હર્ષ એક પ્રખ્યાત લેખક હતો. એનું તખલ્લુસ ‘રાહી’ લોકોમાં ખૂબ જ પ્રચલિત હતું. નાની ઉંમરથી જ હર્ષને ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ અને પકડ હતી. હર્ષનું શિડયુલ એટલું બધું બીજી હતું કે એને નવરાશ તો ભાગ્યે જ મળતી.
સોસીયલ મીડિયા ઉપર, ઓનલાઈન સ્ટોર ઉપર અને ફીઝીકલ સ્ટોર ઉપર એની નવલકથાઓ અને વાર્તા સંગ્રહો ધૂમ મચાવતા હતા. દેશ વિદેશમાં એના પ્રોગ્રામ ગોઠવાતા. છતાં ગમે તેમ કરીને એ એના વાંચકો માટે એક સ્ટોરી તો ફેસબુક ઉપર પોસ્ટ કરતો જ. એ બધા વાંચકોને ભુલ્યો નહોતો જેમણે એને શરૂઆતના દિવસોમાં સહકાર આપ્યો હતો અને એના લેખોને પ્રતિભાવ આપ્યા હતા. એ બધાજ વાંચકો માટે હર્ષ એક સ્ટોરી મુકતો.
શરૂઆતના દિવસોમાં તો એની પાસે માંડ હજાર જેટલા વાંચકો હતા પણ હવે તો એના ફેસબુક પેજ ઉપર પણ બે લાખ ફોલોવર હતા.
આજે સવારે જ હર્ષને એના લંગોટિયા મિત્ર રાહુલનો ફોન આવ્યો હતો એણે કહ્યું હતું કે હું સાંજે આવીશ એટલે હર્ષે સાંજની ઇવેન્ટ કેન્સલ કરી દીધી હતી.
સાંજે એ રાહુલની રાહ જોતો બેઠો હતો. હર્ષે સવારે પોસ્ટ કરેલી સ્ટોરી ઉપર વાંચકોનો પ્રતિભાવ જોવા માટે ફેસબુક ઓપન કરી. તેત્રીસ હજાર લાઈક, ત્રણ હજાર કોમેન્ટ અને 9 હજાર જેટલી શેર બતાવતી હતી. એ બધી કૉમેન્ટ્સ તો વાંચવી શક્ય નહોતી પણ તેમ છતાં એણે એક નજર કૉમેન્ટ્સ ઉપર કરી. છેલ્લે આવેલી કૉમેન્ટ્સ ઉપર એની નજર સ્થિર થઈ ગઇ. મોનીકા ગાંધીએ લખ્યું હતું…..
“સુપર્બ સ્ટોરી. સર કિપ ઇટ અપ. ગોડ બ્લેસ યુ સર.”
મોનીકા નામ જોતા જ હર્ષને ભૂતકાળના બધા વર્ષો તાજા થઇ ગયા. એ સમયે હર્ષ કોલેજમાં હતો. મોનીકા પટેલ એની ક્લાસમેટ હતી. હર્ષ સીધો અને ભોળો છોકરો હતો એટલે એને ખબર નહોતી કે મોનીકા એને ક્લાસમાં જોયા કરતી. પણ રાહુલ એને કહેતો, “આ મોનીકા તારા પ્રેમમાં ગળાડૂબ છે.”
“પણ મારે નથી ડુબવું ભાઈ. હું કોઈ અમીર બાપનો લાડલો નથી કે જવાની પ્રેમમાં કાઢી દઉં અને મારા પરિવારને હમેશા ગરીબી જ ભોગવવી પડે.” હર્ષ ચીડાઈને બોલ્યો.
“તું ભલે ગમે તે કહે એક દિવસ આ મોનિકાની આંખોમાં તારું જહાજ આખુંય ડૂબી જવાનું.” રાહુલ એને ઓર ખિજાવતો.
અને થયું પણ એવું જ હતું ધીરે ધીરે હર્ષ મોનિકા તરફ ખેંચાવા લાગ્યો હતો. કોલેજના બીજા વર્ષે તો એ મજનું નામે ઓળખાતો થઈ ગયો હતો. પણ મોનિકાનો પ્રેમ ખાસ ટક્યો નહોતો. જ્યારે ત્રીજા વર્ષમાં પાર્થ એ કોલેજમાં આવ્યો ત્યારે મોનીકા પાર્થના પૈસા અને દેખાવડો ચહેરો જોઈને એના પ્રેમમાં પડી ગઈ હતી. મોનીકા કોઈ ભોળી કે સીધી છોકરી નહોતી. એ બસ હર્ષની હોશિયારી દેખીને જ એના પ્રેમમાં પડી હતી. જ્યારે પાર્થની સુખ સમૃદ્ધિ પૈસા દેખ્યું કે એ તરત એના સાથે ભળી ગઈ હતી.
હર્ષ મોનિકાના લુચ્ચા સ્વભાવ અને પાર્થ સાથેના સંબંધથી અજાણ હતો પણ પાર્થને તો હર્ષ આંખમાં કંકરની જેમ ખૂંચતો હતો. એ ચાહતો હતો કે હર્ષ એના અને મોનિકાના વચ્ચેથી હંમેશા માટે ખસી જાય તો એને મોનીકાને ભોગવવાની તક મળી જાય. પાર્થના પૈસાને લીધે એને કોલેજમાં અને કોલેજ બહાર પણ લુખ્ખા તત્વોથી દોસ્તી હતી. પાર્થે એ લોકોને પૈસા આપી અને હર્ષનો એક્સીડેન્ટ કરાવી દીધો. એક્સીડેન્ટમાં હર્ષને એક હાથમાં અને પાંસળીઓમાં ગંભીર ઇજા થઇ હતી. હાથમાં તો એને રોડ પણ નાખવો પડ્યો હતો.
હર્ષનો હાથ અને પાંસળી સાજા તો થઈ ગયા હતા પણ એ બધામાં છ મહિના નીકળી ગયા હતા. એ છ મહિનામાં પાર્થ એના મનસૂબા પુરા કરવામાં સફળ થઈ ગયો હતો. મોનીકા પણ હવે હર્ષને ભાગ્યે જ ફોન મેસેજ કરતી.
હર્ષ હવે ચાલતો ફરતો તો થઈ ગયો હતો પણ હજુ એ વધારે ચાલે તો છાતી મા દુખાવો થયા કરતો. એ દુખાવા કરતા પણ એક બીજો દુખાવો છાતીમાં ડાબી તરફ થતો હતો. મોનીકા નામનો દુખાવો!
એ દિવસે મોનિકાનો મેસેજ આવ્યો હતો, “કોલ મી જાનું.”
હર્ષના મોબાઈલમાં માત્ર બે ત્રણ રૂપિયા બેલેન્સ હતું એટલે એણે ફોન કરવાને બદલે મેસેજમાં જ રીપ્લાય આપ્યો હતો.
“મોની, બેલેન્સ નથી અને હમણાં તો પૈસા પણ નથી સોરી. એ વાત નું દુઃખ છે કે તું મને આ છ મહિનામાં એકવાર પણ મળવા ન આવી.”
હર્ષે રાહ જોઈ પણ કોઈ જવાબ આવ્યો નહિ. હર્ષ ઘરમાં કંટાળી ગયો હતો એટલે એ છત ઉપર ગયો. એ ઠંડી હવામાં મન મનાવતો હતો ત્યાંજ રાહુલ આવ્યો, “કેવું છે દોસ્ત હવે?”
“સારું છે. પણ મોનીકા આજ કાલ મને ભૂલી ગઈ છે એનું દુઃખ છે.” ઉદાસ થઇ હર્ષ બોલ્યો.
“દેખ દોસ્ત મેં એક મોટી ભૂલ કરી છે અને એ હું તારા અકસ્માત વખતે જ કહેવા માંગતો હતો પણ તારી હાલત ઠીક નહોતી એટલે મેં તને એટલા દિવસ નહોતું કહ્યું.” પોતે કોઈ ભૂલ કરી હોય એમ એ બોલ્યો.
“એવું તો શું છે?”
“એજ કે મોનિકાને ભૂલી જા.”
“અરે દોસ્ત આ શું બોલે છે તું? તું મને શુ પ્લે બોય સમજે છે?” ઠપકા ભરી નજરે હર્ષ બોલ્યો.
“ના દોસ્ત તારું દિલ તો ચોવીસ કેરેટ સોનુ છે પણ મોનીકા પ્લે ગર્લ છે.”
“રાહુલ.” હર્ષે એને કોલરથી પકડ્યો, “તું મારો દોસ્ત છે કે દુશ્મન?”
“દોસ્ત છુ એટલે જ કહું છું નહિ તો મને શું મતલબ? તને ખબર છે તારો એક્સીડેન્ટ કેમ થયો?”
“એટલે તું કહેવા શુ માંગે છે? સાફ સાફ બોલ.” હર્ષ અકળાઈ ગયો હતો.
“પાર્થે તારો એક્સીડેન્ટ કરાયો હતો જેથી તું મોનીકાથી દુર થાય અને એ મોનિકાને ભોગવી શકે.” પોતાના કોલર છોડાવતા રાહુલ બોલ્યો.
હર્ષ કાઈ બોલી નહોતો શક્યો. એ બોલે તો શું બોલે?
“તને વિશ્વાસ નઇ થાય પણ આ જ સચ્ચાઈ છે. હું તને એટલા દિવસ કહેતો નહોતો પણ જે મોનીકા તને જાનું જાનુંના મેસેજ કરે છે એ પાર્થ સાથે બધી ઐયાસી કરી ચુકી છે.” રાહુલે હકીકત છતી કરી.
પવન જાણે વહેતો જ બંધ થઈ ગયો હોય એમ હર્ષની છાતીમાં ગૂંગળામણ થઈ. પારાવાર દુઃખ થયું અને એ દુઃખ ઝાકળ બનીને આંખોથી નિતરવા લાગ્યું. રાહુલે એને આસ્વાશન ન આપ્યું એને ધરાઈ ને રડી લેવા દીધો. થોડી વાર પછી હર્ષ બોલ્યો, “તારો ફોન આપ. ”
રાહુલે કાઈ પણ પુછ્યા વગર ફોન આપ્યો. હર્ષે એક નમ્બર ડાયલ કર્યો
“હેલો કોણ?” સામેથી મોનિકાનો અવાજ આવ્યો.
“હર્ષ….. તે મને મેસેજનો જવાબ કેમ ન આપ્યો?”
“કોઝ તારી પાસે બેલેન્સના પૈસા નથી તું મને શુ ખુશ રાખવાનો હર્ષ?” એ બેફિકર થઈને બોલી.
“આજે પૈસા નથી તો શું થઈ ગયું?” હર્ષ હજુ રડતો હતો.
“અરે તારી પાસે ક્યારેય નઇ હોય સમજ્યો તું? અને આ રડવાના નાટકના બતાવ એટલીસ્ટ મારી આગળ તો ન જ બતાવ પ્લીઝ. આઈ ડોન્ટ કેર.”
“આ તું બોલે છે કે પાર્થના પૈસા?”
“ઓહ તો તને એ પણ ખબર છે એમ ને? તો સાંભળ યસ આઇ લવ હિમ એન્ડ આઇ વિલ મેરી હિમ ટુ. નાઉ ફાઇન્ડ યોર વે. ગુડ બાય.” ફોન ડિસ્કનેક્ટ થઇ ગયો ને એક સબંધ પણ!
“જોઈ લીધું ને હર્ષ? એને તારી કોઈ ફિકર નથી. સાલી પેલા તો તને કેવી જાનું જાનું કરતી હતી અને હવે કઈ રીતે વર્તે છે સાલી ર………” રાહુલ ગાળો ભાંડવા લાગ્યો.
“રાહુલ, એમા એનો કોઈ વાંક જ નથી યાર. ગરીબીમાં જીવેલા માણસો છે ને ગટરના કીડા જેવા હોય છે વરસાદ આવે અને ગટર ઉભરાય એટલે એ એમ સમજે કે અમે ગંગા નદીના રહેવાસી છો પણ જ્યારે વરસાદ બંધ થાય ત્યારે ફરી એજ ગટરમાં જીવતા થઈ જાય.”
“હવે તું એને છોડ અને તું એને બતાવી દે કે તું શું છે.” રાહુલ એના ખભા પકડી બોલ્યો.
“હું એને બતાવવા માંગતો જ નથી દોસ્ત. મને એના માટે લાગણી હતી હું એને સુખી કરવા માંગતો હતો પણ એને પૈસાદાર છોકરાઓની ફિતરત ક્યાં ખબર જ છે અને પાર્થ તો બે મહિને એની ગાડી પણ બદલી દે છે મને બસ એજ અફસોસ છે કે એ કોઈ સારા…..”
“તને અહીં દુનિયાની ફિકર કરવા માટે ભગવાને નથી મુક્યો સમજ્યો તું. અને એવા લોકો સાથે જે થાય એ સારું જ કહેવાય હર્ષ.” હર્ષનો હાથ પોતાના માથા ઉપર મૂકીને એ બોલ્યો, “તને આ દોસ્તીની કસમ છે જો એના વિશે ક્યારેય વિચાર્યું તો અને તું તારા ટેલેન્ટનો ઉપયોગ કર. તારે એનો નહીં તારા બીમાર પપ્પાનો વીચાર કરવાનો છે. તારા ઘરનો વિચાર કરવાનો છે હર્ષ.”
હર્ષ કાઈ બોલે એ પહેલાં જ એને દુખાવો થવા લાગ્યો. રાહુલ એને નીચે લઇ ગયો અને દવા આપી. પછી જ્યારે રાહુલ ગયો ત્યારે એનું મન વિચારે ચડી ગયું હતું. શુ કમી હતી મારી અંદર? મેં એને કેટલી હસાવી. એના માટે મારા દિલમાં કેટલી લાગણીઓ હતી? એ બધાની કોઈ જ કિંમત નથી.
હર્ષે એક નોટબુક અને પેન ઉઠાવી લખવા માંડ્યું….. લખતો લખતો એ ક્યારે સુઈ ગયો એ ખબર જ ન રહી.
બીજા દિવસે હર્ષ લખતો હતો ત્યારે રાહુલ આવ્યો.
“નમસ્તે આન્ટી.” કહી હર્ષના હાથમાંથી કપ લઇ એ ચા પીવા લાગ્યો, “શુ દેખે છે ભાઈ? તને બીજી ચા મળશે આમ નજર ના લગાવ.” વાતાવરણ હળવું કરવા રાહુલે મજાક કરી.
હર્ષની મમ્મી રસોડામાં ચા લેવા ગયા એટલે એ ફરી બોલ્યો, “હર્ષ હવે હસીલે યાર નઈ તો મને દુઃખ થશે.” એ ગંભીર થઈને બોલ્યો એટલે હર્ષ હસી પડ્યો.
“અરે આ શું છે?” હર્ષે લખેલા કાગળ લઇ એ વાંચવા મંડયો.
“અરે વાહ શુ લખાણ છે યાર?”
“ચલ મજાક ના કર હવે.”
“અરે તારી કસમ દોસ્ત આ લખાણ આ સ્ટોરી વાંચીને કોઈ પણ રડવા લાગે તને વિશ્વાસ નથી ને?”
“ના જરાય નઇ.”
“ઓકે વેઇટ.” કહી રાહુલે લખાણના ફોટોસ લીધા.
“આ તું શું કરે છે યાર?” હર્ષને કાઈ સમજાતું નહોતું.
“તને પ્રુવ કરી બતાઉ છું કે તું શું ચીજ છે!” કહી રાહુલે એ ફોટોસ ફેસબુક ઉપર અપલોડ કરી દીધા.
“આ તું શું કરે છે યાર? મારી સ્ટોરી તું ફેસબુક ઉપર પોસ્ટ કરે બધાને ખબર પડી જશે.” હર્ષ ચીડાઈને બોલ્યો
“તારી સ્ટોરી છે એટલે જ તો અંદર લાગણીઓ ગૂંથાઈ છે દોસ્ત અને એટલે જ આ સ્ટોરી તને ક્યાંય લઈ જશે.”
હર્ષના મમ્મી ચા આપવા આવ્યા એટલે રાહુલ બોલ્યો, “આન્ટી, તમારો હર્ષ હવે સેલિબ્રિટી બનવાનો છે.”
“કેમ?”
“અરે આ દેખો?” કહી રાહુલે મોબાઈલ આગળ કર્યો. હર્ષે જોયું અંદર લાઇક્સ અને કૉમેન્ટ્સનો ઠગલો હતો.
પછી તો મમ્મીએ અને રાહુલે એને સમજાવ્યો કે તું લખ. તારી કલમ માં જાદુ છે એટલે હર્ષ એ દિવસથી લખવા લાગ્યો. શરૂઆતના દિવસોમાં તો એને તકલીફ પડી હતી કઈ કેટલાય લોકોએ એને નિરુત્સાહિત પણ કર્યો હતો પણ રાહુલ હંમેશા એને કહેતો, “આ મિત્રની દિલથી દુવા છે. તું એક દિવસ નામ કમાઈશ.”
અને બે વર્ષના સમયમાં એ આખા ગુજરાતમાં ‘રાહી’ તખલ્લુસથી લોકપ્રિય બની ગયો હતો.
આજે મોનીકા નામ જોઈ હર્ષને ભૂતકાળ યાદ આવી ગયો. એણે પોતાના વિશાળ ઘરમાં એ બદદુવા યાદ આવી ગઈ. “તારી પાસે ક્યારેય પૈસા નઈ હોય.” અને એક ટીપું એની આંખમાંથી સરી મોબાઈલ ઉપર પડ્યું અને મોનીકા નામ ધૂંધળું થઈ ગયું!
“હલો જીનિયસ.” કહેતો રાહુલ અંદર આવ્યો અને એને ભેટી પડ્યો.
“અરે દોસ્ત લાખોની દુવા તારી સાથે છે ને તારા આંખમાં આ મોતી?” રાહુલે કહ્યું.
“મોનિકાને પાર્થે ક્યાયની નથી છોડી રાહુલ.” એ ગમગીન અવાજે બોલ્યો.
“કેમ શુ થયુ?” રાહુલે બેગ મુક્ત પૂછ્યું.
“એના ભાઈનો એક્સીડેન્ટ થયો છે અને મોનિકાએ જ્યારે પાર્થ પાસે હાથ લાંબા કર્યા તો એણે સંબંધ તોડી દીધો.” હર્ષ વધારે બોલ્યો નહિ કે બોલી શક્યો નહિ?
“તો કર્મોના ફળ તો મળેજ ને? અને તારે એના વિશે વિચારવાની કે જાણવાની કોઈ જરૂર નથી સમજ્યો નહિ તો હું ક્યારેય નહીં આવું તને મળવા. હું છેક બીલીમોરાથી તને રડતો જોવા નથી આવ્યો.” રાહુલ લાલચોળ થઇ ગયો.
“પણ રાહુલ એવુ વિચારીને આપણે એના જેવું જ થવાનું? અને એમાં એના ભાઈની શુ ભૂલ?” હર્ષ ઊંડાણથી બોલ્યો.
“તો હવે તું શું કહેવા માંગે છે? જેણે તને જીંદગીભર ભિખારી રહેવાની બદદુવા આપી એના માટે તું દુવા કરીશ એમ?” રાહુલ લાગણીઓમાં વહી રહ્યો હતો એને મોનિકાના એક એક શબ્દ યાદ હતા.
“રાહુલ, દુવા નઈ તો દવા તો કરી શકું ને? તું મારુ એક કામ કરીશ પ્લીઝ?” બે હાથ જોડીને હર્ષ બોલ્યો.
“વાહ દોસ્ત તું ખરો છે. બીજા માટે પણ હાથ જોડતા તને ખચકાટ નથી થતો. બોલ કઇ હોસ્પિટલમાં કેટલા રૂપિયા પહોંચાડવા છે?” રાહુલ હર્ષની આંખોમાં જ એની વાત વાંચી ગયો હતો.
“આ દસ લાખ રૂપિયાનો ચેક છે. તું પહોંચાડી દેજે પણ તને મારી કસમ છે દોસ્ત એ દગાબાજને મારુ નામ ન આપતો પૈસા સીધા જ ડોક્ટરને આપજે.”
રાહુલ ચેક લઈને નીકળ્યો પણ દરવાજે જતા અટકી ગયો. એક નજર પાછળ કરી હર્ષનો ચહેરો જોઈ એ ફરી નીકળી ગયો.
© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’