shrap-short-story-vicky-trivedi

શ્રાપ

ચારેય તરફ ઠંડીનો માહોલ હતો. મેં મહિનાની પવનની ઠંડી લહેરખીઓ આમતેમ દોડધામ કરી રહી હતી. ચારેય બાજુ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હતું. શિયાળાની સવાર હોય જ છે એવી ગમે તેવા આળશુંના શરીરનેય તાજગીથી ભરી દે છે. એ દિવસની સવાર માયે કૈક એવુજ જાદુ હતું. ચારે તરફ તાજગી રેલાઈ રહી હતી. લગભગ પોણા આંઠ વાગ્યાનો સમય થયો હતો. ઘનશ્યામ અને અમે ત્રણ  મિત્રો સવારથી જ ભેગા થયા હતા ને ઘનશ્યામના બંગલા આગળ તાપણું સળગાવી તાપી રહ્યા હતા. કઈ ખાસ ઠંડી તો  ન હતી કેમકે સુરજના કુણા કિરણો રેલવા લાગ્યા હતા. પણ ઘનશ્યામ અને અમારા ત્રણ  મિત્રોને તાપણું કરી ભેગા મળી ગપ્પા મારવાની આદત હતી. એ દિવસે પણ અમે ગપ્પા મારી રહ્યા હતા.

આમતો સાવરથી બધા કામમાં વ્યસ્ત હોય સ્ત્રીઓ પોતાના ઘરકામમાં ને પુરુષો પોતાના નોકરી ધંધે જવાની તૈયારીઓ કરી રહ્યા હોય. ઘનશ્યામ અને મને એવી કોઈજ ફિકર ન હતી. હોયે ક્યાંથી? ઘનશ્યામના પિતા એને માટે અઢળક મિલકત છોડી ગયા હતા. એમના ગુજરી ગયા પછી ઘનશ્યામ એમનો એકનો એક દીકરો હતો એટલે ભારત વોચ લીમીટેડનો માલિક બન્યો હતો. એને પૈસા કે સમય એકેયની અછત ન હતી. જયારે અમારો બીજો  મિત્ર સુંદરલાલ આર્ટસ કોલેજનો સંચાલક અને ભૂતપૂર્વ મેયર  હતો એટલે એનેય સારી એવી મૂડી ભેગી થયેલી હતી. ત્રીજો મિત્ર હતો હું, પરિવાર મોલનો માલિક વિશ્વનાથ દવે.

અમારા માટે દિવસ દસેક વાગ્યા પછીજ ચાલુ થતો એમ કહો તોય ચાલે.  ઘનશ્યામને કંપનીનું મોટાભાગનું કામ એનો મેનેજર સંભાળતો એટલે ખાસ કઈ ચિંતા જેવું ન હતું. સુંદરલાલ કોલેજનો સંચાલક હતો બે ત્રણ દિવસે એક વાર આંટો મારે તોય ચાલે. ત્રીજો બચ્યો હું મારે મોલ પર જવુતો નિયમિત પડે પણ માણસો અને સી.સી.ટી.વી.ના લીધે અગિયારેક વાગે જઉ તોય ચાલ્યું જતું. ઘણી વાર તો હું જમી પરવારીને જ મોલ પર જતો.

રચાના ભાભીને પિયરમાં પણ કામ કરવાની આદત ન હતી એટલે એ સાસરિયામાં આવ્યા પછીયે ન ગમ્યું એટલે ઘનશ્યામે એક કામવાળી બંધાવી હતી. જલ્પા એમની કામવાળી હતી. અમારા બાજુના પછાત વિસ્તારમાં રહેતા ધના રાવળની દીકરી. લગભગ એ છોકરીની ઉમર અઢાર ઓગણીસ વરસ હશે. હતી ગરીબની દીકરી પણ સંસકારી. કુદરતે ગરીબ ઘરે જન્મ આપ્યો પણ ઉપરવાળો એનાથી એટલોય નારાજ ન હતો. એક ચીજ એને આપી હતી હોશિયારી. એ એટલી હોશિયાર હતી કે એને કોઈપણ કામ એકવાર શીખવવામાં આવે એ કામમાં એ કદી ભૂલ ન કરે. કહેવાય છે ને કે હોશિયારી તો હવા જેવી છે એ ગમે ત્યાં પહોચી શકે છે. પછી ભલે ગરીબ નું છોરું હોય કે અમીરનું.  અહી પણ એવુજ થયેલ. જલ્પામાં હોશિયારી કુદરતે ખુબજ ભરી હતી.

એ રોજ કામ કરવા આઠેક વાગ્યે ઘનશ્યામના ઘરે આવતી ને દસેક વાગ્યા સુધીમાં તો બધુજ કામ કરીને ચાલી જતી. એને બીજા પણ એક બે ઘરે કામ કરવાનું હોતું.

લગભગ તાપણું સળગી રેહવા આવ્યું હતું. સવા આઠેક વાગ્યા હતા. અચાનક વાત વાતમાંથી વાત નીકળી શિક્ષણ વિશેની અને સુંદરલાલે કહ્યું, “અમારી કોલેજમાં રઘુનાથ નામના એક હોશિયાર પ્રોફેસોર છે જે ગમે તેવા છોકરાનેય અંગ્રેજી બોલતા શીખવી દે છે.”

“ના સુંદરલાલ હું તમારી વાતથી સહમત નથી. ગમે એને તો ન જ શીખવી શકાય.” ઘનશ્યામે કહ્યું.

“કેમ તમને વિશ્વાસ નથી? અરે રઘુનાથે તો એકવાર એક દસમાં ધોરણમાં નાપાસ થયેલ છોકરીને કડકડાટ અંગ્રેજી બોલતા શીખવી દીધું હતું.”

હું વચ્ચે બોલવા જતો હતો ત્યાજ જલ્પા અમારા પાસેથી પસાર થઇ. ઘનશ્યામના ઘરમાં ગઈ. રોજનો એનો આજ સમય હતો આંઠથી સાડા આઠ વચ્ચે જ એ આવે . એને એના કામથી જ મતલબ. ક્યારેય ઊંચું જોઈ કોઈના તરફ જુવે પણ નહિ. કદાચ એને ડર રેહતો હશે કે કોઈ મારી કદર નહિ કરે એટલે એની આંખો જમીન પર જ જકડાયેલી રેહતી. હા ક્યારેક રસ્તામાં મળે તો મને “કેમ છો કાકા?” એટલું જરૂર પૂછી લેતી પણ અહી તો અમે રોજ સવારે બેસતા અને એમાયે એના ઘનશ્યામ શેઠનો સ્વભાવ થોડો ઘમંડી હતો એટલે એ ચુપચાપ ઘરમાં કામ કરવા જતી રેહતી. એના શેઠની હાજરીમાં બોલવું કદાચ એને યોગ્ય નહિ લાગતું હોય કે પછી એને ઓછું બોલવાની આદત હશે.

“તો બોલ સુંદર શું તારો એ પ્રોફેસર મારી આ કામવાળી છોકરીને કડકડાટ અંગ્રેજી બોલતા શીખવી શકે?” ઘનશ્યામે જલ્પાને જોઈ એટલે એના મગજમાં આ ખ્યાલ આવ્યો હશે.

“કેમ નહિ? પણ રઘુનાથની અંગ્રેજી શીખવવાની ફી દસ હજાર રૂપિયા છે. એટલા રૂપિયા આ છોકરી ક્યાંથી લાવશે? એનો બાપ તો પોતાના દારૂનાએ કમાઈ નથી શકતો. આ બંને મા દીકરી ચાર ઘરના કામ કરે ત્યારે માંડ બે ટંકનું ખાવાનું મેળવી શકે છે.” સુંદરે કહ્યું.

એની વાત સાચી હતી જલ્પાની આર્થિક અને સામાજિક બંને પરિસ્થિતિ કથળેલી હતી. માત્ર જલ્પા જ નહિ એ દબાણમાં ઘરો બનાવીને બેઠેલ આખા વિસ્તારની સ્થિતિ ખરાબ હતી.

“હું ચુક્વીશ. એની ફી હું ચુક્વીશ.” ઘનશ્યામે કહ્યું.  એ જરાક ઘમંડી માણસ હતો. મિત્રો વચ્ચે પોતાની વાત જ સાચી છે એમ સાબિત કરવા દસેક હજાર જેટલા રૂપિયા ખર્ચી નાખવા એના માટે કોઈ સામાન્ય માણસ હોટલ પર પોતાના ભાઈબંધને ચા પીવા લઇ જાય એટલી સામાન્ય વાત હતી.

“પણ શું એ રોજ શીખવા જઈ સક્શે?” સુંદરે કહ્યું.

“જલ્પા, બહાર આવતો.” ઘનશ્યામે સુન્દરને જવાબ આપવાને બદલે જલ્પાને બોલાવવા બુમ મારી.

“જી સાહેબ.” કહેતા જલ્પા બહાર આવી ટે અમારાથી થોડેક દુર ઉભી રહી એની નજર હજુ જામી ન પરજ  ચોંટેલી હતી, “બોલો સાહેબ.”

“તારી પાસે સાંજે પાંચ થી છ વાગ્યાનો સમય છે એક બીજું કામ બાંધવાનું છે?” ઘનશ્યામે કહ્યું.

“હા સાહેબ.”

“તો તારે સાંજે પાંચથી છ રઘુનાથને ત્યાં જઈ અંગ્રેજી બોલતા શીખવાનું. બે મહિનામાં જો તું અંગ્રેજી બોલતા શીખી જઈશ તો હું તને પાંચ હજાર રૂપિયા આપીશ. બોલ છે તૈયાર?” ઘનશ્યામે કહ્યું.

“જી સાહેબ.” જલ્પાએ હકારમાં ડોકું ધુણાવી કહ્યું.

ને બીજા દિવસે સુંદરે જલ્પાને પ્રોફેસરનું ઘર બતાવી દીધું જલ્પા રોજ પાંચથી છ ત્યાં અંગ્રેજી બોલતા શીખવા જવા લાગી.

અઠવાડિયા બાદ હું પ્રોફેસરને મળ્યો પણ ખરો એય અમારી જેમ રીટાયર માણસ હતો. કઈ ખાસ કામ નઈ એની પાસે. સવારે કોલેજમાં અંગ્રેજીના બે લેકચર લઇ આવે ને ત્યારબાદ છોકરાઓને અંગ્રેજીનું ટ્યુશન આપે. એને મળ્યા પછી મને ખબર પડી કે સુંદરે એને સરત વાળી વાત કરી હતી એટલે એ જલ્પાને એડી ચોટીનું જોર લગાવીને અંગ્રેજી શીખવી રહ્યો હતો.

પંદરેક દિવસ પછી ફરી અમારી મુલાકાત થઇ. એ દિવસે રઘુનાથ મારા મોલ ઉપર સાંજના સમયે કરિયાણું ખરીદવા આવ્યા હતા. મેં એમનું સ્વાગત કર્યું અને થોડીક ઓપચારિક વાતો પછી  મેં માત્ર ઉત્શુકતા ખાતર પુછ્યું, “જલ્પા કેવું શીખી રહી છે?”

“એ છે તો આઠ ધોરણ પાસ પણ છે હોશિયાર. એને ભણવાનો મોકો નથી મળ્યો નહીતર એ જરૂર આગળ વધે એવી છોકરી છે. એને અંગ્રેજી વાંચતા તો આવડતું  હતું ને પંદર દિવસની મારી મેહનત બાદ હવે તો એ અંગ્રેજીની ટૂંકી વાર્તાઓ વાંચી એનો અર્થ પણ સમજવા લાગી છે.” રઘુનાથે ગર્વથી કહ્યું.

“સારું કહેવાય.” હું મનોમન ખુશ પણ થયો કે એ બિચારીને કૈક તો શીખવા મળ્યું!

સમય ધીમે ધીમે વીતવા લાગ્યો અને આખરે એ દિવસ આવી ગયો. બે મહિના પુરા થઇ ગયા. એ દિવસે અમે ત્રણેય સુંદરના ઘરે ભેગા થયા રઘુનાથને પણ ત્યાં બોલાવવામાં આવ્યા.

“શું અમારી વિધાર્થીની તૈયાર છે?” સુંદરે રઘુનાથ તરફ જોઈ કહ્યું.

“હા, તમે એને ગમે તે પૂછી શકો છો.  હવે એ તમારી સાથે અંગ્રેજીમાં વાતચીત કરી શકે એટલી કબીલ થઇ ગઈ છે.” રઘુનાથે કહ્યું.

“એમ નહિ, અમારી કંપનીના મેનેજરની આવતા અઠવાડિયે મેરેજ એનીવર્સરી છે. એ એનીવર્સરી પાર્ટીમાં બધા હાઇફાઇ મેહમાનો વચ્ચે એ બધાથી અંગ્રેજીમાં વાતચીત કરી શકે અને બધાને લાગે કે એ કોઈ વી.આઈ.પી. છે તો માનીએ.” પોતે શરત હારી ના જાય એ માટે એક કીમિયો આજમાવ્યો.

સુંદર વચ્ચે બોલવા જતો હતો ત્યાજ રઘુનાથે કહ્યું, “બસ એને સારા કપડા પહેરાવીને લઇ જજો.”

અને અઠવાડિયા પછી જયારે કંપની મેનેજરની મેરેજ એનીવર્સરીમાં જલ્પાએ બીજા શેઠિયાઓની છોકરીઓ કે જે ગ્રેજુએટ હતી એમનેય ફિક્કી પાડી દીધી ત્યારે હું તો આભોજ બની ગયો. મારી પોતાની દીકરી કાજલ પણ ત્યાં હતી. એય કોલેજ પાસ છે પણ એ ડોન્ટ મેક ઈશ્યુ અને એક્ચુલી જેવા આંઠ દસ શબ્દો શિવાય કોઈજ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી શકતી ન હતી.

એ એનીવર્સરીની પાર્ટીમાં ઘનશ્યામ શરત હારી ગયો.  ત્યારબાદ પણ અમે ત્રણેય મિત્રો રોજની જેમ ભેગા જ બેસતા. પણ મને એકાદ અઠવાડિયા પછી જલ્પા ક્યારેય કામ પર આવતી દેખાઈ નહિ. મેં ઘનશ્યામને કઈ પૂછ્યું નહિ મને એમ કે કદાચ એને બીજે ક્યાંક વધુ પૈસા મળે એવી જગ્યાએ કામ મળી ગયું હશે.

એ વાતને એકાદ મહિનો વીતી ગયો અને એક દિવસ હું મારા મોલ પર બેઠો હતો. લગભગ સાંજના પાંચેક વાગ્યાનો સમય હતો. મોલનો દરવાજો ખુલ્યો અને જલ્પા મારા મોલમાં દાખલ થઇ. મને નવાઈ લાગી કે જલ્પા અહી કેમ? એ લોકો ક્યાં મોલમાંથી વસ્તુ ખરીદે? મોલની ખરીદી એમને ક્યાં પોસાય? એતો એમના જ વિસ્તારની કોઈ નાનકડી દુકાનેથી વધુમાં વધુ એકસાથે સો રૂપિયાનું કરિયાણું ખરીદે! પાંચસો  ગ્રામ ખાંડ, વીસ રૂપિયાની ચા પત્તી, દસ રૂપિયાવાળું લાલ મરચા પાવડરનું રામદેવ મસાલાનું પાકીટ બસ આજ હોય એમનું બજેટ. વળી ચાર દિવસે એની એજ ખરીદી હોય. વધી વધીને વધે તો એકાદ ચીજ વધે જેમકે ચા માં નાખવાનો મસાલો કે શાકનો મસાલો. હવે એ વસ્તુઓ ખરીદવા આટલે દુર મોલમાં આવવું ક્યાં પોસાય?

“આવ બેટા જલ્પા.” મેં કહ્યું. એ કાજલની ઉમરની હતી એટલે હું એને મારી દીકરીની જેમ જ બેટા કહીને બોલાવતો. એય મને કાકા જ કહેતી.

“બસ આ શહેર છોડને જઈ રહી છું એટલે છેલ્લીવાર તમને મળવા આવી છું.  કેમકે એક તમેજ છો આ શહેરમાં જેને મારા પ્રત્યે થોડી કે ધણી પણ લાગણી છે.” જલ્પાએ કાઉનટર પાસે ઉભા રહી સીધું જ કહ્યું.

“કેમ શહેર છોડી? મેં નવાઈથી કહ્યું.

“અંગ્રેજી શીખી એ બે મહિના દરમિયાન મેં રસ્કિન બોન્ડ અને ઓ હેન્રી જેવા કેટલાયે મહાન લેખકોની સારી સારી વાર્તાઓ વાંચી અને એમાંથી હું ઘણું બધું શીખી. આમ તો અમારી પછાત લોકોની જીંદગી ઢોર જેવી હોય છે પણ અમને કોઈજ દુ:ખ થતું નથી. ઢોરને જેમ એનો માલીક દોરે એમ ચાલ્યું જાય એમ અમે અમારી જીંદગી જે તરફ દોરે એ બાજુ ચાલ્યા જઈએ પણ એ બધું વાંચ્યા અને સમજ્યા પછી મને ખબર પડી કે સ્વમાન કોને કહેવાય? જીવન એટલે શું? અને હવે હું એ મારું જુનું કામ કરી શકવાને કાબીલ નથી રહી.”

“પણ હવે તને સારું અંગ્રેજી આવડે છે. તું ક્યાંક નોકરી શોધી લે કે બાળકોને અંગ્રેજી શીખવે તો ય ચાલે. તારે એ કામ કરવાની જરુર જ ક્યાં છે?” મેં કહ્યું.

“એય પ્રયત્ન કરી જોયો. મારી પાસે કોઈ ડીગ્રી નથી એટલે શાળામાં કે કોઈ સંસ્થામાં નોકરી મળી શકે એમ નથી. બાળકોને ભણાવવાનો પ્રયત્ન કર્યો પણ જયારે ખબર પડે કે હું એ પછાત અને ગંદા વિસ્તારમાં રહું છું એટલે કોઈ માતાપિતા પોતાના બાળકોને એ શરાબીઓના વિસ્તારમાં મુકવા તૈયાર નથી થતા.”

“તો લોકોના ઘરે હોમ ટ્યુશન લઈ લે ને?” મેં સલાહ આપી.

“એય કરી જોયું પણ લોકો એક અજાણી છોકરીને પોતાના ઘરે કાયમ આવવા દેતા પહેલા એનું બેકગ્રાઉન્ડ જાણે છે ને જયારે એમને ખબર પડે કે હું એમના ગામના દારૂડિયા ધનાની દીકરી છું એટલે અમે પછી ફોન કરીશું કહીને લોકો વાત ટાળી દે છે. ત્યારબાદ કોઈનોય ફોન આવતો જ નથી. લોકોને અમારા જેવા ગરીબ પાસે કચરા પોતા કે નીચું કામ કરાવવામાં વાંધો નથી એમના ઘરે મજૂરી કરીએ તો વાંધો નથી પણ ઊંચા કામ માટે એ લોકો અમને ક્યારેય પસંદ નથી કરતા.”

એની વાત સાચી હતી પણ કોઈ ઉપાય ન હતો. છતાં મેં વધુ જાણકારી મેળવવા પુછ્યું, “પણ એમાં શહેર છોડવાથી શું ફાયદો થશે?”

“મારો દારૂડિયો બાપ પૈસા ખાતર મને એના જેવા જ એક દારૂડિયા સાથે પરણાવવા માંગે છે. જો મારામાં આ બધું જ્ઞાન ન આવ્યું હોત તો હુ મારી મા જેમ એક દારૂડિયા જાથે જીવન વિતાવી નાખત પણ હવે એ શક્ય નથી. મારું જ્ઞાન મારા માટે શ્રાપ બની ગયું છે એ જ્ઞાન સાથે હવે એ ગંદા વિસ્તારમાં રહેવું શક્ય નથી. આ શહેર હવે મને સારા વિસ્તારમાં ક્યાય સ્થાન આપે એમ નથી એટલે જ હું આ શહેર છોડી ક્યાક એવા સ્થળે જવા માંગું છું જ્યાં જ્ઞાનની  કદર હોય. કાગળ પર છાપેલી ડીગ્રીની કે ઊંચા ઘરે જન્મેલ વ્યક્તિની નહિ.” જલ્પાએ કહ્યું એની આંખોમાં પાણી આવી ગયું હતું.

“બેટા એવું શહેર તને દુનિયામાં ક્યાય નહિ મળે. આવતી કાલથી મારા મોલ પર કામ કરવા આવતી રહેજે. કોમ્પ્યુટર પર અંગ્રેજીમાં બીલ બનવવાના હોય છે. વધુ પગાર તો નહિ આપી શકું પણ મહીને પાંચ હજાર રૂપિયા આપીશ.” મેં કહ્યું.

“આભાર કાકા તમે મારા માટે ભગવાન જેવા છો. એટલા રૂપિયા જો દર મહીને ઘરે લઇ જઈશ તો ઘણા છે. કમસે કમ મારા શરાબી બાપ માટે તો ઘણાજ છે. એ મને કોઈ શરાબીના હવાલે તો નહિ જ કરે. હું કાલથી કામ પર આવી જઈશ,” કહી એ મોલમાંથી બહાર ચાલી ગઈ.

મેં મોલમાં ચારે બાજુ નજર દોડાવી. કોઈ મારી તરફ જોઈ તો નથી રહ્યું ને? પછી હળવેથી મારી આંખના ખૂણા લુછી નાખ્યા. પણ હજુયે એના એ શબ્દો મારા મનમાં ચકરી લઇ રહ્યા હતા, “જ્ઞાન મારા માટે શ્રાપ છે.“ અને મને સહેદેવની યાદ આવી જેના માટે એનું જ્ઞાન શ્રાપ હતું.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “શ્રાપ”

Comment here