
એકવાર હું મારા યજમાનને ત્યાં લગ્ન પ્રસંગે ગયો હતો. સવારે પાટે બેસાડવાની વિધિ અને સાંજે પવિત્ર ફેરાની વિધિ કરીને હું નિરાંતે બેઠો હતો, ત્યાં યજમાન આવ્યા મને પાંચસો રૂપિયા દક્ષિણા આપી પણ મેં હાથ ન ધર્યો એટલે યજમાને બીજી સો સો ની બે નોટ આપી અને હાથ જોડી પૂછ્યું “માં’રાજ હવે રાજી?”
યજમાન ખુશ ખુશ થઈ ગયા! ફરી બે હાથ જોડી યજમાન મને સ્ટેશન સુધી મુકવા આવ્યા. સ્ટેશનથી બસ પકડી હું ઘરે આવ્યો. પીતાંબર, ધોતી બધું ઉતારીને જીન્સ પે’રીને હું કોલેજ ગયો. કોલેજથી વળતો આવતો હતો ત્યારે રસ્તામાં એક કપડાંની દુકાનમાં મને ગમતા કપડાં લટકતા જોયા! હું તરત દુકાનમાં ગયો અને કપડાં પહેરી જોયા, કપડાં પણ મસ્ત ફિટ આવી ગયા!
“શુ છે આનું ભાઈ?” મેં પૂછ્યું
“આઠસો પચાસ.” દુકાનદાર મારી સામે જોઇને બોલ્યો.
મારી પાસે તો પેલા યજમાને આપેલા સાતસો જ હતા એટલે મેં કહ્યું, “ભાઈ બ્રાહ્મણ છું, વ્યાજબી કહોને.” કહી મેં સાતસો રૂપિયા પેલા દુકાનદારને આપ્યા.
દુકાનદારે દયાભાવ દર્શાવી એકસો પચાસ રૂપિયા જતા કર્યા. હું રાજીનારેડ થઈને ઘરે ગયો, ફટાફટ તૈયાર થયો. હજુ ઘરે જઈને નવા કપડા પહેર્યા ત્યાંજ વિનયનો ફોન આયો….
“વિકી, યાર બાહુબલી 2 લાગ્યું છે ચલને જોઈ આવીએ.”
બાહુબલી 2 નું નામ સાંભળતા જ મને પ્રભાસના એક્શન દ્રશ્યો દેખાવા લાગ્યા! પણ પૈસા ક્યાં હતા?
“ના યાર પૈસા નથી.” અવાજમાં ઉદાસી ભારોભાર ભરીને હું બોલ્યો.
“અરે યાર ઝીલને એ બધા જોઈને આવ્યા. કહેતા હતા શુ એક્ટિંગ કરી છે પ્રભાસે!”
એક્ટિંગ પરથી જ યાદ આવ્યું.. કોલેજમાં મેં જે નાટક ભજવ્યું હતું એના ઇનામના એક હજાર રૂપિયા મારા કબાટમાં અકબંધ હતા…. ચહેરો ચમકી ગયો!
“ઓકે તું આવી જા મારા ઘરે હું તૈયાર જ છું.” ચહેરા ઉપરની ચમક અકબંધ રાખીને મેં કહ્યું.
ફોન મૂકી મેં થોડો નાસ્તો કરી લીધો. રોજની આદત જેમ મેં વાળ સરખા કર્યા અને સોફા ઉપર બેઠો ત્યાં તો વિનય આવી ગયો.
“જલ્દી કર યાર સો ચાલુ થઈ જશે.” આવતાની સાથે જ વિનય બોલ્યો.
“હા ભાઈ હા હું તો તૈયાર જ છું. લેટ્સ ગો.” મેં કહ્યું.
વિનયની એફ.જેડ. બાઈક ઉપર અમે બંને રાજમંદિર મલ્ટી પ્લેક્સ તરફ નીકળી પડ્યા. જોતજોતામાં તો થ્રિએટર પહોચી ગયા.
“તું ટીકીટ લઇલે જા હું બાઈક પાર્ક કરીને આવું.” વિનયે ઘડિયાળમાં નજર કરતા કહ્યું.
હું ટીકીટ બારી ઉપર ગયો. હજુ સો ચાલુ થયો નહોતો એટલે વાંધો નહોતો. હું ટીકીટ લઉં એટલામાં તો પ્રભાસના બીજા કેટલાય ફેન ટીકીટ બારીની લાઈનમાં આવી ગયા હતા! હું વિચારોમાં જ ખોવાઈ ગયો હતો! પ્રભાસ જેવા ફેન આપણા હોય તો!!!!!!!!
“અપર કે બાલ્કની?” ટીકીટ આપનારનો અવાજ કાને પડતા જ સપનાની દુનિયાનું દ્વાર બંધ થઈ ગયું!
“બાલ્કની યાર….” મેં ગરદન ઉપર હાથ ફેરવતા વટથી કહ્યું, ” આપણે ક્યાં ભિખારી છીએ?”
“ચારસો આપો ભાઈ.” એણે મારી વાત ઉપર કોઈ ધ્યાન આપ્યા વગર સીધી પૈસાની માંગણી કરી.
મને ઇગનોર કર્યો એટલે થોડો ઈગો હર્ટ તો થયો પણ થાય શુ? તરત મેં સો સો ની ચાર ગાંધી છાપ કાઢીને પેલાને આપી.
સિક્કો લાગી ગયો એટલે મેં ટીકીટ લેવા હાથ લંબાવ્યો. હજુ મારો હાથ એ ટીકીટ લઈને પાછો ફરે ત્યાં તો એક હાથ મારા ખભા ઉપર અડ્યો! મને થયું વિનય હશે એટલે પાછળ ફરતા મેં કહ્યું, “વિનય પકડ બે બાલ્કનીની ટી………”
હું આગળ બોલી શક્યો નહિ. મારા ખભા ઉપર સ્પર્શનાર હાથનો માલીક વિનય હતો જ નહીં કોઈ બીજી વ્યક્તિ જ હતી…..!
લાલચોળ આંખો, મોટી મોટી મૂછો, કપાળમાં ભસ્મનું તિલક અને વાઇટ એન્ડ વાઇટ કપડાં ! હું થથરી ગયો! આમ તેમ વિનયને શોધવા મારી નજર ભટકવા લાગી!
મને ક્યાંય વિનય દેખાયો નહિ! મારા મનમાં વિચાર ફરવા લાગ્યા. આ માણસ કોણ હશે? મને આમ કેમ પકડ્યો? અને હવે આ મુક કેમ ઉભો છે? હવે એ શું કરશે?
“અપરની લીધી હોત તો સસ્તી પડોત ને?” એ માણસ બોલ્યો.
“મ… મ..ત…લ…બ…??????” છુટા છુટા અક્ષરો મારા મોઢેથી નીકળ્યા…..! હું એટલો ભયભીત હતો કે મને એ માણસ કોણ છે એ યાદ નહોતું આવતું!
“મતલબ એ કે અપરની લીધી હોત તો એક સો પચાસ રૂપિયા માટે મારી દુકાને ગરીબ ન થવું પડોત!” એટલું કહી એ માણસ ટીકીટ બારી ઉપર જઈ ટીકીટ લેવા લાગ્યો.
મારુ મન શાંત થયું. એકાએક ભય ઓસરી ગયો અને મન સભાન થવા લાગ્યું. હું બાજુ પર જઈને વિચારવા લાગ્યો. મને એ માણસનો અવાજ સંભળાતો હતો “અપરની એક આપો ભાઈ.”
એટલું જાજરમાન વ્યક્તિત્વ, ગળામાં સોનાની જાડી ચેન છતાં એ માણસે અપરની ટીકીટ લીધી! મારી નજર વિનયને શોધવાને બદલે મારી જાતને જ શોધવા લાગી!
હા એ માણસ પેલો દુકાનદાર જ હતો જેણે મારા ઉપર એક સો પચાસ રૂપિયાનો અહેસાન કર્યો હતો! મેં એના હકના પૈસા ગરીબ બનીને ઓછા કરાવ્યા હતા અને એજ પૈસા અહીં અમીર બનીને ઉડાવી દીધા! હું મારી જાતને જ શોધવા લાગ્યો! મને બસ એક જ વિચાર એક જ પ્રશ્ન થતો હતો “શુ હું ગરીબ છું?”
True story sir
Nice description of reality some sentences at the climax are awesome creations of your pen
Really awesome though this is a short story but u r giving very broad message sir I am big fan of u
Superb. Ekdam sachi vat kahi sir.
Amazing story …..The real thing is that this is a world reality