાનું પાલન ન કરે તો? તો તમે શું પગલા લેશો?”
“તો હું ભૂખ્યો રહીશ! જ્યાં સુધી મારી પ્રેમ ભરી આજ્ઞાઓનું પાલન પ્રેમથી ન થાય ત્યાં સુધી હું મારી જાતને જ સજા આપીશ!”
“વાહ…..” આચાર્ય ખુશ થઇ ગયા. એ જોઈ વીનું તાનમાં આવી ગયો.
“જ્યાં સુધી એના હ્રદયમાં જગ્યા ન મેળવી લઉં ત્યાં સુધી હું નહિ જંપીને બેસીશ નહી…..”
“એવું?”
“હા સાહેબ આપનામાં ખામી હોય તો જ એ ન માને નહિતર એ માનવાની જ….. મતલબ બાળકો માનવાના જ ને?” વિનુએ કહ્યું.
“વાહ વાહ.”વિનુનો ભાંડો ફૂટે એ પહેલા જ શ્યામું બોલ્યો. “શું ઉત્તમ વિચાર છે! વાહ દરેક શિક્ષક એવો જ હોવો જોઈએ.”
આચાર્ય તો એના ગાંધીવાદી વિચાર જોઇને ખુશ થઇ ગયા. વિનુની નોકરી ફાઈનલ કરી દીધી.
એ દિવસે અમે અમારી ખોટી પાવલી ચલાવીને ગર્વભેર શાળા બહાર નીકળ્યા. એક તરફ વીનું સેટ થઇ ગયો એની ખુશી હતી તો બીજી તરફ મને જ કેમ આવા મિત્રો મળ્યા હશે એવા વિચાર સાથે અમે ઘરે આવ્યા. ઘરે આવી બા નો ચહેરો જોઈ મને નિરાંત થઇ કે આજે ફરી બા ના આશીર્વાદથી અમે બચી ગયા
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’
ફરી મળીશું નવા કિસ્સા સાથે ‘કન્યાની શોધમાં…..’ ત્યાં સુધી શ્યામું વીનું અને હું કન્યાની શોધ કરવા જઈએ છીએ. દુવા કરજો કે અમે આ વખતે પણ બચી જઈએ કેમ કે આ વખતે મનીયો સાઈકુ પણ અમારી સાથે છે…..